૧૧મુ સાહિત્ય સંમેલન

મહેંક માટીની માણવા અમે સૌ નીકળ્યાં,

મૂળ ઉખડ્યાની પીડા ઓછી કરવા નીકળ્યાં.

દર બે વર્ષે ઉત્તર અમેરિકાની ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાનું સાહિત્ય સંમેલન ભરાય છે. લગભગ સપ્ટેમ્બર મહિનામાં ભરાતું હોય છે. તે ગઈકાલે સમાપ્ત થયું, હવે ફરી બે વર્ષે ભરાશે તેની રાહ જોવાનું અત્યારથી ચાલું થઈ ગયું. અમેરિકાના વ્યસ્ત જીવનમાં સમરસિયા મિત્રોને મળવાનો સાથે બેત્રણ દિવસ રહેવાનો એકમાત્ર આ પ્રસંગ બે વર્ષે આવે છે. ઘણા મિત્રોનું સૂચન હોય છે કે દરવર્ષે આ સંમેલન ભરાવું જોઈએ.

મેં તો મહિના અગાઉથી પહેલી ઈ-ટપાલે જ મારો આગવો કક્ષ દૂરભાષ સેવા દ્વારા નોંધાવી દીધેલો. સ્થાનિક સર્જકોની અભિવ્યક્તિનો કાર્યક્રમ ત્રીજા સમાપન દિવસે હોય છે તેનું સંચાલન શ્રી અશોક વિદ્વાંસ દ્વારા થતું હોય છે, એમને મારી વાર્તા પણ ઈ-ટપાલ દ્વારા મોકલી દીધેલી. એક લેખ પણ મોકલેલો. કારણ લેખ લખવામાં આપણી માસ્તરી છે, વાર્તા લખવામાં નહિ અને કવિતા લખવામાં જરાય નહિ. અશોકભાઈનો ઉત્તર આવ્યો કે વાર્તા રાખીએ તેમાં મજા આવશે, પણ સાત/આઠ મિનિટમાં પઠન પૂરું થઈ જાય તો યોગ્ય કહેવાય. મેં એના માટે જરૂરી અભ્યાસ પણ કરી લીધો. જેથી બીજા સાથી મિત્રોનો સમય ખાઈ ના જાઉં.

ઘણીવાર એવું થાય કે જરૂરી સામાન, કપડાં, દાઢીકતરણ માટેના સાધનો બધું લઈએ ત્યાં દંત શુદ્ધિકરણ માટેની કચકડાની દંડી ભૂલી જઈએ અને તે લીધી હોય તો ફીણ ઉપજાવતું દંતમંજન ભૂલી જઈએ. છતાં બધું યાદ કરી કરીને લીધું મારા ચારચક્રી વાહન જિપમાં બેસી હંકારવાનું ચાલું કરી દીધું બે માઈલ જઈને યાદ આવ્યું કે જે વાર્તા મારે પઠન કરવાની હતી તે મુદ્રણ કરેલા પાના જ ઘેર ભૂલી ગયો છું. હહાહાહા મિત્રોને મળવાની તાલાવેલી એવી હતી કે ઉતાવળા સો બહાવરા ન્યાયે હું જ ભૂલકણો સાબિત થયો. વાહન પાછું લીધું ઘેર ફટાફટ વાર્તાના કાગળો લઈને પાછી હંકારી મૂકી નવા જર્સી તરફ. અરે ભાઈ હું પેન્સીલવેનિયાના સ્ક્રેન્ટન શહેરમાં રહું છું તે નવા જર્સી તરફ જ હંકારું ને? ગામ પહેલો પહોચી જઈને નોંધાવેલા કક્ષની કૂંચી લઈ અકાદમીના મેજ પર જઈ મારું આગમન પણ નોંધાવી દીધું જે જરૂરી હોય છે.

