અવતાર, ઉત્ક્રાંતિનો અસ્પષ્ટ અરીસો

અવતાર ઉત્ક્રાંતિનો અસ્પષ્ટ અરીસો

હાલના વિશ્વના મહાન જીવવિજ્ઞાની(બાયોલોજિસ્ટ) અને બિનસાંપ્રદાયિક માનવaવાદના પ્રણેતા એવા રીચાર્ડ ડૉકિન્સ એકવાર કહેતા હતા કે આપણા સૌથી જુના પૂર્વજ માછલી છે. ત્યારે અચાનક મને આપણી અવતારવાદની પૌરાણિક માન્યતા યાદ આવી ગઈ ને માનસપટલ ઉપર દ્ગશ્ય ઊભરી આવ્યું મત્સ્યાવતારનું ભગવાનનો પહેલો અવતાર માછલીરૂપે. આપણા પ્રાચીન મનીષીઓનાં મનમાં આમ અચેતનરૂપે ક્યાંક ઉત્ક્રાંતિની સમજ તો નહિ હોય ને? ભલે એમના મનમાં ઉત્ક્રાંતિનો સ્પષ્ટ અરીસો નહિ હોય પણ કોઈ ધૂંધળી છબી જરૂર હોવી જોઈએ. આપણે વાર્તા કહેતા વાનરો છીએ. વાર્તાઓ ઘડીને પછી તેને બીજાને કહીને લાખો વર્ષથી માહિતી, જ્ઞાન, આવડત, કૌશલ, કળા, સાહિત્ય વગેરે વગેરે આગળ ધપાવતા આવ્યા છીએ. કોઈ વાત સીધી જલદી ગળે નાં ઊતરે તો વિશિષ્ટ સંદેશાત્મક પ્રતીકો રચી એની વાર્તાઓ ઘડી જ્ઞાન આગળ ધપાવતા રહ્યા છીએ.

આપણે રાત્રે સુતા પહેલા ટુથબ્રશ કરવા બાથરૂમમાં જઈએ, અરીસામાં જોઈએ ત્યારે યુવાન હોઈએ પછી સૂઈ જઈએ, પછી સવારે જાગીને ફરી પાછાં બાથરૂમમાં બ્રશ કરવા જઈએ અને અરીસામાં આપણો ચહેરો જોઈ બૂમ પાડી ઊઠીએ કે હું તો વૃદ્ધ થઈ ગયો. આવું બને ખરું? આપણે યુવા અવસ્થામાંથી રાતોરાત વૃદ્ધાવસ્થામાં તબદીલ નથી થઈ જતા. આપણે જન્મ લઈએ યુવાન બનીએ પછી વૃદ્ધ બનીએ બધા તબક્કા એટલાં ધીમાં હોય છે કે ખબર પડે નહિ યુવાનીમાંથી ક્યારે વૃદ્ધ બની ગયા. યુવતીઓ હમણાં સુધી ભાઈ કહેતી હોય અને અચાનક યુવતીઓ કાકા કે અંકલ કહેવા લાગે ત્યારે ઝટકો લાગતો હોય છે. એટલે તમે કઈ તારીખે કયા સમયે વૃદ્ધ બન્યા તે સવાલ કોઈ પૂછે તો હસવું આવે કે નહિ?

