Tag Archives: Hindu

મનુસ્મૃતિ,અધ્યાય-૨/૧

મનુસ્મૃતિ,અધ્યાય-૨/૧
અહી ધર્મનું સ્વરૂપ જુઓ.
‘વેદ તથા શાસ્ત્રને જાણનારા અને નિત્ય રાગદ્વેષથી રહિત એવા ધર્મનિષ્ઠ પુરુષો જે ધર્મને પાળે છે તથા
અંતઃકરણથી જેનો કલ્યાણના સાધન તરીકે સ્વીકાર કરે છે તેનું નામ ધર્મ અને તે ધર્મ તમે
સાંભળો.’આવો બીજા અધ્યાયનો પહેલો શ્લોક છે.અહી મનુસ્મૃતિમાં કોઈ જટિલ ફિલોસોફી છે
નહિ,અહી સારો આચાર વિચાર ધર્મ છે.શું ખાવું,શું ના ખાવું,શું કરવું,શું ના કરવું
અને ભૂલોનું પ્રાયશ્ચિત છે.

બીજો શ્લોક જુઓ,ફળની ઇચ્છાનો સ્વભાવ સારો નથી;તેમ આ લોકમાં કામના વિના કર્મો
કરવામાં આવે,એ પણ સંભવિત નથી;કેમ કે વેદની જ્ઞાનપ્રાપ્તિ અને વૈદિક કર્મયોગ એ બંને
ઇચ્છાનો જ વિષય છે.અહી ઇચ્છાનો નિષેધ નથી.ફળની આશા સાથેના કર્મનો નિષેધ નથી.માણસ જે
કઈ કરે છે તે ઇચ્છાની જ ચેષ્ટા છે.ફળની આશા વગર કામ કોણ કરવાનું?ફળની આશા રાખીને
કામ કરવું તે કુદરતી છે.એટલે “કર્મણ્યે વાધીકા રસ્તે માફલેશું કદાચન”પુસ્તકમાં
સારું શોભે હકીકતમાં નહિ.સાધુઓ એમના લાભ માટે આ શિખામણ એમના ભક્તોને આપતા હોય છે,કે
કામ તમે કરો અને ફળ બધું અમને આપો.તમે ફળની આશા રાખશો નહિ.અમુક જાતનું કામ કરવાથી
મુક જાતનું પ્રત્યક્ષ ફળ મળશે તેવા વિચારને સંકલ્પ કહે છે તેવું અહી કહે છે.જો કે
અહી શાસ્ત્રો પ્રમાણે કર્મો કરવાની સલાહ છે બાકી નર્ક મળવાનું.

મનુએ બધો ધર્મ અહી વેદમાં હોય તે પ્રમાણે કહ્યો છે.મતલબ મનુસ્મૃતિ વેદનું અંગ
ગણાય.એવું પણ બને કે વેદોનું અહી ઇન્ટરપ્રિટેશન વ્યાજબી ના પણ થયું હોય.વેદોનું
સંસ્કૃત પ્રાચીન છે.એના અનર્થ થવા મુશ્કેલ નથી.અહી છઠ્ઠો શ્લોક શું કહે છે તે
જોઈએ.સમગ્ર વેદ,વેદ જાણનારાઓએ રચેલા ધર્મશાસ્ત્રો,તેમનું શીલ,સત્પુરુષોના આચાર તેમ
જ તેમના મનનો સંતોષ-એ ધર્મનું પ્રમાણ છે.આ શીલ તેર પ્રકારના કહ્યા
છે.બ્રહ્મનિષ્ઠતા,દેવો તથા પિતૃઓની ભક્તિ,કોઈ પ્રાણીને દુઃખ ના દેવું,બીજાના ગુણો
ઉપર દોષ બુદ્ધિ ના કરવી,(મતલબ અવગુણો ઉપર જરૂર કરવી),કોમલતા રાખવી,કઠોરતા ના કરવી
(જરૂર પડે કરવી પડે તો શું?),સર્વ તરફ મિત્રતા કરવી,સર્વને પ્રિય લાગે તેવું
બોલવું(આપણાથી પળાય તેમ નથી),કોઈએ કરેલો ઉપકાર ધ્યાનમાં રાખવો,શરણે આવેલાનો અનાદર
ના કરવો,સર્વ તરફ દયા રાખવી,અને ખૂબ શાંતિ જાળવવી(ગમે તેટલો ભ્રષ્ટાચાર થાય ભારતીયો
શાંતિ રાખે જ છે).

