*મૂળ હિન્દુવીચારધારા ભલે ખુબ પ્રાચીન રહી, પણ આજનો હિંદુ ધર્મ એ પહેલાના જેવો પ્રાચીન હિંદુ ધર્મ નથી. હિન્દુઈઝમ કોઈ એક ધર્મ નથી. જુદી જુદી હજારો વિચારધારાઓનો મેળો છે. દરેક સંપ્રદાયની અલગ વિચારધારા છે. જો બધા એકજ હિંદુ ધર્મને માનતા હોય તો અલગ અલગ અચાર વિચાર કેમ? દરેક ને પોતાના અલગ અલગ આચાર વિચાર, નીતિ નિયમો ઉમેરીને પાછું હિંદુ જ કહેવડાવું છે. આ એક હિંદુ ધર્મની મજબૂરી છે.
*પ્રથમ સિંધુ નદીના તીરે સિંધુ નદીની સંસ્કૃતિ(Before 2000 BCE) વિકસી . આ એક નગર સંસ્કૃતિ હતી. શહેરની સંસ્કૃતિ હતી. બે મુખ્ય શહેર હરપ્પાને મોહેંજો ડેરો મળી ચુક્યા છે. ૪૦,૦૦૦ લોકો બહુ ઊંચું શહેરી જીવન જીવતા હતા, પાણી પુરવઠા ને ગટર યોજના સાથે. અનાજ એ અર્થવ્યવસ્થાનું મુખ્ય અંગ હતું. બહુ મોટા અનાજના ભંડાર ટેક્સ રૂપે ઉઘરાવેલા હોય તેના મળેલા છે. છેક ગુજરાતના લોથલ, કચ્છના ધોળાવીરાથી હિમાલયના પશ્ચિમ વિભાગથી માંડીને ઈરાનની બોર્ડર સુધી આ સંસ્કૃતિના શહેરો હતા. આ એક સ્વતંત્ર રૂપે વિકસેલી સંસ્કૃતિ હતી. અહી કઈ ભાષા હતી તે ખાસ ખ્યાલમાં આવ્યું નથી. ધર્મ વિષે પણ કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. પણ પ્રાણીઓના બલિદાન અપાતા હતા. ટેરાકોટાના શિલ્પો થી લાગે છે કે ભગવાનની જગ્યાએ પુરુષ ને બદલે સ્ત્રીને બેસાડેલી હશે. પવીત્રસ્નાન, બલિદાન અને સ્ત્રી ની ભગવાન તરીકે ની પૂજા બીજા પ્રાચીન ધર્મો ની વિચારધારા પણ રહી છે. પછી થી આવનાર હિંદુ ધર્મનો પાયો અહી પણ હોઈ શકે.
* પછી આવ્યો વેદિક યુગ(1500-500BCE). એક મત એવો છે કે આર્યો મધ્ય એશિયાથી અહી આવ્યા. પહેલા અત્યારની સ્વાત ખીણમાં વસ્યા ને પછી ધીરે ધીરે ઉત્તરથી મધ્ય ભારત તરફ વસવાનું ચાલુ કર્યું. બીજો મત એવો છે કે આર્યન સંસ્કૃતિ એ સિંધુ નદીની સંસ્કૃતિનો જ વિકાસ હતો. એટલે આર્યો બહાર થી આવ્યા નથી. પણ આખું વૈદિક સાહિત્ય વેદિક સંસ્કૃતમાં રચાએલું છે. યુરોપની ઘણી બધી ભાષાના શબ્દો ને સંસ્કૃતના શબ્દો સાથે સામ્યતા છે. કોઈ પ્રાચીન ઇન્ડો યુરોપિયન ભાષા ગ્રુપ સાથે આ બધી ભાષાઓ સંકળાએલી હોઈ શકે. અને બીજું સિંધુ સંસ્કૃતિમાં ઘોડા નું કોઈ સ્થાન હતું નહિ. જયારે આર્યન સંસ્કૃતિમાં ઘોડા મહત્વનું સ્થાન ધરાવતા હતા. ઘોડાના બલિદાન અપાતા હતા, અશ્વમેઘ. મતમતાંતર તો ચાલ્યા જ કરવાના.
