કરીએ કદર કસરતનીઆપણ ગુજરાતીઓના દિલમાં હનુમાનજી વસેલા છે પણ અખાડો નહિ. આપણે હનુમાનજીને તેલ ચડાવી તેલનો બગાડ કરીએ છીએ પણ જાતે તેલ માલીશ કરીને હનુમાનજી જેવું શરીર સૌષ્ઠવ કેળવવાનું વિચારતા નથી. આપણે ગુજરાતીઓ અખાડાપ્રેમી પ્રજા નથી. આપણે કસરતના દીવાના જરાય નથી. આપણાં યુવાનોને માણેકચંદ ખાવામાં ખૂબ રસ પડે પણ પ્રો. માણેકરાવનાં અખાડામાં જવામાં જરાય રસ નો પડે. એવા કેટલાય ગુજરાતી યુવાનો હશે જેમણે ક્યારેય અખાડો જોયો નહિ હોય., અને એવો મરાઠી યુવાન ભાગ્યેજ જોવા મળશે જેણે અખાડો ના જોયો હોય. ઉત્તરપ્રદેશ અને બિહારની પ્રજા અખાડાપ્રેમી છે. હરિયાણા પંજાબની પ્રજા પણ ખૂબ અખાડાપ્રેમી છે. અમદાવાદમાં સારા એવા પ્રમાણમાં અખાડા છે કારણ અમદાવાદમાં થોડો સમય મરાઠા રાજ કરી ગયા હતા. વડોદરામાં ગલીએ ગલીએ એક અખાડો હોય જ. જ્યાં જ્યાં ગાયકવાડનું રાજ તપતું હતું તે દરેક ગામમાં એક અખાડો,એક પ્રાથમિક શાળા અને એક લાઇબ્રેરી હોવી જ જોઈએ તે સરકારી નિયમ હતો. અમારું માણસા ગાયકવાડની આણ નીચે નહોતું. માટે આજે પણ ત્યાં અખાડો નથી. આઝાદી પછી વિજાપુર તાલુકો હોવાથી પિતાશ્રીને વકીલાત કરવા વિજાપુરમાં વસવું પડેલું. વિજાપુર ગાયકવાડી ગામ હોવાથી ત્યાં અખાડો હતો. એક સરસ મજાની વિશાલ લાઇબ્રેરી હતી. અમારા પુરાણી સાહેબ અમને તે અખાડામાં લઈ જતા. દંડ બેઠક મરાવતા, કુસ્તીના દાવપેચ શીખવતા. પુરાણી ભાઈઓએ ગુજરાતમાં અખાડા પ્રવૃત્તિ શરુ કરવામાં મહત્વનો ફાળો આપેલો પણ કસરત પ્રત્યે સ્વાભાવિક ઉપેક્ષાએ ધીમે ધીમે પુરાણી ભાઈઓની મહેનત માથે પડી હતી. વડોદરાનું લક્ષ્મીનાથ વ્યાયામ મંદિર હજુ અંબુભાઈ પુરાણીની યાદ આપતું ઊભુ છે. વડોદરામાં હજુ પણ પ્રોફેસર માણેકરાવનો અખાડો ઊભો છે. એમની યાદમાં એક રોડનું નામ પ્રોફેસર માણેકરાવ રોડ પણ આપેલું છે.
મારા પિતાશ્રી પોતે અખાડીયન હતા. અમને સૂર્ય નમસ્કાર કરાવતા. વાંચવાનો અને કસરત કરવાનો શોખ અમને પિતાશ્રી તરફથી મળેલો. સૂર્યનમસ્કાર સારી કસરત છે.એમાં અમુક આસનો, દંડ, બેઠક, સ્ટ્રેચિંગ બધું ભેગું આવી જાય. પણ સલમાનખાન જેવું બોડી બનાવવું હોય તો સૂર્યનમસ્કાર નો ચાલે. આપણે સલમાનખાનના ઉઘાડા શરીરને જોઈ ખુશ થનારી પ્રજા છીએ પણ એના જેવી મહેનત કરી શરીર બનાવવાવાળી નહિ. દારાસિંહ અને ધર્મેન્દ્ર જેવા અભિનેતાઓ બોલીવુડમાં હતા પણ એમની કોઈ અસર કે પ્રેરણા જોવા નહોતી મળતી. સલમાનખાન આવ્યા પછી અને તેના પછીના મોટાભાગના અભિનેતાઓ શરીર બનાવીને આવવા માંડ્યા પછી યુવાનોમાં જિમ જવાનો શોખ વધ્યો હશે. ભારતમાં અખાડા પ્રવૃત્તિ શરુ કરવામાં આદિ શંકરાચાર્યનો બહુ મોટો ફાળો રહ્યો છે. નાગા બાવાઓની એક આખી જમાત ઊભી કરી હતી જે શસ્ત્રો વાપરવામાં પણ નિષ્ણાત હતી. વિજાપુરમાં ખાક ચોક તરીકે ઓળખાતું એક મંદિર હતું. ત્યાં કાયમ ધૂણો ધખતો અને ત્યાં આવતા બાવાઓ કસરત કરતા, કુસ્તી પણ કરતા. અમે નાના બાળકો ત્યાં જોવા પણ જતા. ગોસ્વામી અટક લખાવતો યુવાન જો માયકાંગલો હોય તો તે આદિ શંકરાચાર્યનું અપમાન કહેવાય. આર્યસમાજી મહર્ષિ દયાનંદ સરસ્વતી પોતે પહેલવાન હતા. પાખંડીઓનાં સ્વર્ગ સમાન ગુજરાતમાં આ ગુજરાતના રત્નને સભાનપણે ઉપેક્ષિત કરાયા છે પણ હરિયાણાએ એમનું ખૂબ માન જાળવ્યું છે.
