ધર્મોની જરૂર ક્યા સુધી??

Vaishnavism
Image by Bindaas Madhavi via Flickr

ધર્મોની જરૂર ક્યાં સુધી?
**હ્યુમન ઈવોલ્યુશન બહુ લાંબો પ્રોસિજર છે. પશુ,પક્ષી, જીવ જંતુ અને વનસ્પતિ દરેક સજીવનું ઈવોલ્યુશન ચાલુ જ છે. સૌથી મોટું બ્રેઈન માનવ પાસે છે. જે કરોડો વર્ષોના ઉત્ક્રાંતિના ક્રમમાં વિકાસ થતા થતા આપણ માનવ જાતને મળ્યું છે. આપણાં પૂર્વજ ચિમ્પ જેવા એપ્સ પાસે બ્રેઈન કદમાં માનવ બ્રેઈન કરતા નાનું છે. આપણાં પૂર્વજ આદીમાનવો પાસે પણ હાલના માનવ કરતા બ્રેઈન નાનું હતું. બ્રેઈનના કદમાં વધારો થતો જાય છે, જે દેખાતો નથી પણ થાય છે. ચિમ્પ અને આદીમાનવોના કપાળ પાછળ ઢળતા હતા. નાક અને જડબા આગળ પડતા હતા. એનો મતલબ બ્રેઈનની સાઈજ થોડી નાની હતી. હાલના આપણ માનવોના કપાળ સીધા છે. ચહેરાની સરખામણીમાં સીધા છે, મતલબ માથું મોટું થયું છે, બ્રેઈન કદમાં વધ્યું છે. એક બાળકનું બ્રેઈન નાનું હોય છે જેમ ઉંમર વધતી જાય તેમ બ્રેઈનનો વિકાસ થતો જાય છે. ૨૫ વર્ષે વિકાસ પૂર્ણ થાય છે.

**માનવમન વિચારતું થયું તેમ માનવ સમાજ સુસંસ્કૃત થતો ગયો. ધર્મોનો એમાં બહુ મોટો ફાળો છે. એક નાનું બાળક જ્યારે બહુ વિચારી શકતું ના હોય સારાસારનો વિવેક ના હોય ત્યારે એને દોરવણી આપવી પડતી હોય છે. અગ્નિથી દાઝી જવાય તેવી તેને સમજ ના હોય ત્યારે તે હાથ અગ્નિમાં નાખવા જાય ત્યારે એને શીખવવું પડે છે. બાળકને પહેલો એકડો શીખવવો પડે છે, સીધા અઘરા ગણિત કે પ્રમેય શીખવી ના શકાય. માનવને સારા આચરણ અને સમાજને ઉપયોગી નીતિનિયમો શીખવવા પડે છે તે માટે ધર્મોની જરૂર પડે છે. ધર્મ પણ ઉત્ક્રાંતિના ક્રમમાં વિકાસ ના પામે તો સડી જાય છે. હવે આજે જુના વૈદિક ધર્મની વાતો કરવી નકામી છે. કોણ પાળે છે વૈદિક ધર્મ? કોણ યજ્ઞોમાં પશુ હોમે છે? હવે કોઈ જરૂર નથી પુરાણાં ધર્મોની. ધર્મો પણ ઇવોલ્વ થવા જોઈએ. ધર્મોની જરૂર છે એકડો ઘૂંટવા પૂરતી. પછી આખી જીંદગી એકડો જ ઘૂંટ્યા કરીશું તો વિકાસ થઈ રહ્યો. જ્યારે ધર્મ વિકાસ પામવાને બદલે અટકી જાય ત્યારે વિનાશ કરતો હોય છે. બ્રેઈનનો વિકાસ ધર્મ અટકાવી દેશે. જેવી રીતે બાળકને કશું ના શીખવો અને એકડો ઘૂંટયા કરે તો શું થાય? આજે એજ થઈ રહ્યું છે. જુઓ તાલિબાનો શું કરી રહ્યા છે? જુઓ ધર્મ ઝનૂની હિન્દુઓ શું કરી રહ્યા છે? પ્રયત્નપૂર્વક માનવોને ફક્ત એકડો ઘૂંટાયા કરાય છે.

**ધર્મોએ માનવને પશુમાંથી માનવ બનાવ્યો છે, હવે એજ ધર્મો માનવને માનવમાંથી પશુ બનાવવા તરફ જઈ રહ્યા હોય ત્યારે એમાંથી મુક્તિ મેળવીને જો ધર્મો વગર ચાલતું ના હોય તો એમનો વિકાસ કરવો જરૂરી છે. એકડો ઘૂંટવામાંથી મુક્તિ મેળવ્યા વગર અઘરા સમીકરણો ક્યાંથી શીખીશું? બ્રેઈનના વિકાસ માટે રોજ નવા સમીકરણો એને શીખવવા પડે છે. બ્રેઈન માહિતીનો ભંડાર હોય છે. જો કોઈ માહિતી બ્રેઈનમાં ના હોય તો એને કશી સમજ પડતી નથી. આફ્રિકાથી એક સમૂહ હજારો વર્ષ પહેલા નીકળ્યો હશે. એ સમૂહના પૂર્વજોએ પણ લાખો વર્ષથી કોઈ દરિયાઈ વહાણ જોયું નહિ હોય. આ સમૂહ એશિયા થઈને વાયા સાઈબેરિયા થઈને અમેરિકા પહોચી ગયો. હિમયુગ પૂરો થતા બાકીની દુનિયાથી કટ થઈ ગયો. બાકીની દુનિયામાં પ્રગતિ ચાલુ હતી. પહેલીવાર યુરોપના વહાણ જ્યારે અમેરિકા પહોચ્યા હશે એમને દૂરથી વહાણ દેખાયા નહોતા. દરિયામાં વહાણ માઇલો દૂરથી દેખાઈ જાય. એમના બ્રેઈનમાં વહાણ વિષે કોઈ માહિતી તત્કાલીન હતી નહિ. સાવ નજીક આવ્યા ત્યારે નવી માહિતી બ્રેઈનમાં જમા થઈ. વહાણો નજીક આવ્યા ત્યારે દેખાયા. એકલી અટુલી સંસ્કૃતિઓ નાશ પામી જાય છે. માયા, ઈન્કા, એઝટેક જેવી અમેરિકન સંસ્કૃતિઓ નાશ પામી ગઈ. એમના પણ ધર્મો હતા. ઈન્કા અને માયન સંસ્કૃતિઓમાં માનવ બલી આપવાનું સામાન્ય હતું.