શ્રુતિ એટલે વેદ અને સ્મૃતિ એટલે ધર્મશાસ્ત્ર.આ બે ધર્મના મૂળરૂપ છે એનું અપમાન
કરે તેવા નાસ્તિકનો સત્પુરુષોએ બહિષ્કાર કરવો,એમાં ચાર્વાક ગયા અને હું પણ
જવાનો.હવે ડબલ સ્ટાન્ડર્ડ જુઓ,જ્યાં બે શ્રુતિઓ પરસ્પર વિરુદ્ધ મતની હોય,ત્યાં એ
બંને મતોને ધર્મરૂપ કહ્યા છે;કેમ કે પંડિતોએ તે બંનેને ઉત્તમ ધર્મો કહ્યા છે.એટલે
શ્રુતિ એકબીજાની વિરુદ્ધ કહી શકે આપણે નહિ.

“શ્રેષ્ઠ મહાપુરુષોના સાહસ અને ત્યાગ જોઈ જે બીજા ધર્મીઓ તેમનું અનુકરણ કરે
છે,તેઓ દુઃખી થાય છે.”સાચી વાત છે મહાપુરુષો મક્કમ મનોબળ ધરાવતા હોય છે તેમનું
અનુકરણ સમજીને ના થાય તો દુઃખી થવાય.

આ ધર્મ શસ્ત્રનો અધિકાર ખાલી બ્રાહ્મણ,ક્ષત્રિય અને વૈશ્યને જ છે,શૂદ્ર માટે
નહિ.ધર્મપાલન માટે દેશ બતાવ્યા છે.સરસ્વતી અને દષદ્વતી,એ બે દેવનદીઓની વચ્ચેનો
પ્રદેશ દેવોએ રચેલો છે તેને બ્રહ્માવર્ત કહે છે.હવે આ ભારતમાં છે કે બીજે?સરસ્વતી
ભારતમાં હતી તો દષદ્વતી ક્યાં આવી?હાલ તો સરસ્વતી પણ દેખાતી નથી.બ્રહ્માવર્ત પછી
કુરુક્ષેત્ર,મત્સ્ય,પંચાલ,અને શૂરસેન આ બ્રહ્મર્ષિઓના દેશ છે.હિમાલય અને વિંધ્યાચલ
વચ્ચે વિનશનથી પૂર્વ અને પ્રયાગથી પશ્ચિમે મધ્ય દેશ.આ બધો આર્યાવર્ત પણ કહેવાય.જે
દેશમાં ચાર વર્ણોની વ્યવસ્થા નથી તે મલેચ્છ દેશ.મતલબ મહમદ પછી મનુસ્મૃતિ લખી હશે તે
નક્કી.આવું વળી વિષ્ણુ પુરાણમાં છે તો વિષ્ણુ પુરાણ પણ ઇસ્લામનાં આવિર્ભાવ  પછી
લખાયું હશે??

બસ પછી તો જાતકર્મ,ચૂડાકર્મ અને મૌંજીબંધન એટલે જનોઈ વગેરેના નિયમો બતાવ્યા
છે.જનોઈ માટે મૌંજીબંધન શબ્દ પહેલીવાર જાણ્યો.વળી આ બધા સંસ્કારો કરવાથી દ્વિજોના
બૈજિક તથા ગાર્ભિક પાપો દૂર થાય.બૈજિક એટલે પિતાના બીજ સંબંધી.અહી મને અંગ્રેજીનો
બેજીક(Basic) શબ્દ યાદ આવી ગયો.આપણા જન્મનું પાયાનું(Basic)કારણ પિતાનું બીજ હોય
છે.બીજ ઉપરથી બૈજિક અને એના ઉપરથી બેજીક.મારું તારણ ખોટું પણ હોઈ શકે.

