મર્યાદા મનમાં હોવી જોઈએ કે કપડામાં?
હમણાં એક સમાચાર વાંચ્યા કે એક છોકરીની સરેઆમ છેડતી થઈ, એના કપડાં ખેંચવામાં આવ્યા. એનો વીડીઓ કોઈએ ઉતારી લીધેલો. ખેર એમાં જેનો વાંક હોય તે કોર્ટ અને પોલીસ શોધી કાઢશે. પણ મધ્યપ્રદેશના ઉદ્યોગ પ્રધાને સ્ટેટમેન્ટ આપ્યું કે મહિલાઓ ઉશ્કેરણીજનક કપડાં પહેરતી હોવાથી આવું થાય છે. સમાજ વિચલિત થાય છે. બોલો આ મહાશયને શું કહેવું?? આ પહેલા પણ છોકરીઓના કપડાં બાબતે આવા મારઝૂડના બનાવો બનેલા છે, સંસ્કૃતિ રક્ષકોએ છોકરીઓના ચોટલા ઝાલી ખૂબ મારેલી છે.
એક વસ્તુતો છે જ કે ભારતની મહિલાઓ સાવ યુરોપિયન કે અમેરિકન જેવા ટૂંકા કે સેક્સી કપડાં પહેરતી નથી. ગુજરાતમાં સાડી માન્ય પહેરવેશ હતો અને આજે પણ છે જ. ઉત્તર ભારતમાં પંજાબ બાજુ સલવાર કુર્તા પહેરાય છે. હવે તમે કહો કે સાડી સેક્સી લાગે કે સલવાર કુર્તા?? બેશક સાડી જ. સાડી-બ્લાઉઝ તો વેસ્ટર્ન લોકોને પણ સેક્સી લાગે છે. સલવાર કુર્તા ખૂબ કમ્ફર્ટેબલ ડ્રેસ છે. શરૂમાં ગુજરાતમાં સલવાર કુર્તા માટે પણ વિરોધ નોંધાએલો છે. આજે વેરી લો કટ ચોલી પહેરીને યુવાન સ્ત્રીઓ ગરબા ગાવા જાય છે ત્યારે સંસ્કૃતિ રક્ષકોના ભવા ચડી જાય તેમને ખબર નહિ હોય કે આપણી દાદીમાઓ કાપડા પહેરતી તેમાં બરડા પાછળ ખાલી દોરી જ બાંધવામાં આવતી હતી. આજે પણ રાજસ્થાન, બનાસકાંઠા, સૌરાષ્ટ્રનાં ગ્રામ્ય વિસ્તારમાં આવા પાછળ ફક્ત કાપડની બનાવેલી દોરી(કસ) જ હોય તેવા બ્લાઉઝ પહેરેલી મહિલાઓ જોવા મળશે. એ મહિલાઓને સેક્સી કપડાં શું કહેવાય તેનો જરાય અણસાર નહિ હોય.
આપણાં દેશમાં પણ સ્ત્રી પાસે વ્યક્તિવ ના હતું ત્યાં સુધી પરિવાર સુવ્યવસ્થિત ચાલતા હતા. સંત્રી બંદૂકો લઈ ઉભા હોય તો જેલમાં પણ વ્યવસ્થા સારી દેખાય છે. સ્ત્રી પુરુષ સમાન હોય તો પ્રેમ પેદા થાય, પ્રેમ પહેલા થાય તો પરિવાર એટલો સુનિયોજિત બની નથી શકતો, જેટલો વિવાહવાળો મતલબ એરેન્જ મૅરેજ વાળો. વિવાહ જીવનભરની વ્યવસ્થા છે. એટલે એને એકદમ સુરક્ષિત રાખવા હજાર જાતની અનૈતિકતાઓ પેદા કરવી પડી. એક પુરુષને પ્રેમ વગર એક સ્ત્રી સાથે વિવાહ દ્વારા સાથે જીવવા મજબૂર કરી દઈએ, તો યૌન સંબંધ તો થઈ શકે, પણ હ્રદયનો સંબંધ શોધવા નવા રસ્તા શોધવાનો. અને આ ભાઈલો પાડોશીની પત્નીમાં પ્રેમ શોધવા નીકળે તો? પાડોશીની પત્ની ટૂંકા સ્કર્ટમાં સારી લાગે પોતાની પત્ની નહિ. પાડોશી પુરુષો ભયભીત થવાના. એટલે બધા પુરુષો ભેગાં થઈ નક્કી કરવાના કે બધી સ્ત્રીઓ નહિ પણ કેટલીક સ્ત્રીઓ છોડી શકાય. જે સ્ત્રીઓની માલિકી કોઈની નહિ, અને તેમની સાથે કોઈ પણ ગમેતેવો સંબંધ રાખી શકે. આ સ્પેશિયલ અલાયદી રાખેલી સ્ત્રીઓ એટલે વૈશ્યાઓ. લંકા વિજય પછી શ્રી રામની સેનાનું સ્વાગત કરવા ભરતજી સામે ગયેલા. ત્યારે રામની સેનાનો થાક ઉતારવા ભરતજી વૈશ્યાઓને સાથે લઈ ગયેલા.
