Tag Archives: William McMaster Murdoch

Rigel, ટાઈટેનિકનો હિરોઇક શ્વાન.

Rigel, ટાઈટેનિકનો હિરોઇક શ્વાન.

૨૦૧૨ નું વર્ષ ૧૦૦ મી વર્ષ ગાંઠ બનવાનું છે, એક કરુણાંતિકા માટેનું. એટલાન્ટીક મહાસમુદ્ર ૧૫૦૦ માનવોનું કબ્રસ્તાન બન્યો હતો.

હા! મિત્રો દુનિયાનું સૌથી વધુ વૈભવશાળી અને કદી ડૂબે નહિ તેવા ગણાતું જહાજ ટાઈટેનિક એપ્રિલ ૧૪, ૧૯૧૨માં એક જબરદસ્ત હિમશિલા ટકરાવાથી ડૂબી ગયેલું. સુકાન ફેરવનારા William McMaster Murdoch ખૂબ અનુભવી ફર્સ્ટ ઓફિસર હતા. ટાઈટેનિકની સફર અને ફરજ દરમ્યાન વિશાળ કદ ધરાવતો કાળો ન્યુફાઉન્ડલેન્ડ ડોગ એમનો સાથીદાર હતો. આ ઉમદા જાતિના કૂતરાનું નામ હતું રીગેલ. RMS Olympic ઉપર તેઓ ફરજ બજાવતા ત્યારે પણ આ કૂતરાને સાથે જ રાખતા. તે વિનાશક રાત્રે ટાઈટેનિક પર સ્થિત મૉર્ડન કૅનલ ફેસીલીટીમાં બીજા કુતરાઓ સાથે રીગેલને પણ સલામત રાખવામાં આવ્યો હતો. ટાઈટેનિકને રેકૉર્ડ બ્રેક સમયે ન્યુયોર્ક પહોચાડી દેવા માટે મુર્ડોક વ્યસ્ત હતા.

ટાઈટેનિક મુવી આવ્યા પછી આપણે ટાઈટેનિક વિષે ઘણું બધું જાણીએ છીએ. એના ઉપર ઘણી ડોક્યુમેન્ટ્રી પણ બની ચૂકી છે. પણ ક્યાંય ટાઈટેનિક ઉપર રહેલા કૂતરાઓ વિષે ઉલ્લેખ કરાયો નથી. આજે પણ હું ટાઈટેનિકનો જન્મ કઈ રીતે થયો તે અને ડૂબી કઈ રીતે ગયું તે વિષયે ટીવી ઉપર શો જોતો હતો પણ ક્યાંય એના ઉપર રહેલા કૂતરા વિષે કોઈ ઉલ્લેખ જોવા મળ્યો નહિ. કદાચ જરૂર લાગી નહિ હોય. આવી કરુણ ઘટના સમયે કૂતરાને કોણ યાદ રાખે?

રીગેલ એકલો ટાઈટેનિક ઉપર નહોતો. બીજા ૧૨ કૂતરા ટાઈટેનિક ઉપર હતા. જોહ્ણ જેકોબ એસ્ટોરનાં બે Airedales , હેરી એન્ડરસનનો Chow Chow , રોબર્ટ ડેનિયલનો ચેમ્પિયન ફ્રેંચ બુલ ડોગ નામ હતું Gamin de Pycombe, વિલિયમ ડુલેનો ફોકસ ટેરીયર, વિલિયમ કાર્ટર ફૅમિલીના બે King Charles Spaniels , એન ઈશામનો વિશાલ ગ્રેટ ડેન, આ બધા કૂતરા સિવાય જે તે મુસાફરો પાસે એમની સાથે રહેતા બીજા કૂતરા પણ હતા. નાના પોમેરિયન અને Pekingese કૂતરા એમના માલિકો સાથે જહાજ ઉપર હતા.

જહાજનાં ક્રુમેમ્બર રોજ ડેક ઉપર આ કૂતરાઓને ફેરવતા. ચોક્કસ સમયે રોજ ફેરવતા કૂતરા એક પરેડ જેવું લાગતું. મુસાફરો એનો આનંદ માણતા. ૧૫ એપ્રિલના રોજ એક ડોગ શો પણ રાખેલો જે પળ ફરી કદી આવી નહિ.