આ કક્ષને શયનકક્ષ પણ કહેવાય એમાં શરમાવાનું નહિ. જોકે શયન એકલા જ કરવાનું હોય મોટાભાગે અને મોટાભાગનાને. છતાંય મને એક કક્ષમા બે પલંગ આપેલા. તે જોઈ હસવું પણ આવેલું. બારીના પડદા ખોલી નીચે જોયું તો અંગ્રેજી ઉભા ઘાટનો ટોપો પહેરેલ એક ભાઈ જોયા. એમની મોટી પૈડાવાલી સંદૂક ઉતારી સવળા ફર્યા ને હૈયામાં હરખના વાવાઝોડા ઉમટ્યા. અરે આતો મારા ભઈ અજય પંચાલ. આવો ટોપો તો એ એકલા જ પહેરે છે આમારા સ્નેહીઓમાં. થયું હવે મજા આવશે સરસ સાથ રહેશે. મેં તરત દુર્ભાષ યંત્ર કાઢી ઘંટડી મારી, એમણે એમનું ગતિશીલ હળવું દુર્ભાષ યંત્ર કાઢ્યું ઉત્તર આપવા. મારો અવાજ સાંભળી તે પણ ખુશ ખુશાલ.

હાથપગ ધોઈ જરા તાજામાજા થઈ પરિચિત મિત્રો સાથે ગામગોઠડી ચાલું થઈ ગઈ. નાનોભાઈ દિલીપ ભટ્ટ એની ચાકોફીની મોટી મોટી સ્ટીલની નળવાલી ટાંકીઓ લઈ ચા કોફીની સેવા માટે સહકુટુંબ હાજર હતો તે જોઈ હરખના વાવાઝોડા સાથે સુનામી આવવા માંડ્યા.

અકાદમીના પ્રમુખશ્રી રામભાઈ મળ્યા. સાહિત્યના રસિયા બેપાંચ મિત્રો વડે શરુ થયેલી ગોઠડી આજે ગામની ભાગોળે ઉભેલા મસમોટા વડલા જેવી સાહિત્ય અકાદમીમાં પરિવર્તન પામી હોય તો એનું શ્રેય શ્રી.રામભાઈ ગઢવીને જાય છે. બધામાં એ વહીવટીય ક્ષમતા હોતી નથી ભલે બીજી બાબતોમાં ગમે તેટલા હોશિયાર હોય. રામભાઈની સાહિત્ય સાથે સાહીત્યકારોની સમજ, સાથે વહીવટીય ક્ષમતા બધું ભેગું થાય ત્યારે ઉત્તર અમેરિકાની ગુજરાતી સાહિત્ય અકાદમી જેવી સંસ્થા રચાય છે, વિકસે છે, વૃદ્ધિ પામે છે અને અમારા જેવા મૂળ ઉખડ્યાની પીડા ભોગવતા મિત્રો ભેગા થઈ એકબીજાને રાહતનો મલમ લગાવતા હોય છે. દેશમાંથી આવેલા મહેમાનો કલાકારો, લેખકો, કવિઓ એમની સાથે માટીની મહેંક લેતા આવતા હોય છે તે માણી ફરી પાછા તાજામાજા થઈ જતાં હોઈએ છીએ. શ્રી. રામભાઈ સાથે દર્શન ઝાલા, આશિષ દેસાઈ અને રથિન જેવા સૈનિકોની સરસ ફોજ છે. આશિષ દેસાઈ બહુ સારા ગુપ્ત મિમિક્રી કલાકાર છે. એમની આ કલાની બહુ લોકોને જાણ નથી. તે એક રીતે સારું પણ છે. જોકે અમને એમણે ખૂબ મનોરંજન કરાવેલું તે ભૂલાય તેમ નથી.

