બૌદ્ધિક બદમાશી

બૌદ્ધિક બદમાશી

હમણાં એક વિકૃત કરેલો વિડીઓ જોયો. એમાં રાહુલ ગાંધી એવું બોલે છે કે ગુજરાતમાં ભાજપ જીતવાનું છે. મને થયું રાહુલ કોંગ્રેસના પ્રમુખ થઈને આવું બોલે નહિ, નક્કી કોઈ લોચો છે. પછી મેં તેનો અસલી વિડીઓ જોયો એમાં રાહુલ ગાંધી એવું બોલ્યા જ નહોતા. એટલે આવા ખોટા સમાચારો છાપવા, ઓનલાઈન મુકવા, વોટ્સપ અને ફેસબુક જેવી વેબ્સાઈટ પર અફવાઓ ફેલાવવી હવે સામાન્ય થઈ ગયું છે. એમાં ઘણાના મોત પણ થયા છે. રાજકારણમાં કોઈ પક્ષ દૂધે ધોયેલો નથી. બધા પક્ષોના કારીગરો ઘણા પગારથી અને ઘણા પગાર વગર આવી સેવા કરતા હોય છે. એવા ચેડા કોઈ પ્રખ્યાત મહાનુભાવોના જીવન બાબતે પણ થતાં હોય છે. દાખલા તરીકે નહેરુ ફેમિલીના પૂર્વજો મુસ્લિમ હતા. ફિરોજ ગાંધી મુસ્લિમ હતા વગેરે વગેરે. અને લોકો આવું વાંચી સાચું માની પણ લેતા હોય છે. હિંદુઓ મુસ્લિમ બન્યા છે પણ મુસ્લિમો હિંદુ બન્યાના કોઈ દાખલા હોય ખરા? માનો કે મહમંદ અલી જિન્નાહના દાદા હિંદુ લોહાણા હતા અને ખોજા મુસ્લિમ બન્યા હતા પણ મુસ્લિમો હિંદુ બને તો હિંદુ એમને સ્વીકારે એવું બને ખરું? ન ભૂતો ન ભવિષ્યતિ. જિન્નાહના દાદાએ ખાલી માછલીઓ વેચી હતી ખાધી નહોતી છતાં સમગ્ર લોહાણા સમાજે એમનો બહિષ્કાર કર્યો અને નાછૂટકે એમને મુસ્લિમ બનવું પડેલું; એવા રૂઢીચુસ્ત હિંદુઓ નહેરુના મુસ્લિમ પૂર્વજોને હિંદુ બનવા દે ખરા? એમાંય પંડિત જેવી ઉચ્ચ બ્રાહ્મણ કોમમાં ઘૂસવા દે ખરા? સામાન્ય તર્કની વાત છે. છતાં આવું સાદું પણ લાંબુ વિચાર્યા વગર નહેરુના પૂર્વજો મુસ્લિમ હતા તેવી તદ્દન ખોટી વાતો લોકો માની લેતા હોય છે. ઓમર અબ્દુલા, ફારુખ અબ્દુલાનાં પૂર્વજો હિંદુ પંડિત હતા અને મુસ્લિમ બનેલા તે હકીકત છે.

