ભારત ચાર આંધળા નો હાથી છે.એવું ધોળકિયા સાહેબ નું કહેવું છે.વાચક મિત્રો આપણે સહુ એ અંધ વ્યક્તિઓ માં આવી જઈએ.કોઈ કહેશે ‘મેરા ભારત મહાન.’કોઈ કહેશે એ તો કાંટાળું વન છે.’હું કહીશ મહાન હતું હવે નથી રહ્યું,ચાલો એને ફરી મહાન બનાવીએ.મિત્રો પ્રાચીન ભારતે દુનિયા ને શું શું આપ્યું છે?આપણ ને તો યાદ પણ નથી.એક ગોરાએ એના વિષે એક ડોક્યુમેન્ટ્રી બનાવેલી તેના આધારે મેં શરૂઆત માં એક પોસ્ટ મૂકેલી આજે ફરી વાંચો.
પ્રાચીન ભારતે દુનિયા ને આપેલી ભેટો…………………………….
૧*વોટર ક્લૉક,,,પાણી ની ઘડિયાળ,શું કહીશું પાણી વડે,જેમાં પાણી વપરાતું હોય એવી ઘડિયાળ.લગભગ જૂની દરેક સંસ્કૃતિ માં પાણી વડે ચાલતી ઘડિયાળો નો ઉલ્લેખ છે.ચીન કોરિયા,ગ્રીક ,રોમન અને ઈજીપ્ત તથા ભારત માં પ્રાચીન કાલ માં પાણી વડે ચાલતી ઘડિયાળો વપરાતી હતી.અથર્વ વેદ(ઈસુના ૨૦૦૦ વર્ષ પહેલા) માં પણ એનો ઉલ્લેખ છે.હરપ્પા અને મોહન્જોડેરો વખતે પણ આ પાણી વડે ચાલતી ઘડિયાળો વપરાતી હતી.તાંબા ના કુંભ માં ચોક્કસ માત્રા માં પાણી ભરી લટકાવવામાં આવતો તળિયે કાણું હોય.શિવજી ના લિંગ પર જે અભિષેક માટે હજુ પણ તાંબાનો કુંભ લટકાવવામાં આવે છે અને પાણી ધીરે ધીરે ટપક્યા કરે,ખાલી થાય એટલે અમુક સમય પૂરો થયો ,એવો કૉન્સેપ્ટ હતો.નાલંદા બૌદ્ધ યુની,માં તાંબા ના એક ચોક્કસ માપના વાટકાને પાણી ભરેલા કુંડ માં મૂકવાનો નીચે કાણું હોય એ દ્વારા પાણી અન્દર ભરાય,પૂરો ભરાય જાય એટલે ડૂબી જાય એટલે નગારા પર ટકોરો મારવાનો,એક પ્રહર પૂરો થયો.ચાર દિવસના ને ચાર રાતના પ્રહર ની આ રીતે ગણતરી થતી,અને આ આખી વ્યવસ્થા સંભાળવાની જવાબદારી હતી વિદ્યાર્થી ઓના માથે.વરાહ મિહિર અને બ્રહ્મગુપ્ત નામના ગણિત શાસ્ત્રીઓએ આનો ઉલ્લેખ કરેલો છે. આવી ઘડિયાળ હજુ એક જૈન મંદિર માં છે.
૨*અઢારમી સદી ની શરૂઆત માં જયપુરના રાજા સવાઈ જયસિંહે જયપુર માં જંતર(instrument),મંતર(ફૉર્મ્યુલા) નીજ્યોતિષ ના અને સૂર્ય ની ગતિવિધિઓ ના અભ્યાસ માટે સ્થાપના કરી.સૂર્ય ની પોજીસન ઉપર થી સમય માપવા માટે સન ડાયલ ની રચના કરી.અને તમે સૂર્ય ઘડિયાળ કહી શકો.
