વર્ણભેદ બંધિયાર ખાબોચિયું

shambhukવર્ણભેદ બંધિયાર ખાબોચિયું

આપણે સસ્તન એટલે કે મેમલ પ્રાણી છીએ. એટલે સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલા છીએ. એટલે આપણા સમાજ હોય છે. ગરોળી કે સાપના સમાજ નથી હોતા કારણ સરીસર્પ ઉત્ક્રાન્તિના ક્રમમાં સમૂહમાં રહેવા-જીવવા ઉત્ક્રાંતિ પામેલા નથી. દરેક સસ્તન પ્રાણી પાસે લીમ્બીક સીસ્ટમ એટલે કે નાનું મગજ હોય છે અને સાથે સાથે કોર્ટેક્સ હોય છે. લીમ્બીક સીસ્ટમ એટલે કે નાના મગજની અંદર સરીસર્પનું બ્રેન પણ આવી જાય. આ લીમ્બીક સીસ્ટમ સિવાયનું કોર્ટેક્સ બીજા પ્રાણીઓ પાસે નાનું અથવા સાવ નજીવું હોય છે ફક્ત માનવ પાસે બહુ મોટું છે માટે લાર્જ કોર્ટેક્સ કહીએ છીએ. એને સાદી ભાષામાં મોટું મગજ કહીએ છીએ. જે વિચારવાનું, તર્ક કરવાનું, વિશ્લેષણ કરવાનું, ભાષા વગેરે પર કાબુ ધરાવે છે. હવે લીમ્બીક સીસ્ટમ એટલે કે નાના મગજ પાસે શબ્દોની કોઈ ભાષા નથી એની ભાષા છે ન્યુરો કેમિકલ્સ. કરોડો વર્ષોથી વિકસેલ નાનું મગજ કેમિકલ્સની ભાષા ધરાવતું અને સર્વાઈવલ માટે કામ કરતુ હોય છે જે લાગણીઓ પર કાબુ ધરાવતું હોય છે. એની સામે લાખો વર્ષથી વિકસેલું મોટું મગજ વિચારવાનું કામ કરતુ હોય છે એની પાસે શબ્દોની ભાષા છે. ભલે મોટું હોય પણ તે લીમ્બીક સિસ્ટમના ધક્કા આગળ મોટાભાગે હારી જતુ હોય છે અને તેની હાર માટે અવનવા બહાના શોધી કાઢતું હોય છે.

સર્વાઈવલ માટે ડોમિનન્ટ બનવું જરૂરી હોય છે તે આપણા DNA માં કરોડો વર્ષોથી વણાયેલું હોય છે. ટૂંકમાં પ્રાણીઓ પાસે બ્રેન નાનું હોય છે, ન્યુરૉન્સ ઓછા હોય છે, માટે વિચારવાનું ખાસ હોતું નથી. ન્યુરોકેમિસ્ટ્રી જેમ દોરે તેમ દોરાવાનું. સર્વાઇવલ માટે લડ્યા કરવાનું, એક સ્ટ્રેસ પૂરો થાય એટલે બીજો જ્યાં સુધી ઊભો નાં થાય ત્યાં સુધી શાંતિ. માનવ પાસે મોટું વિચારશીલ બ્રેન છે, પુષ્કળ ન્યુરૉન્સ છે. માટે એકલાં ન્યુરોકેમિકલ ઉપર આધાર રાખવાનો હોય નહિ. મોટા બ્રેનમાં ઘણી બધી મૅમરી પણ ભરેલી હોય. એટલે માનવે જાત જાતની નવી નવી વ્યવસ્થાઓ શોધી કાઢી. હૅપી કેમિકલનો બ્રેનમાં થતો સ્ત્રાવ આનંદ આપતો હોય છે. પ્રાણીઓમાં તો નબળા પ્રાણીને મારીને દબાવીને ડૉમિનન્ટ બની જવાય, અને સિરોટોનીન(serotonin) સ્ત્રવે એટલે ખુશ. પણ માનવોમાં આવું કરી શકાય નહિ. એટલે માનવજાતે ચડતા ઊતરતા દરજ્જાની સર્વોપરી બનવાની એક સામાજિક વ્યવસ્થા શોધી કાઢી. બે માનવ ભેગાં થાય, બાર થાય કે બે લાખ કોણ ઊંચું અને કોણ નીચું અચેતન રૂપે સરખામણી શરુ, અને ઉંચો સાબિત કરવાનું શરુ થઈ જાય. બહુ જટિલ રીતો માનવ બ્રેન શોધી કાઢતું હોય છે.

