ગુરુ દેવો ભવઃ?????

 ગુરુ દેવો ભવઃ
गुरु ब्रह्मा गुरूर विष्णु गुरु देवो महेश्वर॥
गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः॥
ગુરુ પૂર્ણિમા આવી રહી છે. ભારતની જનતામાં એક જબરદસ્ત ભક્તિભાવનું પૂર આવશે. એમાં કેટલાય લોકોના બેંક બેલેન્સ તણાઈ જવાના અને ગુરુઓના ખેતર હરિયાળા થઇ જવાના.
‘ગુ’ એટલે અંધકાર, અજ્ઞાનતાનો અંધકાર. ‘રુ’ એટલે પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ. અજ્ઞાનતાના અંધકાર તરફથી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જનાર તે ગુરુ. અવાસ્તવિકતા તરફથી વાસ્તવિક જગત તરફ લઇ જનારો ગુરુ. ગુરુ એટલે ભારે, વજનદાર, ભાર. જ્ઞાનનો ભાર છે તેનામાં. લેટીનમાં ‘gravis’, grave,weighty, serious , ગ્રીકમાં barus ‘heavy ‘, All three derive from the  પ્રોટો-ઇન્ડો-યુરોપિયન રુટ * gʷerə-, specifically from the Zero-grade  form *gʷr̥ə-.[12]
ગુરુ એટલે શિક્ષક. અમારા મિત્ર રશ્મીકાંત દેસાઈ સાહેબ ઉપરના શ્લોકનો અર્થ સમજાવતા કહે છે કે બ્રહ્માને ગુરુ માનો, જેણે આ યુનિવર્સની રચના કરી છે. વિષ્ણુને ગુરુ માનો, શંકરને ગુરુ માનો. જે સર્જન અને વિસર્જનની શક્તિ કે નિયમ છે. મને પણ સાચી લાગે છે વાત. મારા એક સંસ્કૃતમાં અતિ રસ ધરાવતા સબંધીને પૂછ્યું કે આ હાલ કોઈ ગુરુઓના ઠેકાણાં નથી. બધા એમના વાડાઓ ઘેંટાઓથી ભરવામાં પડ્યા છે તો બ્રહ્મા, વિષ્ણુ અને શંકરને જ ગુરુ માનીએ તો શું ખોટું? વ્યાકરણની દ્રષ્ટિએ કોઈ ભૂલ કહેવાય? તો જવાબ મળ્યો કે ના. એમના કહેવા પ્રમાણે બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ  કોઈ એ જોયા નથી માટે આ ત્રણે પેલા ગુરુમાં છે તેમ માનીને બધા ચાલતા હોય છે. અહી જ ગરબડ શરૂ થઇ. ગુરુ પોતે ભગવાન બની ગયા.
જો કે હું બ્રહ્માને કોઈ ભગવાન માનતો નથી. જે કઈ બિંગ બેંગ કે જે હોય તે, જેના વડે યુનિવર્સની રચના થઇ તે નિયમને  હું બ્રહ્મા માનું તો કોઈને વાંધો છે?  બ્રહ્માંડ એટલે વિસ્તરવું,  સાયન્સ પણ કહે છે કે યુનિવર્સ વિસ્તરતું જ જાય છે. હવે દરેક સજીવને ખાવા પીવા, અને ઓક્સીજન મળે છે તે થયા વિષ્ણુ. હું કોઈ વિષ્ણુ ભગવાન છે તેવું માની શકતો નથી. અને કેટાંસ્ટ્રોફી, સર્જન વિસર્જન થયા કરે તે જ શંકર. કોઈ શંકર હિમાલય ઉપર બેઠા નથી. બસ આ ત્રણ પાસેથી એટલું બધું શીખવાનું છે કે આખી જીંદગી પૂરી થઇ જાય. વૈજ્ઞાનિકો આ ત્રણ પાસેથી જ શીખે જાય છે. ચરક આ જ વિષ્ણુ પાસેથી વનસ્પતિનું જ્ઞાન મેળવીને હર્બલ મેડીસીન શીખ્યા હતા. વાત્સ્યાયન આ જ શંકર પાસેથી સર્જનનું જ્ઞાન મેળવીને કામસૂત્ર લખી ગયા. આઈનસ્ટાઇન અને સ્ટીવન હોકિન્સ આ જ બ્રહ્મા પાસેથી યુનિવર્સના કોયડા ઉકેલતાં હતા.
ભારતની ગાડરિયા પ્રવાહમાં હમેશાં તણાઈ જનારી પ્રજાને ભરમાવી દેવા માટે ગુરુ ગાથાઓની હજારો વાતો રચાઈ ગઈ. એક આખો વર્ગ મફતમાં ફક્ત બેસી રહીને રોટલા તોડતો થઇ ગયો. એક ચાલાક લુચ્ચાઈ ચાલુ થઇ ગઈ. કશું કામ કરવું ના પડે અને પેઢીઓ સુધી વર્ષો સુધી રોટલા નીકળે જાય એનું નામ ભારતની ગુરુપ્રથા. ના જ્ઞાનની કોઈને પડી છે, ના જ્ઞાન દેવાની કે લેવાની પડી છે. સ્વર્ગની લાલચો  અપાઈ ગઈ છે. પરલોકની બાહેધરીઓ આપી દેવામાં આવી છે. આ લોકના ઠેકાણા નથી, અને પરલોકની ગેરંટી? આજ ગેરંટીના લીધે લોકો ધબ્બા મરાવીને ખભા તોડાવે જાય છે, ને રોટલા દીધે જાય છે.
