‘પ્રસ્તાવના’,”કુરુક્ષેત્ર મારા વિચારોનું”

 પ્રસ્તાવના
હે! પ્રિય વાચક મિત્રો,
હું જે કઈ લખું છું તે પરંપરાગત છે જ નહીં. કોઇ પૂર્વપરંપરાને અનુસરીને હું લખતો નથી. આવું હશે એમ જાણી માનશો નહીં. લૌકિક ન્યાય પણ નહીં લાગે, સુંદર લાગવાનો તો સવાલ જ નથી. શ્રદ્ધાને પોષનારું તો છે જ નહીં, ઉલટું શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બંનેને તોડનાર  બની રહે તેવી શક્યતા છે. ના તો હું પ્રસિદ્ધ છું, ના તો પૂજ્ય છું. બનવું પણ નથી. પણ તમારી વિવેક બુદ્ધિથી ખરું લાગે તો જ માનશો, સ્વીકારશો.  હા! મારા મનમાં વર્ષોથી ચાલતા વિચારોનું આ તુમુલ યુદ્ધ છે, તદ્દન કડવું સત્ય, મને જે લાગ્યું તે લખ્યું છે. સત્યમાં અતિશય ગળપણ નાખો તો પછી એની કોઈ અસર રહે ખરી? મારા મનમાં ચાલતા વિચારોના કુરુક્ષેત્રને મેં શબ્દ દેહ આપ્યો છે આ પુસ્તકમાં. અવૈજ્ઞાનિક માન્યતાઓ અને અંધશ્રદ્ધાથી જકડાઈ ગયા છીએ આપણે. ધર્મગુરુઓના પાળતું ઘેટાં બની ચૂક્યા છીએ આપણે. મહાત્માઓએ સદીઓથી વિચારવાની બારીઓ આપણી બંધ કરી દીધી છે. એ બારીઓ ખોલવાનો એક નમ્ર પ્રયાસ મેં કર્યો છે. એક વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટેનો પ્રયાસ માત્ર છે.
સૌથી જૂની સંસ્કૃતિ આપણી. શૂન્યની  શોધ અને એકથી નવ આંકડા આપણે આપ્યા. ગણિત ભારતની શરૂઆત. દશાંશ પધ્ધતિ આપણી શોધ. હર્બલ મેડીકલ સાયન્સ રૂપે આયુર્વેદ ભારતે આપ્યો. યોગા ભારતનો. ૪૫૦૦ વર્ષ પહેલા આધુનિક શહેર(ધોળાવીરા,કચ્છ) બનાવ્યું ભારતે, આમ વિજ્ઞાનની  શરૂઆત ભારતમાં થઇ. પણ ભૂલ ક્યા થઇ? અટકી કેમ ગયા? શું તમામ ઋષિઓ મહાન હતા ખરા? શું બધા અવતારરૂપે ભગવાનો મહાન હતા? કે અવતારો સિર્ફ મનુષ્યો જ હતા? કોઈ ઉપરથી ટપકતું નથી. શું ભગવાન કોઈ વ્યક્તિ છે? ના વેદ કે ઉપનીષદો ઉપરથી ટપક્યા છે, ના કોઈ પુરાણો. બધું આપણાં બુદ્ધિજીવી વર્ગે જ લખેલું છે. પ્રાચીન સમયમાં પ્રિન્ટીંગનું જ્ઞાન હતું નહીં. ત્યારે બધા શાસ્ત્રો કંઠસ્થ રાખેલા. એમાં ઉમેરણ થતું જ ગયું. અને નવા અર્થો પણ થતા ગયા. મનફાવે તેમ અર્થો કરીને પ્રજાનું શોષણ કરવામાં આવ્યું. ઉંચી આદર્શોની વાતો કરવામાં આવી, પણ લુખ્ખા આદર્શોથી અહંકાર સંતોષાય રોટલા ના નીકળે. શાશ્વતની શોધમાં પાયાની જરૂરિયાતો ભૂલ્યા. સ્વચ્છતા અને પવિત્રતાને સાથે જોડી જ નહીં. ગંદકી તો ગંદકી લાગતી જ નથી. ક્ષણમાં આતતાયી ને હણી નાખનાર  શ્રી કૃષ્ણ અને અણઘડ વાનરોની સેના લઇ સેતુ બાંધીને મહાબલી રાવણને હરાવી લંકા જીતનારા  શ્રી રામનાં વારસદારો કહેવડાવવાને લાયક છીએ ખરા? લગભગ આશરે ૯૦૦ વર્ષ ગુલામ રહ્યા, કેમ? કાયરતા ક્યાંથી પ્રવેશી? માનવમાં, બાળકોમાં, બાળ મજુરોમાં ભગવાન દેખાતો નથી. મિલિયન્સ ડોલર્સ  મંદિરો બાંધવામાં વપરાય છે. ભણેલા વર્ગમાં પણ વૈજ્ઞાનિક અભિગમ દેખાતો નથી. દિવસે દિવસે અંધશ્રદ્ધા ઘટવાને બદલે વધતી જાય છે. હિન્દુઇજમ, જૈનઈજમ,કેપિટાલીજમની જેમ શીપીજમ(sheepism) મતલબ ઘેટાશાહી શરૂ થઇ છે. ગુરુઓને એમના વાડામાં ઘેટાં વધારવાની જ પડી છે. ઘેટાઓના માનસિક વિકાસની પડી જ નથી. સાક્ષરો બાપુઓના બારોટો બનતા જાય છે. સંતો, સ્વામીઓ બાળક બનતા જાય છે. એમના “હું” ને સંતોષવા અબજો ડોલર્સ મંદિરોમાં નાખે જાય છે.
લગભગ આવા બધા વિષયો ઉપર મારા મનમાં જે વિચારોની યુદ્ધ ચાલતું હોય તે મેં શબ્દોમાં ઉતાર્યું છે. મારી બાયોગ્રાફી સમાન થોડા હાસ્ય લેખો પણ ઉમેર્યા છે. સૌથી કઠીન કામ હાસ્ય લેખ લખવાનું છે.ઓનલાઈન દિવ્યભાસ્કરમાં કોઈ લેખની નીચે મેં પ્રતિભાવ આપેલો. જેનું શીર્ષક”સ્ત્રીઓને ક્યા સુધી રડાવશો?” એવું હતું,જે લેખનું સ્વરૂપ પામેલો. બીજા કેટલાક પ્રતિભાવો પણ લેખનું સ્વરૂપ પામેલા. એમાંથી લખવાનું શરૂ થયું. આભાર દિવ્યભાસ્કર. એક બ્લોગ બનાવી ને લખવાનું શરુ કરેલું.  ગુજરાતી બ્લોગ જગતમાં  ઉત્સાહ પ્રેરક અભિપ્રાયો આપીને લખવા માટે ચાનક ચડાવનાર  અનેક મિત્રોનો હૃદય પૂર્વક આભાર માનું છું. આ બધા મિત્રોના સહકાર વગર લખવાનું શક્ય બન્યું ના હોત. મારા લખાણો સામે એમની સહમતી અને  અસહમતીમાં પણ એમનો પ્રેમ છલકાઈ આવતો હોય છે. ઘણા બધા વિષયો આ મિત્રો એ જ સૂચવ્યા છે. મારા આ “કુરુક્ષેત્ર” ને પુસ્તક સ્વરૂપે બહાર પાડવાનું આગ્રહપૂર્વક સુચન કરનાર તથા માર્ગદર્શન આપનાર મારા મોટાભાઈ શ્રી હરીશચંદ્રસિંહ રાઓલ, મોટાભાઈ ડો.શ્રી જીતેન્દ્રસિંહ રાઓલ(Ph.D),  લઘુ બંધુ શ્રી પ્રદીપસિંહ રાઓલ, મારા મિત્ર સમાન એવા ભત્રીજાઓ ડો. શ્રી વિરભદ્રસિંહ રાઓલ(Ph.D),ડો. શ્રી યોગેન્દ્રસિંહ રાઓલ(Ph.D) વિગેરેનો હું ખુબ જ આભારી છું. આ પુસ્તક માટે પ્રૂફ રીડીંગ, એડીટીંગ અને પ્રકાશન  વિગેરેની તમામ જવાબદારીઓ સંભાળનાર ડો. શ્રી વિરભદ્રસિંહ રાઓલ અને શ્રીમતી મીતા ભોજકનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું.
એક સવાલ કાયમ મારા મનમાં આવે છે કે પરમાત્મા કોઈ વ્યક્તિ તો છે નહીં.  છે તો એક નિયમ જે કદી કોઈ બાંધછોડ કરતો નથી. આ જગત એક નિયમથી ચાલે છે. તો પછી આ ગુરુઓ રૂપી મધ્યસ્થીઓ, દલાલોની જરૂર ખરી? શું આટલા બધા ધર્મો અને સંપ્રદાયોની જરૂર છે ખરી? ઈતિહાસ ગવાહ છે કે સૌથી વધુ માનવ હત્યાઓ ધર્મોનાં નામે થઇ છે. મિત્રો એવી નથી લાગતું કે આ પૃથ્વી ઉપર ધર્મો ના હોત તો કદાચ આ પૃથ્વી વધારે સુખી હોત?????