૩*ધોળાવીરા,,,,,,કચ્છ માંથી મળેલું ૪૫૦૦ વર્ષ જુનું આ શહેર એક કિલોમીટર ના ઘેરાવામાં ફેલાયેલું સ્પોર્ટ સ્ટેડીયમ ધરાવતું હતું.ગટર વ્યવસ્થા,બઝાર,અનાજ ભરવાના ગોદામ,સુએઝ વ્યવસ્થા,બાથરૂમ અને અમેરિકન સ્ટાઇલ વાળા સંડાસ ધરાવતા એ શહેર માં આશરે ૧૦૦૦૦ હજાર માણસો રહેતા હતા.આના ૨૦૦૦ વર્ષ પછી રોમનોએ શહેર બનાવ્યા.
૪*0,,,zero,,,The mystical idea of nothingness,,શૂન્ય એટલે કશું નહિ.શૂન્ય ની શોધ એ દુનિયા ને આપેલી મોટામાં મોટી ભેટ છે.આનો લેખિત પુરાવો ૯ મી સદીમાં રાજા મીહીરભોજે બનાવેલા ચતુર્ભુજ વિષ્ણુ મંદિર,ગ્વાલિયર ના શિલાલેખ માં આજે પણ છે.એક થી નવ નંબર અને ગણિત,દશાંશ પધ્ધતિ એ ભારતની બહુમૂલ્ય ભેટ છે.આરબ વેપારીઓ આ ગણિત યુરોપ માં લઈ ગયા.૧૩ મી સદીમાં રોમન ચર્ચ ડેવિલ નું કામ છે એવું કહીને આ ગણિત પર પ્રતિબંધ મૂકે છે,પણ પછી સહેલાઈ થી ગણી શકાતું હોવાથી ધીરે ધીરે સમગ્ર યુરોપે આને સ્વીકારી લીધું.
૫*હ્યુજ મેટલ વર્ક,,,,,,,,કુતુબ મીનાર ના સંકુલ માં આવેલો ૧૭૦૦ વર્ષ જુનો સ્તંભ સ્ટીલ માંથી બનાવેલો છે.લાકડામાંનો કાર્બન લોખંડ માં ઉમેરીને કાટ નાઆવે એવું સ્ટીલ બનાવવાની પધ્ધતિ ભારતીયોને આવડતી હતી.
૬*કપાસ માંથી કાપડ બનાવવાની ભારતની હાથસાળો ની ટેક્નોલૉજી અપનાવી ૧૮ મી સદીમાં અંગ્રેજોએ મોટા મશીનો બનાવી કાપડ નું ઉત્પાદન કરવા માંડ્યું,એનું શ્રેય ભારત ને ફાળે જાય છે.અને આજ કોટન કપડાને ભડકેલા રંગ ચડાવવાનું કામ પણ દુનિયા ભારતીયો પાસે થીજ શીખી છે.
૭*લગભગ ૪૦૦૦ વર્ષ જુનો યોગ આખી દુનિયા માં ડંકો વગાડે છે.જોકે પરદેશ માં યોગ ના કલાસીસ માં આસનો શીખવવામાં આવે છે.યોગ ના આઠ અંગો માનું આસનો એકજ અંગ છે.યોગ વિષે વધારે લખવાની જરૂર નથી.
૮*ચરકે આયુર્વેદ(હર્બલ મેડીસીન) ઈશુ ના ૪૦૦ વર્ષ પહેલા લખ્યો,જે ફીજીશ્યન હતા.સુશ્રુત સર્જન હતા,૨૫૦૦ વર્ષ પહેલા એમણે લખેલું સર્જન મૅન્યુઅલ આજે પણ સર્જનો જાણે અજાણે વાપરે છે.કપાળ માંથી ચામડી લઈ યુદ્ધ માં ઘવાએલા નાક વાળા સૈનિકોના નાક ઠીક કરવાની પ્લાસ્ટિક સર્જરી એ ભારતના સુશ્રુત ની શોધ છે.
