ગંદકીમાં ગર્વ ને સફાઈમાં શરમ

imagespoગંદકીમાં ગર્વ ને સફાઈમાં શરમ

વડાપ્રધાન મોદીએ સ્વચ્છ ભારતનું અભિયાન શરુ કર્યું એનો એક મતલબ એ થાય કે ભારત અસ્વચ્છ છે તેવું એમણે કબૂલ કર્યું. આપણે અસ્વચ્છ છીએ તેવો સ્વીકાર સ્વચ્છતા તરફનું પહેલું કદમ છે, જે મોદીએ ભર્યું છે સાથે સાથે અમેરિકા પ્રવાસ દરમ્યાન એની જાહેરાત પણ કરી દીધી ગર્વથી. સારું છે ધોળીયાઓને હિન્દી બહુ આવડે નહિ..

મેં લખ્યું કે સ્વચ્છતાને સ્વભાવ નહિ બનાવીએ ત્યાં સુધી કોઈ અભિયાન સફળ નહિ થાય. એમાં ઘણા મિત્રો નારાજ પણ થઈ ગયેલા, પણ જય વસાવડા જેવા મિત્રએ એની વાસ્તવિકતા સમજી એનો ઉલ્લેખ એમની કોલમમાં મારા નામ જોગ કરી દીધો હતો. મૂળ વાત છે સ્વચ્છતા આપણા સ્વભાવમાં નથી. બાકી આવા અભિયાન ચલાવવાં પડે ખરાં? ચાલો આના મૂળમાં મુસાફરી કરીએ.

એક દાખલો આપું એનાથી ખ્યાલ આવશે. મોદીના હાર્ડકોર સપોર્ટર એવા એક મિત્ર સ્વાભાવિક હોય કે મોદીના આ સફાઈ અભિયાનને જબરદસ્ત ટેકો આપતા જ હોય. હવે એમણે એક વીડીઓ ક્લિપ મૂકી હતી, વીડીઓ ક્લિપમાં એક યુવાન અમેરિકામાં કોઈ દુકાનમાં મોપ એટલે કે પોતું મારતો હતો. અહીં લાકડાના મોટા દંડે પોતું લગાવેલું હોય છે જેથી ઊભા ઊભા મારી શકાય. હવે આ ભાઈલો વીડીઓ ક્લિપિંગમાં બોલતો હતો કે જુઓ અહિ તો આવા કામ કરવાં પડે છે, અમેરિકામાં કોઈ લહેર નથી. બીજું આ ક્લિપ શેઅર કરનાર મિત્રે ઉપર લખેલું કે એન.આર.આઈ મિત્રોને મરચાં લાગશે.. મૂળ આ ક્લિપ મૂકવાનો એમનો હેતુ એ હતો કે અમેરિકામાં ભારતીયો આવા હલકા સાફ સફાઈ કરવાનાં અને દેશી ભાષામાં કહું તો કચરોપોતા કરવાના કામ કરે છે. એમાં તે મિત્રનો જરાય દોષ નથી કે લગભગ દેશમાં રહેતા બધા ભારતીયો એમના વિદેશમાં રહેતા ભાઈઓ માટે આવું જ વિચારે છે. એક બીજા મિત્ર હમણાં ભારતથી અમેરિકા આવેલા તેમની સાથે વાતચીત દરમ્યાન લાગ્યું કે આ મિત્ર પણ આવી જ માનસિકતા લઈને આવેલા કે અહિ આપણા ગુજરાતીઓ કચરાપોતા જ કરતા હશે બીજું કોઈ કામ કરતા જ નહિ હોય. મને એમનો પણ કોઈ દેખીતો વાંક લાગતો નથી.

હવે મારી વાત ધ્યાનથી સમજો. કચરાપોતા કરવા સાફસફાઈ કરવી એ હલકું કામ કહેવાય તેવી આપણી માનસિકતા ઉપરના બંને દાખલામાં કામ કરે છે, અને આવું હલકું કામ કરનારની કોઈ ઇજ્જત આપણા સમાજમાં છે નહિ. અકસ્માત એ છે કે ઉપર મેં ઉલ્લેખ કર્યો તે વીડીઓ ક્લિપ ઉપર ઉલ્લેખ કરેલા આ બંને મિત્રોએ વારાફરતી શેઅર કરેલી. હવે આ વીડીઓ ક્લિપિંગમાં જે ભારતીય છોકરો આવા હલકા કામ કરવા પડે છે તેવું બોલતો હતો તે પણ આવી જ માનસિકતા ભારતથી સાથે લઈને આવેલો છે કે સાફસફાઈ કરવી આપણું કામ નહિ, હલકું કામ કહેવાય અને અહિ અમેરિકામાં કરવું પડે છે તે કમનસીબી છે.

હવે તમે મિત્રો વિચારો કે સાફ સફાઈ કરવી હલકું કામ હોય તો કોણ કરે? એનાથી સમાજમાં કોઈ ઇજ્જત રહે નહિ તો કોણ કરે? દેશ કેમ અતિશય ગંદો છે તે હવે સમજાય છે? ગંદકી કરવી કોઈ હલકું કામ નથી પણ ગંદકી દૂર કરવી હલકું કામ ગણાતું હોય ત્યાં દેશ કઈ રીતે સ્વચ્છ રહે? અને એમાં પણ જો આવી માનસિકતા આશરે ૫૦૦૦ વર્ષ થી સંસ્કૃતિ સમજીને પાળી રાખી હોય તો દેશ કઈ રીતે સ્વચ્છ બનવાનો?untitledlk

એટલે મેં એક ઝાડુ પકડેલા બાળકનો ફોટો મૂકીને લખેલું કે ‘સ્વચ્છતાને સ્વભાવ નહીં બનાવીએ તો કોઈ સ્વચ્છતા અભિયાન કામ નહિ લાગે’. આ સ્વભાવ બનાવવાનું હાર્ડ વાયરિંગ બચપણથી જ બ્રેઈનમાં કરવું પડે માટે બાળકનો ફોટો પસંદ કરેલો.

