Category Archives: ધર્મ અને અધ્યાત્મ

ચાર આદ્ય સત્યો.

ચાર આદ્ય સત્યો.

બુદ્ધે ચાર આર્ય સત્યો કહેલાં. ૧) દુઃખ, ૨) સમુદય ૩) નિરોધ ૪) માર્ગ. દુઃખ છે તો દુઃખનું કારણ છે, કારણ છે તો નિવારણ છે અને નિવારણ માટે માર્ગ છે.

હવે મારા બહુ બધા અગણિત શિક્ષકોના કારણે અને મારા સતત ચાલતા દોડતા રહેતા બ્રેન ન્યુરોન્સના પ્રતાપે મને પણ અલગ અલગ ચાર આદ્ય સત્યો ધ્યાનમાં આવ્યા છે.

૧) સમૂહ : Group માનવી સમૂહમાં જીવવા ઉત્ક્રાંતિ પામેલો છે, અને સમૂહનો એક વડો હોય.

૨) માન મોભો : States માનવી સ્ટેટસ સિકીંગ એનિમલ એટલે માન મોભો ઇચ્છતું પ્રાણી છે.

૩) જીવન : Survival માનવીને કોઈ પણ ભોગે જીવવું હોય છે એટલે કે બચવું હોય છે.

૪) વારસો : Sexual reproduction માનવીમાં પોતાની એક પ્રતિકૃતિ પાછળ મૂકતા જવાની પ્રબળ ભાવના હોય છે. વારસદાર મૂકતાં જવાની પ્રબળ કુદરતી ભાવના હોય છે.

બુદ્ધે આર્ય સત્યો કહ્યા હું તમને આદ્ય સત્યો કહું છું, જોકે મેં શોધ્યા નથી પણ ધ્યાનમાં આવ્યા છે. આ ચાર આદ્ય સત્યો પાછળ એની આખી જીંદગી દોડ્યા કરતી હોય છે. એમાં પાછી હરીફાઈ ખૂબ છે એટલે દુઃખ પામે છે, એના કારણો શોધે છે, એના નિવારણ માટે માર્ગ શોધે છે.

સમૂહમાં રહેવાથી સર્વાઇવ થવાની તકો વધી જાય એટલે મોટાભાગે બધા સસ્તન પ્રાણીઓ સમૂહમાં રહે છે. સમૂહ હોય એટલે સમૂહનો એક વડો હોય જે આખા ટોળા પર નજર રાખે એની કાળજી લે એનું રક્ષણ કરે. એકલા બધુ થાય નહિ એટલે એમ કરવામાં બીજા નંબરની હરોળ તૈયાર હોય કે કરવી પડે. માન મોભો ઈચ્છતું પ્રાણી છે એટલે નંબર વન બનવાના પ્રયત્ન સતત ચાલતા હોય એટલે ચાન્સ મળે બે નંબર પરથી પહેલા નંબરે કૂદકો મારવાના ચાન્સ શોધતા જ રહેવાના. એટલે સમૂહનાં વડાને સૌથી મોટું જોખમ એના ખાસમખાસ મદદગાર બે નંબરના લોકો તરફથી જ હોય છે.

બીજા સસ્તન પ્રાણીઓ પાસે લાર્જ કોર્ટેક્સ જે ચિન્તન મનન અને ભાષા માટે જવાબદાર છે તે ખૂદ નાનું છે એટલે એમની સામાજિક વ્યવસ્થા બહુ જટિલ નથી. ટોળામાં રહેવાનું અને ટોળા બહાર એકલા પડી જવાય તો રડવાનું. માનવી પાસે સૌથી વધુ મોટું લાર્જ કોર્ટેક્સ છે એટલે એની સોશિઅલ હાઈઆરાર્કી જટિલ છે કોમ્પ્લેક્સ છે, એને ઊંચા નીચાની સામાજિક સમજણ કહી શકાય. બે માનવ મળે એટલે કમ્પેરીજન શરુ થઈ જ જાય કોણ મોટો કે ઉંચો છે કોણ નીચો. મેરી શર્ટ સફેદ હૈ કી તુમ્હારી? આ બધું આપણા ડીએનએમાં છે. પ્રશ્ન એ હતો કે માન મોભો ના હોય, પ્રથમ સ્થાન ના હોય તો સ્ત્રી મળતી નહિ, ખોરાક મળતો નહિ માટે માન મોભો ઈચ્છતું પ્રાણી બન્યું.

કોઈ પણ ભોગે બચવું એ કુદરતી ભાવના છે. બચો નહિ તો જીવનચક્ર ચાલે નહિ. વારસો મૂકતાં જવાનું પણ કુદરતી ભાવના છે એના વગર સંસારનું ચક્ર ચાલે નહિ. એટલે પહેલા બે આદ્ય સત્યો લાખો કરોડો વર્ષોના અનુભવ વડે અપનાવેલા છે બાકીના બે આદ્ય સત્યો કુદરતી રીતે મળેલા છે.

બસ આ ચાર આદ્ય સત્યોની આસપાસ માનવી આખી જીંદગી રમ્યા કરતો હોય છે. એના વેપાર ધંધા, ઉદ્યોગ, રાજકારણ, સામાજિક જીવન હોય કે ધર્મ હોય કે અધ્યાત્મ તમામ આ ચાર આદ્ય સત્યોની પૂર્તિ કરવા વિકસેલા હોય છે. આ ચારે આદ્ય સત્યો એકબીજામાં અદ્ભુત રીતે ગૂંથાયેલા હોય છે. આમાંથી એકેયને ઉપરનીચે ગોઠવાય તેમ નથી. ચારેચાર સમાંતર ગોઠવવા પડે. તમામને પ્રથમ નંબરે રાખવાં પડે તેવાં છે.

આપણે સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલા છીએ અને સમૂહનો એક વડો હોય એ હકીકત છે. પણ માનવી બીજા પ્રાણીઓ જેવો નથી. એ બુદ્ધિશાળી પ્રાણી છે માટે એક સાથે અનેક સમૂહોમાં જીવતો હોય છે. પહેલો સમૂહ એનું કુટુંબ, પછી એની કોમ, ગામ, વ્યવસાય, પ્રદેશ, એની ભાષા, એની રહેણીકરણી, એનો ધર્મ, દેશ, એના શોખ, એની વિચારધારા વગેરે વગેરે એવા તો અનેક સમૂહોમાં એક સાથે જીવતો હોય છે. પાછા આવા અનેક સમૂહોના વડા હોય, એવા અનેક સમૂહોમાં એની પણ પ્રથમ આવવાની ભાવના હોય, એવા તો અનેક સમૂહોમાં એને પોતાની ઓળખ પ્રાપ્ત કરવાની હોય. એવા તો અનેક સમૂહો દ્વારા એને લાભ પણ જોઈતા હોય, રક્ષણ જોઈતું હોય. એવા તો અનેક સમૂહોમાં એને વડા બનવું હોય. ભલે માધ્યમિક શિક્ષક સંઘનો પ્રમુખ હોય પણ ઘરમાં એનું કશું ચાલતું ના પણ હોય. કંપનીનો માલિક હોય પણ એનો નાનો ભાઈ એનું કહ્યું માનતો ના હોય.

એક ભરવાડ ઘેંટાઓનું ટોળું લઈને જતો હોય તો આપણે માનીએ કે ભરવાડ ઘેંટાઓને દોરતો હશે. મોટાભાગે તો એવું જ હોય છે કે ભરવાડ ઘેટાઓને દોરતા હોય છે. મનફાવે તેમ વાળી શકતાં હોય છે. મનફાવે તે રસ્તે લઇ જતાં હોય છે. પણ પણ અને પણ ઘણીવાર એવું બને કે ઘેટાં ભરવાડને દોરતાં હોય. ઘેટાંઓને જ્યાં જવું હોય ત્યાં ભરવાડ એમને દોરતો હોય. કારણ ભરવાડને પ્રથમ નંબરે રહેવું છે. એને સમૂહનાં વડા બનવું છે તો ઘેટાં દોરે તેમ ચાલો નહી તો ઘેટાં એને ઉથલાવી બીજાને ભરવાડ તરીકે નિયુક્ત કરી દેશે. આપણે સમજીએ છીએ ભરવાડ હોશિયાર છે, ચાલક છે ધૂર્ત છે નિર્દોષ ઘેટાંઓને એની મરજી મુજબ દોરે છે પણ હકીકતમાં આ ઘેટાં પણ બહુ ધૂર્ત ખેલાડી હોય છે. એ એમની મરજી મુજબ ભરવાડ પસંદ કરતાં હોય છે. એમની મરજી મુજબ ભરવાડ એમને દોરે નહિ, ચાલે નહિ, તો એને શિંગડે ચડાવી ઉલાળી મૂકતાં જરાય વાર ના કરે. ભરવાડને લાગે કે હું ઘેટાંને દોરી રહ્યો છું પણ એ વહેમમાં હોય છે. ઘેટાં એને દોરતાં હોય એવું પણ બને. ઘેટાંના આગવા લાભ હોય છે. એમને એક મોટા સમૂહની ઓળખ જેને આપણે આઇડેન્ટિટી કહીએ છીએ તે જોઈતી હોય છે.

પરસ્સ્પર છે ઘેટાં અને ભરવાડના લાભાલાભ. પરસ્પર છે સ્વાર્થ ઘેટાં અને ભરવાડના. ભરવાડ અને ઘેટાઓ એકબીજાને રમાડતા હોય છે. મારા રેશનલ મિત્રો અકળાઈ જતાં હોય છે ભરવાડોની ધૂર્તતા જોઈ પણ એમને ઘેટાઓની ચાલાકી દેખાતી નથી. એમનો જીવ બળતો હોય છે કે ઘેટાઓ નાહકના રહેસાઈ જતાં હોય છે એટલે અને એવું બનતું પણ હોય છે, પણ બધા ઘેંટા મૂર્ખ નથી હોતાં. અમુક તો ભરવાડને મૂર્ખ બનાવી જતાં હોય છે.

દાખલા તરીકે કોઈ સંપ્રદાય હોય કે કોઈ રાજકીય પક્ષ જ કેમ ના હોય, એના સ્થાપનાર કે વડાને એનો સમૂહ મોટો ને મોટો કરવો હોય છે. કારણ જેટલું મોટું એટલી સર્વાઈવ થવા માટે સેફ્ટી વધારે. મોટા સમૂહને નાનો સમૂહ પહોંચી ના શકે તે સ્વાભાવિક છે. ૨૦૦ કિલોના છ ફૂટીયાને ૬૦ કિલોનો પાતળિયો પહોંચી ના શકે. ૧૦૦૦ કરોડના અબજ સભ્યો ધરાવતાંને કોઈ હાલી મવાલી પક્ષ કઈ રીતે પહોંચી શકે? મારા કુટુંબના મારા સંપ્રદાયના કે પક્ષના કે માનનારાઓની સંખ્યા વધુ ને વધુ જોઈએ તો સર્વાઈવ થવા માટે બહુ વાંધો આવે નહિ. અચ્છા એમાં જોડાનારાઓ કેમ જોડાતાં હોય છે? એમને પણ મોટા વધુને વધુ મોટા સમૂહના સભ્ય હોવાથી વધુને વધુ સલામતી લાગતી હોય છે. સમૂહની ઓળખ પોતાની ઓળખ તરીકે વાપરી શકતા હોય છે. હું ફલાણા પક્ષનો કાર્યકર છું કે ફલાણા સંપ્રદાય કે ધર્મનો છું, એ બહાને આઇડેન્ટિટી મળે સાથે સાથે સલામતી પણ મળે. આ બધો એનિમલ બ્રેનનો ખેલ છે.

દાખલા તરીકે કોઈ સંપ્રદાય કે રાજકીય પક્ષ ધનાધન પ્રગતિ કરતો હોય કે કોઈ સ્પેશલ વિચારધારા હોય પૂર જોશમાં ફેલાતી હોય કે ઉત્થાન પામતી હોય ત્યારે લોકોનો ધસારો એના તરફ વધી જતો હોય છે. ઉગતા સૂર્યને સહુ પૂજતાં હોય છે. કારણ એમને ખબર હોય છે કે આ સમૂહ વધુને વધુ મોટો થઈ રહ્યો છે ત્યાં સલામતી વધુ છે, માટે છોડો નાની ટોળી ને જોડાઈ જાઓ મોટી ટોળીમાં. ત્યાં વધુ સલામતી છે ત્યાં મોટી આઇડેન્ટિટી છે. મેં આ બધું જોયું છે, અનુભવ્યું છે, વિશ્લેષણ કર્યું છે. હજારો મરઘાં ઝાપટી જનારા આજે ડુંગળી લસણ ખાનારાઓને ધિક્કારતા થઈ ગયા છે. એમને અધ્યાત્મ સાથે કોઈ નિસ્બત નથી. અરે અધ્યાત્મ એટલે શું એજ એમને ખબર નથી. એમનું અધ્યાત્મ ખાલી ડુંગળી ના ખવાય એટલામાં જ સમાઈ ગયેલું છે. અધ્યાત્મ સાથે એમને કોઈ લેવા દેવા જ નથી. કાલે કોઈ ડુંગળી લસણ, મરઘાં ખાનારાં સંપ્રદાયનું જોર વધી જાય કે એવા સંપ્રદાયનો સમૂહ અતિ વિશાળ થઈ જાય કે એમને લાગે કે અહિ આપણી વધુ સલામતી છે કે અહિ આપણને વધારે ઓળખ મળે તેમ છે તો આ લોકો એમાં જોડાઈ જશે એ નક્કી. એમને ના પક્ષની પડી છે, ના ધર્મની પડી છે, સિદ્ધાંત નામની કોઈ ચીજ હોય છે એ તેમને ખબર નથી, આદર્શનો અર્થ તે લોકો કદાપી જાણતા નથી, નૈતિકતા શું કહેવાય તે અમને ખબર નથી, ધ્યાન શું, ધારણા શું એમને ખબર નથી, ધર્મ અને સંપ્રદાય એમના માટે તમામ અનૈતિકતા આચરવાના લાયસન્સ માત્ર છે. They are simply mammal animals. આપણને એમના પ્રત્યે કોઈ રોષ નથી, એમને આપણી પ્રત્યે રોષ રાખવાની છૂટ છે. હહાહાહા.

અરે ! આજે તમે કોઈ પક્ષ, ધર્મ, સંપ્રદાય કે વિચારધારા નવી ઉભી કરશો તો તમારી હયાતી સુધી ઠીક ચાલશે પણ પછી આ ઘેટાં જે તમે ભેગાં કરેલાં એ એને એમની રીતે ઢાળી દેશે. મહાવીર સાથે એજ થયું, બુદ્ધ સાથે એજ થયું છે, મહંમદ સાથે પણ એજ થયેલું છે, જિસસ સાથે પણ એમજ સમજવું. મહાવીરે એમની જીંદગીમાં કદી કોઈની પૂજા નથી કરી, પ્રાર્થના નથી કરી, ના દેરાસર બનાવ્યાં, ના મંદિર બનાવ્યાં અને આજે એમનાં જૈન ઘેટાં જુઓ? આજે ના બુદ્ધનો બૌદ્ધ ધર્મ રહ્યો છે ના મહાવીરનો જૈન, ના મહમંદનો ઇસ્લામ, ના જિસસનો ક્રિશ્ચિયન, ના વેદોનો હિંદુ, ના નાનકનો શીખ, ઘેટાં એમની રીતે બધું બદલી નાખતાં હોય છે.

હા તો મિત્રો બુદ્ધે ચાર આર્ય સત્યો કહેલાં, દુઃખ, સમુદય, નિરોધ અને માર્ગ. હું તમને ચાર આદ્ય સત્યો કહું છું, સમૂહ, માન-મોભો, જીવન અને વારસો. આ ચાર આદ્ય સત્યોની પાછળ દોડતો માનવી છેવટે ચાર આદ્ય સત્યોને ઓળખી, ચાર બુદ્ધના આર્ય સત્યોની સમજ કેળવી છેલ્લા આર્ય સત્ય માર્ગને મેળવવા પોતાનો દીવો પોતે બને, “અપ્પ દીપ્પ ભવઃ” એજ એના શાંતિ અને કલ્યાણનો માર્ગ બનશે. :- ભૂપેન્દ્રસિંહ રાઓલ, સાઉથ એબિંગન્ટન, પેન્સિલવેનિયા, યુએસએ. ૨૪ ઓગષ્ટ, ૨૦૧૯…

 

જ્ઞાનને શુદ્ધ જ્ઞાન રાખો એને ધર્મના લેબલની જરૂર નથી. (યોગા)

800px-Bhujangasana_Yoga-Asana_Nina-Melજ્ઞાનને શુદ્ધ જ્ઞાન રાખો એને ધર્મના લેબલની જરૂર નથી. (યોગા)

The US Patent and Trademark office has reportedly issued 150 yoga-related copyrights, 134 trademarks on yoga accessories and 2,315 yoga trademarks.

સૌથી વધુ યોગની પ્રેક્ટીશ કરતા હોય તો તે અમેરિકનો છે એવું મારું માનવું છે. એમને તે વાત જરાય નડતી નથી કે યોગની વ્યવસ્થિતપણે શોધ ભારતીયોએ કરેલી છે, અને તે ભારતીયો હિંદુ વિચારધારાને વરેલા હતાં. યોગ હિંદુ ફીલોસફીની છ મુખ્ય સ્કૂલ્સ માની એક સ્કૂલ છે. સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મિમાંસા અને ઉત્તર મિમાંસા આમ છ હિંદુ તત્વજ્ઞાનની મુખ્ય શાખાઓ છે. સમજી લો કે ઉત્તર મિમાંસાથી ઈશ્વરભાઈ નામનો કોન્સેપ્ટ ઘૂસેલો છે. સાંખ્ય તદ્દન નિરીશ્વરવાદી હતું અને યોગ એની સાથે બહુ નજદીક હતો. એમાં જે પણ ઈશ્વર ઘુસ્યો હશે તે બહુ પાછળથી. મુર્ખ મુસલમાનો સાથે અજ્ઞાન હિન્દુઓને પણ ખબર નથી કે ભારતીય ફીલોસફીની છ સ્કૂલ્સમાં ઈશ્વર છેલ્લે ઘૂસેલો છે. યુજ ધાતુ પરથી યોગ શબ્દ બનેલો છે. યોગ મતલબ જોડવું. શરીર અને મન સાથે અદભુત જોડાણ કરવું અથવા તે જોડાણને સમજવું અને અમુક ક્રિયાઓ કરીને તે જોડાણ ને અદ્ભુત બનાવવું જેથી સર્વાઈવલ ઓફ ફીટેસ્ટનાં જમાનામાં સર્વાઈવ વધુ સારી રીતે થઈ જવાય તે પ્રક્રિયાને યોગ કહેવાય છે.

આધુનિક મેડીકલ સાયન્સની જેમ યોગ એક શુદ્ધ જ્ઞાન છે તેને ધર્મોના લેબલની જરાય જરૂર નથી તે પાપી પશ્ચિમના ક્રિશ્ચિયન લોકો ફનેટીક મુસલમાનો કરતા વધુ સારી રીતે જાણે છે, માટે આજે યોગ વિષય ૧૫૦ પેટન્ટ અમેરિકનો ધરાવે છે.

