* અમારા સાંધાશુલનિવારણ કેન્દ્રમાં એક શોભા નામના તામિલ બહેન કામ કરે છે. એમને આપણી ગુજરાતી વસ્તીએ ગુજરાતી બોલતા કરી દીધા છે. આ મદ્રાસી બહેનનાં મનમાં એવું ભરાઈ ગયું છે કે ગુજરાતીમાં દરેક વાક્ય ના અંતે ‘છે’ આવવું જોઈએ. મારે એપોઇન્ટમેંટ પ્રમાણે જતા થોડું પણ મોડું થાય તો એમનો ફોન આવે ‘ભુપેન્દ્રજી તમે હમણા આવવાના નથી છે?’ હું પણ એવાજ ટોનમાં જવાબ આપું ‘અમે હમણા કાર ચલાવી રહ્યા છે, થોડી વારમાં ત્યાં પહોચી જવાના છે.’ ત્યાં ગયા પછી હું અને થેરાપીસ્ટ પૂર્વી બહેન એમની મજાક ઉડાવીએ કે દરેક વાક્યના અંતે ‘છે’ વાપરવાની જરૂર નથી છે. મને કહે હવે અમે તમને શુદ્ધ અંગ્રેજીમાં ફોન પર વાત કરીશું. મેં કહ્યું તો અમે પણ શુદ્ધ ગુજરાતીમાં ફોન કટ કરી નાખીશું.
*આ પૂર્વીબેનની વાત કરું તો મેં ગ્રેટ માઈગ્રેશન વાળો લેખ લખ્યા પછી મેં એમને કહ્યું કે આખી દુનિયાની માનવજાતના પૂર્વજો આફ્રિકન છે. મેં પૂછ્યું કે જીન્સમાં માર્કર થાય છે તે ખબર છે? તો મારા પહેરેલા જીન્સ સામે જોવા લાગ્યા. મને જોકે ખ્યાલ ના આવ્યો, મેં પછી શબ્દ વાપર્યો મ્યુટેશન. તો કહે સાચું કહું તમે જીન્સ બોલ્યા ત્યારે હું તમારા પહેરેલા જીન્સના પેન્ટ સામું જોતી હતી, મને એમ કે તમારા જીન્સ પર કોઈ દાગ પડ્યો હસે. પણ તમે મ્યુટેશન બોલ્યા ત્યારે ખબર પડીકે ગોટાળો થઇ ગયો. અમે બંને એ દિવસે ખુબ હસ્યા.
* બરોડામાં ભણતો ત્યારે જુબિલી બાગની પાછળ આવેલી ખત્રીપોળની ખત્રી બિલ્ડીંગમાં રહેતો હતો. ખત્રીકાકા એ બિલ્ડીંગ તો ચાર માળની બહુ ઉંચી બનાવેલી, પણ ફક્ત ભાડા ખાવા માટે. એટલે દરેક માળે ૧૦ બાય ૧૦ ની રૂમો જ બનાવેલી. એક રૂમ એટલે એક ઘર સમજી લેવાનું. ઉપર થોડા કેરાલીયન ભાઈઓ રહેતા હતા. એક વાર એક કેરાલી ભાઈ એ મને પૂછ્યું , કાના કાયા? મને સમજ ના પડી કે શું પૂછે છે. એને બેત્રણ વાર પૂછ્યું કાના કાયા? મેં પણ સામે શું? શું? પૂછે રાખ્યું તો કંટાળીને જતો રહ્યો. બાજુની રૂમમાં એમના મોટાભાઈ સાથે રહેતા અરવિંદભાઈ મારા મિત્ર બની ગયેલા, તે હસ્યા કરે. મને કહે પેલો ખાના ખાયા?એમ પૂછતો હતો. પછી તો જયારે પેલો ભાઈ મને પૂછે કે કાના કાયા? તો તત્ક્ષણ ના ખાધું હોય તોયે હું જવાબ આપી દેતો કે કાયા!!કાયા!!. ગરબડ એક દિવસ એવી થઇ કે મને પૂછી ને એ તો જતો રહ્યો. પછી હું અને અરવિંદ ભાઈ લોજમાં ખાવા ગયા. ત્યાં પેલો પણ ખાવા બેઠેલો. મને કહે અબી તો તુમ બોલતા તા કે કાના કાયા ફિર સે કાને આ ગયા ક્યા? હું તો ભોંઠો પડ્યો. પણ અરવિંદ ભાઈ કહે મેરેકુ કંપની દેને આયા હે.