મિત્રો ઉપર મુજબની પ્રસ્તાવના મારી બુકની છે. મારા મનમાં કેટલાક સવાલો ઉઠેલા છે, જે મેં પ્રસ્તાવનાનાં અંતમાં લખેલા છે.

૧)પરમાત્મા કોઈ વ્યક્તિ,એક નિયમ કે એક એનર્જી કે બીજું કઈ,શું છે?
૨) આ લેભાગુ, પાખંડી  ગુરુઓ રૂપી મધ્યસ્થીઓ, દલાલોની જરૂર ખરી?
૩)શું આટલા બધા ધર્મો અને સંપ્રદાયોની જરૂર છે ખરી?
૪)આ પૃથ્વી ઉપર ધર્મો ના હોત તો કદાચ આ પૃથ્વી વધારે સુખી હોત?????કે દુખી હોત??
       પ્રશ્નો છે બધા.  જવાબો મિત્રો આપશે???

50 thoughts on “‘પ્રસ્તાવના’,”કુરુક્ષેત્ર મારા વિચારોનું””

  1. તમને પાંખન્ડી ગુરુઓ જ દેખાય છે. દેશ માં પવિત્ર સંતો ગુરુઓ નો જો પરિચય થાય તો જીવન ધન્ય બની જાય. Jainizm શબ્દ વાપરવા માં ઘણું બધું જ્ઞાન જોઈએ. જૈનધર્મ માં દરેક સવાલો ના જવાબ છે સંતોષ થાય તેવા.

   Like

 1. સૌથી પહેલાં તો પુસ્તકના પ્રકાશન બદલ અભિનંદન ! નેટ દ્વારા તમને આટલું લખવાની જે સગવડ મળી તે આ નવા વિજ્ઞાનનો આભાર માનવો જોઈએ. તમારા વાચકો કે જેણે તમને વધુ ને વધુ પ્રોત્સાહિત કર્યા તેમનોય ઉલ્લેખ કરવો જ રહ્યોં.

  હજી વધુ ને વધુ લખાણો મળતાં રહે તેવી આશા–શુભેચ્છા છે. તમારા વિચારો નેગેટીવ તો કહી જ શી રીતે શકાય ? વિચારવલોણું સર્જવા બદલ પણ તમને ધન્યવાદ જ આપવાના હોય. ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

  તમારા સવાલના આવડ્યા એવા જવાબો આમ છે –

  ૧) પરમાત્મા કોઈ વ્યક્તિ નથી પણ તમે કહ્યું છે તેમ એક શક્તિ, એક એનર્જી છે.
  ૨) લેભાગુ ગુરુઓની જરૂર તો શું એમને ઊભાય ન રહેવા દેવાય; બાકી માર્ગદર્શકોની તો જરૂર હોય, હોય ને હોય જ;
  ૩) સંપ્રદાયો ને ધર્મો આરંભે સારા જ હોય છે, પણ એના ફોલોઅર્સ જ એને વગોવે–બગાડે છે. પાખંડી આગેવાનો પછી ગુરુ બની બેસે છે. ધર્મ એટલે ફરજ એવો અર્થ છે જ. જીવન પોતે સારી રીતે જીવે અને બીજાં સૌને સારી રીતે જીવવા દે તેવી ફરજ સૌ પાળે તો ધર્મ જ છે. (બધા ધર્મો આ વાત કહે છે.)
  હકીકતે ધર્મ સામુહિક બાબત છે; વ્યક્તિગત વિકાસ માટે જે હોય છે તે અધ્યાત્મ. અધ્યાત્મને ધર્મ કે સંપ્રદાય સાથે જોડીને સાંકડો બનાવાય નહીં. એ અંતિમ લક્ષ્ય
  ( જે લોકો માને તેમને )માટેનો એ સૌકોઈ માટેનો સમાન માર્ગ છે.
  ૪) આનો જવાબ આગળનામાં આવી જાય છે.