**આજે જ્યારે પુરાણ કાલ કે વૈદિક કાલ જેવી પરિસ્થિતિ કે સમય સંજોગો રહ્યા નથી, ત્યારે એ સમયના ધર્મની જરૂર પણ નથી. પણ નવા તત્વજ્ઞાનીઓને ડર લાગે છે કે માનવ વધારે ને વધારે ઝનૂની થતો જાય છે પુરાણાં ધર્મોને બચાવવા માટે, જે આત્મઘાત તરફ દોરી જનારું છે.

મારો ધર્મ મહાન અને તમારો ખોટો એ ક્યારથી શરુ થયું? પાયથાગોરસ ભારત આવેલો, જીસસના બહુ સમય પહેલા. એણે જોયું કે આ લોકો તો ખૂબ વિકાસશીલ છે. અહીં ધર્મ છે, ફિલોસોફી છે. પછી તે પાછો ગયો અને શરુ કર્યું આપણો ધર્મ અને ફીલોસોફી મહાન છે, આ લોકોનો નહિ.

ત્રણ ધર્મો અબ્રહામિક, જુઇશ, કિશ્ચિયન અને મુસ્લિમ ત્રણેની ફિલોસોફી એક યા બીજી રીતે સરખી છે. અહીં જુઓ હિંદુ ધર્મ જૈન અને બૌદ્ધ ત્રણેની ફીલોસોફી મોટાભાગે સરખી. જીસસ ખુદ હિબ્રુ બોલતા હતા. અંગ્રેજી તો હમણાં આવી. અંગ્રેજી રીબેલિયન લોકોની ભાષા. ચર્ચની વિરુદ્ધ બોલવું હોય તો કોઈને સમજ ના પડે માટે અંગ્રેજી બોલાતી. અડધી ડિક્શનેરી તો શેક્સપિયરે લખી હશે. હિંદુ ધર્મમાં સડો વધી ગયો તો બુદ્ધ આવ્યા. ધર્મ વહેતો રહેવો જોઈએ. બંધિયાર કૂવામાં પાણી પણ ગંધાઈ જાય. એમ બંધિયાર ધર્મમાં માનવ પણ ગંધાઈ જાય. ધર્મમાં લાગણીનું તત્વ ઘુસાડી દેવાય છે. બ્રેઈનનો એક ભાગ ભાવનાઓ અને લાગણીનું પ્રતિનિધિત્વ કરે છે. લોકો કહેશે અમે હ્રદયથી વિચારીએ છીએ. હૃદય તો એક પંપ છે. એની પાસે વિચારવાની કોઈ શક્તિ જ નથી. બુદ્ધિ અને તર્કના ભાગને વિકસવા દેવામાં આવતો નથી. આત્મા જેવી કોઈ વસ્તુ હોતી નથી. બ્રેઈન જ આત્મા છે. અંતર આત્માનો અવાજ પણ બ્રેઈન જ બોલે છે. ચા પીવાનું યાદ આવવું કે કેળાં ખાવાની ઇચ્છા થવી તે પણ બ્રેઈનના આદેશ મુજબ જ હોય છે. જે ધર્મ બ્રેઈનના વિકાસ ને રોકે તે ધર્મનું કશું કામ નથી. નવા ધર્મો ઇવોલ્વ થવા જોઈએ.

નોંધ:-મિત્રો ઉપરનું એકેય વાક્ય મારું નથી. વિલિયમ્સ પેટરસન યુનીવર્સીટીમાં સાયકોલોજી અને ફિલોસોફી બે મેજર સબ્જેક્ટ લઈને ભણતા મારા સૌથી નાના દીકરા હરપાલસિંહને ક્રિસમસ વેકેશન પડ્યું તો લેવા ગયેલો. આવતા તેઓ ડ્રાઇવિંગ કરતા હતા અને બોલતા જતા હતા. હું સાંભળતો હતો. બસ જે યાદ રહ્યાં તે વાક્યો લખ્યા છે.

26 thoughts on “ધર્મોની જરૂર ક્યા સુધી??”

