મૂળ ઉખડ્યાની પીડા

મૂળ ઉખડ્યાની પીડા

IRHandler“અહીં આવ્યા પછી આપણા દેશના લોકોને મળીને અનુભવ્યું કે પેટ્રીઓટીઝમ-દેશભક્તિ અહીંના લોકોમાં આપણા દેશમાં રહેનારા લોકો કરતા વધુ જણાય છે,” આવા મતલબનું ૪૦ વર્ષથી ગુજરાત સમાચાર માં ‘બુધવારની બપોર’ લખતા અશોકભાઈ દવે અહીંના સ્થાનિક રેડીઓ જીંદગી ઉપર એક બહુ સારા આર જે સંજીવ સાથે વાતચીતમાં આ ગુરૂવારે ત્રીજી એપ્રિલ નાં રોજ સાંજે કહેતા હતા. જાણીતા ગુજરાતી હાસ્ય લેખક અશોક દવે આજકાલ અમેરિકામાં છે, ખાસ તો અમેરીકામાનું ગુજરાત ગણાતા ન્યુ જર્સીમાં.

સર્વાઈવલ માટે જે દેશની ધરતીમાં થી જીવન રસના ધાવણ ધાવ્યા હોઇએ  તે દેશના મુળિયા એકદમ કઈ રીતે ભૂલવા ? મેમલ પ્રાણીનો એક ગુણ હોય છે એનો વિસ્તાર બદલાય તો ભાગ્યે જ એડજસ્ટ થાય, ખલાસ થઈ જાય. પણ માનવી એવું મેમલ છે જે વિસ્તાર બદલાય તો પણ ગમે તે રીતે એડજસ્ટ થઈ જતું હોય છે. ઊલટાનું સર્વાઈવલ માટે વિસ્તાર પ્રદેશ બધું બદલી નાખે છે. એવું ના હોત તો હજુ આપણે આફ્રિકા માં વૃક્ષો ઉપર હૂપાહૂપ કરતા હોત.. હહાહાહાહાહા !

પણ આ મુળિયાની જમીન બદલવી બહુ પીડા દાયક હોય છે. છોડને એક કુંડા માંથી ઉખેડી બીજા કુંડામાં નાખો ત્યારે અમુક મૂળ તૂટીને જુના કુંડામાં રહી જતા હોય છે તેની યાદ બહુ વસમી હોય છે. એટલે આજે પણ માંડવી ની પોલ અમદાવાદના એક બહેન ન્યુ જર્સીમાં ગ્રોસરી ભેગું ગુજરાત સમાચાર ખરીદી લઈ જતા હોય છે અને પોતે વાતોડિયણ હોવાના લીધે ઘેર જતા મોડું થયું હોય છે માટે પતિદેવ પૂછે કે કેમ મોડું થયું તે પહેલા બુધવારની બપોર ખોલી કોફી ટેબલ પર મુકીને ચુપચાપ ફ્રીજમાં શાકભાજી ગોઠવવા લાગે છે જેથી પતિદેવ સીધા પેલી બપોર વાંચવા બેસી જાય ને કોઈ સવાલ કરે જ નહિ. અશોક દવેના રેડીઓ પરના ચાલુ ઈન્ટર્વ્યુ એ ફોન કરી એમની સાથે વાત કરવાની છૂટ હતી તેનો લાભ એ બહેને એવો લીધો એવો લીધો કે મારો ફોન લાગ્યો જ નહિ. એમનું વાતોડિયણ હોવાની આમ સાબિત પણ થઈ ગયું. અશોકભાઈ પણ ખાડિયાના નીકળ્યા પછી પૂછવું જ શું? વાતે વાતે તેલના ડબલાં ને વેલણ ખખડાવતા સરઘસો કાઢતા અશોક ભટ્ટ એમના મહાપરાક્રમી ભૂષણ વગેરેનો નામોલ્લેખ પણ થઈ ગયો. સ્ત્રી એની સાચી ઉંમર કદી કહે નહિ તેવી લોકવાયકા છે પણ અહીં તો આ બહેન બે વાર પોતે ચોપ્પનના છે તેવું લાગણીવશ ભૂલમાં બોલી ગયા. એવું લાગ્યું એમનું જીવન બુધવારની બપોરને લીધે જ ટકી રહ્યું છે. આ છે પેલી મૂળ ઉખડ્યાની પીડા. એમની પીડા મારી પીડા છે, બલકે દરેક વિદેશમાં રહેતા ભારતીય ની પણ એજ પીડા છે.

