સૌનો લાડકવાયો (સ્વ શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૧૬મી જન્મ જયંતી)
સૌના લાડકવાયા સ્વ. મેઘાણીભાઈની ૧૧૬ મી જન્મ જયંતી ઉપક્રમે ગુજરાતી લિટરરી એકેડેમી ઑફ નૉર્થ અમેરિકા અને ટીવી એશિયાના સંયુક્ત પ્રયાસ દ્વારા એક નાનકડો સાદગીપૂર્ણ પણ ભવ્ય કાર્યક્રમ ૯ સપ્ટેમ્બરના રોજ ટીવી એશિયાના ઓડીટોરીયમમા શ્રી ભીખુદાન ગઢવીની નિશ્રામાં યોજાઈ ગયો. હમણાં ‘ચાલો ગુજરાત’ જેવો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ માણેલો જ હતો, એનો કેફ ઊતર્યો પણ નહોતો અને મિત્રશ્રી દિલીપભાઈનો ફોન આવી ગયેલો આવો સરસ મજાનો પ્રોગ્રામ ઘરઆંગણે થવાનો છે. બ્લોગર મિત્ર શ્રી. જગદીશભાઈએ જણાવેલું એક કોમેન્ટમાં પણ નેટ બંધ હોવાથી મને ખબર નહોતી. પણ જગદીશભાઈ મારી આગળ બેઠેલાં જ હતા. વળી હમણાં આપણ રામ આરામ હી રામ હૈના સૂત્રનો અમલ પ્રામાણિકતાથી કરીએ છીએ. એટલે આવા કાર્યક્રમમાં જવામાં ખાસ કોઈ અડચણ આવે નહિ.
હું પહોચ્યો ત્યારે ગુજરાતી લિટરરી એકેડેમીના પ્રમુખશ્રી રામભાઈ ગઢવી શરૂઆતમાં કરાનારા ઔપચારિક ભાષણ કરી રહ્યાં હતા. રામભાઈ મિતભાષી છે. અને એમના વક્તવ્યોમા હાસ્યરસ ઓટોમેટિક ભળી જતો હોય છે. સાદાં સરળ પ્રકૃતિના રામભાઈ સ્માઈલિંગ ફેસ ધરાવતા વ્યક્તિ છે. માઇક પર બહુ સમય લે નહિ. પણ આપણને એવું થાય કે માઇક એમનો સમય વધુ લે તો વધારે હસવાનું મળશે અને મજા પડી જાય. અને એમના સાચા વખાણ કરીશું તો કહેશે લે આતો મને પણ ખબર નહોતી. પ્રોગ્રામનું સંચાલન કરતા બેન ગાયત્રીને ઉદ્દેશીને કહેશે કે આ ગાયત્રી મારા વધુ પડતા વખાણ કરે છે જો કે વખાણ કોને ના ગમે એવું પણ ઉમેરી લેવાના.
માઇક માટે એકદમ પરફેક્ટ અવાજ ધરાવતા ગાયત્રીને સાંભળી મને લાગ્યું ફીમેલ હરીશ ભીમાણી. વક્તાઓનો પરિચય આપવાની અને એમને બોલવા આમંત્રણ આપવાની જવાબદારી નિભાવતા નિભાવતા મેઘાણીભાઈ વિષે પણ સુંદર બોલતા જવાનું. અવાજનું માધુર્ય બહુ ઓછા લોકોના નસીબમાં હોય છે. ગાયત્રીને અવાજમાધુર્ય અને રૂપમાધુર્ય બંને વરેલું છે.
