હાશ !! ૨૦૧૨ પત્યું..અબ તક છપ્પન..

untitledહાશ !! ૨૦૧૨ પત્યું..
ઇસાનું ૨૦૧૨નુ વર્ષ પૂરું થયું. માયન લોકોએ ૨૦૧૨ પછીના ગણતરી કરીને કેલેન્ડર બનાવ્યા નહોતા. એ ગણતરીબાજ જ્યોતિષને આળસ ચડી ગઈ હશે, થયું હશે હજુ બહુ વાર છે કાલે બનાવીશું. એવામાં સ્પેનીશ લોકો આવી ગયા હશે. માયન લોકોનું જેનોસાઈડ થઈ ગયું ને કામ રહી ગયું અધૂરું એમાં દુનિયાના ઘણાં અંધશ્રદ્ધાળુ લોકો સમજ્યા હવે આ છેલ્લું વર્ષ છે દુનિયાનો નાશ થઈ જવાનો. પણ કશું થવાનું નહોતું તેવું પણ મોટાભાગના લોકો જાણતા હોય છે પણ ટાઈમ પાસ કરવા કોઈ મુદ્દો જોઈએ વાતને ઉછાળ્યા કરતા હતા.

નવું વર્ષ શરુ થશે તે દિવસે મને પણ અબ તક છપ્પન વર્ષ પુરા થઈને ૫૭મુ બેસવાનું. લગભગ મોટાભાગના સગા પોલીસ ખાતામાં હોવા છતાં સારું છે પિતાશ્રીને પોલીસ ખાતામાં જઈએ તે ગમતું નહોતું બાકી અબ તક છપ્પન પુરા થઇ ગયા હોત. વીતેલું વર્ષ મારા માટે પણ ખાસંખાસ રહ્યું. આવા વર્ષો આવે તો લાગે કે જીવન જીવંત ચાલી રહ્યું છે. થોડું શોકજનક એટલાં માટે રહ્યું કે મારા ઘણાબધા પ્રિય કલાકારો Earthસ્થ હતા તે સ્વર્ગસ્થ થઈ ગયા, અવનીસ્થ હતા તે વૈકુંઠસ્થ થઈ ગયા. મારી ફિલ્મો જોવાની શરૂઆત ધાર્મિક ફિલ્મોથી થયેલી. પેમલાપેમલીની ફિલ્મો બાળકોથી જોવાય નહિ. ધાર્મિક ફિલ્મોમાં હનુમાન આવે અને ભીમ પણ આવે. ભીમ આવે કે હનુમાન દારાસિંહ દર વખતે હાજર હોય. પછી ઍક્શન ફિલ્મો જોવાનું શરુ થયું તે પણ દારાસિંહની ફિલ્મોથી જ. પછી થોડા મોટા થયા રોમૅન્ટિક ફિલ્મો જોવાની શરૂઆત થઈ રાજેશખન્નાની ફિલ્મોથી, સચ્ચા જુઠાથી…દારાસિંહની વિશાલ દેહયષ્ટિ અને કાકાની મોહક સ્ટાઇલ બધું કાલચક્રમાં વિલીન થઈ ગયું. ફિલ્મોમાં ઝંઝાવાતો સામે ઝઝૂમતા દારાસિંહ અને પુષ્પા આઈ હૅટ ટીયર્સ કહેતાં કાકાની વિલાસિતા બધું પ્રભાવક લાગતું. કાકા એમની છેલ્લી એડ ફિલ્મમાં બોલ્યા કે ‘ફેન ક્યા હોતે હૈ મુજસે પૂછો’ હું કહું છું ફેન ક્યા હોતે હૈ ઔર દુશ્મન ભી ક્યા હોતે હૈ મુજસે પૂછો..હહાહાહાહા..મારા ધાર્મિક અને સામાજિક પાખંડો પરના આકરાં પ્રહારો વડે પુષ્કળ ફેન સાથે દુશ્મનો પણ ઊભા કર્યા જ છે. સિતાર અને ગઝલની દુનિયાના બે બેતાજ બાદશાહોને પણ આ વર્ષે ખોયા એનું દુઃખ બહુ મોટું લાગ્યું. જગજીતસિંહ મને ખુબ પ્રિય હતા તો પંડિત રવિશંકરની સિતાર સાંભળવી મારે માટે અમૂલ્ય લહાવો હતું..સંગીતની દુનિયાના આ બે દિગ્ગજોનું સ્વર્ગસ્થ બનવું તો આખા દેશ માટે શોકમય હતું..