  મારી નમ્ર મતિ મુજબ આટલું. એ મારા પૂરતું જ કામનું ગણું છું !

  Like

  1. ખુબ ખુબ આભાર.વિજ્ઞાન નો આભાર તો ઘણોજ,સાથે ગુજરાતી બ્લોગ જગત નો પણ.આપ જેવા મિત્રો નો ખુબ આભાર માનવો પડે કે પ્રતિભાવો દ્વારા કાયમ પ્રોત્સાહન મળ્યું છે.ધર્મો આરંભે સારા,પણ ફોલોઅર્સ તો મારી મચડી ને એના મુળિયા સુદ્ધા ઉખાડી નાખે છે.સાચી વાત ને?

   Like

 2. સાચી વાત. જેનાં મૂળિયાં આવી રીતે ઊખડી જતાં હોય તેને ખરો ધર્મ કહી ન શકાય.

  કેટલાક ધર્મોનાં મૂળ મજબુત અને શાશ્વત કહી શકાય તેવાં હોય છે જ. એને હલાવી શકાતાં નથી.

  પણ પછી કેટલાંકોથી એ સહન થતું નથી હોતું અને પોતાનો ચોકો જુદો કરીને પોતે ધરાર ધ.ધુ. બની બેસે છે. આવાઓ મૂળ ધર્મને બગાડે છે. મૂળ ધર્મમાંય ક્યારેક ધનેડાં પડે છે પણ એની સફાઈ કરનારા ઝૂઝ રહ્યાં હોય છે ને પેલાંઓની પપૂડી વધુ અવાજ કરતી હોઈ મૂળ ધર્મને નુકસાન અને અપયશ મળે છે. જુદો ચોકો એ જ સંપ્રદાય. પણ સંપ્રદાયને જ ધર્મ ગણી કાઢો પછી તો કોઈ બચાવ રહેતો જ નથી !

  હિન્દુની વાત કરીએ તો મૂળ ધર્મનું મોટા ભાગનું સંતાઈ ગયું. કેટલાકોએ ન શોભે એવી આચારસંહિતાઓ આપીને ધર્મને સાવ ખોટી રીતે ખાડે નાખ્યો !! સ્ત્રીઓ, શૂદ્રો અંગેની તેમની વાતોએ બહુ મોટું નુકસાન કર્યું.

  હિન્દુધર્મની કેટલીય વાર્તાઓને પ્રતીકરૂપે લેવાને બદલે હમ્બગ ગણી કઢાઈ ! ગેરસમજો ફેલાતી જ ગઈ. ને વિજ્ઞાનને પણ ખોટી રીતે સમજનારાઓએ એને ધર્મની સામે ઊભો કરી દીધો !!!

  કસોટી તો સમય જ કરશે.

  ધર્મ માણસને આગળ લઈ જનારું મોટું પગથિયું છે. એના પર જ બેસી રહેવાય નહીં. વ્યક્તિગત વિકાસ માટે તો મહામાર્ગ છે જ અને તે અધ્યાત્મ. આત્મા–પરમાત્મા જેવા શબ્દોને પાંચિકાની જેમ ઉછાળ્યા વગર એ તત્ત્વોને સમજીએ તો અધ્યાત્મ સાવ નિર્દોષ અને નિર્મળ છે. ત્યાં પહોંચવા માટે રાજયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ જેમ છે તેમ જ ભક્તિયોગ પણ છે. પરંતુ ભક્તિયોગ વચ્ચે આવ્યો કે તરત જ ધાર્મિકતાનું ભૂત ધૂણવા માંડે છે ! અહીંથી પાછી ગાળાગાળી શરૂ થઈ જાય છે. હકીકતે ભક્તિયોગ ધાર્મિક અંધાધુંધીથી સાવ નોખો જ છે.

  ક્ષમા કરશો, હું તો બહુ આઘે નીકળી ગયો. તમારા પ્રયત્નોનેય હું તો ભક્તિભાવ જ કહીશ. તમે જેને માનો છો તેને દિલથી માનો છો; અને તે પણ નિર્મળતા જ દર્શાવે છે. એ પણ તમારું અધ્યાત્મ બની શકે છે.

  ઓલ ધ બેસ્ટ.

  Like

  1. આઘે નીકળી જાવ તેમાં મજા હતી,પણ પાછા વળી ગયા.પ્રતિક ને પકડી ને બેસી ગયા અને હમ્બગ માની લીધા સરવાળે તો નુકશાન.સાચું ને?ખુબ આભાર.