કેટલા હિન્દુઓને ખબર હશે કે યોગના આઠ અંગ છે? કે આઠ પ્રકરણ છે? કે યોગ નામની સીડીને આઠ પગથિયાં છે? હરિયાણાની ભાજપા સરકારના યોગના બ્રાંડ એમ્બેસેડર, યોગના વેપારી ગુરુ બાબા રામદેવ યોગની આઠ પગથીયાની સીડીના ફક્ત બે પગથિયાં આસન અને પ્રાણાયામ વિષે તમને માહિતી આપે છે. ફક્ત બે પગથિયાં જો આટલા લાભદાયી હોય તો આઠ પગથિયાં ચડીને ક્યાં પહોંચી જવાય?

યોગના આઠ અંગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ.

બાબા રામદેવ પ્રાણાયામ અને આસનો જ શીખવાડે છે બાકી બીજા તેઓ અંગો વિષે તેઓ જાણતા જ હોય પણ સામાન્યજનને શીખવવાનું મુનાસીબ નહિ સમજતા હોય. કે એમાંથી અર્થોપાજન થાય તેવું લાગતું નહિ હોય.

યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર દ્વારા મદદ મળતા ધારણા, ધ્યાન અને સમાધિના પગથિયાં આસાનીથી ચડી શકાય.

પ્રાણાયામ શ્વાસોચ્છવાસની અદ્ભુત ટેકનીક છે. ઓક્સિજન વગર તો મુસલમાન પણ નહિ જીવી શકે અને પ્રાણાયામ ટેક્નિક ઓક્સિજન વધુમાં વધુ લેવાની ટેક્નિક છે. માછલી, કાચબો, ગાય, ભેંસ, ડુક્કર, હાથી કે માનવી, મુસલમાન કે હિંદુ, ખ્રિસ્તી કે પારસી, બૌદ્ધ કે જૈન, કે કોઈપણ હોય પાણીમાં તરતી વખતે ઓટ્મેટિક પ્લાવની પ્રાણાયામ કરે જ છે. તેમ જ લાંબુ દોડવાથી ઓટ્મેટિક ભસ્ત્રિકા પ્રાણાયામ થઈ જાય છે, ત્યારે કોઈ મુસલમાન એમ કહી નહિ શકે કે હું ભસ્ત્રિકા નહિ કરું કે સ્વિમિંગ પુલમાં પ્લાવની નહિ કરું, કારણ કોઈ હિન્દુએ પ્રાણાયામનાં વિવિધ નામ આપ્યા છે. ન્યુટને ગુરુત્વાકર્ષણ વિષે સમજ આપી તે પહેલા શું ગુરુત્વાકર્ષણ નહોતું? પતંજલિએ યોગ સુત્રો રચ્યા તે પહેલા શું યોગા નહોતો? અરે યોગા તો પ્રાણીઓ પણ કરે જ છે. સાપ કરે છે સ્ટાઈલને તો ભુજંગાસન નામ આપ્યું છે. એટલું કે એમને એના વિષે કોઈ વ્યવસ્થિત સમજ નથી.

આસનો સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ છે. હવે એને પશ્ચિમની સ્ટાઈલથી કરો કે ભારતીય સ્ટાઈલ કે ચાઇનીઝ સ્ટાઈલથી કરો શું ફરક પડે છે?

ચાઇનીઝ શાઓલીન, કુંગ ફૂ, કે જાપાનીઝ કરાટે હોય કે બીજા કોઈ પણ દેશની માર્શલ આર્ટ હોય યોગના આઠે આઠ અંગનું આક્રમક રૂપ છે. એમાં યમ છે નિયમ છે આસન છે પ્રાણાયામ છે અને ધ્યાન પણ છે સાથે સાથે સ્વબચાવ માટે આક્રમક રવૈયો એ લોકોએ ઉમેરેલો છે. અહિ આપણે ભારતીયોની ચૂક થઇ ગઈ આપણે સ્વબચાવ માટેનો આક્રમક રવૈયો યોગમાં ઉમેર્યો નહિ અને હશે તો  કાઢી નાખ્યો અને હજારો વર્ષ ગુલામ રહ્યા. આપણે યોગ સાથે ભક્તિ(સબમીશન) અપનાવી, ભક્તિ પાછળથી આવી, અને જે પણ આક્રમણકારીઓ આવ્યા શરણે થઇ ગયા. હજુ પણ શરણે થઇ જવાની ભાવના અકબંધ જ છે. ભક્તિ નબળા લોકોની માનસિકતા છે.

યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો છે.

યોગા પ્રાચીન ભારતે દુનિયાને આપેલી મહામૂલી ભેંટ છે. જેમ આધુનિક મેડીકલ સાયન્સનો વિકાસ ભલે યુરોપ અને ક્રિશ્ચિયાનિટીને હસ્તે થયો પણ આજે આખી દુનિયા એને કોઈ ધર્મના લેબલ લગાવ્યા વગર વાપરે છે અને ક્રીશ્ચિયાનિટી વાપરવા દે છે તેમ યોગા પણ વાપરવો જોઈએ. બાકીની દુનિયાના લોકો તો યેનકેન પ્રકારે વાપરે જ છે.

હવે જેમ તાવ આવે ત્યારે કોઈ ડોક્ટર જોડે જઈએ, વૈદ્ય જોડે જઈએ કે હકીમ જોડે જઈએ તે આપણી ઈચ્છાનુસાર હોય છે તેવું યોગા વિષે પણ હોવું જોઈએ કોઈને ફરજ પાડી શકાય નહિ કે વૈદ્ય જોડે જ જાઓ કે હકીમ જોડે જાઓ કે ડોક્ટર જોડે જ જાઓ. Janusirsasana_Yoga-Asana_Nina-Mel

ચરૈવેતિ ચરૈવેતિ

ચરૈવેતિ ચરૈવેતિfaithful-feet-keep-walking-blog-pic

ઐતરેય બ્રાહ્મણ ગ્રંથમાં બહુ સરસ મંત્ર-ગીત છે.

ॐ नाना श्रान्ताय श्रीरस्ति, इति रोहित शुश्रुम।

पापो नृषद्वरो जन, इन्द्र इच्चरतः सखा। चरैवेति चरैवेति॥

पुष्पिण्यौ चरतो जंघे, भूष्णुरात्मा फलग्रहिः।

शेरेऽस्य सवेर् पाप्मानः श्रमेण प्रपथे हताः। चरैवेति चरैवेति॥

आस्ते भग आसीनस्य, ऊध्वर्स्तिष्ठति तिष्ठतः।

शेते निपद्यमानस्य, चराति चरतो भगः। चरैवेति चरैवेति॥

कलिः शयानो भवति, संजिहानस्तु द्वापरः।

उत्तिष्ठँस्त्रेताभवति, कृतं संपद्यते चरन्। चरैवेति चरैवेति॥

चरन् वै मधु विन्दति, चरन् स्वादुमुदुम्बरम्।

सूयर्स्य पश्य श्रेमाणं, यो न तन्द्रयते चरन्। चरैवेति चरैवेति॥

(ऐतरेय ब्राह्मण ७.१५)

આનો ભાવાર્થ એવો છે.

હે ! રોહિત સાંભળ, મેં એવું જાણ્યું છે કે થાક્યા વગર જે શ્રમ કરે છે તે શ્રીમુખી, બાકી કર્મરત નાં હોય તેવો શ્રેષ્ઠજન પણ દુઃખી. આ શ્રી શબ્દ સ્ત્રી વાચક છે. શ્રી નો અર્થ થાય લક્ષ્મી. અથવા લક્ષ્મીજીનું બીજું નામ શ્રી છે, માટે શ્રી મંજુલાબેન કે શ્રી સવિતાબેન લખીએ તે બરોબર છે પણ શ્રી મગનભાઈ કે શ્રી છગનભાઈ લખીએ તે ખરેખર ખોટું છે. શ્રી. મગનભાઈ લખીએ તો બરોબર છે. શ્રી પછી પૂર્ણવિરામ મૂકવું જરૂરી છે. એટલે જે થાક્યા વગર શ્રમ કરે તેની પાસે શ્રી હોય તે સ્વાભાવિક છે. નિત્ય ગતિશીલતા જ ઇન્દ્ર્કર્મ કહેવાય માટે ચાલતા રહો ચાલતા રહો. આ ઇન્દ્ર કદી પગ વાળીને બેઠાં નથી. કાયમ યુદ્ધોમાં જ રત રહેતા. ક્યારેક અસુરોને તે ભગાડતા તો ક્યારેક અસુરો એમને ભગાડતા.

જે હમેશાં ચાલતા રહે તેને ફળફળાદિ પ્રાપ્ત થતા રહે. એના ખરાબ કામ પણ શ્રમનાં પથ ઉપર નષ્ટ થઈ જાય. અહીં ખરાબ કામ એટલે નિષ્ફળતા સમજવું બહેતર છે. કારણ દરવખતે સફળતા મળે નહિ પણ જે હમેશાં ચાલતો રહે કામ કરતો રહે તેને મળતી નિષ્ફળતા છતાં પણ કર્મ કરતો રહે, શ્રમ કરતો રહે તો એક દિવસ સફળતા મળવાની જ છે. આ ચાલતા રહેવું મતલબ કાયમ બે પગે ચાલતા રહેવું તેવો સ્થૂળ અર્થ કરવા જેવો નથી. ચાલતા રહેવું મતલબ કર્મ કરતા રહેવું. કામ કરતા રહેવું.

આપણા બાવા સમાજે ઐતરેય બ્રાહ્મણ ગ્રંથના આ મહામૂલાં ગીતની બહુ મોટી અવહેલના કરી છે. ગીતાના કર્મણ્યે વાધિકારસ્તે નહિ પણ અકર્મણ્યે વાધિકારસ્તે એ લોકોએ અપનાવ્યું છે. આ બાવાઓ કોઈ કામ કરતા નથી. કોઈ શ્રમ કરતા નથી. કોઈ પ્રોડક્ટિવ કર્મ કરતા નથી. આલસ્યશિરોમણી છે આ બાવાઓ. એમને મોક્ષ મેળવવો છે અને એના બિલ પ્રજાને માથે મારે છે. વેદિક કાળમાં બાવા સમાજ હતો જ નહિ. ગુરુઓ પત્ની અને બાળબચ્ચાં વાળા જ હતા. અરે અમુક ગુરુઓ તો એક કરતા વધારે પત્નીઓ રાખતા હતા. જ્યારે તમામ રીતે રિટાયર થઈ જવાય ત્યારે જ સંન્યાસ લેવામાં આવતો. અને તે યોગ્ય જ હતું. અત્યારે તો નાની ઉંમરમાં સંન્યાસ લઈને અકુદરતી કાર્યો કરવામાં આવી રહ્યા છે.

મૂળ તો આ પાંચ શ્લોકના ગીતનો આ ત્રીજો શ્લોક જ વધુ પ્રખ્યાત છે. બેસી રહેનારનું ભાગ્ય બેસી રહે છે. ઊભા રહેનારનું ભાગ્ય ઊભું રહે છે, સૂઈ રહેનારનું ભાગ્ય સૂઈ રહે છે અને ચાલનારનું ભાગ્ય ચાલે છે. ભાગ્યવાદે આ દેશને બહુ મોટું નુકસાન કરેલું છે. ભાગ્યમાં જે હશે તે થશે તે માનસિકતા આ દેશના વિકાસ આડે બહુ મોટી દીવાલ બનીને ઊભી રહેલી છે. ભાગ્યમાં જે હશે તે થશે અને મળશે તે માનસિકતા એ દેશને આલસ્ય શિરોમણિ બનાવ્યો છે. કામ કરવાની ક્યાં જરૂર છે? ભાગ્યમાં જે હશે તે જ મળશે.

આ શ્લોક શું કહે છે તે જુઓ? ચાલનારનું ભાગ્ય ચાલે છે. જો તમે શ્રમ નહિ કરો, કર્મ નહિ કરો તો તારું ભાગ્ય પણ આરામ કરશે. સૂતેલાનું ભાગ્ય તો સૂઈ જ રહેવાનું છે તે સ્વાભાવિક છે. પણ અમુક લોકો એવા પણ હોય છે. ઊભા તો થઈ જાય છે પણ પછી આગળ ચાલતાં ગભરાતા હોય છે. કોઈ પણ નવી જગ્યાએ જાઓ એટલે મનમાં થોડો ડર તો લાગે જ. પરિચિત વસ્તુથી આપણને કોઈ જોખમ લાગે નહિ. એવું જ કર્મનું પણ છે. કોઈ નવું કર્મ કરવું હોય તો સફળતા મળશે કે અસફળતા શું ખબર? એટલે અસફલતાનો ડર લાગતો હોય છે અને અસફળતા નાં મળે માટે આપણે કોઈ નવું કર્મ શરુ કરતા ડરીએ છીએ અને ઊભા જ રહીએ છીએ એટલે ત્યાં આપણું ભાગ્ય પણ સ્થિર ઊભું જ રહેવાનું. ઘણીવાર તો આપણે ચાલીએ ખરા પણ ત્રણ રસ્તા જો આવી ગયા તો ખલાસ. હવે કઈ બાજુ જઈશું તો સફળતા મળશે, મંજિલ મળશે ખબર નથી. એટલે ત્રણ રસ્તે ઊભા થઈ જનારા માટે ગીતમાં સંશયાત્મા વિનશ્યતિ કહેલું છે. અરે ચાલો તો ખરા લાગે કે ખોટો રસ્તો છે, તો એક તો સમજ પડી જ ગઈ કે આ લીધેલો રસ્તો ખોટો જ છે. પણ ઊભા જ રહીશું ક્યારેય પહોચી નહિ શકીએ. માટે ચરૈવેતિ ચરૈવેતિ…

આ બાવાઓએ ભારતને એમના સ્વાર્થ માટે હમેશાં ખોટું શીખવ્યું છે માટે બાવામુક્ત ભારત મારું સપનું છે. આપણા અસલી સાહિત્યને પણ સાચી રીતે શીખવ્યું નથી.

સૂતેલી અવસ્થામાં કળિયુગ છે. બેસવાની અવસ્થામાં દ્વાપર છે, ઊભા થતાં ત્રેતાયુગ બને, અને ચાલતા સતયુગ સિદ્ધ થાય છે. એક બહુ મોટી ગલત ધારણા છે કે સારો યુગ સતયુગ પૂરો થઈ ગયો. પછી દ્વાપર અને ત્રેતા પુરા થઈને હવે ખરાબમાં ખરાબ કલિયુગ આવી ગયો છે. ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ જુઓ તો પહેલા માનવી આદિમાનવ હતો ત્યારે ક્યાં આટલી સગવડ હતી? સર્વાઈવ થવા હમેશાં લડ્યા કરવું પડતું. ગુફાઓમાં રહેવું પડતું. જંગલી પ્રાણીઓનો સતત ભય. તમને ખબર છે? તાજું જન્મેલું બાળક દર બે કલાકે જાગે છે અને રડે છે? બીજું તમને પોતાને અંદાજ નહિ હોય પણ આપણે પોતે દર બે કલાકે જાગતા હોઈએ છીએ. પડખું ફેરવીને ફરી સૂઈ જતા હોઈએ છીએ. જે આપણને સવારે લગભગ યાદ પણ હોતું નથી એવું લાગે કે મસ્ત આઠ કલાકની સળંગ ઊંઘ ખેંચી નાખી છે. દર બે કલાકે જાગવાનું આપણા DNA માં છે. જ્યારે આપણે ગુફાઓમાં રહેતા ત્યારની આદત છે. ચેક કરવા કે સલામત છીએ કે નહિ? કોઈ જંગલી પશુ આસપાસ આપણો શિકાર કરવા બેઠું તો નથી ને? દર બે કલાકે જાગીને ચેક કરવાથી સર્વાઈવલ રેટ ઊંચો જાય. આ ઇન્ફર્મેશન આપણા બાળકોને DNA દ્વારા ઓટ્મેટિક મળેલી હોય છે માટે તેઓ દર બે કલાકે જાગીને રડતા હોય છે. તે સમયે ૩૦-૩૫ વર્ષથી વધારે આયુષ્ય હતું નહિ. એવરિજ આયુષ્ય તો હમણાં વધ્યું છે. મેડિકલ સાયન્સના સતયુગ દ્વારા.

આપણે ત્યાં દેવપોઢી અને દેવઊઠી અગિયારસ વચ્ચે કોઈ સારા લગ્ન જેવા કામ થતા નહિ. હજુ મોટાભાગના લોકો તે પાળે છે. આ બે અગિયારસ વચ્ચે ભયંકર ચોમાસું હોય. નદીનાળાં ઊભરાતાં હોય. રસ્તાઓ કાદવ કીચડથી ભરેલા હોય. એવામાં લગ્ન જેવા પ્રસંગ ઊજવવા કેટલી તકલીફ? સગવડો ક્યાં હતી તે સમયે? તો ખરેખર સતયુગ તો અત્યારે છે. કે માનવીએ ચાલતા રહીને નવા કર્મ કરીને, રિસર્ચ કરીને, નવી નવી શોધો કરીને સતયુગ બનાવ્યો છે. માટે ચાલો તો સતયુગ બાકી ઊંઘો તો કલિયુગ જ છે. આપણે સતયુગ પૂરો થઈ ગયો છે સમજી ચાલવાનું બંધ કરી આળસુ બની ગયા અને પશ્ચિમના લોકો ચાલી ચાલીને સતયુગમાં સરી પડ્યા. સારું છે આપણને એમની નકલ કરવા દે છે, એમની શોધેલી વસ્તુઓ વાપરવા દે છે.

ચાલતાં ચાલતાં મધ મળે છે, ચાલતાં ચાલતાં સ્વાદિષ્ટ ઉમરાનું ફળ મળે છે. સૂર્યની શોભા જુઓ કે જે ચાલવામાં ક્યારેય આળસ કરતો નથી.