દરેક માનવ પોતપોતાની રીતે Social dominance hierarchy ઊભી કરી નાખતો હોય છે.

રમતવીરની એની પોતાની દુનિયા હોય છે, ઘણાને ટપાલ ટીકીટો ભેગી કરવાનો હોબી હોય છે. એક ઉદ્યોગપતિને જૂની પુરાણી ઍન્ટિક ગાડીઓ ભેગી કરવાનો શોખ હતો. હવે ટપાલ ટીકીટો ભેગી કરનારા, કે સિક્કા ભેગા કરનારાઓ, કે જૂની પુરાની ગાડીઓ ભેગા કરનારાઓમાં પ્રથમ આવવાનું મહત્વનું બની જવાનું.  ધન ભેગું કરીને સમાજમાં સર્વોપરી બનવાનું ઘણું બધું ધ્યાન અને મહેનત માંગી લે તેવું હોય છે, પણ માણસ નવા સામાજિક નુસખા શોધી કાઢતો હોય છે. આકર્ષકતા, નૉલેજ, શારીરિક સામર્થ્ય, આધ્યાત્મિકતા, પદ, પ્રતિષ્ઠા વગેરે ઉપર આધારિત ઊંચા નીચાની એક પૅટર્ન શોધી કાઢવામાં આવે છે. માનવમનની સોશિઅલ ડૉમિનન્સ  હાઇઆરાર્કી એટલી બધી કૉમ્પ્લિકેટેડ છે કે ના પૂછો વાત.

કોઈ સરળ મનુષ્ય સવાલ કરશે કે શા માટે ડૉમીનન્ટ બનવું જોઈએ ? આદિમ કે પ્રથમ મૅમલ પાસેથી એનો જવાબ મળશે. સમૂહમાં રહેવું ફાયદાકારક કે પ્રિડેટરથી બચી જવાય. કોઈ એકલાં  સરીસર્પને એક ટુકડો ખાવા મળી જાય તો વાંધો ના આવે. પણ મૅમલ તો ગૃપમા રહે અને આખું ટોળું એક ટુકડો ખાવા ધસી જાય તો? એટલે જે નબળા હશે તે થોડા પાછળ રહેવાના, જબરાં ખાઈ લે પછી ખાવું સારું. આમ બચી જવાય અને લાંબો સમય જીવતા રહી શકાય, આમ આવી વર્તણુક ઘડાવાની. આમ નૅચરલ સિલેક્શન મૅમલને ગૃપમા રહેવાની ટેક્નિક શીખવતું હોય છે. દરેક માનવ હોય કે પ્રાણી એનું સ્થાન ક્યાં અને કેટલું છે તે જાણતું હોય છે.