   Like

 3. શ્રી ભુપેન્દ્રસિંહજી, પુસ્તક સ્વરૂપે વિચારોનાં પ્રક્ટીકરણ બદલ હાર્દિક અભિનંદન અને ઢગ બધી શુભેચ્છાઓ. સૌથી વધુ આનંદ એ પણ છે કે આપના આ વિચારયુદ્ધના સહયોદ્ધાઓ એવા બ્લોગબંધુઓને પણ આપે પ્રસ્તાવનામાં યાદ કર્યા. અમે તો સહમતી – અસહમતી નાં મનોમંથનમાં વલોવાતા પણ આપની શાથે પ્રેમનાં તાંતણે હંમેશ બંધાયેલા જ રહીશું. આભાર.
  હવે આપના પ્રશ્નો વિશે મારો નમ્ર અભિપ્રાય પણ જણાવું તો;
  (૧) પરમાત્મા કોઇ વ્યક્તિતો ન જ હોઇ શકે, એક નિયમ ગણી શકાય. જો કે નિયમ પણ પરિવર્તનશીલ હોઇ શકે છે આથી મારી નમ્ર માન્યતા મુજબ પરમાત્મા એ કુદરતની અસિમ શક્તિ (એનર્જી)નું માનવ મનમાં સાકાર થયેલું સ્વરૂપ હોઇ શકે.
  (૨) આપે ઉલ્લેખેલા કોઇ મધ્યસ્થીઓ જરૂરી નથી જ. હા એટલું ખરૂં કે હાઇવે પર ચોક્કસ સ્થાન ચીંધી બતાવતા પથ્થર (માઇલ સ્ટોન !) જેટલું તેમનું મહત્વ પણ છે. પરંતુ સામાન્ય રીતે, આપણા જેવા સામાન્ય લોકો સ્થળદર્શક પથ્થર (કે પાટીયું) પાસેથી પ્રેરણા લઇ અને સાચા માર્ગે આગળ વધી જવાને બદલે તે પથ્થરને જ પકડી અને બેસી રહે, તે પથ્થરના જ ગુણગાન કરવા લાગી પડે એટલે પછી આગળ વધવાનું અને ગંતવ્યસ્થાને પહોંચવાનું કે મુળ લક્ષ્યને પ્રાપ્ત કરવાનું ચુકાઇ જાય છે.
  (૩) ધર્મો અને સંપ્રદાયોની જરૂરીયાત સંદર્ભે મારૂં અલ્પજ્ઞાન હજુ કશું ચોક્કસતાપૂર્વક કહી શકતું નથી, પરંતુ એમ લાગે છે કે હજારો ત્રુટિઓ છતાં ધર્મોએ જ મનુષ્યને હાલનું સ્વરૂપ આપ્યું છે. જો કે એ વાત ધર્મની કોટિકોટિ વ્યાખ્યાઓમાંની કઇ વ્યાખ્યાને આધારે આપણે ધર્મનું અવલોકન કરીએ છીએ તે પર આધારીત છે. છતાં એક વાત તો ચોક્કસ છે કે જ્યારથી મનુષ્યમાં મનુષ્યને અન્ય પ્રાણીઓથી અલગ પાડતી બુદ્ધિ કે સમજણનો ઉદય થયો હશે ત્યારથી કોઇક પ્રકારની ધર્મની વિભાવના પણ ઉદ્‌ભવી હશે જ. આમ ધર્મ એ મનુષ્યમાત્રની જરૂરીયાત જ નહીં પણ પ્રેરકબળ પણ લાગે છે.
  (૪) અહીં જરા ટ્રિકી આન્સર આપું છું !! કારણ કે આપનો પ્રશ્ન (અનાયાસે જ !) ટ્રિકી છે, “ધર્મો નાં હોત તો કદાચ આ પૃથ્વી વધારે સુખી હોત?????કે દુખી હોત??” અર્થાત આપનું આંતરમન એ તો માને છે કે પૃથ્વી, ધર્મો હોવા છતાં, સુઃખી તો છે જ ! (વાંચો: ’વધારે સુખી હોત?’) સવાલ છે કે વધારે સુઃખી હોત કે દુઃખી ? શબ્દરમત બંધ કરી સીધોસાદો ઉત્તર આપું તો;
  સુઃખ અને દુઃખની મનુષ્યકૃત સમજણ કદાચ ધર્મોથી જ અપાઇ છે, જો ધર્મ ન હોત તો સુઃખ કે દુઃખની, પ્રચલિત, વ્યાખ્યાઓ પણ ન હોત. હા પશુઓની જેમ શરીરગત કે સ્વભાવગત સુઃખ દુઃખ જણાય ખરા, કોઇ લાકડી મારે તો શારીરિક દુઃખ થવું સ્વાભાવિક છે, ટોળાનું એકાદ પશુ અલગ થઇ જાય તો બે ઘડી તેનો અહાંગરો લાગવો પણ સ્વાભાવિક છે, ટાણે ભોજન ન મળે કે ભોજન છીનવાય જાય તો થતું દુઃખ પણ જીવમાત્રને સ્વાભાવિક છે, પરંતુ કોઇનું ભોજન છીનવી લીધા પછી પ્રશ્ચાતાપરૂપે થતું દુઃખ કે કોઇને ભોજન કરાવ્યા પછી થતું પરમાર્થરૂપી સુઃખ માત્રને માત્ર ધર્મોની દેણ છે. હવે આપણે કહી શકીએ કે આ બધા માટે ધર્મોની શી આવશ્યક્તા છે ? આપણે સદબુદ્ધિથી કે સારા વિચારો વડે પણ આ બધું તો કરી શકીએ. ચોક્કસ, પણ આ સારૂં અને ખરાબની સમજણ આદીમાનવમાં ધર્મને કારણે જ ઉદ્‌ભવી હશે ને ! (કે પછી સારા-ખરાબની સમજણને કારણે ધર્મ ઉદ્‌ભવ્યા હશે ?) ટુંકમાં કહું તો, ભુતકાળમાં ધર્મોએ આપણને એટલા સમજદાર જરૂર બનાવ્યા કે હવે આપણે એમ કહી શકીએ કે અત્યારના પ્રચલિત પ્રકારોના ધર્મની આપણને બહુ જરૂરીયાત નથી !!! તો આ હતા આપના સવાલો અને મારા જવાબો ! (કૌન બનેગા કરોડ… માં આપ્યા હોય તો કેટલા પડાવ પાર થયા હોત ભલા ?)

  ફરી એકવખત, ’કુરુક્ષેત્ર’ને અમારા હાર્દિક અભિનંદન અને શુભેચ્છા.

  Like

  1. ખુબ અભાર અશોકભાઈ,કૌન બનેગા કરોડપતિ માં ૫૦ લાખે પહોચી ગયા હોત.એક છેલ્લો પડાવ ભવિષ્ય માટે બાકી રાખીએ.નહિ તો પછી લખીશું શું?

   Like

 4. પુસ્તક પ્રકાશન બદલ અનેક હાર્દિક અભિનંદન.

  કુરુક્ષેત્રમાં તો બે સેનાઓ સામસામી હતી. અહી તો ઘણી સેનાઓની સામે એકલવીર લડી રહ્યો છે. સાબાશ! કલમ (કીબોર્ડ) રૂપી ગાંડીવને પડવા ન દેશો.

  “સત્યમાં અતિશય ગળપણ નાખો તો પછી એની કોઈ અસર રહે ખરી?”
  ન જ રહે.
  “હિરણ્યમયેન પાત્રેણ સત્યસ્યાપીહિતમ મુખમ |
  તત્વં પૂષન અપાવ્રુંણું સત્ય ધર્માય દૃષ્ટયે ||”
  ગળપણ પણ એક ઢાકણું જ બની રહે. તેથી સત્ય તો કડવાશ સાથેજ કહેવું કે લખવું સાર્થક બને.

