નર્કારોહણ-૩

નર્કારોહણ-૩
ત્રીજો દિવસ થયો આજે નર્કમાં આવ્યે. દેસાઈ સાહેબ લિસ્ટ લઈને બેઠાં હતાં. મારા પહેલાં આવીને બધું ચેક કરીને બેઠેલા. કોના ઇન્ટર્વ્યૂ લેવાના, કોઈ રહી ના જાય એ માટે લિસ્ટ બનાવેલું.
‘ચાલો આજે દુનિયાના સૌ પ્રથમ રેશનલ માણસને મેળવી દઉં, દેસાઈ સાહેબ બોલ્યા.
‘એ કોણ? રેશનલીઝમ તો હમણાં ચાલુ થયું છે.’
‘ચાલો તો ખરા! એ માણસ સૌ પ્રથમ હતો જેણે ઇશ્વરભાઇમાં માનવાનું બંધ કરેલું.’
અમે તો ચાલ્યા. ત્યાં તો દૂર દૂરથી “બુદ્ધમ શરણમ ગચ્છામિ”નો નારો મધુર અવાજમાં સંભળાવા લાગ્યો. એક ઝાડ નીચે ભગવાન બુદ્ધ બેઠેલા જોયા એમની જગપ્રસિદ્ધ મુદ્રામાં. બાજુમાં દલાઇ લામા પણ જોયા.
મેં કહ્યું, ‘દેસાઈ સાહેબ, આ લામા હજુ જીવતાં છે ને અહીં શું કરે છે?’
‘અરે! એતો ત્યાં સૂતાં હોય ત્યારે અહીં આંટો  મારી જાય છે, એ બહાને ચેક થઈ  જાય ભવિષ્યમાં અહીં જ આવવાનું છે.’
‘એવું કેમ? એ તો બહુ મોટા ધાર્મિક ગુરુ છે, એમને અહીં શું કામ આવવું પડે?”
‘જુઓ, પૃથ્વી પર હમણાં કોઈ પ્રેસિડન્ટ નવા આવ્યા છે, એમનો હુકમ છે કે જે કોઈ માંસાહારી હોય તે બધા ને નર્કમાં મોકલી આપવા.’
‘કોણ? પ્રેસિડન્ટ સ્વામીની વાત કરો છો? હવે સમજ્યો, આ દલાઇ લામા અહીં કેમ આંટા મારે છે, અમેરિકા જાય ત્યારે  સદાય હસતા નિર્દોષ દેખાતા આ ડોસા આરામથી દરિયાઈ વાનગી ખાતાં હોય છે.’
અમે તો ભગવાન બુદ્ધની પાસે જઈ વંદન કરી ને બેઠાં. આ બધા ભગવાન મૂળ અંતર્યામી એટલે  અગાઉથી જાણી જાય કે  આપણે શું કામ આવ્યા છીએ. મારો પહેલો સવાલ હંમેશની જેમ,
‘ભગવાન આપ પણ અહીં?’
‘વત્સ,મૂળ અમે નાસ્તિક એટલે આના સિવાય બીજે ક્યાં  જગ્યા હોય?’ વળી અમારાંથી પણ એક ભૂલ થઈ ગયેલી.’
‘ભૂલ? અને તે પણ ભગવાન આપનાથી?’
‘વત્સ, એકવાર એક અમારો  ભિક્ષુ ભિક્ષા પાત્રમાં માંસનો એક ટુકડો લઈને આવ્યો,  અને પૂછે કે કોઈ ભિક્ષામાં માંસ આપે તો શું કરવું? ફેંકી દેવું કે ખાઈ લેવું? અમે વિચાર્યું કે ભિક્ષાનું અપમાન ના થાય. અને ના પાડીશ તો આ લોકોના મનમાં ચોઈસ ઘૂસી જશે. માટે અમે હા પાડી કે ભિક્ષામાં આપે તો ખાઈ લેવું. એમાં અમારી ભૂલ આમતો નથી, પણ ભિક્ષુઓએ અવળો અર્થ લઈ લીધો.
‘ભગવાન જરા વધુ ફોડ પાડો.’
