પ્રતિભાવો!!અભિપ્રાય!!કોમેન્ટ્સ!!

પ્રતિભાવો!!અભિપ્રાય!!કોમેન્ટ્સ!!
       
           *કોઈ પણ લેખ વાંચીને અભિપ્રાય આપવો કે ના આપવો તે વાચકે નિર્ણય લેવાનો છે.પ્રતિભાવ માંગવો તે કોઈ મોટો ગુનો તો નથી જ.આપણે સ્વતંત્ર છીએ પ્રતિભાવ આપવા માટે.નાં આપો તો કોઈ ઘેર આવીને કડક ઉઘરાણી તો કરતુ નથી.ઘણા મિત્રો ને ફરિયાદ છે કે કોમેન્ટ્સ માટે ખુબ ઉઘરાણી થાય છે.ચાલો કોઈ મિત્રે કવિતા ,ગઝલ કે આર્ટીકલ લખીને મુક્યો,તો એ મિત્ર એક વાર રૂટીન મુજબ લખશે કે મેં આ કૃતિ મૂકી છે પ્રતિભાવ આપસો.એ કાઈ એક જ કૃતિ માટે દસ વાર તો લખતા નથી કે પ્રતિભાવ આપસો,,પ્રતિભાવ આપસો,,હું અહી દસ વાર નથી લખતો તમે સમજી લેજો.એક જ વાર એક રચના માટે કોઈ પ્રતિભાવ માંગે તેમાં આપણું શું ગયું?આપણે આપવો હોય તો આપીએ નાં આપવો હોય તો ના આપીએ.
   
                       *ચાલો હું કદી પ્રતિભાવ નથી માંગતો તો મારા લેખ ની ગુણવત્તા થોડી ઉંચી થઇ જવાની છે?અને પ્રતિભાવ માંગનાર ના લેખ કે રચનાની ગુણવત્તા નીચી થઇ જવાની છે?ગુજ્બ્લોગ માં સભ્ય હોવ તો ઈ મેલ્સ તો આવવાની છે.એને કંટ્રોલ માં રાખવાની સગવડ પણ હોય જ છે.અને ના વાચવી હોય તે ડીલીટ કરતા વાર પણ લાગતી નથી.પસંદગી ની મેલ જ વાચવી.બાકીની ડીલીટ કરી નાખવાની.પણ એમાંથી કોઈ સારો બ્લોગ કે રચના વાચવા મળી જાય છે.આપણી રચનાઓ કોઈ વાંચે તે માટે આપણે એમ સભ્ય થયા હોઈ છીએ,એમ બીજા પણ થયા હોય.આપણી રચના મુકાયા ની મેલ બધાને મળે તો ચાલે,બીજા ની આવે તો ના ગમે તે ક્યાંનો ન્યાય?હું પોતે આ ગુજરાતી બ્લોગ  જગત માં નવો હતો.ગુજ્બ્લોગ માં સભ્ય પણ પાછળ થી થયો.મને આની ખાસ ગતાગમ ના હતી.પછી મારી રચના મુક્યા ની મેલ પણ હું કરતો નહતો.ઘણા સમય પછી મેં તે ચાલુ કર્યું.એમાં કોઈ વાર લખું છું કે પ્રતિભાવ આપસો,ને ઘણી વાર નથી પણ લખતો.પણ મારા વાચકો ની સંખ્યા આ પછી ખુબ વધી ગઈ છે.
     
                     *તમે ગમેતેટલું સારું લખો કોઈ જાણે જ નહિ તો ક્યાંથી વાંચે?જંગલ માં મોર નાચે તો કોણે જોયો?તમે કેવું લખો છો તે ક્યારે ખબર પડે?જાતે તો બધા પોતાને મહાન જ સમજતા હોય.હું જાતે લખું કે મારા લખાણો તેજાબી છે એનો શું અર્થ? મને તો કશું તેજાબી લાગતું નહોતું.હું તો મારા વિચારો જે મનમાં ઉદભવતાં હોય તે લખતો હતો.આતો ભજમનભાઈ ના કાન ની બુટ ગરમ થઇ ગઈ ને એમણે મને જણાવ્યું ત્યારે ખબર પડી કે ભાઈ આપણી વાત માં થોડો ઘણો તો દમ છે.છતાં દરેક વખતે એવું લખાય તે પણ જરૂરી નથી.કોઈ વાંચે,અભિપ્રાય આપે ત્યારે જ ખબર પડે કે કેવું લખીએ છીએ.અને કેવું લખીએ છીએ તે વાંચનાર જ નક્કી કરી શકે,જાતે નહિ.અને માટે અભિપ્રાય માંગે કોઈ તો નારાજ થયા વગર આપવો હોય તો આપવાનો,તમે સ્વતંત્ર છો ના આપવા માટે પણ.
      