  આપના પ્રશ્નોના જવાબ:
  (૧) પરમાત્મા શબ્દમાં જ જવાબ આવી જાય છે. તે એક પરમ આત્મા છે જે બધા ધર્મોથી ઉપર છે. (GOD IS ABOVE AND BEYOND ALL RELIGIONS).
  (૨) ના
  (૩) ના
  (૪) ના. ધર્મ સિવાય પણ એવી વિચારસરણીઓ હોય છે જે ભારે અત્યાચાર કરે છે. જેવી કે સામ્યવાદ. રશિયામાં તેને નામે લાખો લોકો ને મારી નાખવામાં આવ્યા હતા ને! મૂડીવાદ પણ ધર્મ જેટલો જ misleading બનવા માંડ્યો છે. કદાચ માનવ સ્વભાવની ઉણપ હશે કે જેથી આવાં ઉત્પાતો થયા કરે છે.

  Like

  1. સાચી વાત છે સામ્યવાદ જેવી વિચારસરણીઓ પણ ભગવાનમાં કે ધર્મમાં માનતી ના હોવા છતાં માનવ હત્યાઓ કરતી જ હતી.ખુબ ખુબ આભાર આપનો..

   Like

 5. શ્રી રાઉલજી,
  પુસ્તક પ્રકાશન બદલ અભિનંદન સ્વીકારશો. શ્રી જુગલકિશોરભાઈના મંતવ્યો સાથે સહમતી દર્શાવવાનું યોગ્ય લાગે છે.
  તમે બ્લોગ લખવાની શરૂઆત કરી ત્યારથી જ મને થયેલું કે આ બ્લોગમાં દમ છે.
  આજે આટલા ટૂંકાગાળામાં લખાણોને પુસ્તકરૂપે પ્રગટ કરીને તમે સહુ મિત્રોને ઉત્સાહિત કર્યા છે . હા, બ્લોગલેખનના કારણે જ આ શક્ય બન્યું છે.
  આનંદ ભયો.

  Like

  1. શ્રી યશવંત ભાઈ,
   આપ જેવા મિત્રો ના સહકાર વડે જ શક્ય બન્યું છે.આપના પ્રતિભાવોએ શરુથી જ ઉત્સાહિત કરેલો.બ્લોગ લેખન ના કારણે જ શક્ય બન્યું છે.ખુબ ખુબ આભાર.

   Like

 6. હાર્દિક અભિનંદન

  વધુને વધુ જન માનસ સુધી પહોચો એવી શુભેચ્છા.

  Like

 7. ’કુરુક્ષેત્ર’ને લખલુટ હિરામોતીથી વધામણાં સાહેબજી….

  સૌના દિલ પર રાજ તમારુ જ હો…… એવી શુભેચ્છા…..

  Like

 8. ભૂપેન્દ્રસિંહભાઈ,
  પુસ્તક માટે આભાર! આ અભિનંદનીય કાર્ય તો છે જ પણ તેથી વધારે ઉપકારક કાર્ય છે એટલે આભાર.
  ગમે તેટલું કહીએ, ઇંટરનેટનો ઉપયોગ કરનારા હજી ઘણા નથી અને એના કરતાં વાંચનારાની સંખ્યા મોટી જ હશે.તમને યાદ હોય તો ગોવિંદભાઈ મારૂના ‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મેં તમારા લખાણને ‘અખાના ચાબખા’ તરીકે ઓળખાવ્યું છે.
  હવે તમારા પ્રશ્નોના જવાબ મિત્રોએ આપ્યા જ છે, તેમ છતાં મારી શક્તિ-મતિ મુજબ કઈંક પ્રયત્ન કરૂં છું.
  પ્રશ્ન ૧ – ઇશ્વર એક સુંદર કલ્પના છે, જેને સાચી માનવા મન લલચાય. જીવનના ઘણા સવાલોના જવાબ ન મળે ત્યારે મહેનત ન કરવી પડે એટલા માટે આપણે આ કલ્પનાનો આશરો લઈએ છીએ.
  પ્રશ્ન ૨ – પહેલા પ્રશ્નનો આ જવાબ આપ્યા પછી બીજા પ્રશ્નનો જવાબ આપવાનું ઔચિત્ય તો નથી જ, તો પણ તમારા સવાલની એક કચાશ પર ધ્યાન દોરૂં છું (અશોકભાઈએ સ્થાપેલી પરંપરા આગળ વધારૂં છું!), સવાલ એવો હોવો જોઇએ કે “ગુરુની જરૂર ખરી”? લેભાગુ ડૉક્ટર, લેભાગુ વકીલ, લેભાગુ શિક્ષક, લેભાગુ ગુરુ – કોઈની જરૂર નથી. પણ કોણ લેભાગુ છે તે જાણવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવાની આપણને સૌને છૂટ છે જ. તેમ છતાં આપણે સપડાવા તૈયાર હોઇએ છીએ. ભગવાન છે એમ માનો તો પણ, એણે એ હાથ, બે પગ અને એક મગજ આપી દીધાં તે પછી એનો ઉપયોગ ન કરીએ અને ભગવાન પાસેથી માગ્યા કરીએ તો કોઇક એવો મળી જ આવશે જે સોનું બમણું કરી આપશે. ભૂપેન્દ્રસિંહભાઇ, લોભિયાના ગામમાં ધૂતારા ભૂખે ન મરે! એટલે ભગવાન હોય તો પણ એના સુધી પહોંચવા માટે ગુરુની જરૂર જ નથી. પછી એ લેભાગુ ન હોય તો પણ આપણે ગુરુનો ઇન્કાર કરવો જ જોઇએ. “હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો ને!” જે એકલા લડતાં ડરે એમણે એ રસ્તે જવું જ ન જોઇએ.
  પ્રશ્ન ૩ અને ૪ – જીવસૃષ્ટિના પ્રત્યેક સભ્યની અંદર એક ‘સેલ્ફિશ જીન’ છે. આ શબ્દ ખરાબ અર્થમાં નથી વાપર્યો, પરંતુ એ સર્જીવાઇવલ જીન છે જે પોતાની જાતને બચાવીને વિસ્તાર શોધે છે. આને કારણે પ્રજોત્પત્તિની ક્રિયા થાય છે. એમાં આ સર્વાઇવલનો જીન તરત અને અવશ્ય રીતે બીજી પેઢીમાં પહોંચે છે અને બચાવના નવા રસ્તા શોધીને ફરી વિસ્તરે છે. આ જ જીન કોઇ પ્રજાતિના નબળા સભ્યને સબળા સભ્યની વાત માનવા, એની નક્લ કરવા પ્રેરે છે.બાળક આગમાં હાથ ન નાખવાની તમારી વાત તરત માની લે છે કારણ કે એ જૂએ છે કે તમે એના કરતાં વધુ સબળ છો અને તમે સર્વાઇવ કરો છો એટલે તમારો રસ્તો સાચો હોવો જોઇએ. આમ એ માત્ર તમારી સલાહને કારણે જ નહીં પણ પોતાના સર્વાઇવલ જીનનની દોરવણીથી પણ આગથી દૂર રહે છે.
  આમ માનવાની વાત સામૂહિક ધોરણે જાતિઓમાં પરિણમી અને જાતિઓની ખાસિયતો પરંપરાઓ બની. અને એ એટલી સજ્જડ બની કે એણે ધર્મનું રૂપ લીધું. પરંતુ, સર્વાઇવલમાં આ ધર્મનો કઈં ફાળો નથી. એ તો સર્વાઇવલનું પરિણામ છે, કારણ નહીં. ફાલ છે, બીજ નહીં. સર્વાઇવલનો આધાર વિચાર નથી એટલે માણસ ધર્મને મૂકી દે તો પણ ચાલે. આપને સૌ, એક દિવસ પ્રયોગ તરીકે કઈં પૂજાપાઠ ન કરીએ પછી જોઇએ કે કોઈ આપણો ચહેરો જોઇને પૂછે છે કે “શું વાત છે, આજે પૂજા નથી કરી?”ધર્મ માત્ર વિચાર છે. એ જો વાસ્તવિક હકીકત હોત તો એના વિશે મતમતાંતર ન જોવા મળતાં હોત. એટલે ધર્મ વિના આપણે વધારે કે ઓછા,સુખી કે દુઃખી હોત એવું નથી. દુનિયા આજે વાસ્તવિક રીતે ચાલે છે તેમ જ ચાલતી હોત,એટલું ખરૂં કે આપણા સામે સર્વાઇવલની બધી સમસ્યાઓ ઉપરાંત ધર્મને કારણે ઊભી થયેલી સમસ્યાઓ ન હોત. એ અર્થમાં આપણે સુખી હોત.
  બહુ લાંબો પ્રતિભાવ થયો છે તો ક્ષમા કરશો.