ગાંધીજીને પણ કસરત પ્રત્યે અણગમો હતો. અખાડામાં તો ગુંડાઓ જાય તેવો પૂર્વગ્રહ ધરાવતા હતા. અહિંસાને અખાડા પ્રત્યે સ્વાભાવિક અણગમો હોય. ગુજરાતમાં સોલંકી રાજાઓના સમયમાં અહિંસક ધર્મનું પ્રભુત્વ વધ્યું હતું. અહિંસાનો અતિરેક કુમારપાળ રાજાના સમયમાં થઈ ગયેલો. માથામાં પડેલી ‘જુ’ મારવાની પણ મનાઈ હતી. “યથા રાજા તથા પ્રજા, યથા ગુરુ તથા ઘેંટા.” અહિંસા આવી અખાડાનું ઉઠમણું થઈ ગયું. ધર્મોની આપણાં સમાજ ઉપર ભારે અસર હોય છે. ગુજરાતમાં જૈન ધર્મ, વૈષ્ણવ અને સ્વામીનારાયણ સંપ્રદાયનું ખૂબ જોર છે. આ ત્રણેમાંથી એકેય અખાડાપ્રિય નથી. નાગાબાવાઓ ગિરનારમાં છુપાઈ ગયા છે. વડોદરામાં પોળે પોળે અખાડા હોવા છતાં એમાં મહારાષ્ટ્રીયન ભાઈઓ જ વધુ જોવા મળે. છતાં એકંદરે વડોદરામાં કસરત પ્રત્યે પ્રેમભાવ સારો એવો જોવા મળે. એનું મૂળ કારણ ગાયકવાડ રાજાઓ છે. મહારાજા ખંડેરાવ ગાયકવાડ પોતે જબરા મલ્લ હતા. આખા વડોદરા રાજ્યમાંથી મજબૂત અને પહેલવાન જેવા માણસો ભેગાં કરતા. રાજના ખર્ચે ટ્રેનિંગ અપાતી અને એમની સાથે મહારાજા જાતે કુસ્તીમાં ઊતરતા. અતિશયોક્તિ હોઈ શકે પણ એવું કહેવાતું કે ખંડેરાવ મહારાજા તાંબા કે પિત્તળની કથરોટ હાથ વડે ચીરી નાખતા.વડોદરા ગયા પછી હું મીસેકો જિમમાં જતો. મીસેકો જિમના નાયડુ સાહેબ બોડી બિલ્ડરોની સ્પર્ધા પણ યોજતા. મીસેકોના પહેલવાનો એમના મસલ્સનાં ટુકડે ટુકડા બતાવી સ્પર્ધા જીતી જતા. મને નકલ ઉપર પુશ અપ કરવાનો શોખ હતો. બહુ સમયથી છોડી દીધા છે છતાં હું આજે પણ રોડ ઉપર કે રફ રસ્તા કે પ્લાસ્ટર કે ટાઈલ્સ પર નકલ ઉપર પુશ અપ કરી શકું છું. નકલ એટલે હાથનો પંજો નહિ, મુઠ્ઠી જમીન પર મૂકીને કરવામાં આવતા પુશ અપ. ઘણા યુવાનોને સામાન્ય કસરત, બોડી બિલ્ડિંગ માટે કરવામાં આવતી વેઇટ લીફટીંગની કસરતો વિષે સમજ જરાય હોતી નથી. વડોદરામાં અભ્યાસ કર્યા બાદ હું થોડા વર્ષ માણસા રહેલો. તે સમયે પી.એસ.