Category Archives: હાસ્યરસ

I love you….કુછ ખટ્ટા કુછ મીઠ્ઠા…

ધ્રુવરાજસિંહ,
યુવરાજસિંહ
Harpalsinh
દક્ષાકુંવરબા

 

 

 

 

 

 

મને એક દિવસ ચાલુ જોબ પર મજાક કરવાનું મન થયું. એક મિત્રે ઘેર ફોન જોડ્યો હતો, કશું પૂછવું હશે. હું મજાકનાં  મૂડમાં હતો. મિત્ર હતા પ્રદીપ પટેલ, ઉંમર ૪૬ વર્ષ, બરોડાની બાજુના કોઈ ગામના હતા, અને ઘડીયાળી પોલ વડોદરામાં રહેતા હતા.
‘ઘેર ફોન કરો છો, વાઈફ ને?’
‘હા!’
‘તો I  love you કહેજો વાત પૂરી થાય એટલે.’
‘તો તો આખી રાત એને ઊંઘ જ નહિ આવે.’
‘કેમ એવું?’
‘૨૦ વર્ષ થયા, પહેલી વાર I love  you સાભળશે તો એને આખી રાત ઊંઘ નહિ આવે.’
બધા ખુબ હસ્યા. એ મિત્ર પણ ખુબ હસ્યાં. કહે મેં ૨૦ વર્ષમાં કદી આવું કહ્યું જ નથી. મેં પૂછ્યું કે તમારા વાઈફે તમને એવું કહ્યું છે? તો કહે નાં એણે પણ મને કદી કહ્યું નથી. પાછું મેં પૂછ્યું કે કોઈ ગર્લ ફ્રેન્ડને કહેલું ખરું? તો કહે હા. ગર્લ ફ્રેન્ડને તો ઘણી વાર કહેલું. પણ એ પત્ની નહિ બનેલી. કોઈ બીજાની પત્નીનું પદ શોભાવતી હશે.
બીજા એક ૫૫ વર્ષના મિત્ર હતા જ્યોતીન્દ્ર પટેલ. મૂળ ધર્મજના પણ અમદાવાદ મણીનગરમાં જ રહેલા હતા. એમને મેં  સવાલ કર્યો.
‘એ દાદા દોડકે! તમે કદી I love you તમારા વાઈફ ને કહ્યું છે ખરું?’ …ખુબ એનર્જેટિક છે માટે અમે દાદા દોડકે કહી માન આપીએ છીએ.
‘એમાં વળી શું કહેવાનું?’
‘કોક દિવસ તો કહ્યું હસે ને?’
‘નાં કોઈ દિવસ નહિ, બધા જોણે સે કે એ મારી બૈરી સ અને હું ઈનો ધણી સુ.’
‘તમેય ખરા છો ને?’
‘અલ્યા વળી એમાં હું, ઇ ન ખબર સ કે આ કદી ચો ય  જવાનો નથી, જશે તો પાસો જ આવવાનો સ, એ મને પ્રેમ કર સ ને હું ઈ ન  પ્રેમ કરું સુ, ઈ માં કેવાનું હું?’
વળી પાછા બધા ખુબ હસ્યાં. એક ભાઈ કહે આ ખોટો પૈસો બીજે ચાલવાનો નથી. પાછો જ આવશે એવી એમના વાઈફને ખબર હશે. એક નવો આવેલો ૨૩ વર્ષનો સચિન પટેલ છે. મેં એને પૂછ્યું કે,
‘સચિન કેટલા વર્ષ થયા લગ્ન કરે?’
‘બે વર્ષ’
‘અહી અમેરિકા આવ્યે કેટલો વખત થયો?’
‘પાચ મહિના જ થયા છે’.
‘તમે કદી વાઈફ ને I love you કહ્યું છે?’
‘કહ્યું છે ઘણી વાર, પણ અહીની વાઈફ અને લાઈફનો કોઈ ભરોસો  નહિ.’
‘અલ્યા એવું કેમ કહે છે?’
‘ભાઈ મારી વાઈફ તો અહી ૨૦ વર્ષ થી રહે છે, અહીની છોકરીઓનો શું ભરોસો?’ ક્યારે કાઢી મુકે શું ખબર પડે.
એટલું બધું હસ્યા કે બધાને પેટમાં દુખે તેવું થયું. આ સચિનને પોતાની પેથોલોજીકલ લેબ હતી. બીજા લોકો કહે શું તોડવા અહી આવ્યો હશે? ઝાડ(દેવાદાર અમેરિકા) પરથી લીલી નોટો તોડવા બીજું શું. બીજા પીયુષ પટેલ છે. ઉમર  ૪૦ થવા આવી છે. કહે મેં તો હજુ લગ્ન જ કર્યા નથી માટે મને એવું પૂછતાં જ નહિ. ગેરકાયદે અમેરિકામાં ઘુસ્યા છે. નથી ભારત જવાતું લગ્ન કરવા, જાય તો પાછું અવાય નહિ. ઉમર વધતી જાય છે. છોકરીઓ પસંદ આવતી નથી કે પછી છોકરીઓને એ પસંદ નથી આવતા.
બીજા સતીશ માસ્તર હતા ભરૂચ બાજુના. એ પણ લગભગ ૫૫ વર્ષના કહે આપણાં જમાનામાં કોણ એવું કહે? મેં કદી કહ્યું નથી. મેં કહ્યું માસ્તર કોક દિવસ તો કહેવું હતું. ચાલે યાર એમાં શું કહેવાનું? મિત્રો આ મજાકિયો ઈન્ટરવ્યું   થોડામાં ઘણું બધું કહી જાય છે. શું કહી જાય છે તે મિત્રો પ્રતિભાવ રૂપે કહેશે તેવી આશા છે.
શું પત્નીને I love you ના કહેવું જોઈએ? ગમે તેટલા વર્ષ થઇ ગયા હોય લગ્ન કર્યે હવે ના કહી શકાય એવું ખરું? છો ને આખી રાતનાં ઊંઘે એવું કહેવામાં શું વાંધો?
સારું થયું મને સામો કોઈએ સવાલ નાં કર્યો. છતાં  મિત્રો મારા ઘેર ના કહી દો તો કહું. છાનું રાખવાનું હો કે!!  મેં વાઈફ સાથે ઘણી બધી સ્ત્રીઓને એવું કહેલું છે અને સામેથી મને પણ ઘણી બધી સ્ત્રીઓએ એવું કહેલું છે. મારા લગ્ન થયેલા નહિ એ વખતની વાત છે.  ત્યારે મારી માનેલી ને ઘેર હું જતો ત્યારે મારા હાથમાં I love you લખીને એને બતાવતો. તો એ સ્કુલમાં ભણતી, એની ફૂટ પટ્ટી વડે મારા હાથમાં મારતી. હું હાથ પાછો લઉં જ નહિ. એ મીઠા ગુસ્સામાં માર્યા જ કરતી. પણ મારી ધીરજ અમાપ હતી. પછી એને પસ્તાવો થતો હશે. એના પ્રાયશ્ચિત રૂપે કે પછી આમની સહન શક્તિ(માર ખાવાની) સારી છે ભવિષ્યમાં વાંધો નહિ એવું  વિચારી  આજે એ મારા  ધર્મપત્ની છે. મારા ત્રણ ડેશિંગ દીકરાઓની માતા છે. ધ્રુવરાજસિંહ, યુવરાજસિંહ અને હરપાલસિંહના માતુશ્રી દક્ષાકુંવરબા એ આ ભુપેન્દ્રસિંહના અર્ધાંગીની છે. હહાહાહાહા!!!

“ભલીયા પુરાણ”!!!!!!

   ભલીયા પુરાણ 
           
             *અમારા  બચપણ ના મિત્ર જયેશભાઈ ઉર્ફે ભલાભાઈ ઉર્ફે રન્ધાભાઈ ને ભગવી ધજા પ્રત્યે ખુબ પ્રેમ.નાનપણ માં સાચું કહેતો હોય તો એ જાણે,પણ એવું કહેતો કે આર.એસ.એસ ના કોઈ ઓ.ટી.સી જેવા કેમ્પ કરેલા છે.એટલે લાઠીદાવ વિગેરેમાં ખુબ માહેર છે.આમ ભગવી ધજા પ્રત્યે નો પ્રેમ એમના ગાંધીજી પ્રત્યેના અણગમાનું કારણ બનેલો.મને ભલે ગાંધીજી ના ઘણા બધા વિચારો પ્રત્યે અસંમતી હોય પણ એમના પ્રત્યે માન ખુબ.કોઈવાર ગાંધીજી વિષે ચર્ચા થાય.આમેય ભલાભાઈ નો વાણીપ્રવાહ અવિરત વહેતો હોય.સામેવાળાએ લગભગ ચુપ રહેવાનુજ આવે.
 
                              *મેં એકવાર કહ્યું જો ગાંધીજી ભલે હાથ માં લાકડી લઇ ફરતા પણ કોઈને મારી હોય તેવો દાખલો નથી,ને લોહી રેડ્યા વગર આઝાદી અપાવી.ખલાસ એમનો રોષ ઉછળી આવ્યો.મને કહે બેસ તારા ગાંધીજીએ લોકોના માથા ફોડાવી નાખ્યા.અંગ્રેજો ની લાઠીઓ પડતી હશે ત્યારે શું લોકોના માથામાંથી દૂધ નીકળતું હશે?મેં કહ્યું દૂધ તો ના નીકળે પણ અહિંસા તો ખરી ને?આપણે કોઈ અંગ્રેજ ને મારવા ના લીધો.મને કહે શેની અહિંસા?અંગ્રેજોએ તો લોકોને માર્યા ને હિંસા તો થઈજ ને?હવે આને શું સમજાવું?માનવા જ તૈયાર ના થાય.મેં કહ્યું જો આપણે તો ના મારીએ એ ભલે મારે.હિંસા નું પાપ એના માથે.પણ કહે અંગ્રેજોને એ પાપ કરવા મજબુર કોણે કર્યા?જો તમે ઘર માં બેસી રહ્યા હોય તો અંગ્રેજ મારવા થોડો આવે?ગાંધીજીએ આંદોલનો જ એવા કર્યા કે મારો અમને,અને આઝાદી આપો.હિંસા ના કરો પણ હિંસા સામેવાળો કરે તેવો પ્રસંગ ઉભો કરો, તો તે પછી થતી હિંસા માં તમારો ફાળો જરાય ઓછો ના કહેવાય.મેં કહ્યું ભાઈ આઝાદી માટે કંઈક તો કરવું પડે ને?તો કહે હું એજ કહું છું કે માર ખાઈ ખાઈ ને હિંસા તો કરાવી ને એમાં ભાગીદાર તો થયાજ તો પછી મારીને હિંસા કરીને અંગ્રેજોને ભગાડ્યા હોત તો સારું થાત ને?પ્રજા તો બહાદુર બની હોત ને?આતો અંગ્રેજો મારી મારી ને થાકી ગયા એટલે નાસી ગયા ભારત છોડી. મેં કહ્યું આ તારી પેલી શિબિરો ભરેલી ને એના પ્રતાપે તું બોલે છે.
           
                     *મને  પાછો કહે આપણી શિસ્ત વગર ની પ્રજા અંગ્રેજો સામે શું લડી શકે?માટે તારા ગાંધીબાપુએ ત્રાગા કર્યા.મેં કહ્યું શિસ્ત વગરની પ્રજાનો જીવતોજાગતો નમુનો મારી સામેજ બેઠો છે.કારણ એનામાં શિસ્ત જેવું કશું ક્યારેય મેં જોયું  નથી.મેં કહ્યું સત્યાગ્રહ ને ત્રાગા શેના કહેવાય?
 
            મને કહે, ‘એક ગામ માં એક છોકરો હતો’.
           મેં કહ્યું શું વાર્તા માંડી કે?
          ‘ચુપ રહે શાંતિ થી સભાળ’.
    એક છોકરો હતો તે ગામ ના મુખી ની છોકરીના પ્રેમ  માં પડ્યો.મુખી હતો જબરો,બડકમદાર બંદુક રાખે.આ ભાઈ ની હિંમત ચાલે નહિ.મુખી મારે એવો હતો.કોઈ ગાંધી વાદીએ સલાહ આપી કે સત્યાગ્રહ કર ઉપવાસ ઉપર બેસી જા.પેલો તો મુખીના ઘર સામે ઉપવાસ પર ઉતરી પડ્યો.એક બોર્ડ મારી દીધું કે જ્યાં સુધી તમારી છોકરી સાથે નહિ લગન કરાવો ત્યાં સુધી ઉપવાસ.મુખી ગભરાયા.આ સાલું નવું તુત.સામો થયો હોત તો બંદુક ના ધડાકે ભગાડી મુકત.પણ આતો સત્યાગ્રહ પર ઊતર્યો.હવે શું કરવું?ગામ માં એક ડાહ્યો માણસ એની સલાહ લેવા ગયા.પેલા ભાઈ કહે આમાં ગભરાવા જેવું નથી.એને એક રાત માં ભગાડી મુકીએ.પેલા અનુભવીએ બીજા ગામ માંથી એક ઘરડી ડોસી થઇ ગયેલી વૈશ્યા ને સમજાવી ને પૈસા આપી તૈયાર કરી દીધી.રાતે પેલી બરાબર એની સામે તંબુ લગાવી બેસી ગઈ કે મારી સાથે લગન કર નહીતો આજથી ઉપવાસ મરણપર્યાંત ના.ડોસી ને જરા નીંદર  લાગી કે પેલો ભાઈ તંબુ બામ્બુ બધું મુકીને ભાગી ગયો.
 ‘આ તો અંગ્રેજો ને સામા ત્રાગા કરતા આવડે નહિ  એટલે સત્યાગ્રહ  ચાલી જાય.’ મેં પછી ભલાભાઈ સામે દલીલો બંધ કરી.અવિરત બોલે જતા આને બંધ કરવાનો ઉપાય ના મળે.
       