‘વત્સ, લોકો એમના મનમાં જે ચાલતું હોય તેવી રીતે જ સમજતા હોય છે. એમની જ દીધે રાખતા હોય છે અને મન ફાવતા અર્થ કરી લેતા હોય છે. એટલે મારા આદેશનો અવળો અર્થ લઈને મારા ભિક્ષુઓએ માંસ ખાવાનું ચાલુ રાખ્યું. એ માટે ભક્તોને અગાઉથી જ કહી દે કે આજે આનું માંસ ભિક્ષામાં આપજો. અરે ઘણા તો પોતે જે પક્ષી ખાવું હોય તે વેચાતું લઈ ને ભક્તોના ઘરે મોકલી આપે, એટલે પેલો એને ભોજનમાં પરિવર્તિત કરી ભિક્ષામાં આપે.’
‘ભગવાન,સાચી વાત છે. લોકો મનગમતાં અર્થ કરી લેતા હોય છે. બાકી આપ તો કરુણાના અવતાર છો આપ આવી હિંસામાં ના માનો.’
‘વત્સ, બીજો દાખલો આપું હું પોતે ઈશ્વરનો ઇનકાર કરી ચૂકેલો, છતાં મને માનનારા મને જ ઈશ્વર બનાવી બેઠાં છે.’
‘સાચી વાત ભગવાન, માટે તો આપ જગતના પ્રથમ રેશનલ ગણાવ, પણ આપના ભક્તો નહિ.’
‘વત્સ, વિરોધાભાસ જુઓ મેં દુનિયાને અહિંસાનાં ખયાલ આપ્યા, પણ મને માનવાવાળા દેશો જેવા કે ચીન અને જાપાન અને બીજા ઘણા બધા કોઈ જીવ જંતુ, પશુ પક્ષી કે સરીસર્પ ખાવા માટે બાકી રાખતાં નથી. સજીવો ઉપર સૌથી વધુ જુલમ, હિંસા, ક્રૂરતા આ લોકો જ કરે છે.’
‘સાચી વાત છે ભગવાન, સાપ, દેડકા, ઉંદરથી માંડીને કૂતરાં સુદ્ધાં ખાઈ જાય છે, હવે આમાં આપની કરુણા તો હવાઈ જ ગયી છે.’
‘વત્સ, એક વાર સભા પૂરી થઈ એટલે અમે કહ્યું કે હવે સૌ પોતાનું  નિત્ય કર્મ કરો, મારો આશય હતો કે ધ્યાન કરો, પણ સભામાં આવેલો ચોર ચોરી કરવા ગયો, વૈશ્યા એના ગ્રાહકો જોડે ગઈ, લૂંટારો લૂંટ કરવા ગયો. બધા કહે  ભગવાને કહ્યું છે. બોલો જગતનું આવું છે ભાઈ.’
‘ભગવાન એક સવાલ કે આપે જ્ઞાન મેળવવા ઘર, સુંદર પત્ની અને કુટુંબ છોડી દીધું એ જ્ઞાન ઘરમાં રહી ને ના મેળવી શકાય તેવું હતું? આ હિંદુઓના તો દરેક ઋષિ મુનિઓ પરણેલાં અને બાળ બચ્ચાંવાળા હતાં.’
‘વત્સ, તમારી વાત સાચી છે. ઘરમાં રહીને પણ મેળવી શક્યા હોત. તમારા જેવો સવાલ અમે જ્ઞાન મેળવીને પ્રથમ વાર પાછાં આવ્યા ત્યારે યશોધરાએ પણ કરેલો. ત્યારે અમે ડિપ્લોમેટીક જવાબ આપેલો કે મેળવી શક્યા હોત પણ એ વખતે લાગતું હતું કે સંસારમાં રહીને જ્ઞાન નહિ મળે માટે ભાગી ગયેલા. મૂળ અમે રાજકુંવર હતા, અમે કદી જીવનની વિષમતાઓ જોયેલી નહિ.પહેલીવાર જોઇને ગભરાઈ ગયેલા, ડીપ્રેશનમાં આવી ગયેલા માટે સંસાર અસાર છે સમજી ભાગી ગયેલા, પણ એ ખોટું હતું તે સમજ્યા ત્યારે મોડું થઈ ચૂક્યું હતું.’