ઉપરની ૫૦૦ જેટલા શબ્દોની મગજમારી એટલા માટે કરી કે દરેક માનવી બીજા સાથે ઊંચા નીચની કમ્પેરીઝન કાયમ અજાણપણે પણ કરતો હોય છે. એટલે સમાજમાં વર્ગભેદ તો કાયમ રહેવાના તે આપણા DNA માં છે. વર્ગભેદ આખી દુનિયામાં છે. પણ મુખ્યત્વે તે અમીર ગરીબના રહેવાના. એમાંય પાછું વધારે અમીર ઓછો અમીર, વધારે ગરીબ, ઓછો ગરીબ વગેરે વગેરે. મુકેશ અંબાણીને ચારપાંચ ફેક્ટરી ધરાવતા કોઈ મુકેશભાઈ ગરીબ લાગવાના ભલે તે આપણી સરખામણીએ પૈસાદાર હોય. મંદિરના ઓટલે બેસેલા ભિખારીને રેલ્વે પ્લેટફોર્મ પર બેસેલો ભિખારી ગરીબ લાગે. સ્કૂલ શિક્ષક આગળ કોલેજના પ્રોફેસરનો વટ ઉંચો રહેવાનો. ટૂંકમાં માનવી માનમોભો ઇચ્છતું પ્રાણી છે તે મનોવૈજ્ઞાનિક સત્ય છે. આપણે કહીએ કે આપણે બધા સરખાં છીએ. એવરીવન ઇઝ ઇક્વલ. એક ઉચ્ચ આદર્શ ગણીએ તો સારી વાત છે.   Equality is an abstraction, and the mammal brain does not process abstractions. આપણા આવા અનેક આદર્શો અમૂર્ત વિચારણા હોય છે. અહિંસા પરમોધર્મ, વસુધૈવ કુટુમ્બકમ અને ઇક્વાલિટી જેવી અનેક અમૂર્ત વિચારણાઓને મેમલ બ્રેઈન પ્રોસેસ કરી શકતું નથી. તેની ભૂખ feel good  પૂરતી હોય છે. સામ્યવાદ એટલે તો આદર્શ તરીકે મહાન હોવા છતાં ફેઈલ ગયો. કારણ કરોડો વર્ષોથી સર્વાઈવલ માટે વિકસેલ આપણા એનિમલ બ્રેનને અનુકુળ નહોતો.

પણ મહત્વની વાત એ છે કે સ્ટેટ્સ મેળવવા માટે મહેનત કરવી પડતી હોય છે, બલિદાન આપવા પડતા હોય છે. પ્રથમ નંબરે આવવાની ઈચ્છા દરેક પ્રાણીના સ્વભાવમાં હોય છે અને તે માટે આખી જીંદગી પ્રયત્ન ચાલતા હોય છે ભલે પ્રથમ અવાય કે નો અવાય. અને તેને માટે પુષ્કળ મહેનત કરવી પડતી હોય છે. પણ આ પ્રથમ આવવાની કે ઊંચું સ્થાન પામવાની પદ-પ્રતિષ્ઠા પામવાની ઈચ્છા કેમ જન્મજાત હોતી હશે? આપણા પૂર્વજોને એમાં ચોપગા પ્રાણીઓને આવી ગયા, પ્રથમ આવ્યા વગર ખાવાનું અને સ્ત્રી મળતી નહોતી. એના માટે બહુ માર પડતો, બહુ મહેનત પડતી. સમૂહનો વડો હોય તે પહેલો ખોરાક ખાઈ લે પછી વધ્યું ઘટ્યું ખાવા દે અને માદા પણ પહેલા તે જ ભોગવી લે. એટલે જુના જમાનાના એલ્ફા શારીરિક બળવાન રહેતા વાઘ સિંહ જેવા પ્રાણીઓની જેમ. ભીમ, દુર્યોધન, જરાસંધ, બળરામ, કૃષ્ણ આ બધા જુઓ એક મુક્કો મારી ભોમાં ભંડારી દે તેવા. ધન, સંપત્તિની મદદ વડે એલ્ફા બનવાનું પછી આવ્યું. કોઈ વિદ્યાના જોરે પણ એલ્ફા બની શકતા. જ્ઞાન, બાહુબળ અને ધન વડે એલ્ફા બનવાનું, સમાજમાં પદ-પ્રતિષ્ઠા, માનમોભો મેળવવાનું મહત્વનું બન્યું. તમારી જોડે જ્ઞાન ના હોય તો બાહુબળ કેળવો તે ના હોય તો ધન સંપત્તિ ભેગી કરો. પણ આ બધા માટે સખત કોમ્પીટીશન હોય. હવે આમાં જેટલી કોમ્પીટીશન ઓછી હોય તેટલું સારું તે સ્વાભાવિક છે કે નહિ? બસ હવે અહિ ભારતના ચાલાક પણ બેઈમાન દિમાગે કામ કરવા માંડ્યું અને શરુ થઈ વર્ણ વ્યવસ્થા.