રીચાર્ડ ડૉકિન્સ કહે છે કોઈ તમને પૂછે કે ઈર્ષ્યાનો રંગ કેવો હોય તો આવો સવાલ તમને અર્થહીન લાગે કે નહિ? આમ પહેલો મનુષ્ય કોણ તે સવાલ પણ આવો જ અર્થહીન છે. વધુમાં ડોકિન્સ પૂછે છે એના બુદ્ધિશાળી શ્રોતાઓને કે આપણા પૂર્વજ કોણ? વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા અને ડાર્વિનનાં ઉત્ક્રાંતિવાદમાં વિશ્વાસ રાખનાર કોઈ હશે તો જવાબ આપશે વાનરો અથવા ચિમ્પૅન્ઝી જેવા કપિમાનવ. પણ ડૉકિન્સ તો કહે છે આપણા પૂર્વજ તરીકે માછલી છે. તો આ વાત જલદી ગળે નહિ ઊતરે. ભગવાનનો પહેલો અવતાર મત્સ્યાવતાર એવું કહેનાર કોઈ અજ્ઞાત ઋષિ અને આપણા સૌથી જુના પૂર્વજ માછલી છે એવું કહેનાર આધુનિક વૈજ્ઞાનિક એવા ડૉકિન્સ બંનેની વાતમાં સામ્ય નથી લાગતું? ઉત્ક્રાંતિનો ક્રમ અત્યંત ધીમો હોય છે. માછલીથી મનુષ્ય સુધીની સફરમાં વિવિધ જાતિ-પ્રજાતિ રૂપે વિકસતા વિકસતા કરોડો વર્ષ વીતી ગયા હોય છે. જેમ બાળકમાંથી વૃદ્ધ થતા ૬૦-૬૫ કે ૭૦ વર્ષ વીતી જતા હોય છે અને તે બદલાવ રાતોરાત થઈ જતો નથી તેમ માછલીમાંથી મનુષ્ય બનતા કરોડો વર્ષ વીતી જતા હોય છે અને વચ્ચેની કડીઓ આપણને દેખાય પણ નહિ, કદાચ નાશ પણ પામી હોઈ શકે. આ વચ્ચેની કડીઓ જડે નહિ તો આપણે મહાન મનુષ્યો ઉપરથી અવતર્યા હોઈશું એવું લાગે અથવા કોઈ ઈશ્વરે કુંભાર જાત જાતના માટલાં ઉતારે તેમ બધું સર્જન કર્યું હશે તેમ માનવા પ્રેરાતા હોઈએ છીએ. જે મનુષ્યોએ ભવ્ય ગ્રંથો તૈયાર કર્યા હોય, વેદોની રચના કરી હોય, ખગોળનું અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, શૂન્યનું સર્જન કર્યું હોય, ગણિત અને ભાષાની રચના કરી હોય સૂર્ય અને ચન્દ્રગ્રહણની સચોટ આગાહી કરી હોય એ મનુષ્ય શું વાનરનો વંશજ હોઈ શકે ? આપણાં મનમાં આવા અનેક સવાલો ઊઠતા હોય છે સવાલો ઉઠવા જ જોઈએ સવાલો ઊઠ્યા વગર જ્ઞાન આગળ ધપે જ નહિ. શંકા વગર વિજ્ઞાનની શરૂઆત થાય નહિ માછલીથી મનુષ્ય સુધીની એક અત્યંત લાંબી સાંકળ સ્વાભાવિક છે આજે આપણને દેખાય નહિ. મને લાગે છે તે સાંકળના મુખ્ય મુખ્ય મહત્વના અંકોડા યાદ કરીને ભારતીય પ્રાચીન મનીષીઓએ અવતારવાદની કલ્પના કરી હોવી જોઈએ.

જીવન સમુદ્રમાં શરુ થયું છે. તો પછી ભગવાનનો પહેલો અવતાર સમુદ્રમાં જ થાય ને? કુદરતની પાલનપોષણ કરતી ઊર્જાને ભગવાન વિષ્ણુ કહીને બેસાડો પછી સમુદ્રમાં. પાંચ મહાસાગર ફરી વળો ક્યાંય તમને શેષનાગ ઉપર બેઠેલા વિષ્ણુ નહિ જડે.. વિષ્ણુ એક પ્રતીક છે કુદરતની પાલનપોષણ કરતી વ્યવસ્થાનું. એના પગ દબાવતી લક્ષ્મી પ્રતીક છે કુદરતની સંપદાનું. ફળફળાદીથી ભરેલા જંગલો, ખનીજો, ખનીજ તેલ, ખનીજ કોલસો, ધરતીમાં ધરબાયેલી ધાતુઓ આવી તો અનેક કુદરતી સંપદાનું લક્ષ્મી પ્રતીક છે. સંપદા વગર લાલનપાલન થાય નહિ. ગરીબને ઘેર દીકરી આપતા ગરીબ માબાપને પણ સંકોચ થતો હોય છે. ધીમે ધીમે સજીવોમાં ઉત્ક્રાંતિ થતી રહી. માછલી ફક્ત પાણીમાં જ જીવી શકે જમીન ઉપર નહિ. પણ ધીમે ધીમે એવા જીવો વિકસ્યા કે અમુક જીવ પાણીમાં પણ જીવે અને જમીન ઉપર પણ જીવે. આપણા ભગવાનનો બીજો અવતાર છે કૂર્માવતાર. કૂર્મ એટલે કાચબો. કાચબા પાણી તથા જમીન બંને જગ્યાએ જીવી શકે છે. કાચબો સરીસર્પ જાતોમાં ગણાય. સરીસર્પ પછી જે જાતો વિકસી તે સસ્તન(મેમલ-mammal) પ્રાણીઓ કહેવાયા. તો પછી ભગવાન વરાહ રૂપે અવતર્યા.