આ ચાલતાં ચાલતાં મધ મળે છે તે લખવાનું ખાસ કારણ છે. ઉમરાનું ફળ તો માનો બધા ફળોનું પ્રતીકાત્મક હોઈ શકે. ખેતી કરવાનું આશરે દસેક હજાર વર્ષથી શરુ થયું છે. તે પહેલા લાખો વર્ષ સુધી માનવીનો ખોરાક માંસ અને ફળફળાદિ રહેલો હતો. માંસમાં પ્રોટીન વધુ હોય શર્કરા એમાંથી બહુ મળે નહિ. આમ તો જરૂરી શર્કરા ફળોમાંથી મળી રહે. માનવી લાખો વર્ષ લગી પ્રોટીન વધુ લેતો અને મહેનત ખૂબ કરતો માટે પાતળો અને સપ્રમાણ રહેલો છે. ખેતી શરુ થઈ ઘઉં ચોખા જેવા અનાજ ખાવાનું વધુ શરુ થયું એમાં પ્રોટીન ઓછું અને શર્કરા વધુ હોય છે. એટલે ખેતી શરુ થઈ તે પહેલા શર્કરા માટે ફળો પર વધુ આધાર રાખતો. હવે ફળો પણ બારેમાસ મળે તેવું બને નહિ. દરેકની ખાસ સિઝન હોય, પછી મળે નહિ. એટલે માનવી માટે વધારાની શર્કરા મેળવવાનું સાધન હતું મધ. આજે પણ આદિમ અવસ્થામાં જીવતા હન્ટર-ગેધરર સમાજોનો અભ્યાસ કરતાં એવું જણાયું છે કે જે પુરુષ મધ મેળવવામાં ઍક્સ્પર્ટ હોય તેને સ્ત્રી પહેલો પસંદ કરે છે. મતલબ સ્ત્રી પામવા માટે મધ પાડવામાં કાબેલ હોવું એક વધારાની ક્વૉલિટી ગણાતી. મધ પાડવા સહેલા હોતા નથી. એક તો ઝાડ પર ઊંચે ચડવું પડે અને કાતિલ ડંખ મારતી મધમાખીઓને સહન કરવી પડે. સ્ત્રી એટલાં માટે આવા મધપાડું નિષ્ણાંતોને પહેલાં પસંદ કરતી કે તેમના બાળકોને મધ ખવડાવી વધારાની શર્કરા પૂરી પાડી શકે. માટે ચાલતાં ચાલતાં મધ મળે. મધ ઘરમાં બેસી રહેવાથી મળે નહિ. અને મધ ના મળે તો સ્ત્રી મળવાના ચાન્સ થોડા ઓછા થઈ જાય. સૂરજ મહારાજ વિષે તો સહુ જાણે છે સતત ચાલતાં જ રહે છે તે નાં ચાલે તો આપણું અસ્તિત્વ જ ક્યાંથી હોય?

untitledવૈજ્ઞાનિકો માને છે, અને એમને અમુક પુરાવા મળ્યા છે તે પ્રમાણે માનવી, કોઈ કૉમન પૂર્વજોમાં કોઈ જિનેટિક ફેરફાર થવાથી લાખો વર્ષ પહેલા ચિમ્પેન્ઝી જેવા કપિમાનવ કરતા થોડો જુદો ઉત્ક્રાંતિ પામ્યો. શરૂમાં લાખો વર્ષ વૃક્ષો ઉપર જ રહ્યો. આમ તો વૃક્ષ ઉપરથી નીચે ઊતરી પાછો ઉપર ચડી જતો હશે. આવું અર્ધ વાનર અર્ધ માનવ જેવું લગભગ ૩૦ લાખ વર્ષ જૂનું ફોસિલ આફ્રિકામાંથી મળેલું જ છે. પણ આવા આપણા પૂર્વજોનાં એકાદ જુથે પાછું વૃક્ષ પર રહેવા જવાના બદલે જમીન પર રહેવાનું નક્કી કર્યું હશે. પછી ખોરાક અને સલામત રહેઠાણની શોધમાં આગળ વધવાનું ચાલુ કર્યું હશે. ત્યારથી આ ચરૈવેતિ ચાલુ થયું છે. જો આપણા એ પૂર્વજો વૃક્ષ ઉપરથી હેઠાં ઊતર્યા જ નાં હોત તો આજે આપણે આફ્રિકામાં કોઈ ઝાડ ઉપર હુપાહુપ કરતા હોત.

વૈજ્ઞાનિકો માને છે કે શરૂઆતના હજારો વર્ષ દરમ્યાન માનવી દર વર્ષે આશરે એક માઈલ આગળ ધપ્યો છે. આમ તો ખોરાક અને શિકારની શોધમાં માનવી માઈલો સુધી રોજ દોડતો જ હતો. બીજા પ્રાણીઓ ભલે માનવી કરતા વધુ તેજ ગતિએ દોડતા હશે પણ સતત એકધારું લાંબું દોડવાની ક્ષમતામાં માનવી બહુ આગળ છે. શિકારી પ્રાણીઓ વાઘ, વરુ કે ચિત્તા ઝડપી ખરા પણ થોડા મીટર પછી એમની શક્તિ ખલાસ થઈ જાય. આમ માનવી રોજ માઈલો સુધી દોડતો હશે પણ પાછો ઘેર આવી જતો હશે. પણ વસવાટ માટે માનવી વર્ષે એક માઈલ આગળ વધ્યો છે તેવું વૈજ્ઞાનિકો માને છે. આમ આફ્રિકામાં ઉત્ક્રાંતિ પામેલો માનવી મિડલ ઇસ્ટ થઈ પહેલો ભારતમાં આવી ગયેલો અને સીધો દરિયા કિનારે કિનારે આફ્રિકા જેવું લગભગ હવામાન ધરાવતા દક્ષિણ ભારત પહોચી ગયેલો. ત્યાંથી પૂર્વોત્તર ભારત થઈ ઇન્ડોનેશિયા પહોંચી ગયેલો., અને ત્યાંથી પછી ઓસ્ટ્રેલીયા. બીજી કોઈ ટુકડી મધ્ય એશિયા થઈને યુરોપ પહોચી પણ ઓસ્ટ્રેલીયા કરતા માનવી યુરોપમાં બહુ મોડો પહોંચેલ.

માનવી વૃક્ષ પરથી હેઠે ઊતર્યા પછી સતત ચાલતો જ રહેલો છે. ચાલતા રહેવું આપણા DNA માં જ છે. આજે પણ જ્યારે કોઈ મૂરખ એવું કહે કે તમે પરદેશ કેમ ગયા છો? ત્યારે મને તેના અજ્ઞાન ઉપર દયા આવે છે. અરે મૂરખ તારા બાપદાદાએ ચાલતા રહેવાનું રાખ્યું જ નાં હોત તો તું હજુ આફ્રિકામાં કોઈ ઝાડ પર હુપાહુપ કરતો હોત.

નોંધ :- પ્યારા મિત્ર ડૉ હિતેશ મોઢાનો ખાસ આભાર માનવાનો કે જેઓએ ઉપરના ઐતરેય બ્રાહ્મણનાં શ્લોકનું સરળ ગુજરાતી ભાષાંતર ઉપલબ્ધ કરાવી આપ્યું.

 

 

 

 

પશ્ચિમના ડે અને તહેવારો પ્રત્યે કકળાટ શાને?

images65W0PFCT પશ્ચિમના ડે અને તહેવારો પ્રત્યે કકળાટ શાને?

મધર્સ ડે, ફાધર્સ ડે, વૅલન્ટાઇન ડે, ટીચર્સ ડે જેવા અનેક દિવસો પશ્ચિમના જગતમાં ઊજવાય છે, જે હવે ભારતમાં પણ ઉજવવાનું શરુ થઈ ગયું છે. પશ્ચિમના ક્રિસમસ જેવા તહેવારો પણ આપણે ઊજવવા લાગ્યા છીએ. દુનિયા હવે નાની થતી જાય છે. પહેલાં તો મુંબઈ કોઈ કમાવા જાય તો પણ વિદેશ ગયા હોય તેવું લાગે. મારું બચપણ વિજાપુરમાં બારોટવાસમાં ગુજરેલું. અમારા વિજાપુરના ઘણા બારોટો મુંબઈમાં ધંધોપાણી કરતા. વર્ષમાં એક વાર એકાદ મહિનો ઘેર આવતા. જાણે વિદેશથી કોઈ મહેમાન આવ્યા હોય તેવો એમનો ઠાઠમાઠ રહેતો. ટૂંકમાં મુંબઈ તે સમયે વિદેશ ગણાતું. પણ હવે સવારે મુંબઈ જઈ રાત્રે ઘેર આવવું હોય તો આવી જવાય. ટૂંકમાં દુનિયા હવે બહુ નાની થતી જાય છે. હું વિજાપુર રહેતો ત્યારે ભાદરવા મહિનામાં ગણેશ ચતુર્થી આવતી ત્યારે મારા મધર લાડુ બનાવતા. બાકી એનો કોઈ ઉત્સવ જોવા મળતો નહિ. પહેલીવાર દસમાં ધોરણ પછી ૧૯૭૧માં અગિયારમાં ધોરણમાં વડોદરા ભણવા આવ્યો ત્યારે ગણેશોત્સવ જોયો. ત્યારે અચરજ પામેલો. હવે ગણેશોત્સવ આખા ગુજરાતમાં ફેલાઈ ગયો છે. મને ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાતમાં ઉતરાણ પર પતંગ ચગાવવાનું જોર હતું તેટલું સૌરાષ્ટ્રમાં નહોતું. સ્કૂલમાં ૨૫ ડિસેમ્બર નાતાલની રજા પડતી એટલી મજા, બાકી ક્રિસમસ એટલે શું કોણ જાણે?

ટૂંકમાં તહેવારો ઊજવવા એમાં ખોટું શું છે? આપણે ઉત્સવ ઘેલા છીએ જ એમાં જેના મૂળ ઉત્સવ હોય તે લોકો શું કરે? હવે મહારાષ્ટ્રીયન ભાઈઓ તમને થોડી ના પાડવાના હતા કે ગણેશોત્સવ અમારો તહેવાર છે તમે ગુજરાતીઓ મનાવશો નહિ? એમ હવે તમે ક્રિસમસ મનાવો કે પશ્ચિમના બધા ‘ડે’ મનાવો તો પશ્ચિમના લોકો થોડા મનાઈહુકમ મેળવશે? ગણેશોત્સવ મનાવવાથી જેમ ગુજરાતી અસ્મિતાનો નાશ નથી થઈ જતો તેમ ક્રિસમસ મનાવવાથી ભારતીય સંસ્કૃતિનો નાશ કઈ રીતે થઈ જાય? દરેક સંસ્કૃતિમાં જે તે વરસના અંતે એક તહેવાર મનાવવો જોઈએ એ બહાને ઘરમાં સાફસફાઈ થઈ જાય, જુના વરસની વિદાય અને નવા વરસને આવકારો અપાઈ જાય તેવા રિવાજ હોય જ છે. હવે વરસના અંતે બે વાર એવી ઉજવણી જરૂરી નથી હોતી અને કરો તો પણ તમારા ખર્ચે અને જોખમે કરો એમાં બીજાને શું? પશ્ચિમના લોકો વરસના અંતે ક્રિસમસ મનાવે પછી દિવાળી નો મનાવે. કદાચ ડિપ્લોમસી તરીકે કોઈ મનાવતું હોય તો હાજર રહે પણ ખરા. પણ તમને વરસના અંતે બે તહેવાર ઊજવવા જ હોય તો ઊજવો.

પશ્ચિમના લોકો આપણને જરાય ફરજ પાડતા નથી કે તેમના ‘ડે’ અને તહેવારો ઊજવો. આપણે જે ઊજવીએ છીએ તે આપણી મરજીથી ઊજવીએ છીએ. પણ જ્યારે જ્યારે આવા તહેવારો કે દિવસો ભારતમાં ઊજવાય ત્યારે એક બહુ મોટો વર્ગ એનો વિરોધ કરવા નીકળી પડે છે. આપણા ઘરનો છોકરો પાડોશીના છોકરા જોડે ઝગડી પડે ત્યારે આપણા છોકરાનો વાંક હોય છતાં આપણને પાડોશીના છોકરાનો જ વાંક દેખાય તેવું આમાં પણ છે. પશ્ચિમના તહેવારો ઊજવીએ છીએ આપણે પણ ગાળો ખાય છે પશ્ચિમના લોકો. એક મિત્રે લખ્યું કે મૂળ અમેરિકન આદિવાસીઓ હતા ત્યાં કોઈ સંસ્કૃતિ જ નહોતી. માયા, એઝટેક અને ઇન્કા નામની ગ્રેટ સંસ્કૃતિઓ ત્યાં હતી. ઈજીપ્ત જેવા પિરામિડ પણ આ લોકોએ બનાવેલા છે. ત્યાર પછી યુરોપિયન આવ્યા તો તેઓ પોતપોતાની સંસ્કૃતિઓ સાથે લઈ ને જ આવ્યા હોય તે સ્વાભાવિક છે.

માતૃદેવો ભવઃ અને પિતૃદેવો ભવઃ કહેનારા દેશમાં નદીઓ અને ગાયોને પણ માતા માનીએ છીએ, છતાં આપણી નદીઓ અને ગાયોનો શું હાલત છે તે સહુ સારી રીતે જાણે છે. પ્લાસ્ટિક ખાઈને પેટ ભરતી ગાયો અને માતા ગંગાનું પાણી પીવા તો ઠીક સ્નાન કરવા લાયક પણ નથી એવો સરકારી રિપોર્ટ છે. માતૃદિવસનાં દિવસે અહીં જાણે કોઈ ખરાબ કામ થતા હોય તેમ લોકો વખોડવા બેસી જાય છે. આ દિવસે માતાને કાર્ડ આપશે, ફૂલ આપશે, અને બહાર જમવા લઈ જશે. એમાંનું થોડું આપણા યુવાનો કરે તો એમાં ખોટું શું છે? રોજ રોજ તો તમે માળા લઈને માતૃદેવો ભવઃ રટવા બેસવાના નથી. આખો દિવસ તો માતાના પગ આગળ બેસી રહેવાના નથી ભક્તિભાવથી તરબતર થઈને… એનું ઋણ ચૂકવવા કે એનો આભાર વ્યક્ત કરવા એકાદ દિવસ એને કામકાજમાં રજા આપી જમવા બહાર લઈ જાઓ તો એમાં ખોટું શું છે? આપણે માતૃદેવો ભવઃ કહીને માતાને ૨૪/૭/૩૬૫ કામકાજ કરવા દઈએ છીએ કોઈ દિવસ રજા આપતા નથી. આમ તો તમે માનો છો કો પશ્ચિમના લોકો પાપી છે કોઈ રિલેશનમાં માનતા નથી તો મધર ડે મનાવી માતાનું બહુમાન આ પાપીયા કરે છે તો આપણે ખુશ થવું જોઈએ કે ના આ લોકોમાં પણ થોડું હૃદય જેવું છે.

એવું નથી હોતું કે આપણી સંસ્કૃતિ તદ્દન ખરાબ હોય કે મહાન જ હોય તેમ પશ્ચિમની સંસ્કૃતિ પણ તદ્દન ખરાબ કે મહાન હોય. દરેકમાં પોતપોતાની ખામીઓ અને ખૂબીઓ હોય જ છે. પણ આપણા લેખકો, પત્રકારો સામાન્ય લોકોને ખોટેખોટું લખીને ગેરમાર્ગે દોરતા હોય છે. અને લખેલું વંચાય તેમ સામાન્ય જન લખેલું સાચું માની લેવા ટેવાયેલા હોય છે. એમને એવું જ હોય કે કોઈ લેખક લખે એટલે તે સાચું જ હોય. બુદ્ધિશાળી લોકો પણ બહુ વિચારતા હોતા નથી અને સાચું માની લેવા ટેવાયેલા હોય છે. એક સીધો સાદો સાચો દાખલો આપું. એક ફેમસ ગુજરાતી ન્યૂઝ પેપરના એક કોલમ લેખકે લખ્યું કે ઈન્દીરા ગાંધી અને એમના પતિ ફિરોઝ ગાંધી એટલાં માટે છૂટા પડ્યા કે ફિરોઝ ગાંધી અને એમની સાસુ કમલા નહેરુ મતલબ ઇન્દિરાના માતા વચ્ચે પ્રેમ સંબંધ ચાલતો હતો અને તે ઈન્દીરા કોઈ સમયે જોઈ ગયેલા. સાસુ જમાઈ વચ્ચે પ્રેમ સંબંધની વાત વાંચી મારા એક બહુ સારા મિત્ર જેઓ પોતે લેખક છે તે સાચું માની ગયા અને એમણે પ્રતિભાવ આપ્યો કે મોટા લોકોનાં મોટા પોલ હોય. મેં એના વિષે આખો આર્ટિકલ લખીને મારા બ્લોગમાં મૂક્યો. સત્ય એ છે કે કમલા નહેરુના મરી ગયા પછી દસ વર્ષ પછી ઈન્દીરા અને ફિરોઝ ગાંધીના લગ્ન થયેલા.

‘કર્મનો નિયમ’ લખીને ફેમસ થઈ ગયેલા હીરાભાઈ ઠક્કર નામના લેખકે એમના ‘મૃત્યુનું મહાત્મ્ય’ નામના બીજા પુસ્તકમાં બહુ મોટું ગપ્પું મારેલું કે અમેરિકામાં લોકો ઘરડા થાય એટલે માથામાં ગોળી મારીને મારી નાખે અથવા ઝેર આપીને મારી નાખે આને મર્સી કિલિંગ કહેવાય. હવે જે લોકો ભક્તિભાવથી હીરાભાઈને વાંચતા હોય તેમના મનમાં એવી જ છાપ પડે કે અમેરિકન એટલે ક્રૂર ઘરડા લોકોને મારી નાખે. એના વિષે પણ મેં એક આખો લેખ લખીને મારા બ્લોગમાં મૂકેલો કે મર્સી કિલિંગ કોને કહેવાય. અમેરિકા વિષે કે પશ્ચિમની સંસ્કૃતિ વિષે તદ્દન ખોટું ચિત્રણ આપણી સામે થતું હોય છે. અમેરિકનો એટલે ક્રૂર, સેક્સ મેનીયાક, અમેરિકામાં તો રસ્તે જનારને પણ સેક્સ કરવા વિષે બેધડક પૂછી શકાય. અમેરિકામાં તો ગમે તેની સાથે ગમે ત્યારે હાલતા ચાલતા રસ્તે ગમે ત્યાં સેક્સ કરી શકાય. લોકો સાવ નાગા કપડા પહેર્યા વગર જ ફરતા હશે. અમેરિકન સ્ત્રીઓ જાણે તમારા પૂછવાની રાહ જોતી હોય કે પૂછો એટલે તરત નાગલી થઈ ને તમારી સાથે સૂઈ જાય. અમેરિકામાં તો છોકરા ૧૫ વર્ષે ઘર છોડી બહાર જ જતા રહે. નાં જાય તો માબાપ જ કાઢી મૂકે.

સત્તાવાર રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં ચાર મિલયન એટલે ૪૦ લાખ લોકો સંયુક્ત કુટુંબમાં રહે છે જેમાં આશરે ત્રણ જનરેશન જોડે રહેતી હોય છે. ભણવામાં રસ નાં ધરાવતા હોય તેવા છોકરા ૧૭-૧૮ વર્ષે જૉબ પર લગી જતા હશે. એમાંના પણ બધા પોતાના ઘર છોડી દેતાં નથી. અમેરિકાની હજારો યુનિવર્સિટીઓમાં ભણતા લાખો છોકરાંઓનાં ભણવાના તોડી નાખે તેવા ખર્ચા માબાપ વેઠતા જ હોય છે. ૧૭ વર્ષે ઘર છોડી નોકરી કરી તમે જાતે ભણી ના શકો. આઠ કલાક નોકરી કરો તો ભણો ક્યારે? અને પાર્ટ ટાઈમ નોકરી કરો તો તેટલી આવકમાં શું ભણો? ફૂલ ટાઈમ ભણો તો જ સરકારી આર્થિક સહાય મળે છે. હવે ફૂલ ટાઈમ ભણો તો ચાલો ભણવા માટે આર્થિક સહાય મળે તો ખાવા પીવાનું શું? આર્થિક સહાય માટે પણ અમુક ધારાધોરણ જોઈએ. નહિ તો વર્ષે ૨૦-૪૦ હજાર ડોલર્સ ફી ભરીને ભણવું પડે. ટૂંકમાં માબાપની સહાય હોય જ છે નહિ તો અમેરિકાની તમામ કૉલેજો આપણે માનીએ છીએ તેમ હોય તો બંધ કરી દેવી પડે. ભણવામાં બિલકુલ રસ નાં હોય તેવા છોકરા અહીં બેસી રહી માબાપ ઉપર બોજ બનતા નથી જૉબ પર લાગી જતા હોય છે, તો એમાં ખોટું શું છે?