                     * કોઈ પણ પ્રસંગ હોય ને બધા ભેગા થયા હોય એટલે બસ છાકો પાડવા પોતે કંઈક છે તેવું બતાવવા ભલાભાઈ બોલેજ રાખે.ને એમના વાણી ચાતુર્ય થી બધાને હસાવે રાખે.શ્લીલ અશ્લીલ બધીજાતના જોક ટુચકા કહે રાખે.જાતે બનાવી નાખે.એક વાર મને પૂછે પ.પુ ધ ધુ શું કરે છે.મેં પૂછ્યું એવળી કોણ?કહે તારા સસરા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર.મારા શ્વશુર સાથે એને વાતો થઇ હશે કોઈ પ્રસંગે.એમને આખો દિવસ વેદ ને ઉપનિષદ સિવાય કશું ના દેખાય.એટલે આણે કોઈ ધર્મગુરુને કહીએ તેવું નામ પડેલું.કાયમ પપુધધુ જ કહે.
 
             *અમે નાના હતા ને પિતાશ્રી વકીલ હતા,તે એમની ઓફીસ માં ગયા હોઈએ ટાઈમ પાસ કરવા તો પિતાજી કોઈ કેસ ના કાગળો ની નકલ કરવા બેસાડી દે.એક નકલ ના ૨૫  પૈસા આપે.હું ને ભલીયો લખવા માંડીએ.ત્રણ કાર્બન પેપર મૂકી ને ચાર નકલ કરીએ તો અસીલ જોડે થી લઇ ને પિતાજી એક રૂપિયો અપાવી દે.એક વાર મોટે થી બોલી ને લખે કે મેર રોયાં રાંડી રાંડ ના સિવિલ જજ સાહેબ ની કોર્ટમાં..હું તો ચમક્યો.મેં પૂછ્યું અલ્યા આ શું લખે છે?કહે મેં.રા.રા. સિવિલ જજ જ લખ્યું છે.બોલ્યો એવું નથી લખ્યું. મેહેરબાન રાજમાન નું મેર!રોયા!રાંડી!રાંડ! ના કરી નાખેલું.જાતેજ બધું ઓડ લાગે તેવું બનાવી નાખે.એક વાર ગાતો હતો જરા વિચિત્ર કે ‘બેટો બેટો તે રેડિયો વગાડે દિયોર ગોન્ધીજી’.મેં કહ્યું કે આતુ શું ગાય છે?કહે બેઠા બેઠા તે રેટિયો કાંતે રે ડીયર એટલે વહાલા ગાંધીજી.મહેસાણા જીલ્લા માં ગામડા માં તળપદી ભાષા માં પુરુષો એકબીજા ને ‘એ દિયોર ઓમ આય’ કે ‘મારા દિયોર’ કે ‘નોના દિયોર’ જેવા શબ્દો વાપરતા હોય છે. અષ્ટમ પષ્ટમ જાતે બનાવી ગતકડા ગાયા કરે.મેં એને લડ્યો કે આતો તું ગાંધીજી નું અપમાન કરે છે.તો કહે લોકો ગાળો દે છે અને ગાંધીના નામે ચરી ખાય છે તેવું તો નથી કરતો ને?મેં કદી ગાળ દીધી છે?મેં કહ્યું ભલીયા તારો હાસ્ય રસ હ્યુમર છીછરો ને ચીપ લાગે છે.મને કહે તારો ઉંચી જાતનો હાસ્યરસ કોને સમજ પડે છે?બે દિવસ પછી સમજાય ત્યારે હસવુય નાં આવે. ભલાભાઈ તે ભલાભાઈ કોઈ એમને પહોચે નહિ.
      

‘હળવું હાસ્ય(ભલાભાઈ)’

                     *                                 *ભગવાન વિશ્વકર્મા એ પૃથ્વી  ઉપર સજીવો ની રચના કરી.આ વિશ્વકર્મા એટલે બ્રહ્માજીને?અમારા વાડી વિસ્તાર માં એમનું એક મંદિર છે.ખાસ તો સુથાર ને કુંભાર ને એવી બધી કોમો એમને ઇષ્ટ દેવ માને છે.મતલબ કૈક રચના કરતા હોય,પછી ફર્નીચર બનાવતા હોય કે માટલા એ બધાના ભગવાન એટલે વિશ્વકર્મા.એમણે જયારે આ સજીવો રૂપી ફર્નીચર બનાવેલું ત્યારે એક રંધો કામ માં લીધેલો હશે.છેલ્લે માણસ બનાવી હાથ ધોઈ નાખ્યા.પેલા રંધા એ સારું એવું કામ કરેલું ને હવે કશું બાકી ના રહેતા,ભગવાન ને થયું ચાલો હવે આને કૈક રીવોર્ડ આપીએ.ભગવાને રંધાને મનુષ્ય યોનીમાં જન્મ લેવાનું વરદાન આપ્યું.ને એ રંધો અહી જન્મ્યો તે આમારા બચપણ ના મિત્ર જયેશભાઈ જોશી.ઉપર મનુષ્ય ની રચના વખતે બારીક છોલણ કામ કરેલું,તે અહી હવે લોકોના દિમાગ નું છોલણ કરવા અવતર્યા.
    
             * એમના બાપ દાદા ઓને પુનાના પેશ્વાઓએ કશુક આપ્યું હશે તે તેનું માન રાખવા તેમની અટક પેશ્વા જ રાખી લીધેલી.બહુ મોટું સંયુક્ત કુટુંબ.લગભગ ૫૦ નાનામોટા માણસો ભેગા રહે.આ પ્લાનેટ પર મારું જોયેલું છેલ્લું મોટું સંયુક્ત કુટુંબ હશે.જયેશ ના પિતાશ્રી જયેશ બે મહિનાનો હશે ને દિવંગત થયેલા.માતા પણ જલ્દી સિધાવી ગયેલા.મારા પિતાની ઓફીસ નીચે એના કાકાની કપરકાબી ની એક માત્ર વિજાપુરમાં રહેલી દુકાન.રોજ સવારે કાકા દુકાન ખોલવા જાય એટલે બાળ જયેશ ને સાથે જવાનું.શાકભાજી ની જથ્થાબંધ દુકાને થી એક મણ બટેટા લેવાના.૫૦ માણસો માટે રોજ મણ બટાકા નું શાક થાય.બાલ જયેશ એની ચડ્ડી કરતા મોટી થેલી ઊંચકીને ચાલવાના મહાપ્રયત્નો કરતો ઘેર જતો હોય.એના પિતા મારા પિતાના મિત્ર હતા,ને એના મોટા બેન મારા બેન ના મિત્ર હતા.એ ન્યાયે જયેશ આમારા ઘેર રોજ આવે.અમે એને ભલીયો કહેતા.આવે એટલે બોલવાનું શરુ,જાય ત્યારે બંધ થાય.મારા માતુશ્રી ને કામ કરવા લાગી જાય.રીંગણ સમારવા બેસી જાય.શાક વઘારી પણ નાખે. ભાખરી શેકવા લાગે.જમતી વખતે શાક ખૂટે તો ખબર પડે કે સમારતી વખતે જ અડધા રીંગણ તો કાચા જ ચાવી ગયો હોય.જોકે હવેના બીટી રીંગણ તો વઘારેલા પણ ભાવતા નથી.
              
              * રણછોડરાય ના મંદિર ના મહારાજ ને રેડીઓ રીપેર કરતા આવડે છે એવું કહી રેડીઓ બગાડીને આપ્યો તો બાવો પાછળ પડેલો મારવા માટે.હું બરોડા ભણતો હતો ને એક દિવસ આવી પહોચ્યો મારી રૂમ પર.મારા મનમાં એકબે દિવસ માં જતો રહેશે.પણ જવાનું નામ ના લે.પછી કહે હું તો બધું છોડીને આવી ગયો છું.અગિયારમું ધોરણ માંડ પાસ કર્યું હશે.અને કોઈ મરાઠી ની દુકાન માં રેડીય રીપેરીંગ માટે જવા લાગ્યો.વાતો એવી સફાઈ થી કરે કે એને બધુજ આવડે છે.રેડીય રીપેરીંગ ના બદલે બગાડવાનું કામ વધારે કરે.મારે ખાલી મારા પુરતું સીધું સમાન આવે એટલું મનીઓર્ડર ઘરે થી આવે.એમાં બે જણ નું કેમ નું પૂરું થાય?સામટી ભાખરીઓ વણી નાખે,એક પછી એક ચડ્વતો જાય ને ખાતો જાય.છેલ્લી ભાખરી ચડી જાય ને ખાવાનું પણ પૂરું.વાટકો ભરી અથાણું શાક ની જેમ ખાઈ જાય.બહુ રેડિયા બગાડ્યા તો પેલાએ કાઢી મુક્યો.
    
              *એમાં કોઈ બીજા રેડિયોવાળા ને ત્યાં લાગી ગયો.મને કહે હવે મારા જમવાની ચિંતા ના કરતો,જાણે મારા ઉપર ઉપકાર ના કરતો હોય!જેના ત્યાં કામ કરતો એની દીકરી એના પ્રેમ માં પડી ગયેલી.દેખાવે પાછો રૂપાળો,ને વાતો નો મહા ફેંકુ.પેલી છોકરી એને રોજ જમાડે.મને કહે જમવાની વ્યવસ્થા થઇ ગઈ છે.પેલીનો પ્રેમ એના માટે ફક્ત જમવાની વ્યવ્સ્થાજ હતો.મેં કહ્યું આતો ચીટીંગ કહેવાય.તો કહે ખાવા મફત માં મળતું હોય તો બે શબ્દો મીઠા બોલવામાં શું જાય છે?અને એક દિવસ મુંબઈ ભાગી ગયો.સ્ત્રીઓના હૃદય ની કદર પુરુષોને ખાસ હોતી નથી.
   
             * શું ગરબડ  કરી કે એને ઇસરોમાં નોકરી મળી ગઈ.હું સાક્ષી છુકે એણે રેડોયા રીપેર ના બદલે બગાડ્યા વધારે હશે,પણ ઇસરોમાં કયા સર્ટીફીકેટ થી નોકરી મળી હશે?મને ઈસરોના મેનેજમેન્ટ કે એચ.આર ઉપર શંકા જાય છે.હું પણ એની સાથે ઘણીવાર ઇસરોમાં જઈ આવેલો અમદાવાદ માં.હતો તો ટેકનીશીયન પણ જાણે બહુ મોટો વૈજ્ઞાનિક હોય તેવી જ વાતો કરે.પાછો બેંગ્લોર પણ જાય.જાણે બધી ઉપગ્રહો છોડવાની જવાબદારી એનીજ હોય.અબ્દુલ કલામ સાથે તો રોજ એની મીટીંગ હોય. જયારે કોઈ ઉપગ્રહ એપલ જેવા માં કંઈક ગરબડ થઇ છે ના સમાચાર વાંચું તો મને તરત શંકા જાય કે ભલીયાએ સોલ્ડરીંગ બરોબર નહિ કર્યું હોય.અમે એનું બીજું નામ રન્ધોજ પાડી દીધેલું.મારા વાઈફ તો કાયમ કહે ભલાભાઈ કેટલા છોડિયા પાડ્યા?ફોન કરીએ ત્યારે એવુજ કહે એરપોર્ટ થી ઘેર જાઉં છું.જતો હોય લાલબસ માં ઘેર,પણ એરપોર્ટ થી હાલ જ ઉતર્યો એવુજ કહે.ન્યુયોર્ક,પેરીસ,ફ્રેન્કફર્ટ એવા બેચાર નામ બોલી જાય.અજાણ્યો તો છેતરાઈ જ જાય.વાક્ય શરુ થાય એનું ‘You know’ થી ને પૂરું થાય “છે” થી.
    