ટૂંકમાં સાચી હકીકતોને વિકૃત રૂપ આપી તેના પર જુઠનાં રંગ ચડાવવાને આપણે સર્જનાત્મકતા કહીએ છીએ. મેં પોતે ઘણીવાર ના લખ્યું હોય એવું લોકો મારે નામે ઘસડી નાખે છે. મારે કહેવું પડે કે ભાઈ મેં આવું લખ્યું જ નથી. અથવા મારું લખેલું એમના નામે ઘસડી મારે એટલે મારે કહેવું પડે કે ભાઈ આ મારું લખેલું છે. જાણીતા ટીવી પત્રકાર રવીશકુમારનાં નામે ટ્વીટર પર એવી ટ્વીટ મૂકાણી કે રવીશકુમારે પ્રધાનમંત્રીને ગુંડા કહ્યા, તે પણ જાણીતા દિગ્વિજયસિંહ દ્વારા. હવે રવીશકુમાર તો હયાત અને સક્રિય છે એટલે તરત એના અસલી વિડીઓ મૂક્યાં કે ભાઈ મેં આવું કહ્યું જ નથી. પછી દિગ્વિજયસિંહે માફી માંગી. હવે નહેરુ તો હયાત નથી એટલે શું ચોખવટ કરવાના હતા? છતાં ચાલો એમના વારસદારો હયાત છે એટલે કોઈ ચોખવટ કરે પણ ખરું. પણ કોઈના વારસદારો ના હોય અથવા વાત બહુ જૂની પેઢીની હોય તો કોણ ચોખવટ કરવાનું? આપણી ચારપાંચ પેઢીના જુના પૂર્વજોના નામ પણ ભાગ્યેજ કોઈને યાદ હોય છે; બારોટોના કે વહીવન્ચાઓના ચોપડા ફેંદવા પડે. પછી તો પુરાણ ઉપર જ આધાર રાખવો પડે.

ઈન્દિરાજી અને ફિરોજ ગાંધી રાજકારણમાં બહુ વ્યસ્ત હતા. એમની અંગત લાઈફ બહુ રહી નહિ હોય. હવે ગુજરાત સમાચાર જેવા માતબર દૈનિકમાં એક લેખક મહાશયે લખી નાખ્યું કે ઇન્દિરા ફિરોજ છુટા પડ્યા એનું કારણ ઇન્દિરાના માતા કમલા નહેરુ અને ફિરોજ ગાંધી વચ્ચે અફેર હતો અને ઇન્દિરા તે જોઈ ગયેલા. ઈન્દિરાજી તો બહુ જુનો ભૂતકાળ નથી. મેં પોતે એમને જોયા છે અને વડોદરામાં એમનું ભાષણ પણ સાંભળ્યું છે. એમના માતા કમલા નહેરુ ૧૯૩૬માં મૃત્યુ પામ્યા પછી ૧૯૪૨માં ઇન્દિરા ફિરોજના લગ્ન થયેલા. ૧૯૫૨ની ચૂટણીમાં ફિરોજ ગાંધી ઉભા રહેલાં તેનો તમામ વહીવટ ઇન્દિરાજીએ કરેલો. રાજીવ ગાંધીનો જન્મ ૧૯૪૪મા. અને સંજય ગાંધીનો જન્મ ૧૯૪૬માં. લેખકે એવું ગપ્પું મારેલું કે રાજીવના જન્મ પછી ઇન્દિરા ફિરોજ છુટા પડી ગયેલાં તો સંજયનો બાપ કોણ? ૧૯૫૨મા ફિરોજ ગાંધી ઉમેદવાર તરીકે ઉભા રહેલા ત્યારે ઇન્દિરાએ જ બધો વહીવટ કરેલો તે વાત લેખક ખાઈ ગયેલાં એમનું જુઠ લખવા માટે. ઇન્દિરા એમના પિતા સાથે તીન મૂર્તિમાં રહેતા હતા કારણ તેમના પિતા એકલા હતા. ૧૯૫૮મા ફિરોજ ગાંધીને હાર્ટએટેક આવેલો ત્યારે પિતા સાથે તે ભૂટાનની સરકારી યાત્રા પર હતા અને સમાચાર જાણી તરત ફીરોજની સંભાળ લેવા પાછા આવેલા. ૧૯૬૦મા બીજા હાર્ટએટેકમાં ફિરોજ ગાંધી ગુજરી ગયા દિલ્હીની વિલિંગડન હોસ્પિટલમાં. આ હકીકત છે. હવે લેખકે મારેલી ગપ્પાબાજીને એમની ફેન્ટસી કહીશું? ક્રિયેટિવીટી કહીશું? કે બૌદ્ધિક બદમાશી કહીશું?