૧૭ વર્ષે જે દેશના તમામ છોકરાં ઘરબાર છોડી સ્વછંદ બની જતા હોય તો એ દેશ આજે વિજ્ઞાનમાં સર્વોચ્ચ બની મહાસત્તા બની જ કેવી રીતે શકે? સ્વચ્છંદતાની આપણી વ્યાખ્યા જ અલગ છે. બીચ ઉપર બીકીની પહેરીને ફરતી છોકરીમાં આપણને સ્વછંદતા લાગે કારણ આપણે બંધ બાથરૂમમાં પણ કપડા પહેરીને સ્નાન કરવાવાળી પ્રજા છીએ. અહીં બીચ ઉપર ૨૦ વર્ષની યુવાન બીકીની પહેરેલી દીકરી અને ૪૦ વર્ષની લગભગ યુવાન જ દેખાતી બીકીની પહેરેલી પત્ની જોડે ૪૨ વર્ષનો અમેરિકન પુરુષ આરામથી ફરતો જોઈ આપણા ભવાં ચડી જાય. સાલા, નફ્ફટ, નાગા, બેશરમ નરકમાં જવાના એવા વિચારો આવી જાય. આ આપણા ચશ્માં છે. આપણે અંધારી રાત્રે પણ ચશ્માં પહેરીને ફરીએ તો પછી શું દેખાય?

આપણો જીવનને જોવાનો અને મૂલવવાનો નજરિયો જ અલગ છે. આપણા ૮૦ વર્ષના માબાપ એમના ૬૦ વર્ષના દીકરા જોડે એવી જ અપેક્ષા રાખતા હોય કે તે હંમેશા એમને પૂછી ને જ પાણી પીવે. આપણે મરીએ ત્યાં સુધી આપણા સંતાનોને સ્વતંત્રતા આપવા ઇચ્છતાં હોતા નથી. છોકરાઓ એમની વૈચારિક સ્વતંત્રતા આપણી પાસેથી છીનવી લે ત્યારે નાં છૂટકે જ આપીએ તે પણ કેટલુંય ખોટું લગાડીને. એનો વસવસો તો મરીએ ત્યાં સુધી રહે કે છોકરાએ મારું કહ્યું માન્યું નહિ. પશ્ચિમનો નજરિયો અલગ છે. ૧૮ વર્ષના સંતાનને માબાપ સ્વતંત્રતા આપે છે. તો સંતાનો પણ માબાપની જીંદગીમાં દખલ કરતા નથી. માબાપ પણ કોઈ ભગવાન નથી આખરે મનુષ્ય જ છે. એમના પણ ગમા અણગમા હોય, અરમાન હોય, આશાઓ હોય, પોતીકી લાગણીઓ હોય, લાગણીઓના ચડાવ ઉતાર હોય. આપણે સ્વતંત્રતા ભોગવી હોતી નથી એટલે જરાપણ સ્વતંત્રતા જ્યાં દેખાય તરત એમાં સ્વચ્છંદતા જોવા ટેવાઈ ગયા છીએ.

અહિ બસ કે ટ્રેનમાં ગમે તેટલી ભીડ હોય કોઈ એક બીજાને ટચ કરે નહિ, કે છાપા નીચેથી હાથ સરકાવી બાજુમાં બેઠેલી છોકરીને કોઈ અડપલાં કરતું નથી. અહિ સેક્સુઅલ હેરેસમેન્ટ માટે સખત કાયદા છે. ઑફિસમાં મહિલાઓને કે પુરુષોને પણ એની મરજી વગર હાથ લગાવાય નહિ. એના ખભે હાથ ફેરવી લેવાય નહિ. નાના છોકરાનું કે છોકરીનું જાતીય શોષણ કર્યું હોય જે તે સમયે તેને ભલે સમજ પડી નાં હોય પણ મોટું થઈને તે કેસ કરી શકે છે અને તમને જેલમાં ચક્કી પીસિંગ એન્ડ પીસિંગ કરાવી શકે છે. એમાં ન્યુયોર્કની કોઈ સ્કૂલમાં ભણાવતી પંજાબી મહિલા ટીચર હાલ જેલમાં છે. હમણાં અહિ એપ્રિલ સુધી બરફ પડ્યો છે. લગભગ આઠેક મહિના પુરા કપડા પહેરવા પડે નહીં તો ચામડી ફાડી નાખે તેવું હવામાન હોય છે માટે અહિ આઠ મહિના તો કોઈ નાગું ફરતું નથી, ચિંતા કરશો નહિ. મેં અને સપ્ટેમ્બરમાં પણ નાગા ફરાય તેવું વાતાવરણ હોતું નથી. જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં લોકો સૂર્યનો તાપ જેટલો લેવાય તેટલો ચામડી દ્વારા લઈ લેવો તે ન્યાયે ઓછા કપડા પહેરે છે પણ સાવ નાગા નથી ફરતા.. ઓફિસોમાં અને કંપનીઓમાં તેમના પ્રોટોકૉલ મુજબ કપડા પહેરવા પડતા હોય છે.

પશ્ચિમના કલ્ચરમાં ખામીઓ છે નહિ તેવું પણ નાં હોય. ખામીઓ બધે જ હોય છે. કોઈ પૂર્ણ તો હોતું નથી. એમાં તો એની ખૂબી છે. પણ આપણે ધારીએ છીએ તેટલું ખરાબ પણ નથી. અહીં પણ માનવો જ રહે છે. અહીં પણ માબાપ પોતાના સંતાનો માટે સેક્રીફાઈસ કરે જ છે. અહિ પણ સંતાનો વૃદ્ધ માબાપની કાળજી રાખે છે. અહિ પણ ૩૦-૪૦ વર્ષથી એકની એક પત્ની સાથે કે પતિ સાથે જીવતા લોકો મેં જોયા છે. મારો સુપરવાઈઝર જુલિયસ ૨૦ વર્ષે પરણી ગયેલો આજે ૬૫નો હશે પણ હજુ બંને સાથે જ છે. આવા તો અનેક દાખલા છે. છતાં ભારત કરતા ડિવોર્સનું પ્રમાણ ચોક્કસ વધારે છે.

જે NRI દેશમાં આવીને અમેરિકા વિષે ખોટું ચિત્રણ કરે છે તેમની માનસિકતા વર્ષો પહેલા ભારત છોડી આવ્યા હોય ત્યાં જ અટકી ગયેલી હોય છે. એમનો હેતુ ફક્ત કમાવા પૂરતો જ હોય છે. ૩૦-૪૦ વર્ષ પહેલા દેશ છોડીને ભલે આવ્યા હોય ૩૦-૪૦ વર્ષ પહેલાની માન્યતાઓ એમની સાથે એની એજ જરાય બદલાયા વગરની હોય છે. એમની જોડે ડોલરની લીલી નોટો જોવાની જ દ્ગષ્ટિ બચી હોય છે. અહીંના સમાજ જીવન વિષે કે કલ્ચર વિષે અભ્યાસ કરવાની કે નિષ્પક્ષ જોવાની એમની પાસે કોઈ દ્ગષ્ટિ હોતી નથી, કે એવી એમને કોઈ જરૂર હોતી નથી કે એવી કોઈ પળોજણમાં પડતા જ નથી. એનાં એજ ટીલા ટપકા, એના એજ ગુરુઓ પાછળ દોટો મૂકવાની, એના એજ મંદિરો, એના એજ હજારો વર્ષ જૂની માન્યતાઓ અને પરમ્પરાઓ, એની એજ અંધશ્રદ્ધાઓ, એની એજ અવૈજ્ઞાનિક માન્યતાઓ, એના એજ સંસ્કૃતિ અને સંસ્કારની ગાથા ગાયે રાખવાની ટેવ, કોઈ જ બદલાવ નહિ. આવા અબુધ પૈસાદાર લોકો દેશમાં આવીને અહીંના અસલ ચિત્ર કઈ રીતે દોરવાના હતા?

આપણા બુઢા ખૂસટ લેખકોને પણ ખબર છે કે ભારતીયોને સંસ્કૃતિ અને સંસ્કારની દુહાઈ દો એટલે ભયો ભયો. તેઓને આ વિક પોઇન્ટ ખબર છે માટે તરત લેખ ઘસડી નાખશે. પશ્ચિમને થોડું ભાંડી નાખો એજ યુજુઅલ ભારતીયો ખુશ થઈ જવાના, આપણો ટી આર પી જળવાઈ જવો જોઈએ. લેસ્લીએ ડોક્યુમેન્ટરી બનાવી ભાંડી નાખો પશ્ચિમને, દીપિકાએ મારી મરજી કહ્યું ભાંડી નાખો પશ્ચિમને, બિહારમાં પરીક્ષાઓમાં થતી ચોરીઓના ફોટા વિદેશમાં પહોચ્યા ભાંડી નાખો પશ્ચિમને. કેટલાક યુવાનોએ મધર્સ ડે, ફાધર્સ ડે, વૅલન્ટાઇન ડે, ટીચર્સ ડે ઊજવ્યા ભાંડી નાખો પશ્ચિમને.

યુવાનોને વખોડ્યા વગર, પશ્ચિમને વખોડ્યા વગર આપણી પાસે જે જે તહેવારો છે તેને અપડેટ કરવા જોઈએ. આપણી પાસે ગુરુ પૂર્ણિમા છે જ. એ દિવસે ગુરુ ઘંટાલો પાછળ દોટો મૂકવાને બદલે યુવાનોને ટીચર્સ ડે ઊજવવા પ્રેરિત કરવા જોઈએ તો ફરી બીજો ટીચર્સ ડે ઊજવવા નહિ દોડે. આજના યુવાનને એના ટીચર્સમાં શ્રદ્ધા હશે તેટલી તમારા ટીલા ટપકા કરેલા પૈસા પડાવતા અવૈજ્ઞાનિક વાતો કરતા ગુરુ ઘંટાલ પ્રત્યે નહિ જાગે. પણ તમારે આવા લુચ્ચા ગુરુઓ પાછળ દોટો મૂકવી છે અને છોકરાને ટીચર્સ ડે ઊજવવા દેવો નથી. વસંત પંચમીને અપડેટ કરો વૅલન્ટાઇન ડે નહિ મનાવે. નવરાત્રિમાં કાલ્પનિક પ્રતીકાત્મક માતાઓ સાથે ઘરની અસલી માતાઓનું પૂજન કરવાનું શીખવો મધર્સ ડે નહિ મનાવે. પિતાજી તો મૂંગામંતર બલિદાન આપવા માટે જ હોય છે એમનો કોઈ દિવસ છે નહિ. દિવાળીને અપડેટ કરો. યુવાનોને સમજાવો કે વર્ષના અંતે દિવાળી અને ક્રિસમસ જેવા બે તહેવાર એક જ ટાઈપનાં જરૂરી નથી. દિવાળીમાં ક્રિસમસનો ચાર્મ ઉમેરો, થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરનું થ્રિલ ઉમેરો તો ફરી ક્રિસમસ ઊજવવા કોઈ તૈયાર નહિ થાય. આપણી પાસે પશ્ચિમ કરતા વધુ તહેવારો છે. છતાં આપણા તહેવારોમાં કશું ખૂટે છે, કશું નવું માંગે છે આજના યુવાનો. એટલે પશ્ચિમના તહેવારો તરફ દોટ મૂકે છે.

આપણે તહેવારોને તહેવારો રહેવા દીધા નથી ધાર્મિક મેળાવડા બનાવી દીધા છે. યુવાનોને ઇનોસન્ટ આનંદ માણવો હોય છે.    Mothers-Day-DP-For-Facebook

તકલીફદેહી તહેવારો

તકલીફદેહી તહેવારોimagesF9MJY4ZL

 

તમે સવારે ઉઠો, નિત્યક્રમ પતાવો, કામ પર જાઓ, સાંજે પાછા આવો, ખાઈ પીને સુઈ જાઓ. બીજા દિવસે ફરી પાછું એજ રૂટીન. આ ઘરેડ કંટાળાજનક હોય છે. એકધારાપણું જીવનમાં બોરડમ લાવે છે. માણસનું મન હમેશા કઈક નવું શોધતું હોય છે. રોજ નવું કરવું તે પણ ઘરેડ બની જતા વાર લાગે નહિ. એટલે વરસમાં વચ્ચે વચ્ચે આવતા તહેવારો આ કંટાળાજનક ઘરેડને તોડી ને જીવનમાં ઉલ્લાસ લાવતા હોય છે. તહેવારો જરૂરી છે. મોટાભાગે તહેવારો સમુહે મેળવેલા કોઈ વિજયની યાદગાર ઉજવણી હોય છે. જુના વર્ષની વિદાય અને નવા વર્ષના આગમનની ઉજવણી હોય છે. હોળી જેવા તહેવાર શિયાળાની કાતિલ ઠંડીને વિદાય દેવાની રીતરસમ હોય છે. હોળી જેવા તહેવાર જુદા સ્વરૂપે બીજા દેશોમાં પણ ઉજવાય છે. એમાં સ્વાભાવિક પ્રહલાદ કે હોલીકાની ગેરહાજરી હોય છે. આમ વખતો વખત આવતા તહેવારો જીવનમાં ઉમંગ ઉત્સાહ અને આનંદ ભરી દેતા હોય છે.

પણ આપણે તહેવારોને તમાશા બનાવી દીધા છે. તહેવારોને ધર્મના બહાને તકલીફદેહી બનાવી દીધા છે. આપણું મનોરંજન બીજા માટે ત્રાસદાયક બની જાય તે સર્વથા અયોગ્ય જ કહેવાય. બે તહેવારો વચ્ચે એક પુરતો ગાળો હોવો જોઈએ એના બદલે તહેવારોની શ્રુંખલા એક પછી એક ચાલુ જ હોય છે. તહેવારોની શ્રુંખલા વધતી જાય એટલે ઘરેડ બનતા વાર લાગે નહિ. કંટાળાજનક ઘરેડમાંથી મુક્ત થવા રોજ નવું નવું શોધવાનું. હમણા ગણેશોત્સવ ચાલી રહ્યો છે તે હવેગણપતિ વિસર્જન સાથે પૂર્ણ થશે. અમે નાના હતા ત્યારે ગણપતિ ચતુર્થી આવીને જતી રહેતી ખબર પણ નહોતી પડતી. જન્માષ્ટમી નો મેળો માણી સીધી નવરાત્રી માનવતા. ગણેશોત્સવ મહારાષ્ટ્રમાં પણ એટલો પ્રાચીન નથી. હા લોકો એમના ઘેર ગણપતિ સ્થાપન જરૂર કરતા, પણ આવો જાહેર દેખાડો નહોતો. ગુજરાતમાં તો ઘેર ગણપતિ સ્થાપન પણ કોઈ નહોતું કરતુ. મહારાષ્ટ્રમાં લોકમાન્ય તિલકે આ જાહેર ઉત્સવ શરુ કરેલો ત્યારે એક જાતનું શક્તિ પ્રદર્શન જ હતું. ગુજરાતમાં ખાલી વડોદરા શહેરમાં જ ગણેશોત્સવ થતો હતો, કારણ મહારાષ્ટ્રમાં શરુ થયેલો આ ઉત્સવ મહારાષ્ટ્રિયન પ્રજા માટે ખાસ હતો અને વડોદરામાં મહારાષ્ટ્રિયન વસ્તી વધુ છે. જેમ કે ગુજરાતી ગમે ત્યાં જાય એમનો ગરબો જોડે લઈ જ જવાના. એ ન્યાયે ખાસ મહારાષ્ટ્રમાં ઉજવાતો આ તહેવાર વડોદરામાં વધુ પ્રચલિત હતો પુરા ગુજરાતમાં નહિ. હું વડોદરા ભણવા આવ્યો ત્યારે પહેલીવાર મેં ગણેશોત્સવની મજા માણી. ખેર તહેવારો મનાવવામાં કશું ખોટું નથી પણ તે ઉજવાતા બીજી સામાન્ય પ્રજાને તકલીફમાં મુકવી તેવું કોણે કહ્યું?

images20ODUUKRબીજાની ફિકર કરવી આપણી ફિતરતમાં જ નથી. અહી એમ્બુલન્સ આગળ કોઈ બેફિકરાઈથી પોતાની કાર પાર્ક કરીને ચાલ્યો જતો હોય છે. એને એટલી ચિંતા નથી હોતી કે એમ્બ્યુલન્સને ગમે તે સમયે દોટ મુકવી પડે. અરે રસ્તે જતી એમ્બ્યુલન્સને રસ્તો સાફ કરી આપવાની પણ કોઈ દરકાર કરતુ નથી. ગણેશોત્સવ વખતે દુકાનદારોનું લગભગ આવી જ બને. પોતાને પૈસે તો આવા ઉત્સવ ઉજવાય નહિ. એટલે ચાલો દુકાનદારો પાસે ફંડફાળો ઉઘરાવવા. મેં પોતે જોયું છે કે એક દુકાનદાર પાસે દસ ગણેશમંડળ વાળા ફાળો ઉઘરાવવા આવી જાય. ના પાડવાનો સવાલ જ નહિ, દાદાગીરીથી ફાળો ઉઘરાવાય છે તે મેં જાતે જોએલું છે. વડોદરામાં ગણેશ વિસર્જન વખતે આખા ગુજરાતની પોલીસ ઠલવાઈ જતી. હવે આ ઉત્સવ બીજા શહેરોમાં પણ ફેલાયો છે. તમામ જાતના પ્રદૂષણો આવા ઉત્સવો વખતે ફેલાતા હોય છે આમાં ધરમ અને ભક્તિ ક્યા આવી?

ધરમની વ્યાખ્યા આપણે ત્યાં સાવ છીછરી થઈ છે. લોકો તમાશાને ધરમ સમજી બેઠા છે. જો આપણે દલીલ કરીએ તો સુજ્ઞ જનો તરત ઉકળી ઉઠશે કે ધરમ કાઈ આવું બધું શીખવતો નથી. પણ સામાન્યજન માટે તો આજ ધરમ છે. આવા તમાશા જ્ ધર્મ છે એનું શું? હવે નવરાત્રી આવશે અને પછી તરત દિવાળી. ઘણીવાર એવું થાય કે આ પ્રજા પાસે કોઈ કામ ધંધો છે કે નહિ? તહેવાર વગરનો એક મહિનો કોરો જાય નહિ. નવા વર્ષના આગમન નિમિત્તે ઉજવવા જેવો દિવાળીનો તહેવાર આવતા આવતા તો હાંફી જવાય. આપણે અંગતરીતે ઉજવવા જેવા તહેવારોને પણ જાહેર ઉત્સવ બનાવી દેતા હોઈએ છીએ. અહી અમેરિકામાં મેં જોયું છે ક્રિસમસ, ૩૧ ડીસેમ્બર અને ન્યુ યર જેવા તહેવારોમાં રસ્તા સુમસામ કોઈ ટ્રાફિક નહિ. લોકો પોતાના ફેમીલી અને મિત્રો સાથે ઘરોમાં પુરાઈને પાર્ટી કરતા હોય છે જ્યારે આપણે ત્યાં લોકો ઘરમાં ફેમીલી સાથે ઉજવવાને બદલે રોડ રસ્તા પર ઉતરી આવતા હોય છે. વર્ષમાં એક બે તહેવારો જાહેરમાં ઉજવાય તેમાં ય કશું ખોટું નથી પણ તમામ તહેવારોને જાહેર તમાશા બનાવી દેવા તેવું કોણે કહ્યું?

