Miss you મા ભારતી – ૧

 

 

 

Miss you  મા ભારતી – ૧

ભારતમાતા કોઈ સદેહે હરતી ફરતી સ્ત્રી નથી. આ એક વિભાવના છે. મૂળ તો જમીનનો એક બહુ મોટો ટુકડો જ છે. પણ એ જમીનનો એક ટુકડો માત્ર નથી. એના ઉપર ઉગેલું ધાન ખાઈને જીવન ટકાવીએ છીએ. માતૃભૂમિ મધરલેન્ડ પ્રત્યે એક માતા સરીખું માન હોય છે. માતા ધવડાવીને બાળકને મોટું કરે છે તેમ મધરલેન્ડ પર ઉગેલું અનાજ ખાઈ મોટા થઈએ છીએ. માટે ધરતીને માતા કહીએ છીએ. એક ભાવ છે. માતા તરીકે એક પ્રતિક છે. જનમ આપનારી માતા માટે કોઈ મૂરખને જ માન ના હોય. એમ જ માતૃભૂમિ માટે કોઈ મૂરખનેજ માન નાં હોય.

વંદે માતરમ નો સીધોસાદો અર્થ શું થાય? માતાને વંદન. કોઈ મુસલમાન એની માતાને આદાબ નહિ કહેતો હોય? ભારત માતા શું છે? ભારત નામના દેશની જમીન, કે તે જમીનમાંથી પાકેલું અનાજ ખાઈને જીવીએ છીએ. માતા ધવડાવીને જીવાડે છે તેમ આ જમીન એમાંથી અનાજ પકવીને જીવાડે છે. તો એને માતાનું પ્રતીક માન્યું તો એમાં વાંધો શું આવ્યો અને એની જય બોલાવી તો વાંધો શું પડ્યો? મૂરખાઓ છે જે આવા શાબ્દિક અર્થ-અનર્થ કરી વિવાદ ખડા કરે છે.

અરે ભાડાના ઘર પ્રત્યે પણ મમતા બંધાઈ જતી હોય છે તો આતો તમારી માતૃભૂમિ છે. માતાની છાતીમાંથી દૂધના ફુવારા ઉડે  છે અને ધરતી માતાની છાતી ચીરી ફસલ પાકે છે ત્યારે તમે જીવતા છો બાકી ક્યારના મરી પરવાર્યા હો…

માતુશ્રી સીતાબા આશરે ૯૨-૯૩ વર્ષના હશે. એમની તબિયત પણ બહુ સારી નથી રહેતી તેવા સમાચારે મનમાં ઉથલપાથલ થયા કરતી હતી. જેણે એના થાનમાંથી ત્રણ ત્રણ વર્ષ મને અમૃત સિંચ્યા છે અને એટલે જ આજ સુધી જીવ્યો હોઉં કે બુદ્ધિ પામ્યો હોઉં તો એને મન ભરીને મળી તો લઉં. મૂળે વાસ્તવવાદી સ્વભાવ એટલે થયું કે આ છેલ્લો ચાન્સ છે માતાને જોઈ લેવાનો. ફરી આવું ત્યારે હોય કે ના પણ હોય. ભારતમાતા તો અજરામર છે. હું મરી જઈશ તે મરવાની નથી. પણ મને જનમ આપનાર સીતાબા અજરામર નથી.

બાય ધ વે મારે ખરેખર ત્રણ માતાઓ છે. એમાં એક હતી કહેવાય અને બે હાજર છે, અને એમાંથી એક(ભારત) કાયમ હાજર રહેવાની છે. હતી એમને અમે મોટલી એટલે મોટી મા કહેતા. આ મોટી મા બહુ લાડ-પ્યાર કરતી. આખો દિવસ કેડમાં તેડીને ફર્યા કરતી. ભાવતા ભોજન જેવા કે સુખડી કે શીરો બનાવી ખવડાવતી. એણે એની કૂખે જનમ નહોતો આપ્યો પણ પ્રેમ આપવામાં પાછી નહોતી પડી. એને યાદ નો કરું તો નગુણો કહેવાઉં.