  1. ધર્મ બદલાતો જ રહ્યો છે અને બદલાતો રહેશે. માત્ર આપણે ટેવથી લાચાર અજાની વસ્તુને બદકે જાણીતી વસ્તુને પકડી રાખવા મથતા હોઇએ છીએ. તમે લખો છો કે આજે વૈદિક ધર્મની જરૂર નથી; પરમ્તુ, વૈદિક ધર્મ તો ઉપનિષદ કાળમાં જ અધૂરો થઈ પડ્યો હતો. એટલેસ્તો ઉપનિષદો બન્યાં. ગીતામાં કૄષ્ણ આ વાત સ્પષ્ટ શબ્દોમાં કહે છે: त्रैगुण्यो विषया वेदा: निस्त्रैगुण्यो भवार्जुन I વેદ તો ત્રણ ગુણ (સત્વ, રજસ અને તમસ)થી યુક્ત છે: હે અર્જુન, તું ત્રિગુણરહિત બન. સમય બદલાયો હતો અને વૈદિક ક્રિયાકાંડોમાં બધું જૂનું પરંપરાથી ચાલતું હતું પણ ઋષિઓનો એક વર્ગ એવો તૈયાર થયો હતો, જેને ઇન્દ્ર, વરુણ વગેરે પ્રત્યક્ષ દેવતાઓની જરુર નહોતી. એમણે અમૂર્ત ઈશ્વરની શોધ આદરી દીધી હ્તી. એ શોધમાંથી એક બાજુ નિર્ગુણ બ્રહ્મ તત્વ શોધાયું તો બીજી બાજુ, સગુણ સર્વશક્તિમાન, સર્વાંતર્યામિ ઈશ્વર શોધાયો. આ ઈશ્વરની ઉંમર માંડ ત્રણેક હજાર વર્ષ હશે. એ પહેલાંનો ઈશ્વર એના ઉપાસકો જેવો જ હતો. એ એમની સાથે રહેતો અને મદદ કરતો. ખોટું કરો તો ગુસ્સે પણ થઈ જતો. તે પછીનો ઈશ્વર સર્વશક્તિમાન હોવા છતાં માનવજીવનમાં માથું નથી મારતો. બાવળિયા પર ગુલાબ આવતું નથી કે કમળ આજે પણ માત્ર પાણીમાં જ થાય છે.
    આજે સમય બદલાયો છે. આજે મગજનો વિકાસ થયો છે અને હું તો માનું છું કે મારી પેઢીના માણસો કરતાં અમારાં સંતાનો અથવા એમનાં સંતાનોનાં મગજ જરૂર માઇક્રો મિલીમીટર જેટલાં મોટાં હશે! જે રીતે આજની પેઢી ગ્રાસ્પ કરે છે તે અદ્‍ભુત છે.
    સારૂં આચરણ સર્વાઇવલની આવશ્યકતા હતી અને છે.આ આવશ્યકતાએ આગળ જતાં નીતિનું રૂપ લીધું. ખરેખર તો નીતિને પણ કોઈ કર્મકાંડની જરૂર નથી. એ ધર્મથી અલગ વસ્તુ છે.નીતિને બાદ કરો તો ધર્મ જેવું કઈં ન રહે. એ પછી, તમે લખો છો એવા તાલિબાન અથવા તો ’અભિનવ ભારત’ જ રહે. સર્વાઇવલ માટે બીજાનો નાશ ન કરવો એ જીન્સની માંગ છે પણ આવા લોકો ઉત્ક્રાન્તિની આખી પરંપરા વિરુદ્ધ આચરણ કરે છે.

    Like

    1. સાચી વાત છે.મારા દીકરાને કોલેજમાં મોર્ડન ફિલોસોફી અને સાયકોલોજી ભણવાની હોય છે.એની પાસે ફિલોસોફી ઓફ રીલીજીયન,અને ગોડ ડીલ્યુંજન,ગ્રેટેસ્ટ શો ઓન અર્થ જેવા પુસ્તકો છે.તે વાંચતો હોય છે.કોઈ વાર મારી સાથે ચર્ચા કરતો હોય છે.મોટાભાગે નવી નવી ડોક્યુમેન્ટરી તે મને સજેસ્ટ કરતો હોય છે.એમાંથી મને ઘણું જાણવાનું અને લખવાનું મળી રહે છે.સાયકોલોજી ટુડે પણ એણેજ મને બતાવેલું.આપે એની મુલાકાત લીધી હશે.આભાર.

      Like

  2. માત્ર જન્મથી લઇ મૃત્યુ સુધી !

    દિપકભાઇનો સુંદર અને હૃદયગમ્ય પ્રતિભાવ સવાલના જવાબને લગભગ સંપૂર્ણ પ્રકાશિત કરી જ દે છે. હું એકાદ રૂપક વડે માત્ર તેને દિવો બતાવવાનો પ્રયાસ કરીશ.

    કહેવત છે કે, ’વાડ વિના વેલો ન ચઢે’
    કુમળી વેલનો યોગ્ય દિશામાં વિકાસ શક્ય બને તે માટે બાજુમાં એક લાકડી ભરાવી તેનો ટેકો કરાય છે. અને સમયાંતરે તે ટેકાના બળે કુમળી વેલનું થડ એટલું મજબૂત બની જાય છે કે સ્વબળે ટટ્ટાર રહી શકે. પરંતુ ત્યાં સુધીમાં તેનું થડ એ ટેકારૂપ લાકડીને કસોકસ વિંટળાઇ વળ્યું હોય છે કે તે લાકડી હવે બીનજરૂરી હોવા છતાં તેનો એક ભાગ બની જાય છે. લાંબાગાળે જો કે લાકડી તો, મૃત હોવાથી, સડે છે, તેને ઉધઇ પણ લાગે છે, અને કદાચ ધીમે ધીમે તે નાશ પામે છે. પરંતુ તેનાં હોવાનું નિશાન વેલનાં, હવે મજબુત થયેલા, થડ પર કાયમ રહે છે. બસ વાત આ છે. લાકડી ક્યારેક જરૂરી હતી, આજે સડેલી કે ઉધઇ લાગેલી લાકડીને વળગવું જરૂરી નથી. વળગી રહેવા છતાં તે સડતી સડતી નાશ પામશે જ.