અવાજ વિષે કહું તો હું બહુ જલદ દાઝી જવાય તેવું લખું છું તેવું મિત્રો માને છે ભલે મને ના લાગતું હોય. પણ જ્યારે મારા વાચકમિત્ર સાથે ફોન પર કે રૂબરૂ વાત કરું તો તે લોકો માની શકતા નથી કે મારો અવાજ મારા લખાણો જેટલો જલદ કે પ્રભાવશાળી નથી. ઘણા મિત્રોએ કહ્યું કે મારો અવાજ બહુ સોબર છે. મારા લખાણો પરથી મિત્રો માની લેતા હશે કે આમનો અવાજ પણ કોઈ મેઘગર્જના જેવો હશે. મેં એક મિત્રને જણાવેલું પણ ખરું આવી ચર્ચા દરમ્યાન કે હરીશ ભીમાણી કે બચ્ચન મારા જેવું જલદ લખી ના શકે ભલે એમનો અવાજ ભારેખમ હોય. હહાહાહાહા!!!
ઓગસ્ટ ૨૮, ૧૮૯૬ ચોટીલામાં જન્મેલા અને માર્ચ ૯, ૧૯૪૭મા ફક્ત ૫૦ વર્ષની ઉંમરે ગરવી ગુજરાતને કાયમ માટે છોડી સ્વર્ગારોહણ કરનારા ઝવેરચંદ મેઘાણીના જિન્સ હાજર હતા. એમના મોટાપુત્ર મહેન્દ્રભાઈ મેઘાણી તો હાજર નહોતા પણ એમનું આઠમું સંતાન અને સૌથી નાના પુત્ર એવા શ્રી અશોકભાઈ મેઘાણીને જોઈ એવું લાગ્યુંકે મારા માનિતા સાહિત્યકાર સદેહે હાજર છે. શ્રી અશોકભાઈ મેઘાણી ગ્રેટ પિતાશ્રીની યાદમાં એટલાં ગળગળા હતા કે કશું વધુ બોલી શક્યા નહિ. એમણે કહ્યું હું શું બોલું? એ બહુ નાનાં હતા ફક્ત ચાર વર્ષના અને પિતા ગુજરી ગયેલા. એમનો ચહેરો કે સ્મૃતિ ચિહ્ન યાદ જ નથી. જે કાઈ પણ છબી પિતાની માનસપટલ પર ઊપસે છે તે એમના જોએલા ફોટા અને એમનું લખેલા સાહિત્યનું પ્રતિબિંબ છે. એટલું યાદ છે કે એમના પિતા કશું કામ કરતા હોય લખતા હોય અને એમને ખલેલ પહોચાડવાની સખત મનાઈ હોય ત્યારે કશું કામ પડે તો બાળ અશોકને ઓરડામાં મોકલવામાં આવતો.
હવે વારો આવ્યો કાજલ ઓઝા વૈદ્યનો. કાજલે મેઘાણીભાઈના જન્મ દિવસ વિષે તારીખ, વાર, તિથિ, સમય, ચોટીલાના અક્ષાંશ-રેખાંશ, નક્ષત્ર, રાશી અને ચંદ્ર્લગ્ન બધું બોલીને પહેલે સપાટે મોભો પાડી દીધો. મને મનમાં ખૂબ હસવું આવ્યું અને આજુબાજુના મિત્રો સાશ્ચર્ય પ્રભાવિત થઈ ગયા. કાજલ ઓઝાએ પ્રમાણિકતાથી કહ્યું કે ‘ હું મેઘાણીભાઈ જેવા સમર્થ બહુમુખી સાહિત્યકાર વિષે કહેવા બહુ નાની પડું, અને એના માટે મારે ઘણુંબધું લેસન કરવું પડ્યું.’ જો કે ઓઝા એમના કરેલા લેસન માટે ૧૦૦ માંથી ૧૦૧ માર્ક લઈ ગયા તે હકીકત છે. કાજલ ઓઝાએ મેઘાણીભાઈ વિષે એટલી બધી રસપ્રદ સુંદર અને બહુ જાણીતી ના હોય તેવી માહિતી પીરસી કે ના પૂછો વાત. એમના વક્તવ્યનો ભાવાર્થ લખું કે મેઘાણી ભાઈએ સાહિત્યના લગભગ તમામ પ્રકારનું ખેડાણ કર્યું છે. કવિતા, ટૂંકી વાર્તા, નવલકથા, નિબંધ, નાટકો, અનુવાદ લગભગ તમામ પ્રકારના સાહિત્યમાં એમનો હાથ હમેશા ઉંચો રહ્યો છે. મેઘાણીભાઈ કોલમ લખતા હતા. ૧૯૩૭ના ગાળામાં દેશવિદેશની ખૂબ સુંદર અને અણજાણ માહિતી કોલમમાં પીરસતા હતા. તે સમયે ક્યાં ઇન્ટરનેટ હતું? ફ્રેંચ રાષ્ટ્રગીત કોણે અને કયા સંજોગોમાં લખેલું તે માહિતી તે સમયે મેઘાણીભાઈ ક્યાંથી ખોળી લાવતા હશે? અનુવાદમાં તો એમણે સાદાં અનુવાદ નથી કર્યા પણ અનુસર્જન કર્યું છે. અનુવાદમાં પણ એમની સર્જકવૃત્તિએ મેદાન માર્યું હતું. લાગે જ નહિ કે આ અનુવાદ છે. કવિ લૉર્ડ બાઈરન એમના પ્રિય હતા. દુનિયાની મોટાભાગની ભાષાના સાહિત્યને તેમણે ખેડ્યું હતું અને એનું ગુજરાતીમાં દર્શન કરાવ્યું હતું. વૈશ્વિક સાહિત્યને ગુજરાતી ફલક પર ઉતારનારા એ સૌના લાડકવાયા મેઘાણીભાઈ હતા. એસ્કિમોને ‘હિમબાળ’ તરીકે ઉતાર્યા હતા. આમ મેઘાણીભાઈ ઉત્તરધ્રુવ પણ પહોચી ગયા હતા. ટોલસ્ટોયના પત્નિએ કોઈ પુસ્તકમાં એના પતિની નિંદા કરી હશે એના માટે મેઘાણીભાઈએ શબ્દ વાપર્યો છે સાહિત્યમાં ચમારવૃત્તિ..મેઘાણીભાઈએ રવીન્દ્રનાથ ઠાકુરને(કુરબાનીની કથા) પણ ગુજરાતીમાં ઉતાર્યા હતા. શ્રી કાજલ ઓઝા વૈદ્ય જેવી આજની સમર્થ લેખિકા મેઘાણીભાઈ જેવા ભવ્ય સાહિત્યકાર વિષે બોલતા હોય અને તે પણ પુરા હોમવર્ક સાથે ત્યારે કાઈ કહેવાપણું હોય ખરું? અઢળક માહિતી એમણે પીરસી જે બધી અહી ઉતારવી અશક્ય છે.
ડૉ મહેતાનું કહેવું હતું કે ઢેલીબાઈ અને અમૃતલાલ શાહ એમના જીવનનો ટર્નીગ પોઇન્ટ હતો. ઢેલીમાંએ એમને લોકસાહિત્યમાં રસ લેતા કર્યા અને અમૃતલાલે પત્રકાર, તંત્રી, એડિટર બનાવ્યા. મેઘાણીભાઈ ફૂલછાબ અને જન્મભૂમિમાં એડિટર હતા.
‘ચાલો ગુજરાત’ ના આયોજક સુનીલ નાયકે કહ્યું કે કાજલ ઓઝા વૈદ્ય બોલી ચૂક્યા હોય અને ભીખુદાન ગઢવી બોલવાના હોય તે વચ્ચે હું સમય લઉં તે મારા અને બીજા શ્રોતાઓ માટે પનીશમેન્ટ કહેવાય.