નામ પાડવાનાં કેવાં?બ્રાહ્મણનું મંગલકારી,ક્ષત્રિયનું બલ્યુક્ત,વૈશ્યનું ધન યુક્ત
અને શૂદ્રનું તુચ્છતા દર્શક.બ્રાહ્મણ નામ પાછળ શર્મા,ક્ષત્રિય પાછળ વર્મા,વૈશ્ય
પાછળ ગુપ્ત,ભૂમિ અથવા દત્ત અને શૂદ્ર પાછળ દાસ લાગવું જોઈએ.જોકે પછી કોઈએ આ નિયમ
પાળ્યા નથી.વૈશ્યને પણ જનોઈનો અધિકાર હતો.ખાલી શૂદ્રને નહિ.હવે જનોઈનું મહત્વ
બ્રાહ્મણ સિવાય કોઈને નથી.મારા પિતાશ્રી જનોઈ પહેરતા હતા.એમના સમયમાં ધામધૂમથી જનોઈ
વિધિ કરેલી તેવું કહેતા હતા.સ્ત્રીઓ માટે વિવાહ વિધિમાં બધા સંસ્કાર આવી જાય કોઈ
અલગથી વિધિ કરવાની જરૂર નહિ.પતિસેવા એજ વેદાધ્યયન,ગૃહકાર્ય એજ અગ્નિહોમ
ક્રિયા.

ભોજનના નિયમોમાં સાંજે અને સવારે ભોજન કરવાનું  કહ્યું છે,બપોરે
નહિ.એઠું કોઈને આપવું નહિ અને એઠાં ઉઠાય નહિ.અતિશય ખાવાની મનાઈ છે.

ઓમકાર અને ગાયત્રી મંત્રનું મહત્વ ખૂબ ગણાવ્યું છે.જોકે હવે ગાયત્રી માતાને બદલે
દશામાં,સંતોષીમાં જેવા નકલી માતાઓએ સ્થાન જમાવ્યું છે.પંડિત રામ શર્મા આચાર્યને
લીધે વળી પાછાં ગાયત્રી માતા લાઈટમાં આવ્યા છે.

ઇન્દ્રિય નિગ્રહનાં ગુણગાન ગયા છે અહી.એક વાત અહી  બહુ સત્ય કહી છે કે વિષયભોગની
ઇચ્છા  વિષય ભોગથી શમતી નથી કોઈ વાર હોમદ્રવ્ય નાખવાથી અગ્નિ વધે તેમ વધે.અને તેવી
રીતે ઇન્દ્રિયોને વિષયસેવનનાં ત્યાગથી વશ કરી શકાતી નથી.પણ જ્ઞાનથી નિત્ય વશ કરી
શકાય છે.મતલબ ત્યાગ જરૂરી બિલકુલ નથી,તેમ અતીભોગથી બચવું જરૂરી છે.સારો ઉપાય જ્ઞાન
છે.જ્ઞાન છે મુક્તિનો મારગ.એમાય શરીરને ક્ષીણ કરવાનું તો જરા પણ કહ્યું નથી.

વિદ્યા વિષે-એક તો પૂછ્યાં વિના કદી ઉપદેશ આપવો
નહિ,અન્યાયથી પૂછનારને ઉત્તર ના આપવો.જોકે હું જે બાબતમાં અજ્ઞાની હોઉં અને નકામી
મહેનત કરતો હોઉં,ત્યારે કોઈ વગર પૂછે સલાહ આપે તો મને ખૂબ ગમે છે,સલાહ આપનારની ઉંમર
ગમેતેટલી હોય કોઈ વાંધો નહિ.’બ્રહ્મવાદીએ વિદ્યા સાથે જ મરી જવું સારું પણ ઘોર
આપત્તિમાંએ એણે ખારી જમીનમાં  વિધ્યારુપી બીજ વાવવું  નહિ.અહી ખારી જમીન કોને
માનવી?મનફાવે તેને કુપાત્ર કહી શકાય.થોડા કુપાત્રોને લીધે સાચા અભ્યાસુ વિદ્યા વગર
રહી જવાના.અને એમજ ભારત વિદ્યાવિહીન બનતું ગયું.બ્રાહ્મણ સિવાય કોણ ભણવા
જતું?દુનિયામાં સૌ પ્રથમ યુનીવર્સીટી નાલન્દા અને તક્ષશિલા સ્થાપનારાના દેશમાં લોકો
અભણ રહેવા લાગ્યા.આજે આપણે આ બે યુનીવર્સીટી સર્વ પ્રથમ હતી તેનો ગર્વ અનુભવીએ છીએ
તે બરાબર છે,પણ આવી સેંકડો કેમ ના સ્થાપી?આખી દુનિયા અમેરિકા નહિ ભારતમાં ભણવા આવતી
હોત કે નહિ?આખી દુનિયા અંગ્રેજીના બદલે સંસ્કૃત,પ્રાકૃત કે પાલી ભણતી હોત કે નહિ??