બસ એમ જ મિત્રો, સગાસંબંધીઓ, ભાઈઓ, બહેનો અને માતા સાથે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગદપી ગરીયસીને મળવાની પણ બહુ તાલાવેલી હતી. એટલે ટિકિટ તો બહુ વહેલી બુક કરાવી જ દીધી હતી. છેવટે એ દિવસ આવી પહોચ્યોને તારીખ ૬ જાન્યુઆરી ૨૦૧૬નાં દિવસે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બેસી પણ ગયેલો. પ્લેન ઉપડે પછી મારો કાયમનો મોબાઈલ ઓફ થઈ જવાનો હતો માટે પ્લેનમાં બેસી એક ફોટો પાડી ફેસબુકમાં મૂકી પણ દીધેલો જેથી મિત્રોને જાણ થઈ જાય કે બાપુની સવારી પધારી રહી છે. ફ્લાઈટ નોનસ્ટોપ મુંબઈ સુધી તો હતી જ. કમનસીબે સીટ આગળ રહેલો સ્ક્રીન બગડેલો જેથી કોઈ મુવી કે એવું બીજું કશું જોઈ સમય પસાર કરવાનું કોઈ સાધન મળ્યું નહિ. એરઇન્ડિયાની એટલી ખામી તો કહેવાય જ. ઘેર આવવાની અને વતનમાં બધાને મળવાની ઉત્તેજના એટલી હતી કે આ હેવી ડ્રીંકરે પ્લેનમાં મળતા ફ્રી શરાબની મોજ માણવાનું મુલતવી રાખી ફક્ત સોડાથી ચલાવી લીધું હતું… ભોજનમાં હવે ખાસ રસ રહ્યો નથી. જે મળે તે ખાઈ લેવાની માનસિકતા થઈ ચૂકી છે. ૧૭-૧૮ કલાકમાં ચારેકવાર ખાવા યેનકેન પ્રકારે મળે તો ખવાતું પણ નથી.

સતત બેસીને પગ અકળાઈ જતા હતા તો થોડું ફરી લેવાનું મન થતું. એક ઉંચાઈએ પહોચ્યા પછી પ્લેન સ્થિર હોય એમ જ લાગે. જેના આગળની સીટના સ્ક્રીન ચાલુ હોય તે કોઈ મુવી કે કપિલના કોમેડી શો જોઈ અથવા ઊંઘીને ટાઈમ પાસ કરતા હતા. પ્લેનમાં રાતદિવસની બહુ સમજ પડે નહિ. દિવસ હોય તો દિવસ જ રહે ને રાત હોય તો રાત જ રહે. મુંબઈ આવ્યું ત્યારે રાત પડી ચૂકી હતી. પેસેન્જર ઉતર્યા અને નવા બેઠા એમાં બે કલાક બીજા વીતી ગયા. અમદાવાદની સાત જાન્યુઆરીની રાતે આશરે નવેક વાગ્યે ઉતરાણ થયું. બેગો વગેરે આવતા બીજો દોઢેક કલાક વીતી ગયો પછી બધું લઈને એરપોર્ટ બહાર નીકળવાનું બન્યું. કોણ લેવા આવ્યું હશે ખબર નહોતી. આશા હતી નાનાભાઈ હાજર હશે પણ તેઓ ઘેર રોકાઈ ગયા હતા. જુના મિત્ર વિક્રમસિંહ રાણાને હાથ હલાવતા જોયા. એટલે ખબર પડી ગઈ કે તેઓ જ લેવા આવ્યા છે. તો બહાર કૃણાલસિંહ બુકે લઈને ઉભા હતા. છ ફૂટિયા જાયન્ટ કૃણાલસિંહ પગે પડ્યા તો એરપોર્ટ પર ઘણા બધાની આંખો ચાર થઈ ગયેલી જોઈ અને ભારતમાં ખૂબ માનસન્માન મળવાનું છે તેનો આ પહેલો ચમકારો જણાઈ આવતો હતો. …. વધુ આવતા અંકે…

