મમ્મી મારે હાલ સુઈ જવું નથી, Bedtime Protest.(Hard Truths About Human Nature). પશ્ચિમના જગતમાં નાના બાળકો નિયમિત, રાત્રે સુવા જવાનું કહેવામાં આવતા વિરોધ કરતા હોય છે. જાતજાતના બહાના કાઢતા હોય કે એમને થાક લાગ્યો નથી, ખરેખર તેઓ આખો દિવસ રમીને થાકેલા જ હોય છે. કે બહાનું કાઢે કે ભૂખ લાગી છે, તરસ લાગી છે, કે વાર્તા સાંભળવી છે, કે તેઓને ડર લાગે છે, અંધારાંનો ડર લાગે છે, કે કબાટમાં કે પલંગ નીચે કોઈ ભૂત છે કે રાક્ષસ છુપાયો છે વગેરે વગેરે. અને જે બાળકો ખૂબ નાના હોય જે શબ્દોમાં વ્યક્ત કરી શકતા નાં હોય તેવા રડતા હોય અને ચીસો પાડતા હોય છે.
બાળકો શા માટે આવો વિરોધ કરતા હશે? ફેમસ બિહેવિયરલ સાયકોલોજિસ્ટ જોહ્ણ વોટસન દલીલ કરતા હોય છે કે પશ્ચિમની સંસ્કૃતિમાં બાળકોને વધારે પડતી સ્વતંત્રતા અને છૂટ આપેલી હોય છે, જેના લીધે બાળકો સ્વછંદી બનીને બગડી જતા હોય છે. એટલે માતાપિતાએ મક્કમ રહીને આવો બાળકોનો વિરોધ ટાળીને એમને બગડતા રોકવા જોઈએ એવી ટીપીકલ સલાહ અપાતી હોય છે.
તજજ્ઞોની સલાહ અને માન્યતામાં કશું ખૂટતું હોય તેવું લાગે છે. શા માટે બાળકો રાત્રે સુવા જતી વખતે વિરોધ કરતા હશે? સૂર્ય પ્રકાશ કે રમકડા જેવી બીજી કોઈ પણ વસ્તુનો બાળકો વિરોધ કરતા નથી, પણ ઊંઘ જેઓના માટે સારી છે તેનો જ શું કામ? ઈવોલ્યુશનરી સાયકોલોજી શું વિચારે છે જોઈએ.
ભારતમાં આવું લગભગ બનતું નથી. બીજા દેશોના બાળકોની વર્તણૂકનો અભ્યાસ કરતા જાણવા મળ્યું કે Bedtime protest પશ્ચિમના દેશો અને પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ કરનારા લોકોના ઘરના બાળકોમાં ખાસ જોવા મળે છે. બીજા દેશોમાં અને ભારતમાં નાના બાળકોને એકલાં સુવડાવવાનો રિવાજ છે નહિ. બાળકો લગભગ માતાપિતા સાથે કે બીજા મોટેરાં સાથે એક જ રૂમમાં અને મોટા ભાગે એક જ પથારીમાં સુતા હોય છે. ત્યાં Bedtime protest અસ્તિત્વમાં છે નહિ. માટે તાત્પર્ય એવું નીકળે કે બાળકો સુવા જવા માટે વિરોધ કરતા નથી, વિરોધ એમનો એકલાં સુવા જવા વિષે હોય છે. જ્યારે બીજા દેશો અને ખાસ તો પૂર્વના દેશોના લોકોએ પહેલી વાર જાણ્યું કે પશ્ચિમની સંસ્કૃતિમાં નાના બાળકોને એકલાં સુવડાવતા હોય છે જુદી રૂમમાં ત્યારે બહુ મોટો આંચકો ખાઈ ગયેલા. અરે સાવ નાના ધાવણા બાળકને પણ જુદું સુવડાવે ત્યારે ખૂબ નવાઈ સાથે મોટો ઝટકો લાગે કે નાના બાળકો પ્રત્યે આટલાં ક્રૂર માતાપિતા કઈ રીતે બની શકે? અરે! એમના મોટા ભાઈ બહેન સાથે પણ સુવાનું નહી, દરેકની રૂમ જુદી. જો કે એક બેડરૂમના એપાર્ટમેન્ટમાં રહેતા હોય ત્યાં તો ભેગાં સુવાનો બીજો કોઈ વિકલ્પ હોય નહિ. સાધન સંપન્ન લોકો બાળકોને એકલાં સુવડાવવાની વ્યવસ્થા કરી શકતા હોય છે. એમના માટે જેટલા બાળકો તેટલી જુદી રૂમની વ્યવસ્થા સહજ હોય છે. એટલે નાં છુટકે બાળકોને સાથે સુવડાવતા ભલે હોય પણ પશ્ચિમની માનસિકતામાં બાળકોને જુદા સુવડાવવા તેવી માનસિકતા ઘર કરી ગઈ હોય છે.
ભારતમાં પણ અંધ અનુકરણે આવો ટ્રેન્ડ આવી ગયો છે સાધન સંપન્ન પરિવારોમાં. Hunter-gatherer સમાજ જેવા કે આફ્રિકાના મસાઈ હોય કે શાન બુશમેન જેવા હોય કે બીજા કોઈ પણ હોય તેવા લોકોને, બાળકોને પશ્ચિમના લોકો જુદા સુવડાવે છે જાણી બહુ મોટો આંચકો લાગેલો, કારણ તે લોકો જાણતા હોય છે કે અંધારાંમાં એકલાં છોડી જવા માટે બાળકો કાયમ વિરોધ કરતા જ હોય.