“આખી દુનિયામાં વર્ગભેદ છે પણ ભારતમાં વર્ણભેદ છે.”

વર્ગભેદમાં એક લવચીકતા હોય છે. એક સમયે ધીરુભાઈ અંબાણી તાતા-બિરલા આગળ ભિખારી જેવા હતા પણ મહેનત કરી વેપાર કરી તાતા-બિરલા કરતા આગળ વધી શક્યા, અને એમનો મુકેશ તો હવે આજે બીલ ગેટ્સની હરોળમાં બેસી ગયો છે. બેપાંચ કલાક માટે બીલ ગેટ્સ કરતા આગળ એક સમયે બેસી શકેલો. એક સ્કૂલ ટીચર પીએચડી કરી કાલે પ્રોફેસર બની શકે છે. એક ક્લાર્ક આઈ.એ.એસ.ની પરીક્ષા આપી એક સમયના એના બોસને આંગળીએ નચાવતો કલેકટર બની શકે છે. એક કોન્સ્ટેબલ આઈ.પી.એસ.ની પરીક્ષા આપી ડીએસપી બની શકે છે. એક ચાવાળો દેશનો વડાપ્રધાન બની શકે છે, અને લાખો ચા વેચતા લોકોમાં ભવિષ્યમાં વડાપ્રધાન બની શકાય તેવી આશા જગાવી શકે છે. વર્ગભેદમાં શક્યતાઓ બહુ હોય છે. વર્ગભેદ ફાયદાકારક છે. તમને ચેલેન્જ આપે છે આગળ વધો. એક માસ્તરને પ્રોફેસર બનવા માટે ઉશ્કેરે છે. ગરીબને અમીર બનવા ઉશ્કેરે છે. આજનો અમીર કાલનો ભિખારી બની શકે છે તો આજનો ભિખારી કાલે અમીર બની શકે છે. પણ પણ અને પણ વર્ણભેદમા બહુ મોટી હરીફાઈનો ખાતમો કરી દેવામાં આવ્યો. એક વિશાલ-વિરાટ વર્ગને તમે શુદ્ર છો જ્ઞાનનો અધિકાર તમને હોય નહિ, યશનો અધિકાર હોય નહિ, ધનનો અધિકાર હોય નહિ કહી બહુ મોટી કોમ્પીટીશન નિવારી દીધી. એક વિરાટ વર્ગને બાંધી દીધો શુદ્ર કહીને કે તમને જ્ઞાન, યશ અને ધનનો અધિકાર નથી. પછી વૈશ્યને બાંધી દીધો કે તને યશ અને જ્ઞાનનો અધિકાર નથી પછી ક્ષત્રિયને બાંધી દીધો કે તને જ્ઞાનનો અધિકાર નથી યશ તું તારે મેળવે રાખ અને મરે રાખ. વર્ણભેદ સમાજને જડ બનાવી દે છે. વર્ગભેદ વહેતી નદી જેવો છે વર્ણભેદ બંધિયાર ખાબોચિયું.