દિવાળીમાં મને યાદ છે પોળના અમુક બદમાશ પરપીડન વૃતિ ધરાવતા લોકો રોકેટ જેવા જોખમી ફટાકડા હવામાં આકાશ તરફ જાય તે રીતે નહિ પણ આડા ગોઠવીને કોઈના ઘરમાં ઘુસી જાય તેમ મુકીને ફોડતા. એમાંથી જગડા શરુ થતા. તહેવારો આનંદપ્રમોદ માટે મનાવવાના હોય કે કોઈને તકલીફ આપી એમાંથી આનંદ મેળવવાનો? ઘરોમાં ગમે તેટલા બારી બારણાં બંધ રાખો ધુમાડાથી ઘર ભરાઈ જાય શ્વાસ લેવાની તકલીફ થઈ જતી. કાન ફાડી નાખે તેવા માઈક વાગતા હોય. ધાર્મિક લાગણી દુભાઈ જાય એટલે પોલીસ કોઈ પગલા લે નહિ. બીમાર માણસની તો વાટ જ લાગી જાય. દિવાળી પહેલા એર પોલ્યુશન ઓછું હોય છે જે ફટાકડા ફૂટવાનું શરુ થાય તેની સાથે વધવા લાગે છે પણ આતશબાજી બંધ થયા પછી ૨૪ કલાક પછી આકાશમાં ગયેલું પોલ્યુશન પાછું ધરતી પર ફરે છે ત્યારે એર પોલ્યુશન પીક પોઈન્ટ ઉપર PM2.5 પહોચી ગયું હોય છે. જે દિવાળી શરુ થાય તેના પહેલા કરતા ચાર ગણું વધુ હોય છે. ગ્રાઉન્ડ લેવલ ઓઝોન પોલ્યુશન પણ ખુબ વધી ગયું હોય છે. દિવાળી જેવો મહત્વનો આનંદ માણવાનો તહેવાર આમ મહત્તમ પોલ્યુશનનો દિવસ આપણે બનાવી દીધો છે.

વ્યક્તિગત શ્રદ્ધા અને ભક્તિનો ગણપતિનો તહેવાર સામૂહિક બનાવી તકલીફ આપતો તમાશો બનાવી દીધો છે. નવરાત્રી જેવા સમુહમાં જ ઉજવાય તેવા તહેવારને કોર્પોરેટ બિજનેસ બનાવી દીધો છે. તહેવારો ઉજવવામાં કશું ખોટું નથી, પણ તમાશા બનાવ્યા વગર એનો અસલી આનંદ માણવો જોઈએ. આપણું મનોરંજન કોઈની તકલીફ ના બનવી જોઈએ. પણ કોઈની તકલીફમાંથી મનોરંજન માણવાની વિકૃતિ પાળી રાખી હોય તો પછી એનો કોઈ ઉપાય નથી.            

 

 

અઢી ટ્ન હુખડનું દૉન (રેડબડ ગામગપાટા ન્યુ જર્સી-૮)

 અઢી ટ્ન હુખડનું દૉન  (રેડબડ ગામગપાટા ન્યુ જર્સી-૮)untitled

અમારી ગપાટા મંડળીમાં આજે હું શાંતિભાઈ, અંબુકાકા અને બીજા મિત્રો સાથે મારા રેડીઓ પર થયેલા વાર્તાલાપ વિષે વાત કરતો હતો. રેડીઓ ઉપર એક ગુજરાતથી આવેલા મહેમાન કિરીટભાઈ સાથે ટેલીફોનીક વાત થઈ હતી. તેઓ રેશનાલીસ્ટ છે અને વિજ્ઞાનજાથા સાથે જોડાયેલા છે. ચમત્કાર કરતા લોકો વચ્ચે જઈને પડકારે છે. વિજ્ઞાન દ્વારા એમના તુત ખુલ્લા પાડવાનું કામ કરે છે. પોતાના પૈસે પેટ્રોલ બાળીને સ્કૂલોમાં જઈને પ્રોગ્રામ કરે છે. મૂળ અમારું ગામ આમ તો મહેસાણા જીલ્લામાં જ હતું. હવે જિલ્લો ગાંધીનગર થઈ ગયો છે. મને મહેસાણી લહેકામાં બોલવાની મજા આવે છે. રેડીઓ પર અંધશ્રદ્ધાની વાત નીકળી હતી. આપણા પ્રધાનમંત્રીએ ૨૪૦૦ કિલો ઘી અને ૨૫૦૦ કિલો સફેદ સુખડનું લાકડું નેપાળના પશુપતિનાથ મંદિરમાં ભેટ ચડાવ્યું તો સામાન્ય લોકોમાં એની અસર રૂપે અંધશ્રદ્ધાને આમ ટેકો મળે કે નહિ ? આવો પ્રશ્ન કરતા કિરીટભાઈ કહે,

ચોક્કસ અસર પડે. મોટા માણસો જે કરે વાજબી હોય તેમ સમજી સામાન્યજન પર એની અસર પડે જ.  

અંબુકાકા આમ તો ધાર્મિક માણસ છે પણ કહે,

‘અંધશ્રદ્ધાની વાત બાજુ પર મુકો તો પણ ૨૫૦૦ કિલો સુખડ એટલે ૨.૫ ટન લાકડું થયું તેના માટે ઓછામાં ઓછું એક અને કદાચ બે સુખડના વૃક્ષોનો ખોડો નીકળી ગયો કહેવાય.’

શાંતિભાઈ છે સૌરાષ્ટ્રના પણ કોઈવાર મારી મજાક કરતા બોલવામાં અમારો મેહોણી લહેકો લાવી દેતા હોય છે તે કહે, ‘ મોદીએ દિયોર અઢી ટન હુખડનું દૉન આલવામાં બે હુખડના ઝાડની માં પૈણી નૉખી. ઑમેય હુખડનું ઝાડ લુપ્ત થતી ઝાડની જાતિ સઅઅ ક નઈ?

મે કહ્યું,  ‘હાચી વાત સઅઅ.. હુખડનાં ઝાડ બૌ ર યૉ નહિ.. આ હુખડની માં પૈણ્યા વગર રોકડા ૪ કરોડ રૂપિયા ચ્યૉ નહિ આલી દેવાતા ?

મહેસાણી લહેકો સાંભળી બધા જોરથી હસી પડ્યા. હવે અંબુકાકા અમારી નકલ કરતા મેદાનમાં આવ્યા. ‘દિયોર પણ ચાર કરોડ લાયો ચૉ થી ? ઈ ને સુટણી વખતે ફૉરમ ભરતાં ચાર કરોડ મિલકત તો બતાઈ નહિ..

ફરી અમે બધા હસી પડ્યા. શાંતિભાઈ કહે ચાર કરોડનું લાકડું અને આશરે ૯-૧૦ લાખનું ઘી, આ બધા પૈસા એમના ખીસામાંથી આપ્યા હોય તો વાજબી છે. બાકી એ ખર્ચ સરકારી તિજોરીમાંથી આપ્યો હોય તો પ્રજાએ ભરેલા ટેક્સના નાણા આમ વેડફવાનો મોદીને કોઈ હક નથી.

મેં કહ્યું આવું નાં બોલો આપણે મોદીના વિરોધી નથી પણ મોદીના ભક્તોની રાજકીય લાગણી અને બીજા આસ્તિક ઘેટામંડળની ધાર્મિક લાગણીઓ દુભાઈ જશે.

શાંતિભાઈ ઉશ્કેરાઈ ગયા, કહે તેલ લેવા ગઈ ધાર્મિક લાગણીઓ અમારી એ રેશનલ લાગણી દુભાઈ જાય છે તેની કોણ પરવા કરે છે ? અમારો ય જીવ બળે છે આવી અંધશ્રદ્ધાઓ જોઈ, અમારો ય જીવ બળે છે આમ પ્રજાના પૈસા વેડફતા જોઈ અમારી રીજનેબલ લાગણીઓની કોઈ પરવા કરે છે ? અમારે જ કાયમ એમની ઇરેશનલ અંધ લાગણીઓની ચિંતા કરવાની ? આ બાવાઓ સ્ત્રીઓનું શારીરિક શોષણ કરે ત્યારે અમારી લાગણીઓ દુભાઈ જાય છે તેની કોણ પરવા કરે છે ? અરે એક કણજીનું કે એક ખીજડાનું ઝાડ કપાય તો પણ અમારી લાગણી દુભાઈ જાય છે ત્યારે આતો સુખડનું કીમતી ઝાડ કપાઈ જાય છે તો અમારી લાગણી દુભાઈ કેમ નાં જાય ? ભારત સરકારે ખુદ સુખડના લાકડાની નિકાસ કરવા ઉપર મનાઈ ફરમાવેલી છે જ. કર્ણાટક રાજ્યમાં સુખડનાં તમામ વૃક્ષ રાજ્ય સરકારની મિલકત ગણાય છે. તમારી પ્રાયવેટ પ્રોપર્ટીમાં ઉગાડેલ સુખડનાં ઝાડની કાપકૂપ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટની દેખરેખ નીચે જ થાય. ચંદનચોર તરીકે ઓળખાતો વિરપ્પન ગેરકાયદે ચંદનનાં વૃક્ષો કાપી વેચી નાખતો હતો.

મેં કહ્યું શાંતિભાઈ શાંત થઈ જાઓ, આ અમેરિકનો ક્રિસમસ વખતે ક્રિસમસના અસંખ્ય વૃક્ષો કાપીને ઘરમાં સજાવટ કરે છે.

ફરી શાંતિભાઈ ઉશ્કેરાઈ ગયા અને કહે, અમેરિકનો અગાઉથી પ્લાનિંગ કરે છે, આ વર્ષે જો એક લાખ ક્રિસમસનાં વૃક્ષો કપાઈ જવાની શક્યતા હોય તો એ લોકો અગાઉથી એટલા વૃક્ષો ઉછેરીને તૈયાર રાખે છે. ક્રિસમસનાં વૃક્ષોનું અહી આપણી ખેતી જેવું છે. જેટલી જરૂરીયાત હોય તેટલી ખેતી અગાઉથી કરી નાખવાની.

મેં કહ્યું વાત તો સાચી છે. જંગલ કોને કહેવાય તે મેં આ દેશમાં આવીને જોયું. આપણે ત્યાં કૂતરાં ગાડીઓ નીચે આવીને મરી જતા હોય છે. જ્યારે અહીં હરણ ઓચિંતા ગાડીઓ સામે આવી જાય છે.

હવે અમ્બુકાકાનો વારો આવ્યો તે કહે એડ્યુકેશનનાં અભાવે લોકો બહુ અંધશ્રદ્ધાળુ હોય છે તેવું મારું માનવું છે.

મેં કહ્યું તદ્દન ખોટી વાત છે, આજે જ મારા એક સુજ્ઞ ફેસબુક મિત્ર વડોદરાના દિલીપકુમાર મહેતાએ એક બીજા મિત્રની પોસ્ટ નીચે વિચારવા જેવો પ્રતિભાવ મુક્યો હતો, ઉભા રહો મારા આઈફોનમાં ખોલીને વાંચી બતાવું.

મેં મારા આઇફોનમાં ફેસબુક ખોલીને દિલીપકુમાર મહેતા સાહેબનો પ્રતિભાવ વાંચવા માંડ્યો. દિલીપભાઈ લખે છે,                

“લગભગ પાંચ વર્ષની વયે મને અને મારી મોટી બહેનને એકી સાથે શીતળાનો રોગ થયેલો… બચી ગયા ! આ દેશમાં જેટલા માથા એટલા માતાજી છે, પથ્થર એટલા દેવ છે, અને હવે જ્યોતિષીઓ, વાસ્તુ શાસ્ત્રીઓ નગરી નગરી દ્વારે દ્વારે છે. સાહેબ, કાલે હું વડોદરામાં જ્યોતિષ અને વસ્તુ શાસ્ત્રનો ધંધો શરુ કરું તો બે -ત્રણ વર્ષમાં ૫૦ લાખ -કરોડની કમાણી સહેલાઈથી થઇ શકે તેમ છે. ઉના, મહુવા ,રાજુલાના ઘણા ગરીબ બ્રાહ્મણો અહી આવીને બે પાંદડે જ નહિ , પાંચ પાંદડે થયા છે ! પ્રશ્ન એ છે કે જે લોકો ઉચ્ચ શિક્ષણ પામેલા છે, વૈજ્ઞાનિક અભિગમ ધરાવે છે, વાત વાતમાં વિજ્ઞાનની વાતો કરે છે, એ બધા આવા પોકળ પંડિતો આગળ કેમ ખોળો પાથરે છે ? વાસ્તુશાસ્ત્રીઓ, જ્યોતિષીઓ, તાંત્રિકોના ઘરના પગથીયા કેમ તેઓ સાવ ઘસી નાખે છે ? શું એમને ખબર નથી કે કહેવાતા જ્યોતિષીઓ માત્ર તુત ચલાવે છે ? આ બાબતમાં નરેન્દ્ર મોદી પણ અપવાદ નથી, બોલો શું કહેશો પેલા ગામડાના ભોળા ખેડૂતને ? ભલા માણસ, ઉપગ્રહો છોડવા માટેના પણ શુભ મૂહર્ત જોવાના ? ગામડા કરતા મને શહેરના લોકો એક સો ગણા અંધશ્રદ્ધાળુ લાગ્યા છે ! આજે હું જ્યોતિષનો વિરોધ કરું છું ત્યાં પ્રકાશ કોઠારી, કાંતિ ભટ્ટ જેવા મને મુરખો ગણે છે ! જ્યોતિષના વિરોધી સૌરભ શાહ પણ જેલવાસ ભોગવ્યા બાદ એક જ્યોતિષ પાસે આંટો મારીને આવેલા તેવું સાંભળ્યું છે ! ઓક્સફોર્ડમાં ભણેલા ઈન્દિરાજી નંબર વન તાંત્રિક પ્રેમી અને જ્યોતિષ પ્રેમી હતા. આ બધા કરતા મને મારા પિતાજી બહુ ગમ્યા. એમની પાસે ગામની કોઈ સ્ત્રી આવતી અને પોતાની સમસ્યા રજુ કરતી ત્યારે કહેતા, બેન, હું કઈ જાણતો નથી, બધું ઈશ્વરનું જ ધારેલું થાય છે, બસ મારા પિતાનો આ મંત્ર મેં જીવનમાં પૂરે પૂરો ઉતાર્યો છે.”

મેં વાંચવાનું પૂરું કર્યું અને બધા સામે જોવા લાગ્યો. અંબુકાકા બોલ્યા કાનની બુટ પકડું છું દિલીપભાઈની વાત તદ્દન સાચી છે, પણ આ પ્રકાશ કોઠારી, કાંતિભટ્ટ અને સૌરભ શાહ છે કોણ?

મેં કહ્યું, ‘પ્રકાશ કોઠારી સેક્સોલોજીસ્ટ સેક્સ વિષે વૈજ્ઞાનિક સમજ આપતી કોલમ લખતા, જ્યારે કાંતિભટ્ટ અને સૌરભ શાહ બંને છાપાઓમાં લખતા કટાર લેખકો છે.’

પણ આ સૌરભ શાહ જેલમાં ગયેલા તેવું કેમ લખ્યું છે ?

એ મને ખબર નથી એ બાબતે દિલીપભાઈને પૂછવું પડે.

શાંતિભાઈ કહે ગરીબની વહુ સહુની ભાભી, ગરીબની શ્રદ્ધા અંધશ્રદ્ધા કહેવાય જ્યારે અમીરની કે મોટા માણસોની અંધશ્રદ્ધા ભક્તિભાવ કહેવાય, અધ્યાત્મ કહેવાય, જેટલો એમાં વધારે ગાંડા કાઢે તેટલો હંસ નહિ પણ પરમહંસ કહેવાય.

અમે બધા હસી પડ્યા. અંધારું થઈ ગયું હોવાથી બધા પોતપોતાના ઘેર જવા હસતા હસતા છુટા પડ્યા.   

સ્વાર્થી જિન્સ (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી-૪)

સ્વાર્થી જિન્સ (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી-૪)

અમારી ગામ ગપાટા મંડળીનાં સભ્ય મંજુબેનની પૌત્રીને દૂધ છોડાવવાની બાબતમાં જે ચર્ચા થયેલી તે પ્રમાણે શાંતિભાઈએ માતાનું દૂધ કેટલું મહત્વનું છે તાજાં જન્મેલાswami-vivekananda-DM70_l બાળક માટે તે વિષયક માહિતીની અમુક લિંક ઈ-મેલ દ્વારા મંજુબેનને મોકલી આપી હતી. તે બધી લિંક એમણે એમની પુત્રવધૂ ને ફૉર્વર્ડ કરેલી. એની ધારી અસર ઊપજી હતી. આજની પેઢી ખુલ્લા મનની છે તેના ગળે વાત ઊતરે તો પછી પ્રમાણિકપણે એનો અમલ કરે જ. પણ આ પેઢીને હવે હમ્બગ વાતોમાં રસ પડતો નથી, નક્કર વૈજ્ઞાનિક સંશોધન આધારિત વાત હોવી જોઈએ. આમ આજની પેઢી મોટાભાગે રેશનલ બનતી જાય છે.

આજના નાના છોકરાને કહીએ કે હનુમાનજી સૂર્યને નારંગી સમજી તોડવા માટે આકાશમાં કૂદેલા અને પડી ગયા તો હડપચી ભાગી ગઈ એટલે હનુમાન કહેવાયા તો હસવાનો જ છે. કહેશે બાપા શું ગપ્પા મારો છો?

મંજુબેને આવતાવેત ખુશ થઈ ને સમાચાર આપ્યા કે એમની પુત્રવધૂ  એ હમણાં દૂધ છોડાવી દેવાનું મુલતવી રાખ્યું છે. શાંતિભાઈ કહે આપણે સીધેસીધું ગમે તેટલું કહીએ દાખલા દલીલો કે સંશોધનના હવાલા આપીએ પણ માનત નહિ અને આ લિંક વાંચી કેવું માની લીધું? મેં કહ્યું સાચી વાત છે આ બધું મન ઉપર જાય છે. હમણાં કોઈ ગુરુજી કહે તો આપણે કેવાં અંધ બની માની લઈએ છીએ? માણસના મનનો તાગ મેળવવો અઘરો છે. જેટલા માણસ એટલાં મન અને જેટલા મન એટલી સાયકોલોજી.

આજે નિકિતા સમાચાર લાવી હતી કે આશારામ બાપુના આશ્રમમાં દરોડા પાડતા ૪૨ પોટલાં મળ્યા એમાં ૧૦,૦૦૦ કરોડની સંપત્તિ ને લગતા દસ્તાવેજો હાથ લાગ્યા છે.

મેં કહ્યું, ‘ આ તો થવાનું જ હતું, આ બાવાઓ તમને ભૌતિકવાદી બનશો નહિ તેવી શિખામણો આપશે પણ તેઓ ધનના ઢગલા ભેગાં કરતા રહેવાના. આટલી સંપત્તિ ના મળી હોય તો નવાઈ લાગે. મૂળ આની પાછળ આપણું એનિમલ બ્રેન જવાબદાર છે. એનિમલ બ્રેન આગળ બધી ફિલોસોફી અને આદર્શોની ગળી ગળી વાતો હવાઈ જતી હોય છે.’ નિકીતા બોલી આમાં એનિમલ બ્રેન ક્યાં આવ્યું?

