સપનામાં સાપનો સળવળાટ.(Hard Truths About Human Nature).

Snake
સપનામાં સાપનો સળવળાટ.(Hard Truths About Human Nature).
    ઘણા મિત્રોને સ્વપ્નમાં સર્પ દેખાતા હોય છે. મારા એક મિત્ર પત્નીને નાનપણમાં સાપના સપના ખૂબ આવતા એવું તેમનું કહેવું છે. એમના પિતાશ્રીએ કંઈક ભાથીજી મહારાજની બાધા રાખી હશે. જો કે હવે તેમને સર્પ ઊંઘમાં દેખાતા નથી. મેં આવી ઘણી બધી સ્ટોરી મિત્રો પાસેથી સાંભળી છે. ઘણાબધાએ આવી વાતો સગાસંબંધી અને મિત્રો પાસેથી સંભાળી હશે. એક મિત્રને કોઈએ ઉપાય તરીકે મહાદેવને દૂધ ચડાવવાનું સૂચવ્યું હશે, પછી એવા ભયજનક સર્પના સપના બંધ થઈ ગયા હશે, પણ કોઈ વાર દૂધ ચડાવવાનું ચૂકી જવાય તો ફરી સપનું આવે. આ બધી હકીકત છે, સર્પનું સપનું આવવું તે પણ હકીકત છે અને મહાદેવને દૂધ ચડાવવાની કે ભાથીજી મહારાજની બાધા રાખવાથી સર્પના સપના બંધ થઈ જવા તે પણ હકીકત  છે. પણ આવું કેમ થતું હશે?
   Evolutionary mismatch નો આ એક ઓર અદ્ભુત નમૂનો છે સર્પના સપના આવવા. સર્પનો ભય આદિમ છે. આપણાં પૂર્વજો Hunter -gatherer  હતા, જંગલોમાં રહેતા હતા. આજના જેવા સુરક્ષિત મકાનોમાં રહેતા નહોતા. સર્પ અને બીજા સરીસર્પ આસપાસ ભમતા જ હોય.અવારનવાર એમનો મુકાબલો થઈ જતો હશે. સર્પે એના સર્વાઈવલ માટે ભયાનક રાસાયણિક ટેક્નિક વિકસાવેલી છે. એનું ઝેર કાતિલ હોય છે. સર્પના કરડવાથી આપણાં પૂર્વજો મરી જતા હશે. ઘણા સર્પ ઝેરી હોતા નથી. ખબર કઈ રીતે પડે કે આ સાપ ઝેરી નથી.પ્રયોગ તો કરાય નહિ, ફોલ્સ નેગેટિવ એરર તો કરાય નહિ. જોખમ કોણ લે? સર્પ જોઇને નક્કી કર્યા વગર ભય પામી ભાગી જવું અથવા એને મારી નખાય તો મારી નાખવો તેવું વલણ આપણાં પૂર્વજોનું રહ્યું હશે. તે સમયે કોઈ એન્ટી વેનોમ તો હતા નહિ. બસ આ માહિતી અને જીવલેણ અનુભવ જિન્સમાં બીજી પેઢી દર પેઢી ઊતરતા રહ્યા. આજે  હવે જ્યારે આપણે જંગલમાં રહેતા નથી છતાં સાપનો ભય તો લાગે જ છે. મોટાભાગે બહુ મોટા સાપ કે ઝેરી સાપ સાથે મુલાકાત થઈ જાય ત્યારે ભય લાગે તે સ્વાભાવિક છે. એને માઈલ્ડ Ophidiophobia કહેવાય, પણ આ ફોબિઆ જરા વધી જાય તો નાના સાપ પણ ડરાવવા લાગે. અને ખૂબ વધી જાય તો સાપના ફોટા કે ટેલિવિઝન શો પણ દેખી શકો નહિ, ધ્રુજારી વછૂટી જાય. ગરોળી,કાચિંડા કે કરોળિયાથી ડરવા લાગીએ તો એને  Herpetophobia કહેવાય છે. સાપનું સપનું આવવું  અલગ વાત છે અને એવા સપના થકી ભય પામવું અલગ વાત છે. અને આવા સપના થકી ભવિષ્યમાં કશું ખરાબ થશે તેવું માનવું અલગ બાબત છે. મને પોતાને ટીવીમાં ડીસ્કવરી ચેનલ કે નેશનલ જીયોગ્રાફી ચેનલમાં સાપ વિશેના પ્રોગ્રામ જોયા પછી સાપનું સપનું કોઈ વાર આવતું હોય છે, પણ મને કદી તેવા સપનાનો ડર લાગ્યો નથી.