                   *ઘણા મિત્રો રૂટીન મુજબ લખી નાખતા  હોઈ શકે કે કોમેન્ટ્સ આપસો.ઘણા મિત્રો ને ઇન્તેજારી હોય જાણવાની કે એમણે કેવું લખ્યું છે,માટે જરા આગ્રહ પૂર્વક લખતા હોય કે અભિપ્રાય આપવાનું ભૂલતા નહિ.ઘણા તો આવા શબ્દો પણ રૂટીન મુજબ લખી નાખતા હોઈ શકે.કોઈ કોપી પેસ્ટ કરે તો ફરિયાદ કર્યાનું જાણ્યું છે,પણ કોઈએ અભિપ્રાય ના આપ્યો ને ફરિયાદ કરી હોય તે જાણ્યું નથી.તમે અભિપ્રાય નથી માંગતા ને ટૂંકું ટચ લખો છો માટે એની ગુણવત્તા ઉંચી હોઈ શકે એવું બની શકે, ને ના પણ બની શકે.અને લાંબા લેખ લખનાર ની ગુણવત્તા નીચી હોય તેવું પણ ના હોઈ શકે.હા તમને પ્રેક્ટીસ ના હોય ખાસ વાંચવાની તો કંટાળો આવે કે ધીરજ ના હોય તેમાં લખનાર નો કોઈ વાંક નથી.મારા આર્ટીકલ નીચે દવે સાહેબ ના પ્રતિભાવ ની લંબાઈ વધારે હોય છે.પણ હું તેને ધ્યાન થી વાંચું છું.કારણ ઘણી વાર એમાંથી ઘણું સારું જાણવા મળે છે.ઘણી વાર તો તેઓશ્રી મૂળ આર્ટીકલ કરતા વધારે લાંબુ લખી નાખતા હોય છે.પણ હું તો ખરેખર વાંચનાર છું માટે મને કંટાળો ના આવે.ખુબ વાંચી વાંચી ને તો લખતા શીખ્યો છું.મને તો ઉલટું છે સાવ ટૂંકું ને ટચ લખાણ હોય તો પૈસા પડી ગયા હોય તેવું લાગે.હું વડોદરા થી બસ સ્ટેશને થી ચિત્રલેખા લઇ ને બસ માં બેસું માણસા મારા ગામ જવા.નડિયાદ આવતા સુધી માં વારંવાર બ્રેક વાંચવામાં પાડ્યા છતાં ચિત્રલેખા પૂરેપૂરું વંચાઈ જાય.એટલે મને લાગણી થાય કે મારા પૈસા પડી ગયા.અમદાવાદ વચ્ચે ઉતરીને બસ બદલાતા પાછુ બીજું કોઈ અભિયાન જેવું લઇ લઉં.માણસા આવતા તે પણ પૂરું થઇ જાય.બસ માં કોઈ વાંચવા માંગે તો આપી દઉં,પાછું પણ ના માંગું.વંચાઈ ગયું હોય ફરી શું વાંચવાનું?જોકે મારા લેખ ના એવા પણ વાચકો છે જે વારંવાર એકનો એક લેખ વાંચે છે.બોલો કહેવું છે કાઈ?
            
                      *હા મુદ્દાસર ને વધારાનું પિષ્ટપેષણ કર્યાં વગર નું લખાણ હોય તે જરૂરી છે,જેથી વાંચનાર ને કંટાળો ના આવે.થોડી લખનાર ની પણ ફરજ છે કે વાચક ને કંટાળો ના આવે તેવું લખવાની.એક ની એક કૃતિ માટે કોઈ વારે ઘડીએ મેલ મોકલતું હોય તો એ પણ ખોટું છે.અને એકની એક રચના માટે કોઈ વારે ઘડીએ પ્રતિભાવ કે કોમેન્ટ્સ માગતું હોય તો તે પણ ખોટું છે.અને તમે કોમેન્ટ્સ નહિ માંગો તો પણ તમારા લખાણ માં દમ હશે કઈ નવું હશે તો વાચક ચોક્કસ અભિપ્રાય આપવાનો જ છે.અને બીજું જો વાચક ને પોતાને જ લખવાનો કંટાળો આવતો હશે તો તમે ગમેતેટલી વિનંતી કરશો ,એ પ્રતિભાવ નથી જ લખવાનો.અને જે વાચક હમેશા અભિપ્રાય આપવા ટેવાએલો  હશે તો નહિ માંગો તોપણ અભિપ્રાય આપશે જ.મારા કેટલાય  મિત્રો ફોન ઉપર મારા આર્ટીકલ ના વખાણ કરતા હોય છે,પણ કદી કોમેન્ટ્સ લખતા નથી.એટલે એવું પણ નથી કે કોમેન્ટ્સ નથી મળતી એટલે કોઈ વાંચતુ નથી.જે મિત્રો ને કોમેન્ટ્સ ની ઉઘરાણી વિષે ફરિયાદ છે એ મિત્રો ને કદાચ વાંચવાનો કંટાળો આવતો હશે,કદાચ લખવાનો કંટાળો આવતો હશે,કદાચ એમના લેખ નીચે કોઈ ઝાઝી વખાણ કરતી કોમેન્ટ્સ નહિ લખતું હોય.
         
                 *બંધ બેસતી પાઘડી પહેરી લેવાની તમામ ને છૂટ છે,પણ કોઈ ને ખોટું લગાડવાની છૂટ નથી.અને નીચે પ્રતિભાવ આપવાનું ભૂલતા નહિ.હો,કે!!!!!

49 thoughts on “પ્રતિભાવો!!અભિપ્રાય!!કોમેન્ટ્સ!!”

 1. છેલ્લે પ્રતિભાવ આપવાનું યાદ કરાવ્યું એ સારૂં કર્યું કેમકે મને ત્યારે જ તો લાગ્યુ .. સાલ્લુ આમાં તો આપણો અમૂલ્ય (?!?) અભિપ્રાય આપવો જોઇએ .. તો મારો અને ભુપેન્દ્રસિંહજીનો વટ પડી જાય ! હા હા હા … અને હા તમારા બધા પોઇન્ટસ સાથે સહમત.

  Like

  1. શ્રી રજનીભાઈ,
   મને તો કોઈ અભિપ્રાય ના આપે તો ના ગમે.આપણે તો ભાઈ સામાન્ય માણસ છીએ,પ્રશંસા ના ભૂખ્યા છીએ,મહાન માણસ નથી.અભિપ્રાય વગર શું ખબર પડે કે કેવું લખ્યું છે?બ્લોગ જગત માં બધા એક બીજા ના મિત્રો છે.અહી કોઈ પોલીસ વાળા કમિશનર કે ડી.એસ.પી ની જરૂર નથી કે જેલ માં પૂરી દઈશ!ખબરદાર કોઈએ મેલ કરીછે?બેન કરી દઈશ!કે ગાળામાં સ્લેટ(બ્લેક લીસ્ટ) માં તારું નામ લખીને આખાં ગામ માં ફેરવીશ.જરા વધારે પડતું નથી લાગતું?દાદાગીરી જેવું?અહી ક્યાં ગરાસ લુંટાઈ જવાનો છે.તો પછી બ્લોગ જગત માં આવ્યા જ શું કામ?કોઈએ આમંત્રણ આપેલું?રજનીભાઈ આપે પહેલો જ અભિપ્રાય આપી દીધો ખુબ આભાર.