આ હાસ્યરસ ઉપજાવતા મહાનુભાવો વિષે એક રહસ્યમય વાત કહું છું. ઉત્ક્રાન્તિના મનોવિજ્ઞાન જેને ઇવલૂશનરી સાયકોલોજી કહે છે તે પ્રમાણે સારી હ્યુમર સેન્સ હોવી તેને મેટિંગ ઈન્ટેલીજન્સ કહે છે. કવિઓ, લેખકો, ચિત્રકાર, સંગીતકાર આ બધા વિશિષ્ટ ગુણ ધરાવતા માણસો હોય છે. બધા લેખક કે કવિ કે ચિત્રકાર બની શકે નહિ. આવા લોકો સારા જિન્સ ધરાવે છે તેવું ઈન્ડીકેટ એમની કલા દ્વારા થતું હોય છે. આ બધી ક્ષમતાઓ જેમાં સારી હ્યુમર સેન્સ પણ આવી જાય તેને મેટિંગ ઈન્ટેલીજન્સ કહેવાય છે. આમ આવી ક્ષમતા ધરાવનારા સ્ત્રીઓના ખાસ પ્રીતિપાત્ર હોય છે. ગોખેલા જોક્સ ફેકમફેક કરીને સારી હ્યુમર સેન્સ છે તેવું જતાવી શકાય નહિ. સામાન્ય સહજ વાતોમાંથી સરસ હ્યુમર પેદા કરી શકે તે જ ખરો. એટલે જે મહિલાઓના ધર્મપતિ હાસ્યલેખક હોય તેવી મહિલાઓએ ખાસ ચેતવા જેવું. કારણ હકી બેન બાજુમાં બેઠા હોય છતાં કોઈ બકીબેન દુરથી તારામૈત્રક રચવાનો ટ્રાય આવા હાસ્યલેખક સાથે કરતા હોઈ શકે. એમાં હ્યુમરીસ્ટ નો કોઈ વાંક નાં હોય.. અમારા ન્યુ જર્સીના હરનીશભાઈ જાની પણ બહુ સારા હાસ્યલેખક છે. અશોક દવે, રજનીશ, હરનીશ બધા અહર્નિશ હસાવે રાખવાની કલામાં પાવરધા છે. મેં થોડા હાસ્ય લેખ લખ્યા છે. આ બ્લોગમાં મુકેલા પણ છે. છતાં અશોકભાઈ  જે સતત ૪૦ વરસથી હાસ્ય પીરસવાની ક્ષમતા ધરાવે છે તે અદ્ભુત કહેવાય આપણું તે કામ નહિ. એટલે થોડા હાસ્યાસ્પદ હાસ્ય લેખો લખીને હું મૂળ મારા ખંડનાત્મક લેખો લખવા તરફ વળી ગયેલો. કારણ મૂળ અમારા બાપદાદા નો અસલી બિજનેસ તલવારો ચલાવવાનો રહેલો એટલે હવે તલવારો નહિ પણ કલમ વડે જનોઈવઢ ઘા કરવાનું વધુ ફાવે. હહાહાહા