    પરંતુ !! વેલ કદી પોતાના થડ પર પડેલા તેનાં જુના નિશાન નહીં ભૂંસી શકે. સીવાય કે તે વેલ જ થડમૂળ સોતી ઉખડી જાય. જે માત્ર ને માત્ર આત્મઘાતક પગલું હશે. એ કરતાં તો તેને માટે પોતાનું થડ મજબૂત બનાવનાર લાકડીનો આભાર માની નવી નવી કુંપણોને ફેલાવવામાં અને હવે સ્વબળે વિકાસને પામવામાં ધ્યાન પરોવવું એ બુદ્ધિયુક્ત કાર્ય ગણાશે.
    આભાર.

    Like

  3. તમારા દીકરા ચિ. ભાઈ હરપાલસિંહને તો અભિનંદન આપવાનું જ ભૂલી ગયો હતો! હું માનું છું કે આજની પેઢીનું મગજ વધારે મોટું છે અને તમારા પુત્ર એનો પુરાવો છે. ’ગૉડ ડિલ્યૂઝન’ વાંચવા જેવું પુસ્તક છે. એના લેખક રિચર્ડ ડૉકિન્સ પ્રખર ડાર્વિનવાદી અને એથિસ્ટ છે અને ધર્મ, નીતિ વગેરે વિશેના મારા વિચારોને વૈજ્ઞાનિક ભાષા આ પુસ્તકે આપી. આમ છતાં એમણે એ પણ ખુલાસો કર્યો છે કે એથિસ્ટે કોઇના આમંત્રણને માન આપીને ધાર્મિક વિધિમાં હાજરી આપવી જોઇએ કે નહીં? એમનો જવાબ છે કે ભાગ લેવો જોઈએ, કારણ કે આમાં માન્યતાનો સવાલ નથી, એ બીજી વ્યક્તિ સાથેના સામાજિક વ્યવહારનો સવાલ છે. ડૉકિન્સની વેબસાઇટ પણ છે.
    આગળ જતાં ક્રિયાકાંડોની ખરેખર જરૂર નહીં રહે અને ત્યારે જ નૈતિક ધોરણો બિનશરતે લાગુ થશે. હમણાં તો દરેક ધાર્મિક જૂથની પોતાના માટેની નૈતિકતા એક અને બીજા માટે બીજી – એવી હાલત છે. ચિંતન એક જુદી વસ્તુ છે અને કર્મકાંડ જુદી વસ્તુ છે. કોઈ તર્કથી ઈશ્વરનું અસ્તિત્વ સાબીત કરે તો ભલે, આમ છતાં કર્મકાંડની તો જરૂર જ નથી. આજે કર્મકાંડ અને ધર્મ પર્યાયવાચી બની ગયા છે અને નીતિમત્તા એમાંથી બાકાત થઈ ગઈ છે. આ બાબત પર વિચારવું તો જોઈએ જ.

    Like

    1. અશોકભાઈ,
      ડોકીન્સનાં પુસ્તકો હજુ મેં વાંચ્યા નથી.એક શરુ કર્યું છે.ગ્રેટેસ્ટ શો ઓન અર્થ.નક્કર પુરાવા સાથેનું પુસ્તક છે.મળે તો વાચી લેશો.આભાર.

      Like

  4. અશોકભાઈ,
    વાડ વિના વેલો ન ચડે એ સાચું છે પણ વાડ થઈને ચીભડાં ગળે એ ન ચાલે. વાડની ભૂમિકા જ એ છે કે એ વેલાને ચડવા દે.તમારા વિચારો બહોળા અર્થમાં જાણું છું અને તમે અહીં પણ એ જ લખ્યું છે એટલે આ વાત યાદ અપાવવી એ માત્ર નોંધ માટે જ છે. વાડ એટલે? એક્સ્પોઝર! વહાણ જોયાં ત્યારે વહાણ એટલે શું એ ખબર પડી. વાડ એટલે અનુકૂળ વાતાવરણ, જેની મદદથી વ્યક્તિનો વિકાસ થઈ શકે. વાડનું કામ પિતાએ કર્યું હોય તો પિતા પ્રશંસાને પાત્ર છે જ. એ રીતે જૂઓ તો દરેક નવી પેઢી જૂની પેઢીના ખભે ચડીને જ દુનિયાને જૂએ છે. એ જ તો વિકાસ પ્રક્રિયા છે. વાત રહી આભારની. ઍમિબામાંથી પેરીપેટસ બન્યું (જે ઉભયલિંગી છે) તો એણે શું ઍમિબાનો આભાર માન્યા જ કરવાનો?
    બીજો મુદ્દો એ કે મહર્ષિ અરવિંદે સુપર માઇંડનો કન્સેપ્ટ આપ્યો અને પોતાને ભવિષ્યના આ સુપરમાઈંડના પ્રયોગ માટેના તખ્તા તરીકે ઓળખાવ્યા. એમનો સુપરમૅન નિત્શેના સુપરમૅનથી ઉલ્ટો છે. નિત્શેનો સુપરમૅન મહાકાય છે, પ્રચંડ શક્તિશાળી અને સર્વભક્ષક છે; અરવિંદનો સુપરમૅન પણ મહાકાય છે પણ સર્વરક્ષક છે, એ સૌમ્ય, શાંત અને સર્વાભિમુખ છે. હવે આવો સુપરમૅન ખરેખર આવવાનો હોય – અને આપણે એ જાણતા-સમજતા હોઇએ – તો આજના દરેક માતાપિતાએ એ પણ માનવું જોઈએ કે દરેક આવનારી પેઢી વધારે મોટા મગજ સાથે પેદા થવાની છે. દરેક આવનારો જમાનો પાછળના જમાનાથી વધારે સારો હશે. એમાં આડે આવશું તો ગમે તેટલા આસ્થાવાન હોવા છતાં સુપરમૅનના માર્ગમાં જ આડે આવતા હોઇશું.