   Like

 2. સૌથી મહત્ત્વની વાત તો તમે ઉલ્લેખ કર્યો છે તે છે, કે ગુજબ્લોગ કે અન્ય કોઈ ગ્રુપમાં જોડાયેલાઓ જાણ કરે એટલે ગ્રુપના બધાને મળે જ. (ગ્રુપનો એ જ તો આશય હોય છે.) જેમને સંદેશાઓ ન ગમતા હોય તેમણે ગ્રુપમાંથી નીકળી જવું એ જ રસ્તો છે.

  યાહૂના એક ગ્રુપમાં મને વિચિત્ર અનુભવ થયો કે તરત જ હું તો ગ્રુપમાંથી સામે ચાલીને નીકળી ગયો…મને નુકસાન થયું તો ભલે થયું. મારા ઈમેઈલથી કંટાળનાર મને બાદ કરી નાખે – બ્લૅકલિસ્ટેડ તો મને તો વાંધો ન આવે ! (પણ હું તો કોઈ સદ્ભાવથી – કે મોહથી પણ – આમંત્રણ મોકલે તો વાંધો શીનો લઉં ? લઈ શકુંય ખરો ???)

  નેટજગત પર હવે ધીમેધીમે એકબીજાનો ગરાસ લૂંટી લેવાવાળી શરૂ થઈ જણાય છે.

  Like

  1. ‘ગુજબ્લોગ’માંથી આવતી ઈમેઈલ ન જોઈતી હોય તો “No Mail”નો વિકલ્પ પસંદ કરી શકાય છે અને ‘વેબપેજ’ તેમજ ‘RSS ફીડ’ની સુવિધા વડે ગ્રૂપના સંપર્કમાં રહી શકાય છે.

   Like

  2. શ્રી જુગલભાઈ,
   કોઈ પ્રેમ થી કે મોહવશ આમંત્રણ આપે તો શેનું નાં કહેવાય?સાચી વાત છે.અને આ ક્યાં લગ્ન ની કંકોત્રી છે કે જવુજ પડે ને ચાંલ્લો કરવો પડે?આતો કોમ્પ્યુટર નું કી બોર્ડ ને માઉસ છે,સ્થિર રાખી આપણાં જ બ્લોગ ને જોયા કરવાનો.અહી કોઈ હાથે ઝાલી ને તો લઇ જતું નથી.મને તો અભિપ્રાય આપતા જ રહેજો,નહીતો લખવાનું જ શા માટે?

   Like

 3. આતો સરગવાની સીંગનું શાક છે. કોઈને ટીમણ ભાવે કોઈને અંદરનો માવો. ખાઓ ભાઈ ખાઓ. ન ખાશે એ પસ્તાશે. જંગલમાં ભલે મોર નાચે પણ એને વસ્તીમાં આવવું પડશે. આ ઈન્ટરનેટના જગતમાં હવે મોર નહીં દેખાય. ચીત્રલેખા અભીયાન બધું ઈન્ટરનેટ ઉપર વાંચવા મળી જશે.

  પ્રતીભાવ કે કોમેન્ટ લખનાર લેખના લેખક અને વાંચનારને ફાયદો કરી આપે છે.

  Like

  1. શ્રી વોરા સાહેબ,
   જે ને જે ભાવે તે ખાય.અહી તો બુફે જેવું છે,એમાં કકળાટ શેનો?આ રીંગણ શું કામ મુક્યા?કે આ ગુલાબજામુન કેમ અહી મુક્યા?ડાયાબીટીસ હોય તે ગુલાબજામુન ના ખાય,કારેલાનું શક ખાય.બરોબરને?પ્રતિભાવ થી બધાને શીખવાનું મળે છે તે આપની વાત સાચી છે.પણ મહાન માણસો તો ઉપરથી બધું શીખીને આવ્યા હોય અને અહી બધાને શિક્ષણ આપવા નીકળી પડ્યા હોય તેમને કશું શીખવાની ક્યાં જરૂર હોય છે?

   Like

 4. સરસ પોસ્ટ.

  પ્રતિભાવ બાબત હું સદનસીબ છું તેમ છતાં પોસ્ટ પ્રસિદ્ધ કર્યાની જાણ કરતી ઈમેઈલ લખું ત્યારે ‘અભિપ્રાયની અપેક્ષા સહ…’ લખવાનું ચૂકતો નહોતો પણ પછીથી બંધ કર્યું.

  બ્લોગ માધ્યમ જ પ્રતિભાવનું માધ્યમ છે. પ્રતિભાવમાંથી મને ઘણું શિખવા અને જાણવા મળ્યું છે. પ્રતિભાવમાં લોકોએ મારો કાન આમળ્યો છે અને હું વધારે સજાગ અને વધુ જવાબદાર બન્યો છું.

  પોતાના બ્લોગને ધાર્યા પ્રતિભાવ ન મળે ત્યારે અનુભવાતી હતાશા કોઈને કોઈ રીતે વ્યક્ત થતી હોય છે. દા.ત. ‘ચોતરો’

  ‘ગુજબ્લોગ’ની રચના જ બ્લોગ/પોસ્ટ બાબત જાણ કરવા તેમજ બ્લોગર/વાચક એક બીજાના સંપર્કમાં રહી શકે તે માટે કરી છે. તેમ છતાં ‘ગુજબ્લોગ’માં પણ ફરિયાદ આવતી હોય છે!