આઈ. ની જોબ માટે ઘણા બધા અમારા રાજપૂત યુવાનોએ એપ્લાય કરેલું. એમાં પ્રથમ લેખિત પરીક્ષા હતી અને એમાં પાસ થાય પછી ફીજીકલ ફિટનેશ ટેસ્ટ આપવાનો હતો. આ બધા માણસા કૉલેજના મેદાનમાં દોડવાની પ્રેક્ટીસ કરવા જતા. આમાં ઘણા બધા યુવાનો તો આમજ રમવા સમય પસાર કરવા જતા, તેઓને કોઈ ફીજીકલ ફિટનેશ ટેસ્ટ આપવાનો હતો નહિ. સાંજે બધા ભેગાં થઈએ તો ઘણા કહે આજે તો ૫૦ કિલો વજન ઊચકી કસરત કરી, કોઈ કહે આજે ૬૦-૭૦ કિલો ઊચકી કસરત કરી. મને સાંભળી ખૂબ નવાઈ લગતી કે આટલું બધું વજન ઊચકી આ લોકો કઈ કસરત કરતા હશે? એક દિવસ હું જાતે જોવા ગયો. આ મિત્રો એક બારની બે બાજુ પ્લેટો ભરાવી ઊચકતા ખભે સુધી લાવીને ફેંકી દેતા, કસરત પૂરી. મને ખૂબ હસવું આવ્યું. મેં કહ્યું આ કસરત ના કહેવાય. ચાલો હું બતાવું તેમ કરો. મેં ખાલી પાંચ પાંચ અને ઘણાને તો ખાલી અઢી અઢી કિલો વજનની પ્લેટો ભરાવીને બાયસેપ અને ટ્રાયસેપ માટે દસ દસના ત્રણ સેટ મરાવ્યા. આટલું ઓછું વજન જોઇને તે લોકો હસતા હતા મારી ઉપર. મેં કહ્યું એકવાર સેટ મારો તો ખરા પછી કહેજો. પછી મેં દરેકને બે બાજુ પાંચ પાંચ કિલોની પ્લેટો ભરાવી કૉલેજમાંથી એક બેંચ મંગાવી બેન્ચપ્રેસ મરાવી. આટલું જ વજન ઉચકાવી ફક્ત દસ દસ બેઠકો મરાવી. બીજા દિવસે પુચ્છ્યું, કેવું છે ભાઈઓ? બધા કહે તમે શું કરાવ્યું યાર? હલાતું પણ નથી. છાતીનાં મસલ્સ તો પહેલીવાર એવા દુખે છે કે ના પૂછો વાત. મેં કહ્યું ૬૦-૭૦ અને ઘણાં તો ૧૦૦ કિલો ઊચકીને કસરત કરતા હતા ને બધા? ૫-૧૦ કિલોમાં ફટ ગઈ? વર્કઆઉટ કોને કહેવાય તે જ ખબર હોતી નથી. પી.એસ.આઇની લેખિત પરીક્ષામાં તે સમયે લગભગ બધા પાસ થઈ ગયા હતા, પણ કસરતના અભાવે ફક્ત એક જ ભાઈ ફીજીકલ ટેસ્ટમાં પાસ થયેલા. કારણ તે ભાઈ કૉલેજની બાસ્કેટબોલની ટીમમાં હતા. આજે તે ભાઈ પોલીસ ઇન્સ્પેક્ટર છે. આશરે દસેક યુવાનોએ લેખિતમાં પાસ હોવા છતાં સીધા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જોબ ગુમાવી હતી.