વૈજ્ઞાનિકોને ૬૦ લાખ વર્ષ જુનું એક ફોસિલ મળ્યું છે, એનો અભ્યાસ કરતાં જણાયું કે કોઈ જિનેટિક ખોડ આવતાં એ પ્રાણી બીજાં પ્રાણીઓની જેમ ચાર પગે ચાલવા અસમર્થ બન્યું અને બે પગે ચાલવા માંડ્યું. તે આજના માનવીનો પૂર્વજ હતું. ઉત્ક્રાંતિની અદ્ભુત કરામત જુઓ. સંપૂર્ણ ચાર પગે ચાલતા વાનરો કરતાં ચિમ્પૅન્ઝી જેવાં પ્રાણીઓને નકલ વૉકિન્ગ કરતાં કરી દીધાં જ હતાં. ચિમ્પૅન્ઝી જેવાં પ્રાણીઓનાં આગળના બે પગ આપણા હાથ જેવા છે. એને પગને બદલે હાથ કહેવું વધુ યોગ્ય જણાશે. તે હાથ ઊંધા મૂકીને ચાલે છે જેને નકલ વૉકિન્ગ કહેવાય. થોડો સમય બે પગે ઊભા થઈને પણ ચાલે છે. બીજું એક ૩૦ લાખ વર્ષ જુનું ફોસિલ મળ્યું છે જે અર્ધ માનવી અર્ધ વાનર છે, મતલબ અર્ધું માનવી જેવું અને અર્ધું પશુ જેવું છે. અહીં કહાણીમાં થોડો વળાંક છે નૃસિંહ અવતારમાં અર્ધ પશુ અને અર્ધ માનવી છે. પશુમાં વાનરની જગ્યાએ સિંહ મુકાઈ ગયો છે. વામન એટલે સાવ ઓછી ઊંચાઈ ધરાવતો હોય તેને વામન કહેવાય. ઇન્ડોનેશિયામાંથી વૈજ્ઞાનિકોને એક એવું ફોસિલ મળ્યું જે લાગતું હતું સાવ નાના બાળકનું પણ વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું તો ખબર પડી તે પુખ્તવયની સ્ત્રીનું હતું. જુલે વર્ને વેંતિયાં માનવોની કલ્પના કરીને સરસ મજાની વાર્તાઓ લખી છે. આ વામન-અવતાર અને વેંતિયાં માનવોની વાર્તા પાછળ કદાચ આવા લુપ્ત થઈ ગયેલા બટકા માનવોની જાતોનાં વીસરાઈ ગયેલા સંસ્મરણો હોવા જોઈએ. પછી તો રામ અને કૃષ્ણ જેવા પૂર્ણ વિકસિત માનવો જ ભગવાન રૂપે અવતરે તે બિલકુલ સ્વાભાવિક છે. માછલીથી મનુષ્ય સુધીની લાંબી સફરમાં વચમાં લાખો જીવો વિકસી ચૂક્યા હોય છે. લખચોરાસી જનમ પછી માનવ જનમ મળે છે. માછલી તરીકે જન્મેલા મારા જિન્સ વિકસતા વિકસતા નવી પેઢીમાં તબદીલ થતા થતા લાખો(લખચોરાસી) જાતોમાં ક્રમશઃ ફેરવાતા ફેરવાતા આજે મનુષ્ય રૂપે વિકસીને આ પૃથ્વી પર ફરી રહ્યા છે. ઉત્ક્રાંતિનો અસ્પષ્ટ અરીસો એટલે આપણો અવતારવાદ. મત્સ્ય થી રામ-કૃષ્ણ સુધીની યાત્રા વચ્ચેના મહત્વના પડાવ જણાયા પણ લાંબી સાંકળનાં બધા અંકોડા સમજવા અઘરા લાગ્યા હશે તો અવતારની ધારણા અસ્તિત્વમાં આવી હશે.