મૂળ કરુણાના અવતાર ગણાતા ભગવાન બુદ્ધની આંખોમાં આટલું બોલતા બોલતા આંસુ તગતગવા લાગ્યા એટલે હું દલાઈ લામાજી તરફ વળી ગયો. એ એમનું સદાયનું લાક્ષણિક ખી ખી કરતું હાસ્ય કરતા મારી સામે જોઈ રહેલાં.
મેં એમને નમસ્કાર કરીને પૂછવાનું ચાલુ કર્યું, ‘લામાજી આપ ખાલી આંટો મારવા આવ્યા લાગો છો?’
‘હા ભાઈ, આમેય હવે ત્યાં પ્રેસિડન્ટ સ્વામી જ ભગવાન છે, પ્રગટ બ્રહ્મ છે માટે એમના આદેશ મુજબ અમારે અહીં જ વાસ કરવાનો છે. માટે જરા જોવા આવી જાઉં છું. એ બહાને અમારા ભગવાન જોડે મુલાકાત પણ થઈ જાય છે.’
‘આપ પણ મોટાભાગે અમેરિકામાં ફરતા હોવ છો, ત્યારે સીફૂડ ઝાપટતાં હો છો, એ ખોટું ના કહેવાય?’
‘ભાઈલા, એ વાંક આમનો છે,’  લામાજીએ ભગવાન બુદ્ધ તરફ ઇશારો કર્યો. ‘તેઓશ્રીએ મહાવીર સ્વામિની જેમ કડક થઈને સ્પષ્ટ ના પાડવી જોઇતી હતી.’
‘લામાજી આપની વાત સાચી છે, પણ હવે તો અમેરિકા અને ભારત સુધ્ધા માને છે કે તિબેટ આપનું નથી. ધર્મગુરુઓનાં હાથમાં રાજકારણ અને દેશની ધુરા સોંપી ના દેવાય.’
‘ભાઈ, હવે એવું છે કે આખી દુનિયા જાણે છે કે તિબેટ અમારું જ છે, પણ ચીન હવે સુપર પાવર બનવા જઈ રહ્યું છે એને કોણ કહે?’
‘લામાજી ખોટું ના લગાડતા પણ કુદરતનો નિયમ છે કે સર્વાઇવલ એટ ધ ફીટેસ્ટ, કુદરત માટે બધા સરખાં જ છે કોઈ વિશેષ નથી.’
લામાજી પાસે કોઈ જવાબ નહિ હોય તે નિરુત્તર થઈ ગયા.
હું અને દેસાઈ સાહેબ આગળ વધ્યા. મેં દેસાઈ સાહેબને પૂછ્યું કે હવે કોને મળીશું?
દેસાઈ સાહેબે પ્રેમભરી સ્પષ્ટ સૂચના આપી કે મને દેસાઈ સાહેબ ના કહેશો. ખાલી રશ્મિકાંત કહેજો. મારે પણ રશ્મિ નામ સાથે સારું લેણું છે. મારા વડોદરા નિવાસ દરમ્યાન ખાસ મિત્ર વડોદરાના વન ઑફ ધ બેસ્ટ ફોટોગ્રાફર રશ્મિન શાહ મારા ખાસ મિત્ર હતા. આજે પણ છે જ. એમનો સ્ટુડીઓ પાણીગેટ બહાર વામા સ્ક્વેરમાં છે. મેં રશ્મિકાંતને કહ્યું કે આ મારા મિત્ર રશ્મિન  શાહની નાની દીકરી આકાશમાં જ્યારે પણ કોઈ પ્લેન જુએ કે તરત એના પપ્પાને કહેશે પાપા ચાલોને એક વાર તો રાઓલજી અંકલ પાસે અમેરિકા  લઈ જાઓ. જ્યારે જ્યારે રશ્મિનભાઈ મને ફોન ઉપર આ વાત કરે ત્યારે મને કથાકાર બાપુ યાદ આવી જાય. પેલી દીકરી તો ચાઈલ્ડ જ છે, બાપુ પણ?