  Like

  1. શ્રી વિનયભાઈ,
   ગુજ બ્લોગ માં સભ્ય બન્યા તો પછી મેલ તો આવેજ.એની રચના જ એ માટે થઇ છે.એનાથી ફાયદો જ છે નુકશાન કશું નથી.ચહેરો એ દર્પણ છે.ચહેરો જોઈ ને માણસ કેવો છે એ સમજી શકાય છે,જેને બોડી લેન્ગવેજ કે ફેસ રીડીંગ પણ કહી શકાય.એમ જ તમારું લખાણ,તમારી ભાષા એ પણ તમારી ઓળખ બની જાય છે.મને કોઈ મારા સ્વભાવ કે જાત મુજબ તુંકારો દે તો જરાય ના ગમે.તો હું કદી નાના છોકરાને પણ લખવામાં પણ તુંકારો ના લખી શકું.હું કોઈ વિચાર કે કોન્સેપ્ટ વિરુદ્ધ ભલે ઉગ્ર ને ક્રોધાન્વિત થઇ લખતો હોઉં,પણ વ્યક્તિગત મારાથી કોઈ નું અપમાન થઇ ના જાય તેની કાળજી લગભગ રાખું છું.બ્લેક લીસ્ટ,રીક્વેસ્ટ લીસ્ટ???હા!હા!હા!! મારા જેવા આક્રમક લખવાવાળા થી પણ આવી તોછડાઈ તો ના થઇ શકે.ગુજ્બ્લોગ સિવાય મારી ઉપર સુરેશકાકા(જાની), વડીલશ્રી અરવિંદભાઈ,શ્રી ગોવિંદભાઈ મારું,પ્રવિણાબેન,રાજુલબેન બસ એટલા ગણ્યા ગાંઠ્યા ની મેલ આવે છે.આ બધા મારા ફેવરીટ બ્લોગ છે.આ બધાનું ઈન્સલ્ટ તો સપનામાંય ના કરી શકું.તેમાય મેં ઈ-મેલ સબસ્ક્રાઈબ કર્યું તો જ ઈ-મેલ આવે.અને ના કર્યું હોય તોય સાવ તોછડાઈ તો ના થઇ શકે.

   Like

  1. શ્રી વિવેકભાઈ,
   આટલી મહેનત કરી ને તમે ફક્ત એકજ શબ્દ માં અભિપ્રાય આપો તે સરાસર અન્યાય કહેવાય.

   Like

  1. હીનાબેન,
   પહેલીવાર પધાર્યા છો ને આટલો ટૂંકો અભિપ્રાય આપો તે ના ચાલે.ખુબ ખુબ આભાર.

   Like

 5. વાત તો સાચી છે બાપુ ! માણસ માત્ર પ્રશંસા ને પાત્ર (લાયક હોય તો) અને લેખ માત્ર પ્રતિભાવને પાત્ર (સારો કે ખરાબ)… !!

  Like

  1. ડોક્ટર સાહેબ,
   સૌથી શ્રેષ્ઠ ને સૌથી જરૂરી આપનો બ્લોગ છે.આપ આટલી વ્યસ્તતા વચ્ચે પણ લોકોમાં જ્ઞાન વહેચી રહ્યા છો.ખુબજ ધન્યવાદ.

   Like

 6. શ્રી ભુપેન્દ્રસિંહ
  આપની વાત સાચી છે આ બુફે જેવું જ છે જેમને જે પસંદ પડે તે જમે ! બાકીનું પ્લેટમાં લેવું જ નહિ ! પણ મને એક બીજી ગંધ પણ આવે છે કે જેણે આ પ્રતિભાવો વિષે બ્લોગ ઉપર લખ્યું છે તેણે તમામ બ્લોગરને ઉશ્કેરવા અને પ્રતિભાવો લખવા પ્રેરવા જાણી-જોઈને આ સળી કરી જણાય છે ! બાકી એક વાત સાચી જ છે કે બ્લોગ ઉપર લખનાર મોટેભાગે નવા નીશાળીયા જ હોય છે અને પોતાના નીજાનંદ માટે હળવા થવા પોતાના વિચારો મૂકતા રહે છે ! તે અન્ય કોઈએ વાંચવા નાવાંચવા અને પ્રતિભાવ જણાવવા ફરજિયાત નથી. તેમ છતાં જ્યારે કોઈ પોતાનો પ્રતિભાવ જણાવે અને તે પ્રસંશા કરે તો લખનાર મારા- તમારા જેવાને પ્રોત્સાહન મળે છે અને શક્ય છે કે આવનારા દિવસોમાં આવા નવા બ્લોગરમાંથી ગુજરાતી સાહિત્યને કોઈ નવા લેખક કે કવિ પણ મળી રહે ! મારા મતે તો દરેક વાચકે જે કોઈ બ્લોગની જ્યારે પોતાની મરજીથી સ્વૈચ્છિક મુલાકાત લે ત્યારે પોતનો પ્રતિભાવ જણાવવો જ જોઈએ શક્ય છે તે વખાણ ના પણ કરતો હોય પરંતુ બ્લોગરની મર્યાદા કે ત્રુતીઓ તરફ ધ્યાન દોરનારા બની ભવિષ્યમાં નવું લખે ત્યારે વધુ સારું લખી શકે તેમ માનુ છું ! બાકી તો આવી ટીકાઓ કરનારા દરેક સ્થળે મળી જ રહેવાના ! બ્લોગરે તેની નોંધ લેવાની કોઈ જરુરિયાત નથી. નિજાનંદમાં મસ્તીથી લખ્યા કરો અને આત્મ સંતોષ મેળવ્યા કરો ! વિચલીત થયા સીવાય !
  સ-સ્નેહ
  અરવિંદ

  Like

  1. વડીલશ્રી,
   આ જાણી જોઈ ને સળી વાળી વાત વાંચીને ખુબ હસવું આવ્યું.બ્લેક લીસ્ટ માં આપનું નામ છે કે નહિ?ખેર આપની વાત સાચી છે.ત્રુટી કોઈ જણાવે તો સુધારો થાય.સૌથી પહેલા મારા ટીકાકાર મારા મોટા ભાઈ હતા.મને એમની પાસે થી શીખવા મળ્યું કે ભાષા પર કંટ્રોલ જરૂરી છે.કોઈ ની લાગણી અમસ્તી મોજ ખાતર દુભાવવી નહિ.આપ જેવા વડીલો પાસે થી કાયમ કઈ ને કઈ શીખવા મળેજ છે.