મિત્ર પૃથ્વીરાજસિંહ રાણાએ સરસ લખેલું કે આપણે ત્યાં વર્ણ વ્યવસ્થા પ્રમાણે સાફ સફાઈ કરવાનું કામ શૂદ્રોનું છે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય દ્વારા જે કચરો ઉત્પન્ન થાય તે ઉઠાવવાનું કામ ફક્ત શૂદ્રોનું છે. એમના શબ્દોમાં જ જોઈએ તો ‘મોદી સાહેબે લોકો ને સ્વચ્છતા વિષે દોડતા કરી દીધા એ સારી બાબત છે પણ લોકશાહીમાં સ્વચ્છતા એ સ્વયંભુ હોવું જોઈ, કચરો સાફ કરવા કરતા કચરો ના કરવો જોઈ કે જ્યાં નિકાલની વ્યવસ્થા હોય ત્યાં જ કરવો જોઈ એવો પ્રયાસ પણ વર્ષોથી સામાજિક ક્ષેત્રે અનેક લોકો કરે જ છે પણ નિષ્ફળતા મળે છે એનું કારણ એક જ છે કે વર્ણ વ્યવસ્થા આધારિત પદ્ધતિના કારણે કચરો કે ગંદકી સાફ કરવાનું કામ તો શૂદ્રોનું છે આપડે થોડો કચરો સાફ કરીએ? એવો જબરજસ્ત પરાણે ઊંડે સુધી ઘૂસી ગયેલો વિચાર છે ગાંધીએ પણ બહુ સારી રીતે સ્વચ્છતા અભિયાન હાથમાં લીધું હતું અને એને જોર શોરથી ટેકો પણ મળેલો પણ જે લોકો ગાંધી રાજકારણથી અમીર થયા એ બધા પણ જાતિગત કરતા મજદૂરી કે નોકરી કરતા લોકો પાસે જ ગંદકી સાફ કરાવા લાગ્યા. આજે પણ જનમાનસમાં એવી જ વિચારધારા છે કે આપડે અમીર છીએ તો સ્વચ્છતાના ચાહક હોવા જોઈ પણ આપણી કરેલી ગંદકી આપણે પૈસાથી રાખેલો નોકર જ સાફ કરે, નીતાબેન અંબાણી કે સચિન ભાઈ એના ઘરે સ્વચ્છતા રાખવા નોકરોની ફોજ રાખે છે. આમ જનમાનસને લોકશાહીમાં સ્વચ્છતાની અપીલ કરી શકાય પણ એજ પ્રમાણે લોકો કરશે એવું માનવું ભૂલ ભરેલું છે.’

images8U0XKYJDત્રણ ત્રણ વર્ણ કચરો કરે અને એક જ વર્ણ એને ઉઠાવે તો ક્યાંથી પાર આવે? અને ઉઠાવનાર ઉઠાવે પણ ખરા કે યોગ્ય જગ્યાએ નાખેલો હોય તો ને? હવે ત્રણ વર્ણ ગંદકી કરી ને પણ સ્વચ્છ રહે અને એક જ વર્ણ આખો દિવસ ગંદકી ઊઠાવી ઊઠાવીને સ્વાભાવિક અસ્વચ્છ રહે જેથી તેને અડાય ખરું? કરુણતા એ છે કે અસ્પૃશ્યતા પાછળ ખયાલ તો પાછો સ્વચ્છતાનો જ છે. વળી ગંદકી ઊઠાવવું પાછું હલકું નીચ કામ કહેવાય એટલે એવાં કામ કરનારને પણ અડાય નહિ. સ્વચ્છતા અભિયાનને ટેકો આપનારની માનસિકતા પણ કચરો સાફ કરવો હલકું કામ ગણાય તેવી જ હોય ત્યાં આ અભિયાન કેટલું સફળ થવાનું?

હવે ફરી પેલાં વીડીઓ ક્લિપિંગ વિષે કહું અહીંની સિસ્ટમ પ્રમાણે તો, એમાં પેલો યુવાન દુકાનમાં પોતું મારે છે તે આખો દિવસ કાયમ પોતું નહિ મારતો હોય. એની જૉબ નાનો સ્ટોર હશે તો રજિસ્ટર ઉપર પણ હોઈ શકે. રજિસ્ટર એટલે આપણે ગલ્લો-કૅશિયર કહીએ છીએ તે. નાના સ્ટોર એકલો માણસ સંભાળતો હોય છે અને સવારે કે સાંજે અથવા બંને ટાઈમ સ્ટોરમાં ફટાફટ ઝાડુ મારી પોતું પણ જાતે જ મારી દેતા હોય છે. બહુ મોટા જાયન્ટ વોલમાર્ટ જેવા સ્ટોર હોય તો સફાઈ કરનાર અલગ માણસ પણ હોઈ શકે છે. થોડો મોટો સ્ટોર હોય તો એક કૅશિયર રજિસ્ટર સંભાળે તે દરમ્યાન બીજો કૅશિયર સફાઈ કરી નાખે તેવું પણ થતું હોય છે. અમુક પ્રાઇવેટ ઓફિસોમાં સાંજ પડે સફાઈ કંપનીનાં માણસો એમના આધુનિક સાધનો સાથે આવે અને ફટાફટ બધું સાફ કરી રવાના થઈ જાય. આવી સફાઈ કંપની ઘરમેળે ચાલતી હોય મતલબ પતિપત્ની કે એમના ભાઈબહેન બધા ભેગાં મળીને કામ કરતા હોય. વળી આવી જૉબ સાંજની હોય દિવસે પાછાં બીજું કામ કરતા હોય. મૂળ સાફસફાઈ કરવું અમેરિકામાં કોઈ હલકું કામ ગણતું જ નથી.untitledpo