  Like

  1. ધોળકિયા સાહેબ હજુ લાંબો પ્રતિભાવ થયો હોત તો વધુ સારું.સર્વાઈવલ માટે કોઈ ધર્મ ની જરૂર નથી.એતો જિન્સ માં છે જ.ઉલટાની સમસ્યાઓ થોડી હળવી હોત.મિત્રો માનતા હોય છે કે માર્ગદર્શક ની જરૂર હોય છે માટે લેભાગુ શબ્દ ઉમેર્યો છે.બાકી મને તો કોઈ ગુરુ માં રસ છેજ નહિ.બહુ સરસ અભિપ્રાય.ખુબ ખુબ આભાર.

   Like

  1. યા હું તો માનું છું જ કે પરમેશ્વર ન્યુટ્રલ ગીયર છે,પણ મિત્રો હજુ માની શકતા નથી.ઘણા ને એમ હશે કે કૈલાશ પર્વત બેઠા બેઠા હાથમાં ચાબુક લઈને સંચાલન કરતા હશે.માટે તો મોરારી કૈલાશ જવાના છે કથા કરવા.એટલે પૂછું છું કે હજુ પરમાત્મા કોઈ વ્યક્તિ છે?

   Like

 9. ભુપેન્દ્રભાઈ આપના વિચારોના વમળને શબ્દદેહ આપી પુસ્તક રૂપે પ્રગટ કરવા માટે આપને ખૂબ ખૂબ અભિનંદન.

  Like

 10. આદરણીય શ્રીરાઓલસાહેબ,

  આપને ખૂબ-ખૂબ અભિનંદન,

  ૧)પરમાત્મા કોઈ વ્યક્તિ,એક નિયમ કે એક એનર્જી કે બીજું કઈ,શું છે?
  ૨) આ લેભાગુ,પાખંડી ગુરુઓ રૂપી મધ્યસ્થીઓ, દલાલોની જરૂર ખરી?
  ૩)શું આટલા બધા ધર્મો અને સંપ્રદાયોની જરૂર છે ખરી?
  ૪)આ પૃથ્વી ઉપર ધર્મો નાં હોત તો કદાચ આ પૃથ્વી વધારે સુખી હોત?????કે દુખી હોત??
  પ્રશ્નો છે બધા.જવાબો મિત્રો આપશે???

  ” હા! મારા મનમાં વર્ષોથી ચાલતા વિચારોનું આ તુમુલ યુદ્ધ છે, તદ્દન કડવું સત્ય, મને જે લાગ્યું તે લખ્યું છે. સત્યમાં અતિશય ગળપણ નાખો તો પછી એની કોઈ અસર રહે ખરી?”

  જવાબ તો આપેજ આપી દીધો છે. બસ, આટલુંજ સત્ય જે સાહિત્યકાર સમજે, તેની કલમને ઈશ્વરની અજહદ કૃપા પ્રાપ્ત થાય છે. મારી શુભેચ્છાઓછે, વિશ્વના સહુથી અદ્વિતિય લહિયા શ્રીગણેશજીની શક્તિ આપને પ્રાપ્ત થાય.
  ફરી એકવાર, આપને હ્યદયપૂર્વક અભિનંદન.

  માર્કંડ દવે.