   Like

 7. નીચે પ્રતિભાવ આપવાનું ભૂલતા નહી!!! સારું થયું આવું લખ્યું. નહી તો અમે તો ભૂલી જાત કે આમાં પ્રતિભાવ પણ આપવાનો છે. આમ તો પ્રતિભાવ, અભિપ્રાય, કોમેન્ટસ એવું લેખનું મથાળું વાંચીને લાગ્યું કે આ પ્રતિભાવો જ છે.

  સત્ય એ છે કે પ્રશંસા તો દરેકને ગમતી જ હોય છે. અને કોઇના સારા કાર્યની પ્રશંસા તો થવી જ જોઇએ. પ્રતિભાવથી તો લેખક અને વાચક વચ્ચે વૈચારિકસ્તરે તંતુ બંધાય છે. અને તેથી લેખક ઉત્તમ સર્જન કરી શકે છે. અને વાચકો પણ લેખકના શ્રેષ્ઠ સર્જનનો લાભ લઇ શકે છે.

  અને નારાજ થયા વિના પ્રતિભાવ આપવો હોય તો આપવો, તમે સ્વતંત્ર છો પ્રતિભાવ ના આપવા માટે.

  મને જ તમારા વિજ્ઞાન અને ઈતિહાસને લગતાં લેખને વારંવાર વાંચવા ગમે છે. અને પ્રતિભાવોમાંથી બીજાના જે તે વિષયને લગતાં વિચારો અને ઘણુંબધું વિશેષ જાણવા મળે છે.

  Like

  1. મીતાબેના,
   આ વૈચારિક ક્ષેત્રે લેખક વાચક વચ્ચે તંતુ બંધાય તે વાત નું વિજ્ઞાન ખુબ ગમ્યું.બોલો આવા સુંદર ને જ્ઞાનસભર પ્રતિભાવો નો કઈ rite anadar kari shakay?

   Like

 8. શ્રી રાઉલસાહેબ,
  સરસ આર્ટિકલ,દરેક વ્યક્તિને પોતાના વિચારો પ્રસ્તુત કરવાનો સંપૂર્ણ અધિકાર છે.અને તે વિચારોનું મુલ્યાનંકન વાંચકો જ કરી શકે.તેથી અભિપ્રાયની આશા દરેક બ્લોગર મિત્રને હોય જ.અભિપ્રાયના સ્વરૂપે ઘણુ બધુ જાણવાનું પણ મળે,લેખક અને વાંચક બન્‍ને ને.હું તમારા બ્લોગનો મુલાકાતી છું.તેથી મને જાણકારી છે ત્યાં સુધી તમારા બ્લોગ પર ચર્ચા વિષયક પોસ્ટ વધુ હોય છે.તેથી અભિપ્રાય સ્વરૂપે જાણકારી લેખક,વાંચક સુધી સિમિત ન રહેતા ત્રીજા પક્ષને પણ મળે છે.
  ટુક સમયમાં મારી પણ વર્ડપ્રેસના મંચ પર ધૂમ મચાવાની તૈયારી છે.

  ચાલો તો…

  Like

  1. શ્રી રજનીભાઈ,
   જલ્દી કરો.તમારો વાઈલ્ડ લાઈફ બચાવો નામનો બ્લોગ શરુ કરીદો.એનાથી મધર નેચર ની ખુબ સેવા થશે.

   Like

   1. હા હા …સાહેબ

    એજ કરવા જઈ રહ્યો છુ.અભ્યારણ્યને સૌનો ટેકો મળશે તેવો વિશ્વાશ છે. 🙂

    Like

 9. શ્રી ભુપેન્દ્રસિંહજી, આજે પણ હું જ મોડો પડ્યો !!! (જો કે મોળો નથી પડ્યો !!) આ કોપીરાઇટ બાબતે અભ્યાસ કરવા બેઠો તેમાં રોજનું વાંચવાનું જરા રહી ગયું. બીજું કે હું અહીં ઉપસ્થિત તમામ મિત્રોની જેમ જ આપની શાથે સંપૂર્ણ સહમત છું. કોઇ પણ વ્યક્તિ કશુંક નવું કરે !! તો સૌને જાણ થાય, સૌનો અભિપ્રાય મળે એવું તો ઇચ્છેજ ને !! હવે આમાં ક્યાં કોઇ ચાંદલો લખાવવાનો છે કે આટલી બધી નારાજગી !! આપે સાચું કહ્યું કે કોઇની કૃતિ ગમે તો અને પાછું આપણને મન થાય તો પ્રતિભાવ લખવો નહીં તો ક્યાં કોઇ મારી નાખવાનું છે !! સાચું કહું તો મને તો દરેક મિત્રો મેઇલ દ્વારા પોતાના નવા લેખની જાણ કરે છે તે ખુબ જ ગમે છે. જો કે મોટા ભાગનાં મિત્રોના બ્લોગ મેં સબસ્ક્રાઇબ કરેલા છે એટલે ઓટોમેટિક જ નવા લેખનો મેઇલ મળી જાય છે.
  બાપુ, મને યાદ છે કે ગામનો કોઇ ભોજીયોભાઇ તો ઠીક ખુદ અમાર ઘરનાઓ પણ કોઇ બાબતે અમારો અભિપ્રાય પૂછતા નહોતા !!! તેને બદલે આ બ્લોગ જગતમાં મિત્રો પ્રેમપૂર્વક તેમની કૃતિઓ વિશે આપણા વિચાર જાણવા માંગે છે તે કંઇ ઓછું બહુમાન કહેવાય !! મનોવિજ્ઞાનની ભાષમાં પણ કહીએ તો સૌને સલાહ આપવી ગમે જ છે, અને અહીં તો માન. બ્લોગર મિત્રો સામેથી એ તક પુરી પાડે છે, તો પછી કોઇને વાંધો શું છે? મને શ્રી અરવિંદભાઇની વાતમાં દમ તો લાગે જ છે !!! જો કે આવી બધી ચિંતાઓ છોડી અને આપણા કામમાં મગ્ન રહેવું. ટુંકો પ્રતિભાવ આપનાર સ્નેહીઓનો ખાસ આભાર માનવો કેમ કે ખરેખર તેઓ ગંભીરતાથી વાંચી અને આપણી શાથે સંપૂર્ણ સહમત હોય તેવું દર્શાવે છે.
  છેલ્લે મારો પ્રતિભાવ: સ_રસ લેખ !!!!