હું કૅશિયર એટલે મારાથી પોતું નાં મરાય એવું અહીં કોઈ માનતું નથી. હું માલિક એટલે મારાથી કચરો સાફ નાં કરાય તેવું પણ અહીં નથી. હું મૅનેજર કે સુપરવાઇઝર એટલે મારાથી ઝાડુ નાં મરાય તેવું પણ અહિ હોતું નથી. આપણે ત્યાં ઘરમાં કચરા પોતા કોણ કરે છે? એંઠાં વાસણો કોણ સાફ કરે? લગભગ ઘરની સ્ત્રીઓ જ આવું કામ કરતી હોય છે. સરેરાશ પુરુષો ભાગ્યે જ આવું કામ કરતા હશે. ઘરમાં દીકરી કે વહુ હોય તે ઝાડુ મારે પોતું મારે રાજકુમાર ભલે નવરાં બેઠાં હોય ટીવી જોતા હોય કે ગપાટા મારતા હોય એમનાથી આવું કામ થાય નહિ. એટલે આવી માનસિકતા લઈને પધારેલા રાજકુમારોને અહિ આવી સ્ટોરમાં કચરો સાફ કરવો પડે એટલે એવું થાય કે હું કૅશિયર અને કચરો પણ વાળું? હવે અહીંની સિસ્ટમ પ્રમાણે મને કમને કરવું પડે એટલે એવું કહે કે અહીં તો આવા નીચા કામ કરવાં પડે છે કોઈ લીલાલહેર નથી. અને એવી જ માનસિકતા ધરાવતા આપણા દેશમાં રહેતા ભાઈઓ પણ આવું જોઈ ખુશ થાય કે લેતા જાઓ કેવાં કામ કરવા પડે છે?

આ લેખના વિષય વસ્તુ બહારની વાત કરું કે ગુજરાતીઓ ભલે શરૂમાં ગમે તે કામ કરી લે પણ છેવટે માલિક બનીને જીવવા ટેવાયેલા છે. ન્યુ જર્સીના સરેરાશ ૮૦-૯૦ ટકા નાના નાના કન્વિનીયંશ સ્ટોરોનાં માલિક ગુજરાતીઓ છે, અને એટલાં જ લિકર સ્ટોરોનાં અને ગેસ(પેટ્રોલ) સ્ટેશનોનાં માલિક પણ ગુજરાતીઓ છે, અને મોટેલ એટલે પટેલ તો બહુ કૉમન છે. જ્યાં જ્યાં ગુજરાતીઓની બહુમતી હોય ત્યાં ત્યાં આવી જ સ્થિતિ હોય છે. હશે ક્યાંક કશું જ આવડે નહિ તો સાફસફાઈનું કામ કરતા હશે પણ સાફસફાઈના કામમાં એવરેજ દક્ષિણ અમેરિકન સ્પેનીશ પ્રજા વધુ જોડાયેલી હોય તેવું મેં જોયું છે. મૂળ વાત છે અહીં સાફસફાઈના કામને હલકું કોઈ ગણતું નથી.

ગંગા સફાઈ માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરશે. હવે ગંગાની સફાઈ કરવાને બદલે ખાલી એમાં ગંદકી ઠાલવવાનું કે એને ગંદી કરવાનું ખાલી સરકાર રોકી શકે તો આ વહેતી ગંગા તો ઓટોમેટીક ચોખ્ખી થઈ જશે. કારણ ગંગા ગંદી રહેવા થોડી ટેવાયેલી હોય? ગંગા તો પવિત્ર રહેવા સર્જાયેલી છે અને એટલે તો સદાય વહેતી રહે છે જેથી એની અંદર કોઈ ગંદકી ટકે નહિ વહી જાય. પણ આપણે ગંગામાં ગંદકી ઠાલવે જ રાખીએ છીએ અને બીજી બાજુ એને સ્વચ્છ કરવા પ્રોજેક્ટ બનાવતા રહીએ છીએ. ગંદકી હોય ત્યાં પવિત્રતા કઈ રીતે હોઈ શકે? સંસ્કૃતિની નદી પણ સદાય વહેતી રહે તો સંસ્કૃતિ સુગંધ મારે બાકી બંધિયાર પાણીના ખાબોચિયાંની જેમ સંસ્કૃતિ પણ ગંધાઈ ઊઠતી હોય છે. ગંગાને ગંદી બનાવતા શરમ આવતી નથી આપણને, પણ કોઈ ગંગાને ગંદી કહે તો આપણને બહુ ખોટું લાગી જાય છે.