મેં કહ્યું, ‘ એનિમલ બ્રેન હમેશાં સર્વાઈવલ અને રીપ્રોડક્શન વિષે શોચતું હોય છે. માનવો પાસે એનિમલ બ્રેન સાથે મોટું વિચારશીલ બ્રેન પણ છે માટે રીપ્રોડક્શનને પ્રમોટ કરતી તમામ બાબતોની પાછળ મોટા બ્રેનનો સહારો લઈને માનવ મગજ જાતજાતના નુસખા શોધી પડેલું રહેતું  હોય છે. એક તો સમાજમાં પ્રથમ હોય, આલ્ફા હોય તેને જ રીપ્રોડક્શન માટે ફિમેલ મળે અને ફિમેલ પણ બળવાન જિન્સ સાથે વિપુલ રીસોર્સીસ જેની પાસે હોય તેને જ પસંદ કરે. બસ ધર્મ પણ આ બાવાઓ માટે પ્રથમ બનવાનું એક સાધન માત્ર હોય છે. ધર્મના બહાને સમાજમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી લીધું પછી વારો આવે રીસોર્સીસ ભેગાં કરવાનો અને એના માટે ધન કમાઓ. ધનના ઢગલા કરો પછી પાછળ પડો અંતિમ મંજિલ એવી સ્ત્રીઓ પાછળ. ઉચ્ચ આદર્શો ભરેલી ધાર્મિક વાતો પણ સમાજમાં પ્રથમ સ્થાને પહોચવાની નિસરણી માત્ર હોય છે. કારણ એવી વાતો કર્યા વગર કોઈ માનસન્માન આપે નહિ. વિવેકાનંદ જેવા બહુ ઓછા સાધુઓ હોય છે કે જેઓને આખા સમાજના ઉત્થાનની ફિકર હોય છે.’

મેં કહ્યું નિકીતા ‘એક વાક્યમાં કહું તો સામાન્ય માનવીને ફક્ત પોતાના જિન્સની(Genes) ફિકર હોય છે, નેતાઓ અને ટીપીકલ ધાર્મિક નેતાઓ આખા સમાજના જિન્સની ફિકર કરતા હોય તેવો દેખાડો કરીને ફક્ત પોતાના જિન્સની ફિકર કરતા હોય છે અને વિવેકાનંદ જેવા સંતો પોતાના જિન્સની ફિકર કર્યા વગર આખા સમાજના જિન્સની ફિકર કરતા હોય છે.’

શાંતિભાઈ બોલી ઊઠ્યા, ‘તમે તો સેલ્ફીશ જિન્સની થિયરીનો સારાંશ એક જ વાક્યમાં કહી નાખ્યો.’

મેં કહ્યું એ વાત પર ઠોકો તાલી અને કાલે ફરી મળીશું કહી અમે છુટા પડ્યા.

સર્વ નાગરિક એકસમાન (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી -૩)

untitled=-=-
સર્વ નાગરિક એકસમાન (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી -૩)

અમારી ગામગપાટા મંડળીમાં શનિ -રવિ હોય એટલે બેચાર સભ્યો બીજા ઉમેરાઈ જાય. પચીસેક વર્ષની નિકિતા એચ-૧ વિઝા ઉપર આવેલી છે તેને શનિ-રવિ સિવાય ટાઈમ મળે નહિ ફરવાનો. એક ભારતીય ફૅમિલીમાં પેઈંગ ગેસ્ટ રહે છે. બેઝમેન્ટમાં નાની રૂમ જેટલી જગ્યા મળી જાય. એક એરબેડ વસાવી લેવાનો. એક ટાઈમ ચા નાસ્તો અને એક ટાઈમ જમવાનું મળી જાય તેના મહીને ચારસો-પાંચસો ડોલર્સ ચૂકવી દેવાના. એક જૂની કાર લઈ લેવાની. નહિ તો અમુક માણસો રાઈડ આપવાનો ધંધો ઘેરબેઠાં કરતા હોય છે, ફોન કરો એટલે સ્થળ ઉપર લઈ જાય અને પાછાં મૂકી જાય. મોંઘું પડે પણ શરૂઆતમાં લાઇસન્સ મળ્યું ના હોય, કાર ખરીદવાના પૈસા ભેગાં થયા ના હોય તો શું કરવાનું? ભારતમાં ઊછરેલી અને ગુજરાતમાં રહેતા અમારી ઉંમરના એના માબાપને મિસ કરતી નિકીતાને અમારી મંડળીમાં ગામગપાટા મારી ખૂબ સારું લાગતું, બાકી અહીં બોર્ન થયેલી યુવા પેઢીને અમારા જેવડા આધેડ ઘરડાઓની કંપનીમાં વધારે સમય પસાર કરવો ફાવે નહિ.

નિકીતા અવતાવેત સમાચાર લાવી કે ભારતમાં હવે જૈન લોકોને કાયદેસર લઘુમતીનો દરજ્જો પ્રાપ્ત થઈ ગયો અને લઘુમતીને મળતા તમામ સામાજિક, આર્થિક અને કાયદાકીય લાભ એમને મળવાના. સંભાળીને પ્રથમ તો મને ખૂબ હસવું આવ્યું. મેં કહ્યું ચાલો હવે સ્કૂલમાં હિંદુ-જૈન લખાવતા હતા તેના બદલે એકલાં જૈન લખાવશે. આમેય ઘણા જૈન મુનિઓ વિરોધ કરતા જ હતા કે અમે હિંદુ નથી જૈન છીએ. જો તમે હિન્દુને ધર્મ સમજતા હોવ તો જૈન હિંદુ નથી પણ જો તમે હિન્દુને સંસ્કૃતિ સમજતા હોવ, એક વિચારધારા સમજતા હોવ કે જીવન જીવવાનો એક તરીકો સમજતા હોવ તો જૈન હિંદુ જ છે.

અંબુકાકા કહે જૈન લઘુમતી શબ્દના અર્થમાં કહીએ તો લઘુમતી તો ખરા જ ને? મેં કહ્યું બેશક એમને સંખ્યા અને જૈન ધર્મી સમજો તો લઘુમતીમાં જ ગણાય. આમ તો હિંદુઓમાં પણ કેટલા બધા સંપ્રદાય છે? જૈનોમાં જ ચાર ફાંટા છે, તેમ સ્વામીનારાયણ સંપ્રદાયમાં પણ ચારપાંચ ફાંટા છે. આમ દરેક સંપ્રદાયવાળા એમ કહેશે કે અમે સંખ્યાની દ્રષ્ટીએ ઓછા જ છીએ તો અમને પણ લઘુમતીમાં ગણો. નિકીતાનો સવાલ એ હતો કે તમે લઘુમતીમાં ગણાવાનું પસંદ શા માટે કરો? મેં કહ્યું બેશક લઘુમતીને મળતા સ્પેશલ લાભ મેળવવા હોય. બાકી તમને કોણ મારી નાખે છે?

શાંતિભાઈ અત્યાર સુધી ચુપ હતા તે બોલ્યા ભાઈલા આ બધું રાજકારણ છે. ચૂંટણી આવી રહી છે તેના આ બધા નાટક છે. ભાગલા પાડો રાજ કરો અંગ્રેજો શીખવી ગયા છે. બાકી ભારતમાં તો ઠીક અમેરિકામાં ભારતીયોમાં ગણીએ તો પણ જૈનો જ વધુ સમૃદ્ધ છે. ભારતમાં પણ સ્ટોક માર્કેટ, કાપડ માર્કેટ, ઉદ્યોગધંધા, ડાયમંડ માર્કેટ બધામાં જૈનોની જ બોલબાલા છે, એજ્યુકેશનમાં પણ જૈન સમાજ જ બધા કરતા આગળ છે. તો એમને લઘુમતીમાં ગણાઇને ફાયદા લેવાની ક્યાં જરૂર છે?

મેં કહ્યું દલિતો માટે આદિવાસી માટે અનામતનો કૉન્સેપ્ટ બરોબર હતો કે સદીઓથી એમને ઇરાદાપૂર્વક પછાત રાખવામાં આવ્યા છે તો થોડી સ્પેશલ સગવડો આપ્યા વગર .

નિકિતા થોડી અપસેટ થઈ ને બોલી પહેલા તો વર્ણ વ્યવસ્થાને લીધે અસમાનતા ઊભી થઈ. મેં કહ્યું એક પાણીનો ગ્લાસ ઢોળાઈ ગયો તે પાણી હવે ગ્લાસમાં પાછું જવાનું નથી. હવે હું તારો ગ્લાસ ઢોળું તું મારો ઢોળે એનો કોઈ અંત આવે નહિ. ફરી કોઈના પણ ગ્લાસ ઊંધા પડે નહિ તે જોવાનું છે. જૈનોને તો ડબલ ફાયદો ઉચ્ચ વર્ણના લોકોએ સદીઓ સુધી પછાત લોકોનું શોષણ કર્યું એમાં જૈનો ઉચ્ચ વર્ણ તરીકે તે શોષણ કરવામાં સામેલ જ હતા હવે લઘુમતીમાં એન્ટ્રી મારી ફરી લાભ લેવા પણ તૈયાર. images=-=-=-

બધી મગજમારી આ વર્ણ વ્યવસ્થા અને જ્ઞાતિપ્રથાને લીધે ઊભી થઈ છે કમુબેન બોલ્યા. મેં કહ્યું સાચી વાત છે. વર્ણ વ્યવસ્થાને લીધે જ્ઞાતિવાદ સજ્જડ હોવાના લીધે બે કોમ વચ્ચે કોઈ પ્રેમભાવ લાગણી રહી નહિ અને એના લીધે રાષ્ટ્રવાદ કમજોર બનતો ગયો. હવે અંગ્રેજો તો ૧૭૫૭માં આવ્યા તે પહેલાથી જ્ઞાતિપ્રથા હતી જ તો ભાગલા પાડો રાજ કરો અંગ્રેજોએ શીખવ્યું કે આપણે અંગ્રેજોને હિન્ટ આપી? આપણને વાતે વાતે અંગ્રેજોને ભાંડવાની નપુંસક ટેવ પડી ગઈ છે કેમકે આપણને આપણી ભૂલો દેખાતી જ નથી.

સાચી વાત છે રાઓલભાઈ તમારી મંજુબેન બોલ્યા, આપણે ત્યાં કોઈ પ્રેમપ્રકરણ પકડાય કોઈ આપઘાત કરે તરત હોબાળો મચી જાય કે પશ્ચિમનું આંધળું અનુકરણ. આ દુર્યોધન દ્રૌપદીના ચીર ખેંચવા ભરી સભામાં તૈયાર થયેલો તે અંગ્રેજો જોડે કે પશ્ચિમ જોડે શીખવા ગયેલો? આ રાવણ સીતાજીનું અપહરણ કરવાની ટ્રેનીગ લેવા અમેરિકા ગયેલો? વિશ્વામિત્ર અને મેનકા લફરાં કરવાનું શીખવા બ્રિટન ગયેલા નહિ? મંજુબેનનો આક્રોશ સાંભળી અમે બધા હસી પડ્યા.

મેં કહ્યું ખરેખર તો કોઈ બહુમતી કે લઘુમતી જેવા વર્ગીકરણ કરવા જ ના જોઈએ. આ દેશના સર્વે નાગરીકો સમાન હોવા જોઈએ, ના કોઈ દલિત, ના કોઈ ઉચ્ચ વર્ણ, ના કોઈ નીચા વર્ણ, ના કોઈ આદિવાસી. આવા ભેદભાવની પરખયુક્ત કે સમજયુક્ત શબ્દો જ ડીક્શનેરીમાં હોવા ના જોઈએ. કાયદો કાનૂન બધા માટે એકસમાન હોવો જોઈએ. આર્થિક રીતે કમજોર હોય પછી ગમે તે કોમનો, જાતનો કે ધર્મનો હોય તેને એની યોગ્યતા મુજબ મદદ લાભ મળવો જોઈએ. ફક્ત સંખ્યાના આધારે કોઈ સમૃદ્ધ જાતી લઘુમતીમાં ગણાઇને લાભ લેવા દોડી જાય એ તો નવાઈ જેવું લાગે છે.

અમે બધા તો અમેરિકામાં નવા કહેવાઈએ પણ અંબુકાકા બહુ જુના રહેવાસી કહેવાય. તે કહે અમેરિકામાં કોઈ પણ ધર્મ પાળવાની છૂટ છે અને ધર્મ ના પાળવો હોય તેની પણ છૂટ છે. અહીં કોઈ પામ જગ્યા એ કોઈ ફોર્મ ભરવાના હોય તો તમારે તમારો ધર્મ લખવાની પણ છૂટ છે. તમારી Race પણ લખવાની હોય છે. પણ અહીં કાયદા તમામ નાગરીકો માટે સમાન છે. તમે જાતિ, race, ધર્મ કે જેન્ડર આધારિત ભેદભાવ કરી શકો નહિ. ડીસ્ક્રીમીનેશન અહીં ગુનો ગણાય છે. ધર્મ ગમે તે પાળો કાયદા સરકારના પાળો.. હોસ્પિટલો વગેરેમાં કોઈપણ ભેદભાવ વગર જો તમે આર્થિક રીતે નબળા હોવ તો સારવારનું બીલ ચેરિટીમાં જાય. બાકી આ તો આખો દેશ ઇમિગ્રન્ટ લોકો વડે બનેલો છે. લઘુમતીઓ ગણવા બેસો તો પાર જ આવે નહિ..

શાંતિભાઈ કહે સૌરાષ્ટ્રના લોહાણા સમાજના કોઈ આગેવાને આવી રીતે ભૂતકાળમાં લોહાણા કોમને લઘુમતીમાં મૂકવાની વાત કરેલી તો લોહાણા સમાજે જ વિરોધ કરેલો ને વાત પડતી મૂકાયેલી.

મેં કહ્યું આપણે બધા અહીં વાતોના વડા કરીએ છીએ એની કોઈ અસર ત્યાં પડવાની નથી, ચાલો હવે ઘેર ભાગીએ.. સી યુ ટુમોરો….

સંઘર્ષ (કૉન્ફ્લિક્ટ) ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ

untitledસંઘર્ષ (કૉન્ફ્લિક્ટ) ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ

સમાજનો બહુ મોટો વર્ગ હમેશાં કૉન્ફ્લિક્ટ થી દૂર રહેતો હોય છે. સંઘર્ષ ટાળતો હોય છે. અથડામણમાં પડવું નાં પડે તેના ઉપાય કર્યા કરતો હોય છે. થોડા દિવસ પર ગુજરાતમાં તેમાં પણ અમદાવાદ જ હશે, કોઈ મૅનેજમેન્ટ સંસ્થાના ઉપક્રમે કૉન્ફ્લિક્ટ વિષે ચિંતન શિબિર ચાલતી હતી, તેમાં જુદાજુદા ક્ષેત્રના વક્તાઓ બોલવા આવતા હતા. તેમાં કોઈ સાધુ કે ગુરુ પણ આવેલા. બધે સાધુઓ શું કામ બોલાવતા હશે મને સમજાતું નથી. પણ તે મહારાજ ઉપજાવી કાઢેલો દાખલો આપતા હતા, કે એક કપલ ટ્રેનમાં બેઠેલું, કોઈ સ્ટેશન આવતા ચા પીવા ઊતર્યું હશે, ટ્રેન ઊપડી પેલાં ભાઈ ચડી ગયા અને એની વાઈફ નીચે રહી ગઈ. મહારાજે કટાક્ષ માર્યો મૅનેજમેન્ટ ભણેલા શ્રોતાઓ આગળ કે આ ભાઈએ રામાયણ વાંચી હોત તો આવું નાં થાત. મને ખૂબ હસવું આવ્યું આ વાત ‘સંદેશ’માં વાંચીને. હું ત્યાં હાજર હોત તો બાવાજીને કહેત કે આણે રામાયણ વાંચી હશે કે સાંભળી હશે માટે આવું થયું હશે. રામે સીતાજીને વગર વાંકે છોડી જ દીધેલા ને? બીજા કોઈ બહેનજીએ ભાષણ એમાં આપેલું કે ગીતામાં એનો ઉપાય છે. આખું મહાભારત કૉન્ફ્લિક્ટ ઉપર તો રચાયું છે. બે ભાઈઓના વંશજો વચ્ચે બહુ મોટો સંઘર્ષ હતો.. કૃષ્ણે શક્ય પ્રયાસ કૉન્ફ્લિક્ટ ટાળવા કર્યા. પણ તે સર્વાઈવલનાં ભોગે નહિ.. સર્વાઈવલ બે રીતે થાય છે. એક તો કૉન્ફ્લિક્ટ સ્વીકારી એનો પડકાર ઝીલીને, અને બીજો શરણે થઈ કૉન્ફ્લિક્ટ ટાળવો. અર્જુન તો હથિયાર હેઠાં મૂકી કૉન્ફ્લિક્ટ ટાળવા તૈયાર હતો. ત્યારે કૃષ્ણે ઊલટો અથડામણ માટે એને તૈયાર કર્યો. શરણે થઈ જીવવું તે પણ અર્જુન જેવા જન્મજાત લડવૈયા માટે મૃત્યુથી બદતર બની જાત. એ જિના ભી કોઈ જિના હૈ લલ્લુ?  ટેમ્પરરી ભાંગી પડેલા અર્જુન પાસે કૉન્ફ્લિક્ટ સ્વીકારવા અને એનો સામનો કરવા તૈયાર કર્યો તેનું નામ ગીતા.

રામે પણ રાવણ જેવા બાહુબલિ નેતા આગળ સંઘર્ષ ટાળ્યો નથી..એનો સામનો કર્યો છે, સંઘર્ષમાં ઊતર્યા છે અને જીત્યા છે. પણ સમાજનો મોટો વર્ગ હમેશાં કૉન્ફ્લિક્ટ ટાળવાની કોશિશ કરતો હોય છે. કારણ આપણા પૂર્વજો બને ત્યાં સુધી અથડામણ ટાળતા. આપણા પૂર્વજોના જીવન સહેલા નહોતા. એલ્ફા ચિમ્પૅન્ઝી એના વિરુદ્ધ કોઈ જાય તો બરોબર ઝૂડી નાખતો હોય છે. ચિમ્પૅન્ઝીનાં ગ્રૂપમાં લગભગ દરેક સભ્યે કોઈને કોઈ અંગ ગુમાવેલું હોય છે. સંઘર્ષ વગર ખોરાક મળતો નહિ, કે અથડામણ કર્યા વગર ફીમેલ મળતી નહિ. ચાલો એક સમયે ખોરાક તો મળી જાય imagesCADFYXMMપણ બીજા સાથે સંઘર્ષ વગર ફીમેલ તો મળતી જ નહિ. પણ સંઘર્ષ કરવામાં જીવ ગુમાવવો પડે તો સૌથી વધુ નુકશાન. એટલે મૅમલ બ્રેન જાણતું જ હોય છે કે ક્યારે સંઘર્ષ કરવો અને ક્યારે અથડામણ ટાળવી. મૅમલ બ્રેન સતત પરિસ્થિતિનું વિશ્લેષણ કર્યા જ કરતું હોય છે કે ક્યારે લડવું અને ક્યારે શરણે થવું. બે મૅમલ ભેગાં થાય એટલે કમ્પેરીજન શરુ. પછી તે માનવી હોય કે બીજા એનિમલ. ધાર્મિક ચમ્પુઓને બોલાવી આશરે ૨૦૦ મિલ્યન વર્ષથી વિકસેલી અદ્ભુત લિમ્બિક સિસ્ટમ(મૅમલ બ્રેન)ને તમે આજે કૉન્ફ્લિક્ટ વિષે શિખામણ આપો હસવા જેવું છે ને? અને આ જ્યાં ને ત્યાં પગે લાગી ઉભા રહી જતા લોકો તમને એવું જ શીખવશે, કે કોઈપણ હિસાબે કૉન્ફ્લિક્ટ ટાળો, સહન કરો, આપણી તે સંસ્કૃતિ છે.