બ્લોગીંગ કરતા કરતા ત્રણ વર્ષ પુરા થઈ ગયા આ ડિસેમ્બરમાં.. બ્લોગમાં લખવાનું થોડું મંદ પડ્યું.. ટોટલ ૩૩૮ પોસ્ટ મૂકી છતાં દર વખતે નવું આપવાનો પ્રયત્ન કર્યો જ છે. વાચકવર્ગ વધ્યો (213,610 ક્લિક) પણ પ્રતિભાવો ઓછા આવ્યા. વિજ્ઞાન અને મનોવિજ્ઞાન આધારિત લેખો વધુ હતા તે કારણ પણ હોઈ શકે. મારો મુદ્દો મક્કમપણે રજૂ કરવાની આદતની ગેરસમજ પણ થતી હોય છે, તેના કારણે કોઈને દુઃખ પહોચ્યું હોય તો ક્ષમાયાચના.. વાચકવર્ગ વધવામાં ફેસબુકનો ફાળો મહત્વનો રહ્યો. સાડા ચાર હજાર કરતા વધુ ફેસબુક મિત્રોમાંથી એક ચોક્કસ વિશાલ વર્ગ વાંચવાની અદ્ભુત તરસ ધરાવે છે. યુવા પેઢી વાંચતી નથી કહેવું ખોટું છે. આજની યુવા પેઢી દંભ વગરની છે, એને કશુંક સોલીડ જોઈતું હોય છે. ડાહ્યી ડાહ્યી વાતો વાંચવાનો એને કંટાળો આવતો હોય છે. બહુ થઈ શિખામણો, બહુ થયા ઉપદેશ કશું નક્કર આપો તો ખરું બાકી ચાલતી પકડો.. આવું નક્કર લખનારને યુવા પેઢી ચાહવા લાગતી હોય છે. આવું નક્કર અને તટસ્થ લખનારા હાલના સર્વાધિક લોકપ્રિય ગણાતા લેખક શ્રી જય વસાવડાની ફેસબુક થી ફેઈસ ટુ ફેઈસ દોસ્તી પણ આ વર્ષે થઈ ગઈ. જયભાઈ એડીસન આવેલા લેક્ચર આપવા. એમને ન્યુયોર્ક એરપોર્ટ સુધી મૂકવા જવાનો અવસર પણ મળ્યો, ત્રણેક કલાક એમની સાથે વાતો કરવાની ખુબ મજા આવી. ૧૫ વર્ષથી લખતા અનુભવી જયભાઈને લખવા બાબતે મેં ટીપ્સ માંગી. એમના મત પ્રમાણે હું સારું લખું છું કોઈ ટીપ્સની જરૂર નથી..છે ને આપણો વટ? કૉલર ઊંચાં.. એમના કહેવા પ્રમાણે જે લખીએ તેમાં રેફરન્સ જરૂરી છે અને હું ભરપૂર રેફરન્સ અને વધારાની લીન્ક્સ આપતો હોઉં છું. આ વાત કરતી વખતે મેં કહ્યું એના માટે મારે મિત્ર શ્રી ધવલ સુધન્વા અને શ્રી અશોકભાઈ મોઢવાડિયાનો આભાર માનવો પડે. ધવલ ભાઈ રેફરન્સ માંગતા ત્યારે મને ખોટું લાગતું પણ તે મહત્વનું હતું. મેં જય ભાઈને જણાવ્યું આ બે જણા અને એમના બીજા મિત્રો અજાણ રહીને ગુજરાતી સાહિત્યની સેવા કરી રહ્યા છે, વીકીસ્ત્રોત્ર ઉપર બધું સાહિત્ય રસિકો માટે ઉતારી રહ્યા છે, ભજનો, કવિતાઓ, ગાંધીજીના સત્યના પ્રયોગો સાથે ઘણું બધું.. આ વાત જાણી એમણે ખુબ ખુશી વ્યક્ત કરેલી. વૈજ્ઞાનિક અભિગમ, તર્ક, બુદ્ધિ અને લાગણીઓ સાથે અદ્ભુત બેલેન્સ જાળવતા શ્રી જય વસાવડાને રેશનલ કહેવા કે આસ્તિક કે પછી રેશનલ આસ્તિક? હહાહાહાહ