    Like

    1. શ્રી અરવિંદે અતિમનસ ચેતનાનો કોન્સેપ્ટ આપ્યો હતો.પણ તે ઉપરથી અવતરશે તેવું કહેતા.અરવિંદને આધ્યાત્મિકતાનો આફરો ચડેલો હતો.એ કોઈ વૈજ્ઞાનિક હતા નહિ.કોન્સેપ્ટ સાચો હતો,પણ ઉત્ક્રાંતિ દ્વારા મળે.ઉપરથી ના ટપકે.એમાં થયું એવું કે એમના મૃતદેહને માતાજી (ફ્રેંચ મહિલા) એ સાચવી રાખ્યો કે અતિમનસ ચેતના અવતરશે.પણ થયું નહિ અને દુર્ગંધ મારવા લાગી પછી સમાધિ આપી દીધી.અરવિંદ બહુ સારા કવિ હતા.એમની સાવિત્રી કવિતા વિખ્યાત છે.એક સારા સમાજ સુધારક કે નેતા બની શક્યા હોત.પણ ભારતનું દુર્ભાગ્ય છે કે જેને પણ કુદરત સારું બ્રેઈન અને વિપુલ બુદ્ધિ આપે છે તે બધાને આધ્યાત્મિકતાનો આફરો ચડી જાય છે.અને ઈશ્વરભાઈની શોધમાં નીકળી પડે છે.જુઓ આપણાં કવિઓ લેખકો બધા ઉચ્ચ આધ્યાત્મિકતાની વાતો જ કરશે.વાસ્તવિક જગત તો એમણે ભાવશે જ નહિ.

      Like

    2. શ્રી દિપકભાઇ, ભુપેન્દ્રસિંહજી.
      આપને કદાચ ધ્યાને લેવાનું રહી ગયું..ફરી એ જ વાક્ય લખું.
      “…..આભાર માની નવી નવી કુંપણોને ફેલાવવામાં અને હવે સ્વબળે વિકાસને પામવામાં ધ્યાન પરોવવું એ બુદ્ધિયુક્ત કાર્ય ગણાશે.”
      આભાર માન્યે રાખવાનું નામ જ ધર્મ પડી ગયું છે. જેટલા મોટા બરાડા, ઢોલ-નગારા, દેકારા, બુમાબુમ કરી અને આભાર માને રાખો તેટલા તમે વધુ ધાર્મિક.

      રહી વાત ડૉકિન્સની, તો વિચારવાયોગ્ય પુસ્તકો લખ્યા છે ’ગોડ ડિલ્યુઝન’ વાંચ્યું પણ છે. સામે બેલેન્સ માટે ’ડૉકિન્સ ડિલ્યુઝન’ પણ વાંચ્યુ છે. (લે:એલિસ્ટર મેક્ગ્રાથ, જે પણ રસાયણ વિજ્ઞાન અને મોલેક્યુલર બાયોફીઝિક્સની શાથે ક્રિશ્ચયન થિઑલોજિનાં પણ સ્કોલર છે.) ડૉકિન્સ સ્વયં એક નિરીશ્વરવાદી હોવાનું કબુલે છે તેથી તેઓ તેમના પક્ષમાં દલીલો આપશે અને મેકગ્રાથ થિઑલોજિના સ્કોલર પણ હોવાથી તે તેમના પક્ષમાં દલીલો આપશે. ટુંકમાં દરેક વાતના બે અંતિમ છેડા હોય છે. મેકગ્રાથે પોતાની દલીલનો સારાંશ આપતા જણાવ્યું કે ’ઇશ્વર માત્ર ભ્રમણા છે તે કથન ધર્મ કરતાં વિજ્ઞાન માટે વધુ હાનિકારક સાબિત થશે.’ આના સમર્થનમાં રોયલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ફિલોસોફીનાં પ્રમુખ અને પ્રખ્યાત ફિલોસોફર સર એન્થની કેનીએ સરસ વાત કરી કે; ’ મોટાભાગના લોકોનું બૌધ્ધિક અને ભાવનાત્મક જોડાણ વિજ્ઞાન કરતા ધર્મ શાથે વધુ છે” અને ડૉકિન્સે કર્યું તેમ, ભારપૂર્વક તેઓને ફરજીયાતપણે પસંદગી કરવાની ફરજ પડાય તો, “એ વિજ્ઞાન જ હશે, જેનો તેઓ ત્યાગ કરશે”. (જો કે આ બધા પુસ્તકોની ચર્ચાઓ બાઇબલને આધાર બનાવી અને કરાયેલી હોય છે, છતાં અન્ય ધર્મોને પણ અમુક અંશે લાગુ પડે ખરી.) અને મારા જેવા ’ન માનવાનું નક્કિ કરેલાઓ’ તો વળી કોઇ ડૉકિન્સ કે મેક્ગ્રાથ કે કેનીને પણ બેઠેબેઠા ક્યાંથી માની લે !

      આટલી લાંબી વાત અહીં એટલે લખી કે આપ મારો કહેવાનો અર્થ સમજી શકો. ઈશ્વર ક્યારેય વિજ્ઞાન વડે સાબિત કે નાસાબિત થઇ શકવાનો નથી. કારણ બન્ને વિષય જ અલગ છે. તો અમુક લોકો શા માટે બન્નેને ભેગા કરી અને ’બાવાના બેઉ બગડ્યા’ જેવો ઘાટ કરે છે ? ઈશ્વરના હોવા ન હોવાથી કે હાલના ધર્મોના હોવા ન હોવાથી પણ આ સૃષ્ટિને કશો ફરક પડવાનો નથી. છતાં આ બંન્ને પ્રકારનાં પુસ્તકો અને તે પર ચર્ચાઓ પણ આવશ્યક છે. કારણ તે રીતે જ એક દિવસ (ઈંચ ઈંચ કરીને) વધુ મોટું મગજ અને બુદ્ધિ ધરાવતો ’સુપર માનવ’ પ્રગટશે. આપની વાત સાચી છે, નવી પેઢી ઉતરોત્તર વધુ વિચારવંત બનતી જશે. અને એનો થોડો યશ તો બાપુ અને આપ જેવા કેટલાયે ’મગજનું દહીં કરનાર’ વિચારકોને પણ મળે છે ! આભાર.

      Like

      1. આપના
        બ્રેઈન રૂપી શાંત તળાવમાં એક પથરો નાખુ છું,
        વમળો પેદા થયે જાય તે નીરખું છું.
        મગજનું દહીં કરવાનું કામ કરું છું,
        માખણ નીકળે તે વહેચીને ખાવાનું સજેશન કરું છું.
        આભાર.

        Like

  5. The Greatest Show on Earth: The Evidence for Evolution
    By Richard Dawkins આ બૂક મે વાંચેલી છે અદ્ભૂત છે.. દરેકે વાંચવા જેવી છે…!!!

    Like

  6. હરપાલસિંહજીને ખૂબ ખૂબ અભિનંદન.

    ઈશ્વર બધા ધર્મોથી પરે (above and beyond) છે. પણ બધા ધર્મોએ તેને બાંધી રાખ્યો છે. તેને ધર્મોથી મુક્ત કરવો જોઈએ. Freedom of Religion નહી પણ Freedom from Religion, not only for people but also for God જોઈએ. લાગે છે કે તે પણ આવશે. આશા તો રાખીએ.

    Like

    1. હવે માનવજાતનો ખુબ વિકાસ થઇ ચુક્યો છે.નીતિનિયમો,કાયદા કાનુન પણ ખુબ છે,હવે ધર્મોની જરૂર મને તો લાગતી નથી.

      Like

  7. શ્રી ભૂપેન્દર્સિહભાઈ,
    તમે લખો છો કે ” અરવિંદ ….એક સારા સમાજ સુધારક કે નેતા બની શક્યા હોત.પણ ભારતનું દુર્ભાગ્ય છે કે જેને પણ કુદરત સારું બ્રેઈન અને વિપુલ બુદ્ધિ આપે છે તે બધાને આધ્યાત્મિકતાનો આફરો ચડી જાય છે…”
    શ્રી અરવિંદ ’યુગાંતર’ પાર્ટી (?) સાથે જોડાયેલા હતા અને સશસ્ત્ર ક્રાંતિમાં માનતા હતા. જ્યારે પકડાઈ જવાની બીક લાગી ત્યારે ફ઼્રેન્ચ વસાહત પોંડીચેરીમાં જઈને બેસી ગયા. બ્રિટિશ સરકારનું ત્યાં કશું જ ન ચાલે. આમ એ જીવનપર્યંત સુરક્ષિત રહ્યા અને દેશની મુખ્ય ધારાથી કપાઈ ગયા. એટલે શ્રી અરવિંદ માત્ર બ્રિટીશ સરકારની ચુંગાલમાંથી જ નહોતા ભાગ્યા; પોતાના લક્ષ્યમાંથી પણ ભાગ્યા હતા. આ સંયોગોમાં એમના આધ્યાત્મિક જ્ઞાનને પણ હું વ્યક્તિગત રીતે બોદું માનું છું. અહીં ક્વૉટ કરવાનો હેતુ માત્ર મગજના વિકાસ પર ભાર મૂકવાનો હતો. આધ્યાત્મિકતા માત્ર આફરો નથી, એ વાસ્તવિક સમસ્યાઓથી બચવાનો ઉપાય પણ છે.

    Like

    1. મેં પહેલા ક્યાંક લખેલું કે આપણે એક સારો પ્રાઈમ મીનીસ્ટર અરવિંદનાં રૂપમાં ગુમાવ્યો.વાસ્તવિક સમસ્યાઓથી બચવાનો સંમોહિત પ્રકાર આધ્યાત્મિકતા લાગે છે.આત્મ સંમોહન.બસ બેસી રહો ધ્યાન કરો,ભજન કરો,વિચારો કે સમસ્યા કોઈ સમસ્યા જ નથી.દુખ કોઈ દુખ નથી.સુખ કોઈ સુખ નથી.સ્ટ્રેસ ઓછો કરવા ચાલે.નિર્વિચાર બની જાઓ.બ્રેઈન ને ઠપ્પ કરી દેવાનું.