*ચાર માળની ખત્રી બિલ્ડીંગની અગાશીમાં જવા માટેની કોઈ સિમેન્ટની બનાવેલી સીડી હતી નહિ. લાકડાની સીડી કાકાએ કાઢી નાખેલી, જેથી અગાશીમાં જવાની તકલીફ થતી. લોબીની પાળી ઉપર પગ ટેકવી છલાંગ મારી કુદીને ઉપર જવું પડતું. એટલે પરણેલા ને બાલબચ્ચાવાળા તો આવું સાહસ કરતા નહિ. પડે તો છેક નીચે ભુક્કા બોલી જાય. ખાલી અમારા જેવા વાંઢા વિલાસ જ કુદી ને ઉપર જતા. વિનોદ, મનસુખ અને અરવિંદભાઈ બધા એમના ભાઈ ભાભી સાથે રહેતા. અને એકજ રૂમના ઘર હતા. માટે બારેમાસ આ લોકો અગાશીમાં સુઈ જતા. કડકડતા શિયાળામાં પણ અગાશીમાં જ સુવાની મજા માણતા. ખાલી વરસાદ પડે ત્યારે રૂમો આગળની લોબીમાં સુતા. ખાલી હું અને મારો મિત્ર મહેશ સ્વતંત્ર રૂમમાં રહેતા. જોકે અમે પણ મોટા ભાગે અગાશીમાં જ સુતા. સાંજ પડે અમે બધા અગાશીમાં ભેગા થતા ને ટોળટપ્પા ચાલતા. મજાક મસ્તીને ધમાલ કરતા. આ બધા ખુબ સ્ટ્રગલ કરતા. ભાઈ ભાભી જોડે રહેવામાં મનદુઃખ પણ થતા. બધા એમના દુખડા ગાતા. ત્યારે હું આ લોકોને “ભાભીઓથી દાઝેલા દિયરો” નું મંડળ છે એવું કહેતો.
*શિયાળાની ઠંડીમાં મારે સ્વતંત્ર રૂમ હોવા છતાં આ લોકો મને રૂમમાં સુવા ના દેતા. એક દિવસ ટેવ મુજબ સવારે ઉઠીને અગાશીમાં આંટા મારતો હતો. તેવામાં કૌતુક દીઠું, વિનોદની પથારીમાં..આ વિનોદ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જીલ્લાના વણાં ગામનો. એના મોટા ભાઈ મહેન્દ્રભાઈ સુથારી કામ કરતા. વિનોદ જી.એસ.એફ.સીમાં એપ્રેન્ટીશીપ કરતો. એને મોઢે માથે સંપૂર્ણ ઓઢીને સુવાની આદત. મને ગમેતેટલી ઠંડી હોય મોઢું ખુલ્લું જોઈએ. માથે ઓઢીને મારાથી એક મિનીટ પણ સુવાય નહિ. વિનોદ પાતળી ગોદડી માથે ઓઢીને સુતો હતો. મેં જોયું તો એની પાતળી ગોદડીમાં લાલ રંગના ઝબકારા થતા હતા. પહેલા થોડો પીળો ઝબકારો થયેલો. પછી થોડી થોડી વારે નિયમિત લાલ ઝબકારા થયા કરે. મને થયું શું થતું હશે માળું? વિનોદ તો ઊંઘે છે ને એની પથારીમાં આ ઝબક ઝબક શું થાય છે? હું તો ઉઠ્યો ને એકદમ ઓઢેલી ગોદડી ખેચી તો ભાઈલો વિનોદ અંદર બીડી પીતો હતો. ત્યારે મને સમજ પડી કે પહેલા પીળો ઝાબકરો બીડી સળગાવવાને લીધે થયેલો. મેં કહ્યું અલ્યા માથે ઓઢીને બીડી પીવાની? તો કહે ટાઢ વાય તો શું કરું? હું તો કાયમ આ રીતેજ પીવું છું, આતો તમે આજે જોઈ ગયા. એના ફેફસા ઓછા ઓક્સીજન અને વધારે કાર્બન ડાયોક્સાઈડ થી ટેવાઈ ગયેલા લાગ્યા. મેં ય જોકે ટેસડા તો બધા કરેલા પણ વ્યસન કશાનું પડવા દીધેલું નહિ. કારણ કોઈની ગુલામી વેઠાય નહિ. એમાં વ્યસન પણ આવી જાય.