મારા પ્યારા મિત્રો ભલે આજે તમે ફુલાતા હોવ તમારી જાતને વૈશ્ય કે ક્ષત્રિયમાં ગણીને પણ એક સમયે હાલની તમામ ઓબીસીમાં, માંડલ પંચમાં સમાવાયેલી જાતિઓ, કારીગરો, ખેડૂતો, ખેત મજુરો બધા શુદ્ર જ ગણાતા. ભારત સરકારે અમસ્તા માંડલ પંચ રચી અને ઓબીસી વગેરે ભાગ પાડીને અનામત નથી આપી. વર્ણભેદમાં કોઈ ઉપાય જ નહોતો એક શુદ્ર વેદના શ્લોકો બોલવાનું તો ઠીક પણ સાંભળે. ભૂલમાં સાંભળી જાય તો પણ એના કાનમાં ગરમ શીશુ રેડી દેવાતું. રામરાજ્ય પાછું લાવવું હોય તો કેટલું શીશુ ઉકાળી રાખવું પડશે? ગંભીર મજાક કરું છું. હહાહાહા

હવે પાંચ હજાર વર્ષથી જેણે જ્ઞાન મેળવવા દોડે રાખ્યું હોય, જેણે યશ મેળવવા દોડે રાખ્યું હોય, જેણે ધન મેળવવા દોડે રાખ્યું હોય એમને કેટલી બધી પ્રેકટીશ કહેવાય? આ બધું તો DNA માં સમાઈ જાય કે નહિ? એક સત્ય દાખલો આપું. ચીનમાં જુના જમાનામાં સ્ત્રીઓ જન્મે એટલે નાની બાળકી હોય ત્યારથી એને લોખંડના બુટ પહેરાવી દેવાતા જેથી તે ભલે મોટી થાય એનું બાકીનું શરીર મોટું થાય પણ પગનો પંજો મોટો થાય નહિ સાવ નાજુક જ રહે. એના લીધે તે સ્ત્રી સરખું ચાલી પણ શકે નહિ. કોઈ માણસનાં પગ બેડીઓ વડે જકડી દો કદી દોડવા જ ના દો તો એ મોટો થઈને બહુ દોડી ના શકે ભલે બેડીઓ કાઢી નાખો. હવે એવા માણસને તમે કહો કે હવે દેશ આઝાદ થઈ ગયો છે, લોકતંત્ર છે બધાને ઇક્વલ ઓપરટ્યુનીટી તું હવે મિલ્ખાસિંઘ જોડે પણ દોડી શકે છે એમ કહી તેને મિલ્ખાસિંઘ જોડે દોડવા ઊભો કરી દો તો શું થવાનું? મિલ્ખા તો ભાગ મિલ્ખા ભાગ કયાનો ક્યા પહોંચી જાય અને પેલો તો બેચાર ડગલાં દોડી ગબડી પડવાનો. એટલે મિલ્ખાને કહેવું પડે કે તું ભાઈ આરામથી બેસ પેલાને જે કદી દોડ્યો નથી એને બે માઈલ દોડવા દે પછી તું ઊભો થઈ જજે. આ છે ભારતમાં અનામતની જરૂરીયાત. પાંચ હજાર વર્ષથી દોડ્યા જ નથી, મોકો આપ્યો જ નથી એમને જરા દોડવા દો, જરા પ્રેક્ટીશ કરવા દો, જરા એમના પગ છુટા થવા દો પછી ઉભા થાજો તો ય તમે જીતી જશો. ૫૦૦૦ વર્ષથી દોડતા આવેલા મિલ્ખાસિંઘ ૧૦૦ વર્ષ ધીમું દોડીને પેલા કદી નહિ દોડેલાને દોડવા દેશે તો શું ખાટું મોળું થઈ જવાનું છે?