imagesG5PN6ZIQઆપણને એવું લાગતું હશે કે પશ્ચિમના દેશો સ્વચ્છતા જાળવવા ભયંકર મહેનત કરતા હશે. કારણ આપણે સ્વચ્છતા જાળવવા ભયંકર મહેનત કરવી પડે છે છતાં સ્વચ્છતા જળવાતી નથી. પશ્ચિમના દેશોને સ્વચ્છતા જાળવવા કોઈ ખાસ મહેનત કરવી પડતી નથી કારણ સ્વચ્છતા જાળવવી અહીં લોકોએ સ્વભાવ બનાવી દીધો છે. દરેક દુકાનમાં, ઑફિસમાં, મોલમાં મોટા મોટા ગાર્બેજ કેન મૂકેલા હોય છે. દરેકના ઘેર એક રિસાયકલ વસ્તુઓનું અને બીજું કૉમન એમ બે મોટા ગાર્બેજ કેન મૂકેલા જ હોય છે. જાહેર સ્થળોએ મોટા મોટા ડમ્પર મૂકેલા હોય છે. આ બધું એકવાર મૂકવું પડે. દરેક દુકાન અને ઓફીસના કર્મચારી પ્લાસ્ટિકની બેગોમાં એકઠું થયેલું ગાર્બેજ પેલાં મોટા ડમ્પરમાં સાંજે ઠાલવીને જ જાય. જે નિયમિતપણે ગાર્બેજ કંપની કે વેસ્ટ કંપની ઉઠાવી જાય. ઘર આગળ અઠવાડીએ બે વાર કૉમન કચરો ઉઠાવી લેવા મોટી ટ્રક આવે અને રિસાયકલ લેવા પંદર દિવસે આવે. આ નક્કી દિવસની આગલી રાતે બધા પોતપોતાના ગાર્બેજ કેન ઘર આગળ રસ્તા નજીક લાવીને મૂકી દે, વેસ્ટ કંપનીની ટ્રકો વહેલી સવારે જાગીએ તે પહેલા તો આવીને કચરો ઠાલવી ને લઈ જાય. આપણી સ્વચ્છતા આપણે જ જાળવવાની એટલે સરકારને બહુ કામ રહે નહિ, એણે ફક્ત વ્યવસ્થિત નાખેલો કચરો ઉઠાવવાનું કામ કરવું પડે. આ કોઈ અઘરું કામ નથી. જ્યાં ને ત્યાં કચરો નહિ નાખવો એટલી ટેવ પાડીએ તો પણ બહુ મોટું કામ થઈ જાય. બાકી સરકારી તંત્ર કરી કરી ને કેટલું કરે?

મેં તો વડોદરામાં રહેતા જાતે જોયું છે કે મહાનગરપાલિકાની સફાઈ કામદાર એવી સવિતા અને એની વહુ પોળમાં આવતા, બે હાથમાં બે ઝાડુ લઈ untitledlkpઆખી પોળ વાળે. એની કચરા ગાડીમાં અમે આખા દિવસનો ઘરમાં ભેગો કરેલો કચરો નાખી આવતા. બિચારી કમરના મણકા વહેલા નાશ પામી જાય તે રીતે વાંકી વળીને કચરો વાળી આગળ જાય એટલામાં કોઈ ઘરમાંથી આવીને કોઈ બહેન રાતની વધેલી વાસી ખીચડી રોડ ઉપર જ ઠાલવી જાય, તો વળી કોઈના ઘરના ત્રીજા માળેથી પ્લાસ્ટિક બેગમાં ભરેલો એઠવાડો ધબાક કરતો રોડ પર ફેંકવામાં આવે, જે કોથળી ફાટી જતા આખા વાળેલા રોડ પર ફેલાઈ જાય. સવિતા ગુસ્સે થાય, ‘ અલી બોન જરા તો શરમ રાખ? હાલ વાળ્યું છે અને તે એઠવાડો નાખ્યો?’ પણ આ તો રોજનું રહ્યું એટલે સવિતા બબડતી બબડતી આગળ વધી જાય. હું મારી બારીમાં બેઠો બેઠો છાપું વાંચતો વાંચતો વર્ષો સુધી આ બધું જોતો હતો. પોળ ચોક્ખી રાખવા કરવાનું શું હતું? ફક્ત સવિતા એની કચરા ગાડી લઈને આવે ત્યારે આખા દિવસનો ભેગો કરેલો કચરો એમાં નાખી દેવાનો હતો. જે અમે બેચાર ઘરવાળા જ કરતા હતા. બાકી પોળ તો રોજ સવારે તે ચોખ્ખી ચણાક કરી જતી જ હતી. પણ ઘરમાં એકઠો કરવાને બદલે અને સવિતા આવે ત્યારે એની કચરાગાડીમાં નાખવાને બદલે તે જાય પછી આખો દિવસ પોળમાં રસ્તા પર ઠાલવી દેવામાં આવે તો પોળ ક્યાંથી સાફ રહે?

ઘર, પોળ, ગામ, શહેર કે દેશ સ્વચ્છ રાખવા કોઈ બહુ મહેનતની જરૂર જ નથી. જરૂર છે ફક્ત થોડી ટેવો બદલવાની અને સ્વચ્છતાને સ્વભાવ બનાવવાની. સફાઈ કરવી કોઈ હલકું કામ છે તેવી માનસિકતા બદલવાની. સફાઈ કરવી નીચ કામ છે તેવી માનસિકતા જ્યાં સુધી નહિ બદલીએ ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત કોઈ અભિયાન દેશને સ્વચ્છ નહિ કરી શકે અને જો આવી માનસિકતા બદલી નાખીશું તો દુનિયાની કોઈ તાકાત દેશને સ્વચ્છ બનતો નહિ રોકી શકે.    15803_10203605971362549_3161244342268610956_n

20 thoughts on “ગંદકીમાં ગર્વ ને સફાઈમાં શરમ”

  1. Khub saras lekh bapu
    Me aagal ek var aapnaj koi lekh na pratibhav ma lakhu ke Ganga suddhi na name ketlak netao ane adhikario asuddh thaijase ( bhrastachar ni gangama dubki marvanu Kone man na thai ) rahi vat modi ni jo Ganga ne suddh j rakhvi hoi to ganga aarti na name taifo karva ni su jarur gangama pradushan vadharnar modi kahevai ke nahi aaj na neta ne sasti prasiddhi joiye chhe ane prajana paise roj nava taifa Kari ne prajane gumrah karva Sivai teo kasu j nakkar kadam uthavta nathi .