એક યુવાનનો ફોન આવ્યો કે હું તો બુધવારની બપોર વાંચતો નથી પણ મારા પપ્પા નિયમિત વાંચે છે. બાપ ની મૂળ ઉખડ્યાની પીડા નો અહેસાસ યુવાન પુત્રને પણ છે તેથી તો એણે ફોન કર્યો. ખેર ! આના થોડા દિવસ પહેલા અંકિત ત્રિવેદી નો ઈન્ટર્વ્યુ હતો. અંકિત ત્રિવેદી પણ આજકાલ અમેરિકામાં બહુ મોટો કાફલો લઈને આવેલા હોવાથી અહીં છે. ગીત સંગીત અને કવિતાઓ વિશે નો બહુ મોટો જલસો આખા અમેરિકામાં ઠેર ઠેર કરવાના છે. શુક્રવારે વળી ગુજરાતી રંગભૂમિ, ફિલ્મો અને ટીવી સીરીયલોના મહારથી એવા અરવિંદ વૈદ્ય સાહેબ નો ઈન્ટર્વ્યુ હતો. એમના અભિનય વિષે કહેવું એટલે સૂરજ સામે બૅટરી મારવી એવું લાગે. અરવિંદ ભાઈ વૈદ્ય કોઈ નાટક લઈને આવેલા છે. એ તો એટલા લાગણીવશ હતા કે અહીં પારકા દેશમાં કોઈ ગુજરાતી મળે ને વાતો કરે તો મજા પડી જાય બહુ મજા પડી જાય શબ્દો અવારનવાર બોલતા હતા. અભિનયના મહારથી શબ્દોનાં પણ મહારથી હોય તે સ્વાભાવિક છે પણ ઘણીવાર લાગણીઓ માં તરવા લાગીએ ત્યારે શબ્દો સુજતા નથી.untitled

સમર આવે એટલે અહીં બોલીવુડના ગાયકો પણ ઉમટી પડતા હોય છે. ધર્મગુરુઓ અને સંપ્રદાયોના વડાઓ પણ તૂટી પડતા હોય છે. ફરક એટલો છે કે પેલા ઊખડેલ મૂળિયાની પીડા જે ભારતીયો અનુભવતાં હોય છે એની ધર્મગુરુઓ અને ફિલ્મી ગાયકો રોકડી કરી લેતા હોય છે જ્યારે સાહિત્યકારો અને કલાકારો એના પર મલમ લગાવી  જતા હોય છે. જવા આવવાનો ખર્ચ કાઢે એમાં કશું ખોટું પણ નથી..

3 thoughts on “મૂળ ઉખડ્યાની પીડા”

  1. દેશભક્તિ તો જાણે હોય તો સારી વાત છે પણ વેશભક્તિ પણ જબરી હોય છે. કડકડતી
    ઠંડીમાં પણ ધોતિયું પહેરીને ફરતા ગુજરાતીઓ બહુ ઓછા તો યે એકાદ બે તો જોવા મળી
    પણ જાય!

    Like

  2. ‘ઊખડેલ મૂળિયાની પીડા જે ભારતીયો અનુભવતાં હોય છે એની ધર્મગુરુઓ અને ફિલ્મી ગાયકો રોકડી કરી લેતા હોય છે જ્યારે સાહિત્યકારો અને કલાકારો એના પર મલમ લગાવી જતા હોય છે’
    અનુભવવાણી
    જેવા કે ચિઠ્ઠી આયી હૈ, વતન સે ચિઠ્ઠી આયી હૈ…
    બડે દિનોં કે બાદ હમ બેવતનોં કો યાદ વતન કી મિટ્ટી આયી હૈ…
    ગીતમાં એક પંક્તિ છે : ‘તૂને પૈસા બહોત કમાયા, ઇસ પૈસે ને દેસ છુડાયા…’
    આ પંક્તિ આવે અને અબજોપતિ એશિયન નાના છોકરાઓની જેમ રડી પડે. હસબન્ડ રડે, વાઇફ રડે. અરે, સાથે આવેલા બીજા લોકો પણ રડે. કેટલાક તો એવા લોકો પણ હતા જેમણે આ ગીત સાંભળ્યા પછી દેશ પાછા આવવાનું નક્કી કરી લીધું હતું !!

    Like

Leave a comment