આ વર્ણભેદને વર્ગભેદ સુધી સીમિત રાખ્યો હોત તો કોઈ વાંધો નો આવત. કોઈ શુદ્ર વેદ ભણી બ્રાહ્મણ બની શકત કે કોઈ ક્ષત્રિય વેદ ભણી બ્રાહ્મણ બની શકત. વિશ્વામિત્રે એવો ટ્રાય કરેલો. રાજા હતા, તપ વગેરે કરતા હતા પણ બ્રાહ્મણો એમને રાજર્ષિ કહેતા બ્રહ્મર્ષિ નહોતા કહેતા. એનો બહુ મોટો જગડો હતો. વિશ્વામિત્રને બ્રહ્મર્ષિ કહેવડાવવું હતું પણ કોઈ કહેતું નહોતું એટલે ગુસ્સે થતા અને તે સમયના ઋષિ એલ્ફા વસિષ્ઠ સાથે ઝગડો કરતા. વાર્તા તો એવી છે કે વશિષ્ઠનાં ૧૦૦ પુત્રો એમણે મારી નાખેલા. જોકે વશિષ્ઠને સો પુત્રો હોય અને વિશ્વામિત્ર એને મારી નાખે તે વાર્તા જરા વધુ પડતી લાગે છે.

ભગવાન રામ જોડે શંબુકનો વધ કરાવવાને બદલે “શંબુકને બ્રાહ્મણ ઘોષિત કરી દીધો હોત તે સમયના ઋષિમુનિઓએ તો આજે ભારતનો ઇતિહાસ જુદો હોત.”

ભારત કદી આક્રમણકારીઓ સામે હાર્યું નો હોત. ભારતના વિશાલ મોટા વર્ગને કોઈ ફરક નહોતો પડતો હિંદુ રાજા રાજ કરે, મુસલમાન રાજ કરે કે અંગ્રેજ રાજ કરે. કારણ એમની નિયતિ તો નક્કી જ હતી કોઈ પણ રાજગાદી પર આવે. એમના જન્મના વર્ણનું કારણ બતાવવા પાછળ એક બહુ મોટી મનોવૈજ્ઞાનિક રમત હતી કર્મનો સિદ્ધાંત. તમે જેવા કર્મ કર્યા હશે તેવો જન્મ મળશે. આગલા જન્મે ખરાબ કર્મો કર્યા હશે એટલે શુદ્ર તરીકે જન્મ્યા હવે કોઈ ઉપાય નથી, અ જન્મે સારા કર્મો કરો વર્ણ બદલાઈ જશે. આગલા અને આવતા જન્મના ચક્કરમાં શુદ્રો રાજી હતા. શુદ્રો શું બધા રાજી હતા અને હજુ આજ સુધી છે. અંગ્રેજોએ ૨૦૦ વર્ષ રાજ કર્યું એમાં એક સાથે ભારતમાં એમની ટોટલ વસ્તી ૭૦/૮૦ હજારથી કદી વધુ નહોતી. આ અંગ્રેજોએ જ પહેલીવાર સ્કૂલો શરુ કરી અને એમના ત્યાં વર્ણભેદ નહોતો એટલે બધાને ભણવાનું મળ્યું.