ભાષાવિજ્ઞાની બાબુ સુથારને હું ત્રણેક સંમેલનથી જોઉં છું સાંભળું પણ છું પણ આ વખતે ચહેરાચોપડીએ અમને વધુ નજીક આણ્યા છે. એટલે એમને મળવાની ખાસ ઈચ્છા હતી. એમની અને મારી ભેગી પાડેલી છબી ચહેરા ચોપડીમાં મુકતા એક મિત્રે પ્રતિભાવ આપેલો કે તમે ધન્ય થઈ ગયા બાબુભાઈ સાથે છબી પડાવી જોડે બેસવા મળ્યું. મેં જવાબ આપ્યો કે બાબુભાઈ પણ ધન્ય બન્યા છે મારી જોડે બેસી. હહાહાહા.. બાબુભાઈએ દેશમાંથી પધારેલા મહેમાનો શ્રી રમણ સોની, શ્રી મણિલાલ, શ્રી ઈલા આરબ મહેતા, શ્રી સુમન શાહ, શ્રી મુકેશ જોશી વગેરેની બહુ સરસ ઓળખાણ આપી.

રાત્રે ‘શબ્દ સૂરની પાંખે અમે ગીત ગગનનાં ગાશું’ અન્વયે અમર ભટ્ટ, જાહ્નવી, હિમાલીને સાંભળી ખૂબ મજા આવી. સંચાલન મુકેશ જોશીનું હતું. મુકેશ જોશી એકદમ હળવાશથી સંચાલન કરે છે. ત્રાજવે તોળેલું સંચાલન કહી શકાય. રમૂજ પણ માપની, એમનો સમય લે તે પણ માપનો. મને પહેલાના અતિશય વાચાળ, ઘોંઘાટીયા સંચાલકોના સંચાલનનો પણ અનુભવ છે. જાહ્નવી સરસ ગાય છે તો હિમાલીએ આલાપ અને હરકતોમાં રંગ જમાવેલો. અમર ભટ્ટની તો વાત જ નો કરાય.

બીજા દિવસે મુખ્ય મહેમાન શ્રી રમણ સોનીનું ઉદબોધન હતું વિષય હતો ગુજરતી સાહિત્યનો વર્તમાન અને પહેલા યુગનું સ્મરણ. પછી ગુજરાતી કાવ્યસમૃદ્ધિનો સંગીત સભર અનુભવ અમર ભટ્ટે કરાવ્યો. પછી પ્રથમ બેઠક નવલકથા અને નવલકથાકાર વિશેની હતી. જોકે આ બેઠક હું ચુકી ગયો કારણ મારે મિત્ર જય વસાવડાને નવા જર્સીના એડીશનથી લઈ આવવાના હતા. એ કામ મેં જાતે મારા માથે લીધેલું. એનું મુખ્ય કારણ જય એકવાર સંમેલનના સ્થળે આવી જાય પછી અમને મિત્રોને કોઈ એકલા પડવા ના દે, વાત કરવા ના દે. એ દેશમાં તો લોકપ્રિય છે જ અહિ પણ એટલો જ લોકપ્રિય એટલે બધાને એની સાથે વાત કરવી હોય એમાં મારો ચાન્સ ના લાગે. એટલે જયે જ સૂચવેલું કે અહિ આવી જાઓ તો શાંતિથી વાતો થશે. જય સાથે ગરબા કિંગ ચેતન જેઠવા પણ મળ્યો. એ મારો ચાહક હશે તે મને ખબર નહોતી. અગણિત મિત્રો મને ચુપચાપ વાંચે છે. જાહેરમાં કશું બોલતા નથી કે પ્રતિભાવ આપતા નથી. દમ્ભીસ્તાનની પાખંડી માયાજાળમાં અટવાયેલા મૂક ચિત્કાર કરતા લોકોની જીહ્વા હું છું. એ લોકો કશું બોલી શકે તેમ નથી. બોલે તો વીંખાઈ જાય તેમ છે.