        આ સર્પનો ભય માનવજાત માટે એક સર્વાઈવલ મીકેનીઝમ છે. માનવજાત તો પછી આવી તે પહેલા આ દુનિયા ઉપર રેપ્ટાઈલ એટલે સરીસર્પનું રાજ ચાલતું હતું. આદિમ મેમલ પ્રાણીઓ માટે આ ખૂંખાર સરીસર્પથી બચવું અને નવી પેઢી મૂકતા જવું પડકાર જનક કામ હતું. આદિમ મેમલ પણ સર્પથી ડરતા હશે. કારણ સર્પ એમને સ્વાદિષ્ટ ભોજન ગણતા હશે. આજે પણ સર્પનું પ્રિય ભોજન આદિમ મેમલ એવું ઉંદર છે કે નહિ? સર્પનો ભય આપણાં જિન્સમાં માહિતીરૂપે પડેલો હોય છે. અને ક્યાંક ને ક્યાંક આપણે સાપ જોતા જ હોઈએ છીએ. શહેરોમાં જોવા ના મળે તો મદારી દેખાડી આપે. ગામડાઓમાં તો સાપ સાથે એન્કાઉન્ટર થવા સ્વાભાવિક છે. અને કોઈ નાં બતાવે તો મહાદેવના મંદિર તો છે જ. ત્યાં નાગદેવતા લિંગ ઉપર એમની છત્રછાયા બિછાવીને બેઠેલા જ હોય છે. બસ પેલો ડર અચેતન રૂપે સપના દ્વારા વ્યક્ત થવા લાગતો હોય છે. બધાને આવું થાય તે જરૂરી નથી. હવે વગડામાં રોજ જવાનું તો હોતું નથી. જે લોકો રોજ ખેતરોમાં વગડામાં ફરતા હોય અને સાપ અવારનવાર દેખાતા હોય તે સહજ હોય ત્યાં હું માનું છું આવો અતિશય સર્પનો ભય હોતો નથી.
    સાપનાં સપના આવે તે સત્ય હોય છે. અવારનવાર કે રોજ આવે તે પણ સત્ય હોય છે. હવે મહાદેવને દૂધ ચડાવવાનું કહેવાથી અને રોજ તેમ કરવાથી આપણાં મનને શાંતિ થઈ જાય કે હવે મહાદેવ સંભાળી લેશે. આમેય ભારતની ૯૯.૯૯ ટકા પ્રજા ખૂબ ધાર્મિક છે. એટલે એક વિશ્વાસ પેદા થાય કે હવે સાપનાં સ્વપ્ન બંધ થઈ જવાના. બસ એમ સાપના સપના આવતા બંધ થઈ જતા હોય છે, પણ એક જાતનું માઈન્ડ સાથે કંડીશનિંગ થઈ જાય છે.  જે દિવસે દૂધ ચડાવવાનું રહી જાય તે જાગૃત મનને ભલે ખબર ના હોય, પણ અચેતન મન કે સબ કોન્શિયસ મન કહો તેને તો ખબર જ હોય છે કે આજે દૂધ ચડાવ્યું હોતું નથી, તો તે રાત્રે સપનું ફરી આવતું હોય છે. જેમ કે બીડી કે ચા પીધા વગર પેટ સાફ ના આવે તેવું. સાપના સપના પછી, ઘણીવાર શરીરમાં કોઈ ગંભીર ઇન્ટરનલ રોગ હોય તેની સૂચના મળે તે સહજ અકસ્માત હોઈ શકે. બાકી ભાથીજી મહારાજને નાળિયેર ચડાવો કે મહાદેવને દૂધ ચડાવો તેની સાથે સાપને શું સંબંધ? ભાથીજી મહારાજ ખેડા જિલ્લાના ફાગવેલ ગામના હતા અને ગાયોને બચાવવા જતા શહીદી પામેલા. એમના ફોટા સાથે સાપનો એટલે કે નાગદેવતાનો ફોટો હોય છે. કઈ રીતે એમની સાથે જોડાઈ ગયો તે મને હિસ્ટ્રી મને ખબર નથી. ખેડા, બરોડા અને ભરૂચ જીલ્લાના લગભગ દરેક ગામમાં એમનું મંદિર હોય છે. ઉત્તર ગુજરાતમાં કે સૌરાષ્ટ્રમાં જોવા ના મળે. ત્યાં વળી બીજા કોઈ મહારાજ હશે. સાપના આદિમ ભયે જ સાપને મહાદેવ સાથે રહેવા મજબૂર કરી દીધો હશે, કે જુઓ અમારા મહાદેવ ભયાનક એવા સાપને ગળે લઈને ફરે છે ને?
    કાલીય નાગ, તક્ષક અને શેષનાગ આપણી પૌરાણિક કથાઓના અમર પાત્રો છે. લોકવાયકા અને એવી કથાઓ પણ હોય છે કે કોઈ નાના બાળકના માથે સાપે ફેણ ફેલાવીને એનું રક્ષણ કર્યું, આવા દ્રશ્યો જોઇને તે બાળક મહાન ચક્રવર્તી બનશે તેવી આગાહીઓ કરવામાં પણ આવી છે. આવી વાર્તાઓ ગોઠવી કઢાઈ હોય છે. એમાં કશું તથ્ય હોય નહિ. નાગ બદલો લે તેવા વાર્તાઓ પણ હોય છે, અને આવી બકવાસ વાર્તાઓના મુવી પણ બન્યા છે. સાપ પાસે મેમલ બ્રેઈન કે કોર્ટેક્ષ હોતું નથી, એની પાસે ખાલી રેપ્ટાઈલ બ્રેઈન હોય છે. સાપ કે કોઈ પણ  રેપ્ટાઈલ ઓક્સીટોસીન નામનું ન્યુરો કેમિકલ પેદા કરતા નથી, જે વિશ્વાસ અને પ્રેમનું જનક છે. સર્પ કોઈના ઉપર ટ્રસ્ટ રાખે નહિ. રેપ્ટાઈલ ત્રણ વસ્તુ જાણતા હોય છે, એક તો સામે સાઈઝમાં પોતાની પ્રજાતિનું હોય કે કોઈ પણ, નાનું સરીસર્પ મળે તો ખાઈ જાઓ, મોટું મળે તો ભાગી જાવ અને પોતાની પ્રજાતિનું પણ સરખી સાઈઝનું મળે તો સંભોગ કરો.
