નાની નાની વાતોમાં હસવું…(રમેશ તું તો સ્વર્ગ માં ચાલ્યો)..

નાની નાની વાતોમાં હસવું,,(રમેશ તું તો સ્વર્ગ માં ચાલ્યો)..
    *અમારી રાત્રીની જોબમાં બ્રેકમાં મિત્રો સાથે ગામગપાટ બહુ ચાલે. ભારતના સમાચારોની પણ ચર્ચા ચાલે. અમારા એક મિત્ર છે રમેશ ભાઈ. અમે એમને રમેશ મોટા કહીએ છીએ, કદમાં છોટા છે એટલે. એ કહે જયારે એ અમેરિકા આવવા નીકળ્યા ત્યારે કોઈ એમનો મિત્ર મળવા આવેલો. તે મિત્ર કહે ‘રમેશ તું તો સ્વર્ગમાં ચાલ્યો’. અમેરિકા એટલે સ્વર્ગ. મેં રમેશભાઈ ને કહ્યું ત્યારે હવે અમે તમને  સ્વર્ગસ્થ રમેશભાઈ કહીશું. મને કહે જીવતે જીવ સ્વર્ગસ્થ? મેં સમજાવ્યા એવું નહિ. તમારા મિત્રના કહેવા મુજબ અમેરિકા એટલે સ્વર્ગ, અને તમે અમેરિકા સ્થિત એટલે સ્વર્ગમાં સ્થિત, સ્વર્ગસ્થ કહેવાઓ. તો કહે ઠીક ચાલશે.
    *હું ભારતમાં હતો ત્યારે ક્યાંક બહાર જઈએ અને ભૂખ લાગે તો શું ખાવું?ચોખ્ખાઈનો અભાવ હોય એટલે ગરમા ગરમ ભજીયા ખાઈને ચા પી લેવાની એટલે બેક્ટેરિયાનો ભય નહિ. આવી માનસિકતા અમારા મિત્ર કમેલશભાઈ પટેલની પણ ખરી. એ જયારે અમેરિકા આવવા પહેલી વાર પ્લેનમાં બેઠા ત્યારે પહેલો વિચાર એવો આવેલો કે આપણે તો ફાવ્યા. મોટો હોલસેલ  મેડીકલ દવાઓનો ધંધો પિતરાઈ ભાઈઓને સોપીને અહી આવીને  કેટલા ફાવ્યા તે તો એમનું મન જાણે છે. પણ એટલાન્ટા ઉતરી ને એમના ભાઈના ઘેર જવા કારમાં બેઠા ને રસ્તો જરા લાંબો હશે ને ભૂખ લાગી હશે તો ભાઈ ને કહે જરા કોઈ રેસ્ટોરાં આવે તો ઉભી રાખજો ગરમા ગરમ ભજીયા ખાઈએ. ભૂલી જ ગયા કે આ ગુજરાત નથી, અમેરિકા છે. જો કે અહી ન્યુ જર્સીમાં ઇઝલીનમાં ભજીયા ખાવા મળે છે. એ વાત યાદ કરીને હજુ બધા હસે છે.