આંગણમાં કોઈ છોડ વાવ્યો હોય ત્યારે અમુક સમયે એની કાટછાંટ જરૂરી હોય છે તેમ મારા શરીર પર પણ કાટછાંટ ડોક્ટર્સને જરૂરી લાગી. જોકે અંદરની વાત હતી..એ અંદર કી બાત હૈ…બે ખાસ ગંભીર ના ગણાય તેવા ઓપરેશન પછી કાટછાંટ પૂરી થઈ ગઈ. હહાહાહાહા…૨૦૧૨મા શ્રીમતીજી સાથે સહજીવનના ૩૦ વર્ષ પુરા થઈ ગયા કોઈ મોટા અકસ્માત વગર…મારા જેવા બદમાશને સહન કરવાની એમના પ્રભુએ એમને ખુબ શક્તિ આપેલી..૨૦ વર્ષ પહેલા કોઈ અકળ કારણસર એમની એક કીડની સાદી ભાષામાં કહીએ તો બગડી જવાથી દૂર કરવી પડેલી ત્યારે અમુક સંબંધીઓએ “અરરર!! એક બગડી જઈ, અવ તો બીજીય બગડી જવાની, બુન તાર નોના નોનાં સોકરાં સ ઈનું હું થશે?” કહી કહી સારી કીડની ઉપર દુઃખાવો શરુ કરી દીધેલો..જો કે સારા ડોક્ટર્સના સહકાર વડે તે ભૂત તો મનમાંથી કાઢી નાખેલું..૧૯-૨૦ વર્ષ પછી ૨૦૧૨નાં વર્ષમાં એક બચેલી કીડની કંટાળી કે હું એકલી કેટલી મહેનત કરું? મારે ય જીવ હોય કે નહિ? મને પણ આરામ જોઈએ કે નહિ? હું હવે કામ નથી કરવાની કહી સત્યાગ્રહ ઉપર ઊતરી ગઈ ને મને પત્નીધર્મ બજાવવાનો શુભ અવસર પ્રાપ્ત થયો..અહી મળતી ઉત્તમ સારવાર, અઠવાડીએ ત્રણવાર ડાયાલિસીસ વગેરે વગેરેના લીધે સેવા કરવાનો શુભ અવસર પ્રાપ્ત થયેલો એમાં હવે થોડી અડચણ આવવા લાગી છે. આ અડચણ એટલે હવે ઘણું સારું છે માટે સેવા કરવા દેતા નથી. હહાહાહા.. આમ આ વર્ષ જીવંત વધુ રહ્યું બીજા વર્ષોના પ્રમાણમાં..

ઇસાનું નવું ૨૦૧૩નુ વર્ષ મારા તમામ વાચક મિત્રો, ફેસબુક મિત્રો, બ્લોગર મિત્રોને સુખદાયી, શુભદાયી નીવડે તેવી ખુબ ખુબ શુભેચ્છાઓ. અને મને આરામદાયી નીવડે..હહાહાહાહાહા2012-07-16 14.45.45

16 thoughts on “હાશ !! ૨૦૧૨ પત્યું..અબ તક છપ્પન..”

  1. 1} તમે લખો છો , તે વાંચવામાં રસ એટલા માટે પડે છે કે તમે લખો છો , દિમાગથી અને તે પાછું અમને અડે છે હૃદયથી 🙂

    2} અને મુખયત્વે તો તે રસ , એટલા માટે જળવાઈ રહે છે કે તમે તમારા અભિપ્રાય પર સોલીડ ટકી રહો છો અને ચર્ચા કરવામાં ક્યારેય પાછા નથી પડતા , અને હા , જય સર તો છે જ જનરેટર 😀 અને મારા પહેલા પ્રિય લેખક 🙂

    3} અને તમારા પત્નીશ્રી માટે હૃદયથી શુભકામનાઓ કે તેમને કોઈ અડચણ ન આવે , અને તમે ત્રણ વર્ષથી બ્લોગીંગ કરો છો . . જયારે અહીં તો છ મહિનામાં જ મોઢે ફીણ આવી ગયા 😉

    Like

  2. Respected shree Raol jee…i truely read KURU KHSETRA…each line and rather each word…with chokkas view and with all positive and balanced wave length….Your analytical approach and usages of English and OUR word structured and re structured are really appealing Greetings…..pl keep this tempo very hi up-rgds
    Dr dinesh k jani ph.d

    Like

  3. સુધારીને વાંચશો અથવા પહેલી કૉમેન્ટ રદ કરવા વિનંતિ છે. એમાં ‘બ્લૉગ’ને બદલે ‘લૉગ’ થયું છે.

