તુલસીદાસ કહ ગયે ભારતકો ઐસા કલજુગ આવેગા સમરથ કો નહિ દોષ ગુંસાઈ કૌવા હીરો બન જાવેગા.

untitledતુલસીદાસ કહ ગયે ભારતકો ઐસા કલજુગ આવેગા સમર્થ કો નહિ દોષ ગુંસાઈ કૌવા હીરો બન જાવેગા.

જો કે આમાં તો કાગડાનું અપમાન છે પણ આજનો દિવસ ચલાવી લોં યારો. કૌવા એટલે ક્રિમિનલ સમજી લેવું. કાયમ લાકડા લડાવતા નારદ મુનીએ ‘ભક્તિસૂત્ર’ લખ્યા પછી કુદરતે આ દેશની પ્રજામાં રહેલાં બુદ્ધિ અને તર્કના જિન્સ જાણે પાછાં ખેંચી લેવાનું ધાર્યું હોય તેમ લાગે છે. એક જમાનો હતો કપિલનું સાંખ્ય, ગૌતમનું ન્યાય, પતંજલિનું યોગ, જૈમીનીનું પૂર્વ મીમાંસા, કણાદનું વૈશેષિક ભારતની ભૂમિ ઉપર તર્ક અને બુદ્ધિનો ઝંડો લહેરાવતું હતું. કદાચ ભારત પહેલો એવો દેશ હશે જ્યાં લીમ્બીક સિસ્ટિમ ઉપર તર્ક અને બુદ્ધિનો કાબૂ મેળવવાનો પ્રયાસ શરુ થયો હશે. ત્યારે બાકીની દુનિયાના દેશો પુરા એનિમલ બ્રેઈન ઉપર આધાર રાખતા હતા. એક સમયે અહં બ્રહ્માસ્મિનાં અતિઅહંકારી નારાઓ વડે ગુંજતો આ દેશ આજે આખો દિવસ કાલાવાલા કરતો, તાળીઓ પાડતો, મંજીરા વગાડતો ગરીબડો લાચાર ભાવનાઓના પૂરમાં વહીને રોતલ બની ચૂક્યો છે ત્યાં ક્રિમિનલ હીરો બની જવાના તેમાં નવાઈ જ નહિ. પ્રજા ગુંડાઓને મારી શકતી નથી કે સજા કરી શકતી નથી ત્યારે ગુંડાઓ આદર્શ બની જતા હોય છે. ગુંડામાં પ્રજાને અન્યાય સામે માથું ઊચકનાર હીરો દેખાય તેમાં પણ નવાઈ નહિ.

ભાવનાઓના પૂરમાં તણાઈ જતી આ એજ પ્રજા છે જે એક દિવસ સંજય દત્તના ઘર ઉપર પથ્થર ફેંકતી હતી. આ એ જ પ્રજા અને પ્રજાના પ્રતિનિધિઓ છે જે આજે સંજય દત્તને માફી અપાવવા બહાર પડી સુપ્રીમ કોર્ટનું અપમાન કરવા નીકળી પડ્યા છે. માટે તુલસી કહી ગયા કે સમર્થ કો નહિ દોષ ગુંસાઈ. અહીં સમર્થ માણસ ગમે તેટલાં દુષ્કર્મ કરે એને કોઈ દોષ લાગતો નથી. પણ આ સંજય દત્ત કઈ રીતે ફસાઈ ગયો? એના બાપ તો કૉન્ગ્રેસના મહાન નેતા હતા. એક નગરપાલિકા બરોના સભ્યના છોકરાને આ દેશમાં બોલી શકાતું નથી ત્યાં સુનીલદત્ત જેવા બીગ શોટ નો છોકરો કેમ ફસાઈ ગયો? નક્કી પુરાવા સંગીન હશે. શક્ય એટલાં ખોખલા કરવાનો ટ્રાય તો કરાયો જ છે. કારણ પેલી ૭૦ વર્ષની મુસ્લિમ ડોસીને હથિયાર રાખવાના કેસમાં સજા થઈ તે ટાડા કાયદા અનુસાર થઈ અને આ મહારથીને ખાલી બિનપરવાનેદાર હથિયાર રાખવાનો સાદો ગુનો દાખલ કરાયો છે. ૩૩ વર્ષની ઉંમર કાચી કહેવાય ખરી? બેત્રણ લાયસન્સવાલા હથિયાર ઘરમાં હોવા છતાં આવા ખતરનાક હથિયાર ઘરમાં રાખવાનું કામ કરવું મતલબ તમે કાવતરામાં પુરા સંડોવાયેલા હોવા જ જોઈએ. તે સમયે પોલીસને જાણ કરી બહુ મોટો હત્યાકાંડ નિવારી શકાયો હોત તો ‘મેરે દેશકો મૈ ચાહતા હું’ જેવા વાક્યો આજે રડતા રડતા બોલાય છે તે સાર્થક થયા હોત. દાઉદની પાર્ટીમાં અનિલકપુર પણ નાચવા જતો હતો એણે હથિયાર કેમ ના રાખ્યા? સલમાનનો બાપ મુસ્લિમ છે માં હિંદુ એણે ભાઈબંધી રાખી હશે હથિયાર કેમ નાં રાખ્યા? શાહરૂખ દાઉદભાઈની ચમચાગીરી કરી ચૂક્યો હશે એણે હથિયાર કેમ નાં રાખ્યા? ભાઈના પૈસા આખી ફિલ્મી દુનિયામાં ફરતા હતા એમના ટપોરી નિર્માતાઓ દ્વારા. એટલે આખી ફિલ્મી દુનિયા એમની કદમબોસી કરતી હતી પણ હથિયાર ખાલી સંજયદત્તે જ રાખ્યા છે.

