વર્ષો પહેલા એક સંબંધી મારા ઘેર આવેલા. સવારે જાગીને કહે,
‘મારું હાળું કઈ ચરીતર જેવું રાતે થયેલું. જાણે કોઈ છાતી પર ચડી બેસેલું. હાલવા જ ના દે.’
‘ અમારા ઘરમાં તો આવું કશું થવું નાં જોઈએ, અહીં તો રોજ ગાયત્રી મંત્રના જાપ થાય છે, કોઈ ખરાબ સપનું આવ્યું હશે.’ માતુશ્રીએ જવાબ આપેલો.
પિતાશ્રી રોજ ગાયત્રી મંત્ર સવારે જાગીને કરતા. પેલાં સંબંધીનાં મનમાં કોઈ ભૂત જેવું હશે ઘરમાં. માટે મધરે ખુલાસો કર્યોકે અમને તો કોઈ દિવસ આવો અનુભવ થતો નથી.
ઘણીવાર એવું બનતું હોય છે કે અચાનક ઊંડી ઊંઘમાંથી જાગી જઈએ, પણ હલન ચલન કરી ના શકીએ, બોલી પણ ના શકીએ. જોઈએ શકીએ, ખ્યાલ પણ આવે કે રૂમમાં શું થાય છે, પણ હલનચલન બંધ થઈ જાય. એટલે એવું થાય કે કોઈ ભૂત છાતી ઉપર ચડી બેઠું છે. ઘણા મિત્રોને આવો અનુભવ કદાચ થયો પણ હશે. મને પણ કોઈવાર બીમાર હોઉં કે થાક લાગ્યો હોય ત્યારે આવો અનુભવ થયેલ છે. હું કોઈ અભ્યાસ કે સમજણ વગર મન મનાવતો કે મારું બ્રેઈન જલદી જાગી ગયું છે પણ શરીર હજુ જાગ્યું નહિ હોય. તે સમયે આવી થિયરી મનોમન ઘડી કાઢતો. પણ ભૂતની કલ્પના કદી મને આવતી નહિ. જોકે આવું ભાગ્યેજ બનતું.
આવી ભયજનક ડરામણી સ્થિતિને isolated sleep paralysis (ISP) કહેવામાં આવે છે. આને એવું કહી શકાય કે જાગી ગયા પછી હાલી શકાતું નથી કે બોલી શકાતું અને રૂમમાં કોઈની હાજરી છે ખાસ તો છાતી ઉપર કોઈ ચડી બેઠું છે. આ અનુભવ ડરામણો હોય છે. ૫૮% લોકોને જિંદગીમાં એકવાર આવો અનુભવ થતો હોય છે. બાકીના લોકોમાં અનેક વાર આવો અનુભવ થતો હોય છે. જે લોકો narcolepsy વડે પીડાતા હોય તેમને આવો અનુભવ સહજ વારંવાર થતો હોય છે. ઊંઘના ચાર તબક્કાઓ હોય છે. પહેલા ત્રણ ભાગને NREM- Non Rapid eye movement સ્લિપ કહેવામાં આવે છે, અને ચોથા તબક્કાને REM એટલે કે Rapid eye movement કહેવામાં આવે છે. NREM નો ત્રીજો તબક્કો ઊંડી ઊંઘનો છે. ત્યાર પછી રેમ આવે તેમાં આંખો કશું જોઈ રહી હોય તેમ પોપચાં પાછળ ઝડપથી ફરતી હોય છે, સપના જોવાના શરૂ થઈ ચૂક્યા હોય છે. ઊંઘવા માંગતો વ્યક્તિ ધીમે ધીમે ચોથા રેમ તબક્કામાં પ્રવેશ કરે અને તરત જાગી જાય ત્યારે ઉપર મુજબનો અનુભવ થતો હોય છે. Emotional trauma અને psychiatric હિસ્ટ્રી ધરાવતા લોકોમાં આ ભયજનક અનુભવ સામાન્ય હોય છે. ખેમમાં આપણે સપના જોતા હોઈએ છીએ. રાત્રે ઘણીવાર ભયજનક ડરામણા સપના પણ આવતા હોય છે. જે લોકોને આવા ડરામણા ભયાનક સપના વારંવાર આવતા હોય તેઓ ISP ની ફરિયાદ કરતા હોય છે. જોકે એમને આવી ખબર હોતી નથી, તે લોકો તો ભૂતની કલ્પના જ કરી લેતા હોય છે.