માનો કે મેં કોઈ વાર્તા લખી કે લાંબી વાર્તા નવલકથા લખી. એટલે એ મારું બાળક કે સર્જન કહેવાય. ભલે કાલ્પનિક હોય પણ હવે એ ચોક્કસ માળખામાં ગોઠવાઈ ગઈ. હવે ભવિષ્યમાં એ વાર્તા સાથે કોઈ ચેડા કરે તો શું માનવું? કોઈના જીવનની હકીકતોને મરોડી નાખી જેમ નહેરુ-ઇન્દિરા વિષે જુઠ ફેલાવાય છે તેવું માની લેવાય કે નહિ? તમારે મૂળ વાર્તામાં ફેરફાર કરવા હોય તો નવી વાર્તા જ લખો ને ભાઈ! ભલે કાલ્પનિક હોય પણ હવે કાલ્પનિક હોવાથી તેમાં ચેડા કરવાનો હક તમને કઈ રીતે મળી જાય તે પણ સર્જનાત્મકતાને બહાને? તમે જ કલ્પના કરી નવું સર્જન કરો અમને શું વાંધો? બસ આવું જ સરસ્વતીચંદ્રની નવલકથા ઉપર સિરીયલ બનાવતા સંજયલીલા ભણશાળીએ કરેલું. એકલા સંજયની વાત નથી હોલીવુડમાં પણ આવું કરતા હોય છે. બાજીરાવ મસ્તાનીમાં સંજયે મૂળ ઈતિહાસને તકલીફ ના થાય એ રીતે નજીવા ફેરફાર સાથે બહુ સરસ ફિલ્મ બનાવેલી તે હકીકત છે.

ગ્લેડીયેટર નામનું બ્લોક બસ્ટર હોલીવુડનું મૂવી બધાયે જોયું હશે. રશેલ ક્રોવનો અદ્ભુત અભિનય હતો એમાં. હવે ઐતિહાસિક દ્રષ્ટીએ જોઈએ તો રશેલ ક્રોવનું પાત્ર કાલ્પનિક છે. એમાં મૂળ ઈતિહાસ સાથે ચેડા ભયંકર કરેલા, એ છે કે રોમન સમ્રાટને એના પુત્ર સાથે ખૂબ સારું બનતું હતું અને બંનેએ ભાગીદારીમાં વર્ષો સુધી સુપેરે રાજ કરેલું. સમ્રાટ પોતે બીમાર પડીને મરી ગયેલા. જ્યારે ફિલ્મમાં સમ્રાટની હત્યા પુત્ર કરતો હોય એવું બતાવેલું. હવે મૂવી જોનારને તો સમ્રાટનો પુત્ર બાપનો હત્યારો જ લાગવાનો. એના લીધે ફિલ્મ બનતી હતી ત્યારે એમાં સંલગ્ન બે ઈતિહાસકારો આવા ચેડા ના કરવા જોઈએ એ હિસાબે ફિલ્મ નિર્માણ વખતે એમાંથી બહાર નીકળી ગયેલા.