  Like

  1. શ્રી અશોકભાઈ,
   બહુ સરસ અભિપ્રાય આપ્યો.યાર તમને મારી ભૂલો જ દેખાય જાય છે?અને પાછા જ્ઞાની રાજા ભગવતસિંહ ને યાદ કરી નવા અર્થ પણ લખી નાખો છો.ઈન્ડીક માં આવી ભૂલો થઇ જાય છે.જાણી જોઇને નથી કરી.કેટલીયે વાર સુધારું છું,છતાં કયાંક સંતાઈને અંદર રહી જાય છે.ખેર ધ્યાન દોરવા બદલ આભાર.તમે રીક્વેસ્ટ લીસ્ટ બનાવ્યું હોય તો મારી રીક્વેસ્ટ લખી રાખજો.ટૂંકા અભિપ્રાય વિશેનું આપનું મનોવિજ્ઞાન ખુબ ગમ્યું.હવે પૈસા નહિ પડી જાય.

   Like

   1. બાપુ, આમે ’બ્લોગ’ અને ’બોગ’ વિશે ચિંતન કરતા બન્ને એક જેવા જ લાગે છે !! વિચારજો ! બન્નેમાં પડ્યા પછી બહાર નીકળવું મુશ્કેલ લાગે, ’માંહે પડ્યા તે મહાસુખ પામે’… (સાચી મજાક છે!) અને બીજું કે, લગભગ તો કબિરજીએ કહેલું કે ’નિંદક નિયરે રાખીએ..’, એટલું તો ચોક્કસ થયું કે હું આપનો બ્લોગ બહુ રસપૂર્વક અને ચોક્કસાઇથી વાંચું છું !!! (જો કે હું બધા જ બ્લોગ અને પુસ્તકો પણ, આમ જ વાંચું છું !). બાકી પ્રતિભાવ વિશેનાં લેખને આટલાબધા પ્રતિભાવો !!! અમારા તો જીવ બળે છે, બાપુ !!! સાંભળો છો મિત્રો !! ’હમ ભી ખડે હૈ રાહો મૈં…..’!! — મજા આવી. આભાર.

    Like

 10. અરે બાપુ, અહીં પ્રતિભાવમાં મેં જેમ ઘણી ટાઇપભુલો કરી તેમ આપના લેખમાં “ગુજરાતી બોગ જગત” છપાયું તે ભુલ છે કે પછી જાણી જોઇને !!!
  (બોગ = કળણ, કાદવ)

  Like

 11. બ્લોગ પર પોતાની રજૂઆત મુકવી લખનારની મરજી, પ્રતિભાવ આપવો-ના આપવો વાંચનારની મરજી.પણ તથસ્ટભાવે પ્રતિભાવ આવકારવાની અને સ્વીકારવાની માનસિક તૈયારી હોય તો જ પ્રતિભાવની આશા રાખવી જોઇએ. માત્ર સારો જ નહીં પણ સાચો પ્રતિભાવ લેખક માટે માર્ગદર્શનનું કામ કરી જાય છે.

  Like

  1. રાજુલબેન,
   તાત્વિક ચર્ચા વાળા દરેક અભિપ્રાય આવકારવા જોઈએ ભલે પછી આપણી વિરુદ્ધ ના હોય.કામ વગર ના અસભ્ય પ્રતિભાવો મંજુર જ ના કરીએ તો સારું.આપ સાચા છો.

   Like

   1. જોકે રાજુલબેન પોતાના બ્લોગ પરની એકેય કોમેન્ટનો જવાબ આપતા નથી તે વાત જુદી છે 😉

    Like

 12. પ્રતિભાવ આપવા વાળા માંગે એનો વાંધો નહી પણ,
  ૧. આપણું ઈમેલ બીજા ૧૦૦ લોકોને મોકલે. Bcc જેવી સુવિધાનો ઉપયોગ ન કરે.
  ૨. ના પાડવા છતાં વારંવાર ઈમેલ કરે રાખે.
  ૩. તેમ છતાં, સમજાવવા જઈએ તો આપણે કરડી ગયા હોય એમ વર્તે (દા.ત. એક નવાં-નવાં કવિયત્રી એ મારી જોડે આવું કર્યું છે. નામ લખતો નથી. મેં જ્યારે ઈમેલ કર્યો તો કહે છે, તમારી વિનંતી મેં વાંચી નહોતી, સમય નહોતો. ઓકે તમને કોમેન્ટ મેળવવા માટે ઈમેલ કરવાનો સમય મળે છે, બીજા કોઈ ઈમેલ ના જવાબ માટે નહી!!)
  ૪. તેમને કહીએ કે ભાઈ તમારો બ્લોગ હું RSS Feed વડે વાંચું જ છું – તો પણ ઈમેલનો મારો કરે રાખે.