ચાલો વિમાનમાં કથા કરવા જઈએ. જો કે દરેક પુખ્ત માણસમાં પણ એક બાળક ક્યાંક તો એના અવચેતનમાં છુપાઈ ને બેઠેલું તો હોય જ છે. મારા, તમારા અને બધામાં. એટલામાં ભગવાન શ્રી રામ ફરતાં ફરતાં અમારી નજીક આવી ગયા. અમે પણ સાઈડવોકમાં એમની સાથે થઈ ગયા. હવે તો ભગવાન અમને સારી રીતે ઓળખી ગયા છે.
મને કહે, ‘અમારું નામ સૌથી વધારે વટાવી ખાનાર હમણાં તમારા ન્યુ જર્સીમાં છે કેમ?’
‘હા ભગવાન એડીશનમાં કોઈ મહોત્સવના નામે કથા આપની ચાલી રહી છે. બહુ મોટા મોટા સાક્ષરો પણ પધાર્યા છે.’
‘વત્સ,આ સાક્ષરોને કોઈ કામ ધંધો છે નહિ? વાક્ચાતુર્ય પણ બહુ અસર કરતું હોય છે.’
‘કેમ ભગવાન એવું બોલવું પડ્યું? હમણાં તો એ બહુ ફેમસ મોટી હસ્તિ બની ગયા છે, લોકો એમને વૈશ્વિક ઘટના કહે છે.’
‘વત્સ, સાંભળ્યું છે કે એ કોઈ પર્વો યોજે છે?’
‘હા! ભગવાન, અસ્મિતાપર્વ, સંસ્કૃતપર્વ, હમણાં સદભાવનાપર્વ યોજાઈ ગયું.’
‘વત્સ, મને બધી ખબર છે. આ સદભાવના પર્વ ક્યાં યોજેલું?’
‘ભગવાન, મહુવામાં એમના બધા પર્વો ત્યાં કોઈ સ્કૂલમાં યોજાય છે.’
‘વત્સ, મહુવામાં સદભાવના પર્વની શી જરૂર? ત્યાં કેટલા લોકો સાંભળવા આવે? ૧૦૦૦ કે ૨૦૦૦? એટલાં પણ કદાચ નહિ આવતા હોય, અને સાક્ષરો પણ એના એજ કાયમ આવતા હોય.’
‘તો ભગવાન સદભાવના પર્વની ક્યાં જરૂર છે વધારે?’
‘અરે વત્સ! એની જરૂર છે જ્યાં સદભાવના ના રહી હોય તેવા વિસ્તારોમાં, જ્યાં કોમી કે બીજા કોઈ તોફાનો થતા હોય ત્યાં?’ મહુવાની સ્કૂલના પટાંગણમાં નહિ.’
‘ભગવાન, આપ એવા કેટલા વિસ્તારો જાણો છો કે જ્યાં આની જરૂર હોય?’
‘વત્સ, એક તો ખાસ ગોધરા અને અમદાવાદમાં, એમાંય કાલુપુર, દરિયાપુર, ડબગરવાડ ,શાહપુર અને જુહાપુરા, નરોડા પાટીયા અને ગુલબર્ગ સોસાયટી. વડોદરામાં ખાસ તો મચ્છીપીઠ ,વાડી, મોગલ રેસ્ટોરેન્ટ, બેસ્ટ બેકરી. ગોંડલ  એરિયામાં જ્યાં દરબારો અને પટેલો કાયમ રાજકારણના લીધે લડી મરે છે. પોરબંદરમાં જ્યાં મેર અને ખારવા વચ્ચે સિવિલ વોર જેવું ચાલ્યા કરે છે. આ બધી જગ્યાએ જ્યાં લોકો વચ્ચે સદભાવના રહી જ નથી ત્યાં આવા પર્વો યોજતાં હોય તો સારું. પણ આ હોશિયાર એવે ઠેકાણે કદી દેખાતો પણ નથી. અને  મૂરખો એમને વૈશ્વિક ઘટના તરીકે ઓળખાવે છે ત્યારે જ્યાં વૈશ્વિક ઘટના થાય છે ત્યાં સદભાવના પર્વ યોજવા વર્લ્ડ ટ્રેડ સેન્ટર, બૈરુત, ઈરાન, ઇરાક, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઇઝરાયલ અને પેલેસ્ટાઇનમાં કેમ નથી જતો?’
‘ભગવાન, મારાથી ના બોલાય લોકો નારાજ થઈ જાય છે, માર્દવભાઈ તો લડવા આવે છે. એમને સપના ના  આવે એમાં તમારે શું? એ ધંધો કરે કથાનો અને કરોડો કમાય તો તમારે શું? તમને કોઈ એક રૂપિયો એ બોલવાનો આપવાનું છે? આવું કહી ને રોજ ઠપકો આપે  છે. એટલે તો અહીં સાવ નજીક એડીશનમાં જ કથા ચાલે છતાં હું જતો નથી ભગવાન લોકો મને માર મારે તો? આ ઉંમરે હાડકા પાછાં સંધાય નહિ.’
‘વત્સ, સાચી વાત છે તમારી, તમારો ભય સાચો છે, પેલાં અમેરિકન પંકજ ત્રિવેદીનું  આવાજ ધર્માંધ લોકોએ ખૂન કરી નાખેલું. એમણે પોતે આ કહેવાતા ધાર્મિક પરિવારને એક કરોડનું દાન આપેલું તેવું કહેવાય છે, છતાં મારી નાખતા જરાપણ શરમ આવી નહિ.’
‘ભગવાન, એમાં પણ એમના એક ભક્ત કહે કે દાદા કે દીદી કોઈનું ખૂન ના કરાવે પણ એમના કોઈ ભક્ત ને ખુન્નસ ચડી જાય ને મારી નાખે એમાં દાદા અને દીદી નો શું વાંક?’
‘વત્સ, સાચવજો હવે સાચી વાતો કહેવા જતાં જાનનું  જોખમ હોય છે, અને આ ધાર્મિક લોકોનો કદી વિશ્વાસ ના રાખતા. એમના જેટલા ભયાવહ તો વાઘ અને સિંહ પણ નથી.’
‘ભગવાન, અમે પણ તમારા રઘુકુલના છીએ એમ ડરી જઈએ તેવા નથી.’
‘વત્સ, અમારી શુભેચ્છાઓ તમારી સાથે છે તમને કશું ના થાય.’
ચાલો અમને તો ભગવાન રામજીના શુભ વચનોનો સાથ મળી ગયો છે. રશ્મિકાંત દેસાઈ અને હું કાલે પાછાં કોનું દિમાગ ચાટીશું એની ચિંતામાં પડ્યા હતા. જો કે રશ્મીભાઈ પાસે લાંબું લિસ્ટ છે એટલે જે વહેલો તે પહેલો. ફરતા ફરતા જે હાથ ચડી જાય તેનું દિમાગ ચાટી લેવાનું. ભાઈ અહીં નર્કમાં ખૂબ ઠંડક છે. કોઈ શેકવાના તવા કે શૂળી કે કરવત કે  કશું સજા કરે યાતનાઓ કરે તેવું દેખાતું નથી. પણ આ બધા સારા માણસો અહીં ફક્ત માંસાહારને લીધે અહીં તગેડી મૂકવામાં આવે તે મને પ્રૅસિડેન્ટ સ્વામી અને વૈદ્ય સ્વામીની જ્યાદતી લાગી. પણ હમણાં કશું બોલાય તેમ નથી. પ્રગટ બ્રહ્મ છે ભાઈ!!!!!

