Stockholm Syndrome
સ્વિડનમાં સ્ટોકહોમ શહેરમાં ૧૯૭૩માં એક બેંકમાં કેટલાક લુંટારાઓએ ધાડ પાડી હતી. એમાં બેંકના કર્મચારીઓ અને બીજા કેટલાકને બેંકમાં જ એમણે પકડી રાખેલા. ૬ દિવસ સુધી બેંકમાં આ બધાને પુરી રાખેલા અને પોલિસ સાથે માથાકૂટ ચાલી હતી. આ પકડી રાખેલા કર્મચારીઓને આ લુંટારાઓ માટે સહાનુભૂતિ જાગેલી. પોલિસે આ બધાને છોડાવ્યા પરંતુ એમાંના કેટલાકે પોલિસનો વિરોધ કરેલો અને કેટલાકે તો લુંટારાઓને ઓળખવાનો ઇન્કાર કરેલો. લુંટારાઓ માટે ફંડ પણ ઊભું કરેલું. મનોવૈજ્ઞાનિકોએ આ બનાવનો અભ્યાસ કરીને પોતાના ઉપર જુલમ કરનાર, ત્રાસ વરતાવનાર પ્રત્યે સહાનુભૂતિ રાખવી લાગણી રાખવી એવી વર્તણૂકને સ્ટોકહોમ સિન્ડ્રોમ નામ આપ્યું છે. સ્ત્રીઓ આવા સિન્ડ્રોમ વડે વધારે પીડાતી હોય છે. બાળકો પણ એમના અબ્યુઝર પ્રત્યે આવા સિન્ડ્રોમ વડે પીડાતાં હોય છે. એનું મુખ્ય કારણ પોતાનો જીવ બચાવવાનું છે. કોઈપણ પ્રકારનો અબ્યુઝર હોય, કિડનેપર હોય કે ઘરનો કોઈ સભ્ય પતિ, પત્નિ કે માબાપ કે નેતા કે ધર્મગુરુ કે ગમે તે હોય બહુ ખતરનાક હેય છે, એ જીવ પણ લઈ લે. એટલે અબ્યુઝર પ્રત્યે પ્રેમભાવ, લાગણી, સહાનુભૂતિ રાખો તો એટલિસ્ટ જીવ તો ના લઈ લે એવી ગણતરીએ અસહાય પિડીત લોકો એમના અબ્યુઝર પ્રત્યે પ્રેમ દર્શાવતા હોય છે. ભય વીના પ્રિત નહીં કહેવત પણ એટલે જ પડી હોય છે.
આપણી એવરેજ પ્રજા સ્ટોકહોમ સિન્ડ્રોમ વડે પીડાય છે, એમના પ્રત્યે ત્રાસ ગુજારનાર નેતાઓને વારંવાર ચૂંટી લાવે છે. બાહુબલી નેતાઓનો ભય લાગતો હોય છે એટલે એવા નેતાઓ તરત ચૂંટાઈ આવતા હોય છે. એટલે તમામ પક્ષો બાહુબલી નેતાઓની પસંદગી વધારે કરતા હોય છે. શરીફ લોકોનો ભય લાગે નહિ એટલે એવા લોકો ચૂંટણીમાં ઊભા રહે તો હારી જાય. એટલે એમને ટીકીટ મળવી મુશ્કેલ હોય છે. એનું દુષ્પરિણામ એ છે કે ધીમે ઘીમે સારા માણસો ચૂંટણીઓમાં ઊભા રહેતા બંધ થઈ ગયા છે. શનૈ શનૈ દેશ ગુંડાઓ બાહુબલીઓના હાથમાં સરકી ગયો છે. પ્રમાણિક રાજકર્તાઓની પેઢી ખતમ થઈ ગઈ છે. દેશની લોકશાહી માટે આ ખતરનાક વળાંક છે. – ભૂપેન્દ્રસિંહ રાઓલ યુએસએ..