૩૦૦ મૂવીમાં પણ ઈતિહાસ સાથે ચેડાં કરવામાં આવેલા છે એવું કહેવાય છે. ખેર હવે બહુ જુનો ઈતિહાસ પોતે જ આધારભૂત હોય નહિ શું કરવાનું? પુરાણકથાઓ પોતે જ આધારભૂત હોતી નથી એટલે એમાં લેખકો કવિઓ મનફાવે તેમ ચેડાં કરતા હોય છે. રામાયણની ૧૪ જાતની જુદી જુદી કથાઓ છે. મતલબ ચૌદ રામાયણ છે. એમાં પોતાની રીતે સિરીયલ બનાવી ૧૫મી રામાનંદ સાગરે ઊભી કરેલી. કઈ સાચી માનવી? છતાંય વાલ્મિકી રામાયણ આધારભૂત ગણીએ તો તુલસીદાસે એમાં બહુ ઉમેરેલું અને મરોડેલું છે. એવું જ મહાભારતનું છે. મનફાવે તેમ કવિઓએ એમાં શ્લોકો ઉમેરેલા છે. કે.કા.શાસ્ત્રીને સરકારે છટણી કરવાનું સોપેલું. છતાંય આખા મહાભારતમાં રાધાનું ક્યાંય નામ જ નથી. વેદવ્યાસને લાગ્યું હશે કે મહાભારતમાં કૃષ્ણને બરોબર ન્યાય આપી શકાયો નથી માટે હરિવંશ લખ્યું.

આખાય હરિવંશમાં ક્યાંય રાધાનું નામ નથી. શ્રીમદ ભાગવતમાં પણ રાધાનું નામ નથી. તો આ રાધા આવી ક્યાંથી? બ્રહ્મવૈવર્ત પુરાણને વિદ્વાનો ઓથેન્ટિક ગણતાં નથી એમાં રાધા કૃષ્ણની મામી એટલે જશોદાના ભાઈની પત્ની છે. બાલકૃષ્ણને રડતાં હોય તો રમાડવા લઇ જતી હોય છે. પણ બ્રહ્મવૈવર્ત પુરાણના જે હોય તે પણ વિકૃત માનસના લેખકે રાધા એની માયા વડે બાલકૃષ્ણને યુવાન બનાવી તેની સાથે સંભોગ વગેરે કરી ફરી માયા વડે નાના બાળ બનાવી દે છે તેવા વર્ણન કર્યા છે. વેદવ્યાસને આવું લખવું હોત તો મહાભારત કે હરિવંશમાં જ લખત પણ એ બંને ગ્રંથમાં રાધાનું નામોનિશાન નથી. બ્રહ્મવૈવર્ત પ્રમાણે ગણીએ તો મામી રાધા વિકૃત મગજની કહેવાય કે નહિ? બસ પછી તો પૂછવું જ શું? એનો આધારે મહાન ચેડાબાજ વિદ્વાન જયદેવે ગીતગોવિંદ લખ્યું ને રાધાકૃષ્ણનો પ્રેમ અમર થઈ ગયો. અગિયાર વર્ષનો બાળક એક વાર ગોકુલ છોડી મથુરા ગયો પછી કદી પાછો ગોકુલ ગયો જ નથી. એ પહેલાના એના ગોકુળમાં વીતેલા સમયે એના નામે કેટકેટલી કામાતુર વાતો ચડાવી દીધી? મામી ભાણીયો સરખી ઉંમરના હોય અને પ્રેમમાં પડે તો વાજબી છે આવું બધું. હવે પ્રકાશ પંડ્યા નામના બરોડાના લેખક તો જયદેવને ટક્કર મારે એવા. ‘હવે તો ઊત્તર આપો કૃષ્ણ’ નામની નોવેલમાં એમણે તો રાધા અને કૃષ્ણ વડે એક દીકરી પણ પેદા કરી લીધી. નામ પણ ઉષા આપી દીધું. રાધાનો પતિ આયન પણ આ બધું છતી આંખે છપ્પનની છાતી રાખી જોઈ રહે છે. અગિયાર વર્ષનો બાળક પરણેલી રાધાને મથુરા જતાં પહેલા સંભોગ કરીને એક બાળકીની ભેટ પણ આપી દે, હહાહાહાહા! બે આંખની શરમેય ના નડી?