18 thoughts on “નર્કારોહણ-૩”

  1. ભૂપેન્દ્રસિંહજી સરસ લેખ. ઈશ્વર એટલે શું? આપણી અંદર રહેલો આત્મા એ જ ઈશ્વર એ જ પરમાત્મા. મૃગની પૂંઠમાં કસ્તુરી હોય છે અને એ કસ્તુરીની સુવાસ ક્યાંથી આવે છે તેને શોધવા-મેળવવા મૃગ બીજે દોડાદોડ કરે છે. એને પોતાને ખબર નથી પડતી કે આ કસ્તુરીની સુવાસ પોતાના શરીરમાંથી જ આવે છે. એવું જ માનવી પણ કરે છે ઈશ્વરને બીજે શોધવાનો પ્રયાસ કરે છે. બીજે બધે શોધશે પણ પોતાની અંદર રહેલા ઈશ્વરને ઓળખી શકતો નથી. બીજા માનવીમાં રહેલો ઈશ્વર તેને નહીં દેખાય પણ મૂર્તિઓ અને મંદિરોમાં ભગવાન દેખાશે. પોતાને ઈશ્વર કહેવડાવી પોતાની પૂજા કરાવનારાને ભગવાન ગણશે. ભગવાન બુદ્ધે કદાચ ઈશ્વરમાં નહીં માનવું એનો મૂર્તિ અને મંદિરોમાં અને વ્યક્તિપૂજા એ ઈશ્વર નથી આવો અર્થ કહ્યો હશે. અને એવા ઈશ્વરને નહીં માનતા નહીં હોય. પરંતુ માનવી પોતાને અનૂકૂળ આવે તે અથવા બીજાની બુદ્ધિથી કરાયેલા અર્થને જ સાચો ગણે. એવી રીતે ધર્મનો સાચો અર્થ સમજી શકતા નથી. ધર્મ એ વિજ્ઞાન છે અને વિજ્ઞાન એ ધર્મ છે. એવું કહીએ છીએ. પણ એને સાચા અર્થમાં સમજીએ છે ખરા? અને આપ કહો છો તેમ સાચી વાત છે વિચારવાની બારીઓ એટલી હદ સુધી બંધ કરી દેવામાં આવી છે કે ક્યારેક કોઇ ધર્મના નામે ચાલતા અધર્મ વિશે કે શ્રદ્ધાના નામ પર અંધશ્રદ્ધા પર પ્રકાશ પાડવાની કોશિશ કરે તો એનો સાચા અર્થ સમજવાની કે વિષયના હાર્દને સમજવાની કોશિશ પણ કરી શકતા નથી અને ખોટા અર્થહીન વિવાદો કરે. અને વાહિયાત ઉપદેશો આપે કે આપ મહાન ભૂલ કરો છો. કહેવાતા ભણેલા લોકોના આ રીતે બ્રેનવોશ થતા હોય તો બિચારા અભણ લોકોને શું કહેવું.