  આવું બધું થાય એટલે આપણે કંટાળીએ. માણસને એક વાર કહેવાય, તો બ્લોગરને બે વાર કહેવું પડે? 😉

  Like

  1. કાર્તિકભાઈ,
   આપની વાત સાથે સંમત.આપને પૂછ્યા વગર બીજા કોઈને ઈમેલ ના આપવું જોઈએ.જેમ અહી અમેરિકા માં ફોન કર્યા વગર કોઈના ઘેર કોઈ જતું નથી.અને કારણ વગર કોઈ ફોન કરતુ નથી,અને કામ વગર કોઈ ગુજરાતીઓ કે ભારતીયો સિવાય લાંબી વાત ફોન પર કરતુ નથી તેવી મેનર શીખવી જોઈએ.ખુબ ખુબ આભાર,મુલાકાત લેતા રહેજો ને યુઝફૂલ પ્રતિભાવો આપતા રહેજો.

   Like

  2. કાર્તિકભાઈ જેવો અનુભવ ઘણાને થયો હશે. ગુજબ્લોગ કે ગુજરાતી પોએટ્રી કોર્નર જેવા ગ્રુપમાં ઈ-મેઈલ કરે ત્યાં સુધી બરાબર. ગ્રુપમાં તમે દિવસનો એક જ ઈ-મેઈલ આવે એવી ગોઠવણ પણ કરી શકો. પણ ઘણા તો સીધો જ ઈ-મેઈલ મોકલે છે અને એ પણ દિવસના એકથી વધારે. મારા એક થી વધુ ઈ-મેઈલ એડ્રેસ છે તો બધા ઈ-મેઈલ એડ્રેસ પર એજ વ્યક્તિના ઈ-મેઈલ આવે.

   Like

 13. આ પ્રશંસા/વખાણ તો ભગવાનનેય ગમે છે. રાજા મહારાજાઓ પણ પોતાના દરબાર માં બારોટો ને કવિઓ ને પોતાના ગુણગાણ ગાવા રાખતા હતા. અત્યારના સમયમાં તલવાર નથી તો કિ બોર્ડે છે. રાજાઓ નથી તો લેખકો/ કવિઓ છે. અને દરેક વ્યક્તિને પોતાના કરેલા કાર્યની કોઈ બીજા પ્રશંસા કરે તે ગમતુ જ હોય છે. અને એમાં બધા જ વખાણ કરે એવુ નથી હોતું ઘણા ટીકા કરવા વાળા પણ હોય છે. ઘણા નો સ્વભાવ જ લોકોની ખામી ગોતવાનો હોય છે. ઘણા નો સ્વભાવ ગમે તેવુ હોય તો પણ ખૂબ સારુ ખૂબ સારુ કરતા હોય છે. જે જેનો સ્વભાવ. બાકી અહિયા તો મોટાભાગે નવા નિશાળીયા વધારે છે, આપણે કઈ નહી તો થોડુ પ્રોત્સાહનના બે શબ્દો લખીયે તો એમાં કાંઈ આપણો ગરાસ લૂટાઈ નથી જાવા નો. ભલે પછી પોતાના સ્વભાવ મુજબ વખાણ કે ટીકા હોય. પણ સામા પક્ષે પણ મન મોટુ રાખી ને સારુ હોય તો મન માં લેવાનુ અને ખરાબ હોય તે નાખવાનુ કચરા પેટી માં.

  Like

  1. શૈલેશભાઈ,
   ખાલી ખાલી સારું લગાડવા અભિપ્રાય આપવો એના કરતા જેવું લાગે તેવું લખવામાં શું વાંધો?પ્રોત્સાહન જરૂર આપવું જોઈએ.જોકે ઘણા નો નિયમ હોય છે કે હમેશા વિરુદ્ધ માં જ લખવું.એનાથી કદાચ એમની બુદ્ધિમત્તા વધારે જણાતી હશે.આભાર.

   Like

 14. બ્લોગ પર લખવુ લેખકની મરજીની વાત, પ્રતિભાવ આપવા વાચકની મરજીની વાત, માત્ર સારા જ પ્રતિભાવની આશા હોય તો પ્રતિભાવ માટે અપેક્ષા જ ન રાખવી અને નહીં તો દલા તરવાડીની જેમ જાતે જ ગમે તેવા રીંગણાની ઝોળી ભરી લેવી.

  Like

 15. આમ તો મેં ગૂજબ્લોગમાં નીચેનો જવાબ મેઇલ દ્વારા મોકલાવ્યો જ છે છતાં આ પોસ્ટની નીચે ટિપ્પણી રૂપે.
  મને લાગે છે કે લોકો પોતાની પોસ્ટની જાણ કરે તો કંઈ ખોટું નથી.
  જેમને આ ન ગમતું હોય તે ગ્રૂપમાંથી નીકળી જાય. (તેઓ પણ પોતાના અલગ ગ્રૂપ દ્વારા આવો ત્રાસ વર્તાવે જ છે અને જો તેમને વાંધો રજૂ કરો તો આવો જ જવાબ આપે છે.)

  Like

 16. પ્રતિભાવ આપવામાં સત્તરમો નંબર આવે એટલે કાંઇ કહેવાનું, લખવાનું બાકી જ ન રહ્યું હોય! મને એક વિચાર આવે છે. અત્યાર સુધી છપાઈને પ્રકાશિત થતાં સામયિકો, માસિકો કે અન્ય સાહિત્ય સામગ્રી પીરસતા પત્રોમાં પ્રતિભાવ ને કોણ પૂછતું હતું? ‘નવચેતન’ માં ચાંપશીભાઈ બે પાનાં ફાળવતા હતા. બાકી હાલ તો 0 કે અર્ધા પાનામાં વાચકોને સમજાવી દે છે! મહદ અંશે પ્રશંસક ટીપ્પણી હોય, ભાગ્યે જ વિરોધી ટીપ્પણી નો સમાવેશ થાય. (જો કે છેલ્લા ઘણાં વર્ષોથી વાર્તા-માસિકો વાંચી શક્યો નથી.) તાત્પર્ય કે શું આ બધા સાહિત્યકારોએ કદી પ્રતિભાવની પરવા કરી છે? તંત્રીઓએ કરી છે? વાચકની વાત જવા દો, ખુદ લેખકને તેની રચના છપાયાની જાણ કોઇ વાચક કરે!(Ref. Arvind Adalja) તંત્રી મહાશયને તો આવા નકામા કાર્ય માટે સમય જ ન હોય. કોઇ કર્તાને તેની કૃતિને સ્વિકૃતિ કે અસ્વિકૃતિ ની જાણ પણ આ ઇ-મેલના જમાનામાં નથી કરી શકતા.

