હાશ!ઘર આવી ગયું.
*એક કહેવત છે કે ધરતીનો છેડો ઘર.આપણ દરેકને ઘણી વાર ઘર છોડી બહાર જવાનું થતું હોય છે.કોઈ સારા માઠા પ્રસંગે કે રજાઓમાં કોઈ પ્રવાસનું આયોજન કર્યું હોય ત્યારે રૂટિન જિંદગીથી કંટાળી ગયા હોઈએ ત્યારે ચેઇન્જ માટે બહાર જઈએ છીએ.ફરવાની ખૂબ મજા આવતી હોય છે.આનંદ પણ ખૂબ મેળવતા હોઈએ છીએ.પણ ગમે તેટલું બહારનું સ્થળ સારું હોય ઘેર આવીએ ત્યારે એક હાશ અનુભવીએ છીએ કે ચાલો ઘર આવી ગયું.ઘર એટલે ઘર.આવો હાશકારો દરેકે અનુભવ્યો હશે.
*આશરે છ વર્ષે ૧૯ ફેબ્રુઆરીની સવારે જ્યારે હું વડોદરા પહોચ્યો ત્યારે આવો હાશકારો મેં અનુભવેલો કે હાશ!ચાલો ઘેર આવી ગયા.છ વર્ષથી જાણે હું મુસાફરી ઉપર ના હોઉં?છ વર્ષ અમેરિકા વસવાટ દરમ્યાન કોઈ પ્રવાસ ઉપર હોઉં તેમ લાગતું હતું અને વડોદરે પહોચ્યો કે હાશ! ઘેર આવી ગયા.
*ત્યાર પછી એક મહિનો અને છ દિવસ ક્યાં પસાર થઈ ગયા કોઈ ખબર ના પડી.રોજ રાત્રે સુતા સુધી ફોનની રીંગ વાગ્યા કરતી.કોઈને કોઈ મળવા આવી પૂગતું.આજે સવારે નુવાર્કનાં એરપોર્ટ પર ઊતર્યો અચાનક સન્નાટો,બધું બંધ થઈ ગયું.પરમ શાંતિ,ના કોઈ અવાજ,ના કોઈ પ્રદૂષણ,ના કોઈ Heat and dust.ફરી એક લાંબો પ્રવાસ ચાલુ ક્યારે ઘેર પહોચીશું ખબર નથી.ક્યારે ‘હાશ ઘર આવી ગયું’એવા ઉદગાર અનાયાસે નીકળશે ખબર નથી.ક્યારે એવો હાશકારો અનુભવીશું ખબર નથી.અનંત પ્રવાસ,આપણે સહુ અનંતના પ્રવાસી છીએ.
મહિનો તો ઘણો ઓછો પડે.ઘણા બધાને વચન આપ્યા છતાં મળવાનું રહી ગયું.ફોન પર વાતો કરી પણ જાણે ધરવ થયો નહિ.’બસ ચાલો ત્યારે’ કહીને પણ કોઈ નવા મુદ્દે વાત આગળ વધ્યા કરતી.હજુ અહી તો ધ્રુજાવી નાખે તેવી ઠંડી છે.ત્યાં સતત ગરમી બહુ છે ની ફરિયાદ ચાલ્યા કરતી તે અહી આવીને ઓગળી ગઈ કે ભાઈ વતનની ગરમી પ્યારી હતી અહીંના સન્નાટા કરતા.
*અમદાવાદનો વિકાસ ખૂબ થયો છે.જાણે સાવ બદલાઈ ગયું છે.વડોદરા પણ બદલાઈ રહ્યું છે.પણ ટ્રાફિક સેન્સ અને સમસ્યામાં કોઈ ફરક પડ્યો નથી.બધે અરાજકતા લાગે.પોલીસ પણ ચાર રસ્તે નિષ્ક્રિય ઊભી લાગી.પહેલા કરતા આ બાબતમાં વધુ બગડેલું જણાયું.ભાવ વધારામાં કોઈ નિયંત્રણ લાગ્યું નહિ.મન ફાવે તેમ ભાવ વધતા લાગ્યા.સરકારનો કોઈ કાબુ નથી.મોટાભાઈનું બેંગ્લોરમાં કહેવું હતું કે તમે છ વર્ષે આવ્યા છો એટલે અહીંનો ભાવ વધારો જાણી આંચકો લાગે તે સહજ છે પણ અમને અહી રહેતા અને ભાવ વધારાથી ટેવાતા જતા હોવા છતાં આંચકો લાગે છે.બેંગ્લોરનું નવું એરપોર્ટ શહેરથી ખૂબ દૂર આશરે ૪૫ કિલોમીટર દૂર બનાવ્યું છે.ત્યાંથી ટેક્ષી અને બસ સેવા સારી છે.ચાલો ટેક્ષી ઉપર જીવતા લોકોને સારો ધંધો મળી જાય છે.સરકારી વોલ્વો બસ સેવા પણ ચાલે છે.હું અને મારા શ્રીમતીજી બેંગ્લોર ઊતર્યા પછી ભાઈની સલાહ મુજબ લાલ રંગની વોલ્વોમાં બેઠાં.