  Like

 11. આદરણીય શ્રી ભુપેન્દ્રસીહજી ,
  આપે આપના લેખો અને મંતવ્યોને પુસ્તક દેહ રૂપે પ્રગટ
  કરી જનમાનસ ( જેઓ વાચક મિત્રો) ઉપર ઉપકાર કરેલ છે.
  ખરેખર કુરુક્ષેત્રના બ્લોગ અને પુસ્તક રૂપી મેદાનમાં લોકોને
  અંધ શ્રધ્ધા ,વહેમ, કુરિવાજો , ધાર્મિક ટોળાશાહી ,વિજ્ઞાન એવા
  અસંખ્ય વિષયો વિષે એકદમ સરળ ભાષા અને વર્ણન દ્વારા દિલને
  સ્પર્શી જાય વિચારો દ્વારા જાગૃત કરવાનો સરાહનીય પ્રયાસ.
  આપના વડીલો અને કુટુંબીજનો એ ખુબ સુંદર સાથ સહકાર દ્વારા
  મહતમ જવાબદારી ઉપાડી તે બદલ તેમને અભિનંદન
  અંને આપ શ્રીને પુસ્તક જગતમાં પ્રવેશના હર્ષ પ્રેરિત ટાણે ખુબ
  ખુબ અભિનંદન .આવા વારંવાર પુસ્તકો પ્રકાશિત કરી લોક માણસને
  જગાવવામાં અગ્રેસર સ્થાન મેળવો તેવી અંતરની શુભેચ્છા.
  સ્વપ્ન

  Like

 12. પુસ્તક પ્રકાશન ના ખૂબ ખૂબ અભિનંદન રાઓલજી,

  ઈશ્વર શું છે તે તો હું નથી જાણતો અને અહી એવા ધુરંધરો ના વિશદ અભિપ્રાયો પડ્યા છે કે લખતા હિંમત પણ ન ચાલે. હા, મધ્યસ્થીઓની બાબત માં મને પોતાને એવું લાગે છે કે કોઈપણ ગુરુ કે માર્ગદર્શક એ માર્ગ બતાવનાર છે. મંઝીલ નથી જ. અને એક મનુષ્ય તરીકે તેમનામાં પણ ગુણો અવગુણો હોવાનાજ. પણ લોકો તેમની (સાચી કે ખોટી) પ્રતિભાથી અંજાઈ ને ગુણો ને બદલે વ્યક્તિ ની જ પૂજા કરવા માંડી પડે છે, જે ઘણા કિસ્સામાંએ વ્યક્તિને અહંકારી બનાવે છે. અનુયાયીઓ વધારવાના ચક્કરમાં પછી આવા ધુરંધરો અવનવા નિયમો અને વાડાઓ બનાવે છે ને ધર્મ ના નામે ચરી ખાય છે. મૂળ દોષ અનુયાયીઓ ની સમજણનો જ છે કે વિવેકબુદ્ધિ મુકીને આવા પ.પૂ. ધ.ધૂ.ઓને પાછળ મંડ્યા રહે છે ને અંતે ધર્મ વગોવાય છે. ધર્મ કોઈપણ હોય, એનો મૂળ હેતુ તો life ને organize કરવાનો અને એમાં શિસ્ત લાવવાનો તથા સારાસાર ની સમજણ આપવાનો હોય. પ્રતીકો એ સમજણ માટે ના medium બની શકે. એના બદલે થાય એવું કે મારું પ્રતિક સાચું ને તારું ખોટું ના વિવાદ શરુ થઇ જાય અને ધર્મ બાપડો ખૂણામાં પડ્યો કણસતો રહે. સંપ્રદાયો પણ એ રીતે શરુ થઇ જાય. હા, ઘણી વાર એવું પણ બને કે સ્થળકાળ અનુસાર જે તે બાબત સમજાવવા અમુક પ્રતીકો કે નિયમો માં ફેરફાર થાય અને પાછળથી એ અલગ સંપ્રદાય બની જાય. સંપ્રદાયો હોય એ ખોટું નથી પણ પોતાનો સંપ્રદાય બધા સ્વીકારે એ જીદ ખોટી છે. એ જીદ છોડીએ તો ગમે તેટલા સંપ્રદાય (અહી સંપ્રદાય ના નામે ચાલતા અમાનુષી અખાડાઓ ની વાત નથી જ) પણ નડે નહિ.
  કઈ અયોગ્ય લખાયું હોય તો માફ કરશો. મારો હેતુ માત્ર અભિપ્રાય નો જ છે. વિવાદ નો બિલકુલ નથી(ક્યારેય હોતો નથી). હું એટલો વિદ્વાન છું પણ નહિ.
  આભાર.

  Like

 13. Congretulations 🙂

  Hope such books will help people to find the true path rather then blindly following any Sampraday.

  Hope soon, Narkarohan will be publish 🙂

  Like

 14. આપનો પ્રશ્ન છે,
  ૨) આ લેભાગુ,પાખંડી ગુરુઓ રૂપી મધ્યસ્થીઓ, દલાલોની જરૂર ખરી?
  ઉત્તર અગાઉ આપના બ્લોગ પર અપાઈ ચુક્યો છે. ગુરુ બનાવવા હોય તો બ્રહ્મા, વિષ્ણુ કે મહેશને અથવા સાક્ષાતપરબ્રહ્મને બનાવવા જોઈએ.

  Like

 15. શ્રી ભુપેન્દ્રસિંહભાઈ,
  આપના પુસ્તક પ્રકાશન માટે આપને ખુબ-ખુબ અભિનંદન ……
  આમ જ વિચારોનું કુરુક્ષેત્ર જારી રહે તેવી શુભેચ્છા ……

  Like

 16. Looks like this is a good book, worth purchasing. Please let us know how to get this book.
  Our address,
  Dinesh A. Patel
  3470 Moon field dr.
  Carlsbad, CA. 92010
  Phone # 760-720- 0654
  Thank you very much. Please keep up the Good Work.

  Like

  1. શ્રી દિનેશ ભાઈ,
   બુક અમદાવાદ થી પબ્લીશ થઇ છે.અહી મારી પાસે અમેરિકા કોપી હજુ આવી નથી.આવેથી જાણ કરીશ.આભાર.

   Like

 17. પુસ્તક બદલ અભિનંદન અને વિચારોનું, મતમતાંતરોનું આદાન પ્રદાન થતું રહેશે
  તે અપેક્ષા.

  Like

 18. આપણે લગભગ ૧૦૦૦ વર્ષ ગુલામ રહ્યા એનું કારણ આપે કહી દીધું છે કે આપણી ખોટી માન્યતામાંથી આપણે બહાર ન નીકળ્યા. આવી ખોટી માન્યતાની યાદી પણ લાંબી છે. મહીલા અત્યાચાર, બાળકો ઉપરના અત્યાચાર અને દલીતો ઉપરના અત્યાચાર આજે પણ ચાલુ છે. ઓનર કીલીંગ હજી ચાલુ છે.