૯*ચેસ,,,,,,,,,,,,,,ચતુરંગ ની રમત જેને આપણે ચેસ તરીકે ઓળખીએ છીએ એ ભારતના રાજાઓની નવરાશ ના સમયે રમવાની રમત હતી.
૧૦*વેક્સીનેસન,,,,,,,,શીતળા ના દર્દી ના શીતળા માંથી થોડું પસ સાજા માણસ ને થોડો ઘા કરી એમાં દાખલ કરી એને વૈદ્યો ના સતત નિરીક્ષણ હેઠળ રાખી,એને તાવ આવે ત્યારે એના પર સતત ઠંડું પાણી રેડી એને તાવ માંથી મુક્ત કરી સાજા કરવાની પધ્ધતિ આપનાવેલી,પછી એ માણસ ને ક્યારેય શીતળા નાં થાય.
૧૧*મીણ નો ઉપયોગ કરી ધાતુ(મેટલ)ના પૂતળા બનાવવાની વિદ્યા ભારતની શોધ છે.
૧૨*આજે આખી દુનિયામાં એક પત્ની ઉપર બીજી પત્ની ના કરી શકાય એવા કાયદા છે.એ કૉન્સેપ્ટ ભગવાન શ્રી રામે આપેલો છે.
૧૩*કામસૂત્ર,,,,,,પહેલ વહેલું સેક્સ ના શિક્ષણ ઉપર વ્યવસ્થિત રીતે લખેલું પુસ્તક એ વાત્સ્યાયન ની રચના છે.શિવજી ના લિંગ(મેલ જેનેટલ)અને જલાધારી(માતા પાર્વતીની યોની,ફીમેલ જેનેટલ)સર્જન ના પ્રતીક ની પૂજા કરી નૉર્મલ સેક્સ નું બહુમાન કરવા નું શ્રેય ભારતીયો ને ફાળે જાય છે.જાપાન માં આવા લાકડાના લિંગ બનાવી એની પૂજા થાય છે.
આવું તો બીજું ઘણું બધું છે.આશરે ૯૦૦૦ વર્ષ પહેલા ખેતી ની શરૂઆત પણ એક વિજ્ઞાન તરફ નું કદમ હતું.તો મિત્ર આપ સર્વે નું શું કહેવું છે?અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસે ભારત ને પામર બનાવી દીધું છે.હવે સ્વતંત્ર વિચારસરણી અપનાવી નકલખોરી માંથી બહાર નીકળી આગળ કદમ ક્યારે ભરીશું???
Daily Archives: October 11, 2010
“છે કોઈ અપ્સરા?છે કોઈ કોઠી?”

બરોડા મારું પ્રિય સીટી. સંસ્કારી નગરી તરીકે ઓળખાતા આ સીટીમાં રહ્યા પછી એવું થાય કે આના જેવું બીજું એકેય શહેર નહિ. જો કે દરેકને પોતાના શહેર પ્રત્યે આવી જ ભાવના હોય છે. હું ૧૯૭૧માં ત્યાં ૧૧માં ધોરણમાં ભણવા ગયેલો. ત્યાર પછી પ્રી કૉમર્સમાં ભણવા દાખલ થયેલો. પ્રી યુનિટ અલગ બિલ્ડિંગ હતું. કૉમર્સ ફૅકલ્ટી વળી કમાટી બાગ નજીક જુદી હતી. એફ.