ગાઢ ધુમ્મસ અને અંધારી રાત્રે એક મોટી હિમશિલા ટાઈટેનિક સાથે અથડાઈ ગઈ અને unsinkable જહાજ ડૂબવાનું શરુ થઈ ગયું. આ ઘાતક રાત્રે ૧૫૨૨ મુસાફરો મૃત્યુ પામ્યા હતા, ૭૧૪ બચી ગયા હતા. વિશ્વના ઇતિહાસમાં એક મોટી કરુણાંતિકા સર્જાઈ ગઈ. આમાં પેલાં કૂતરાઓની ચિંતા કોણ કરે? છતાં થોડી ઘણી આધારભૂત માહિતી મળે છે તે જોઈએ.

જહાજ પર લાઇફ બોટો ઓછી સંખ્યામાં હતી. થોડી અવ્યવસ્થા આવી પળે સર્જાય એમાં પણ નવાઈ નહિ. ઉતાવળમાં પહેલી લાઇફબોટ પેસેન્જર ભરી રવાના કરી તેમાં સીટો ખાલી હતી. હેનરી અને માયરા હાર્પર એના Pekingese કૂતરા લઈને બેસી ગયા હતા. એલીઝાબેથ અને માર્ગરેટ એના ટચુકડા પોમેરિયન લઈને બેસી ગયેલા. આ કૂતરાની હાજરીનો કોઈએ વિરોધ કરેલો નહિ. લાઇફબોટ બહુ હતી નહિ. રડતી આંખે હેલન બિશપે એના કૂતરા Frou Frou ને કેબીનમાં પડતો મૂક્યો હતો. આ કૂતરો એના કપડા પકડીને કહી રહ્યો હતો કે મને એકલો છોડીને જઈશ નહિ. Ann Isham નો Great Dane ખૂબ વિશાળ હતો, લાઇફબોટમાં એટલી જગ્યા નહોતી. અને જ્યાં માણસ બચાવવાના હોય ત્યાં આવડા મોટા કૂતરાને કોણ બેસવા દે? પણ વહાલા કૂતરાને કેમ મુકાય? એણે કૂતરા વગર બેસવાની નાં પાડી. પાછળથી એનું મૃત શરીર મળ્યું, એના હાથ એના વહાલા કૂતરાને વળગેલા હતા. મરતાં સુધી એણે કૂતરાને અળગો કર્યો નહોતો.

રીગેલ કૅનલ ફેસીલીટીમાં બીજા કૂતરા સાથે હતો. મુર્ડોક માટે માનવ બચાવ કામગીરી મહત્વની હતી. કૂતરા બચાવ માટે કોઈ તક હતી જ નહિ. મુર્ડોક બચાવ કામગીરી બાબતે સખત મહેનત કરતો હતો. એક મોટું મોજું આવ્યું અને મુર્ડોક પર ફરી વળ્યું, ત્યાર પછી મુર્ડોક ફરી કદી દેખાયો નહિ.

બંધ પાંજરામાં પુરાયેલા કૂતરા માટે મોત ભયાનક બને તે પહેલા કોઈ અજાણ્યા મુસાફરે બધા કૂતરા છોડી મૂક્યા હતા. લગભગ બધા કૂતરા અતિશય ઠંડા પાણીમાં ગરક થઈ ગયા હતા. પણ રીગેલ માટે નિયતિ જુદી હતી. બરફ જેવા પાણીમાં તરવું જ જ્યાં મુશ્કેલ હોય ત્યાં જીવવું પણ મુશ્કેલ હોય તે સ્વાભાવિક છે. અતિશય ઠંડા સમુદ્રમાં કૂતરો લાંબુ તરીને કઈ રીતે બચી જાય તે એક સવાલ હતો. નૉર્થ એટલાન્ટીક સમુદ્રની કઠોર પરિસ્થિતિમાં બચવા માટે Newfoundland dog સક્ષમ રીતે ઊછરેલા હોય છે. એ જાત એ રીતે ઇવોલ્વ થયેલી હોય છે. Webbed feet, rudder-like tail અને water -resistant coat આ કૂતરાની ખાસિયત હોય છે જે એને જબરદસ્ત તરવાની ક્ષમતા આપે છે. હાઈપોથર્મિયા સામે લડવા માટે જે બોડી મીકેનીઝમ ધ્રુવીય સફેદ રીંછ પાસે હોય છે તે મીકેનીઝમ આ કૂતરા પાસે પણ હોય છે. ટાઈટેનિક ડૂબેલું તેનાથી ઉત્તરમાં ૪૦૦ માઈલ દૂર કેનેડામાં આ જાતના કૂતરા માછીમારોને મદદ કરતા હોય છે. આ કૂતરાઓએ આમ કેટલાય લોકોને ઠંડા સમુદ્રમાંથી બચાવેલા લોકોની દંતકથાઓ છે.