ચેતન જબરો ઉત્સાહી ઉર્જાથી ભરેલો. દેશમાંથી આવેલા મહેમાનોમાંથી ભાગ્યે જ જોવા જાય એવા જોવા જેવા મહત્વના સ્થળો એકલો એકલો જોઈ આવ્યો. જયભાઈ જોડે અંગત વાતો કરતા કરતા પાછા સંમેલન સ્થળે આવી ગયા. અમે આવ્યા ત્યારે શ્રી.અપૂર્વ આશર ડિજિટલ ટેકનોલોજી અને પુસ્તકોનું ભવિષ્ય વિષે દ્રશ્ય શ્રાવ્ય માહિતી આપતા હતા. પછી એ જ વિષય પર બાબુભાઈએ મનનીય પ્રવચન આપ્યું.

ચા/કોફી વિરામ સમયે કે ભોજન સમયે જ ખરી મહેફિલ જામતી હોય છે. જયભાઇએ નેહલ ગઢવી અને સુભાષ ભટ્ટની ઓળખાણ કરાવી. નેહલ તો ચહેરા ચોપડીને કારણે મિત્ર હતી પણ ઝેન અને સુફી ફિલોસોફીના જબરા અભ્યાસુ સુભાષભાઈને મળીને અનહદ આનંદ થયો. મને ચુપચાપ વાંચવામાં નેહલ પણ આવી જાય છે. આ નેહલ મંદબુદ્ધિના બાળકોની શાળામાં જોબ કરે છે પણ એ આ બાળકો વિશે ઉલ્લેખ કરે ત્યારે જે ભાવથી મારા છોકરાં શબ્દ વાપરે એટલે ખ્યાલ આવી જાય કે જોબ નામ તો ખાલી દુનિયાને કહેવા બાકી પોતાના પરિવારને સાચવવા જાય છે. સુભાષ ભટ્ટ જેવા ઝેન્સુફીનો સાથ હોય તો આવા બોધિસત્વ ધરાવતા કરુણામય વ્યક્તિત્વનો જનમ થાય.

ત્રીજી બેઠક કવિતા વિશ્વની નવી તારિકાઓ શ્રી જયશ્રી મર્ચન્ટ, શ્રી નંદિતા ઠાકોર, શ્રી દેવિકા ધ્રુવ અને શ્રી રેખા પટેલ વગેરેની હતી. એમના સર્જનનો લહાવો માણ્યો. રેખા પટેલને તો હું વર્ષોથી ઓળખું છું. કવિતાઓ સાથે વાર્તાઓ પણ લખે છે. નંદિતા બહેન ચહેરા ચોપડીમાં હમણાં જોડાયા છે અમારી સાથે.

બાબુભાઈ સાથે સમય મળે ગોષ્ઠી ચાલતી હોય છે. અજય પંચાલ અને હું સતત સાથે જ હોઈએ છીએ. હવે નિકિતા વ્યાસ પણ જોડાઈ ગયા છે. નીકી મારી નાની બહેન જેવી સમજો. રોબર્ટવુડ હોસ્પીટલમાં કામ કરે છે. મારા શ્રીમતી મૃત્યુ સમીપે તે જ હોસ્પીટલમાં હતા ત્યારે નિકિતા સમય મળે તરત આવી જતાં અને મને ભાંગી પડતો અટકાવી રાખતા. મેટાસ્ટેસીસ કેન્સરનો કોઈ ઉપાય નથી. ૫૧ વર્ષની ઉંમરે ૩૫ વર્ષ સાથ આપી એના કરતા જૂની ઓળખાણ છતાં જાનેવાલે ચલે ગયે રુકે નહિ. પણ એવા કપરા સમયમાં નીકીએ જે માનસિક હિંમત અને ટેકો આપેલો તેનું ઋણ કદી ચૂકવાશે નહિ.