વાય થી પછી તેમાં જવાનું હતું. હવે અમારે પ્રી કૉમર્સમાં પાછો એક વિષય ગુજરાતીનો પણ હતો. એમાં કવિતાઓ આવે તે ભણાવવા માટે શ્રી સુરેશ જોશી સાહેબ પણ આવતા. અને એક બીજા અધ્યાપિકા જે અકાળે મોટી ઉંમરનાં લાગતાં તે પણ આવતા હતા. શરીરે સાવ કમજોર દુબળા પાતળા હતા. એમને આર્ટ્સ ફૅકલ્ટીમાંથી બે પગે ચાલીને પ્રી યુનિટ માં આવતા વાર લાગી જતી. ત્યાં સુધીમાં બીજા કલાસીસ ચાલુ થઇ ગયા હોય. અમારા ક્લાસનાં બધા બહાર ઉભા હોય. સ્કૂલના શિસ્ત ભર્યા વાતાવરણમાંથી પહેલી વાર મુક્ત થયેલા વિદ્યાર્થીઓ અશિસ્ત આચરવામાં કોઈ લીમીટ ના રાખતા. હવે પેલા મહિલા લેકચરરને આવતા વાર લાગતી પણ જેવા દુર થી ધીરી ચાલે આવતા જોઈ ને કોઈ એકાદ છોકરો બુમ પાડતો કે હે!બા આવ્યા!! ખલાસ ચારે બાજુ થી બુમરાણ મચી જતુ, બા આવ્યા!! બા આવ્યા!!એક બાજુ હાસ્યની છોળો ઉડતી. પણ હું આ બધાથી ટેવાયેલો નહોતો. અવાચક બની ને જોતો રહેતો. ‘બા’ પણ તોફાની છોકરાઓને ઇગ્નોર કરવા ટેવાયેલા હતા. સ્થિતપ્રજ્ઞ બની ક્લાસમાં દાખલ થઇ યંત્રવત ભણાવી જતા રહેતા. એ જાય ત્યારે પણ બુમો ઉઠતી કે બા ગયા!!બા ગયા!!ફરી હાસ્યની છોળો ઉઠતી.
સુરેશ જોશી(સાહિત્યકાર) સાહેબ ખુબ કડક હતા. એમના ક્લાસમાં કોઈ ચું નાં કરી શકતું. મને એ ખુબ ગમતું. બીજા એક લેકચરરનું નામ પોપટલાલ હતું. એ આવે તે પહેલા બ્લેક બોર્ડ પર લખાઈ જતું કે “પોપટ આજે નથી આવ્યો”. બધા વાંચી ને હસતા રહેતા. પોપટલાલ સાહેબ આવતા બોલ્યા વગર પેલું વાક્ય ભુંસીને ક્લાસ લઈ ને ચાલતી પકડતા. બરોડામાં થિયેટરનાં નામ સ્ત્રીઓના નામ પરથી બહુ સુંદર સુંદર હતા. જેવા કે શારદા, સાધના, અલ્પના, અપ્સરા, સપના. શારદા ટૉકીઝ હવે સિંગાપુર માર્કેટ બની ગઈ છે. સપના વળી ખુબ દુર હતી. જલ્દી હાથમાં નાં આવે તેવી. સપનામાં ફિલ્મ જોઉં તે પહેલા જ બંધ થઇ ગયેલી. ન્યાય મંદિર વિસ્તારમાં હરતાં ફરતાં મન થાય ને ટીકીટ બારી ચાલુ હોય તો સાધના, પ્રતાપ, કલામંદિર, શારદા ગમે ત્યાં ઘુસી જવાનું ત્રણેક કલાક જે ઓછા થયા તે. મારી સ્કૂલની બાજુમાં જ નવરંગ ટૉકીઝ હતી. સ્કૂલ કરતા વધારે કલાક એમાં ગાળ્યા હશે. ત્રણ કલાક લાઈનમાં ઉભા રહી ને ત્રણ કલાકનું મુવી જોવાનું. આજે તો એ યાદ કરીએ તો પાગલપન લાગે .