      Like

  8. અશોકભાઈ,
    તમારો પ્રતિભાવ વાંચ્યો. મેં જે કઈં કહ્યું છે તે તમારી વાત આગળ વધારવાના મૂળ હેતુથી જ. તમને રૂબરૂ મળ્યા વિના જ હું સમજણો થયો ત્યારથી જ તમને જાણું છું (અધિમનસના પ્રભાવથી)!
    ડૉકિન્સ ડાર્વિનવાદી છે અને ઈશ્વરના અસ્તિત્વમાં નથી માનતા. બીજી બાજુ રૅશનલિસ્ટોની એક શાખા ઇશ્વરમાં માને છે. વ્યક્તિગત અભિપ્રાય જે હોય તે, મીરા, નરસૈંયા કે કબીરની વાત કરવી હોય તો એ સંદર્ભમાં ઈશ્વરનો ઉલ્લેખ કરવો જ પડશે કારણ કે આ ભક્તોએ આપણા સમાજના વિકાસમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. એમણે સામાન્ય જનતાને પંડિતાઇ વિનાનો ભક્તિમાર્ગ દેખાડીને ધર્મ પરની મોનોપોલી સામે વિદ્રોહ કર્યો હતો. ભક્તિમાર્ગનું આગળ શું થયું તે અહીં ચર્ચા નથી કરતો. પરંતુ, મારી દૃષ્ટિએ આજે આપણી સમક્ષ જે મુખ્ય પ્રશ્ન છે તે સ્વયં ઈશ્વર નથી પણ એના નામે જે કઈં થાય છે તે છે. આમાં માત્ર અંધવિશ્વાસને જ નહીં, જાતિવાદ, જ્ઞાતિવાદ અને કોમવાદને પણ હું સામેલ કરૂં છું. બીજા એક સ્થળે એક જુદા સંદર્ભમાં મેં આ વાત લખી છે કે આસ્તિકો અને નાસ્તિકો પાખંડ સામે તો એક થઈ શકે ને? આમાં માત્ર એટલું જ કરવાનું છે કે આ્પણે માનીએ કે (1) જૂનું એટલું સોનું નહીં, (2) આપણું હોય તે જ સારૂં – એવું નહીં અને (3) પરિવર્તન સંસારનો નિયમ છે.

    Like

    1. પ્રથમ તો આપનું છેલ્લું વાક્ય “પરિવર્તન સંસારનો નિયમ છે”…
      બસ એ એક વાક્ય પણ ગાંઠે બાંધી રખાય તો બીજી ઘણી ગાંઠો છૂટી જાય ! આપે સાચું જ કહ્યું; ’આજે મુખ્ય પ્રશ્ન ઈશ્વર નથી, પણ તેના નામે જે કંઇ થાય છે તે છે’ આપે મારા મનોભાવને સ્પષ્ટ કર્યો. ગઇકાલે કોઇ એક ધર્મના વિચારકનું વાક્ય વાંચ્યું જેમાં તેઓએ કહ્યું કે “ધર્મને હાની નાસ્તિકો વડે નથી થતી, હાની તો થાય છે પોતાને ધાર્મિક ગણાવતા પાખંડીઓ વડે” (લો અહીં વળી વિચારમેં એક ધર્મગુરુનો ટાંક્યો ! પરંતુ સારા વિચારો જ્યાંથી પણ મળે, નિઃસંકોચ ગ્રાહ્ય કરવા એ જ તો ખુલ્લા મન માટેનો પ્રથમ નિયમ ને.) સમાજને સૌથી વધુ નૂકશાન આ પાખંડીઓએ પહોંચાડ્યું છે. પણ ક્યારેક લડવૈયાઓનું લક્ષ્ય બદલી જાય છે, લડાઇ, બહુ સાંકડા અર્થમાં, ધર્મ સામે થઇ જાય છે, જે ખરેખર તો વિશાળ અર્થમાં (અને આપે ઉલ્લેખેલા, જાતિવાદ ઈત્યાદી સર્વે) પાખંડો સામે હોવી જોઇએ.

      મારી લઘુ મતિ મુજબ તો પાખંડીઓના જયનું કારણ પણ આ જ છે કે તેઓ પોતાની સામેના યુદ્ધને ’ધર્મની વિરુદ્ધ’નું યુદ્ધ તથા પોતાને ’ધર્મયુદ્ધ’ લડનારાઓ અને પોતાનો વિરોધ કરનારાઓને ’અધર્મી’ કે ’વિધર્મી’ ઠરાવી દેવા જેટલા બુદ્ધિમાન છે. પછી સમાજના હિતેચ્છુઓ જ બહુજન સમાજનો ટેકો ગુમાવી દે છે. અંતે થાય છે તેવું જ જેવું ઉપર વિચારક ’એન્થની કેની’ કહે છે.

      આપના મંતવ્યો અમને યોગ્ય દિશામાં વિચારવા પ્રેરે છે, બસ આ માર્ગદર્શક પ્રક્રિયા ચાલુ રાખી અમને પણ પ્રોત્સાહીત કરતા રહેશોજી. આભાર.

      Like

  9. ધર્મ અને સંપ્રદાય બન્ને અલગ વસ્તુ છે.
    મહાવીર, બુદ્ધ, જીસસ કે પયગંબર કોઈ ધર્મ સ્થાપી નથી ગયા.

    માનવ જીવન છે ત્યાં સુધી ધર્મ રહેશે અને સંપ્રદાય પણ નવા બનતા રહશે અને જુના તૂટી જશે.

    મારા મત મુજબ ધર્મ એટલે પાયાની વસ્તુ જેમ કે સત્ય, અહિંસા, અચૌર્ય વગેરે. ક્રિયાકાંડની જરૂર એક સમયે હશે, થોડાની જરૂર અત્યારે પણ હોઈ શકે, બધાની નહી. પણ આ વણજોઈતી વાતો વિરુદ્ધ કોણ બોલે અને એને કોણ રદ્દ કરે?

    કોઈને મૂર્તિની જરૂર પડે છે અને કોઈ મૂર્તિને પૂજનાર લોકોને મૂરખા સમજે છે અથવા કતલ કરવા જેવા ગણે છે. અને એથીસ્ટ લોકો બૌદ્ધિક રીતે બાકી બધાને ગણકારતા નથી.