*અગાશીમાં અમે સાંજે થોડા યોગના આસનો કરતા. એમાં હું ને મહેશ તો નિપુણ હતા. એટલે આમારા વાદે બીજા પણ ટ્રાય કરતા. એક દિવસ અમે કુક્કુટાસન કે પછી બદ્ધ પદ્માસન કરતા હતા. એમાં પદ્માસન કરી પગ વચ્ચે હાથ નાખી હાથના પંજા ઉપર ઊંચા થવાનું હોય છે. વિનોદે જેમતેમ કરી પદ્માસન વાળી લીધું. પછી મહાપ્રયત્ને અદર હાથ નાખીને ઉંચો થયો. પછી હાથ બહાર કાઢવા જાય તો નીકળે નહિ. મને અને મનસુખને કહે અલ્યા છોડાવો. અમને ટીખળ સુજી. એના થી તો હાથ બહાર નીકળતા હતા નહિ, અમે બંને જણા બે બાજુથી વિનોદના ખભા પકડીને ઉચકી ઉચકી ને નીચે પછાડવા માંડ્યો. એ તો રાડો પાડવા માંડ્યો, ને સરસ્વતી ઉપર સરસ્વતી સંભળાવવા લાગ્યો. બીજા બધા ઉભા ઉભા જોર જોર થી હશે. અરવિંદભાઈના હાસ્યની માત્રા અને તીવ્રતા જરા ઉંચી. મેં કહ્યું જેટલી સરસ્વતી વધારે બોલીશ એટલો વધારે પછાડીશું. પછી કહે નહિ બોલું બાપા છોડો. પછી અમને પણ દયા આવી કે વધારે પછાડીશું તો હમણા રડવા લાગશે. એટલે છોડી દીધો. પછી બધા ખુબ હસ્યા. એ પણ ભેળો હસવા માંડ્યો. અમારા મિત્રો વચ્ચે એક વાત હતી નાની મજાક મસ્તીનું કોઈ ખોટું ના લગાડતું, કે મનદુઃખ ના થતું. આજે તો વિનોદભાઈનો દીકરો અમેરિકામાં ભણે છે. હજુ પણ એમના શિક્ષિકા શ્રીમતી મારી આગળ ફરિયાદ કરે કે તમારા ભાઈ સિગારેટ છોડી નથી શકતા.
*અરવિંદભાઈ અમારા બધામાં મોટા. એક મોટાભાઈની જેમ બધાનું ધ્યાન રાખે. સારાભાઇ ગ્લાસમાં એમની નોકરી હતી. પછી તો એ પણ બંધ થઇ ગયું. સૌથી પહેલા એમના લગ્ન થયેલા. ત્યારે અમે બધાએ ભેગા થઈને ગીફ્ટની સાથે મજાક કરવા બર્થ કંટ્રોલના સાધન ભેગા મૂકી દીધેલા. ફરી મળ્યા ત્યારે કહે સાલા નાલાયકો આવા ધંધા કરવાના? મને કહે આ આઈડિયા પણ તારો જ હોવો જોઈએ, બીજાને આવા વિચારો ના આવે. પછી ખુબ હસે. એમને કદી ખોટું લાગેજ નહિ.
*આ બધા મિત્રો કોઈ ખાસ પૈસાવાળા ના હતા. પણ એમના દિલ ખુબ મોટા હતા. હું એકલો રહેતો ક્યારેક પિતાશ્રીએ મોકલેલું મની ઓર્ડર આવતા મોડું થાય. પણ અરવિંદભાઈ કદી ખોટ ના પડવા દે. અરવિંદભાઈ બરોડામાં બાજવાડામાં નાનામોટા થયેલા. લક્ષ્મીનાથ વ્યાયામ શાળામાં કસરત કર્યાનો એમને ખુબ ગર્વ. નલીન ભટ્ટ પણ એમની સાથે રમેલો. પછી તો નલીન ભટ્ટ રાજકારણમાં બહુ મોટું માથું બની ગયા. જોકે મોટા બની ગયા પછી આ લોકો જૂની ઓળખાણો રાખતા નથી. દેખાતા નાના લોકોના દિલ બહુ વિશાળ હોય છે, ને મોટા લોકોના દિલ બહુ છોટા હોય છે. મારો પોતાનો પણ એવો અનુભવ છે. આ અરવિંદભાઈ ખુબ સરસ ગાય. રફીસાહેબ, તલત મહેમુદ, મુકેશજી, કિશોરદા, મન્નાડે સાહેબ બધાના ગીતો સરસ ગાય. વગર સંગીતે એટલો સુદ્ધ આરોહ અવરોહ આલાપે કે નાં પૂછો વાત. કોઈ પણ ટ્રેનીગ વગર શાસ્ત્રીય ગીતો પણ ગાય. પણ કહીએ કે આ ગીત ગાવ તો નાં ગાય. પછી અમે એમની આદત જાણી ગયાં. અમે જાતે જ ભેંસાસુર અવાજમાં ગાવા માંડીએ એટલે પછી તેઓ શરુ થઇ જાય. એમને મોડે મોડે બત્તી થાય એટલે હસે. નાલાયકો મારી જોડે ગવડાવવા માટે નાટકો કરો છો? મને ઘણીવાર એવું થાય કે આટલા સરસ ગાયક છે, ટ્રેનીગ અને બેકપ મળે તો ક્યાંથી ક્યાં પહોચી જાય!