      *સાંધા શુલ નિવારણ કેન્દ્ર (Healing joints) માં કટીશુલ(Back pain)નિવારણ માટે એક મનીષભાઈ આવે છે. જરા વાતોડિયાને હસમુખા છે. હું મારા કંધશુલ(ખભા) નિવારણ માટે જતો હોઉં છું. એમને નૈયા નામની પરિચારિકા મશીન પર સુવડાવી ઉપર છાતીના ભાગે બેલ્ટ બાંધે અને કમરના ભાગે પણ બેલ્ટ બાંધે. પછી મશીન આગળ પાછળ થાય. ટૂંકમાં કમરના ભાગે સ્પાઈનલ  કોર્ડ ખેંચાય, સ્ટ્રેચ થાય. આ નૈયાને હું લાડમાં મૈયા કહું છું. સદાય મંદ મંદ હસતી દીકરી જેવી લાગે. મનીષભાઈનો વારો પૂરો થયો. બોલકણા મનીષભાઈ કહે આ નૈયાએ બળદ બાંધ્યો હોય એમ મને બાંધેલો. પછી એમને અંદર  રૂમમાં  કમર ઉપર હોટ પેક મૂકી ઉંધા  સુવડાવવામાં આવેલા. પેલા મશીન પર સંપૂર્ણ  ભીને વાને એવી મહાકાય વિદેશી બાઈ ને નૈયા એ બાંધીને મશીન ચાલુ થયું. મને શું સુજ્યું કે મનીષભાઈ પાસે જઈ કહ્યું કે, જુઓ આ નૈયા એ પહેલા બળદ બાંધેલો ને હવે ભેંસ બાંધી છે. ખલાસ મનીષભાઈનું હસવું માય નહિ. હાથ પછાડી પછાડી ને હસે જ રાખે. આ મનીષભાઈ(મીનેષભાઈ)ન્યુયોર્કના ગુજરાતી સમાજના વાઈસ પ્રેસિડેન્ટ છે, હજુ મળે ત્યારે ખુબ હસે, ને કહે મારી જીંદગીમાં ક્યારેય આટલું હસ્યો નથી. આમારા ફીઝીયો થેરાપીસ્ટ પૂર્વીબેન પણ વડોદરાના જ છે. મારા હાથનું સ્ટ્રેચિંગ કરે તો બુમો પડાઈ જાય. તો હું બુમ પાડું કે “મૈયા બચાવો”. તો નૈયા મંદ મંદ હસે બોલે નહિ. વિચારતી હસે કે તમને બચાવાવનું પાપ હું ના કરું.
   *આ મૈયા(નૈયા)આજે લંગડી લંગડી ચાલતી હતી. મેં પૂછ્યું શું થયું? તો કહે ઢીંચણમાં કશું થયું છે. મેં કહ્યું કઈ રીતે પડી ગઈ હતી કે શું? તો કહે ના. ખબર નથી કેમ દુખાવો થયો? આ દુખાવાને કોઈ કામ ધંધો નહિ હોય? પૂર્વી બહેન કહે કદાચ હાઈ હિલના શુઝ પહેરવાથી થયું હસે. મેં કહ્યું હાઈ હિલની જરૂર હોત ને તો  ભગવાન ખુદ જ સ્ત્રીઓની એડીમાં મસલ્સ વધારે ભરી ને હાઈ હિલ બનાવી કાઢત. સ્ત્રીઓના કમર અને પગના વિવિધ સાંધાઓના દુખાવાનું કારણ હાઈ હિલના શુઝ  પણ હોય છે. આ નૈયા ને હું મૈયા એટલા માટે કહું છું કે નાની નાની દીકરીઓમાં ભાઈ ભાંડુઓ તથા માબાપની કાળજી, માતા જેવા ભાવ થી રાખવાનો ગુણ કુદરતી રીતે હોય છે. એની ખોટ મારા જેવા દીકરી વગરના માણસને ખુબ જ સાલતી હોય છે.