    શરીરે સપત્નીક સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ તો છે જ, તે સાથે જ. – આ વર્ષ દરમિયાન તમારો બ્લૉગ નિર્વિવાદ રહે એવી આકાશકુસુમવત્ શુભેચ્છા.

    Like

  4. ૨૦૧૨નું વર્ષ પુરુ થવાનું છે અને ૨૦૧૩ની શરુઆત થાય એ પહેલાં બધાને અભીનંદન.

    ઉમર, લગ્ન, બ્લોગીંગ વગેરેનો સમય જાણવા કેલેન્ડર ઉપયોગી હોય છે.

    મીત્ર કે કલાકારોને પૃથ્વી થી સ્વર્ગ સુધી મોકલવાનું ચાલુ રાખજો….

    જયભાઈ પાસે ટીપ્સ માંગી એવી ટીપ્સ હવે માંગતા નહીં…..

    ખુબ ખુબ શુભેચ્છાઓ…….

    Like

  5. પરદેશી નવા વર્ષની શુભેચ્છાઓ !
    સામાન્ય રીતે હું જે રીતે જીવું છું એ જ મારું ‘રીઝોલ્યુશન’ છે, પણ આ વર્ષે એક રીઝોલ્યુશન લેવું છે – ‘મારા મનની એલર્જી કાઢવામાં સફળ થવું’. વર્ષો પહેલાં શ્રી સૌરભભાઈના ‘વિચારધારા’ ના એક અંકમાં એમ.એફ. હુસેન ચિત્રીત તસ્વીરો જોઈ અને ભારતીય સંસ્કૃતિનું નામાંકંન પણ જોયું અને શ્રી જયભાઈએ પોતાના લેખોમાં શ્રી હુસેનને દેશપ્રેમી દર્શાવવામાં કોઈ કસર છોડી નહીં અને તેમાં પણ તેમના લેખોમાં અણગમતા શબ્દોના પ્રયોગોથી (હું આને વાસ્તવિકતા નહીં પણ વિવેકહીનતા ગણું છું) મને જયભાઈની એલર્જી થઈ. એ દુર થાય એ માટે સુરતના એમના એક સંબોધનમાં પણ હાજરી આપી પણ બે કલાક બગડ્યા. ભગવાનને (જો હોય તો) પ્રાર્થના કે હું મારા મનની નાનીમોટી એલર્જી દુર કરી શકું.
    અને અંતમાં તમારી ક્ષમા માગું છું કે મારો અણગમો આપના બ્લોગ પર વ્યક્ત થઈ ગયો.

    Like

    1. ભગવાન એલર્જી દુર ના કરી શકે તમારે જાતે જ દુર કરવી પડે. એક તો ખુલ્લા માંથી બધું વાંચવું કે સાંભળવું જોઈએ. બીજું જયારે તમે જયભાઈને વાંચો ત્યારે એમ.એફ હુસેનને ભૂલી જાવ તમે દર વખતે એમને વચમાં લાવી દેતા હશો. જયભાઈનાં વિચારો સાથે અસહમત હોવ તો લખો તમારા વિચારો સાથે અસહમત છું વાર્તા પૂરી. તમે પર્સનલ લઇ લીધું લાગે છે. અમે તો એક બાબતે વિવાદે ચડેલા તો આશરે ૧૦૦ કરતા વધુ સામસામી કોમેન્ટ્સ સુધી વૈચારિક રીતે બાખડેલા પણ પછી વાર્તા પૂરી. આપણ લોકોને વિવાદ કરતા જ આવડતું નથી. શાસ્ત્રાર્થ કોને કહેવાય? તમને ગમે તેવું લખે નહિ એટલે તમે નક્કી કરી લો છો કે આ માણસ ખરાબ છે પછી એલર્જી ક્યાંથી દુર થાય? ઉલટાની જેટલા એમને વાંચશો કે સાંભળશો એલર્જી વધતી જવાની. મારો લેખ વાંચીને તમને કેટલું ખરાબ લાગી ગયું છે? મેં એકપણ દાખલો ખોટો લખ્યો નથી. બધા પુરાણ કે શાસ્ત્રો વાંચી લેશો. કડવું સત્ય પચાવવા માટેના પાચક રસ ખોઈ બેઠા છો. તમારા પ્રિય પાત્રો પણ માણસો જ હોય છે તેમની ભૂલો પણ થતી હોય છે. તમારી એમના પ્રત્યેની તકલાદી લાગણીઓ ક્યાંક તૂટી ના જાય માટે વિહવળ થઇ જવાય છે. હું તો હજુય કહું છું એવરેજ ભારતીય પુરુષ સેક્સને દબાવીને બેઠેલો છે સેક્સ સપ્રેસ્ડ છે. એમાં એનો વાંક નથી હજારો વર્ષોથી શિક્ષણ જ એવું મળ્યું છે. બીચ પર બીકીની પહેરેલી સ્ત્રીઓ સામે તાકી તાકીને જોયા વગર ભારતીય પુરુષ રહી શકતો નથી. બસમાં બાજુમાં બેઠેલી સ્ત્રીના કપડાનો સ્પર્શ પણ એને વિહવળ બનાવી દેતો હોય છે. કેમ? અણગમો વ્યક્ત કરવા જ તો આવેલા છો પછી ક્ષમા શું કામ માંગવી ?