રાત્રે નાટ્ય સંધ્યામાં શૈલેષ ત્રિવેદી અને રૂપલ ત્રિવેદીએ ભવાઈ ભજવી તે અદ્ભુત હતું. પછી ગમી તે ગઝલ અમર ભટ્ટ, જાહ્નવી અને હિમાલીને સાંભળ્યા. ત્રીજા દિવસે તો સમાપન હોય એટલે જે મિત્રો ઝડપાય તેમને ઝડપી લેવાના બને એટલું સાનિધ્ય માણી લેવાનું તસવીરો ખેંચી લેવાની યાદગીરી રૂપે. સ્થાનિક સર્જકોનો આજે વારો હતો. કવિતા વાર્તા જે લખ્યું હોય તે પઠન કરવાનું હતું. અહિ સમયની મર્યાદા હોય છે. બધાને સરખો ચાન્સ આપવાનો હોય છે. જોકે આપણે ભારતીયો સમયની બાબતમાં એટલા સભાન હોતા નથી. બીજાનું જે થવું હોય તે થાય પણ મારી કહેવાનું ખંજવાળ પૂરી કરવાની એટલે કરવાની. આ કોઈ મહેફિલ તો હતી નહિ કે તમારી કવિતાઓની પંક્તિઓ વારંવાર દોહારવાની હોય? પાછળ બીજા કાર્યક્રમ પણ બાકી હતા. છતાં ઘણા મિત્રોએ સમય આરામથી આરોગ્યો. મને આવું બધું જોઈ ગુસ્સો આવે પણ મને ગુસ્સો આવે એટલે હું હસવાનું ચાલું કરું છું. એક સર્જકે તો ગુજરાતી સાહિત્ય અકાદમીનું હિન્દી સાહિત્ય અકાદમીમાં પરિવર્તન કરી નાખ્યું. હહાહાહા મને થયું બેફામ સમય આરોગતા મિત્રો મારા ભાણામાં સમય આવવા નહિ દે પણ પછી નસીબજોગે મારો વારો આવ્યો ખરો. ત્યારે મંચ પરથી મને કહેવાનું મન થયેલું કે હિન્દી સાહિત્ય અકાદમીમાં આપ સર્વેનું સ્વાગત છે. પણ પછી થયું જવા દો યાર. શરૂમાં મારી વાર્તાનું શીર્ષક કહેવાનું જ ભૂલી ગયો હતો. મારી વાર્તા પણ મેં ઝડપથી વાંચી નાખી. મારે બીજા મિત્રોનો સમય ખાવો નહોતો. ઊંચું જોવાનો પણ સમય બગાડતો નહોતો એટલો ગુસ્સો આવેલો. હહાહાહાહા .. શ્રોતાઓ વચમાં વચમાં હસતા હતા તે સાંભળતો હતો. મારી વાર્તા બધાને બહુ ગમી. શ્રી રમણ સોની સાહેબ અને મણીભાઈ સાહેબે ખાસ મને પાસે બોલાવીને શાબાશી આપી. મસ્તિષ્કમાં સુખ અર્પતા રસાયણોનો ધોધ છૂટ્યો.

ત્યાર પછી મુકેશ જોશી, અનીલ ચાવડા અને તુષાર શુક્લની કવિતાઓનો દોર ચાલ્યો. અનીલ ચાવડાએ મંચ ગજવી નાખ્યો. તો તુષારભાઈ એમની સૌમ્ય વાણીમાં બધાને રસતરબોળ કરી નાખ્યા. તુષારભાઈએ એક દીકરીની પિતા પ્રત્યેની લાગણી વર્ણવતું કાવ્ય રજુ કરેલું ‘પપ્પા તમારે મુકવા આવવાનું નહિ’ સાંભળી મારી આંખો ભરાઈ આવેલી.