           * બેંગ્લોર ઇસરોમાં જાય એટલે બાજુમાં એન.એ એલ માં મારા મોટાભાઈ ના ત્યાં પણ અચૂક જાય.મોટાભાઈ ખુદ વૈજ્ઞાનિક અને ડેપ્યુટી ડાયરેક્ટર પણ એમની સામે પણ છોલવા બેસી જાય.છોલાય કોની સામે?અજ્ઞાની હોય તેની સામે.આપણ ઘેર આવે તો સામેથીજ કહીદે એને શું ખાવું છે.પણ એના ઘેર જો ગયા હોઈએ એના અતિઆગ્રહ થી તો પણ ધણી વહુ  એટલું બધું ઝગડે કે તમે તરત જ ત્યાંથી ભાગી છૂટો.પછી ભૈલાએ ટીવી રીપેરીંગ ચાલુ કર્યું હતું.એક દિવસ મને ડો પટવા જે અમદાવાદ માં જાણીતા ઓર્થોપેડિક હતા તેમના ઘેર ટીવી રીપેર માટે લઇ ગયો.ડોળ બહુ મોટો કરે.સ્ક્રીન સામે મોટો અરીસો મુક્યો ને પાછળ બેસી ચાલુ કર્યું રીપેરીંગ.નાનું સ્ક્રુ ડ્રાઈવર લઇ કલાક સુધી મથ્યો હશે.પછી સ્પેર પાર્ટ લાવવો પડશે એવું બહાનું કાઢી ત્યાંથી ભાગ્યાં.મેં કહ્યું તું યાર માર ખવડાવે તેવો છે.હું અમેરિકા આવ્યા પછી થોડા દિવસ લીકર સ્ટોર માં જોબ કરતો હતો,એવું જાણ્યાં પછી  પોતે રોજ અમરિકા ફરે છે તેવું બતાવવા ફોન કરે ને પહેલું પૂછે ‘કરોના’શું ભાવ રાખ્યો છે?’કુર્સ લાઈટ’ શું ભાવે વેચો છો?હેનીકેન સિક્સ પેક કેટલામાં પડે? આ બધી અહીની બીયર ના નામ છે.હવે એને લાગ્યું છે કે હું અહીંથી એને બહુ કામ લાગુ તેવો નથી એટલે કોન્ટેક્ટ રાખતો નથી.     

નાની નાની વાતોમાં હસવું!!!કાના કાયા?

         નાની નાની વાતોમાં હસવું!!!કાના કાયા?
* અમારા  સાંધાશુલનિવારણ કેન્દ્રમાં એક શોભા નામના તામિલ બહેન કામ કરે છે. એમને આપણી ગુજરાતી વસ્તીએ ગુજરાતી બોલતા કરી દીધા છે. આ મદ્રાસી બહેનનાં  મનમાં એવું ભરાઈ ગયું છે કે ગુજરાતીમાં દરેક વાક્ય ના અંતે ‘છે’ આવવું જોઈએ. મારે એપોઇન્ટમેંટ પ્રમાણે જતા થોડું પણ મોડું થાય તો એમનો ફોન આવે ‘ભુપેન્દ્રજી તમે હમણા આવવાના નથી છે?’ હું પણ એવાજ ટોનમાં જવાબ આપું ‘અમે હમણા કાર ચલાવી  રહ્યા છે, થોડી વારમાં ત્યાં પહોચી જવાના છે.’ ત્યાં ગયા પછી હું અને થેરાપીસ્ટ પૂર્વી બહેન એમની મજાક ઉડાવીએ કે દરેક વાક્યના અંતે ‘છે’ વાપરવાની જરૂર નથી છે. મને કહે હવે અમે તમને શુદ્ધ અંગ્રેજીમાં ફોન પર વાત કરીશું. મેં કહ્યું તો અમે પણ શુદ્ધ ગુજરાતીમાં ફોન કટ કરી નાખીશું.
                 *આ પૂર્વીબેનની વાત કરું તો મેં ગ્રેટ માઈગ્રેશન વાળો લેખ લખ્યા પછી મેં એમને  કહ્યું કે આખી દુનિયાની માનવજાતના પૂર્વજો આફ્રિકન છે. મેં પૂછ્યું કે જીન્સમાં માર્કર થાય છે તે ખબર છે? તો મારા પહેરેલા જીન્સ સામે જોવા લાગ્યા. મને જોકે ખ્યાલ ના આવ્યો, મેં પછી શબ્દ વાપર્યો મ્યુટેશન. તો કહે સાચું કહું તમે જીન્સ બોલ્યા ત્યારે હું તમારા પહેરેલા જીન્સના પેન્ટ સામું જોતી હતી, મને એમ કે તમારા જીન્સ પર કોઈ દાગ પડ્યો હસે. પણ તમે મ્યુટેશન બોલ્યા ત્યારે ખબર પડીકે ગોટાળો થઇ ગયો. અમે બંને એ દિવસે ખુબ હસ્યા.
                     * બરોડામાં ભણતો ત્યારે જુબિલી બાગની પાછળ આવેલી ખત્રીપોળની ખત્રી બિલ્ડીંગમાં રહેતો હતો. ખત્રીકાકા એ બિલ્ડીંગ તો ચાર માળની બહુ ઉંચી બનાવેલી, પણ ફક્ત ભાડા ખાવા માટે. એટલે દરેક માળે ૧૦ બાય ૧૦ ની રૂમો જ બનાવેલી. એક રૂમ એટલે એક ઘર સમજી લેવાનું. ઉપર થોડા કેરાલીયન ભાઈઓ રહેતા હતા. એક વાર એક કેરાલી ભાઈ એ મને પૂછ્યું , કાના કાયા? મને સમજ ના પડી કે શું પૂછે છે. એને બેત્રણ વાર પૂછ્યું કાના કાયા? મેં પણ સામે શું? શું? પૂછે રાખ્યું તો કંટાળીને જતો રહ્યો. બાજુની રૂમમાં એમના મોટાભાઈ સાથે રહેતા અરવિંદભાઈ મારા મિત્ર  બની ગયેલા, તે હસ્યા કરે. મને કહે પેલો ખાના ખાયા?એમ પૂછતો હતો. પછી તો જયારે પેલો ભાઈ મને પૂછે કે કાના કાયા? તો તત્ક્ષણ ના ખાધું હોય તોયે હું જવાબ આપી દેતો કે કાયા!!કાયા!!. ગરબડ એક દિવસ એવી થઇ  કે મને પૂછી ને એ તો  જતો રહ્યો. પછી હું અને અરવિંદ ભાઈ લોજમાં ખાવા ગયા. ત્યાં પેલો પણ ખાવા બેઠેલો. મને કહે અબી તો તુમ બોલતા તા કે કાના કાયા ફિર સે કાને આ ગયા ક્યા? હું તો ભોંઠો પડ્યો. પણ અરવિંદ ભાઈ કહે મેરેકુ કંપની દેને આયા હે.
                      *ચાર માળની ખત્રી બિલ્ડીંગની અગાશીમાં જવા માટેની કોઈ સિમેન્ટની બનાવેલી સીડી હતી નહિ. લાકડાની સીડી કાકાએ કાઢી નાખેલી, જેથી અગાશીમાં જવાની તકલીફ થતી. લોબીની  પાળી ઉપર પગ ટેકવી છલાંગ  મારી કુદીને ઉપર જવું પડતું. એટલે પરણેલા ને બાલબચ્ચાવાળા તો આવું સાહસ કરતા નહિ. પડે તો છેક નીચે ભુક્કા બોલી જાય. ખાલી અમારા જેવા વાંઢા વિલાસ જ કુદી ને ઉપર જતા. વિનોદ, મનસુખ અને અરવિંદભાઈ બધા એમના ભાઈ ભાભી સાથે રહેતા. અને એકજ રૂમના ઘર હતા. માટે બારેમાસ આ લોકો અગાશીમાં સુઈ જતા. કડકડતા શિયાળામાં પણ અગાશીમાં જ સુવાની મજા માણતા. ખાલી વરસાદ પડે ત્યારે રૂમો આગળની લોબીમાં સુતા.  ખાલી હું અને મારો મિત્ર મહેશ સ્વતંત્ર રૂમમાં રહેતા. જોકે અમે પણ મોટા ભાગે અગાશીમાં જ સુતા. સાંજ પડે અમે બધા અગાશીમાં  ભેગા થતા ને ટોળટપ્પા ચાલતા. મજાક મસ્તીને ધમાલ કરતા. આ બધા ખુબ સ્ટ્રગલ કરતા. ભાઈ ભાભી જોડે રહેવામાં મનદુઃખ પણ થતા. બધા એમના દુખડા ગાતા. ત્યારે હું આ લોકોને “ભાભીઓથી દાઝેલા દિયરો” નું મંડળ છે એવું કહેતો.
                      *શિયાળાની ઠંડીમાં મારે સ્વતંત્ર રૂમ હોવા છતાં આ લોકો મને રૂમમાં સુવા ના દેતા. એક દિવસ ટેવ મુજબ સવારે ઉઠીને અગાશીમાં આંટા મારતો હતો. તેવામાં કૌતુક દીઠું, વિનોદની પથારીમાં..આ વિનોદ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જીલ્લાના વણાં ગામનો. એના મોટા  ભાઈ મહેન્દ્રભાઈ  સુથારી કામ કરતા. વિનોદ જી.એસ.એફ.સીમાં એપ્રેન્ટીશીપ કરતો. એને મોઢે માથે સંપૂર્ણ ઓઢીને સુવાની આદત. મને ગમેતેટલી ઠંડી હોય મોઢું ખુલ્લું જોઈએ. માથે ઓઢીને મારાથી એક મિનીટ પણ સુવાય નહિ. વિનોદ પાતળી ગોદડી માથે ઓઢીને સુતો હતો. મેં જોયું તો એની પાતળી ગોદડીમાં લાલ રંગના ઝબકારા થતા હતા. પહેલા થોડો પીળો ઝબકારો થયેલો. પછી થોડી થોડી વારે નિયમિત લાલ ઝબકારા થયા કરે. મને થયું શું થતું  હશે માળું?  વિનોદ તો ઊંઘે છે ને એની પથારીમાં આ ઝબક  ઝબક શું થાય છે? હું તો ઉઠ્યો ને એકદમ ઓઢેલી ગોદડી ખેચી તો ભાઈલો વિનોદ અંદર બીડી પીતો હતો. ત્યારે મને સમજ પડી કે પહેલા પીળો ઝાબકરો બીડી સળગાવવાને લીધે થયેલો. મેં  કહ્યું અલ્યા માથે ઓઢીને બીડી પીવાની? તો કહે ટાઢ વાય તો શું કરું? હું તો કાયમ આ રીતેજ પીવું છું, આતો તમે આજે જોઈ ગયા. એના ફેફસા ઓછા ઓક્સીજન અને વધારે કાર્બન ડાયોક્સાઈડ થી ટેવાઈ ગયેલા લાગ્યા. મેં ય જોકે ટેસડા તો બધા કરેલા પણ વ્યસન કશાનું પડવા દીધેલું નહિ. કારણ કોઈની ગુલામી વેઠાય નહિ. એમાં વ્યસન પણ આવી જાય.
                        *અગાશીમાં અમે સાંજે થોડા યોગના આસનો કરતા. એમાં હું ને મહેશ તો નિપુણ હતા. એટલે આમારા વાદે બીજા પણ ટ્રાય કરતા. એક દિવસ અમે કુક્કુટાસન કે પછી બદ્ધ પદ્માસન  કરતા હતા. એમાં પદ્માસન કરી પગ વચ્ચે હાથ નાખી હાથના પંજા ઉપર ઊંચા થવાનું હોય છે. વિનોદે જેમતેમ કરી પદ્માસન વાળી લીધું. પછી મહાપ્રયત્ને અદર હાથ નાખીને ઉંચો થયો. પછી હાથ બહાર કાઢવા જાય તો નીકળે નહિ. મને અને મનસુખને કહે અલ્યા છોડાવો. અમને ટીખળ  સુજી. એના થી તો હાથ બહાર નીકળતા હતા નહિ, અમે બંને જણા બે બાજુથી વિનોદના  ખભા પકડીને ઉચકી ઉચકી ને નીચે પછાડવા માંડ્યો. એ તો રાડો પાડવા માંડ્યો, ને સરસ્વતી ઉપર સરસ્વતી સંભળાવવા લાગ્યો. બીજા બધા ઉભા ઉભા જોર જોર થી હશે. અરવિંદભાઈના હાસ્યની  માત્રા અને તીવ્રતા  જરા ઉંચી. મેં કહ્યું જેટલી સરસ્વતી વધારે બોલીશ એટલો વધારે પછાડીશું. પછી કહે નહિ બોલું બાપા છોડો. પછી અમને પણ દયા આવી કે વધારે પછાડીશું તો હમણા રડવા લાગશે. એટલે છોડી દીધો. પછી બધા ખુબ હસ્યા. એ પણ ભેળો હસવા માંડ્યો. અમારા  મિત્રો વચ્ચે એક વાત હતી નાની મજાક મસ્તીનું કોઈ ખોટું ના લગાડતું, કે મનદુઃખ ના થતું. આજે તો વિનોદભાઈનો દીકરો અમેરિકામાં ભણે છે. હજુ પણ એમના શિક્ષિકા શ્રીમતી મારી આગળ ફરિયાદ કરે કે તમારા ભાઈ સિગારેટ છોડી નથી શકતા.
                      *અરવિંદભાઈ અમારા  બધામાં મોટા. એક મોટાભાઈની જેમ બધાનું ધ્યાન રાખે. સારાભાઇ ગ્લાસમાં એમની નોકરી હતી. પછી તો એ પણ બંધ થઇ ગયું. સૌથી પહેલા એમના લગ્ન થયેલા. ત્યારે અમે બધાએ ભેગા થઈને ગીફ્ટની સાથે મજાક કરવા બર્થ કંટ્રોલના સાધન ભેગા મૂકી દીધેલા. ફરી મળ્યા ત્યારે કહે સાલા નાલાયકો આવા ધંધા કરવાના? મને કહે આ આઈડિયા પણ તારો જ હોવો જોઈએ, બીજાને આવા વિચારો ના આવે. પછી ખુબ હસે. એમને કદી ખોટું લાગેજ નહિ.
                   *આ બધા મિત્રો કોઈ ખાસ પૈસાવાળા ના હતા. પણ એમના દિલ ખુબ મોટા હતા. હું એકલો રહેતો ક્યારેક પિતાશ્રીએ મોકલેલું મની ઓર્ડર આવતા મોડું થાય. પણ અરવિંદભાઈ કદી ખોટ ના પડવા દે. અરવિંદભાઈ બરોડામાં બાજવાડામાં નાનામોટા થયેલા. લક્ષ્મીનાથ વ્યાયામ શાળામાં કસરત કર્યાનો એમને ખુબ ગર્વ. નલીન ભટ્ટ પણ એમની સાથે રમેલો. પછી તો નલીન ભટ્ટ રાજકારણમાં બહુ મોટું માથું બની ગયા. જોકે મોટા બની ગયા પછી આ લોકો જૂની ઓળખાણો રાખતા નથી. દેખાતા નાના લોકોના દિલ બહુ વિશાળ હોય છે, ને મોટા લોકોના દિલ બહુ છોટા હોય છે. મારો પોતાનો પણ એવો અનુભવ છે. આ અરવિંદભાઈ ખુબ સરસ ગાય. રફીસાહેબ, તલત મહેમુદ, મુકેશજી, કિશોરદા, મન્નાડે સાહેબ  બધાના ગીતો સરસ ગાય. વગર સંગીતે એટલો સુદ્ધ આરોહ અવરોહ આલાપે કે નાં પૂછો વાત. કોઈ પણ ટ્રેનીગ વગર શાસ્ત્રીય ગીતો પણ ગાય. પણ કહીએ કે આ ગીત ગાવ તો નાં ગાય. પછી અમે એમની આદત જાણી ગયાં. અમે જાતે જ ભેંસાસુર અવાજમાં  ગાવા માંડીએ એટલે પછી તેઓ શરુ થઇ જાય. એમને મોડે મોડે બત્તી થાય એટલે હસે. નાલાયકો મારી જોડે ગવડાવવા માટે નાટકો કરો છો?  મને ઘણીવાર એવું થાય કે આટલા સરસ ગાયક છે, ટ્રેનીગ અને બેકપ મળે તો ક્યાંથી ક્યાં પહોચી જાય!