જિમમાં આધુનિક વેઇટ લીફટીંગ કરીને કરવામાં આવતી કસરતોમાં પરિણામ જલદી મળે છે. પણ તે પ્રમાણે સારા પ્રોટીન યુક્ત પૌષ્ટિક ખોરાક પણ ખાવા પડે. નહીતો મસલ્સ વધીને વજન વધવાના બદલે વજન ઓછું થતું જાય. હા અતિશય વજન હોય અને વજન ઓછું કરવા કસરત કરતા હોવ તો જુદી વાત છે. છતાં સપ્રમાણ ખોરાક તો જરૂરી જ હોય છે. આવા વર્કઆઉટમાં મસલ્સ જલદી વધે તેમ છોડી દેતા મસલ્સ ઊતરી પણ જલદી જાય. માટે વર્કઆઉટ લાંબા સમય નિયમિત કરવા જરૂરી છે. યુવાનીમાં પાંચ વર્ષ સતત વર્ક આઉટ કરો તો પછી બોડી સરસ જામી જાય. જૂની અખાડાની કસરતોમાં મગદળ ફેરવવા, દંડ બેઠક મારવી, કુસ્તી કરવી મુખ્ય હતા. હવેના આધુનિક સાધનોની મદદ વડે થતા વર્કઆઉટમાં શરીરના દરેક મસલ્સ માટે અલાયદી વજન ઊચકીને કરવાની કસરત હોય છે. આમાં તમે જો દરેક મસલ્સને અનુરૂપ પ્રમાણસર કસરત ના કરો તો શરીર પણ સપ્રમાણ વધે નહિ. મતલબ તમે બાવડાં મજબૂત બતાવવા ખાલી બાયસેપ અને ટ્રાયસેપ જ માર્યા કરો અને સોલ્ડરની કસરત ઓછી કરો તો પરિણામ સામે જ હોય છે. મારા જાત અનુભવથી મેં એવા યુવાનો જોયા છે જેમના શરીરના ઉપરના અંગ ચેસ્ટ, બાયસેપ, બેક, સોલ્ડર, સિક્સ પેક બધું ઊડીને આંખે વળગે તેવું હોય પણ પગ જુઓ તો પાતળા હોય. થાઈ, પગની પીંડીઓ બધું સાવ પાતળું હોય. વર્કઆઉટ કરતા યુવાનોમાં આ ખામી મેં મોટાભાગે જોઈ છે. શરીરના ઉપરના ભાગો માટે પાગલની જેમ વર્ક આઉટ કરતા યુવાનો શરીરના નીચેના ભાગો માટે ઉપેક્ષા કરતા હોય છે. બાયસેપ વધારવાની સૌને પડી હોય છે. કેમકે ટૂંકી બાયની ટીશર્ટ પહેરી રોફ જમાવી શકાય. પહેલી નજર બાવડાં ઉપર જતી હોય છે.
મસલ્સને રીકવર થતા ૨૪ થી ૪૮ કલાક જોઈતાં હોય છે માટે જો ભારે વજન ઊચકીને વર્કઆઉટ કરતા હોવ તો એક દિવસ વચમાં વર્કઆઉટ કર્યા વગર જવા દેવો હિતાવહ છે. આમ વીકમાં ચાર દિવસ વર્કઆઉટ કરવો શરીર માટે ઉત્તમ છે. રોજ કરવો હોય તો એક દિવસ શરીરના ઉપરના ભાગનો અને બીજા દિવસે નીચેના મતલબ પગ અને થાઈ વગેરે માટે વર્કઆઉટ કરવો ઉત્તમ ગણાય. વોર્મ અપ કર્યા વગર કોઈ દિવસ વર્ક આઉટ શરુ કરાય જ નહિ. વર્કઆઉટ વખતે મસલ્સને પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજન જોઈએ. એટલે શરીરને ગરમ કરવાની કસરતો પહેલી કરવી જોઈએ. જેથી કોશોને પૂરતો ઓક્સિજન મળવાનું શરુ થઈ જાય. ગુજરાતમાં ખૂબ ગરમી હોય છે. આ બધી કસરતો દોઢ બે કલાક કાઢી નાખે. ખૂબ પરસેવો થતો હોય છે. માટે વચમાં વચમાં થોડા થોડા પ્રમાણમાં પાણી પીતાં રહેવું પણ હિતાવહ છે. આવી ભારે કસરતોમાં કમરમાંથી બેન્ડ થઈને વજન ક્યારેય ના ઊચકવા. સ્પાઈનલ કોર્ડનું ધ્યાન રાખીને વજન ઊચકવું, નહીતો કાયમ માટે બેકપેઈન થઈ જવાની સંભાવના વધી જાય છે. શાકાહારી મિત્રોએ સારા એવા પ્રમાણમાં દૂધ અને દહીંનો ઉપયોગ કરવો જરૂરી છે. મસલ્સ માટે પ્રોટીન મહત્વના છે માટે કઠોળ ખૂબ ખાવા પડે. જિમમાં હાજર નિર્દેશકની સલાહ સૂચન મુજબ કસરત કરવી યોગ્ય છે.
સ્ટ્રેસ, તણાવ દૂર કરવા જો સિગારેટ પીતાં હોઈએ કે એક પેગ શરાબનો મારતા હોઈએ તો એના કરતા થોડા દંડ બેઠક મારી લેવા સારા. સ્ટ્રેસ દૂર કરવા માટે કસરત બહુ ઊચી ચીજ છે. બીજા રાજ્યોની સરખામણીએ ગુજરાતના યુવાનો કમજોર દેખાય છે તેનું મુખ્ય કારણ કસરત પ્રત્યે ઉપેક્ષા છે. હિંસા કરવા માટે નહિ પણ હિંસાથી બચવા તો કસરત કરો? 