  આ વાતાવરણમાં ઇ-લેખક (બ્લોગર) શુ કામ પ્રતિભાવની આશા રાખે છે?

  Like

 17. સામયિકોમાં વિચારવિમર્શની સગવડ ન હતી. જોકે આજેય નિરીક્ષક અને નયામાર્ગ જેવાં સામયિકો વિરોધી સૂરો છાપે છે…પણ મૂળ વાત છે તે બ્લોગ પર મળેલી સગવડની. બ્લોગ એ આજનું – ને આવતીકાલનુંય – ક્રાંતિકારી માધ્યમ છે. લેખ કરતાંય લેખનો વિચાર અને એમાંથી પ્રગટતા અનેકવિધ સ્ફુલ્લિંગો આ બ્લોગની મહાન વિશેષતા છે.

  આ મહામૂલી વિશેષતાને કુંઠિત કરી દેવાની વાત કેટલી જૂનવાણી સાબીત થશે ??!

  Like

 18. રાહુલજી, http://wp.me/phscX-5S અમે એક પોસ્ટ લખી હતી કે; કૉમેંટમા કાગડા ઊડે..ઈમેલમાં ઢગલો.
  ગુજબ્લોગની રચના પછી અમને વાચકો મળ્યા છે. જેની અમારે જરૂર હતી. અમે આ ગ્રુપ દ્વારા મેલ કરી છીએ. એ સિવાય કોઈને એક પણ મેલ કર્યો નથી! રોજના માત્ર દસ બાર વાચકો હતા ત્યારે પણ નહીં. મેલ ન મેળવવા હોય તો તેની મરજી મુજબ થઈ શકે છે. ઇનકમિંગ મેલ ન ગમતા હોય એમણે આઉઅટગોઈંગ મેલ પણ ન કરવા જોઈએ.
  ગુજબ્લોગ થકી આવતા મેલ સામે અમને જરાય વાંધો નથી. કારણ કે એ વ્યવસ્થા અમે સ્વીકારી છે. છતાંય ગ્રુપ દ્વારા જે નક્કી થાય તેમાં અમારા તરફથી સંપૂર્ણ સહકાર હશે. આમાં તો સમય અને સંજોગો પ્રમાણે અમુક લોકોના ત્રાજવા અને કાટલાં બદલાતાં રહે છે.

  Like

 19. હું મોડો પડ્યો. તેટલામાં તો ઘણા મિત્રોએ પ્રતિભાવો આપી દીધા. લગભગ બધા અને તમારા જવાબો ઘણા ઉપયુક્ત છે.

  મારું માથું એટલું નાનું છે કે કોઈની પાઘડી કે ફેંટો બંધ બેસે તેમ નથી. ઇલાસ્ટીક વાળી ટોપી હોય તો કદાચ ચાલે.

  Like

  1. શ્રી દેસાઈ સાહેબ,
   મને સાફો બાંધતા સરસ આવડે છે.હું દેશ માં હતો ને આમારા સમાજ માં લગ્ન પ્રસંગ હોય તો મારી આગળ હાથ માં સાફા લઇ ને અમારા રજપૂતો ની લાઈન લાગતી.નવા જમાના માં કોઈને ખાસ સાફો બાંધતા આવડે નહિ.મને આવડતું હતું.કોઈ બચેલા ઘરડા વડીલો ને જ આવડતું.એમાય મારા જેવા જુવાનીયા ને આવડે એટલે ખુબ વખાણ થતા.એટલે ચિંતા ના કરશો.ઈલાસ્તિક વળી ટોપી ની જરૂર નથી.મને બોલાવી લેજો.

   Like

   1. મારા જેવા નાના (ઓછી સમજવાળા) માથા (ભેજા) પર ફેંટો (અઘરી વાત) પહેરાવવાની (સમજાવવાની) તમારી નિપુણતાના તો અમે ચાહક છીએ. મનઘડંત અર્થ કાઢવાની ઇલાસ્ટીકતા શોધું છું.

    Like

 20. તમારી વાત સાચી છે..માણસ માત્ર પ્રશંશાનો ભુખ્યો હોય છે..અને…તેની સાચી લાયકાતની પ્રશ્ંશા કરવી મને ગમે પણ છે…મારા એક મિત્ર છે…જે ખુબ સારી શાયરી લખે છે..અને…ફિલ્મના રીવ્યુ તો એટલા સરસ લખે કે તમે ના છુટકે તેના વખાણ કરોજ..ફેસબૂક પર તેના લગભગ ૨૦૦૦ મિત્રો છે..પણ તેની દરેક પોસ્ટ પર માંડ ૬ કે ૭ જણ કમેંટ આપે છે…મને લાગે છે પ્રતિભાવની અપેક્ષા રાખનારે પણ કોઇકની અપેક્ષા પુરી કરવાની તૈયારી રાખે તો તેના સારા કામની કદર આસાન થઈ જાય….હુ આ વાતમા કદાચ ખોટી પણ હોઉ….પણ એક વાત ચોક્કસ કહીશ…હુ ફેસબુક પર કોઇ પોસ્ટ મુકુ પછી અવાર-નવાર ચેક કરુ છુ કે આ કોને-કોને ગમ્યુ??

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s