      Like

      1. મેં તમારી ખેલદીલી દિલથી સ્વીકારી તેની નોંધ તમે ન લઈને મને વધુ ખોટુ લગાડ્યું.
        ભગવાન શબ્દ પછી બ્રેકેટમાં લખેલ શબ્દોની નોંધ પણ ન લીધી ? (ભગવાન વિષે મેં મારા બ્લોગમાં – ઉપરવાળા – ની પોસ્ટમાં લખ્યું જ છે.) એલર્જી મારે જ દુર કરવાની છે તેની જાણ પણ મને છે જ. બાકી ‘ઓપનનેસ’ મેં લખ્યું છે તેની લીન્ક સમય મળ્યે, ઇચ્છા થાય ત્યારે જોઈ જશો.-

        ‘I am OK’

        Identity

        દ્રષ્ટિકોણ –


        ‘એવરેજ’ જેવા શબ્દના આધારે શાસ્ત્રાર્થ ન થઈ શકે એમ હું માનું છું અને વધારે સ્પષ્ટ લખું તો હું ફક્ત મારા વિચારોની અભિવ્યક્તિ માટે જ બ્લોગીંગ કરું છું અને મારા અને અન્યના લખાણોમાં ‘હકારાત્મકતા’ શોધવાનો પ્રયત્ન કરું છું. (બાખડવા માટે નહી). પાચનશક્તિ ખરાબ છે એવું ડોક્ટરે પણ કહ્યું છે. પણ સત્ય બ્લેક એન્ડ વાઈટમાં નહી પણ ગ્રે શેડમાં શોધવાનું છે એવા આપના જ શબ્દોને અનુસરુ છુ. સેક્સ સપ્રેસ્ડ પર શ્રી અશોકભાઈએ ‘શાસ્ત્રાર્થ કરેલ છે. અને કોલમીસ્ટ અંગે પણ નીચેની બે લીન્ક છે.-
        http://lifewithjoshi.blogspot.in/2012/09/blog-post_15.html
        http://lifewithjoshi.blogspot.in/2012/09/blog-post_26.html
        બાકી વાર્તા પુરી.

        Like

        1. ભાઈશ્રી તમારા પ્રતીભાવમાં ખેલીદીલી સ્વીકારી જેવું કશું લખ્યું નથી તમે. બીજું તમે ખોટું લગાડવાનું નક્કી કરીને જ આવો તો બીજું શું થાય? હહાહાહાહા ..

          Like

  6. અબ તક છપ્પન માટે અભિનંદન !
    ધોરણ 7 માં (વર્ષ 1997) હતો ત્યારે રાજકોટ ની સૌરાષ્ટ્ર હાઇસ્કુલમાં એક પ્રવચન દરમ્યાન જયભાઈએ ‘વિદ્યાર્થીઓ કરી રીતે વધુ લખે?’ પર કહેલી વાતો આજની તારીખે સાંપ્રત અને ચાવીરૂપ છે.