    ટુંકમાં માણસમાં મતભેદ રહેશે ત્યાં સુધી સંપ્રદાયો (પછી ભલે એ લોકો એથીસ્ટ હોય) પણ રહેશે.

    ધર્મની જરૂર ક્યા સુધી? તો એનો એક જવાબ એમ કહી શકાય કે આપણે પ્રાણીમાંથી થોડા ઇવોલ્વ થઈએ (એના માટે જે વસ્તુ માર્ગદર્શન કરે એવો ધર્મ) ત્યાં સુધી.

    સ્વામી વિવેકાનંદ જેવા કરોડોમાંથી એક જ થશે જે કહેશે કે બધા જ રસ્તા એક જ જગ્યાએ પહોંચવા માટે છે. પણ માણસો કહેશે મારો રસ્તો ફલાણા રસ્તા કરતા સારો છે અથવા અમારા રસ્તા પર આવો, તમને પ્રભુ જલ્દી મળશે.

    Like

    1. કલ્પેશભાઈ કહે છે: “ટુંકમાં માણસમાં મતભેદ રહેશે ત્યાં સુધી સંપ્રદાયો (પછી ભલે એ લોકો એથીસ્ટ હોય) પણ રહેશે.”
      સાચી વાત. ધર્મ એટલે મૂલ્યબોધ. સંપ્રદાય એટલે મતાગ્રહ. અને પછી એના આધારે પરંપરાઓ બને અને આપણે કહીએ “ના, અમારે ત્યાં આવું છે અને આવું નથી, મા્ટે અમે સારા”. ખરેખર તો આ મતાગ્રહ જ છે.કન્નડ ભા’ષામાં ’પરંપરા માટે શબ્દ જ ’સંપ્રદાય’ છે! આનું સિગ્નિફ઼િકન્સ હું આ તમારી કૉમેન્ટ વાંચ્યા પછી સમજ્યો. માણસનો સ્વભાવ છે, એક વાત પર એક થવું અને વળી જૂથો બનાવીને લડવું અને છુટા પડવું. આ જ સંપ્રદાયો છે.
      મેં જે કહ્યું તેનું એક ઉદાહરણ આપું. દિલ્હીમાં ગુજરાતીઓએ પોતાની સોસાયટી બનાવી. ગુજરાતી તરીકે એક થયા. પછી ત્યાં એક હિન્દુ ભાઈએ મંદિર બનાવ્યું. જૈન ભાઇઓ નારાજ થયા. તમે મંદિર બનાવશો તો અમે પણ પાછળ નહીં રહીએ. “અમે ગુજરાતી” કહેનારા ધર્મને નામે છૂટા પડ્ય઼ા હવે ત્યાં અપાસરો પણ છે! અને રાષ્ટ્રીય ધોરણે ધર્મને નામે દેશના ભાગલા પડ્યા. પાકિસ્તાન બન્યું અને વળી ભાષાને નામે નવો દેશ બાંગ્લાદેશ એમાંથી જ બન્યો. ધર્મને નામે એક થયા તો ભાષાને નામે અલગ થયા.
      આશા રાખીએ કે શ્રી ભૂપેન્દ્રસિંહભાઈ ’એક થવા-અલગ થવા’ની આ પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરીને એક ધડાકાબંધ બ્લૉગ આપશે.

      Like

  10. વિચારે યુવા ગુજરાત…કેમકે આપણા બુઢ્ઢાઓ નવુ વિચારવા તૈયાર નથી કે વિચારવા પર પ્રતિબંધ હોય તેવું લાગે છે.જૂનુ એજ સાચુ માનીને બેસી ગયા છે.

    Like

    1. વાંધો નહિ,ઘરડા લોકો બહુ સમય કાઢવાના નથી.ઝાડ પડે જગ્યા થવાની છે.બધા ઘરડા એવા નથી હોતા.હું જે વૃદ્ધ પુરુષોને મળ્યો છું તે તમામ ક્રાંતિકારી વિચારો ધરાવે છે.ઘણીવાર યુવાનો ઘરડા કરતા જૂની ઘરેડના વધારે માલુમ પડતા હોય છે.હું પણ હવે જુવાન રહેવાનો નથી.આ પહેલી જાન્યુઆરીએ ૫૪ વર્ષ પુરા થવાના.

      Like

  11. 2011ના વર્ષની શુભેચ્છાઓ.
    અને જન્મદિવસ નિમિત્તે ડબલ શુભેચ્છાઓ.
    આ વર્ષે પણ અખાના ચાબખા મીઠાના પાણીમાં બોળીને મારતા રહેશો એવી આશા છે,
    ઘરડા ન થઈ જશો!

    Like

    1. પહેલી તારીખે ફરી શુભેચ્છાઓ આપવી પડશે.હવે લખવા બેસું ત્યારે બાજુમાં મીઠાના પાણીનો ગ્લાસ લઈને બેસવાનો છું.ખૂબ ખૂબ આભાર.

      Like

      1. સમાજો વચ્ચે આદાનપ્રદાન થતું હોય છે,રીતી રીવાજો નું પણ આદાનપ્રદાન થતું હોય છે.સીસોદીયાનું એક જૂથ નેપાળ પણ ગયું હશે.નેપાળના રાજાઓ સિસોદીયા ગણાય છે.તો એ હિસાબે આપ નેપાળના સગા કહેવાઓ,રાજ્સ્થાનના તો ખરાજ.

        Like

  12. મીત્ર ઉમંગ ભટ્ટની કોમેન્ટમાં વધુ રસ જાગ્યો. એટલે મેં ટાપસી પુરવા કોમેન્ટ લખી છે…

    Like

Leave a comment