    Like

  2. ત્રણ ત્રણ વર્ણ કચરો કરે અને એક જ વર્ણ એને ઉઠાવે તો ક્યાંથી પાર આવે? ત્રણ વર્ણ ગંદકી કરી ને પણ સ્વચ્છ રહે અને એક જ વર્ણ આખો દિવસ ગંદકી ઊઠાવી ઊઠાવીને સ્વાભાવિક અસ્વચ્છ રહે જેથી તેને અડાય ખરું? bapu mne to em ke hindu dhrma na vari koi shastra ma lakhyu hse aamuk varn na loko ne advathi swarg ma jgya booking nai male etle aabhdchhet aatla varsothi ne aatla aducation pachhi pan chalya kare chhe mul karan tame bauj sachot rite varnan karyu…. road rasta sivay na ghana badha prakar na kachara chhe kon jaane ketala narendra modi ne avtarvu pdse??? pan ek rasto chhe tmnej rashtriya lakhk banavi deva ne farjiyat roj ek lekh badhaye vanchvo evu kaik karvu pde bhle loko ne chhtaatt chhat pdti roj pan jarur tamara jeva kaan chimdine aankho kholva varaonij chhe… nice lekh sir sadaay aapna vicharone loko vache vadhune vadhu pohche evi asha sathe salaam,,,

    Like

  3. પ્રિય ભુપેન્દ્રભાઈ;
    એક વાસ્તવિકતા દર્શક લેખ, જે સ્વચ્છ ભારતના મૂળમાં રહેલ માનસિકતાને ઊજાગર કરે છે. થોડું વધાર ઊંડે ઉતરીયે તો આવી માનસિકતા ડેવલપ થવાના કારણો પણ જણાશે. સફાઈકામ હલકું છે તેવી સંસ્કારીતતા આપણને મા-બાપ અને શિક્ષકો પાસેથી વારસામાં મળી છે. આ માનસિકતાની ઝલક તમને ભારતિય સાહિત્યમાં પણ અવારનવાર જોવા મળશે. સમાજના નિમ્ન સ્તરના ગણાતા લોકો પણ જ્યારે તેમની સાથે થયેલ અન્યાયોની વાત કરે ત્યારે સફાઈ જેવાં હલકા કામો તેમને કરવા પડે છે તેની રજુઆત કરે છે. અને જે વાત આપણા સંસ્કારમાં બાળપણથી ઉતરી ગઈ હોય તેમાં થી મુક્ત થવું તે એક તપસ્યા છે. એટલે જ દરેક મા-બાપ બાળકને સમજણુ થાય તે પહેલાં (અ)ધર્મ પીવડાવવામાં લાગી જાય છે જે મૃત્યુ પર્યંત છુટી નથી શકતો. અને આ બધું બેહોશીમાં ચાલ્યે જાય છે અને આપણને કાંઈ અજુગતું કરીએ છીએ કે પાપ કરીએ છીએ તેની ખબર જ નથી હોતી.
    દસેક દિવસ પૂર્વે મારી પુત્રવધુ મારા ચાર વર્ષના પૌત્રને કહી રહી હતી, “તોફાન કરીશતો તો હોસ્ટેલમાં મુકી દઈશ.” એટલે પૌત્રએ કહ્યું,” સારું હું હોસ્ટેલમાં જતો રહીશ.પછીતો તને શાંતિને?’ તરત તેની માએ કહું,” હા, પછી ત્યાં હાથે કપડાં વાસણ ધોજે અને ઝાડુ-પોતા પણ હાથે જ કરવા પડશે.” પૌત્ર સ્તબ્ધ બની સાંભળી રહ્યો. ત્યારબાદ મેં મારી પુત્રવધુને કહ્યું કે “બોલવામાં જરા સાવધાની રાખ. જાણ્યે અજાણ્યે તું સફાઈકામ એ સજા છે તેવું બાળકના મનમાં રેડી રહી છે અને તને તેની ખબર નથી.” તો એણે જવાબ આપ્યો, ‘એવું તો બધા કહે છે એમાં મેં ખોટું શું કહ્યું?’ બેહોશી એટલી સઘન હોય છે કે આપણને ખબર જ નથી પડતી કે આપણે શું કરીએ છીએ અને શું બોલીએ છીએ. અને બધા એવું જ કરતા હોય એટલે આપણને ક્યારેય કાંઈ અજુગતું કે કુકર્મ કર્યું તેની ખબર જ નથી પડતી. પરંતુ જ્યારે આવા સંસ્કારોનુ પરીણામ આખો દેશ ગંદકીથી ભરાઈ જાય ત્યારે તે ગંદકી દેખાય છે પણ કારણો ભાગ્યેજ દેખાય. જ્યાં જ્યાં પણ કુપરિણામો દેખાય ત્યાં મૂળમા કુકર્મો જ હોય છે અને તે જ કર્મનો સિધ્ધાંત છે.પછીતે પાકિસ્તાનમાં થયેલ આતંકી હુમલો હોય કે આપણા દુખો અને પીડાઓ કે અન્ય.
    શરદ.