૨૫૫ મૃત્યુ, ૭૦૦ ઘાયલ અને એના લીધે હજારો પીડાયા તેની કોઈ કિંમત જ નહિ. અરે આના કરતા તો પેલી અમદાવાદની ગરીબ મુસ્લિમ બાઈ સારી જેણે પોતાના પતિના કાવતરાની વાત પોલીસને કહી દીધી અને એક ઓર હત્યાકાંડ થતો રહી ગયો. બાઈટીંગ માટે ટેબલ પર પ્લેઇટમાં પડેલા મસાલેદાર કાજુ જેવા કાત્જુ સાહેબ એકવાર બોલી ગયા કે ભારતની ૯૦ ટકા પ્રજા મૂર્ખ છે. હવે એને સાબિત કરવા પોતે મહામુર્ખ બની સંજયદત્તને માફ કરવાના આંદોલનમાં કૂદી પડ્યા છે. ફિલ્મ ઉદ્યોગ તો તૂટી પડે કેમકે એના ૩૫૦ કરોડ દાવ પર લાગ્યા છે. ફિલ્મી દુનિયા જેટલી કોઈ દોગલી દુનિયા બીજી હશે ખરી?

મુંબઈમાં પહેલા કરીમલાલા અને એના ભત્રીજાઓ સમદખાન અને આલમઝેબની ગેંગનો ડંકો વાગતો હતો. એમાં પાછો એક વરદરાજન મુદલિયાર કરીને મદ્રાસી ગૅંગ્સ્ટર પણ હતો. દાઉદ ભાઈ નવા હતા, અને પગ જમાવવા મહેનત કરતા હતા. ધીરે ધીરે દાઉદ ભાઈએ બધાને ખલાસ કર્યા, લોકો દાઉદને હીરો જ માનવા લાગેલા. જ્યારે બૉમ્બ બ્લાસ્ટ કરાવ્યા પછી લોકો જાગ્યા કે આ હીરો નથી ત્રાસવાદી છે. ફૂલનદેવી બચપણથી જ ડાકુઓની ગેંગમાં હતી ને જે સરદાર બદલાય એની રખાત બની રહેતી હતી. ચાલો એને અન્યાય થયો હશે માની લઈએ. હવે જે ડાકુ ટોળકીએ એના પર બળાત્કાર કરેલા એમાંના કોઈ ડાકુને એ મારી શકી ના હતી. પણ જે ગામમાં આ બનાવ બનેલો એ ગામમાં જઈ એણે ૨૦ નિર્દોષ લોકોને લાઈનમાં ઉભા રાખી ને ઉડાવી દીધા. આ લોકોનો વાંક એટલો કે ભરી બંદુકે ઊભેલા ડાકુઓ વારાફરતી એના પર બળાત્કાર કરતા હતા ત્યારે વિરોધ કેમ ના કર્યો? આ ૨૦ મૃતાત્મામાંથી કોઈ એકના વારસદારે એને ઉડાવી દીધી. શેખર કપૂરે એની ફિલ્મ બનાવી ને હીરો બનાવી દીધી ને મુલાયમે તો એને રાજકારણમાં લઈને હદ જ વટાવી દીધી હતી. મને અન્યાય થાય તો મારાથી કાઈ બંદૂક લઈને નાં નીકળી પડાય. સમૂહના રક્ષણ માટે સમાજની વ્યવસ્થા માટે અરાજકતા નાં ફેલાય માટે કાયદા કાનૂન બનાવ્યા હોય છે. હવે એ પાળવામાં ભૂલ કરો સમાજ તમને દંડ કરે છે.