22 thoughts on “નાની નાની વાતોમાં હસવું…(રમેશ તું તો સ્વર્ગ માં ચાલ્યો)..”

  1. તમે તો હાસ્યરસમાં કરૂણરસનો અનુભવ કરાવ્યો. મારી જેમ દીકરીની ખોટ સાલવાની વાત. હું પણ આવી રીતે મિત્રવર્તુળમાં કોઇની દીકરીને લાડ કરી લઇને મન ભરી લઉં છુ.

    Like

    1. મીતાબેના,
      આપની વાત સાચી છે.આ ખોટ તો હવે આખી જીંદગી સાલવાની.માં ને પુત્ર પ્રત્યે વધારે લાગણી હોય કે બીજું કારણ હશે,મારા વાઈફ ને આ ખોટ બહુ યાદ નથી આવતી.પણ મને તો ખુબજ સાલે છે.

      Like

      1. અશોકભાઇએ ખૂબ જ ઊંચી વાત કરી ‘હોવું’ અને ‘ન હોવું’ ઉત્કટ પ્રેમનું પ્રકટીકરણનું મહત્વનું કારણ બને છે. માતાને પુત્ર સાથે અને પિતાને પુત્રી સાથે વધુ લગાવ હોય છે. એટલે જ તમારી જેમ મારા પતિ જલ્દીથી કોઇપણ કન્યા સાથે આત્મીયતા કેળવી શકે છે. ઘણી વખત તો એમના પિતા કરતાં પણ વધારે લાગણી અને આત્મીયતા દાખવે.એટલે જ સગાઓની અને બીજાની દીકરીઓ પોતાની જ દીકરી બની જાય છે. અને એટલે જ વધારે ખોટ સાલે તેવું બને છે. અને મેળવીને ગુમાવવાનું દુઃખને કારણે વધારે અધુરપ લાગે. એટલે જ આપનો સરસ સ્પોન્ટેનિયસ હાસ્યનો પ્રતિભાવ આપવાનું રહી ગયું. અને થોડાક સમય પછી અચાનક જ ‘ પહેલાં બળદ અને હવે ભેંસ…’ યાદ આવતાં પેલા મનીષભાઇની જેમ હસવું રોકાતું નહોતું ત્યારે મારા પતિ ગભરાઇ ગયા ત્યારે મારે કહેવું પડ્યું કે આ હાસ્ય ઉન્માદ છે. બીજું કંઇ ન સમજતા.

        Like

        1. મીતાબેના,
          આ અશોકભાઈ એકાદ પોઈન્ટ તો ઉંચો લઇ આવતા હોય છે જ.જેમ નાની નાની વાતો માં હસવું,તેમ નાના સાવ સાદા લગતા વાક્યો માં બહુ મોટી ફિલોસોફી કહી દેવાતી હોય છે.આપે પણ એક મહત્વ નું મનોવૈજ્ઞાનિક તારણ કહ્યું છે,’મેળવીને ગુમાવવાનું’.આપના પતિ મારા આર્ટીકલ વાંચવા નહીદે,વધારે હસતા નહિ.

          Like

          1. ચિંતા ના કરો વાંચવા દેશે. જ્યારે મેં હસવાનું કારણ જણાવ્યું ‘પહેલાં બળદ અને હવે ભેંસ..’ ની વાત કહી ત્યારે એમણે કહ્યું આ તો સારું હતું વિદેશી ભેંસ હતી દેશી ભેંસ હોત તો…’શિંગડે જ ભેરવ્યા હોતને! હિલિંગ સેન્ટરને બદલે મૈયાએ ઓર્થોપેડિક ક્લીનિકમાં લઇ જવા પડ્યા હોત.

            Like

            1. મીતાબેના,
              સાચી વાત છે.વિદેશી ભેંસ હતી,બાકી તો જેલ માં જ ધકેલી દે.ગુજરાતી સમજતી ના હતી માટે જ બોલાઈ ગયેલું.

              Like

  2. જુઓ આ નૈયા એ પહેલા બળદ બાંધેલો ને હવે ભેંસ બાંધી છે…..ખૂબ સરસ…મજા આવી ગઈ.

    Like

    1. ઘણીવાર બુદ્ધીસભર મજાક હસાવી શકતી નથી અને આવી સાદી સિમ્પલ મજાક ખુબજ હસાવી જાય છે.બે મિત્રો એટલું બધું હસેલા કે આંખો માંથી પાણી વહેવા લાગેલા.ત્યાર પછી થેરાપીસ્ટ બહેને નક્કી કરેલું કે આ લોકોને સાથે એપોઇન્ટમેન્ટ કદી આપવી નહિ.