    Like

  4. તમારો લેખ વાંચ્યો. “ચોખ્ખે ચોખ્ખું” બહુ સરસ અને સત્ય લખ્યું છે……
    અહીં અમેરીકામાં લોસ એન્જલસમાં, ઘરો હોય છે ત્યાં લત્તાવાર દર અઠવાડિયાના અલગ અલગ નક્કી કરેલા દિવસે ઘરની બહાર કચરાનો એક, રીસાઈકલનો એક તથા ઘાસ-પાંદડાવાળો એક, એમ ત્રણ ડબ્બા-ગાર્બેજ કેન રાખ્યાં હોય તે ગાર્બેજ ટ્રક આવીને લઈ જાય, અને શહેરના નક્કી કરેલા ભાવનું બીલ દર મહિને મોકલી આપે, જે ફરજિયાત ભરવાનું. જો એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્ષ હોય તો લગભગ દર બે-ત્રણ દિવસે ગાર્બેજ ટ્રક આવીને મોટા ડંપરમાં કચરો ભરેલો હોય તે લઈ જાય. એના ખર્ચ માટેની રકમ ભાડામાંજ આવી જતી હોય છે.

    અને આ વાત તો શાળામાં કેજીમાં ભણતાં બાળકોને શરૂઆતથીજ શીખવવામાં આવે છે.

    આ ઉપરાંત દર ૧૫ દિવસે દરેક લત્તાવાર નક્કી કરેલા દિવસે રોડ સ્વીપીંગ ટ્રક આવીને દરેક મોટા રસ્તાઓ તો ઠીક, પણ નાની નાની દરેક ગલીઓમાં પણ આવીને રસ્તા ઉપરની ધુળ ખેંચી જાય. તે દિવસે એ લત્તામાં રસ્તા ઉપર જે ૪ કલાક લખ્યા હોય તે દરમિયાન મોટરો-વાહનો પાર્ક નહીં કરવાના. જો પાર્ક કરેલાં હોય તો દંડ થાય. લોસ એન્જલસમાં તો રસ્તાની ધુળ સાફ કરવાવાળી આ સગવડ છે, બીજે ક્યાંય હોય તો ખબર નથી, પણ ઘરનો કચરો લેવા માટે તો અમેરીકાના દરેક શહેરમાં નિયમિત રીતે દર અઠવાડિયે ગાર્બેજ ટ્રકો આવેજ…..

    Mansukhlal Gandhi
    Los Angeles, CA
    U.S.A.

    Date: Thu, 18 Dec 2014 23:53:17 +0000
    To: mdgandhi21@hotmail.com

    Like

  5. તમારો લેખ વાંચ્યો. “ચોખ્ખે ચોખ્ખું” બહુ સરસ અને સત્ય લખ્યું છે……

    અહીં અમેરીકામાં લોસ એન્જલસમાં, ઘરો હોય છે ત્યાં લત્તાવાર દર અઠવાડિયાના અલગ અલગ નક્કી કરેલા દિવસે ઘરની બહાર કચરાનો એક, રીસાઈકલનો એક તથા ઘાસ-પાંદડાવાળો એક, એમ ત્રણ ડબ્બા-ગાર્બેજ કેન રાખ્યાં હોય તે ગાર્બેજ ટ્રક આવીને લઈ જાય, અને શહેરના નક્કી કરેલા ભાવનું બીલ દર મહિને મોકલી આપે, જે ફરજિયાત ભરવાનું. જો એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્ષ હોય તો લગભગ દર બે-ત્રણ દિવસે ગાર્બેજ ટ્રક આવીને મોટા ડંપરમાં કચરો ભરેલો હોય તે લઈ જાય. એના ખર્ચ માટેની રકમ ભાડામાંજ આવી જતી હોય છે.

    અને આ વાત તો શાળામાં કેજીમાં ભણતાં બાળકોને શરૂઆતથીજ શીખવવામાં આવે છે.

    આ ઉપરાંત દર ૧૫ દિવસે દરેક લત્તાવાર નક્કી કરેલા દિવસે રોડ સ્વીપીંગ ટ્રક આવીને દરેક મોટા રસ્તાઓ તો ઠીક, પણ નાની નાની દરેક ગલીઓમાં પણ આવીને રસ્તા ઉપરની ધુળ ખેંચી જાય. તે દિવસે એ લત્તામાં રસ્તા ઉપર જે ૪ કલાક લખ્યા હોય તે દરમિયાન મોટરો-વાહનો પાર્ક નહીં કરવાના. જો પાર્ક કરેલાં હોય તો દંડ થાય. લોસ એન્જલસમાં તો રસ્તાની ધુળ સાફ કરવાવાળી આ સગવડ છે, બીજે ક્યાંય હોય તો ખબર નથી, પણ ઘરનો કચરો લેવા માટે તો અમેરીકાના દરેક શહેરમાં નિયમિત રીતે દર અઠવાડિયે ગાર્બેજ ટ્રકો આવેજ…..