એક સ્ટડી પ્રમાણે જાપાનમાં ૯૦,૦૦૦ પુરુષો ISP થી પીડાતા નોંધાયા છે. સ્લિપ પેરાલીસીસ પ્રાચીન સમયમાં સુપર નેચરલ ફોર્સ જેવા કે દૈત્ય કે ભૂતના નામે સમજાયેલા છે. સન ૧૬૬૪મા ડચ ફિજીશીયને (Isbrand Van Diemerbroeck ) આવા ISP
થી પીડાતા કેસ ભેગાં કરીને પબ્લીશ કરેલા. આમાં ઊંઘતા વ્યક્તિને કોઈ અજાણ્યા વ્યક્તિની હાજરી રૂમમાં હોય તેવું લાગતું હોય છે. મોટા ભાગે તે પુરુષ હોય છે, અથવા કોઈ એવું ક્રિયેચર જેની કોઈ જાતી હોય નહિ. લગભગ ગુજરાતીમાં કહીએ તો ભૂત, ચુડેલ કે પલિત. એને હટાવવા ખૂબ સ્ટ્રગલ કરતા હોય છે, ક્યારેક જીત મેળવી લેતા હોય છે. ઘણા એવું પણ માનતા હોય છે કે એમના શરીરનો કબજો કોઈ એલિયન એટલે પરગ્રહવાસીએ લઈ લીધો છે.
ISP નું મૂળ કારણ સાદી ભાષામાં કહીએ તો REM નું અકાળે અવસાન. પણ એમાં કોઈની હાજરી કે ભૂત ચડી બેઠું છે એવો ભાસ કેમ થતો હશે? મધર નેચરે ઓટોમેટીક પ્રીડેટર ડીટેકટર આપણી અંદર મૂકેલું છે. ઊંઘમાં કે ઘેનમાં આપણે અસહાય હોઈએ છીએ, તેવા સમયે કોઈ પ્રીડેટર હુમલો કરી શકે છે. ISP અર્ધજાગ્રત અવસ્થામાં હુમલાખોરથી એક ચેતવણી સમાન રિસ્પોન્સનું પ્રતિબિંબ છે. એટલે હુમલો કરનાર કોઈ બીજું જોઈએ તો ખરુંને? એટલે આપણે ધારી લઈએ છીએ કે કોઈ છે. ઊંઘની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પ્રવેશ દરમ્યાન ઓચિંતો ચેતવણી એલાર્મ વાગી જાય ત્યારે ISP અનુભવ થતો હોય છે. આપણે ઓચિંતાં એલાર્મ વડે જાગી જઈએ છીએ પણ શરીરને જાગતા થોડી વાર લગતી હોય છે. એટલે ગભરાયા વગર થોડી રાહ જોવા સિવાય બાજુ શું કરી શકો?
અમારા એક સંબંધી રજાના દિવસે બપોરની સુંદર મજાની ઊંઘ ખેંચીને કશું ખરીદવા કાર લઈને નીકળ્યા અને રસ્તામાં ફરી થોડીવાર માટે ઊંઘી ગયા. પરિણામમાં વિદ્યુત સ્તંભ જોડે મિલન થઈ ગયું. તેવામાં ડેનવર, મેડિકલ કૉલેજમાં ન્યુરોસાયન્સ વિભાગમાં પ્રોફેસર અને એપીલેપ્સી પર રિસર્ચ કરતા મારા ભત્રીજા આવેલા, તેઓ સાથે આ સ્તંભ મિલન વિષે ચર્ચા કરતા નાર્કોલેપ્સી શબ્દ પહેલી વાર મેં સંભાળ્યો હતો. એમણે શંકા વ્યક્ત કરેલી કે સરસ ઊંઘ ખેંચ્યા પછી કાર ચલાવતા ઊંઘી જવાય તો નાર્કોલેપ્સીના દર્દી હોઈ શકે, કોઈ સારા ડાક્ટરની સલાહ લેવા જેવી. નાર્કોલેપ્સીના દર્દીઓ સીધા REM પ્રવેશ કરી લેતા હોય છે. આવા દર્દીઓએ કાર ચલાવવી બને ત્યાં સુધી ટાળવી જોઈએ. રેમ અવસ્થામાં આપણાં સ્નાયુઓ સાવ શીથીલ થઈ જતા હોય છે. બાકી આમ તો ઉજાગરો હોય તો ઘણા બધા કાર ચલાવતા એક ક્ષણ માટે ઝોકું ખાઈ લેતા હોય છે. મને એકવાર બાઈક ઉપર આવો અનુભવ થયેલ. એક લગ્નમાં જંબુસર ગયેલો, આખી રાતનો ઉજાગરો હતો ને સવારે બરોડા આવવા નીકળી પડેલો. પાછળ એક સંબંધી બેઠેલા હતા. રસ્તામાં મને ફિલ થયુકે ક્ષણ માટે ઊંઘી ગયો લાગુ છું. એક ટી સ્ટૉલ આગળ બાઈક ઊભી રાખી કડક કોફી પીધી અને બાઈક પેલાં ભાઈને ચલાવવા આપી દીધી હતી. બસ પછી બરોડા આવતા સુધી એમની પાછળ ઝોકા ખાધે રાખેલા.