હવે જેની ઉત્કંઠા પૂર્વક રાહ જોવાતી હતી તેવા જાણીતા શ્રી ભીખુદાન ગઢવી અને એમનો નાનકડો ડાયરો સ્ટેજ પર વિરાજમાન થયો. એમના શબ્દોનો ભાવાર્થ જણાવું કે મેઘાણીભાઈએ લોકસાહિત્યનું જબરદસ્ત સંકલન કર્યું છે. એના માટે ગામેગામ તેઓ રખડતા હતા. ભીખુદાનભાઈ વચમાં એમના ચારણી ગાળાને ગહેકાવી પણ લેતા હતા. વચમાં હસાવી પણ લેતા હતા. આખેઆખું લોકસાહિત્ય જેના મોઢે હોય તેવા ભીખુદાન ગઢવી જ્યારે સમર્થ સાહિત્યકાર એવા મેઘાણીભાઈ વિષે કહેતા હોય, ગાતા હોય ત્યારે કાઈ કહેવાપણું હોય ખરું? વચમાં વચમાં ભારતીબેન વ્યાસ અને બીજા સાથી ગાયક કલાકારો પાસે મેઘાણીભાઈએ રચેલી રચનાઓ પણ ગવડાવતા હતા. ભીખુદાન ભાઈએ જણાવ્યું કે મેઘાણીભાઈ લોકસાહિત્યને સામાન્યજન પાસેથી પણ શોધી લાવવા ખૂબ મહેનત કરતા. એમના મનમાં આવ્યું કે મારે દરિયાના ગીતો ભેગાં કરવા છે. ખૂબ તપાસના અંતે જાણવા મળ્યું કે કોઈ ખારવા કોમની ડોશી આવા ગીતો ગાતી હોય છે. મેઘાણીભાઈ યેનકેન પ્રકારે એની પાસે પહોચી ગયા. આતો મજુરબાઈ ક્યાંક કામ કરતી હતી. મેઘાણીભાઈ ત્યાં બેસી ગયા કહે મા મને દરિયાના ગીતો સંભળાવ. ખારવા દરિયાની ખેપ મારવા જાય ત્યારે અને એના સંદર્ભને ગવાતા ગીતો એમણે એની પાસેથી સાંભળ્યા. ભાવાર્થ એવો હતો કે જુવાનિયા દરિયામાં તોફાનો આવે હિંમત હારતો નહિ. એક ગીત એવું હતું કે માતા એના દીકરાને કહેતી હતી કે હું દરણા દળીને તને ખવડાવીશ પણ હવે દરિયામાં ખેપ નહિ મારવા દઉં. માના પ્રેમની આ બધી વાતો છે. આવી બધી પંક્તિઓમાં ભીખુદાનભાઈના કંઠના કામણ ભળે એટલે વાતાવરણ ભાવુક બની જાય.
તબલાવાદકનો પરિચય આપ્યા પછી એમણે કહ્યું કે એકવાર કોઈ નદીમાં બહુ મોટું પુર આવેલું ગામ લોકો જોવા ભેગાં થયેલા. તો લોકોએ જોયું કે નદીમાં તબલાની જોડ તરતી તરતી જતી હતી. કોઈ વડીલે જુવાનિયાને કહ્યું કે અલ્યા ગમેતેમ કરી કાઢી લો કામ લાગશે. આમેય નવરાત્રિમાં વગાડવા ખૂટે છે. લોકોએ મહામહેનતે તબલા કાઢ્યા તો ભેગાં ભગત પણ બહાર નીકળયા. તબલા કેડે બાંધી ભગત જતા હશે ને પુરમાં ફસાઈ ગયેલા. એક ઝાડ પર અડધો દિવસ ઊંધા ટીંગાડી રાખ્યા અને બધું પાણી નીકળી ગયું ત્યારે ભગત માંડ માંડ બોલ્યા કે એકાદી કળા આવડતી હોય તો બચી જવાય. તબલાએ એમને બચાવ્યા. હસાવવાની કળા ડાયરાના કલાકારને ના આવડતી હોય નવાઈ કહેવાય. ભીખુદાનભાઈ ખૂબ હસાવે.