    Like

  6. બધું જ લખ્યું છે એટલે એક્સેલેન્ત નો વોટ આપ્યા સિવાય બીજું કશું બાકી ના રહ્યું
    હા એક કામ બાકી રહ્યું આ વાત ને અમલ માં લાવવા ની
    સરસ આર્ટીકલ

    Like

  7. Amare surat ma to bapu jyare kachara gadi aave tyare badha line sar kacharo nakhi aave..kyay gandaki nathi..

    Like

  8. “એ ભાઈ …શું નામ તમારું? ઓ.. હા હા … Bhupendrasinh અહી સલાહો નહિ ઠોકવી … સાંભળો … એ, અમે તો મનુવાદી ભામણ અને ઉપ્પરથી કોંગ્રેસી… એટલે, આવી ફાલતુ સલાહો અમને નહિ આપવી … જોયું નહિ?… અહી ફેસબુક ઉપર પણ બધા અમારા કોંગ્રેસીઓ એ “સફાઈ-અભિયાન”નો વિરોધ કર્યો તે… સાલા મોદીજી અને ભાજપિયાઓએ અમારા “ગાંધી-બાપુ” પાસેથી આ-જ પાઠ શીખયો?… ઝાડું વાળવાનો-જ પાઠ … બસ?… પૈસા બનાવી અને ગાંધીને ખુરસી સુધી અમને પહોંચાડવામાં જે ભાગ “ગાંધી-બાપુ”એ ભજવ્યો છે આ તે વાતનું અને અમારા ઠગ-ગાંધી-પરિવારનું અપમાન છે … સાલું “ગાંધી-બાપુ” ઝાડું ઉપાડે એટલે સોનિયા-રાહુલે પણ ઝાડું ઉપાડવાનું અને પછી અમારે પણ? … મોદીજી તો આવા તુત-જ ઉભા કરે છે … અમને ભામણો અને કોંગ્રેસીઓને શુદ્ર બનાવીને-જ જંપશે … પણ અમે નહિ માનીએ… અમે તો કચરો કરીશું-જ …અમે મોટા-સાહેબો છે એટલે આ કચરો છે …..અને તે બાહને શુદ્રો ને કામ મળે છે ને?… એટલું યાદ રહે આ રાજકારણથી લઈને રસ્તા સુધીની ગંદકી અમારે કારણે-જ છે …અને એટલે-જ પ્રજા-જનતાને કામ-કામ-કામ રહે છે …આમે ભારતીય જનતા અભણ-ભિખારી છે-જ અને અમે તે તેમ રહે એમ-જ અમે ઇચ્છ્શું … છેલ્લા ૬૦-વર્ષથી અમારા કોંગ્રેસ-પક્ષનાં આજ પ્રયત્નો રહ્યા છે…શુદ્રો તો, અભણ રહીને અમારું કામ કરવા-જ જન્મ્યા છે અને અમે કચરો પાડવા માટે જન્મ્યા છે ….અમને મનુવાદીઓને હવે સલાહ નહિ આપવી … અને છેલ્લે કહી દઉં કે સ્ત્રી-જાતી પણ દરેક ઘર-સમાજની શુદ્ર-જાત માં-જ આવે …તે પણ સમાજ-ઘરનો કચરો ઉઠાવવ-વાળી જાત-જ સમજવી …સ્ત્રી-જાતને જુતી નીચે-જ રખાય શું સમજ્યા? … નાં સમજાય તો “મનુસ્મૃતિ” વાંચી લેવી …પણ હવે તમારે ત્યાં ન્યુ-જર્સી રહી અને અમને ભારતીયોની સામે તમારી “અમ્મેરીકા”ની ફિશિયારીઓ નાં ઠોકવી …નાં જોયા હોય તો …આયા મોટા “ગાંધી-બાપુ”નાં પ્રતિકને હડપ કરી જવા ભાજપ અને મોદીજીના ચમચા …પણ; અમે કોંગ્રેસીઓ તે સવ્ચ્છાતા-અભિયાન પાર નહિ પાડવા દઈએ…”

    Like

    1. Jayendrabhai: Tamaari comment vaanchi ne khub hasvoo aaviyu…… Kahin tame baba naa chachaa to nathi thai giya ne? Haa haa hu ye j rahul bachchu ni vaat karoo chhu…. kahi ena chamchaa to nathi thai giyane?

      Hasvoo rokvoo mushkel kari naakhiyu…….

      Like

  9. ‘સ્વચ્છતાને સ્વભાવ નહીં બનાવીએ તો કોઈ સ્વચ્છતા અભિયાન કામ નહિ લાગે’. આ સ્વભાવ બનાવવાનું હાર્ડ વાયરિંગ બચપણથી જ બ્રેઈનમાં કરવું પડે માટે બાળકનો ફોટો પસંદ કરેલો
    સ્વચ્છતા અભિયાન નો સાર

    Like

  10. રાજસુ યજ્ઞ અને મહાભારત યુદ્ધ સમયે શ્રીકૃષ્ણે સાફસુફી કરી હતી. તેમાંથી પણ આપણે કશું ના શીખ્યા!

    ફોટામાં​ ચાર બાય ચાર ફૂટની જગ્યા સાફ કરવા ચાર જણા ઝાડુના દંડા લઈને ઉભા છે તે જાણે ઝાડું હોકી રમતા હોય તેવું નથી લાગતું? દરેકે એક એક શેરી સાફ કરી નાખી હોત તો કેવું સારું થાત?

    આપણે ત્યાં તો હરીજનોમાં પણ ચઢઉતર પેટા જ્ઞાતિઓ હોય છે. હાડકા કે મેલું ઉપાડવાનું કામ અમુક પેટા જ્ઞાતિવાળા ના કરે.