૧૦,૦૦૦ વર્ષ પહેલા આપણે બધા આખી દુનિયાના લોકો Hunter-gatherer જ હતા. બીજા સસ્તન પ્રાણીઓની જેમ ગ્રૂપમાં રહેવું આપણો ધર્મ હતો. આપણે એવી દુનિયામાં જીવતા હતા જ્યાં અંધારાંમાં એકલું પડેલું નાનું બાળક અને કિશોર રાત્રે ફરતા શિકારી પ્રાણીઓનો સ્વાદિષ્ટ નાસ્તો સહેલાઈથી બની શકે. ઘાસની બનાવેલી નાની ઝૂંપડી સંરક્ષણનું સાધન નહોતી. સંરક્ષણનું સાધન હતું પુખ્ત મોટી વયના મજબૂત, ઘરના કે ગ્રૂપના બીજા સભ્યોનું આસપાસ હોવું. જેટલા વધુ આવા સભ્યો આસપાસ હોય તેટલી બચવાની શક્યતા ઘણી વધારે હોય. બીજા તમામ મેમલ્સમાં પણ આજ સર્વાઈવલ ટેક્નિક હોય છે, નબળા અને નાના બચ્ચાઓ ટોળાની વચમાં રહે, અને રાત્રે તો ખાસ. કોઈ માનસિક બીમાર કે સાવ બેદરકાર માતા કે પિતા જ બાળકોને એકલાં છોડી દેતા પણ તેઓનું રક્ષણ કરવા સમૂહના બીજા લોકો હાજર રહેતા.
એટલે જ્યારે રાત્રે સાવ નાના બાળકો તો ઠીક પણ સગીર વયના કે કિશોરાવસ્થા ધરાવતા બાળકો પણ રાત્રે એકલાં પડતા ડરતા અને મોટેરાંનું ધ્યાન ખેંચવા રડવું સ્વાભાવિક છે. અને આ માહિતી, આ સર્વાઈવલની બેજીક ટેક્નિક પોતાના જિન્સ દ્વારા ફ્યુચર જનરેશનમાં પસાર કરતા જતા હોય છે.
એટલે જ્યારે તમારું બાળક રાત્રે એકલું સુવા માટે ઇનકાર કરે તો એવું ના સમજવું જોઈએ કે તેઓ તમારી અવગણના કરે છે, કે તમારી ઇચ્છાનું કે આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, પણ તેઓ ખરેખર ચીસો પડતા હોય છે તેમના વહાલા જીવન માટે. તમારું બાળક અંધારાંમાં એકલાં રહેવાનું આવે તો રડે છે કારણ જીનેટીકલી આપણે બધા hunter – gatherer છીએ, અને આપણાં બાળકોના જિન્સમાં માહિતી સંગ્રહાયેલી જ હોય છે કે રાત્રે એકલાં પડવું એટલે આત્મહત્યા છે.
Evolutionary mismatch નો આ એક ઉત્તમ નમૂનારૂપ દાખલો છે. કારણ આજનું વાતાવરણ જુદું છે, આપણે હવે આપણાં પૂર્વજો જેવા રહ્યા નથી, જંગલમાં રહેતા નથી. કે આપણાં evolutionary પૂર્વજો જે વાતાવરણમાં રહેતા હતા તેવા વાતાવરણમાં આપણે હાલ રહેતા નથી. કે આપણાં બાળકો સહેલાઈથી કોઈનું ભક્ષણ બની જાય તેવું હાલ બનતું નથી. આપણાં પૂર્વજોના સમયમાં પોતાના બાળકને ક્યારેય એકલું છોડતા નહિ. માતાપિતા, કાકાકાકી, દાદા દાદી કે ગ્રૂપના બીજા સભ્યો બાળક રડતા તરત દોડી આવતા. આજે કોઈ કારણ વગર બાળકો એકલાં પડતા રડે તે ઘણીવાર સમજણ વગરનું લાગતું હોય છે. એટલે આપણે માનતા હોઈએ કે બાળકોએ શીખવું જોઈએ. અને તજજ્ઞો માનતા હોય છે કે બાળકોને બગાડવા જોઈએ નહિ. એટલે લોકો બાળકો સાથે લડતા હોય છે એમને સાંભળવાને બદલે, સમજવાને બદલે કે બાળક ચેતવતું હોય છે કે કોઈ પણ બાળક રડે તો એને ઊચકી લો, એને ગળે લગાવો એની ચિંતા કરો, કાળજી રાખો, નહી કે એને એકલું છોડી દો.
તો શું કરીશું? એક્સપર્ટની સલાહ મુજબ બાળક સાથે સખ્તાઈ કરવી કે આપણાં જિન્સ કહે છે તેમ બાળકને સાથે સુવડાવવું? ભારતમાં લાખો ગરીબોને રહેવા એક ઓરડીના ફાંફાં હોય ત્યાં આવા હાઈ સોસાયટી પ્રશ્નો ઊભા થતા નથી. એટલે ખાસ ચિંતા કરવા જેવું નથી, પણ સાધન સંપન્ન પરિવારના લોકોએ આ બાબતે પશ્ચિમનું બધું સારું જ હોય તેમ માની અંધ અનુકરણ કરવું જોઈએ નહિ.