    Like

    1. મીતાજી,
      થેન્ક્સ,મૂર્તિઓ અને મંદિરો માં રહેલા ભગવાન ને કાજે માણસ ની અંદર રહેલા ભગવાન ની હત્યા કરતા અચકાતા નથી.બુદ્ધ કહેતા હતા કે મારું કહેલું મેં કહ્યું છે માટે કે પરંપરાગત છે માટે સાચું માની ના લેતા,વિચારો યોગ્ય લાગે તો માનો.બુદ્ધ તો કહેતા હતા કે અપ્પ દીપ્પ ભવ.તમારા દીવા તમે જાતે જ બનો..

      Like

  2. શ્રી ભુપેન્દ્રસિંહજી.
    વિશ્વના પ્રથમ રેશનલ માણસ શાથેનું આપનું એન્કાઉન્ટર બોધદાયી રહ્યું. જો કે એ વ્યક્તિ શાથે જેટલાએ સનેડો કર્યો તે બધા માટે તેઓ બોધદાયી જ રહ્યા કારણ કે તેઓ ’બુદ્ધ’ છે. આમ તો હું કૃષ્ણને વિશ્વના પ્રથમ રેશનલ વ્યક્તિ ગણું છું, પરંતુ આપણે રામ, કૃષ્ણ કે બુદ્ધ એ બધામાં જો ભેદ ન જોતા હોઇએ તો એ કોઇ વિવાદની વાત નથી. (એ બધા છે તો એક જ સ્થાને એ આપે દર્શાવ્યું જ છે !)
    ભોજન એ એક માત્ર જ ચરીત્રમાપનનું સાધન નથી એ વાત તો હવે આપના ઘણા લેખોના વાંચન પછી સમજાઇ ગઇ છે. ફક્ત ખાનપાન જ જો સ્વર્ગ કે નર્કમાં જવાનો આધાર હોય તો સર્વ તૃણાહારી જીવો સ્વર્ગમાં હશે. (જો કે મુળભૂત રીતે સ્વર્ગ-નર્કની પરિકલ્પનાનો ઉદ્દેશ શું હશે તે વિશે તો આપણે આગલા ભાગોમાં ચર્ચી લીધું જ છે)
    સદ્‌ભાવનાની સૌથી વધુ જરૂર ક્યાં હોય તે બાબતે આપ ૧૦૧ % સાચા છો, પરંતુ તે શબ્દશઃ ઘણું વિકટ કાર્ય છે. અને પૈસો જ્યાં ખોવાયો છે ત્યાં અંધારૂં હોય તો અંધારે આથડવા કરતા જ્યાં અજવાળું છે ત્યાં શોધવાની પ્રવૃતિ કરવી એ બુદ્ધિમાનોનું કામ છે ! બધા થોડા કંઇ ગાંધી હોય કે આંધળુકીયા કરીને ધસી જાય !
    વળી મુળ વાત પર આવીએ તો જેમ બુદ્ધે આપને કહ્યું કે, ’હું પોતે ઈશ્વરનો ઇનકાર કરી ચુકેલો, છતાં મને માનવાવાળાઓએ મને જ ઈશ્વર બનાવી દીધો’. આ જ તો સમજવા લાયક વાત છે. આપ શાસ્ત્રોનો વિરોધ કરતું એક પુસ્તક લખો તો કાલે તે પુસ્તક સ્વયં એક શાસ્ત્ર બની જશે !! કદાચ અવલંબન એ પ્રકૃતિનો નિયમ છે. અને મનુષ્ય માટે તો નિરાલંબ રહેવું શક્ય જ નથી. કદાચ બુદ્ધ જેવા કોઇ જ્ઞાની આ શક્ય બનાવી શકે છે. સુંદર લેખ, હવે પછી કોનો વારો આવે તેની પ્રતિક્ષા રહેશે. આભાર.

    Like

    1. અશોકભાઈ,
      આપે જબરો કટાક્ષ માર્યો કે પૈસો જ્યાં ખોવાયો ત્યાં અંધારું હોય તો બીજી કોઈ જગ્યા અજવાળું હોય ત્યાં શોધવાનું કામ ફક્ત બુદ્ધિ નાં સાગરો જ કરી શકે.ગાંધી તો પાગલ હતા કે નોઆખલી માં એકલા ધસી ગયા,કોઈ મારી પણ દેત તો?ભાઈ ગાંધીની નકલ કરવાનો અધિકાર આપણ ને નાં હોય.આપની વાત સાચી છે.ખુબ ખુબ આભાર.

      Like

  3. ખુબ સરસ ,હવે તો દરેક નર્કારોહણ વાંચવાની હેબીટ પડી ગઈ હોય તેમ લાગેછે.(અંતે તો ત્યાજ……).
    આજના બ્લોગ પર ના ફોટા પર કોમેન્ટ કરવી હતી પણ બાપુ હિમત ના ચાલી!
    હમણાજ આવો ફોટો અરબ રાજવી નો જોયેલ, તેમાં રાજા બુરખા વાળા ૧૦ રાણી નો ફોટો પાડતા હતા.પછી અલગ કેવીરીતે ઓળખાતા હશે? કોઈ હિંટઆપશો?