*ભલે હાલના હિંદુ ધર્મના દમ્ભીઓ ના માને પણ વેદિક પીરીયડ આખો બલિદાનો ને એના દ્વારા મળેલા ખોરાક ને વહેચીને ખાવામાં રમમાણ હતો. અને અનેક જુદા જુદા ભગવાનને પૂજવા વાળો હતો. કુદરતની મળેલી દરેક સંપદાનો એક અલગ ભગવાન હતો. વાયુ, ઇન્દ્ર, મરુત, અગ્નિ, આકાશ, બ્રહ્સ્પતી, વિષ્ણુ વિગેરે વિગેરે. આમાં પર્યાવરણ અને ઇકોલોજીની પૂજા આવી જાય એનું બહુમાન પણ કહેવાય. જુદા જુદા અવતારોની થીયરી શરુ થઇ. પહેલો થયો મત્સ્યાવતાર પછી કુર્મ, વરાહ એમ આગળ ચાલ્યું આ હતું ઈવોલ્યુશનનું વિજ્ઞાન. સમુદ્રમાં પહેલા વ્યવસ્થિત સજીવો માછલા હતા. જીવન શરુ થયું પાણી એટલે કે સમુદ્રમાં અને એનું પોષણ પણ સમુદ્રમાં થયું. માટે પાલનહાર વિષ્ણુને સમુદ્રમાં બેસાડ્યા. દરેક ભગવાન કે અવતારને વાહન તરીકે કોઈને કોઈ પ્રાણી કે પક્ષી કે કોઈ બીજો સજીવ આપેલો છે. દરેક સજીવોનું મહત્વ ગણેલું છે. ઉંદર જેવું નકામું લાગતું પ્રાણી પણ ગણેશનું વાહન બનાવેલ છે. ઉંદર લગભગ બધું કાતરી ખાય છે. રીસાયકલીંગ માટે કદાચ કામ લાગતો હશે અથવા પછી બીજા પ્રાણીઓનો ખોરાક બની કામ લાગતો હશે. આજે આધુનિક દવાઓના સંશોધનોમાં સૌથી વધારે ઉંદર જ વપરાય છે.
* પછી આવ્યો પુરાણ કાળ(500BCE-500CE) અહી મહાભારત, રામાયણ જેવા મહાકાવ્યો, ધર્મસુત્રો અને શાસ્ત્રો રચાયા. મહાભારતની અંદર અર્જુન અને શ્રી કૃષ્ણના સંવાદ રૂપે ગીતાની રચના થઇ. જે ભારતની ઓળખ બની ચુકી છે. ભવિષ્યમાં કોર્ટ માં ખોટા સોગંધ લેવા એની જરૂર પડવાની હતી. કોર્ટ માંથી ગીતાને હટાવી લેવી જોઈએ, આતો એનું બહુ મોટું આપમાન રોજે રોજ થઇ રહ્યું છે. આ પુરાણો ની વાર્તાઓ હજુ પણ ખુબજ પ્રચલિત છે. નિયમ, કર્તવ્ય, અને સત્ય આ ત્રણ ધર્મ સુત્રો અને શાસ્ત્રોમાં મુખ્ય વિષયો હતા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની વાતો થવા લાગી. અહી યજ્ઞો ઓછા થયા. પશુઓના બલિદાનો પણ ઓછા થયા. અને શરુ થઇ પૂજા. આ સમય લગભગ બુદ્ધનો સમય પણ હતો. ગુપ્ત સામ્રાજ્યનો ઉદભવ થયો. પૂજા પાઠની સાથે મંદિરો બંધાવા શરુ થયા. મૂળ વેદિક પીરીયડ યજ્ઞો એટલે અગ્નીપુજા ને બલિદાનો નો હતો. એમાં મંદિરોને સ્થાન ના હતું. અહી થી શરુ થાય છે વૈષ્ણવ(વિષ્ણુ), શૈવ(શિવ) અને શાક્ત(દેવી) સંપ્રદાયો નું અસ્તિત્વ. અહી થી વિચારધારાઓ જુદી પડવાનું શરુ થાય છે. ભક્તિ અને મંદિરો સાથે કાવ્યાત્મક સાહિત્ય પણ રચાયું.