મને પોતાને પણ નાનપણમાં સોરઠી બહારવટિયાઓની વાતો વાંચી ને એમના પ્રત્યે અહોભાવ થતો ને એ ભાવનગરના પ્રજા વત્સલ રાજાઓ માટે ઘૃણા થતી. કેમ? લેખકોની આ જ તો કળા છે. સોરઠી બહારવટિયાને કરવેરા કે જમીન બાબતે રજવાડા જોડે મન દુખ થાય એટલે નીકળી પડતા બંદુકો ખેંચીને. મરો કોનો? ગરીબ ખેડૂતોનો અને પૈસાદાર વાણિયાઓનો. એમની પ્રશસ્તિમાં લોકો કવિતા કરે. આ બહારવટિયા પાછાં ઢોંગી એક હાથમાં માળા ફેરવે ને બીજા હાથે બંદુક ચલાવે. લોકો તો ગાંડા ગાંડા થઈ જાય. આ તો ભગત કહેવાય, પુણ્ય શાળી જીવ. ભૂપત બહારવટિયાએ પુરા નવ પટેલોને એકજ લાઈનમાં ઉભા રાખીને એક જ ૩૦૩ ગોળીથી મારી નાખેલા એવી વાતો વાંચેલી. તમને રાજ સામે વાંધો હોય તો રાજ સામે લડો, પણ એમાં તમે કાચાં પડો એટલે નિર્દોષ લોકોને મારો એમાં કઈ બહાદુરી? ભૂપત ખોટો પાકિસ્તાન ભાગી ગયો. અહીં હોત તો ફૂલનની જેમ સૌરાષ્ટ્રમાં ક્યાંક ચૂંટણી લડવા ટીકીટ મળી જાત. ચિત્રલેખામાં જગ્ગાડાકુના વેરનાં વળામણા સ્ટોરી આવતી હતી પછી એનું પુસ્તક બહાર પડેલું. ભાગલા પહેલા એ હાલના પાકિસ્તાનમાં અને પછી ભારતમાં ડાકુગીરી કરતો હતો. ઘણા લોકોને મારી નાખ્યાં હશે. હવે આ નૉવેલ વાંચો તો ક્યારેય એના પ્રત્યે તમને ઘૃણા ના થાય. હીરો જ લાગે. માસ્ટર માંધોસિંહ, મોહરસિંહ અને માનસિંહ આ બધા ચંબલના ગુનેગારો ને આપણાં વાર્તાકારોએ હીરો જ બનાવી દીધેલા છે. સોરઠી બહારવટિયાઓએ ખુબ કાળા કામો કરેલા છે. સોરઠના રાજાઓ એટલાં બધા ખરાબ ના હતા. આજ રાજાઓએ સમાધાન કરી ને આજ બહારવટિયાઓને પ્રજાના જાનમાલની રક્ષા માટે ગળે લગાવ્યા હતા. હમણાં એક એન્જીનીયર આવેલા, કહે આ બહારવટિયા ખુબ જ પવિત્ર ,કોઈ બાઈ ને સુવાવડ થતી ન હોય ને બાળક અટકી ગયું હોય તો એમના ચોયણાનું નાડુ પાણીમાં બોળીને એ પાણી પેલી બાઈને પાઈ દેવાનું. તરત જ છુટકારો થઈ જાય. એ જમાનામાં ચોયણો પહેરતા. આ ચોયણો ક્યારે ધોયો હોય ખબર નહિ. ચોયણાના નાડા અને ડીલીવરીને કોઈ સંબંધ ખરો? નાડુ જ શું કામ, બીજું કશું બોળીને કેમ નહિ? ડોકટરોએ આ લોકોના જુના નાડા ભેગાં કરી રાખવા જોઈએ, ખોટી મહેનત કર્યા વગર નાડુ બોળી પાણી પાઈ દેવાનું. મોટા ગજાંના લેખકો પણ આવી અંધ શ્રદ્ધા ફેલાવતા, ત્યારે આજે પણ એક એન્જીનીયર આવી ગાંડી વાતોમાં વિશ્વાસ રાખે છે. આ બહારવટિયા કોઈ જુના નથી. આઝાદી પહેલાના ગાંધીજીના સમકાલીન છે. દરેક રજવાડાને બહારવટિયાઓની સમસ્યા નડતી હતી. એટલે છેલભાઈ દવે કરીને એક બાહોશ બ્રાહ્મણ ડી.એસ.પીને બધા રજવાડાઓ તેમના રાજ્યના પોલીસ વડા તરીકે રાખતા હતા. વારાફરતી ઘણા બધા રજવાડાઓમાં એમણે સેવા આપીને મોટા ભાગના બહારવટિયા ઓનો નાશ કરેલો.