નાની નાની વાતોમાં હસવું…(રમેશ તું તો સ્વર્ગ માં ચાલ્યો)..

નાની નાની વાતોમાં હસવું,,(રમેશ તું તો સ્વર્ગ માં ચાલ્યો)..
    *અમારી રાત્રીની જોબમાં બ્રેકમાં મિત્રો સાથે ગામગપાટ બહુ ચાલે. ભારતના સમાચારોની પણ ચર્ચા ચાલે. અમારા એક મિત્ર છે રમેશ ભાઈ. અમે એમને રમેશ મોટા કહીએ છીએ, કદમાં છોટા છે એટલે. એ કહે જયારે એ અમેરિકા આવવા નીકળ્યા ત્યારે કોઈ એમનો મિત્ર મળવા આવેલો. તે મિત્ર કહે ‘રમેશ તું તો સ્વર્ગમાં ચાલ્યો’. અમેરિકા એટલે સ્વર્ગ. મેં રમેશભાઈ ને કહ્યું ત્યારે હવે અમે તમને  સ્વર્ગસ્થ રમેશભાઈ કહીશું. મને કહે જીવતે જીવ સ્વર્ગસ્થ? મેં સમજાવ્યા એવું નહિ. તમારા મિત્રના કહેવા મુજબ અમેરિકા એટલે સ્વર્ગ, અને તમે અમેરિકા સ્થિત એટલે સ્વર્ગમાં સ્થિત, સ્વર્ગસ્થ કહેવાઓ. તો કહે ઠીક ચાલશે.
    *હું ભારતમાં હતો ત્યારે ક્યાંક બહાર જઈએ અને ભૂખ લાગે તો શું ખાવું?ચોખ્ખાઈનો અભાવ હોય એટલે ગરમા ગરમ ભજીયા ખાઈને ચા પી લેવાની એટલે બેક્ટેરિયાનો ભય નહિ. આવી માનસિકતા અમારા મિત્ર કમેલશભાઈ પટેલની પણ ખરી. એ જયારે અમેરિકા આવવા પહેલી વાર પ્લેનમાં બેઠા ત્યારે પહેલો વિચાર એવો આવેલો કે આપણે તો ફાવ્યા. મોટો હોલસેલ  મેડીકલ દવાઓનો ધંધો પિતરાઈ ભાઈઓને સોપીને અહી આવીને  કેટલા ફાવ્યા તે તો એમનું મન જાણે છે. પણ એટલાન્ટા ઉતરી ને એમના ભાઈના ઘેર જવા કારમાં બેઠા ને રસ્તો જરા લાંબો હશે ને ભૂખ લાગી હશે તો ભાઈ ને કહે જરા કોઈ રેસ્ટોરાં આવે તો ઉભી રાખજો ગરમા ગરમ ભજીયા ખાઈએ. ભૂલી જ ગયા કે આ ગુજરાત નથી, અમેરિકા છે. જો કે અહી ન્યુ જર્સીમાં ઇઝલીનમાં ભજીયા ખાવા મળે છે. એ વાત યાદ કરીને હજુ બધા હસે છે.
      *સાંધા શુલ નિવારણ કેન્દ્ર (Healing joints) માં કટીશુલ(Back pain)નિવારણ માટે એક મનીષભાઈ આવે છે. જરા વાતોડિયાને હસમુખા છે. હું મારા કંધશુલ(ખભા) નિવારણ માટે જતો હોઉં છું. એમને નૈયા નામની પરિચારિકા મશીન પર સુવડાવી ઉપર છાતીના ભાગે બેલ્ટ બાંધે અને કમરના ભાગે પણ બેલ્ટ બાંધે. પછી મશીન આગળ પાછળ થાય. ટૂંકમાં કમરના ભાગે સ્પાઈનલ  કોર્ડ ખેંચાય, સ્ટ્રેચ થાય. આ નૈયાને હું લાડમાં મૈયા કહું છું. સદાય મંદ મંદ હસતી દીકરી જેવી લાગે. મનીષભાઈનો વારો પૂરો થયો. બોલકણા મનીષભાઈ કહે આ નૈયાએ બળદ બાંધ્યો હોય એમ મને બાંધેલો. પછી એમને અંદર  રૂમમાં  કમર ઉપર હોટ પેક મૂકી ઉંધા  સુવડાવવામાં આવેલા. પેલા મશીન પર સંપૂર્ણ  ભીને વાને એવી મહાકાય વિદેશી બાઈ ને નૈયા એ બાંધીને મશીન ચાલુ થયું. મને શું સુજ્યું કે મનીષભાઈ પાસે જઈ કહ્યું કે, જુઓ આ નૈયા એ પહેલા બળદ બાંધેલો ને હવે ભેંસ બાંધી છે. ખલાસ મનીષભાઈનું હસવું માય નહિ. હાથ પછાડી પછાડી ને હસે જ રાખે. આ મનીષભાઈ(મીનેષભાઈ)ન્યુયોર્કના ગુજરાતી સમાજના વાઈસ પ્રેસિડેન્ટ છે, હજુ મળે ત્યારે ખુબ હસે, ને કહે મારી જીંદગીમાં ક્યારેય આટલું હસ્યો નથી. આમારા ફીઝીયો થેરાપીસ્ટ પૂર્વીબેન પણ વડોદરાના જ છે. મારા હાથનું સ્ટ્રેચિંગ કરે તો બુમો પડાઈ જાય. તો હું બુમ પાડું કે “મૈયા બચાવો”. તો નૈયા મંદ મંદ હસે બોલે નહિ. વિચારતી હસે કે તમને બચાવાવનું પાપ હું ના કરું.
   *આ મૈયા(નૈયા)આજે લંગડી લંગડી ચાલતી હતી. મેં પૂછ્યું શું થયું? તો કહે ઢીંચણમાં કશું થયું છે. મેં કહ્યું કઈ રીતે પડી ગઈ હતી કે શું? તો કહે ના. ખબર નથી કેમ દુખાવો થયો? આ દુખાવાને કોઈ કામ ધંધો નહિ હોય? પૂર્વી બહેન કહે કદાચ હાઈ હિલના શુઝ પહેરવાથી થયું હસે. મેં કહ્યું હાઈ હિલની જરૂર હોત ને તો  ભગવાન ખુદ જ સ્ત્રીઓની એડીમાં મસલ્સ વધારે ભરી ને હાઈ હિલ બનાવી કાઢત. સ્ત્રીઓના કમર અને પગના વિવિધ સાંધાઓના દુખાવાનું કારણ હાઈ હિલના શુઝ  પણ હોય છે. આ નૈયા ને હું મૈયા એટલા માટે કહું છું કે નાની નાની દીકરીઓમાં ભાઈ ભાંડુઓ તથા માબાપની કાળજી, માતા જેવા ભાવ થી રાખવાનો ગુણ કુદરતી રીતે હોય છે. એની ખોટ મારા જેવા દીકરી વગરના માણસને ખુબ જ સાલતી હોય છે.

ગુલામી માફક આવી ગઈ છે.

 