છેલ્લે સુભાષ ભટ્ટ, નેહલ ગઢવી અને જય વસાવડાની પ્રેમ ગોષ્ઠી હતી. સુભાષભાઈએ એમના ઘરનું નામ સરાઈ રાખ્યું છે. સરાઈ એટલે લોજ જેવું લોકો આવે રાત રહીને જતાં રહે. સુભાષભાઈ ૪૦ વખત હિમાલય ગયા છે. એમનો એક પગ હિમાલયમાં અને બીજો પગ ભાવનગર એમની સરાઈમાં હોય છે. એમણે બનારસ વિષે પુસ્તક લખ્યું છે. શહેરનો પણ એક આત્મા હોય છે. એની આગવી સુગંધ હોય છે. સુભાષભાઈ સુફી અને ઝેન ફિલોસોફીના બહુ મોટા જ્ઞાતા છે. અને એ રીતે જ જીવે છે. નેહલ મંદબુદ્ધિના બાળકોની સ્કૂલમાં સેવા આપે છે. એ મંદબુદ્ધિના બાળકો માટે મારા છોકરાં શબ્દો વાપરે છે એટલે સમજાઈ જાય એના આત્માની ઊંચાઈ. સ્વભાવની રીતે જોઈએ તો સુભાષભાઈ અંતરમુખી છે, મારું પણ એવું જ છે. મને મારા પુસ્તકો પાસે હોય તો મહિનાઓ સુધી એકલો પડ્યો રહું. મને યાદ છે હું એકવાર ટ્રેનમાં બેંગ્લોર ગયેલો. સાથે થોડા પુસ્તકો હતા, માસિક અને અઠવાડિક હતા. ૩૬ કલાકે બેંગ્લોર પહોચેલો પણ બાજુવાળા જોડે મેં વાત ભાગ્યેજ કરેલી. હું ટોળાનો માણસ છું નહિ, એટલે હું ટોળા માટે લખતો પણ નથી. હું mass માટે નહિ ખાસ માટે લખું છું.

જય, સુભાષભાઈ અને નેહલે જલસો કરાવી દીધો. સંમેલનનું સમાપન નેહલે એની આગવી રીતે કર્યું. છેલ્લે ભોજન પછી બધાને છુટા પડવાનું હતું. ઘેર જવાની કોઈને ઉતાવળ હોય એવું લાગતું નહોતું. બને એટલી વાતો કરી લેવાઈ હતી. ફોટા પાડી લેવા હતા. મેં અને અજયભાઈએ પણ બને એટલા મિત્રો સાથે ફોટા પાડી લીધા પડાવી લીધા. ભોજન સમયે અનેક મિત્રો મારી પીઠ થાબડી ગયા કે તમારી વાર્તા મજાની હતી. હું જાણતો ના હોઉં એવી ખૂબીઓ એ મિત્રો કહી ગયા ત્યારે મને ખબર પડી કે મેં સારી વાર્તા લખી છે. એટલે હવે થાય છે કે વાર્તાઓ લખી મિત્રો પર ત્રાસ વર્તાવવાનું શરુ કરવું પડશે. છેલ્લે અજય પંચાલ અને હું છુટા પડ્યા ત્યારે મનમાં એક પ્રકારની ઉદાસી છવાઈ ગયેલી. ત્રણ દિવસ અમે હસાહસ જ કરેલું. મસ્તિષ્કમાં સુખ અર્પતા રસાયણો હવે સામાન્ય થતાં જતાં હતા કદાચ એની ઉદાસી લાગતી હશે.

 

41300450_10214405946035895_1680812017948033024_n

2 thoughts on “૧૧મુ સાહિત્ય સંમેલન”

  1. જે વાચુ દિલ થી માજા આવી કવિ જિંદગી મોં પણ ઉદાશ હોતો નથી અને દુનિયા ને પણ હતાશા મોં થી નીકળવા કવિનો જ સહારો લેવી પડે છે અંતર આત્મા થી કવિ શ્રી ઓ અભિનંદન અને દર સાલ કવિ સંમેલન થાય મારા જેવા ગામડા ના માણશ સુદી મેલ વોચિ આનંદ થયો જ કવિ

    Like

Leave a comment