    Like

  11. Well describe article.

    Our poorvajo ye je banaavel niyamo ma j moti bhool….. Shoodro ni jaat banaavaa ni j moti bhool. In America you do not see any Jaat-paat. Aapno kachro aapne j jaate saaf karvaano.

    Rahi vaat video ni: Jema young boy kachro-pota karto bataavel chhe. In my opinion, This video serve better to those who think In Western world, money are made easily. It also proove that if you do not have skill than you are bound to do this type of job.

    In India, one only can hope that younger generation will adopt western culture of cleaning…. “Clean as you go”. Someday India will be clean!!!!

    Like

  12. માફ કરજો મિત્રો. મેં લેખ વાંચ્યો અને ગમ્યો પણ ખરો. મને ગામે ગામ અને શહેરે શહેરનો અનુભવ નથી. સેંકડો વર્ષની સંસ્કૃતિના પોસ્ટમોર્ટમ કરવાની મનોદશામાંથી બહાર આવી આજની પરિસ્થિતિ અને આવતી કાલની જીંદગીનો વિચાર કરતાં મિત્રોએ શીખવું જોઈએ. ત્રણેક વર્ષ પહેલા સુરત ગયો હતો. પ્રવીણચંદ્ર ધમાલિયાએ કરેલી વાત સાચી જ છે એક વખતનું ગંદુ ગણાતું મારું સુરત અને લોકો સ્વચ્છ થયેલા દેખાયા. એ ગંદા શહેરની સ્વચ્છ ડેડએન્ડ શેરીમાં હું જન્મ્યો અને મોટો થયો છું. ચોમાસાના દિવસો બાદ કરતાં સવારે બારણાં વળાઈ જતાં, બીબાં કે હાથથી નાના સાથીયા પૂરાતા. ઘરના ખૂણાં પર કચરાની નાની ઢગલી થતી અને સુધરાઈના કામદારો લઈ જતા. આજ હાલત દક્ષિણ ગુજરાતના ઘણાં ગામોમાં મેં જાતે નિહાળી છે. મહારાષ્ટ્રની દક્ષણી પ્રજામાં પણ મેં આ નિહાળ્યું અને અનુભવ્યું છે. પારસીઓના આંગણા પણ સ્વચ્છ અને બીબાના સાથીયાથી શુશોભિત રહેતા. અમારા સમયમાં સાયકલનું ચલણ હતું. આજે તે મહોલ્લાઓમાં બાઈક, અને કાર ખડકાયલા છે. ચાલવાની જગ્યા નથી તો સાંથીયા રંગોળીની તો વાત જ ક્યાં થાય. ઘરની મહિલા બિચારી રધવાટમાં જેમતેમ કરીને નોકરો કરવા દોડે તો પોતા કરવા કામવાળી રાખવી પડે. દોસ્તો વધુ નથી લખતો. વધારે નથી લખતો મારે બાપુને ત્યાં ચા પીવા જવાનું બાકી છે. ભૂતકાળમાં હતું એ હતું. વર્તમાન વિચારો અને ભવિષ્યની કલ્પના કરો.

    Like

  13. પ્રિય ભુપેન્દ્રસિંહ ભાઈ રાઓલ
    તમારો લેખ વાંચ્યો .
    સ્વચ્છતા રાખવાની અને સ્વચ્છ રહેવાની કેળવણી બાળકોને ગળથુથીમાં જ શીખવવાની છે . કે જેથી કરી તેઓ નાં સ્વભાવમાંજ સ્વચ્છતાનો આગ્રહ વસી જાય . ગામડામાં અને શહેરોમાં એવો રીવાજ હોય છે કે સાફ સફાઈનું કામ તો સ્ત્રીઓનુજ હોય ઉપરાંત દળવું છાશ વલોવવી રસોઈ કરવી પશુઓ માટે સીમમાંથી ઘાસ લાવવું એવું બધું ઘણું કામ ફક્ત સ્ત્રીઓજ કરે . પુરુષો અનાજ દળવાનું કામ કરેતો એને મૂછો ન ઉગે એવી પાકી માન્યતા મારા ગામનો વાઘો ભાઈ દળણું દળે એની વૃદ્ધ માને ખુબ મદદ કરે ઘણા વડીલો અને પોતાના જેવડા છોકરા મશ્કરી કરે વાઘા ભાઈને કોઈ અસર થતી નહિ . એક વખત મારા બાપા અને ઘરના અમે રેલ્વે સ્ટેશન ગાડી આવવાની વાટ જોતા ઉભાહતા એટલામાં કોક છોકરાને ઉલટી થઇ મારા બાપાએ ઉલટી માથે ધૂળ નાખી અને ત્યાં પડેલા લાકડાના કકડા વતી આઘી કરી નાખી . કોક માણસે મારા બાપાને કીધું કે બાપા તમે પોલીસ પટેલ થઈને આવાં કામ કરવા માંડશો બિચારા ઝાડું વાળા ક્યા જશે . બાપા એ જવાબ આપ્યો કે જો હું ઉલટી સાફ નકરત તો ઉલટી જોઇને બીજાને ઉલટી થઇ જાત ઝાડું વાળો તો આવત ત્યાં સુધીમાં ઉલટી જોઇને બીજાને ઉલટી થઇ જાત અને મારી પોલીસ પટેલાય તો રહેવાનીજ છે . મેં ઉલટી સાફ કરી એમાં પોલીસ પટેલાય ભાગી જ્વાનીનથી .
    આપ કલ્પના કરો એ વખતે કેટલો જુનો જમાનો હતો .

    Like

Leave a comment