બીજી એક હોડ જામી છે લેખકોમાં કૃષ્ણને દ્રૌપદી જોડે સુવડાવવાની. મેં એના માટે ખાસ મહાભારતમાં દ્રૌપદી સ્વયંવર વિશેના પ્રકરણો વાંચ્યા. દ્રૌપદીના લગ્ન પછી મોસાળું કૃષ્ણે કર્યું, હાથી ઘોડા આપ્યા વગેરે વગેરે. પણ ક્યાંય દ્રૌપદીને કૃષ્ણ ઉપર રોમેન્ટિક પ્રેમ ઉપજ્યો હોય એવું લખાણ નથી. પ્રકાશ પંડ્યાજી તો લગ્નની આગલી રાતે દ્રૌપદીને કૃષ્ણ જોડે સુવડાવીને જ જંપ્યા.. કૃષ્ણ પાછા દ્રૌપદીના દાદા જેવડા, સ્વયંવરમાં પૌત્ર અનિરુદ્ધને પણ લઈને ગયેલા. ગ્રાન્ડપાનું ટીનેજર પૌત્રી જોડે પોર્ન ચાલતું હોય એવું લાગ્યું. આ છે આપણા લેખકોની કવિઓની સર્જનાત્મક બૌદ્ધિક બદમાશી. કે પછી સર્જકો એમની અતૃપ્ત વાસનાઓ આવી રીતે સર્જનાત્મક બૌદ્ધિક બદમાશી કરીને સંતોષતા હોય.

ખેર મૂળ કથાનકને નુકશાન ના થાય એ રીતે પણ ઘણા સર્જકો સર્જન કરતા એમની કલ્પનાઓ ઉમેરતા હોય છે તે વાજબી છે. જ્ઞાનપીઠ વિજેતા પ્રતિભા રાયે યજ્ઞસેની નામે દ્રૌપદી વિષે સરસ નવલકથા લખી છે. એનું ગુજરાતી ભાષાંતર દ્રૌપદી નામે પ્રોફેસર જયા મહેતાએ કર્યું છે, તે મેં વાંચેલી. મૂળ કથાનકને વફાદાર રહીને એમણે એમની સર્જનાત્મકતા બતાવી છે.

નીગ્લીજીબલ ચેન્જ તો કુદરત પણ માફ કરતી હોય છે.

 

5 thoughts on “બૌદ્ધિક બદમાશી”

  1. ઈ જ તો ….મને પણ ઘણી વાર આપણા પુરાણા ગ્રન્થો કે જેમાં કોઈ પણ જાત ની કોંસીસ્ટંસી જોવા ના મળે તીયારે એમ થાય કે આમના સાચું કેટલું? અને સાબિતી શું?

    …મને ઘણીવાર વિચાર આવે કે રામ અયોધયા થી નીકળી કન્યાકુમારી ગયા તો રસ્તા માં ગુજરાત ખાસ કરી ને સાઉથ ગુજરાત અને નાશિક કેમ આવેલું?

    હું મજાક માં (અને મજાક માં કહું એટલે કોઈ હવે સાચું નહિ માનતા ) કહું છું કે સીતા ને હરણ ની ગોષ ખાવાનું મન થયેલું એટલે એમમે રામ ને હરણ શિકાર માટે દોડાવેલા …..

    સોસીયલ મીડિયા પર મુકવા ની ના નથી પરંતુ એની વાસ્તાવિકતા તપાસી ને મુકો થોડું સાચું પણ લાગે…

    Like

  2. સુપર્બ લેખ… કદાચ આ ઉપરથી મને હંમેશા લાગે છે કે આપણા ગ્રંથો ખુબ જ સમૃધ્ધ લેખોથી અને કથાઓથી ભરપરુ હશે પણ 5000 હજાર વર્ષમાં એમાં એટલુ ખોટુ ઉમેરાઇ ગયુ છે કે બૌધિક લોકોને એક કાલ્પનિક કથા જ લાગે અને ગળે ઉતારવુ પણ મુશ્કેલ પડે જેમા જાતિવાદ પણ આવી ગયો.. વર્ણ વ્યવસ્થા પણ આવી ગઇ……