    Like

  7. ૨૦૧૩નું અને તે પછીનાં કેટલાંય વર્ષો સજોડે, પૂર્ણ સ્વાસ્થ્ય, અક્ષુણ્ણ સુખ અને આનંદમય શાંતિથી માણો અને તમારા એ અનુભવોને તમારી લાક્ષણીક શલિમાં અમારા સહુ સાથે વહેંચતા રહો તેવી શુભેચ્છાઓ.

    Like

  8. પ્રિય ભુપેન્દ્રસિંહજી;
    પ્રેમ.
    આપણે બધા કાણા વાળી બોટમાં સવાર છીએ. “હાશ! ૨૦૧૨ પત્યું” તેમ જીવનના છેલ્લા શ્વાસો ભરતાં પણ નિસાસો નાંખશું “હાશ આ જીંદગી પતી”.
    જીંદગી એક બોઝરુપ આપણે જીવી રહ્યા છીએ અને ખબર નથી કેમ? ક્યાં શું ખુટે છે તે સમજાતું નથી. અહીં લગભગ પ્રત્યેક મનુષ્ય પરેશાન છે. નિર્ધનને તો કદાચ એમ પણ થતું હોયકે ધન નથી એટલે જ બધી સમસ્યાઓ છે.અસ્વસ્થને થતુ હોય કે સ્વાસ્થ્ય સારું નથી તેથી બધી સમસ્યાઓ છે.
    પણ અહીં મોટાભાગે બધા એવા છે જેમને નથી ધનની અછત કે નથી સ્વાસ્થ્યની ઝાઝી સમસ્યા અને છતાં એક બેચેની છે અને કારણ સમજાતું નથી.
    આવું મારી જેમ તમને અને કદાચ અન્યને પણ થતું હશે. આ બેચેની જેટલી ગહરી બને છે તેટલી પ્યાસ વધે છે સુખની આનંદની. એવો મારો અનુભવ છે.
    નવવર્ષ (૨૦૧૩) આપના અને આપના કુટુંબીજનો માટે શુભ નિવડે અને પ્રત્યેક ક્ષણ આનંદથી ભરપુર રહે તેવી અતઃકરણપૂર્વક પ્રાર્થના.
    પ્રભુશ્રીના આશિષ.
    શરદ.

    Like

    1. જુના જમાનામાં ક્ષય કે ટીબી અસાધ્ય ગણાતો. પછી સુધારો થયો. હવે ટીબીના દર્દીઓમાં નવો પ્રકાર આવેલ છે જેમાં દવાની અસર થતી નથી અને મરવું પડે છે.

      એવું જ ખાંસી બાબત સમજવું. દવાની અસર થતી નથી.

      ખબર નથી બોટમાં કેટલા કાંણા છે અને કોશીષ ચાલુ છે કીનારે પહોંચવાની….

      Like

  9. આદરણીય શ્રી ભુપ્રન્દ્રસિંહજી
    ખોબલા ભરીને અભિનંદનના ઓવારણાં.
    ૨૦૧૨ કરતાય ૨૦૧૩ વધુ તેજસ્વી બને અને વાચકોને ગમ્મત સાથે જ્ઞાન પીરસો એવી અભ્યર્થના
    અભિનંદન….
    સને ૨૦૧૩ ના નુતન વર્ષાભિનંદન અને શુભ કામના

    Like

  10. શ્રી.ભુપેન્દ્રસિંહજી.
    ઈશુનાં નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ.
    અને સાથે સાથે આપે ‘56 પતાવી ‘57માં પ્રવેશ કર્યો તે શુભપ્રસંગની પણ હાર્દિક વધાઈ.

    એક આડવાત કરું તો, આપે ’અબ તક છપ્પન’ પતાવ્યા પછી લેખમાં જે ત્રણનું હિટલિસ્ટ બનાવ્યું એથી એ ત્રણને “ડર” લાગવા લાગે તો નવાઈ નહિ !! 🙂 (ઢિચાંઉ….ઢિચાંઉ….)

    આપનું અને અમારાં બહેનનું સ્વાસ્થ્ય સારૂં રહે, હજુ સો વર્ષ સુધી આપને સહન કરતા રહેવાની તેઓશ્રીને શક્તિ મળે, તેવી હાર્દિક શુભકામના.

    ’કુરુક્ષેત્ર’નાં સર્વે મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ.

    Like

Leave a comment