એક બુદ્ધિશાળી મિત્રના મનમાં સવાલ ઊઠ્યો કે સર્પમાંથી કે હાથીમાંથી કેમ મનુષ્યો પેદા ના થયા ? એમને અહીં દેખાયું નહી કે ઉત્ક્રાંતિને કારણે સર્પ જેવાં જીવોમાંથી સસ્તન(મૅમલ) પ્રાણીઓ પેદા થયાં અને એમાંથી જ ઉત્ક્રાંતિ થઈને વાનર જેવાં બુદ્ધિશાળી પ્રાણી પેદા થયાં. સર્પ અને માનવ વચ્ચે અગણિત કડીઓ પેદા થઈ એને જ તો ઉત્ક્રાંતિ કહેવાય. સર્પમાંથી જ માનવ પેદા થયો છે પણ સર્પ અને માનવ વચ્ચેની અસંખ્ય કડીઓ જોવાની દરકાર આપણે કરતાં નથી. સર્પમાંથી સીધો માનવી પેદા થાય તો ઉત્ક્રાંતિ ના કહેવાય. બ્રેન પણ જુઓ હજુ આપણી પાસે સર્પનું બ્રેન પણ છે અને આદિમ પ્રાણીઓનું આદિમ મૅમલ બ્રેન પણ છે, જેને આપણે નાનું મગજ કહીએ છીએ. આપણે સરીસર્પ (રેપ્ટાઇલ) મગજ ઉપર નાનું મગજ એની ઉપર મોટું મગજ(લાર્જ કૉર્ટેક્સ) ધરાવીએ છીએ. આપણી પાસે જે નાનું મગજ છે તે દરેક ચોપગાં સસ્તન પ્રાણીઓ પાસે છે જ તેને મૅમલ બ્રેન પણ કહેવાય છે.

એક બાપના બે દીકરા હોય એક જરા જુદી જાતનો પેદા થાય અને એક એના બાપ જેવો અદ્દલ હોય. હવે બાપ જેવા અદ્દલ દીકરાની જાત પણ કુદરત જાળવી રાખે અને પેલાં જરા જુદાની જાત પણ આગળ વધે. હવે આ જરા જુદો હોય તે આગળ જતાં વિશિષ્ટ પ્રકારનો ગણાય એવું માનવ માટે સમજવું. બાપ જેવો અદ્દલ એટલે ચિમ્પૅન્ઝી ગણો.. અને જરા જુદો દીકરો માનવ સમજો. ૬-૮ મિલ્યન વર્ષ પહેલાં આ પૃથ્વી ઉપર પૂંછડી વગરના એપ્સ નો દબદબો હતો. મોટાભાગની નાશ પામી ગઈ. ફક્ત ચાર-પાંચ જ બચી છે. ગરિલા(Gorilla), ગિબન(Gibbon), ઉરાંગઉટાંગ અને ચિમ્પૅન્ઝી-બોનોબો, ચિમ્પૅન્ઝી અને બોનોબો કાકા-બાપાના ભાઈઓ જેવાં છે. પાંચમી કે છઠ્ઠી ગણો તો આપણે મહામાનવો. આપણે નસીબદાર છીએ કે આમાંની એક જાત ગિબન આપણાં આસામના જંગલોમાં છે.

અવતાર ઉપરથી ટપકતા નથી. આપણામાંથી જ કોઈ એવો વિશિષ્ટ પેદા થાય છે જે જગતનું નેતૃત્વ કરવા માટે સક્ષમ હોય છે, જે લાખોને દોરે છે, લાખોને જીવવા માટે પ્રેરણા પૂરી પાડે છે, જેની પાસે નવી અને ખૂબ દૂરનું જોવાની દ્ગષ્ટિ છે, કશું એવું કરીને જાય છે કે દુનિયા હજારો વર્ષ લગી તેને ભૂલ્યા વગર યાદ કરે રાખે છે, એટલે તે છે ભગવાનનો અવતાર.

 

2 thoughts on “અવતાર, ઉત્ક્રાંતિનો અસ્પષ્ટ અરીસો”

  1. અવતારોની સારી સમાજ આપે આપી છે. પણ “ધર્મસંસ્થાપનાર્થાય” નું શું?

    2018-01-21 17:41 GMT-05:00 કુરુક્ષેત્ર :

    > Bhupendrasinh Raol posted: “અવતાર ઉત્ક્રાંતિનો અસ્પષ્ટ અરીસો હાલના વિશ્વના
    > મહાન જીવવિજ્ઞાની(બાયોલોજિસ્ટ) અને બિનસાંપ્રદાયિક માનવaવાદના પ્રણેતા એવા
    > રીચાર્ડ ડૉકિન્સ એકવાર કહેતા હતા કે આપણા સૌથી જુના પૂર્વજ માછલી છે. ત્યારે
    > અચાનક મને આપણી અવતારવાદની પૌરાણિક માન્યતા યાદ આવી ગઈ ને માનસપ”
    >

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s