યુરોપમાં વર્ણભેદ નહોતો પણ એના જેવો રંગભેદ ખરો. કારણ રંગ પણ જન્મથી મળે છે બદલાય નહિ. રંગભેદ પણ આફ્રિકાથી ગુલામો લાવ્યા પછી શરુ થયો. યુરોપિયન અમેરિકા આવ્યા ગુલામો સહીત એટલે રંગભેદ સાથે જ આવે તે સ્વાભાવિક છે. પણ યુરોપ અમેરિકા રંગભેદ વહેલી તકે ભૂલવા માંડ્યા. શોષણ તો ત્યાં પણ થયું છે. પણ આપણી જેમ હજારો વર્ષ લગી નહિ. એના ઉપાયમાં રંગભેદના કારણે કોઈ જગ્યાએ ભેદભાવ ના થવો જોઈએ અને સર્વને સમાન તક નોકરી ધંધામાં મળવી જોઈએ તેનું સરકાર ધ્યાન રાખવા માંડી એટલે ભારત જેવી અનામત પદ્ધતિ દાખલ કરવી પડી નહિ. યુરોપ અમેરિકામાં સ્ત્રીઓ, અપંગો, કિન્નરો, સહીત કાળાં/ધોળા જોયા વગર તમામને સરખી તક મળે છે. અપંગો માટે દરેક જગ્યાએ સ્પેશલ ઢાળવાળા ટ્રેક બનાવવા જ પડે છે. ઓછી આવકવાળાને હેલ્થકેર ઈન્સ્યોરન્સ મફત મળે છે. ઓછી આવકવાલાને દર મહીને ફૂડ માટે ફૂડ સ્ટેમ્પ મળે છે. મારા દીકરાની આવક ગમે તેટલી હોય પણ મારી આવક ઓછી હોય તો મને ફૂડ સ્ટેમ્પ ચોક્કસ મળે. હોમલેસ લોકોને રહેવાની સગવડ મળે છે સરકાર તરફથી. અહિ ટેક્ષ ભરવા લોકો સામેથી આતુર હોય છે કારણ દસ વર્ષ ટેક્ષ ભરીને જોબ કરી હોય તો રીટાયર થતાં સરકાર તરફથી અમુક ચોક્કસ રકમ મળે છે. જેથી પોતાનું ગુજરાન ચાલે અને કોઈના પર બોજ ના બનો.

ભારતમાં અનામત પદ્ધતિનું ફરીથી મૂલ્યાંકન કરવું જરૂરી છે. હજુ જોઈએ તેવા લાભ જોઈએ તેને પહોચ્યા નથી. ભારતમાં તકલીફ એ છે કે વર્ણભેદના લીધે જે વિરાટ સમૂહને સામાજિક આર્થીક અન્યાય થયો છે તે વર્ગ ખુદ અંદરોઅંદર વર્ણભેદમાં સપડાયેલો છે. કારણ એણે વર્ણભેદ જ જોયો છે તો પોતાના વર્ગમાં પણ વર્ણભેદ જ કરે ને?

10 thoughts on “વર્ણભેદ બંધિયાર ખાબોચિયું”

  1. “ભારતમાં અનામત પદ્ધતિનું ફરીથી મૂલ્યાંકન કરવું જરૂરી છે”. સાચીવાત.

    Like

    1. વાહ સર બહું સરસ એક્દમ સત્ય સો ટચ વાસ્તવિકતા બયાન કરી છે. અદ્ભુત 👍👍👌🙏❤️🙏ધન્યવાદ સાહેબ

      Like

  2. “ભારતમાં અનામત પદ્ધતિનું ફરીથી મૂલ્યાંકન કરવું જરૂરી છે.”
    ખુબ જરૂરી છે. એક એવો વર્ણ પેદા થયો છે જે બધા લાભ લઇ જાય છે, નીચે સુધી
    પહોંચવા જ દેતા નથી. અનામતનો લાભ એક જ પેઢીને મળવો જોઈએ. જેમણે તે લાભ લીધો
    હોય તેમના સંતાનો ફરીથી તે લાભ માટે અપાત્ર ગણાવા જોઈએ.

    “એણે વર્ણભેદ જ જોયો છે તો પોતાના વર્ગમાં પણ વર્ણભેદ જ કરે ને?”

    આનો મને જાત-અનુભવ છે. મારી ઓફિસની સાફસુફી કરનારા કર્મચારી આંગણામાં પડેલા
    હાડકાને ખસેડવા માટે તેમનાથી ‘નીચી જાતના’ કર્મચારીને બોલાવતા.