* હવે જોઈએ મધ્યયુગ(500CE-1500CE)ગુપ્ત સામ્રાજ્યની પડતી શરુ થઇ. નાનામોટા રાજ્યો બનતા ગયા. પ્રાદેશિક રાજાઓએ વૈષ્ણવ, શૈવ, અને શાક્ત સંપ્રદાયોને મહત્વ આપવા માંડ્યું હતું. દક્ષીણમાં ચૌલ રાજાઓએ શૈવ સંપ્રદાય ને અપનાવ્યો. તાન્જાવુંરમાં શિવનું મોટું મંદિર એની સાબિતી છે. ભવ્ય મંદિરો બનવા લાગ્યા. પુરીમાં જગન્નાથજીનું ભવ્ય મંદિર બન્યું. ધર્મ અને સત્તાનું કેન્દ્ર મંદિરો બનવા લાગ્યા. આ યુગમાં ભક્ત કવિઓ, સંતો ને ગુરુઓ સાથે આચાર્યો વધવા લાગ્યા . સંસ્કૃતની સાથે પ્રાદેશિક ભાષામા ભક્તિ સાહિત્ય રચવા લાગ્યું. શંકરાચાર્ય (૭૮૦-૮૨૦)આખા હિન્દુસ્તાનમાં ફરી શાસ્ત્રાર્થ ફરી અદ્વૈત અને વેદાંતનો ઝંડો ફરકાવી દીધો. વૈષ્ણવ ફિલોસોફર રામાનુજ અને માધવ હવે મેદાનમાં આવ્યા. સાથે સાથે અભિનવ ગુપ્તે તંત્ર ઉપર સાહિત્ય રચ્યું. વામમાર્ગ પણ સાથે સાથે જ મેદાનમાં હતો. મદ્ય, માંસ, મત્સ્ય, મૈથુનનો છૂટ થી ઉપયોગ તંત્ર માર્ગીઓ કરવા લાગ્યા. એકલા ભોજ રાજાએ હજારો તાંત્રિકોને લટકાવી દીધા હતા. તાંત્રિકો ત્યાર પછી ભૂગર્ભમાં પ્રવૃત્તિ ચલાવતા અને હજુ પણ મળે. સ્વામી વિવેકાનંદને પણ એનો કડવો અનુભવ થયેલો.
* ૧૫૦૦ થી ૧૭૫૭ સુધી મુસ્લિમ યુગ શરુ થઇ ચુક્યો હતો. આ ગાળામાં ભક્તો ને સંતોની બોલબાલા રહી. ઘણા બધા મંદિરો તોડી પડાયા. તુકારામ, સુરદાસ, મીરાબાઈનો આયુગ હતો. ૧૭૫૭ થી ૧૯૪૭ સુધીના બ્રિટીશ યુગમાં હિંદુ ધર્મમાં પેસી ગયેલા કુરિવાજો દુર કરવા ને એને નવું સ્વરૂપ આપવા રામ મોહન રાય ને દયાનંદ સરસ્વતી પ્રયત્નો કરી રહ્યા હતા. મુર્તીપુજાની વિરુદ્ધ અને એકજ ભગવાનની માન્યતા પાછી લાવવાના એમના પ્રયત્નો આજે આપણે જાણીએ છીએ કે વિફળ થયા છે. સર્વધર્મ સમભાવને ભક્તિ નો સંદેશ લઇ આવ્યા રામકૃષ્ણ પરમહંસ(૧૮૩૬-૮૬)એમના શિષ્ય સ્વામી વિવેકાનંદે(૧૮૬૩-૧૯૦૨) એમના વિચારો આગળ ધપાવ્યા અને રાજકીય રીતે અખંડ ભારત નું સ્વપ્ન સેવ્યું. અહિંસાનો સંદેશો લઇ આ સ્વપ્ન આગળ ધપાવ્યું રાજકારણી સંત ગાંધીજીએ(૧૮૬૯-૧૯૪૭). એમના પછી કોઈ રાજકારણી સંત જેવો ના પાક્યો. ભાગલાની કડવી યાદો સાથે લઇ ગાંધીજી વિદાય થયા એમની હત્યા થવાથી. સાવરકર જેવા રાજકારણી ને આઝાદીના અગ્રેસીવ લડવૈયાઓએ હિન્દુત્વના ખયાલ અમલમાં મુક્યા. રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ ને વિશ્વહિન્દુ પરિષદની સ્થાપના થઇ. હાલ પણ ભાજપા જેવી પાર્ટીના સમર્થને એમની તતુડી વગાડ્યા કરે છે.
* દરિયા પાર ભારતીયો વસવા લાગ્યા. તો એમની પાછળ સંતો ને ગુરુઓ પણ પ્રચાર માટે જવા લાગ્યા છે. મંદિરોની સંસ્કૃતિ ફરી પાછી જોર માં આવવા લાગી છે. દરેક ને પોતાનો અહંકાર આડે આવે છે, ને રોજ એક નવો સંપ્રદાય ઉભો થાય છે. હિંદુ કોઈ એક વિચારધારા રહ્યો નથી. એક શંભુમેળો બની ચૂક્યો છે.
![images[1] (3)](https://raolji.com/wp-content/uploads/2010/04/images1-3.jpg?w=474)