       એકવાર બ્લોગ જગતમાં લટાર મારતા મારતાથાનકી સાહેબ ના બ્લોગ  માં ઘુસી ગયો.ત્યાં કોઈ વિદેશી લેખક નું વાક્ય વાચ્યું.
એ પરદેશી લેખક મહાશય ને દરેક લેખ પહેલી વાર લખતા હોય તેમ લાગતું હતું.થાનકી સાહેબ પણ એનાથી પ્રેરણા લેતા હતા. હમણા ગુણવંત શાહ સાહેબ જો વાંચે તો તરત જ કહીદે ગુલામી  માનસ(કોલોનિયલ માઈન્ડ).કેમ કોઈ ભારત નો લેખક ના મળ્યો?પ્રેરણા માટે? એમના માનવા પ્રમાણે પહેલીવાર  લોકો ખુબજ કાળજીપૂર્વક લખે એવું  હશે.મારે ઊંધું થાય છે.મને હમેશા થાય છે આ છેલ્લી વાર નો લેખ છે.હવે આના પછી કશું લખવા માટે બચ્યું નથી.કોઈ વિષય હવે આવતો નથી મનમાં. જોકે યશવંત ભાઈ કહેતા હતા કે આ જગત માં નકલ કર ચોટાડ(કોપી પેસ્ટ) નો ચેપી રોગ ચાલુ થયો છે.જોકે સજ્જન માણસો કોની નકલ કરીને ચોટાડ કામ કર્યું છે,એમનું શુભ નામ લખે છે.ઘણા ના પણ લખે તો શું કરી લેવાના?બધાને કાઈ કવિતા કે ગઝલ લખવાનું થોડું આવડી જાય?.
           *થાનકી બાબુ   ગેંડીદડા(હોકી)  ની વાત કરતા હતા.હોકી ની રમત માં ભારત પાછળ પડી ગયું છે.આ આપણાં દેશ ની રમત છે.શ્રી કૃષ્ણ એ શરુ કરેલી હશે કદાચ.એ રમતા હતા.એમાંથી જ કદાચ ધોળિયા લોકોએ પ્રેરણા  લઇ ને ધોકાદડા(ક્રિકેટ)ની રમત ચાલુ કરી હશે.પણ આપણું ગુલામી માનસ આપણી પોતાની રમત ભૂલી ગયા છીએ.ને ધોળીયાઓની રમત પાછળ પડ્યા છીએ.બર્લિન માં એકવાર ઓલોમ્પિક રમાએલી .ત્યારે આપણાં હોકી ટીમ ના કેપ્ટન હતા મેજર ધ્યાનચંદ.અતિહિંસક હિટલર સાહેબ જર્મન દેશ ના વડા હતા.એ રમત જોવા બેઠેલા.ભારત સુવર્ણ ચંદ્રક જીતી ગયું.હિટલર સાહેબે ધ્યાનચંદ ને બોલાવ્યા ને હોકી માગી,હોકી પર હાથ ફેરવ્યો ને પૂછ્યું.ભાઈલા તે આ હોકી ને  બાવળનો કે ખેરનો ગુંદર તો નથી લગાવ્યોને?આ દડો તારી હોકી જોડે ચોટેલોજ રહે છે.કઈ જાદુ છે કે શું તારી હોકીમાં?પછી પૂછેલું શું કરો છો ભારતમાં?ધ્યાનચંદ એ વખતે સામાન્ય સૈનિક હતા.ઉત્તર સાંભળી હિટલરે કહેલું મારા લશ્કર માં આવા ખેલાડી હોય  તો બહુ ઉંચી જગ્યાએ બેસાડું.
           *ગુલામી માનસ એટલે ખાલી એમાં અંગ્રેજી ને અંગ્રેજો ની ગુલામી જ આવી જાય એવું બધાનું માનવું છે.પછી તમે સાધુઓની,ગુરુઓની,બાપુઓની,નેતાઓની ગુલામી કરોતો ગુલામી ના કહેવાય.એતો પવિત્ર કાર્ય કહેવાય.એતો સમર્પણ કહેવાય,ભક્તિ કહેવાય.સમર્પણ કરો,ભક્તિ કરો તો મુક્તિ મળે.તમારા ધન,બેંક બેલેન્સ માંથી મુક્તિ મળે.સ્ત્રીઓને એમના સાચવેલા શીલ માંથી મુક્તિ મળે.અંગ્રેજોના અચાર વિચાર નું અંધ  અનુકરણ કરીએ તેને ગુલામી માનસ કહેવાય.ના કરવું જોઈએ.ગુલામી તો ગુલામી જ છે.કોઈનું પણ અંધ અનુકરણ કરો એ ગુલામી માનસ જ કહેવાય.બધા આ ચકરાવે ચડેલા છે.અંગ્રેજી ભાષાની ગુલામી ના વિરોધ માં જે યાત્રા નીકળી છે એના પ્રમુખ હર્તાકર્તા લોકો પોતે બાપુઓની ગુલામી માં સપડાએલા છે.ખેર પણ  અંગ્રેજી ભાષાની ગુલામી વિરુદ્ધ લોકોમાં જાગૃતિ તો વધશે.એરીતે સારું છે.ગુલામી પાછી વસ્તુઓ ની પણ હોય છે.ઘણા ને બીડી,સિગારેટ,પાન,તંબાકુ,ટીવી,ઈન્ટરનેટ એવા તો ઘણા બધા ની ગુલામી હોય છે.આપણ ને બ્લોગ ની ગુલામી માફક આવી ગઈ છે.
            *સવાલ છે ગુલામી માનસિકતા બદલવાનો.આપણે ચિંતા કરીએ છીએ ફક્ત અંગ્રેજો ની પશ્ચિમ ની સંસ્કૃતિ ની.અંગ્રેજો તો ગયા.હવે અહીના નેતાઓ ની ગુલામી શરુ થઇ.અંગ્રેજો તો ગયા,પણ એમના આચાર વિચાર ને ભાષા ની ગુલામી શરુ થઇ.ભલે અંગ્રેજો ગયા આપણું માનસ તો એનું એજ છે ને? અંગ્રેજો પણ પાછળ થી આવેલા.એ પહેલા પણ કોઈની ને કોઈની ગુલામી તો કરતા જ હતા.અંગ્રેજો નો વાંક જ નથી વાંક છે આપણી કદી  ના બદલાતી માનસિકતા નો.પણ આપણે અંગ્રેજો ને ગાળો દઈ ને આપણી ભૂલો કબુલતા નથી.તમે તૈયાર ના હોવ તો કોઈ તમને ગુલામ  બનાવી શકનાર નથી.અને તમે તૈયાર હસો તો માણસ તો શું એક નિર્જીવ ગણાતી બીડી કે તમાકુ,ચા,કોફી,ભજન,કથા વાર્તા,મંદિર કોઈ  પણ તમને ગુલામ બનાવી દેશે.વ્યસન ખાલી ચા બીડી નું હોય એવું નથી.આમારા એક સબંધીને છાસવારે સત્ય નારાયણ ની કથાનું વ્યસન છે.રોજ તો બ્રાહ્મણ બોલાવાય નહિ,એટલે તેઓ ટેપરેકોર્ડર માં ઓડિયો કેસેટ કથાની મૂકી દે છે.એમાં કોઈ છગનલાલ મહારાજ ની લાંબી થાકી જવાય તેવી આરતી છે.હવે એમાં દાસ છગન એવું ગાય છે કે પ્રસાદ નો અનાદર કર્યો પુત્રો મરી ગયા.કેવી ભયાનક સજા કહેવાય?હવે પ્રસાદ નીચે પડી ને ગંદો થઇ ચુક્યો હોય પણ પોતાના પુત્રો નું બલિદાન કોણ આપે?આ સબંધીના ઘર ના નાના છોકરાને મેં ભોય પર પડેલો પ્રસાદ નહિ ખાઈ ને ફેકી દેવાની સુચના આપી તો એના દાદી એ જાણે કોઈ પ્રલય થઇ જવાનો હોય તેમ પેલા નાના છોકરાને પાપ  લાગે તેવું કહી પ્રસાદ ખવડાવી દીધો.આ અમેરિકાની વાત છે.આ ગુલામી ની જંજીરો ને તમે જંજીર માનસો તો કોઈ દિવસ છુટવાનો પ્રયત્ન કરશો.પણ આ જંજીર ને દાગીનો,શણગાર કે ઘરેણું માનસો,તો કદી એમાંથી છુટવાનો પ્રયત્ન પણ નહિ કરો.બીડી કદાચ છૂટી જશે પણ ચા નહિ છૂટે.દારૂ છૂટી જશે પણ મૂરખ બનાવતી કથા નહિ છૂટે.       
                         *સંમોહન શક્તિ ના પ્રયોગ કરનારા પણ મક્કમ મનોબળ વાળા ને સંમોહિત નથી કરી શકતા.હિપ્નોટાઈજ નથી કરી શકતા.નબળા ને આજ્ઞાંકિત મનસ ધરાવનાર જે હિપ્નોટાઈજ કરી શકાય.         

વાંચીને હસતા રહેજો.

   *સવાર પડી ગઈ છે ૧૦ વાગી ચુક્યા છે,પણ તાપમાન -૪ છે.બરફવર્ષા ચાલુજ છે.ઘણી જગ્યાએ ૧૮ ઇંચ જેવો બરફ પડી ચુક્યો છે.મને જરા વહેલી ઉઠી જવાની આદત છે.શ્રીમતી ને મોડા ઉઠવાની આદત છે.સમતોલન(બેલેન્સ) જાળવવું પડે ને.એક તો નોકરી પરથી રાતે મોડા સાડા બાર એકે આવે ને વધારાનો સમય નોકરી માં હોય તો બે કે ત્રણ પણ વાગી જાય.પાછું આવી ને માહિતી ભંડાર(કોમ્પ્યુટર)ચાલુ કરીને ,સાત ફેરે,છોટી બહુ અને બનું મૈ તેરી દુલ્હન જોયા વગર ઊંઘ નાં આવે.હવે સાત ફેરા ફર્યે અમારે  ૨૮ વર્ષ થઇ ગયા,છોટી બહુઓ હવે ઘર માં આવશે છતાં દુલ્હન બનવાના અભરખા પુરા થતા નથી.આમારા લગ્ન ને પ્રેમલગ્ન કહેવા કે ગોઠવણીયા લગ્ન સમજ પડતી નથી.જોકે બંને કહી શકાય.મારા શ્રીમતી નાના હતા, બાળ હતા ત્યારથી મારા ઘરે એમના ફોઈ ની આંગળી પકડીને આવતા.એમના ફોઈ મારા મોટા ભાભીશ્રી થાય.ત્યારથી જ મારી દાનત પેલા કહેવત ના ટોપરા(નાલીએર) જેવી  થઇ ચુકી હતી.બાલા આપ સુંદર નારીમાં પરિવર્તિત થાવ પછી તમારી વાત છે.જોકે એમને એ વખતે ખબર ના હતી કે મેં એમને બોટી લીધા છે.પછી એ પૂર્ણ નારી માં પરિવર્તિત થાય એ પહેલાજ થોડા પ્રયત્ને કામ પતી ગયું હું પતિ બની ગયો. હા એ ફક્ત ૧૫ વર્ષ અને ૧૦ મહિના ના હતા ને મારી સાથે લગ્ન થઇ ગયા હતા,એટલે પછી પૂર્ણ નારી માં પરિવર્તિત મારા ત્યાં આવી ને થયા.
       *સામે જ મારા શ્વસુર નું ઘર છે.રસોડા ની બારી માંથી જોયું તો ૭૦ વરસ ના શ્વસુર બરફ કઈ રીતે ઉસેડવો એના વિચારોમાં મગ્ન દેખાયા.પછી વિચારતા હશે કે આ બરફ શબ્દ સંસ્કૃત માં થી પાલી ને પ્રાકૃત ની કઈ ગલીઓ માંથી ફરી ફરીને અહી ગુજરાતી  માં ભૂલો પડ્યો હશે?એમને સંસ્કૃત બહુ પ્રિય.બેચાર મહેમાન કે મિત્રો ભેગા થાય ત્યારે કદી ના સાંભળ્યા હોય તેવા બેચાર શ્લોકો બોલી શોટ્ટો પાડી દે.અને દરેક શબ્દ ના મૂળ સંસ્કૃત માં ખોળવામાં સદાય રત રહે.મોટેરાઓએ  ઘી ની ટોયલી શબ્દ તો સાંભળ્યો જ હશે.નવી પેઢીએ નહિ સાંભળ્યો હોય.એમના કહેવા મુજબ તોય એટલે પાણી.પત્રમ પુષ્પમ ફલમ તોયમ એવા કોઈ શબ્દો સંસ્કૃત માં છે.એટલે તોય માંથી ટોય થઇ પાણી ભરવાની ટોયલી થઇ ગઈ.હવે લોકો ઘી ભરે.જોકે નવા જમાના માં ઘી પણ ભરતા નથી.સદાય આવાજ અર્થો ખોળવાની ગંભીર બીમારી લાગી ગઈ છે.મેં પણ એકવાર મજાક માં કહ્યું કે આ જીસસ ક્રાઈસ્ટ શબ્દ પણ જયશ્રી કૃષ્ણ નું  અપભ્રંસ જ છે.અને મોહન મદન(મદનમોહન,કૃષ્ણ) પરથી જ મોહમ્મદ શબ્દ આવ્યો લાગે છે.એમને મેં કહ્યું તમને ઘણું બધું જ્ઞાન છે તો બ્લોગ લખવાનું ચાલુ કરો.તો કહે ના હમણા નહિ.હવે ૭૦ ના તો થયા છે પછી ક્યારે ૮૦ ના થશે ત્યારે શરુ કરશે?એમણે દીકરાની,એની વહુ ની  ગાડીઓ પરથી બરફ ની ચાદર હટાવી લીધી,દીકરો વહુ અંદર બેઠા બેઠા મૂરખ પેટી (ટીવી)જોતા હશે.મારા દીકરાઓ હાજર હોય તો પાછા એમની મદદ માં લાગી જાય,એ પણ અમારા ઘર આગળ બરફ હટાવા મદદ માં આવી જાય પાછા જોઈ ના રહે .દીકરાઓ ની ગેરહાજરી નો લાભ લઇ અમે બંને હુતોહુતીએ બરફ તો હટાવી નાખ્યો.
         *આ નસીરુદ્દીન શાહ કહે છે બચ્ચન સાબ પ્રખ્યાત નહોતા થયા ત્યારે સારો અભિનય કરેલો.એવુજ દિલીપકુમાર અને દેવાનંદ સાહેબ નું પણ કહેવાય.એકવાર કોઈ લોન્ઠ્કા પત્રકારે જયા બચ્ચન ને પૂછેલું કે અભિનય ની દ્રષ્ટીએ કયો અભિનેતા તમારી દ્રષ્ટીએ સારો કહેવાય?અમિતજી બાજુમાં જ ઉભા હતા.અગાઉથીજ ફૂલણશી  કાગડાની જેમ ખુશ થઇ ને ઉભા હતા કે જયા મારુજ નામ દેવાની છે.જયાસતી એ મારી રેખાજી  નાં ઓટલે છાનામાના જઈ આવવાની   ભૂલો માફ જ કરેલીને.એટલે ભારતીય નારી ની જેમ મારુજ નામ દેશે,એવી અમિતજી ની માન્યતા નો છેદ ઉડાડી જયાજીએ કહ્યું સંજીવકુમાર સાહેબ ની આજુબાજુ માઈલો સુધી કોઈ આવી નાં શકે.અમિતજી ભોંઠા પડ્યા પણ શું કરે.નમ્ર માણસ સાભળ્યું નાં હોય તેમ વર્તન કરી નાખ્યું.જુવાનીયાઓ માંથી કોઈએ સંજીવ કુમાર અને જયાજી નું કોશિશ નામનું ચિત્રપટ(ફિલ્મ)નાં જોઈ હોય તો જોઈ લેજો.બોલીવુડ નાં તમામ જુના નવા કલાકારોની કારીગરી ભુલાઈ જશે.મને અહી હિલેરીબેન ને જોઇને જયાજી યાદ આવી જાય છે.આ બંને બાઈઓને એમના ભાયડાઓએ છેતરેલી.પણ ખાનદાન બાયું કે પછી મજબૂરી જે ગણો તે એમના નંગો  ને માફ કરેલા..
           *ઘણા દિવસે બરફ હટાવ્યો પરિણામે કટીશુલ(બેકપેઈન)ઉત્પન્ન થયું લાગે છે.તો હું જરા આરામ કરી લઉં ને તમે બધા વાંચીને હસતા રહેજો.   