    Like

    1. શ્રી,”મિત્ર”
      આ ફોટો હું અને મારા વાઈફ કુલુમનાલી અને ઉત્તર ભારત ની ટુર ઉપર ગયેલા.ત્યારે અમે જયપુર ગયેલા,ત્યાંથી નજીક નાં આમેર નાં કિલા ઉપર ગયેલા.ત્યાં થોડીક રાજસ્થાન ની ગ્રામ્ય મહિલાઓ આવેલી હતી.એમના પુરુષો પણ જોડે હતા,માટે રીવાજ મુજબ લાજ કાઢીને ઉભેલી.તો મને થયું કી આવો ચાન્સ ફરી નહિ મળે,માટે મેં ફોટો પાડી લીધેલો.મને મારા કરતા બીજા નાં અને નેચર નાં ફોટા પડવાનું વધારે ગમે.હેડર માં આખો ફોટો આવ્યો નથી.જોકે આખા નું કામ પણ નથી,બધાએ લાજ કાઢેલી છે.અપ ને કોમેન્ટ કરાવી હોય તે કરી શકો છો.આમ તો ગણીએ તો રેર કહેવાય તેવો ક્લાસિક ફોટો મળ્યો છે.પછી તો તુંડે તુંડે મતિ ભિન્ના જેવું છે.

      Like

  4. કોઈ પણ વ્યક્તિવિશેષને આપણે ભગવાન બનાવી દઈએ છીએ, જેથી કરીને તેમના ઉપદેશનું પાલન કરવાથી બચી શકીએ 😉

    નર્કનું તમે આરોહણ જ નહીં ઉર્ધ્વીકરણ કરી દીધું, ભુપેન્દ્રભાઈ.

    Like

    1. ચિરાગ ભાઈ,
      સાચી વાત છે.આ તો આપણા થી નાં થાય,એ તો ભગવાન નું કામ.એવું કહી ને કોઈ સાહસ કરી શકતા નથી.અને સારો વાતો ને દુર હડસેલી દઈએ છીએ.માટે હું કાયમ કહું છું કે ભગવાન કોઈ વય્ક્તિ નથી.મહાપુરુષોને ભગવાન માનવાનું સદંતર બાંધજ કરી દેવું જોઈએ.આભાર.

      Like

  5. સરસ પ્રયોગ..ગમ્યો..ઘણું કહેવાનું કહેવાઇ ગયું..તેજીને ટકોરની જેમ…

    Like

  6. Thank you for your email to me. I read it but I did knew that Mardev bhai is not me – I am Madhav 😉 haha.

    Gujarati “sarkhu” lakhta naa aavde, but still vanchta perfect aavde chey. Sorry vaanchva paan koi ni madad levi pade kyarek.

    But I guess I love reading Gujarati and even if I have to take some help will do and will keep on visiting your blog. Am too rational to feel bad even if “relo” comes onto me.

    911 thi bapu beek no lage , hu UK ma chu etle 999 karvu pade.. (Joke)

    Like

  7. માધવ ભાઈ,
    આ માર્દવ ભાઈ અહી ન્યુ જર્સી માં છે માટે ૯૧૧ કરવો પડે.મોરારીબાપુ નાં આશિક છે માટે આવેલા.આપનો બ્લોગ અને પોસ્ટ વાચી છે.આપ તો નવી પેઢીના વિચારશીલ છો,અમારા ફેવરીટ લીસ્ટ માં છો.અમે જાણીએ છીએ કે મતભેદ વૈચારિક વિકાસ માટે જરૂરી છે,ખાલી મન ભેદ નાં હોવો જોઈએ.આપનો હસતો ચહેરો આપનું પ્રતિબિંબ છે.આભાર.

    Like

  8. તમારો આર્ટિકલ વાચ્યા બાદ દિમાગમાં વાવાઝોડા ઉપડી જાય.વાવાઝોડા લૈલા અને કટરીના પણ હોય શકે. 🙂
    હળવી રમુજ સાથે પ્રગટ થતા લેખ વાંચવાની સાથે સમજવું પણ સરળ બને છે

    Like

Leave a comment