હિન્દુસ્તાનમાં બુદ્ધ અને મહાવીરના સમયમાં દરેક ગામમાં નગરવધુ હતી. ગામની જે સુંદરતમ સ્ત્રી હોય એને નગરવધુ ગામના લોકો બનાવી દેતા. તેનો કોઈ એક પતિ ના હોય આખા ગામની પત્ની, વધૂ, વહુ. કારણ સુંદરતમ સ્ત્રીને વરવા માટે પછી પુરુષો વચ્ચે હરીફાઈ પેદા થાય. ઝંઝટ પેદા થાય. એટલે આખું ગામ જ પતિ બની જતું. આખું ગામ ઉપયોગ કરી શકે. વૈશ્યા શબ્દ કરતા નગરવધુ સુંદર શબ્દ છે. અને એમાં પાછું એને બહુ માન મળ્યું હોય નગરવધુ બનાવી એવું ઠસાવી દેવાનું. એ કોઈ એક માણસને પ્રેમ પણ ના કરી શકે દેશદ્રોહ કહેવાય. આમ્રપાલી અને અજાતશત્રુની કથા લોકો જાણે છે. મંદિરોમાં દેવદાસીની પ્રથા આવી. પૂજારીઓ શું કામ બાકી રહે? પથ્થર કે આરસની મૂર્તિને વાઈફની જરૂર પડે તેવું તો અહી જ બને. હિન્દુસ્થાનની સાથે સાથે ગ્રીક મંદિરોની આસપાસ પણ સ્ત્રીઓના સમૂહ ઉભાથયેલા.
મર્યાદા પુરુષના મનમાં હોવી જોઈએ, સ્ત્રીના કપડાં તો ગૌણ બાબત છે. વિક્ટોરિયન જમાનામાં બ્રિટનમાં સ્ત્રીઓ પગની પાની પણ દેખાવા દેતી નહોતી. ત્યારે તે જમાનાના પુરુષોને ભૂલમાં સ્ત્રીના પગની પાની કે અંગૂઠો દેખાઈ જાય તો પણ ઉત્તેજિત થઈ જતા હતા. શું બુરખા પહેરેલી સ્ત્રીઓ પર બળાત્કાર નથી થતા? મિત્ર ધ્રુવ ત્રિવેદીએ એક દાખલો નોંધ્યો છે-સાલ અને રાજ્ય ની ખબર નથી, ચાર/પાંચ લોકોએ એક વેશ્યા પર બળાત્કાર કર્યો આખો મામલો કોર્ટમાં ગયો આરોપીઓ એ એવી દલીલ આપી કે પીડિત મહિલા વેશ્યા/ચારિત્રહીન છે માટે કોઈ કેસ ના બને અમને નિર્દોષ છોડી દેવા જોઈએ. કોર્ટનો ચુકાદો એવો હતો કે કોઈ પણ સ્ત્રી વેશ્યા/ચારિત્રહીન હોય તો તેના પર બળાત્કાર કરવાનો પરવાનો નથી મળતો. અહી બીચ ઉપર બીકીની પહેરેલી સ્ત્રીઓ સામે કોઈ જોતું પણ નથી. છતાં અહી મહિલાઓએ ડ્રેસકોડ પ્રમાણે ઑફિસમાં કપડાં પહેરીને જવાનું હોય છે. અહી પણ બળાત્કાર થતા હોય છે પણ તેનું કારણ ટૂંકા કપડાં નથી હોતા. અહી સ્ત્રીને સેક્સી કે સુંદર લાગે છે તેવું મોઢે કહેનારો બસમાં કે ટ્રેનમાં સીટ પાછળ હાથ લંબાવીને કોઈ જુવે ના રીતે અભદ્ર અડપલાં કરતો નથી. મર્યાદા ઉભય પક્ષે હોવી જોઈએ. પણ હરદમ સ્ત્રીઓનો જ વાંક કાઢવો તે તો બેશરમી જ કહેવાય.
પાંચ પાંચ પતિઓ બેઠાં હોય અને વૃદ્ધ વડીલોની હાજરીમાં જ્યાં સ્ત્રીના કપડાં ખેંચાતા હોય ત્યાં કહેવાતા ચોખલિયા વૃદ્ધો અને યુવાનો પાસેથી ઊલટા ચોર કોટવાલ કો ડાટે સિવાય શું અપેક્ષા રાખી શકો??
વૈશ્યા એ કોઈ સ્ત્રીઓનો શોધેલો કૉન્સેપ્ટ નથી. સન્ની લિયોન(મૂળ ભારતીય પોર્ન સ્ટાર) એ કોઈ સ્ત્રીનું સર્જન નથી, સન્ની લિયોન પુરુષોની બીમાર માનસિકતાનું સર્જન છે. સ્ત્રીનું અદભૂત સર્જન તો એનું બાલક હોય છે.