આપણાં મનમાં છ વર્ષ પહેલાની લાલબસની ઇમ્પ્રેશન.એમાં અમદાવાદની લાલબસની સેવા ખૂબ સારી અને ભાડા સસ્તા તે ઇમ્પ્રેશન વધારે.આ એ.સી.વોલ્વો બસ છે તેવી વાત યાદ ના આવી.મેં લાસ્ટ સ્ટોપેજની બે ટીકીટ માંગી.કંડક્ટર કહે થ્રી સિક્સટી,ફટ લઈને દસની નોટ ધરી દીધી.બાજુમાં બેસેલા શ્રીમતી બોલ્યા ‘શું આબરૂ કાઢો છો’ત્રણસો સાઈઠ માંગે છે.સોરી!કહી પાંચસોની નોટ ધરી દીધી.ઉતરવાના સ્થળે તો મોટાભાઈ એમની કાર લઈને ઉભા હતા.એમને આ વાત કરીને ખૂબ હસ્યા.ઘેર જઈને બધાને મળીને ખબર અંતર પૂછીને ફરી આ વાત કરીને ખૂબ હસ્યા.હસવાનો જાણે મસાલો મળી ગયેલો.બેંગ્લોર મજાનું શહેર છે.ભીડ તો છે પણ ટ્રાફિક વ્યવસ્થા સારી છે.વડોદરામાં સાંજે વ્યસ્ત સમયે પણ સિગ્નલ લાઈટ બંધ હોય છે.બેંગ્લોરમાં હેલ્મેટ પહેર્યા વગર દ્વિચક્રી વાહન પર કોઈ ના બેસે.સ્ત્રીઓ પણ નહિ.બધાને માથે હેલ્મેટ હોય જ.લાલ બાગ,કબન પાર્ક,ટીપું સુલતાનનો મહેલ,શિવ ટૅમ્પલ અને ઇસ્કોન ટૅમ્પલ વગેરે જોવાની મજા આવી.ગરમી તો ત્યાં પણ ખૂબ લાગી.મારા વૃદ્ધ આશરે ૯૦ વર્ષે પહોચવા આવેલા ‘બા’ને મળીને ખૂબ વાતો કરીને એક સંતોષ મેળવ્યો.
*વડોદરા આવીને પણ પેલો વોલ્વોવાળો બનાવ કહીને બધાને ખૂબ હસાવ્યા.ખરીદી,સગાઓને મળવાનું અને એકબે સામાજિક પ્રસંગો,એમાં ક્યારે મહિનો પૂરો થઈ ગયો ખબર જ ના પડી.બે દિવસ પછી ઘાંચીના બળદની જેમ કામમાં જોતરાઈ જઈશું.
ક્યારે દેશ આવીશું અને “હાશ!ઘર આવી ગયું” એવું ક્યારે કહીશું? I do not know.




હમણાં હસવાનો કાર્યક્રમ ખૂબ ચાલ્યો.પહેલા શ્રી યશવંત ભાઈના ઘરે અને પછી મારા ઘેર .ઘરમાં વિરાટ રાજા જો પધાર્યા હતા.છે તો નાના ૧૧ વર્ષના હશે.પણ એમની રમુજ સેન્સ વિરાટ છે,કોઈ મોટા માણહને શરમાવે એવી છે.શીઘ્ર કવિની જેમ શીઘ્ર ઉત્તર હાજર જ હોય.કોઈઅમેરિકન બાળક જેટલા હેલ્ધી એટલે પોતાને ભીમરાજ કહે.બીજાની મશ્કરી કરવામાં ઉસ્તાદ એટલા પોતાની પણ કરી જાણે.પોતાને બેબી અપ્પુ,કે બેબી એલીફન્ટ કહે છે.એમના ફેમીલી સાથે પધાર્યા છે.ઘણા બાળકો એમના માતાપિતાની ઓળખાણથી ઓળખાતા હોય છે.ઘણા માતાપિતા એમના તેજસ્વી બાળકોથી ઓળખાતા હોય છે.એમાં માતાપિતાનું ગૌરવ છે.એમના માતાપિતા અને બહેનો સાથે આવ્યા છે.વિરાટસિંહ મારા ભત્રીજા છે.શરીરે વિરાટ અને બોલવામાં,હસાવવામાં અને મસ્તી કરવામાં અનંત. મારા શ્રીમતી એ આવ્યા ત્યારથી અમાપ બોલવાનું બંધ કરીને અમાપ હસ્યા કરે છે.હવે પેટમાં વળ પડી ગયા છે,દુખાવો શરુ થઇ ગયો છે.પણ હવે કોઈ ઉપાય નથી,બસ હસ્યા કરો.મારા શ્રીમતીએ એમના માસી ગુલાબ માસીનો ઉલ્લેખ કર્યો તો તત્ક્ષણ સામો શબ્દ આવ્યો રોઝી.અમે બધા હસ્યા તો કહે કહે કેમ ગુલાબ એટલે રોઝ અને ગુલાબ માસી એટલે રોઝી.