અયપ્પા(શબરીમાલા)

અયપ્પા(શબરીમાલા)

ભૂતકાળમાં કોઈ વીર પુરુષ થયો હોય અને પ્રજાના રક્ષણ માટે જીવના જોખમે કામ કર્યા હોય તેને પછી લોકો ભગવાન માની પૂજા કરવા માંડે. દા.ત. મહૂડીમાં ઘંટાકર્ણ વીરનું મંદિર છે. જૈનો ત્યાં વધુ જતા હોય છે. ઘંટાકર્ણ એટલે કાનમાં ઘંટ આકારના કુંડળ પહેરતાં. એ વિજાપુર તાલુકાની આસપાસના જંગલોમાં રહેતા જંગલવાસી હતાં એટલે હાથમાં તીરકામઠું હોય. મૃત્યુ પછી એમનો આત્મા ત્યાં જ વિચરતો હશે અને લોકો ડરતાં હશે. જૈન મહારાજ બુદ્ધિસાગરજીએ એમની સાધના કરી મહૂડીમાં બેસાડી દીધા એવી વારતા રે વારતા છે.

એવું આ આપણા અયપ્પાનું છે. કોઈ રાજાને એક બાળક જંગલમાંથી મળેલું એ મોટો થઈને વીર પુરુષ બન્યો ને ઘંટાકર્ણની જેમ કાનમાં નહિ પણ ગળામાં ઘંટની માળા બનાવી પહેરતાે અને તીર કામઠું કોમન છે. લોકોને ચોર લુંટારાથી બચાવતો. વાવર નામના મુસલમાન લુટારાને પણ પાઠ ભણાવેલો પછી તો એ વાવર એમનો મદદગાર જ બની જઈ પીર બની ગયો તો અયપ્પાની પૂજા ત્યાંના અમુક મુસલમાનો પણ કરે છે. કેરલમાં વાઘ વધારે હશે એટલે વીર પુરુષોને મહિમાન્વિત કરવા વાઘ પર બેસાડવા જરૂરી છે, તો શ્રીલંકામાં હાથી વધારે હશે તો ત્યાં હાથી પર સવારી કરાવવી પડે.

ઘણા લોકો અયપ્પાને બુદ્ધનો અવતાર પણ માને છે. મતલબ બહુ જૂના ભગવાન નથી. બુદ્ધ પછી થયેલા છે. વાવરમિયા મિત્ર બનેલા એટલે આમ પણ બહુ જૂના ભગવાન નથી લાગતા.

હવે બહુ વરસ પછી લોકો એમને ભગવાન બનાવે એટલે એમના જનમ માટે જાતજાતના મીથ જોડવા પડે. પુરાણો સાથે ગઠબંધન કરવું પડે. વાર્તાઓ બનાવવી પડે.

કાર્તિકેય શિવપાર્વતીના પુત્ર મુરુગનસ્વામી છે. અયપ્પા કાર્તિકેય નથી. એ શિવપાર્વતીના પુત્ર નથી. અયપ્પા હરિહરા છે હરિ અને હરના પુત્ર છે. શિવ અને વિષ્ણુના પુત્ર છે. વિષ્ણુએ મોહીની રૂપ લીધેલું એ મોહીની અને શિવના પુત્ર છે. બ્રહ્મચારી છે એટલે એમના બ્રહ્મચર્યને સાચવવાની જવાબદારી એમની ખૂદની નહિ પણ એજ યુજુઅલ સ્ત્રીઓની છે. એટલે પિરીયડમાં આવતી સ્ત્રીઓથી જવાય નહિ. સબરીમાલાનું એમનું મંદિર જરા વધારે ફેમસ છે. ભૂતકાળમાં અયપ્પાએ બહુ લોકોની મદદ કરીને બચાવેલા છે એવી વાત છે માટે એમનો આભાર માનવો જોઈએ.

બીજુ હવે સ્ત્રીઓ સેનિટરી પેડ વગેરે પહેરી અસ્વચ્છ હોતી નથી. એટલે મંદિરમાં જવાય. ખેર જે હોય તે કાલ્પનિક વારતાઓની બુદ્ધિવગરની ધાર્મિક માન્યતાઓમાં સમય વ્યય કરવાની આ દેશની મોટાભાગની પ્રજાને આદત છે બાકી સુપ્રીમ કોર્ટને આવા નકામા કામોમાં વચ્ચે પડવાની જરૂર ના પડે.

“મંદિરમાં પ્રવેશ માટે રોકનારા અને મંદિરમાં જવાની હઠ કરનારા બંને સરખા જ અક્કલ વગરના છે.” :- ભૂપેન્દ્રસિંહ રાઓલ.

4 thoughts on “અયપ્પા(શબરીમાલા)”

  1. “મંદિરમાં પ્રવેશ માટે રોકનારા અને મંદિરમાં જવાની હઠ કરનારા બંને સરખા જ અક્કલ વગરના છે.

    Like

Leave a comment