કૃષ્ણને ખબર હતી કે છેવટે પાંચ ગામ આપે તો ખાવાની સગવડ તો થઈ જશે અને પાંચ ગામના ધણી તરીકે માન પણ જળવાઈ જશે, આત્માનું હનન નહિ થાય. એટલે કૉન્ફ્લિક્ટ ટાળવા છેવટે પાંચ ગામ માંગ્યા પણ દુર્યોધન તસુભાર જમીન આપવા તૈયાર થયો નહિ તો પછી હે ! પાર્થ ઊભો થા ચડાવ બાણ અને સંઘર્ષનો સ્વીકાર કર. અને અર્જુન સામે સગાવહાલા જોઈ કેમ કંપી ગયો? કેમ ગાત્રો ગળી ગયા? સિદંતી મમ ગાત્રાણી..કેમ ગાંડીવ સરી પડ્યું? સામે સગાઓ નાં હોત તો ઝાલ્યો નાં રહેત જેમ હું ધાર્મિક કે સામાજિક પાખંડો સામે ઝાલ્યો નથી રહી શકતો. સામે બીજા હોત કે બીજા કોઈ દેશના દુશ્મનો હોત કે સગાઓ નાં હોત તો અર્જુન ક્યારનો ધડબડાટી બોલાવતો હોત. તો ગીતા રચાઈ પણ નાં હોત. મૂળ વાત એ છે કે Gene Pool જીનપુલમાં પોતાના Genes ની બહુમતી હોય, પોતાના વંશ કે genes સૌથી વધુ હોય તે દરેક પ્રાણી ઇચ્છતું હોય છે. આ પણ સર્વાઈવલનો એક ઉપાય છે. ભલે મારા ખુદના અંગત gene આગળ વધ્યા નાં હોય પણ મારા ભાઈના gene મારા જ gene કહેવાય. એટલે સામે સગા ભાઈઓ કે પિતરાઈ ભાઈઓ હોય તેમાં આપણા જ genes હોય છે તેમનો નાશ કરવો અઘરો લાગે. એટલે સામે સગાઓ જોઈ અર્જુન ઢીલો પડી ગયો. છતાં જીવન હમેશાં વિરોધાભાસ વડે ઘેરાયેલું હોય છે. ક્યારેક વ્યકિગત genes માટે વ્યક્તિગત સ્વાર્થ માટે બીજાનાં બલિદાન લેવાતા હોય છે તેમ સમૂહના સ્વાર્થ માટે કે ભલા માટે, સમૂહના genes માટે વ્યક્તિઓ ખુદના બલિદાન આપતા પણ હોય છે. પણ કૃષ્ણ જાણતા હતા કે ક્યારે સંઘર્ષ ટાળવો અને ક્યારે સ્વીકારી લડી લેવું. એટલે હું કાયમ કહેતો હોઉં છું કે કૃષ્ણ મારે મન કોઈ ભગવાન નહિ પણ સર્વાઈવલનાં યુદ્ધના મહાયોદ્ધા છે.

ક્યારેક હકારાત્મકતા ને બહાને કૉન્ફ્લિક્ટ ટાળવામાં આવતો હોય છે. સંઘર્ષ કરવામાં નકારાત્મકતા દેખાતી હોય છે. સામાજિક કે ધાર્મિક બદીઓ સામે તમે આંગળી ચીંધો તો અમુક વર્ગ તરત કહેવાનો કે સારું સારું જુઓ. ખરાબ સામે નાં જુઓ. હકારાત્મક બનો, પોજીટીવ બનો. સારી બાજુઓ ઘણી છે તેને ઉજાગર કરો. અરે ભાઈ બદીઓ સામે જોઈશું જ નહિ તો એને દૂર ક્યારે કરીશું? ગંદકી ગંદકી છે તેવી જાણ પણ હોવી જોઈ ને? આપણે એવી કેટલીય સામાજિક ગન્દકીઓને સંસ્કૃતિ કહીને પાળી રાખી છે. જે તે સમયે સામાજિક રિવાજો ભલે યોગ્ય લાગતા હોય આજે નાં પણ હોય. તેને બદલવા પડે કે નહિ? સામાજિક અને ધાર્મિક ઍલ્ફાઓએ એમના સ્વાર્થ માટે સમૂહના સ્વાર્થ જોખમમાં મૂકીને એવી કેટલીય સામાજિક અને ધાર્મિક ગંદકીઓને ધર્મ, પરમ્પરા અને સંસ્કૃતિમાં ખપાવી દીધી છે. હવે એના સામે કોઈ આંગળી ચીંધે તો નકારાત્મક વિચારો ધરાવે છે કહી રોકવામાં આવે છે. હવે જે સારું છે તે સારું જ રહેવાનું છે. એ કાઈ ખોટું થઈ જવાનું નથી. જરૂર છે ગંદું છે તેને ઉજાગર કરી સાફ કરવાની. હવે એમાં પછી કામ કરવામાં માનું છું તેવી દલીલ આવે છે. આંગળી નાં ચીંધો કામ કરો. હવે હું કે તમે દરેકના ઘર સાફ કરવા તો જવાના નથી. પણ ઘર સાફ કરી શકાય છે તેવો એક વિચાર તો મૂકી શકું છું. આતો જસ્ટ દાખલો આપું છું. એક તો પહેલું ઘર ગંદું છે તે જ ખબર હોતી નથી. અને ખબર પડે તો તેને સાફ કરી શકાય તે પણ ખબર હોતી નથી. ગંદું રાખવાની પરમ્પરા તોડી શકાય તેવી હિંમત પણ હોતી નથી.

કાર્લ માર્ક્સ શું ઘેર ઘેર ફરેલો સામ્યવાદ સમજાવવા કે અમલ કરાવવા? એક પુસ્તક રૂપે વિચાર મૂક્યો જેને સામ્યવાદ ગમતો હોય તે અમલ કરે. ગંદકી ગંદકી છે આ કોઈ પવિત્ર પ્રસાદ નથી તેવું કહેવાની હિંમત કરનાર, આંગળી ચીંધનાર આજે ભલે તમને નકારાત્મક લાગતો હોય સૌથી મોટું હકારાત્મક કામ તે જ કરી રહ્યો છે. ગંદકી આપણને સદીઓથી સદી ગઈ છે માટે ચોખ્ખાઈ રાખવામાં સ્વતંત્રતા હણાઈ જતી હોય તેવું લાગે છે, ગંદકી કરવાની સ્વતંત્રતા.. થૂંકવા માટે બે ડગલા ચાલી વોશબેસીન સુધી જવામાં જોર તો પડે જ ને? જાહેરમાં નાક ખંખેરવાની સ્વતંત્રતા કોઈ હણી લે તે ચાલે ખરું? અને જાહેરમાં નાક ખોતરવાની પરમ્પરા તો આપણી સંસ્કૃતિ છે તેના પર કોઈ તરાપ મારે તો નકારાત્મક અભિગમ કહેવાય કે નહિ? ડૉક્ટર ક્યાં નસ્તર મૂકશે? જ્યાં ગૂમડું હોય ત્યાં. ત્યારે એવું કહેવાના કે મારા પગે ગૂમડું છે તે નાં જુઓ, હકારાત્મક બનો મારા શરીરની સારી બાજુ જુઓ મારા બાવડા જુઓ કેટલા સરસ ફૂલેલા છે?

imagesCA1E1ID9મૂળ વાત વિવાદમાં પડવું નથી. વિવાદમાં પડવામાં જોખમ છે. ધર્મ અને સંસ્કૃતિના બની બેઠેલા રખેવાળો કાગારોળ કરવા માંડે છે. ગાળો ખાવી પડે છે. સર્વાઈવલ માટે થ્રેટ અનુભવાય છે. સામાજિક અસ્વીકારનું જોખમ ઊભું થઈ જાય છે. સામાજિક અસ્વીકાર એટલે ટોળાની બહાર નીકળી ભૂલું પડેલું ઘેટું બ્રેનમાંથી કૉર્ટીસોલ સ્ત્રાવ થતા બેં બેં કરવા માંડે તેવું સમજવું. ઍલ્ફાની નજરમાંથી ઊતરી જવામાં બહુ મોટું થ્રેટ અનુભવાય છે. બસ આ સામાજિક થ્રેટની બીકમાં વર્ષો સુધી લોકો સહન કરે જતા હોય છે. ખબર હોય છે ખોટું થઈ રહ્યું છે પણ સામાજિક રીતે એકલાં પડી જવાનો ડર એમને વર્ષો સીધું ચૂપ રાખવામાં કામયાબ બની જતો હોય છે. પછી જ્યારે લાગે કે હવે ઍલ્ફા નબળો પડ્યો છે હવે એના વિરુદ્ધ બોલીશું તો વાંધો નહિ આવે ત્યારે બોલવાની હિંમત આવે છે. એમાં દસ વર્ષ બળાત્કાર સહન કરતા નીકળી ગયા હોય. ત્યારે આપણને એના પર શંકા જાય કે અત્યાર સુધી કેમ નાં બોલી? ક્યાંથી બોલે? તમે ખુદ એ જગ્યાએ હોવ તો બોલો ખરા? એક બોલે પછી જેણે જેણે સહન કર્યું હશે તેઓનામાં થોડી હિંમત આવશે તે એક પછી એક બહાર આવશે.

સર્વાઈવલ માટે સંઘર્ષ કરતું મૅમલ સર્વાઈવલનાં જોખમે કદી સંઘર્ષમાં ઊતરે નહિ.

કંઠી v/s ટાઈ

untitled-=-કંઠી v/s ટાઈ

આપણે કોઈ સંપ્રદાયમાં જોડાઈએ એટલે તેના વડા આપણને કંઠી પહેરાવતા હોય છે. કંઠી તુલસીના મણકાની માળા હોય છે. કંઠીની જગ્યાએ બીજું કશું પણ સિમ્બૉલિક હોઈ શકે. વૈષ્ણવ સંપ્રદાય અપનાવો એટલે એકદમ ઝીણા તુલસીના મણકાની માળા ગાળામાં પહેરી રાખવાની હોય છે. દરેક સંપ્રદાયના આવા સિમ્બૉલિક ચિન્હો અલગ અલગ હોય શકે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કપાળમાં લાલ રંગનો ચીપિયો વચમાં પીળું બિંદુ હોય છે. જોઇને સમજી જવાય કે ભાઈલો સ્વામિનારાયણ સંપ્રદાયનો ભગત છે. સામે મળે એટલે સિમ્બૉલિક જય સ્વામિનારાયણ બોલે અથવા જયશ્રી કૃષ્ણ કે જય શ્રીનાથજી બોલે. જૈન હોય તો જય જિનેન્દ્ર બોલે. મને યાદ છે વિજાપુરમાં વૈષ્ણવ સંપ્રદાયના ચેલા બનાવે ત્યારે ગરમ ગરમ લોખંડની એક વિશિષ્ટ મુદ્રા ખભા ઉપર ચાંપી દેતા. થોડા દિવસ પાકે, ફોલ્લા થાય પણ પેલી મુદ્રા કાયમ માટે છપાઈ જાય. કે ભાઈ તમે અમારા વાડામાં ઘેટું બની પુરાઈ ગયા. હવે તમારે કશું વિચારવાનું નહિ, અમે કહીએ તેમ કરવાનું. તમારી આ લોક અને પરલોકની જવાબદારી હવે અમારી. સારું થાય તો ભરવાડ ડચકારો બોલાવે કે મારા પુણ્યપ્રતાપે જીવો છો અને કશું ગરબડ થાય તો કરમ ભોગવવા પડે એવો તકિયાકલામ ઇક્સક્યુઝ  સાંભળી લેવાની તૈયારી રાખવાની.

ઓશો કહેતા કે કંઠી પહેરનાર અને ટાઈ પહેરનારમાં કોઈ તાત્વિક ભેદ છે નહિ. ઓશો હોશિયાર તર્કશાસ્ત્રી હતા. પણ યુરોપિયન ટાઈ કેમ પહેરતા હશે? ટાઈ કોઈ ધાર્મિક સંપ્રદાયનું પ્રતીક નથી. ટાઈ પહેરવાનું કારણ આબોહવાને લાગતું છે. યુરોપમાં ઠંડી ખૂબ પડે છે. ઉત્તર અમેરિકામાં પણ પુષ્કળ ઠંડી પડે છે. ભારતમાં હાલ ગરમી હશે અહીં ઉષ્ણતામાન અત્યારથી ૯-૧૦ ડિગ્રી થવા માંડ્યું છે. જાન્યુઆરી-ડિસેમ્બરમાં તો દિવસે શૂન્ય અને રાત્રે માઈનસમાં ઊતરી જાય. ઘરમાંથી સામે બારણે પાર્ક કરેલી ગાડીમાં બેસવા જવું હોય તો પણ જૅકેટ, ગરમ કોટ વગેરે પહેર્યા વગર જવાય નહિ. કાર પણ પાંચદશ મિનિટ પહેલા ચાલુ કરી ગરમ કરવી પડે. ઠંડી જ્યાં જગ્યા મળે ત્યાંથી ઘૂસી જાય. અમે શિયાળો શરુ થતા બારીઓ પેટીપૅક હોય છતાં એની નાં દેખાતી તિરાડમાંથી ઠંડી ઘરમાં ઘૂસી નાં જાય માટે ટેપ લગાવતા હોઈએ છીએ. નહિતો ઘરનું ઉષ્ણતામાન જળવાય નહિ અને સેન્ટ્રલ હીટર આખો દિવસ ચાલુ જ રહે તો યુટીલીટી બીલ વધારે આવે. અમારા જ્યોતીન્દ્રકાકા તો કમરથી નીચેના ભાગમાં જ પાંચ કપડા પહેરે છે, પેન્ટ એ શ્રેણીમાં સૌથી ઉપર હોય. નીચે આટલાં બધાં પહેરતા હોય તો ઉપર કેટલા પહેરતા હશે? શર્ટનાં કોલરમાંથી ઠંડી અંદર ઘૂસી નાં જાય માટે તેને ટાઈ પહેરી જડબેસલાક બંધ કરવાની જરૂરિયાત હોય છે. શર્ટ ઉપર સ્વેટર, એની ઉપર કોટ અને એની ઉપર લાંબો ગરમ કોટ પહેરવો પડતો હોય ત્યાં ટાઈ કઈ રીતે અંધશ્રદ્ધાનું પ્રતીક બને?

ભારતની ગરમીમાં પાશ્ચાત્ય પોશાક અર્થહીન છે. ખરા ઉનાળામાં ટાઈ અને સ્યૂટ પહેરવા આંધળું અનુકરણ છે પણ તેમાં કોઈ અંધશ્રદ્ધા મને દેખાતી નથી. પણ હવે ધોતિયા પહેરીને કોઈ ઑફિસમાં જતું નથી. દક્ષિણ ભારતમાં લુંગી શું કામ પહેરતા હશે? અતિશય ગરમી લુંગી પહેરવા પ્રેરતી હોય છે. યુરોપિયન પહેલા આવ્યા ત્યારે જુના વખતમાં બ્રિચીસ પહેરતા. બ્રિચીસ એવા પેન્ટ હતા જે નીચેથી એકદમ ટાઈટ અને કમરના ભાગમાં ખુલ્લા. કાઠિયાવાડમાં ચોયણા પહેરે છે તેવું પણ કપડું જાડું હોય. આજના પેન્ટ હવે આખી દુનિયામાં પ્રચલિત થઈ ગયા છે. પહેરવેશમાં પણ ઇવલૂશન થતું જ હોય છે. કંઠીની જેમ ટાઈ કોઈ સંપ્રદાયનું પ્રતીક છે નહિ.

untitledઓશો પોતે એમના સંન્યાસીઓને બહુ લાંબી માળા પહેરાવતા અને વચમાં પેન્ડલ હોય એમાં એમનો ફોટો રહેતો સાથે મરુન કલરના કપડા ફરજિયાત હતા. શરૂમાં તેમના ચેલાઓ ઓરેન્જ કલરના કપડા પહેરતા પછી કલર મરુન થઈ ગયો. પણ એક વાત હતી કે તેમના સંન્યાસીઓ સંસારમાં આરામથી રહી શકતા, ભગવા પેન્ટ શર્ટ અને લાંબી માળા લટકાવીને તમામ સાંસારિક જવાબદારીઓ નિભાવતા. સંસારમાં રહીને સંન્યાસ સ્વીકારવાનો એક નવો કૉન્સેપ્ટ એમણે આપેલો. ‘ભાગો મત જાગો’ એમનું મુખ્ય સૂત્ર હતું. પણ ઓશો લોકોની ભાવનાઓને રમાડવાની ગજબ આવડત ધરાવતા હતા. છેવટે તો એમણે એમના સંન્યાસીઓને માળા અને ભગવા ફગાવી દેવાનો આદેશ આપેલો પણ ચેલાઓ એમ છોડે કાઈ? આજે એમના અમુક ચેલાઓ પોતેજ ઓશો બની ચૂક્યા છે. ઓશોની નકલ કરવામાં કોઈ અક્કલ વાપરતા નથી. ઓશોની જેમ મોટા મોટા રોબ પહેરતા હોય છે. એ રોબની બાયો એટલી મોટી હોય કે એક બાયમાંથી કોઈ પાતળી છોકરીનો પંજાબી ડ્રેસ બની જાય.

પાશ્ચાત્ય સંસ્કૃતિને ગાળ દેવાની એક ભારતીય ફૅશન છે. કારણ એના સિવાય આપણી પાસે બીજું કશું બચ્યું નથી. બટનથી માંડી મહાકાય ટાઈટેનિક પશ્ચિમે બનાવ્યા છે. આપણે માયથોલોજી કહો કે સાયન્સ ફિક્શન કહો રામ પુષ્પક વિમાનમાં ઊડતા હતા એવું ગાયે રાખ્યું ને રાઇટ બ્રધર્સે પુષ્પક બનાવી નાખ્યું. આપણે અગ્ન્યાસ્ત્રનું સાયન્સ ફિક્શન ગાયે રાખ્યુંને પશ્ચિમે મિસાઇલ બનાવી નાખ્યા. આપણે બ્રહ્માસ્ત્રનું ફિક્શન ગાયે રાખ્યું ને અમેરિકાએ જાપાન પણ ઝીંકી દીધું. છેક સતયુગ અને દ્વાપર યુગથી વાતો કરે જ રાખતા હતા ત્યારે માંડ કળિયુગમાં કલામે અગ્ન્યાસ્ત્રમાં પગભર કર્યા, થેન્ક્સ ટુ ઇન્દિરા ગાંધી અને થેન્ક્સ ટુ ડૉ અબ્દુલ કલામ, થેન્ક્સ ટુ નામીઅનામી હજારો વૈજ્ઞાનિકો જેમણે ભારતને અગ્ન્યસ્ત્ર પ્રોજેક્ટમાં પગભર કરવા રાતદિવસ સંશોધન કરે રાખ્યું, એમાં મારા મોટાભાઈ ડૉ જે.આર. રાઓલ પણ આવી જાય.

પાશ્ચાત્ય સંસ્કૃતિને સતત ભાંડે રાખતા RSS જેવા સંઘનાં યુનિફૉર્મમાં જે ખાખી ચડ્ડી છે તે પણ પાશ્ચાત્ય સંસ્કૃતિની જ દેન છે, અને બટન વગર ચડ્ડી હોય ખરી? રામ-કૃષ્ણ ક્યાં ખાખી ચડ્ડી પહેરતા હતા? બજરંગ દળનાં તાલીબાની માનસિકતા ધરાવતા કાર્યકરો ધોતિયા પહેરી પેલી છોકરીઓના જિન્સપેન્ટ ખેંચવા નહોતા ગયા, પાશ્ચાત્ય પેન્ટ પહેરીને જ ગયેલા. સાડી સુદ્ધાં પાશ્ચાત્ય છે તે મુરખોને ખબર નથી, ચંદ્રગુપ્તની ગ્રીક રાણી હેલને સાડી શોધેલી તેવું કહેવાય છે.