હસતા હસતા દુઃખ વેઠીએ,,,

                *આજે ભારે બરફવર્ષાનું વાવાઝોડું થોડી વારમાં શરુ થવાનું છે. આમારા ન્યુ જર્સીમાં ઘણી જગ્યાએ તો ૨૪ ઇંચ વર્ષા થવાની છે. નીચે દક્ષીણ ભાગમાં આવેલા કેરોલીના અને વર્જીનીયા, મેરીલેન્ડ અને ઓબામાંના ગામમાં તો શરુ પણ થઇ ચુક્યું છે. આજે આખી રાત અને કાલે શનિવાર સાંજ સુધી ભગવાન શ્રી ઉપરથી ઠંડા રૂના પૂમડા જથ્થાબંધના હિસાબે ફેંક્યા કરશે. યુદ્ધના ધોરણે આ વાવાઝોડાનો સામનો કરવાની તૈયારી ચાલી રહી છે. મોટા ખટારા(ટ્રકો) ભરીને મીઠું રસ્તાઓ પર છંટાઈ ચુક્યું છે. બે દિવસ ઘરમાં પુરાઈ રહેવાનું ને શનિ રવિ સપ્તાહઅંતના દિવસો એટલે લોકો હટાયણું(શોપિંગ) કરવા તૂટી પડ્યા છે. દુરદર્શન યંત્ર પરની સમાચાર સેવાઓ સતત સમાચાર આપતી રહેવાની. શ્યામા ચૌધરી ભારે બરફવર્ષા માથા પર ઝેલતા આંખો દેખ્યા અહેવાલો આપતા જોઈ શકાશે. આટલી બરફ વર્ષામાં પણ ઘણા ધોળિયા માથા પર કશું પહેર્યા વગર રૂ પીન્જવાના કારખાનામાંથી બહાર આવ્યા હોય તેમ માથે રૂના ઢગલો પૂમડા સાથે ફરતા  હોય તેવા નજર આવશે. નાના મોટા ખટારાઓની આગળ મોટા પાવડા લાગી ચુક્યા છે. શનિવારે સાંજે બરફવર્ષા બંધ થતા થોડી વારમાં મહત્વના  રોડ રસ્તા પરથી બરફ ગાયબ કરી દેતા વાર નહિ લાગે.
          *વૈશ્વિક ઉષ્ણતા(ગ્લોબલ વોર્મિંગ) વધી રહી છે તેવા અહેવાલોના પરપોટા ફૂટી રહ્યા છે.પણ છતાં ઘણા દમ્ભીઓ  એવું કહે છે એના લીધેજ આવું અનિયમિત ઋતુ પરિવર્તન થઇ રહ્યું છે. મારા શ્રીમતી નોકરી પર ગયા છે, રાતે ૧૨ વાગે છુટશે. ત્યાં સુધીમાં ખાસો બરફ રસ્તા પર પડી ચુક્યો  હશે. પાછા ચારચક્રી લઈને ગયા છે. જોકે એમની પાસે વાહન ચાલન વિષે  ખજાના જેટલું જ્ઞાન છે. જોકે આટલા બરફ માં પહેલી વાર ચલાવશે. આજે એમના જ્ઞાન રૂપી ખજાનાની પરિક્ષા થઇ જશે. આમ તો હું ૨૦ વર્ષો થી ભારતમાં અને અહી બધાજ પ્રકારના વાહનો ચલાવી ચુક્યો છું એક પણ અકસ્માત વગર પણ મારા કરતા એ વધારે જાણે. અહી ભલે એમની ખેંચતો હોઉં પણ અંદર થી ચિંતા થાય છે.
         *મને હમણા કંધશુળ(સોલ્ડર પેઈન) નો પ્રશ્ન ઉભો થયો છે.એટલે સાંધાશુળ નિવારણ કેન્દ્ર માં અઠવાડીએ ત્રણ વાર જવું પડે છે. એટલે શારીરિક કસરતો કરાવતા નિષ્ણાત દાકતર ની સેવા લેવી પડે છે. આમ તો વરસ થી આ શુળ હેરાન કરે છે. અસ્થીભંગ નિષ્ણાત વૈધરાજ મોહનીશ રામાણી સાહેબે મારા ડાબા ખભામાં પોલી સોય વડે બે વાર દવા ઉતારેલી. અને કસરતો પણ મેં નિયમિત કરેલી પણ પાછું ફરી શરુ થયું. આ વખતે તો રામાણી સાહેબે બોલ્યા વગર જ પોલી સોય દ્વારા દવા ઉતારી દીધી, આ ખભાને પણ દવાનો નશો કરવાની આદત પડી હોય તેમ લાગે છે. સાંધાશુલ નિવારણ કેન્દ્રના સંચાલક  છે બેન પૂર્વી પીઠવા. એક સુંદર ત્રાસવાદી. બચપણમાં કોઈ દુશ્મન મિત્રે  ઝગડો થતા આવા હાથ નહિ મચેડ્યા હોય. કદી પ્રયત્ન પણ ના કર્યો હોય તેવી દિશાઓમાં હાથને લઇ જઈને એવો મરોડી નાખે કે બાપા બોલાવી દે. છઠ્ઠી ણું ધાવણ યાદ કરાવી દે. મારા તો માતુશ્રી જીવતા છે પણ મૃત હોય તોયે એમના નામના પોકારો કરી ઉઠીએ. હે માં આ ત્રાસ માંથી છોડાવ. પાછા બહુ સરસ બહુ સરસ કહીને એકાદ વાર વધારે મચડી નાખે. પણ પછી મટી જાય એટલે બધા આશીર્વાદ ભારતીય પરમ્પરા મુજબ આપે. ત્રાસ આપવાના પૈસા લે પાછા. બોલો!!આશીર્વાદ મેળવતા ત્રાસવાદીઓ પણ હોય છે આ દુનિયામાં. કોઈ ત્રાસવાદી એના ગુના કબુલ નાં કરતો હોય તો અહી લાવવા જેવો. ઘડીના છઠ્ઠા ભાગમાં બધા ગુના કબુલી લે. એક ભાઈને કમર શુળ થયું છે. એક યંત્ર પર એમને સુવડાવી ઉપર ખભાના ભાગ થી ચામડાના પટ્ટા વડે બાંધવાના ને નીચે પાછા કમરના ભાગે પટ્ટા બાંધવાના. યંત્ર ચાલુ થાય એટલે પેલા ડાકુઓના ચિત્રપટમાં મુખ્ય નાયક ને  ઘોડા પાછળ બાંધી ડાકુ ઘોડા પર બેસી  દોડતો હોય ને પાછળ પેલો બાંધેલો ઘસડાતો હોય એવું દ્રશ્ય લાગે. પેલા નાયક અભિનેતાનુ કમર શુળ ચોક્કસ મટી જતું હશે. આવા કોઈ અભિનેતાએ ફિલ્મોમાં કામ મળવાનું બંધ થતા અનુભવના આધારે  આવું  કોઈ કમર શુળ નિવારણ કેન્દ્ર શરુ કર્યું હશે. એમાંથી આ ઉપાય શરુ થયો હશે. તો અહી ન્યુ જર્સી માં રહેતા હોય તેવા બ્લોગ જગતના મિત્રોએ આવા કોઈ પણ જાતના શુળ નિવારણ માટે સુંદર ત્રાસવાદીના  સુંદર ત્રાસવાદનો લાભ લેવા જેવો ખરો. આ સાંધાશુલ નિવારણ કેન્દ્ર(હિલીંગ જોઈન્ટસ) ઓક ટ્રી રોડ પર આવેલું છે. કારણ આવા બે ફીજીકલ થેરાપીસ્ટ બદલ્યા પછી આ હાથમાં આવ્યા છે.

હસો અને હળવા થાવ,,,

       *મારા રોજનીશી જગત ના મિત્રોમાં ના એક અતુલભાઈ નું કહેવું છે કે આ તત્વ ચિંતકો ક્યારે હાસ્ય લેખક બની જાય ને હાસ્ય લેખક તત્વ ચિંતક બની જાય કહેવાય નહિ.સાચી વાત છે.પણ હું તો યાર કોઈ તત્વ ચિંતક નથી.પણ મેં ડાયરા ઘણા બધા ગઢવીઓના સાંભળ્યા છે.અને શાબુદ્દીન રાઠોડ ના ડાયરા પણ સાંભળ્યા છે.આ બધા ખબર નહિ હાસ્ય રસ પીરસતા ને ટુચકાઓ કહેતા કહેતા ફિલોસોફી ના રવાડે ચડી જતા જોયા છે.માલીપા,,,માલીપા એમ વારેઘડીએ બોલતા હસવાની વાતો ને એકદમ ગંભીર બનાવી પોતે મહાન તત્વ ચિંતકો છે એવું દર્શાવતા હોય  છે.અરે આ બધા મોટા  તો ઠીક પેલો કાલ અતારનો છોકરડો એવો સાઈરામ પણ એના જુવાન મોઢા ને ના શોભે એવી ગંભીર તત્વજ્ઞાન ની વાચેલી વાતો ઉઠાંતરી કરીને કહેતો હોય છે.આમેય એમની એવી તત્વ ચિંતન ની વાતો કોઈ સાંભળતું  ના હોય,એટલે ડાયરા માં ચાન્સ મળ્યો છે કે મળશે એવું વિચારી એમની જે મફત માં સલાહ આપવાની ટેવ ની ખંજવાળ હોય છે ,એ અહી ડાયરામાં પૂરી કરતા હોય છે.ચાલ્યા કરે આપણ ને કોઈ લખવા માટે આમંત્રણ નથી આપતું એટલે અહી લખીને ખણ પૂરી કરીએ છીએ.

      *અમારા એક સબંધી ને પણ આવી ના માગી હોય તો પણ સલાહ આપવાની ગંભીર બીમારી છે.મારે શું સબંધ છે એ જણાવવા માં જોખમ પેલા લીલા પાનાનું(ગ્રીનકાર્ડ) છે.એમને પોતે સર્વજ્ઞ સર્વ વિષયોના જ્ઞાતા નો વહેમ ભરાઈ ગયો છે.કેટલીય  વાર અકસ્માત કરી ચુક્યા છે,છતાં વાહન ચલવવા વિષે કબાટ ભરાય તેટલા પુસ્તકો લખી શકે.મારા શ્રીમતી ને પણ વાહન ચાલક પ્રમાણપત્ર(લાયસન્સ)ના હોતું મળ્યું ત્યાર થી વાહન કઈ રીતે ચલાવવું એના વિષે ઉચ્ચવિદ્યાવિશારદ(પી.એચ.ડી) જેટલું જ્ઞાન. વાહન ઉપરથી યાદ આવ્યું કે પહેલા વાહન વ્યવહાર માં ઘોડા વાપરતા.એની યાદગીરીમાં અમારા રાજપૂતોમાં લગ્ન વખતે વરઘોડો નીકળે.વરરાજા ઘોડા પર બેસીને ગામમાં આંટો મારી આવે વાજતે ગાજતે,ને ગામ લોકોને,ખાસ તો યુવતીઓને  ખબર પડી જાય કે આતો કોઈએ બોટી લીધો,હાથ થી ગયો.મારા લગ્ન વખતે એવું થયેલું કે બધા ભાઈઓ દુર ને પિતાશ્રી રોજ છચક્રીવાહન(બસ) માં રોજ આવન જાવન કરે વિજાપુર વકીલાત અર્થે.એટલે બધી વ્યવસ્થા મારે જાતે કરવી પડેલી, એમાં પુરતી ઊંઘ નહિ મળેલી.વરઘોડો અમારા ગામ માં લગભગ દોઢ કલાક ચાલે તે મને ઘોડા પર ખુબ આરામ લાગેલો.એમાં હું ઘોડા પર હાથ માં તલવાર ને ઊંઘી ગયેલો.જોકે સ્વભાવ થી કડક એટલે ઊંઘ માં પણ કડક જ રહેલો. કોઈને ખબર ના પડી બેન્ડવાજા ના અવાજ ભર્યા ગીતો માં લોકો  મશગુલ. હું ઊંઘી ગયો છું એવો ખ્યાલ મારા પિત્રાઈ ભાઈ શ્રી વિજય સિંહ ને આવ્યો,એ મારી બાજુ પર મારી સેવા માં ચાલતા હતા. એમણે મને ચૂંટલી  ભરી મેં એમની સામે જાગીને જોયું તો કોઈ ના સાંભળે તેમ કહે ઊંઘો છો જાગતા રહો.આમ કેટલીય વાર ઝોલા ખાઈ ગયેલો ને દરેક વખતે વિજયસિંહ ના ભારે હાથ ની ચૂંટલી સહન કરવી પડેલી.
            *શરુ માં અહી આવીને નોકરી માટે દોડધામ ખાસી કરવી પડે. એક ખાનગી રોજગાર અપાવ સંગઠન(પ્લેસમેન્ટ એજન્સી)માં મારા સાળી લઇ ગયેલા.આ નાના સાળીએ મને ખુબ મદદ આ બાબતે કરેલી.આપણે રસ્તાના અજાણ્યા એટલે તેઓ એમની ગાડી માં લઇ જાય.બીજું અંગ્રેજી પણ એટલું શક્તિશાળી કે સામેવાળા ને જલ્દી સમજાય નહિ,અને એનું આપણ ને ના સમજાય એટલે સાલીસહેબા ને દુભાષિયા ની જવાબદારી પણ સંભાળવી  પડે.અહી એક પત્રક(ફોર્મ) ભરવાનું હોય આપણી સામાન્ય માહિતીનું,એમાં કોઈ જગ્યાએ વાયોલેશન વિષે નો સવાલ હતો,એમાં મેં હા(યસ) લખેલું.તો અંદર બોલાવીને એક ધોળી બાઇ મારી માહિતી કઢાવવાનો ગંભીર પ્રયાસ કરી રહી હતી એણે એ વાચ્યું ને મને કહે તે કોઈ મર્ડર કરેલું મેં કહ્યું ના.તો હસીને કહે અહી હા કેમ લખ્યું છે.ત્યારે મને ખબર પડી કે વાયોલેસન એટલે સજા થાય તેવો ગુનો.આવું આપણુ મજબુત ઈંગ્લીશ હતું.આ ધોળીએ એક પત્ર આપ્યો ને એક દવાઓને લગતા ઉદ્યોગ ગૃહ માં અમને મોકલ્યા.જ્યાં મોટા ભાગે ભારતીય બાઈઓ કામ કરતી હતી.મુકરદમ(સુપરવાઈઝર)બહેન પણ ભારતીય મોટા ભાગે ગુજરાતી અને તે પણ પટેલ જ હતા.અહી ભારતીય એટલે ધોળિયા કાલીયા બધા પટેલ જ સમજે.મારી અટક સામુ જોયા વગર પટેલ જ લખી નાખે,તો કાયમ યાદ રાખીને સુધરાવવું પડે.તો મારા સાળી એ પેલા મુકરદમ બહેન ને પેલો પત્ર આપ્યો તો મારા સામુ જાણે હું કોઈ પરગ્રહ વાસી વિચિત્ર પ્રાણી હોઉં તેમ જોયું ને મારા સાળી ને  એકદમ ચીસ જેવા આવાજ માં પૂછ્યું,ધીસ ગાય? તો મેં પણ એકદમ જવાબ આપી દીધો આઈ એમ નોટ ગાય,આઈ એમ બુલ.મને થયું આ બાઈ મને ગાય કહે છે.મારા સાળી કહે જીજાજી એવું નહિ ગાય એટલે કાઉ નહિ માણસ ની વાત છે.પેલા બહેન સમજી ગયા ને કહે મજાક કરોછો? તેઓ ગુજરાતીમાં પ્રવેશી ગયા.મેં કહ્યું ખોટું ના લગાડતા હું જરા મજાકિયો  છું.મને થયું કે ભરડાઈ ગયું હવે વાત વળી લો.એ દવા ના કારખાના માં મોટા ભાગે ગુજરાતી ગાયો કામ કરતી હતી.એમાં બેચાર ભાઈઓ કામ કરતા હતા પણ સંગદોષ ના લીધે બોલચાલ અને વાણી વર્તન માં  આખલા માંથી ગાયોમાં પરિવર્તિત થઇ ચુક્યા  હતા.આમેય આમારા દરબારો ની છાપ ખરાબ એ બાબતે ભુરાંટા આખલા જેવા.ગામ આખાની ગાયુ ની પાછળ દોટો મુક્યા કરે.એટલે મને નોકરી ના મળી.   
        *મારા હાસ્ય લેખો રોજનીશી જગત ના મિત્રો ધડાધડ વાચી ને અભિપ્રાય આપવા માંડ્યા છે.અને મારી ટપાલો(પોસ્ટ)ને લોકપ્રિયતાના  અંકમાં ઉપર લાવવામાં ફાળો આપવા માંડ્યા છે,કે દરબાર પાછો ગંભીર ક્રોધરસ થી ભરપુર લખાણો ના રવાડે ના ચડી જાય.એટલે સારા સારા અભિપ્રાયો આપવા માંડજો નહીતો ખેર નથી.     