 

cmdv12507392_10206380413601871_262852003224427_n

3 thoughts on “Miss you મા ભારતી – ૧”

  1. घणां समय पछी पोस्ट आवी. ब्लोग उपर नवी पोस्ट आवे एनुं नाम मारा ब्लोगलीस्टमां उपर आवे. ए हीसाबे हाजरी पुरावुं छुं.

    Liked by 1 person

  2. તારીખ : 02 જાન્યુઆરીએ મારી મુડીનું વ્યાજ ‘ફ્રેયા’ને લઈને મોટો દીકરો અને પુત્રવધુ અમેરીકાથી માદરે વતન ભારત પધાર્યા. 03 જાન્યુઆરીએ નાના દીકરા મયુરને જોવા કન્યાપક્ષ પધાર્યા. 10 જાન્યુઆરે નાનો દીકરો મયુરની વીરલ સાથે સગાઈ કરી અને 26 જાન્યુઆરીએ લગ્ન કર્યા, 28 જાન્યુાારીએ સત્કાર સમારંભ… આમ ચટ મંગની પટ શાદીમાં વ્યસ્ત હોવા છતાં તમને નીમંત્રણ પાઠવવા સેલફોન પર બે કોલ પણ કર્યા હતા. મારા નવસારીના મીત્ર Jignesh Parekh સાથે તમે વડોદરાથી સુરત સુધી આવી ગયા તે છતાં આપણે મળી શક્યા નહીં તેનો અફસોસ છે…!!!

    Like

  3. કમનસીબે સીટ આગળ રહેલો સ્ક્રીન બગડેલો જેથી કોઈ મુવી કે એવું બીજું કશું જોઈ સમય પસાર કરવાનું કોઈ સાધન મળ્યું નહિ. એરઇન્ડિયાની એટલી ખામી તો કહેવાય જ.

    સોરી બાપુ, પણ અહી આ ટાંક્યા વિના રહી નથી શકતો. આ જ કમનસીબી છે. તેર વરસ પહેલાં મારે સાવ અચાનક એક કરૂણ પ્રસંગ માટે દેશ જવાનું થયું. અને એર ઇન્ડિયા વિના છૂટકો ન હતો. જેટલેગની આડઅસર ખાળવા હૂં ફ્લાઈટ સમય દરમ્યાન ખાસું પાણી પીતો રહું છું. એ અકસીર છે. મેં એર હોસ્ટેસ પાસે પાણી માંગ્યુ.. તો એક કાકી(એર હોસ્ટેસ જ સ્તો!!) આવીને મને એક નાના ગ્લાસમાં પાણી આપી ગયા. મેં કહ્યું મારે બોટલ જોઈએ અથવા વધુ પાણી જોઈશે. તો એ કાકી કહે, ‘એ શક્ય નથી!’ મારો પિત્તો ગયો. આમ પણ તાણ હતી, ટેન્સન હતું. અને ઉપરથી એનો ઇન્કાર પાણી માટે.. મેં સુણાવ્યું કે હું વાઈન કે વિસ્કિની બાટલી નથી માંગતો. પાણીની બોટલ માંગુ છુ. અને જો એ ન આપી શકે તો મારે એના ઉપરી સાથે વાત કરવી છે. અને મેં એનું નામ વગેરે માટે કહ્યું ત્યારે એ માંડ એક બોટલ આપી ગઈ.

    આવુંને આવું ક્યાં સુધી ચાલશે? મેં એર-ઇન્ડિયામાં લેખિત ફરિયાદ પણ કરી , આજ સુધી એનો જવાબ નથી આવ્યો..મેરા ભારત મહાન..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s