પ્રથમ તો રીગેલ એના માલિકને શોધવા મથ્યો હશે. પછી લાઇફબોટ નંબર ૪ નજીક રહીને તરવાનું ચાલુ રાખેલું. વળી અ કૂતરાનાં કદ કાઠી ખૂબ મોટા એને બોટમાં કઈ રીતે લેવો? જ્યાં બોટના માનવો કાતિલ ઠંડી વડે ધ્રુજતા હતા ત્યાં આ કૂતરો આરામથી ઠંડા સમુદ્રમાં તરતો હતો. ટાઈટેનિકને આ મહાસામુદ્રમાં ગરક થઈ ગયે બે કલાક વીતી ગયા હતા. Carpathia નામનું એક પેસેન્જર શીપ બચાવ માટે આવી પહોચ્યું હતું. હું ખૂબ અંધારું હતું. કાર્પેથીયાનાં ક્રુમેમ્બર બુમો પાડતા હતા. લાઇફબોટમાં બચેલા લોકોને બચાવી લેવાનું મુખ્ય ધ્યેય હતું. લાઇફબોટ-૪ થોડી દૂર બીજી બોટો કરતા વખુટી પડી ગયેલી હતી. શક્ય તેટલા મુસાફરોને લાઇફ બોટોમાંથી બચાવી કાર્પેથીયાનાં ક્રુમેમ્બર હજુ બુમો પાડતાં હતા કે કોઈ રહી ગયું હોય તો બચાવી લેવાય. છેવટે કોઈ રિસ્પૉન્સ નાં મળતા શિપને ત્યાંથી રવાના કરવાનું મુનાસિબ માની લેવામાં આવ્યું. નાનકડી ચાર નંબરની લાઇફબોટનાં મુસાફરોની હાલત ખરાબ હતી. કાતિલ ઠંડીમાં ધ્રુજતા આ મુસાફરોના ગળામાંથી અવાજ નીકળે તેવી કોઈ શક્યતા રહી નહોતી. અને બચાવ માટે આવેલું શીપ આ કરુણ ઘટના સ્થળથી દૂર થવાની તૈયારી કરી રહ્યું હતું. હવે રીગેલ વહારે ધાયો. એણે હાડ થીજાવી દે તેવા ઠંડા પાણીમાં તરતા તરતા ભસવાનું ચાલુ કર્યું. કાર્પેથીયાનાં કૅપ્ટન Arthur Henry Rostron હવે ચમક્યા કે હજુ કોઈ બોટ બાકી રહી ગઈ લાગે છે. તત્ક્ષણ એમણે શિપને થોભાવી દીધું. લાઇફબોટ આગળ તરતા તરતા એણે બોટ બતાવી દીધી હતી. રીગેલ સાથે બધા પેસેન્જર બચાવી લેવાયા અને શીપ ઉપર લઈ લેવાયા.

બીજા દિવસે કાર્પેથીયા ન્યુયોર્ક પહોચ્યું ત્યારે ન્યુયોર્ક હેરાલ્ડ દૈનિકમાં પૅસેન્જરને બચાવી લેવામાં રીગેલનો મહત્વનો ફાળો દર્શાવતી સ્ટોરી પ્રસિદ્ધ થઈ હતી. રીપોર્ટરે એ પણ જણાવ્યું કે આ કૂતરાના માલિક મૃત્યુ પામ્યા હતા પણ એક  Brigg નામના કૃમેમ્બરે એને દત્તક લઈ લીધો હતો. પણ પછી ભૂલ જણાઈ કે Brigg લાઇફ બોટમાંનો કોઈ પેસેન્જર હતો અને આ કૂતરાને રાખી લેનારો ૬૨ વર્ષનો કાર્પેથીયાનાં કૅપ્ટનનો જમણા હાથ સમાન કૃમેન બ્રાઉન હતો. Brown ત્યાર પછી ટૂંક સમયમાં રિટાયર થઈ ગયો હતો અને રીગેલને લઈને પોતાના વતન સ્કોટલેંડ જતો રહ્યો હતો. ટાઈટેનિક ટ્રેજેડીના આ હીરોએ બાકીની જીંદગી કાતિલ ઠંડા પાણીનો સામનો કર્યા વગર પૂરી કરી.