એ વખતે ડબલ ડેકર બસો ફરતી હતી. જુબિલી બાગ પાસે હું રહેતો. અમદાવાદી પોળથી બસમાં બેસીએ કૉલેજ જવા. બધા વિદ્યાર્થીઓ પાસે વિદ્યાર્થી પાસ હોય. સૌથી આગળના ભાગે બધા બેઠા હોય. કન્ડક્ટર પાસ ચેક કરવા આવે એટલે શરુ ” કન્ડક્ટર ની જય!કન્ડક્ટર ની જય!!.પેલો હસતો હસતો પાછો વળી જાય, કોઈ ના પાસ ચેક કરે જ નહિ. આગળ ગાયકવાડ જમાનાની કચેરીઓનું સંકુલ જે કોઠી કચેરી કહેવાતું તેનું બસ સ્ટોપ આવે. કન્ડક્ટર બુમ પાડે, ‘છે કોઈ કોઠી?’. એનો મતલબ હોય કે કોઠી પાસે કોઈ ઉતરનાર છે? હવે કોઈ ભારે શરીરે ભાઈ કે બહેન ઉભા થાય ઉતરવા માટે તો આવી બન્યું. બધા જોર જોર થી એવા હશે કે પેલો ઉતરનાર ખાસિયાણો પડી જાય. પણ આ વેજાં ને કોણ બોલે? પેલો છેક નીચે ઊતરવા પહોચે ત્યારે કોઈ ટીખળી બોલે પણ ખરો કે ‘એ કોઠી આવજે!’
પ્રતાપનગર રોડ પર ત્રણ સિનેમાઘર એકબીજાની સાવ નજીક. પહેલું આવે વિહાર, પછી અપ્સરા અને અલ્પના સામ સામે. ત્યાં પણ સીટી બસનો કન્ડક્ટર સ્ટોપ આવતા એવું જ બોલે કે ‘છે કોઈ અપ્સરા?’ કે પછી ‘છે કોઈ અલ્પના?’ એમાયે કોઈ બહેન ઉભા થાય તો કોઈ ટીખળી હસી પણ પડે. કોઈ હોશિયાર હોય તો સારો જવાબ પણ મળી જાય. મને યાદ છે એક બહેન કન્ડક્ટર ને એવું કહી ને હસતા હસતા ઊતરેલાં કે ‘મારું નામ અલ્પના નહિ કલ્પના છે. ‘એમની રમૂજ વૃત્તિ ની કદર રૂપે બીજા મુસાફરો પણ હસી પડેલા. ‘છે કોઈ અપ્સરા?’ નાં જવાબમાં સુંદરતા ની વ્યાખ્યામાં ફીટ નાં થતા હોય તેવા કોઈ માનુની ઊતરે તો??? પણ એકવાર એક સુંદર યુવતી “છે કોઈ અપ્સરા?” નાં જવાબ માં ઊભી થઈ ને ઊતરવા લાગી ત્યારે કોઈ જુવાનિયો બોલેલો કે હાય અપ્સરા!! ત્યારે પેલી એ સણસણતો ઉત્તર આપેલો કે “હું તો અપ્સરા જ છું પણ તું ઘેર જઈ ને આયનામાં મો જોઈ લેજે!” આ સાંભળી બીજા મુસાફરો પેલાંની સામે એટલું હસેલા કે પેલાંનું હસવાનું ખસવું થઈ ગયું, અને કેટલાક મુસાફરો ને વધારે હસીને ખાંસવાનું થઈ ગયેલું.