ગુરુ ગોવિંદ દોનો ખડે, ગુરુ ઉડે વિમાનમાં ને ગોવિંદ ગયા ભાડમાં. ગોવિંદનો મહીમાં  ઘટાડી ગુરુનો વધારી દીધો. રોટલાની એક સારી તરકીબ. દવે સાહેબ કહેતા હતા કે હાલ ભારતમાં જીવતા ભગવાનની સંખ્યા ચાર આંકડામાં છે, આ બધા ગુરુઓ જ છે. દરેકને ભગવાન બનવું છે. માટે એકજ પંથમાંથી બીજા ફાંટા પડે જાય છે. આ પ્રથા એટલી હદ સુધી સડી ચુકેલી છે કે  આ ગુરુપ્રથાને સમુળગી વિદાય દેવાની ઘડી આવી ગઈ છે. ગુરુ થુંકે પાન ખાઈને તો અમીર મુરખો ચાટી જાય છે. ગ્રુરુ  એના મોઢામાંથી એંઠું પાન ખવડાવે તો ભક્તોને વૈકુંઠ મળી જાય છે. ગુરુઓ ખાઈને ઉભા થાય તો કરોડોપતિઓ ભિખારીઓની જેમ પેલી એંઠી પતરાળીઓ માટે ઝૂટાંઝુંટ કરી મુકે છે. શું આને અજ્ઞાનના અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જનારું કહેવાય.
એકજ વીરલો પાકેલો ગુરુ ગોવિંદ સિંહજી ,જેમણે ગુરુ પ્રથા નાં અનિષ્ટો વહેલા પારખી લીધેલા અને એમના પછી ગુરુ ગ્રંથ ને ગુરુ માનવાનું સમજાવી ને આખી પ્રથા જ બંધ કરી દીધી.ગ્રંથ કોઈ નું શોષણ તો ના કરી શકે?
એક શું વલ્લભાચાર્યે એમનો પંથ સ્થાપ્યો, ને ૫૦૦ વર્ષથી એમના હજારો વારસદારો કશું પણ કર્યા વગર હાથ પગ હલાવ્યા વગર ભારતની પ્રજા માથે બોજ બનીને ખાધે રાખે છે. એક શું પાંડેજી એ એમની ગાદી સ્થાપી અને એમના ભાઈઓના સંતાનોને બોલાવીને સોપી દીધી આજે ૨૨૦ વર્ષથી કશા પણ ઉદ્યમ વગર રોટલાપાની ઠીક વૈભવી જીવન જીવી રહ્યા છે. એક વૈકુંઠની ગેરંટી આપે બીજો પરલોકની જવાબદારી લે છે. એમના ચેલાઓ મંદિર નામની દુકાન વધાર્યે જ જાય છે. આ શું કોઈ આત્મજ્ઞાનની મહેનત છે? અરે એમના આત્મજ્ઞાન અને મોક્ષની કીંમત આપણે ચુકવવાની? એમના મોક્ષની ફિકરમાં આપણે મહેનત કરીને કમાયે રાખવાનું? જાતે મહેનત કરે, કમાય,ખાય અને મોક્ષ મેળવે. એમને મળેલો મોક્ષ આપણને આપી દેવાના છે? એ વખતે તો કહેવાના કે એ તો જાતે અનુભૂતિ મેળવવી પડે. આત્મ સાક્ષાત્કાર તો જાતે કરવો પડે. તો જાતે કરીશું. તમે અમારા ઉપર બોજ શું કામ બનો? સમજો એમના કલ્યાણનો ખર્ચો  આપણી પાસે કરાવે છે, બીલ બધા આપણે ભરવાના.
અરે પ્રકૃતિ પાસેથી ઘણું શીખવાનું છે. એક કારેલાં, ગલકાં, તુરિયા કે બીજી કોઈ પણ વેલ પાસેથી શીખવાનું છે કે કઈ રીતે કોઈનો સહારો લઇને સર્વાઈવ થઇ જવાય. એક નાના બાળક પાસેથી શીખવાનું છે કે વર્તમાનમાં કઈ રીતે જીવીને આનંદ લઇ શકાય. પ્રકૃતિની એક નાનામાં નાની વસ્તુ પાસેથી જીવનના મહત્વનાં પાઠ ભણી શકાય છે. સંસારની જવાબદારીઓમાંથી છટકેલા આ ગુરુઓ પાસેથી શું શીખવાનું? સંસાર પોતે જ એક મોટો ગુરુ છે.અકર્મણ્યતા ભારતનું મહા કલંક છે એનું પરિણામ છે ગુરુપ્રથા. ૫૦ લાખ સાધુઓથી શોભિત ભારત!! ૫૦ લાખ અન્પ્રોડક્ટીવ વેસ્ટથી દુર્ગંધ મારતું  ભારત!! ખાતરમાં પણ કામ ના લાગે તેવો વેસ્ટ, કામે લગાડી દો. બધી જ્ઞાન, પરલોક, સ્વર્ગ, સુખ, દુખ, કર્મ, ધર્મ, પાપ, પુણ્યની વાતો હવામાં ઉડી જશે.