      Like

  3. લેખના રસ બાબતે મીતાબહેન શાથે સંપૂર્ણ સહમત, ચાર્લિ ચેપ્લિનના ચલચિત્ર જેવું થયું ! હાસ્યલેખ તો સરસ જ છે, પરંતુ અંતમાં આપનું કારુણ્ય છલકી આવ્યું. પ્રેમ માટે “હોવું” જરૂરી નથી, ક્યારેક “ન હોવું” એ ઉત્કટ પ્રેમના પ્રક્ટીકરણ માટેનું મહત્વનું કારણ બને છે. આપનો વાત્સલ્યભાવ પણ વધતો રહે તેવી પ્રાર્થના.
    બાકી આ ‘સ્વર્ગ’માં ’શૂલ’ પણ ઘણી જાતના થતા લાગે છે !! અમારે તો અહીં વધીને એક બાવળની શૂલ હોય છે !!! lol

    Like

    1. શ્રી અશોકભાઈ,
      ચાર્લી ચેપ્લીન મહાન અભિનેતા હતા.બોલ્યા વગર ભાવ ની અદભૂત અનુભૂતિ કરાવી શકતા.ખેર આપની વાત સાચી છે.ઓરકુટ માં પણ મારી ભત્રીજી ઓ ના આગ્રહવશ થઇ ને જોડાએલો.મને સ્વીટેસ્ટ અંકલ નું બિરુદ આપેલું છે.મારી સાથે ફોન પર કે ઓનલાઈન વાત કરવા અંદર અંદર ઝગડા પણ થાય.

      Like

  4. There is enhanced maturity, balance, and variation in your write-ups now. A welcome sign. On a long run readers’ awareness should/would widen – and that is one of the aims of your write-up, I suppose. When time permits you can combine all these postings with their relevant comments and then may be you can think of a formal publication, after one overall review.

    Like

  5. કોઈ વ્યક્તિ ‘પેરેડાઈઝ’ ફ્લેટ્સ અથવા સોસાયટીમાં રહેતી હોય તો તેને ‘સ્વર્ગસ્થ’ કહી શકાય?

    કોઈને રાઈડ આપીએ અને અધવચ ઉતારવાને બદલે તેમને જ્યાં જવું હોય ત્યાં સુધી લઇ જઈએ તો ‘ઠેઠ પહોંચાડ્યા’ એમ કહેવાય?

    Like

  6. સુંદર લેખ. પ્રસંગો સાથે હૃદયના મધુર ભાવો જોડાય છે ત્યારે ત્યારે જ આવા લેખ લખાતાં હોય છે.
    અને હા, નાની નાની વાતોમાં હસવું જરૂરી છે.એનાથી ભાર ઓછો થાય છે. અમે મિત્રો એક સ્મશાનયાત્રામાં જઈ રહ્યા હતા. થોડા પાછળ રહી ગયા તો એક મિત્ર સ્મશાન તરફ જવાના બદલે બીજા રસ્તે જવા લાગ્યો. અમે એને ટોક્યો કે: એ ભાઈ. એ બાજુ નહીં , આ તરફ જવાનું છે! હવે રસ્તો યાદ રાખજે. અમને મૂકવા આવે ત્યારે લોચો ન મારતો. નહીં તો અમારે પોતાને ચિરનિંદ્રામાંથી ઊભા થઈને કહેવું પડશે કે: એ.. ભાઈ, આમ નહીં .. આ તરફ ચાલો….. હા! હા! હા!

    Like

  7. saras rachana che bauj gami ….hradaysparshi….. aje pratham vakhat apana blogni mulakate chu etle late pratibhav badhaj lekhma thase…. મેં કહ્યું હાઈ હિલ ની જરૂર હોત ને તો ભગવાન ખુદ જ સ્ત્રીઓ ની એડી માં મસલ્સ વધારે ભરી ને હાઈ હિલ બનાવી કાઢત.સ્ત્રીઓના કમર અને પગ ના વિવિધ સાંધાઓ ના દુખાવાનું કારણ હાઈ હિલ ના શુઝ પણ હોય છે.આ નૈયા ને હું મૈયા એટલા માટે કહું છું કે નાની નાની દીકરીઓમાં ભાઈ ભાંડુઓ તથા માબાપ ની કાળજી,માતા જેવા ભાવ થી રાખવા નો ગુણ કુદરતી રીતે હોય છે.એની ખોટ મારા જેવા દીકરી વગરના માણસ ને ખુબ જ સાલતી હોય છે.

    Like

Leave a comment