     સાપના સપના ખૂબ આવતા હોય તો સર્પ વિષે જેટલું જ્ઞાન પ્રાપ્ત થાય તેટલું કરવું જોઈએ. સાપના ફોટા કે ટીવી શો જોવા જોઈએ. પ્રાણીબાગમાં જઈને  સાપને નજદીકથી જોવો જોઈએ. સાપનાં ઍજ્યુકેશનલ શો જોવા જોઈએ. સેલ્ફ હિપ્નોસીસ કે  cognitive -behavioral therapy  જેવી થેરાપી લેવી જોઈએ કે ભાઈ સાપ હવે ભયજનક રહ્યા નથી. આપણે હવે જંગલમાં રહેતા નથી. અમદાવાદમાં હું મારા બાળકોને લઈને સાપ વિષે ઍજ્યુકેશનલ શો જોવા ગયો હતો. લગભગ જોધપુર ટેકરા એરીયામાં સુંદરવન હતું. ત્યાં જાતજાતના સાપ હતા, એક ઓપન એર થિયેટર હતું ત્યાં બેસીને આ શો જોવા મળતા હતા. અહી સાપને કાન હોતા નથી તે પ્રત્યક્ષ સમજાવેલું. ઝેરી કોબ્રાની ફેણ પાછળ તે ભાઈ તાલી પાડતા હતા પણ સાપ સાંભળતો જ નહોતો. પણ સામે આવીને હાથ હલાવ્યો તો ડંખ મારવા જબરી ઝડપ મારેલી. મદારીઓ સાપ વિષે ઘણીબધી અજ્ઞાનતા અને અંધ શ્રદ્ધા ફેલાવતા હોય છે. મદારીઓ સાપ દૂધ પીવે છે તેવું કહી પૈસા કમાતા હોય છે. સાપનો ખોરાક દૂધ નથી, દૂધ એના માટે ઝેર સમાન છે. પર્યાવરણની ચિંતા રૂપે નાગપંચમી શરુ થઈ હોવી જોઈએ, પણ આપણી અજ્ઞાનતા જુઓ. ખાલી નાગ પંચમીના દિવસે દર વર્ષે લાખો સાપ ભારતમાં મરી જતા હોય છે તેવો એક સર્વે આવેલો. આ દિવસે અંધ શ્રદ્ધાળુઓ પાસેથી કમાવા માટે મદારીઓ સાપના મોઢામાં પરાણે દૂધ રેડે છે, અને એના ફેંફસામાં દૂધ જતું રહેવાથી સાપ મરી જતા હોય છે. નાગ પંચમીનો તહેવાર સાપ માટે ભારતમાં એમનો મૃત્યુદીન બની જાય છે. નાગ પંચમી મનાવીને આપણે ઇકોલોજીની ચિંતા કરીએ છીએ કે નાશ?
         એક બણગાં ફૂંકનારા મિયા ફુસકી હતા. એક દિવસ વગડે જઈને આવ્યા પછી કહે,
  ‘આજ તો મૈને સો સાપ દેખે.’  મિત્રોએ કહ્યું ભાઈ સાવ ફેંકો નહિ,
 ‘એક સાથ  સો સાપ કૈસે નવરે પડ ગયે કે ઘૂમને નીકલે? ઐસા હો નહિ શકતા.’ પણ મિયાભાઈ  માને? કહે
‘ચલો સો નહિ તો પચાસ તો હોંગે હી હોંગે.’ મિત્રો કહે,
‘પચાસ ભી એક સાથ હો નહિ શકતે, જરા રંધા કમ ચલાઓ, કુછ ઢંગ કી બાત કરો.’  મિત્રો નકારતા ગયા તેમ ધીમે ધીમે ભાઈ સંખ્યા ઘટાડતા ગયા.છેવટે કહે,
‘સાલે દો તો થે હી માં કસમ જૂઠ નહિ બોલતા.’ મિત્રો કહે જુઓ સો ઉપરથી બે ઉપર આવી ગયા.
‘મિયા ખાલાકી કસમ સચ બતાદો.’ મિયા કહે,
‘ ક્યા કહું મૈ તો ગભરા ગયા થા, સાલા કુછ સલવલ સલવલ હોતા થા’