    2018-03-31 12:11 GMT-04:00 કુરુક્ષેત્ર :

    > Bhupendrasinh Raol posted: “વર્ણભેદ બંધિયાર ખાબોચિયું આપણે સસ્તન એટલે કે
    > મેમલ પ્રાણી છીએ. એટલે સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલા છીએ. એટલે આપણા સમાજ
    > હોય છે. ગરોળી કે સાપના સમાજ નથી હોતા કારણ સરીસર્પ ઉત્ક્રાન્તિના ક્રમમાં
    > સમૂહમાં રહેવા-જીવવા ઉત્ક્રાંતિ પામેલા નથી. દરેક સસ્તન પ્રાણી પા”
    >

    Like

  3. શ્રીકૃષ્ણ પોતે સારથિ બનવાના હતા. સારથિ કર્મ હલકું કામ નહોતું, રાજા મદ્ર પણ કર્ણના સારથી બન્યા હતા. કર્ણના ગુણ અને કર્મ બંને ક્ષત્રિયને અનુરુપ હતા. છતાં શ્રીકૃષ્ણે તેને ખુબ અન્યાય અને અપમાન કર્યા. गुणकर्म विभागशः ક્યાં ગયું?

    Like

  4. All outsiders came and divided bharatiya society to rule on us it was Vasudev Kutumbakam for Hinduism VedVyasji Vishawamitra and Valmik all these rishi were not born Brahmin and for last 10000 years or more there is no reservations to brahmin as well for last more than 2000 years no hindu rule in Bharatmaata why blame Hindus and try to divide them

    Like

    1. All the work or labour was divided based on Agriculture dependence for more than thousands of years beyond Indus Valley civilization and there were no computers to post resume/bio-data on line so one word based on Brahmin/Kshtriya/Vaisya and Sundya-Udara or Sudra (labour work which cannot be done with empty Stomach) came as work based division not to give any injustice even today industrial world has division of labour similar to above based on Sastvic/Rajvi and Tamashi character of a person Work any where you will get discrimination based on your post or work or business in his world any where and every where please

      Like

      1. Dear Jit,

        Some of the statements in your comments are not correct. Please read our code of conduct known as Manu Smruti. It is full of rules discriminating people of lower castes and women of all castes. We have ill-treated our own members. In my comment above, I have cited only one example of Karna but there have been countless such cases. Other people did not ill treat their own..

        Like

    2. The following is not for posting on your blog. Just between you and me.

      વિશ્વામિત્ર પોતાને ‘બ્રહ્મર્ષિ કહેવડાવવા ઇચ્છતા હતા કારણ કે તેમને વસિષ્ઠની
      ચમત્કારી કામધેનુ ગાય પચાવી પાડવી હતી. વસિષ્ઠ નહોતા કહેતા કારણ કે પોતાની
      ગાય આપી દેવી પડે. આખરે ગાય આપવી પડી કે નહિ તે જણાવાયું નથી.

      એક પાઠફેર પ્રમાણે વસિષ્ઠના સો પુત્રો નહિ પણ શિષ્યો હતા. સગર રાજાને હજારો
      પુત્રો નહોતા?

      2018-04-07 15:51 GMT-04:00 કુરુક્ષેત્ર :

      > jit commented: “All outsiders came and divided bharatiya society to rule
      > on us it was Vasudev Kutumbakam for Hinduism VedVyasji Vishawamitra and
      > Valmik all these rishi were not born Brahmin and for last 10000 years or
      > more there is no reservations to brahmin as well for ”
      >

      Like

  5. વર્ણભેદ પણ સગવડિયો હતો. બ્રાહ્મણ તો ગૌરવાન્વિત ભિખારી (glorified beggar) હતા. ભિક્ષા મળવામાં મોડું થઇ જાય તો તરત શાપ આપી શકતા. યુધિષ્ઠિરે બ્રાહ્મણ વેશે લોકોને છેતરીને બાર વરસ સુધી ભિક્ષા ખાધી. છેલ્લે ફરી પાછા બ્રાહ્મણ વેશે કંક નામે એક વરસ વિરાટ રાજાને ત્યાં રહ્યા. તો પણ કહેવાય સત્યવાદી!

    Like

Leave a comment