એક બહુ ઉત્તમ વાત કહી કે ‘તોતડી જીભ હોય તે પ્રભુની દેન છે પણ તોછડી જીભ હોય તો વાંક આપણો છે, જીભ પરના ઘા તો રુઝાઈ જાય પણ જીભે દીધેલા ઘા કદી રુઝાતા નથી.’ એક સાસુ વહુનો સરસ દાખલો આપ્યો જે દરેક સાસુ વહુએ ગાંઠે બાંધવા જેવો છે. એક વહુ નવી પરણેલી સાસરીમાં કોઈ ખાઉધરી સમજી ના લે માટે ઓછું ખાતી. દિયર જોડે સાઠગાંઠ કરી તલની ઘાણીથી તલની સાની(હાની) છાનામાની મંગાવી ઘંટી નીચે સંતાડી રખાવતી. વહેલી સવારે દળણું દળવા બેસે એટલે ખાઈ લે. પણ એકવાર સાસુએ કચરો વળવા સાવરણી ફેરવી ને પેલો કચરીયાનો વાટકો બહાર આવ્યો, સાસુ સમજી ગઈ બધી વાત પણ ચાખી જોયું તો હાની મોળી હતી. સાસુએ એમાં ગોળ ભેળવી દીધો. ઘણા દિવસ આવું ચાલેલું. વર્ષો પછી વહુ સાસુ બની ગઈ અને સાસુ વડસાસુ. ઘરડા વડસાસુએ નવી આવેલી વહુ વિષે પૂછ્યું તો એમની વહુએ જવાબ આપ્યો કે બધી વાતે સરસ છે પણ કામમાં જરા મોળી છે. વૃદ્ધ વડસાસુએ જવાબ આપ્યો કે એમાં શું થયું જરા ગોળ ભેળવી દે. તને ખબર નથી પણ તારી હાનીમાં મેં ખૂબ ગોળ ભેળવ્યો હતો.
ભીખુદાનભાઈ આવી અનેક વાતો કરતા હતા. મેઘાણીભાઈની રચનાઓ ગાતા અને ગવડાવતા હતા. એમના વિષે બીજા કવિઓએ રચેલી રચનાઓ પણ જણાવતા હતા. પણ મારે એક બર્થડે પાર્ટીમાં જવાનું હોવાથી કમને પ્રોગ્રામ અધુરો મૂકી ભાગવું પડેલું.
મિત્રોને ખબર નહિ હોય અહી સભામાં હું હતો ત્યાં સુધી ઉલ્લેખ થયો નહોતો પણ “સિંધુડો” રચવા બદલ બ્રિટીશ રાજે શ્રી મેઘાણીને બે વર્ષની જેલમાં નાખ્યા હતા. શ્રી મેઘાણી ઉમદા સાહિત્યકાર, સાહિત્ય દ્વારા સમાજસુધારક અને ફ્રીડમ ફાઇટર પણ હતા. એમની વાર્તાઓમાં સમાજના છેવાડાના ગણાતા પાત્રોના મુખે સમાજમાં ચાલતી બદીઓ સામે જબરદસ્ત પંચ મુકાયેલા છે.
સૌરાષ્ટ્રની રસધાર નહિ વાંચી હોય એવા કેટલા ગુજરાતીઓ હશે? એકપણ ના હોવો જોઈએ એવું મારું માનવું છે. બાકીના ગુજરાતને સૌરાષ્ટ્રની સાચી ઓળખ આપનારા, સૌરાષ્ટ્રના ખમીર અને શૌર્યથી બાકીના ગુજરાતને અવગત કરાવનારા એવા મેઘાણીભાઈ “સૌના લાડકવાયા” હતા. નાન્હાલાલ સાહિત્યના પર્યાય હતા અને ગાંધીજી લોકોના પર્યાય હતા અને બંનેને સેવનારા મેઘાણીભાઈ લોકસાહિત્યના પર્યાય હતા આવી મેઘાણીભાઈની ઓળખ આપનારા શ્રી અશોકભાઈ મેઘાણીને ફરી યાદ કરીને હું સ્વ. શ્રી ઝવેરચંદ મેઘાણીને ખૂબ ખૂબ વંદન કરું છું.