  લોકોને ગુલામીમાંથી બહાર આવવા આપે એક અલગ પ્રકારનું જે અભીયાન ચલાવ્યું છે એના માટે જેટલા અભીનંદન આપીયે એટલા ઓછા છે.

  જ્યારે સમય મળે ત્યારે ફેસ બુક કે આ બ્લોગ ઉપર આવવાથી કંઈક નવું જ જાણવા મળે છે. આપના પ્રશ્ર્નોના જવાબ તો આપે આપી જ દીધા છે. આપે નરકની મુલાકાત લઈ ઘણાંને જીવતા કરેલ છે એ ઓછું છે?

  Like

 19. વોરા સાહેબ
  ખુબ ખુબ આભાર.ખોટી માન્યતાઓ માં ધર્મ દેખાય છે.અને લોકો એટલી બધી રાજીખુશી થી ઘેટા બનતા હોય છે કે નવાઈ લાગે.આત્મા ની વાતો કરવાવાળા લોકો પાસે આત્મા જ હોતો નથી.

  Like

 20. ખૂબ ખૂબ અભિનંદન તથા શુભેચ્છા , બ્લોગ પર નો યુધ્ધ [મહારથીઓ ના વિચારો નું આદાન પ્રદાન] વાંચવા ની મજા સાથે ખૂબ જાણકારી મળે છે.

  Like

 21. I am happy to learn that your book is now released. I am sure the readers would be enthralled with your writing style as well with the subject matter dealt in the book (with great length and commentary). Even in grave and difficult discussions some humour comes out. This is because your write-up is from your heart and your own personal experiences. However, at times your subject/discussion is very serious and sensitive, and I hope the readers would take it with positive attitude, since I observe that now a days some readers have less tolerance towards such matters/openness. Congratulations.

  Like

 22. ઈશ્વર ની અનુભૂતિ શક્ય છે ખરી?…
  આપણા માંના મોટા ભાગ ના નો જવાબ શું હોઈ શકે?…
  હા;ના કે ખબર નથી?
  કોઈ પણ ધાર્મિક સ્થળ ના કે અન્ય કોઈ પવિત્ર સ્થળ ના વાતાવરણ માં આપણું મન/હ્રદય જ્યારે શાંત થઈ જાય;આંખો;હોઠ અને બંને હાથ આપોઆપ બિડાઈ જાય;આંખ માંથી આનંદ ના અશ્રુ વહે;મન માં કોઈ અલૌકિક-દિવ્ય ભાવ આવે;હ્રદય માં થી પ્રેમ ની સરવાણી ફૂટે ત્યારે હોઠો પર ફક્ત પ્રાર્થના જ આવે છે. પછી આપણે ઈશ્વરને પામવાનો આયાસ કરવો નથી પડતો; આપણી અંદર એ હોય જ છે. આ અનુભવવાની જ વાત છે. આપણે સૌએ આ પ્રકારની અનુભૂતિ ક્યારેક અને ક્યારેક તો કરી જ છે. આ જ તો છે ઈશ્વર ની અનુભૂતિ. પરંતુ આપણે તો એને ઠેર-ઠેર શોધવા હજુયે ભટકીયે છીએ. જરુર છે આ દિવ્યતાને કાયમ આપણી પાસે રાખવાની. પણ; એ એક મોટી તકલિફ છે આપણી કે આપણે એને જાળવી શકતા નથી. જો આ શક્ય બને(કે શક્ય બને એટલું આ થાય?) તો પછી બીજી કશી જરુર ઉદ્દભવે ખરી? તમે શું કહો છો?…

  આ મારુ એક લખાણ છે; જે મને અત્રે સુસંગત લાગતા; મુકુ છુ…

  Like

 23. bhupendrasinh ji great… hu face book open karu chhu matra 3 vyakti mate …. 1 tamara lakhan mate 2 vipulbhai shah na lakhan mate… 3 mara mitra sumitbhai benerji mate…. ane sachu kahu facebook dwara tamara gyan ane anubhavnu bhatha manthi je thoduk ame melavie chhie te kadach amaru shreshth shikshan bani rahesh…

  Like

  1. ભાવિન ભાઈ ખૂબ ખૂબ આભાર. આતો એક સર્ટીફીકેટ કહેવાય મારા માટે. શ્રેષ્ઠ બ્લોગની સ્પર્ધા હું જીતી ગયો હોઉં તેમ લાગે છે.ધન્યવાદ.

   Like

 24. વાહ રઓલજી સરસ પ્રસ્તાવના છે આપની !! પેલા સત્ય ભાઈ ઓઝા ની વોલ પર આપે કહ્યું એ પ્રમાણે આપના પરિવાર માં સાક્ષરો નો પરિચય સાંભળી ને આનંદ થયો!! એ વાંચ્યા વગર ની કોમેન્ટ ત્યાં કરી એના માટે માફી માગું છું!! મૂળ તો તમારા hard truth નું કોઈ એ લાઇક કર્યું હતું જુલાઈ 2011 માં ને મને થયું કે અ સાહેબ પાસે થી કૈક જાણવા પડશે જે ઉપયોગી હશે માટે ચાલો કુરુક્ષેત્ર માં જોડાઈ જાય !! અને અહિયાં આવ્યા પછી કાયદેસર નો ખજાનો મળેલો છે !! વૈજ્ઞાનિક તારણ ને એમની એકોએક બ્રાંચ નું તમે જે રીતે ઝીણી કાંતો એ ખરેખર રેર છે !! હું તો હજી ભણું છું પણ મારા મન માં આવા વિચારો કોઈક કોઈક વાર આવતા હતા ને એ વાંચવાનું નું સેહમત થાવનું પ્લેટફોર્મ એટલે આપનો બ્લોગ!!
  આપની બુક જો હરેક લોકો વાંચે તો કદાચ એમની આંખ ઉઘાડી જાય ને sheepism માં થી બહાર આવે પણ આપ તો સત્ય લખવા વાળા ને ઘણા થી એવું પચાય નહિ ત્યાં વાંધો આવે!!! હા બ્લોગ પર એક વરસ પુરા કાર્ય એના આપને હાર્દિક અભિનંદન .. લખો – લખતા રહો ને લોકો ને ઝટકા આપી ને જગાડતા રહો!!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s