હસો ભાઈ હસો,હસો બહેનો હસો!!!!

       
બુશ તો જુઓ!!
*આ દિલીપકુમાર સાહેબ કરુણરસ ની ભૂમિકા ભજવવાના નિષ્ણાંત ખેલાડી હતા.એમના ચિત્રપટ  એના કારણે પ્રખ્યાત અને સફળ થતા.પણ પ્રશ્ન એ થયો કે સતત આવી કરુણ અને ઉદાસ ભૂમિકાઓ ભજવી ભજવી ને સદાય કરુણ રસ ના તરણકુંડ માં નહાવા લાગ્યા.સતત ઉદાસ પ્રકારની ભૂમિકાઓ ભજવવાથી એમના મન ઉપર અસર પડી ને કારણ વગર ઉદાસ રહેવા લાગ્યા.ઘર માં ચા  લાવતા જરા વાર લાગે તો પણ રડી પડતા.”મુજ ગરીબ પર  ઐસા જુલમ કયું  ઢાં રહે હો” કહી વાતે વાતે રડી પડતા.દિગ્દર્શકો   ને નિર્માતાઓ  ને તકલીફ માં મૂકી દીધા.એટલે કોઈને થયું કે આ નાટકીયા મિયાં ભાઈ આમ સીધા નહિ થાય.એટલે બધા લઇ ગયા માનસિક રુગ્ણઆલય માં.માનસિક દર્દો ના વૈધરાજ પણ એમની ઉદાસ આંખો માં જોઇને રડી પડ્યા.તો દીલીપસાબે એમને પણ પૂછી લીધું કે આપ રો કર મુજ ગરીબ પર કયું જુલમ ઢા રહે હો?માંડ માંડ માનસિક રોગ નિષ્ણાત દીલીપસાબ ના સંમોહન માંથી બહાર આવ્યા.પછી એમણે ઉપાય સૂચવ્યો.કે હવે આમને ઉદાસ કરુણરસ તરબોળ ભૂમિકાઓ સોપવાનું બધ કરો,નહિ તો આ માણસ વગર કારણે દુખી થઇ ને ફર્યા કરશે,અને બધાને દુખી કર્યા કરશે ખાસ તો સાયરાજીને,અને ખાનગીમાં અસ્માજીને.હવે આમને હળવી હાસ્યરસ થી ભરેલી ભૂમિકાઓ સોપો.તો આ સીધા થઇ જશે.બીમારી જતી રહેશે.
          *ત્યાર પછી નિર્માતાઓ એ એમને સાજા કરવા રામ ઔર શ્યામ બનાવ્યું.પાછું કોઈ દારૂડિયા ને એકદમ દારૂ છોડાવી દઈએ તો મુશ્કેલી થાય,એમ કોઈ નશાકારક દવા લેવા વાળાને એકદમ વ્યસન ના છોડાવાય,એ દવા નું પ્રમાણ થોડું થોડું ઘટાડવાનું.એમ રામ ઔર શ્યામ માં બે જાત ની ભૂમિકા રાખી.દિલીપસાબ શ્યામ તરીકે  હળવી મજાકિયા ભૂમિકા ભજવે ને રામ તરીકે પાછો જુનો કરુણરસ ખોરાક લે.ત્યાર પછી ગોપી વિગેરે ચિત્રપટ આવ્યા.પછી કોઈ જાસુસે માહિતી આપી કે આ દિલીપસાબ પેલા વિનોદખન્ના ના વાદે ને સાથે  એક વાર ઓશોના આશ્રમ પુના પહોચી ગયેલા.અને નાટકીયા અંદાઝ  માં પૂછી બેઠેલા કે મેરે લિયે કોઈ આજ્ઞા હૈ,કોઈ સુચન જો મેરે જીવન કો આગે લે જાએ?ત્યારે બહુ મોટા ખેલાડી અને અભિનયના મહારાજા એવા ઓશોએ સલાહ આપેલી કે “અભિનય મેં જીવન ડાલ દો,ઔર જીવન મેં અભિનય”.ઓશો ગમે તેવા મહાન માણસ કે અવતાર ની પણ ખેંચ લેવા ના નિષ્ણાત હતા.ભલભલા ના પતંગ કાપી નાખતા.અને એવી ગુપ્ત કાચ પાએલી(સુતેલી) દોરી વાપરે કે સામેવાળાની કપાઈ જાય.દિલીપસાબ ને ખબર પણ ના પડી.છેવટે બહુ ખેંચી ખેંચી ને થાકી ગયા તો એમનોજ પતંગ કપાઈ ગયો.પણ જબરો ભડ માણસ.આખી દુનિયા ના મહારથીઓ ને પુના  ભેગા કરી દીધેલા.૧૦૦ રોલ્સ રોયસ ચાર ચક્રી વાહનો ભેંગા કરેલા.અને મોંઘીદાટ કાંડા ઘડિયાળો એમનો શોખ હતો.મોરારજીભાઈ એકવાર એમને કહે યોગ શીખવાડો,તો ઓશો કહે પહેલા રાજકારણ છોડી દો.ત્યાર થી મોરારજીભાઈ ને એમની દુશ્મની ચાલુ થઇ.જોકે એમની વાત સાચી હતી.યોગ અને રાજકારણ ને સાથે મેળ કઈ રીતે પડે?પણ ઓશો જબરા ભારાડી,નફફટ પણ એટલાજ.કહે હું તો આ પૃથ્વી નામના ગ્રહ પર મુલાકાતે આવેલો.એમના પાળિયા ઉપર એવું લખેલું પણ છે,જન્મ તારીખ અને પતંગ કપાઈ ગયા તારીખ(મૃત્યુતીથી) વચ્ચે પૃથ્વી નામના ગ્રહ ની મુલાકાતે આવેલા.
               *મારે પણ દીલીપસાહેબ જેવું થવા માંડેલું.ઉગ્ર પ્રકાર ના લેખો લખી ને માનસિક અસર થવા માંડેલી.નેતાઓ ને બનાવટી સાધુઓ ઉપર ના શાબ્દીક પ્રહારોવાળા લેખો લખીને  આ મારી કુરુક્ષેત્ર નામની રોજનીશી(ડાયરી)માં મુકીને હું પણ ક્રોધાન્વીત રહેવા લાગ્યો.વાતે વાતે ગરમ થઇ જવા લાગ્યો.એકવાર મારા ધર્મપત્ની સવાર  સવાર માં વાયુ સગડી પર ચા મૂકી મને ઉભરાઈ ના જાય જો જો જરા એવી આજ્ઞા કરી ને શૌચક્રિયા કક્ષ  માં ગયા.અને હું મારી આ રોજનીશી ખોલી ને મિત્રોના અભિપ્રાય વાંચવામાં ને ઉત્તરો આપવામાં મશગુલ ચા ઉભરાઈ ગઈ.પત્ની બહાર આવ્યા ને રસોઈઘર માં જઈને ઉગ્ર થઇ ગયા ને કહે આ શું કર્યું?હું તો મારી રોજનીશીમાં(બ્લોગ) મગ્ન.એકદમ ઉગ્રાતીઉગ્ર બની ગયો ને બરાડી ઉઠ્યો એમ સીતાજીને કાઢીને ના મુકાય.મારા પત્ની મારો જન્મજાત  ઉગ્ર સ્વભાવ જાણે.મને કહે અહી ચા ઉભરાઈ ગઈ છે એમાં સીતાજી ક્યાંથી વચ્ચે આવ્યા?મેં કહ્યું વાલ્મીકીએ  લોકસભામાં આ પ્રશ્ન કેમ ના મુક્યો?મને ભાન જ રહ્યું કે અહી કલિયુગ માં છું.ત્રેતાયુગ માં નથી.કલીયુગ ને ત્રેતાયુગ બંને ભેગા થઇ ગયા.મારા શ્રીમતી હસવા લાગ્યા.કહે હવે રોજનીશી જગત માંથી બહાર આવો.ફરી ચા મુકવી પડશે.આવું વારે વારે બનવા લાગ્યું.મેં જગત જોડાણ જાળ(ઈન્ટરનેટ) નું જે વેપારગૃહ(કંપની)હતું તે બદલેલું.એમાં પ્રશ્ન ઉભો થયેલો.મારા માહિતી ભંડાર યંત્ર(કોમ્પ્યુટર)સાથે બરોબર જોડાણ થતું ના હતું.બેત્રણ વાર દુરવાર્તા યંત્ર(ફોન)પરથી પ્રયત્ન કર્યો પણ જરૂરી પ્રત્યુત્તર ના મળવાથી અહી પણ બુમો પાડવા લાગ્યો.પેલો ગભરાઈ ગયો ને બીજા દિવસે યાંત્રિક મુશ્કેલી ઠીક કરનાર માણસ આવ્યો.પાછું તારવિહીન(વાયરલેસ) જોડાણ થતું ના હતું.પણ સારા નસીબે મારા સુપુત્રે  દુરવાર્તા યંત્ર થી કામ પતાવી દીધું.
              *મારા નાના સુપુત્ર પાછા મનોવિજ્ઞાન ભણે છે.એટલે અમારે બહાર જવું ના પડ્યું.ઘર માંજ મફત માં નિદાન સાથે સલાહ મળી ગઈ.મારા દીકરા હરપાલસિંહ કહે હવે બાપુ આપ આવા ક્રોધ ભરેલા લેખો ના લખશો.એના બદલે હળવા હાસ્યરસ થી ભરેલા લેખો લખો,ને રોજનીશીમાં મુકો.આમેય લોકો દુખ દર્દ થી પીડાતા હોય જ છે.એમાં આપ વધારો કરો છો.જૂની વાતો યાદ કરીને પોતે દુખી થાવ છો ને વાંચનાર ને પણ દુખી કરો છો.મને કહે સીતાજી ની પણ ભૂલ તો ખરીને.રામ ને એવું ના કહી દેવાય કે બોલ્યાએ બોલ્યા,વન માં જવું હોય તો તમે જાવ.કાંતો મહેલ માં ને મિલકત માં  અડધો ભાગ આપી દો.કચેરીમાં જઈને છુટાછેડા ને ભરણપોષણ નો દાવો કરી અમેરિકન નારી ની જેમ પગડંડી(ફૂટપાથ)પર લાવી દઈશ.ઓલા ધોબી ને જેલમાં પુરાવી દઈશ  ને કચેરીમાં બદનક્ષી નો દાવો ઠોકી દઈશ.મને ખાનગીમાં કહે જરા મારા માતુશ્રી ને લડી જુવો તો લીલું પાનું (ગ્રીનકાર્ડ)પડાવી લેશે ને ભારત ભેગા કરી દેશે.
              *સમજ્યા હવે? મેં કેમ હાસ્યરસ ભરેલા લેખ લખવાનું શરુ કર્યું છે?આ તો અંદર ની વાત છે કોઈને કહેતા નહિ.મારા મોટા અને નાના બંને દીકરા મને પપ્પા કહીને બોલાવે પણ વચલા દીકરા યુવરાજસિંહ ગુજરાતી બચાવો આંદોલન શરુ પણ થયું ના હતું ત્યાર થી બાપુ કહીને જ બોલાવે છે.મારા આત્મા ને પણ એવું સાંભળી આનંદ સાથે રાહત થાય છે.એમનો સાદ(કોલ) આવ્યો દુરવાત યંત્ર પર.મને કહે બાપુ તમારા માટે કંઠ લંગોટ લીધા છે.હું તો ચમકી ગયો.અલ્યા લંગોટ તો નીચે પહેરાય.તો હસવા લાગ્યો કહે કેવા ફસાયા!!તમે તો નિસરણી આપી છે.એને લાગ્યું કે બાપુ ચકરાઇ જશે એટલે કહે ટાઈ લીધી છે.
           