કદી શેખર કપૂરે પેલાં ૨૦ ફૂલન દેવીએ મારેલા નિર્દોષોના ઘરની મુલાકાત લીધી છે? એમના ઘરના હાંલ્લાં કઈ રીતે રંધાતા હશે એની ફિકર કરી છે? કોઈ સૈનિકના ઘરના ઇન્ટરવ્યું લઈને આપણાં કોઈ લેખકને નૉવેલ લખવાનું કદી સૂજ્યું છે? આ સંજય દત્ત, ટાયગર મેમણ કે દાઉદ ઇઝરાયલમાં હોત અને આવા કામ કર્યા હોત તો શું થાત? મોસાદના જાસૂસોની ગોળીઓ ક્યારની એમની છાતીઓમાં ધરબાઈ ચૂકી હોત. કોઈ કેસ નહિ, કોઈ ફરિયાદ નહિ. મ્યુનિક ઓલોમ્પીકમાં ઇઝરાયલનાં ખેલાડીઓની હત્યા કરનારા અને તે કાવતરામાં ભાગ લેનારા પરોક્ષ અપરોક્ષ તમામ લોકોની એક પછી એક મોસાદ દ્વારા છુટ્ટી કરી નાખવામાં આવેલી. કોઈ આંતરરાષ્ટ્રીય ફરિયાદ નહિ. કારણ બધા બીજા દેશોમાં રહેતા હતા. શરૂમાં કોઈને ખબર પડી નહિ. પણ એક પછી એક કાવતરાબાજો અદ્રશ્ય થવા લાગ્યા ત્યારે બીજા ચેત્યા. પોતાના ખુદના દેશમાંથી ભાગવા લાગ્યા. આફ્રિકાના અને લેટીન અમેરિકાના દેશોમાં જઈને છુપાઈ ગયેલા પણ ઇઝરાયલ છોડે? એમનું પગેરું દબાવી એક એક જણને સાફ કરેલા. સંજુબાબા અમેરિકામાં હોત તો ૧૫૦ વર્ષની સજા મળી ગઈ હોત, ગમે તેટલી સારી વર્તણૂક કરે સજા માફ પણ થાય છતાં જેલમાં મરે જ છૂટકો…

આ સંજુબાબાને બદલે તમે કે મેં એ.કે.૫૬ રાખી હોત તો?

8 thoughts on “તુલસીદાસ કહ ગયે ભારતકો ઐસા કલજુગ આવેગા સમરથ કો નહિ દોષ ગુંસાઈ કૌવા હીરો બન જાવેગા.”