હરણી રોડ પર રૂપમ થિયેટર આવેલું છે. ત્યાં મોટાભાગે અંગ્રેજી મુવી જ ચાલતા હોય. અમારા એક મિત્ર અંગ્રેજી મુવી જોવાના ખુબ શોખીન. મને પણ ઘસડી જતા.હું મ.સ.યુની.માં ભણેલો પણ અંદર ગયા પછી હોલીવુડનું ‘નાંગ્રેજી’ સમજવાનું મારું ગજું નહિ. આખી ફિલ્મ પત્યા પછી જ વાર્તાની ખબર પડે, તે પણ અધુરીપધુરી. જો કે મહત્તમ ઍક્શન ફિલ્મો જ જોવા જતા માટે વાર્તાની ખાસ જરૂર નહિ. ફિલ્મના સંવાદ જરાય સમજાય નહિ છતાં લોકો હસતા હોય. હું તો બાઘાંની જેમ ચુપ હોઉં. સમજ્યા વગરનું શું હસવું? કદી કૉલેજનું પગથિયું પણ ચડેલા નહિ તે મારા મિત્ર પણ હસતા હોય. પછી મેં માર્ક કર્યું કે બીજા લોકો હસવાનું શરુ કરે ત્યાર પછી આ મિત્ર હસતા. પાછાં મારી સામું એવી રીતે જુએ કે આને ડફોળ ને સમજ પડી નથી માટે હસતો નથી. જો કે એમને પણ સમજ પડતી નહોતી એ વાત હું કળી ગયો હતો. એ રાહ જોતા કે કોઈ હસે છે? લોકો હસવાનું શરુ કરે પછી તો ખલાસ બિન જરૂરી જોર જોરથી હસતા. જો કે મને આ જોઈ ને હસવું આવી જતું, અને સંવાદની સમજણમાં ખપી જતું. પછી તો રૂપમમાં અર્ધપોર્નો જેવા જ મુવી આવતા. ત્યાંથી પસાર થતા દર્શકો ને જોઈ ને પણ હસવું આવતું કે બીડીના ધુમાડા કાઢતા મજૂર વર્ગને પણ અંગ્રેજી મુવી જોવાનો સારો એવો શોખ છે.
સપના થિયેટર તો સપના હોલ બની ગયો છે. નંબર વન ગણાતું અલંકાર થિયેટર બિઝનેસ સંકુલ બની ગયું છે. ઐતિહાસિક શાંતાદેવી થિયેટર પણ બહુ ના ચાલતું તેવું શોપિંગ સેન્ટર બની ચૂક્યું છે. કલામંદિરનાં માંકણીયા ત્યાં દુકાનો બની જતા બીજે આજુબાજુ મુવ થઈ ગયા છે. કૃષ્ણ ટૉકીઝનાં હાલ બેહાલ થઇ ગયા છે. ન્યાય મંદિર આગળ પહેલા ગ્રામ્ય વિસ્તારમાં જવાનું બસ સ્ટેન્ડ હતું, તે હવે ત્યાંથી ખસેડી લેવામાં આવ્યું છે. માટે સાધના ટૉકીઝ પણ ગ્રામ્ય વિસ્તારનાં મુસાફરો ની અહોભાવ ભરી દ્રષ્ટિ થી વંચિત સુનુંમુન છે. વિહાર, અલ્પના અને અપ્સરા બંધ થવાની હાલતમાંથી મુક્ત બની અણી ચૂક્યો સો વર્ષ જીવે ન્યાયે હવે સારા ચાલી રહ્યા છે. અહીં આવ્યા પછી પાંચ વર્ષમાં કોઈ થિયેટરમાં પગ જ મૂક્યો નથી. વડોદરા મારા આત્મામાં સમાઈ ગયેલું છે. ભલે દુનિયાના મોસ્ટ ઍડ્વાન્સ અને ફ્રી કન્ટ્રીનો હું સિટીઝન હોઉં પણ ભારત, ગુજરાત, વિજાપુર, માણસા અને વડોદરાને મારા આત્માથી વખુટા પાડવાનું આ જન્મે તો શક્ય નથી. દેશ છોડ્યાનો અજંપો હૃદયનાં કોઈ ખૂણે બેસીને સતત મૃત્યુના હવાલે થતાં સુધી પીડા દેતો જ રહેવાનો છે.
ઘણી વાર વિચારું છું કે કોઈ ટીખળી કન્ડક્ટર ખબર નથી હજુયે બુમ પાડતો હસે કે નહિ “છે કોઈ અપ્સરા?છે કોઈ કોઠી?”