         
        નોધ-:-દિલીપસાબ ની વાતો થોડી ઉપજાવી કાઢેલી છે.પણ એમણે મનોવૈજ્ઞાનિક ની સલાહ થી હળવી ભૂમિકાઓ કરવા માંડેલી એવું ક્યાંક વાચેલું.ઓશો કદી દિલીપસાબ ને મળ્યા હોય તેવું જાણ્યું નથી.એ ઉપદેશ વિનોદખન્ના ને મળેલો.મોરારજી વાળી વાત સાચી છે.અને ઓશો ની સમાધિ ઉપર પૃથ્વી ગ્રહ ની મુલાકાતે આવેલા તેવું લખેલું છે,આ વાત સાચી છે.          
           
           

હસીને વાંચજો ને વાંચીને હસજો.

હિલેરી હસી પડી
*હમણા સાડા પાંચ કરોડની ગુજરાતમાં ગુજરાતી બચાવો અંદોલન ચાલી રહ્યું છે. એટલે મેં નક્કી કર્યું કે ઘરમાં શુદ્ધ ગુજરાતી બોલવાનું, કોઈએ અંગ્રેજી શબ્દ બોલવાનો નહિ. ગુજરાતી આપણી માતૃભાષા છે. એને બચાવવી એ આપણો ધર્મ છે. મારા ધર્મપત્ની કહે આતો સજા સારા માણસને હાથે કરીને  માંદો પાડી, પછી એને બચાવવા દવાખાને દાખલ કરો અને એની ખબર કાઢવા જાવ એવી વાત છે. મેં કહ્યું સાચી વાત છે, પણ રોફ પાડવા જઈએ તો આવું થાય જ.
        *એટલે સવારમાં શ્રીમતી પથારીમાંથી જાગ્યા ને કહે આ સમય સૂચક યંત્ર બગડ્યું લાગે છે. એની પોષણ લાકડી અંદરથી બદલી નાખજો. પહેલા તો હું ચમકી ગયો. સમય સૂચક યંત્ર તો સમજાય ગયું. પણ પોષણ લાકડી? તો કહે બુદ્ધુજ છો અંદરનો સેલ બદલો વરસ થઇ ગયું એટલે એની શક્તિ(ડીસ્ચાર્જ) પૂરી થઇ લાગે છે. મેં કહ્યું  ઓ.કે. ..તો કહે ઓ.કે નહિ બરાબર બોલવાનું. આતો સપડાયા. એકદમ સાલું ભાષાંતર યાદ પણ ના આવે. આતો સારું છે ભાઈ શૈલેષના દેવડા ગામની મુલાકાત લઇ આવેલો. એટલે વળી થોડું યાદ આવી જાય.
    એટલામાં બુમ પડી કે દાંતે ઘસવાની લુગદી ખલાસ થઇ ગઈ છે. મેં કહ્યું અંદર સ્નાનકક્ષ માં રહેલી લાકડાની પેટીમાં વધારાની છે. થોડી વધારાની દાંત સાફ કરવાની પીછીઓ પણ છે. સસ્તી મુકેલી તો જથ્થા બંધ લઇ આવેલો. અહી ન્યુ જર્સીમાં અત્યારે ફેબ્રુઆરીમાં પણ બરફવર્ષા થાય છે. આ શનિવારે તો વાવાઝોડા સાથે ચારેક ઇંચ બરફવર્ષા થવાની છે. દિવસે પણ તાપમાન શૂન્ય કે ઓછા બે  કે ત્રણ અને રાત્રે તો ઓછા દસ સુધી ઘણીવાર પહોચી જાય છે. એટલે તો અહી દરેકના ઘરમાં ઘરને ઉષ્ણ રાખવા માટેના યંત્રો હોય છે, ને જળ નળમાં સીધું ઉષ્ણ થઈને આવે તેવા લાયબંબા પણ હોય છે.  એટલે શિયાળામાં અમે બધું જથ્થાબંધ ભરી લઈએ. અહી કોસ્કો નામની મોટી દુકાન  છે. ત્યાં થી અમે વાળ ધોવાનો  પ્રવાહી સાબુ, શરીર ધોવાનો સાબુ, નાની મોટી પોષણ લાકડીઓ, થીજવેલા શાકભાજી, ફળો, દૂધ વિગેરે લઇ આવીએ. અહી જોકે ભારતીય દુકાનોનું મોટું બજાર છે. ત્યાં પણ પટેલ ભાઈઓ(પટેલ બ્રધર્સ), પટેલ રોકડા આપો ને ઉચકી જાવ(પટેલ કેશ એન્ડ કેરી) નામની મોટી દુકાનો છે. ત્યાં થી તમને તૈયાર રાંધેલા પણ થીજવેલા(ફ્રોજન) ખોરાકના પડીકા મળે. જાતજાતના પરોઠા, સમોશા, કચોરી, ભજીયા, પાતરા, રોટલીઓ, થેપલા, ઢેબરા, સરસ રીતે કાપેલા શાકભાજી બધું થીજવેલું મળે. આ બધું લાવીને વીજળીથી ચાલતી  ખોરાક ઠંડો રાખવાની મોટી લાંબી પેટીમાં ભરી દેવાનું( ખોરાક પ્રદુષણ અટકાવ યંત્ર).
        *મારા સુપુત્ર યુવરાજસિંહને ભારત જવાનું હતું. એમણે અમને અમેરિકામાં પ્રવેશ અને રહેણાંકનો  સંમતિસૂચક પત્ર(વિસા)મળ્યો એ દિવસે જ, વડોદરામાં અંગ્રેજી વરસના છેલ્લો દિવસ હતો ત્યારે રાત્રે અકસ્માત કરેલો ને પગના નળાનો દ્વીભાગમાં અસ્થિભંગ કરેલો. એ જરા દ્રાક્ષાસવ વધારે લેવાઈ ગયો હશે ને દ્વિચક્રી વાહન ઉપર હતા ને સામે ચારચક્રી વાહન જોડે સંગમ કરી બેઠા. એટલે હાડકાના વૈધરાજે અંદર કાટ ના આવે તેવા લોખંડનો સળીયો નાખેલો. એ બહાર કઢાવવા જવાનું હતું ભારતમાં. અમે ભારતમાંથી પાછા આવે ત્યારે લાવવાની વસ્તુઓની યાદી તૈયાર કરેલી. એમાં મારા માટે ખમીશ(શર્ટ) પાયજામાં(પેન્ટ), અન્ગુછા, અંતરવસ્ત્રો, મારા ધર્મ પત્નીને પૂજા માટે ગાયત્રી માતાની તસ્વીર, ભાખરવડી ને ચવાણાના પડીકાઓ, ચરણપાદુકાઓ,  વિગેરેની યાદી હતી. અહીંથી પણ ભારતમાં સ્નેહીઓ માટે મોકલવાની વસ્તુઓ હતી. એમાં ખાસ તો અહીની અત્તરની શીશીઓ, દાઢી કરવાની  ભારે દબાણ પૂર્વક ભરેલા તૈયાર ફીણની બાટલીઓ, આધુનિક અસ્ત્રા(રેજર)અને કાંડા ઘડિયાળો વિગેરે હતું.
          *એટલે જલ્દી તૈયાર થવા માટે હું ગયો સ્નાનઘરમાં ને અહી શ્રીમતી ઘુસ્યા રસોઈ ઘરમાં. વાયુ સગડી પર ચા ને અલ્પાહાર તૈયાર કરવા.  ત્યાં સુધીમાં સુપુત્રે  દ્રશ્ય શ્રાવ્ય યંત્ર માં હવામાન જોઈ લીધું. હવાઈ જહાજ સમયસર હતું એ પણ જોઈ લીધું. બધો સમાન લઈને  વીજળીરથ(ઇલેક્ટ્રિક ટ્રેન)માં તો જવાય નહિ. એટલે અમારા ચાર ચક્રી વાહનમાં જ જવાનું હતું. પાછા ફરતા મારે વાહન ચાલક ની જવાબદારી નિભાવવાની હતી માટે પથદર્શક યંત્ર(નેવિગેશન) પણ લઇ લીધું હતું. બસ થોડીવારમાં તૈયાર થઇ અમે નીકળી  પડ્યા ન્યુયોર્કના હવાઈ જહાજ ઉડાન મથક પર જવા માટે.
નોધ:-દેવડા ગામના ઓટલાની મુલાકાત એ આ લેખ લખવાની પ્રેરણા બની છે. માતૃભાષા પ્રત્યેના પ્રેમ સાથે હાસ્યરસ પીરસવાની ભાવના જ માત્ર છે.

હસવાનું નહિ….હસના મના હૈ.

Laughing Budhdha.

 

હસવાનું નહિ….હસના મના હૈ. 

   *સાચો પ્રેમ ઓશિકા જેવો છે.જયારે તમે મુશ્કેલીમાં હોવ ત્યારે એને વળગી ને હળવા થઇ શકો છો,પીડા માં હોવ ત્યારે એના પર માથું મૂકી રડી શકો છો,અને ખુશ હોવ ત્યારે?
     તો ૫૦ રૂપિયા હળવા કરો એક ઓશીકું ખરીદી લાવો .
   *લગ્નો સ્વર્ગ માં ગોઠવાય છે એવું કહેવાય છે,અને લગ્ન પછી નર્ક નું નિર્માણ થાય છે.
   *આ વરરાજા લગ્ન સમયે ઘોડા પર કેમ બેસતા હશે?
     છેલ્લો ચાન્સ છે ભાગી છુટવાનો માટે.
     *પ્રેમ સિગાર જેવો છે.આગ સાથે શરુ થાય,ધુમાડા સાથે આગળ વધે ને રાખ સાથે સમાપ્ત થાય.
    કોઈ વાંધો નહિ હું તો ચેઈન સ્મોકર છું.
   *તારા હાસ્ય ને ફૂલો સાથે સરખાવી શકાય,
    તારા અવાજ ને કોયલ ની કુક સાથે સરખાવી શકાય,તારી નિર્દોષતા બાળક જેવી છે,તારી મૂર્ખાઈ  ની સરખામણી તો કોઈ ની સાથે ના થાય.તું સર્વશ્રેષ્ઠ છે.
   *મિત્ર મેં માગ્યા ફૂલ ને તે  દઈ દીધો ગુલદસ્તો,
    મેં એક નાનો પત્થર નો  ટુકડો માંગ્યો ને તે આખી પ્રતિમા આપી દીધી,
    મેં એક પીંછું માગ્યું  ને તે તો આખો મોર જ દઈ દીધો,
    મિત્ર શું આપ બહેરા તો નથી ને?
   *મેં પાણી સાથે વોડકા લીધો ને ચડી ગઈ,
    મેં પાણી સાથે વ્હીસ્કી લીધી ને પછી ચડી ગઈ,
   વળી મેં પાણી સાથે રમ લીધો   ને ચડી ગઈ,ચાલો હવે સોગંધ ખાઉં છું કદી પાણી નહિ લઉં.

*હાસ્ય-પ્રેમ ની ભષા છે.
હાસ્ય-હૃદય જીતવાની કળા છે.
હાસ્ય-તમારી પ્રતિભા માં વધારો કરે છે.
તો હવે આજથી બ્રશ કરવાનું ચાલુ કરી દો. 
  
નોધ:–શ્રી અનંતસિંહ પરમારે મોકલેલી ઈ-મેલ નું ગુજરાતી ભાષાંતર છે.