  1. રાઓલ સર આજ સુધી તમે ઘણા લેખો લખ્યા હશે અને મેં વાંચ્યા હશે
    પણ આજ સુધી ના આપના સર્વ શ્રેષ્ઠ લેખ તરીકે મારે જો કોઈ પસંદગી કરવાની હોય તો હું આ લેખ ની જ કરું
    ખબર નહિ કેમ ભારત ના બધાય વાર્તાકારો , નોવેલીસ્ત , ફિલ્મકારો અને સામાન્ય જનતા બધા ને ગુંડાઓ પ્રત્યે અહોભાવ હોય છે , તેઓ વિલન ને વિલન તરીકે નહિ પણ હીરો તરીકે ચીતરવા માં ધન્યતા અનુભવે છે અને પરિણામ આવે છે આજ જેવી પરિસ્થિતિ નું નિર્માણ થાય છે , વારંવાર આતંક વાડી અને ગુનેગારો ના ખુલ્લેઆમ સમર્થન થાય છે અને રીયલ હીરો જેવા કે બહાદુર સૈનિકો , અધિકારીઓ ને ખૂણા માં ધકેલી દેવા માં આવે છે
    સંજય દત્ત જેવા એકલ દોકલ કેસ માં સજા પણ થાય તો એને માફ કરાવવા માટે ની તરકીબો વિચારવા માં આવે છે
    ભારત ને અમેરિકા પાસે થી એક વાત ખાસ શીખવા ની જરૂર છે અને એ છે શિસ્ત અને કાયદો વ્યવસ્થા , ગુંડાગર્દી ત્યાં પણ હશે પણ ત્યાં ઝડપી સજા અને સજા નો અમલ પણ થાય છે જયારે અહી ઠાગાઠૈયા

    Like

    1. દિયા અહી પણ ગુંડાગીર્દી થાય છે પણ સજાનો અમલ જલદી થઇ જાય. ચુકાદા પણ જલદી આવી જાય અને સજા બહુ લાંબી કરે જેથી સારી ચાલચલગતનાં આધારે ગમેતેટલા વર્ષો માફી મળે જેલમાં જ મારવાનું થાય. બીજું સીરીયલ કિલરોને મોતની સજા આપે ત્યારે વિકટીમનાં માબાપ. સગાવહાલાને બોલાવે. જેઓ બીજા કેબીનમાં બેઠા બેઠા પેલાને મરતો જુએ. જેથી એમને સંતોષ મળે કે અમને ન્યાય મળ્યો છે.

      Like

  2. `jay mataji bapu. nowadays jaybhai vasavada is also playing such aroll, like [ BAHARVATIYA VAKHAT NA LEKHAKO ]

    Like

  3. તુલસી દાસે પણ સાચું કહેવાની કિંમત ચૂકવી હતી. સાચું લખો, બોલો તો હેરાન પરેશાન થવાની તૈયારી રાખવી પડે.
    સંજય દત્તાને ખરેખર પસ્તાવો થયો હોય તો બાકીની સજા માટે મન મક્કમ કરી શાંતિથી જેલમાં જવું જોઈએ પણ એ તો પત્રકાર પરિષદો બોલાવીને ધતિંગ કરે છે. ૨૦ વર્ષ ઓછા હતા કે હજુ બીજા ચાર અઠવાડિયા આપ્યા? ખરેખર તો તરત જ જેલમાં ખોસી દેવો જોઈએ જેથી ચર્ચાઓનો કોઈ અવકાશ જ ન રહે.

    Like

  4. raol ji really nice article..sir why dont you start writeing all this article in english or hindi so not only gujarati people bt other people those who doesnt know gujarati they can read your article sir you are doing nice work for socity to sprad awaerness about what is good or bad
    really nice work sir carry onnn sir ……..

    Like

    1. ભાઈ વિજયસિંહ પહેલા તો તમારો ખુબ ખુબ આભાર. બીજું મેં હિન્દીમાં બ્લોગ શરુ કરેલો, એમાં થોડા આર્ટીકલ ટ્રાન્સલેટ કરીને મુકેલા પણ ખરા. પણ સમયના અભાવે બધું કરી શકતો નથી. એક સહૃદયી મિત્ર શરૂમાં મદદ કરતા હતા. ટ્રાન્સલેટ કરીને મોકલતા, જરૂરી સુધારા કરીને હું હિન્દી બ્લોગમાં મૂકી દેતો પણ હવે તેઓને પણ સમયનો અભાવ નડે છે. જેટલી મદદ કરી તેટલો એમનો આભાર માની શકીએ.

      Like

Leave a comment