    એક વખત મને 35 વર્ષની એક અપરણિત મહિલાએ કહ્યુ કે તેણે પોતાની જાત ભગવાનને સમર્પિત કરી છે એટલે લગ્ન નથી કરતી… મેં કહ્યુ એક વખત ઓશોને વિડિયો કે લેખો વાંચો કે સાંભળો… તો મને કહે એ માણસ તો નાલાયક હતો એણે તો પોતાની બહેન અને મા સાથે સેક્સ કરવાની વાતોને સમર્થન આપેલુ છે… અને આ વાત અમારા સંતો સભામાં કરે છે…મેં કહ્યુ તમે પોતે ઓશોને સાંભળેલા છે..? તો કહે ના… પણ અમારા સંત કહે તે સાંચુ જ હોય… હવે આ બાબતે અોશોએ જે કહ્યેલુ તે મેં સાંભળ્યુ તો સત્ય તો પહેલા બહેનની વાતથી કાંઇક અલગજ નિકળ્યુ…. ઓશોને બદનામ કરવામાં આવી રહ્યા છે એ પણ મને ખ્યાલ આવી ગયો… અને આવુ જ બધુ ચાલ્યા રાખે છે કે સત્યની તપાસ કરતુ નથી… લોકોને એડીટેડ વાતો લોકો સાચી માની લે છે… આનાથી સચ્ચાયને નુકસાન થાય છે…

    Like

  3. કોઈ પણ જાત નાં પુર્વગ્રહ વગર કહેવા માંગું છું કે મુળ કૃતિ ના વિવેચન અને સંશોધન ને નામે રામાયણ , મહા ભારત કે ભગવદગીતા માં જાત જાત ના ઍમેંડમેંટ થયાં હોઈ શકે.
    દરેક લેખક અને વિશ્લેષક પોતે વધું ઈન્ટેલિજંટ હોવાનું પ્રતિપાદિત કરવાં હમેશાં મથામણ કરતો હોય છે.
    જેનાં ફળ સ્વરૂપે મુળ કથા માં કાળક્રમે ધરખમ ફેરફાર થઈ જાય છે.
    વિજેતા જ ઈતિહાસ લખતો હોય છે.
    મારાં જેવાં તીન પાટિયાં બ્રાહ્મણો આ પરિસ્થિતિ માટે જવાબદાર છે.
    કથાકાર પોતાની રીતે ફેંકાફેંક કરતો હોય છે.
    જે જેટલો વધું સારો ફેંકું તેટલો તેને ચાહનારો વર્ગ મોટો હોય છે.
    લોકો ને કથા ના મુળ માં કોઈ રસ નથી હોતો.
    બસ કથા માં મનોરંજન મળવું જોઈયે.
    કોઈ ને ખબર ના હોય પણ સફળતા ની ટોચે બેસી જનાર માણસ ના નામે રચાતી દંતકથા માં બાળપણ માં મગર પકડેલો તેવુંચલાવવા માં આવે છે.
    હવે આવનારા સમય માં આવું વધુ ને વધુ ચાલશે ભાઈ.

    Liked by 1 person

  4. samarath ko nahi koi dosh Gusaai….tulsi das jee ae kahyu chhe….!!!
    there are many many such blunders of India’s history-even after independence about mrs gandhi indira jee etc etc
    but as said-TIME CAPSULE je khodavi ne kadhi—te ja ra joi le jo…ketli VIKRUTIO te ma lakhava ma aave li chhe../ hati te…any ways…favyo Gadhedo Dahyo..ae vaat chhe

    Like

  5. જેમ કે કોંગ્રેસે એક જૂઠ એવું ફેલાવેલું કે ગાંધીજી ની હત્યા RSSએ કરી છે, રાહુલ ગાંધી પણ એવું જ કહે/ માને છે.

    Like

Leave a comment