બીજી એક મસ્ત હસવું આવે ફૅશન કૉમન થઈ ગઈ છે. જો કોઈ બુદ્ધિગમ્ય વાત કરે તો બુદ્ધિજીવી કહીને ગાળો દેવાની એક સરસ ફૅશન ભારતમાં ચાલે છે. જાણે મૂર્ખા હોવામાં કોઈ મેડલ મેળવવા જેવી બાબત હશે. જો તમે તર્ક કરો તો ગાળના અર્થમાં કહેશે બુદ્ધિજીવી છે. માણસ બુદ્ધિનો ઉપયોગ કરે તો સારું કે ખોટું? તર્ક કરવો સારો કે ખોટો? મુરખોને ખબર નથી કે ભારતના ષડ્દર્શન તર્ક આધારિત હતા. હવે ષડ્દર્શન એટલે શું તે આ મહાન આસ્તીકોને ખબર નહિ હોય. એક જ વૈદિક સંસ્કૃતિમાં છ છ અલગ ફિલોસોફી, બધી તર્કશાસ્ત્ર આધારિત. બધી વેદમાન્ય. છતાં વેદથી અલગ એવી ચાર્વાર્કની વિચારધારા પાછી અલગ.. સૌથી મોટા તર્કશાસ્ત્રી કોણ હતા?

બુદ્ધિનો ઉપયોગ કરનારને ગાળો દેનારા મૂરખો જાણી લો કે સૌથી મોટા તર્કશાસ્ત્રી હતા આદિ શંકરાચાર્ય… તે જમાનાના સૌથી મોટા તર્કશાસ્ત્રી untitled=-=મંડનમિશ્રને વાદવિવાદમાં શંકરે હરાવેલા. આજે પોતાના બૈરામાં બુદ્ધિ હોવા છતાં ચુપ બેસ તને સમજ નાં પડે તેવું કહેનારા ચમ્પુઓને ખબર નહિ હોય મંડનમિશ્રનાં વિદુષી શ્રીમતીને કન્વિન્સ કરવામાં શંકરાચાર્યને ફાંફાં પડી ગયેલા. આ વાદવિવાદ જગતની મહાન ડિબેટ હશે જેનો ટેક્નોલૉજીના તે સમયના કુદરતી અભાવે આજે આપણી પાસે કોઈ રેકૉર્ડ નથી. શંકરાચાર્ય ૩૨ વર્ષે તો પ્લૅનેટ અર્થ છોડી વિદાય થઈ ગયેલા. આ વાદવિવાદ સમયે કેટલી ઉંમર હશે તેમની? મંડનમિશ્રે શંકરાચાર્યને એવું નહોતું કહ્યું કે તને નાના છોકરાને શું સમજ પડે? કે તને વાંઢાને શું ગમ પડે? તે મારા જેટલી દિવાળીઓ નથી જોઈ કે તું કુંવારો છે એટલે ‘ગે’ જ હોઈશ તને શું ખબર હોય? કે વડીલો આગળ દલીલ કરાય નહિ કે વડીલ કહે એટલે માની જ લેવાનું.. કે તું પરણેલો નથી તે તને કામશાસ્ત્રની શું ખબર હોય? કે તને કુંવારાને પ્રેમ વિષે શું ખબર હોય? મંડનમિશ્રનાં શ્રીમતીએ કામશાસ્ત્ર વિષે સવાલો પૂછેલા તે બધાના ઉત્તર કુંવારા બ્રહ્મચારી શંકરે આપેલા જ. એવું પણ નહોતું કહ્યું કે તું મુલ્લા વિષે કેમ બોલતો નથી કે મુસ્લિમ ધર્મ વિષે બોલ તો તને સમજ પડી જાય, કે ત્યા તો ફાટી જાય છે કે માથા કપાઈ જાય. બુદ્ધિના સાગરો સવાલ પૂછે તે પહેલા જણાવી દઉં કે શંકરાચાર્ય ભારતમાં વિચારતા હતા ત્યારે કેરાલામાં પહેલી મસ્જિદ બંધાઈ ચૂકી હતી.

 નાં કોઈ ગાળાગાળી નાં કોઈ અંગત આક્ષેપો અને હાર્યા પછી એક નાના છોકરા આગળ હારવામાં ગૌરવ અનુભવી ગળે લગાવી મંડનમિશ્રએ શંકરાચાર્યને આશીર્વાદ આપેલા. ડીબેટનાં આ બે મહારથીઓના દેશમાં આજે ડિબેટ કલ્ચર જ નાશ પામી ગયું છે. આસ્થા, શ્રદ્ધા અને ભક્તિના નામે શાસ્ત્રાર્થની વિદ્યાને કાયમી વિદાય આપી દેવાઈ છે.

પોશાકમાં ઉત્ક્રાંતિ થયા જ કરતી હોય છે. આજે અંગ્રેજો પણ વિક્ટોરિયન યુગના કપડાં પહેરતા નથી.

जानामि अधर्मम न च मे निवृत्ति: ઍશોઆરામ……

 जानामि अधर्मम न च मे निवृत्ति:

“In biology nothing is more important than reproduction”, આપણા સર્વાઈવલનો આ છેલ્લો ઉપાય છે. સર્વાઈવલ માટે આખી જીંદગી લડવું પડતું હોય છે. સમૂહમાં રહેવું તે પણ સર્વાઈવલનો એક ઉપાય જ છે. સમૂહમાં રહેવાથી સર્વાઈવલની તકો વધી જાય. આપણા પૂર્વજો આપણા કરતા સર્વાઈવલ માટે ખૂબ વધુ જહેમત ઉઠાવતા હતા. પેદા કરેલા બાળકો પણ ખૂબ ઓછા બચતાં. આપણા પૂર્વજોમાં પ્રાણીઓ પણ ગણી જ લેવાના. આપણા જિન્સ જીવતા રાખવા તે જેટલા જુદી જુદી જગ્યાએ ફેલાય તેમ કરતા રહેવાની યોજનાઓ બનાવતા રહેવું પણ આપણા જિન્સમાં જ છુપાયેલું હોય છે. વધારામાં આપણી પાસે વિચારશીલ બ્રેન છે. પ્રાણીઓ સીધાસાદા ઉપાયો અજમાવતા હોય. પણ આપણે મોટું બ્રેન ધરાવતા હોશિયાર પ્રાણી હોવાથી જાત જાતની યુક્તિઓ ઘડી કાઢતા હોઈ છીએ. સર્વાઈવલ માટે આખી જીંદગી લડતા રહેવાનું સાથે સાથે અંતિમ ઉપાય તરીકે આપણા જિન્સને જીવતા રાખવા નવી પેઢીમાં આરોપી દેવા મતલબ સંતાન પેદા કરી તેને મોટા કરી નાખવા તે સર્વાઈવલનો અંતિમ ઉપાય. એટલે તો માંબાપ બનીએ તેના કરતા પણ દાદા-દાદી બનીએ ત્યારે વધુ ખુશી થતી હોય છે. કારણ આતો એક વધારાની પેઢીમાં જિન્સ આરોપાઈને સર્વાઈવ થઈ ગયા છે તેની ગેરંટી મળી ગઈ. એટલે માંબાપ તરીકે તો સંતાન પ્રત્યે કઠોર બની શકાતું હોય છે પણ દાદા-દાદી તરીકે કઠોર બનવું અશક્ય છે. મારી વાત ખોટી હોય તો કહો. imagesCAG489IA=-

હવે પુરુષને એના જિન્સ જીવતા રાખવા પાર્ટનર તરીકે સ્ત્રી જોઈએ અને સ્ત્રીને પુરુષ. પણ સ્ત્રી પાસે લિમિટેડ એગ્સ હોવાથી ક્વૉલિટી તરફ વધુ ધ્યાન આપશે પણ પુરુષ ક્વૉલિટી કરતા ક્વૉન્ટિટી તરફ વધુ ધ્યાન આપશે. એટલે મોટું બ્રેન ધરાવતા હોશિયાર પ્રાણી હોવાથી અસંદિગ્ધ યુક્તિઓ શોધી કાઢતા હોઈએ છીએ એમાં જ ઍશોઆરામ અને નારાયણ કુસાઈ જેવા કુ-મહાત્મા ઉત્પન્ન થતા હોય છે જેને આપણે ઓળખી શકતા નથી. હાઈ સ્ટેટ્સ વગર સ્ત્રી માટે જિન્સ ઉછેરવા અઘરા હોવાથી અને પુરુષ માટે હાઈ સ્ટેટ્સ વગર સ્ત્રી મળવી મુશ્કેલ હોવાથી સૌ પ્રથમ હાઈ સ્ટેટ્સ અર્જિત કરવું સૌથી વધુ મહત્વનું હોય છે. એકવાર હાઈ સ્ટેટ્સ મળ્યા પછી ભલભલાં મહાપુરુષો, નેતાઓ, ધાર્મિક ગુરુઓ સ્ત્રીઓમાં કેમ ફસાઈ જતા હોય છે? ધર્મ પણ રાજકારણની જેમ હાઈ સ્ટેટ્સ મેળવાનું એક સાધનમાત્ર બની જતું હોય છે. કારણ એક તો પહેલેથી ગરીબ હોય, બીજી કોઈ ક્વૉલિટી હોય નહિ પૈસા કમાઈને હાઈ સ્ટેટ્સ મેળવવાની, કે એવી કોઈ આવડત હોય નહિ ત્યારે રામચરિતમાનસ કે મંજીરા-કરતાલ બહુ મદદરૂપ થઈ જતા હોય છે. જો કે તે પણ એક આવડત જ કહેવાય.

બાપનું જોઇને છોકરા શીખે તેમ બિલકુલ સરખી જ સ્ટ્રેટેજી ઍશોઆરામની એનો દીકરો નારાયણ કુસાઈ અપનાવે છે. બાપની જેમ જ કથા કરવી, સ્ટેજ ઉપર નાચવું. વધારામાં છોકરીઓના લગ્ન કરાવતી વખતે હાજરી આપી વરરાજાને બદલે પોતે સેંથામાં સિંદૂર પૂરે છે અને મંગળસૂત્ર પણ વરરાજાને બદલે પોતે પહેરાવે છે. છે ને હસવું આવે તેવું? વધુ તો મને આવું બધું કરવા દેનારાઓની માનસિક અંધતા ઉપર દયા અને હસવું આવે છે. પણ આ અંધોને વગર મહેનતે મોક્ષ જોઇતો હોય છે, વગર મહેનતે સર્વાઈવ થવું હોય છે, સર્વાઈવ માટે જે પડકારો આવે તેમાંથી રાહત જોઇતી હોય છે. જેની આ લફન્ગાઓ ગેરંટી આપતા હોય છે. પછી એકવાર એમના ચક્કરમાં ફસાયા પછી ડરાવતા હોય છે અને ડરના માર્યા કમજોર કાયર લોકો જે કહે તે કરવા તૈયાર થઈ જતા હોય છે. મારું ચાલે તો ઍશોઆરામ, નારાયણ કુસાઈ સાથે એમની સામે આજે ફરિયાદ કરનારા બધાને સાથે જ જેલમાં પૂરી દઉં. મોંઘીબાનો સસ્તો દીકરો ભારતને બહુ મોંઘો પડ્યો.

એક ઍશોઆરામ સમાજમાં ઊભો થાય છે તેના માટે આપણે પોતે પણ એટલા જ જવાબદાર છીએ, આપણો લોભ, લાલસા અને ડર પણ એટલો જ જવાબદાર છે. ઍશોઆરામ કોઈ સંત-બંત છે નહી, એ હાઈ ટેસ્ટાસ્ટેરોન ધરવાતો ઍલ્ફા ચિમ્પૅન્ઝી સમજો, જે એના સમૂહ ઉપર ધાક જમાવવા આખો દિવસ બધાને ઝૂડતો હોય, બૂમો પાડતો હોય, ગૃપની માદાઓ ઉપર જોરતલબી કરતો હોય. ઍશોઆરામ એના હિંસક વલણ માટે જાણીતો છે. હાઈ ટેસ્ટાસ્ટેરોન આક્રમક સ્વભાવ આપતો હોય છે. એને હાઈ રાખવા બાવો જાતજાતના નુસખા પણ અજમાવતો હશે, વાજીકરણ હર્બલ દવાઓ ખાતો હશે. આને મિલ્ખાસિંઘ સાથે દોડાવ્યો હોત તો નક્કી ગોલ્ડ મેડલ લઈ આવતો.

મેં વડોદરામાં એક પુરુષ પણ પોતાને માડી મતલબ માતાજી તરીકે ઓળખાવતા ભાઈને જોયા છે. તેઓના ભક્ત જો એમના દરબારમાં નિયમિત હાજરી પુરાવે નહિ તો ધમકી આપતા કે માડીના દરબારમાં હાજરી પુરાવતા નથી પછી કહેતા નહિ કે માડીએ તકલીફ આવી ત્યારે સામું જોયું નહિ? તેઓ થોડી પ્રેક્ટીશ હોવાથી ગરમ તેલમાં પુરીઓ તળવા નાખતા અને હાથથી જ ઉપાડી લેતા, ચીપિયો વાપરતા નહિ ત્યારે બધાને ચમત્કાર લાગતો અને મને મારા ખેડૂત શંકર ડાભલ અને કચરો યાદ આવી જતો કે તેઓ સળગતા અંગારા ઉપાડીને ચલમ ઉપર મૂકી ફૂંકવા માંડતા. હું કહેતો પણ ખરો કે અલ્યા ડોહા આ સળગતો અંગારો ઉપાડો તો દાઝતા નથી? ત્યારે તેઓ હસતા કે બાપુ આ હાથ તો જુઓ પાવડા પકડી પકડી સખત થઈ ગયા છે અંગારો શું દઝાડે?

ચાલો માની લઈએ કે તમે ભગવાનમાં માનો છો તે બરોબર છે. તો ભગવાન એકલા મારો કે તમારો હોય ખરો? પહેલું તો ભગવાન કોઈ વ્યક્તિ હોય ખરો? અને હોય તો બીજા પ્રાણીઓનું શું? એમનો ભગવાન કેવો હશે? ચાલો છે અને હું એને ભજું તો મને હાર્ટઅટૅક આવે અને બચાવે તો પેલાં લાખો લોકો એને માનતા હોય છે, રોજ પ્રાર્થના કરતા જ હોય છે અને હાર્ટઅટૅકમાં કે બીજા કોઈપણ કારણસર મરી જતા હોય છે તેમની કેમ ફેવર કરી નહિ? જેને આપણે પ્રગટ બ્રહ્મ કહીએ છીએ તેઓ પણ હાર્ટઍટૅકમાં સપડાય ત્યારે શું માનવું? કર્મના નિયમના ઇક્સક્યુઝ મારે નથી જોઇતા. એ તમામ બાબતોમાં બહુ સરસ ઇક્સક્યુઝ બને છે. આ એક ઇક્સક્યુઝ બતાવીને જ બાવાઓ તેમની જવાબદારીમાંથી છટકી જતા હોય છે. ભગવાન મારી ફેવર કરે અને તમારી નાં કરે તો પછી ભગવાન ભેદભાવ કરે છે તે સાબિત થઈ જાય. ભગવાન મારા તમારા વચ્ચે ભેદ કરે ખરો? અને કરે તો ભગવાન શાને કહેવાય? પહેલું તો મારો અને એક મુસલમાનનો અને એક ક્રિશ્ચનનો ભગવાન જુદો જુદો કેમ હોય? બધા અવતાર મારે ત્યાં જ થાય અને ચીનમાં કેમ નાં થાય?

ભગવાન એક હોય કે હજારો લાખો હોય? દસ દસ અવતારો જ્યાં થયા હોય તેવી પુણ્યભુમી ફક્ત એક જ ભગવાનમાં માનનારી પ્રજાઓના હાથ નીચે આશરે હજાર વર્ષ ગુલામ કેમ રહી? શું આખા ભારતે એટલા બધા પાપ ગત જન્મોમાં કર્યા હશે? એક પેઢી ૬૦ વર્ષની ઍવરિજ ગણીએ અને ઇગ્ઝૅક્ટ ૬૦ વર્ષે મરવા સમયે છોકરા પેદા થાય ત્યારે ૧૫ પેઢી થાય. તો ૧૫ પેઢી ગુલામ રહી કે નહિ? પંદર પેઢીઓ સુધી કયાં પાપના પ્રતાપે ગુલામી વેઠીને અચાનક આઝાદ થઈ ગયા?

ચાલો હવે કર્મના નિયમ તરફ આવીએ. કર્મનો નિયમ સચોટ હોય અને કર્મના ફળ ભોગવવાના જ હોય તો પછી ભગવાનની હોય તો પણ શું જરૂર છે? ભગવાન હોય તો પણ કર્મના ફળમાંથી બચાવવાનો છે જ નહિ તો હોય કે નાં હોય શું ફરક પડે છે? હોય તો એને એનું કામ કરવા દો. શૂળીનો ઘા સોયથી સરે તેવું કહેનારા કર્મના નિયમને ખોટો પાડે છે. શૂળીનો ઘા સોયથી સરે તો કર્મનો નિયમ જ ખોટો ઠરે. કર્મના નિયમને માનો અથવા ભગવાનને માનો.

આપણો પ્રૉબ્લેમ એ છે કે આપણે ભગવાન અને કર્મના નિયમ બંનેને સાથે માનીએ છીએ. એક બાજુ કહીએ છીએ કે ભગવાન બચાવે અને એકબાજુ કહીએ છીએ કરેલા કર્મ ભોગવવા પડે. મોસ્ટ કન્ફ્યૂઝ્ડ પ્રજા છીએ આપણે. બંને સાથે પણ માની શકાય પણ એમાં ભગવાનને એનું કામ કરવા દો, ના એ કોઈની ફેવર કરે નાં એ કોઈનું બગાડે, તમારી જવાબદારી તમે ભોગવો, નાં એ કોઈનો જુદો હોય. નાં એ દયાળુ હોય નાં એ ક્રૂર હોય. હોય તો બધે જ હોય, કણ કણમાં હોય અથવા કશે નાં હોય. હવે બધે કણ કણમાં હોય તો પણ કામનો નથી અને બધે નાં હોય તો કોઈ સવાલ જ નથી. પણ આપણે બધા લાડવા એક સાથે ખાવા છે. બસ અહીં જ ધૂતારાઓની લીલા શરુ થાય છે. આપણા ડર આપણા લોભ, લાલચ અને કન્ફ્યૂઝન નો મહત્તમ ઉપયોગ કરવાનું જેને આવડી જાય તે મોટો મહાત્મા મોટો ગુરુ બની જાય છે.

જેવો ગુરુ ધન, પદ, સત્તા મેળવી હાઈ સ્ટેટ્સ પ્રાપ્ત કરી લે છે કે તરત ઇવલૂશનરી ફોર્સને તાબે થઈ મહત્તમ જિન્સ ફેલાવવા અચેતનરૂપે સ્ત્રીઓ પાછળ લાગી જતો હોય છે. સ્ત્રીઓ પાછળ લાગી જવાની લાંબી યોજના રૂપે હાઈ સ્ટેટ્સ યેનકેન પ્રકારે પ્રાપ્ત કરાતું હોય છે તેમ કહેવું વધુ યોગ્ય છે. નેતાઓ પણ અન્કૉન્શયસલી આજ કરતા હોય છે.

 કર્મના નિયમમાંથી ભગવાન પણ બચાવી શકવાનો નાં હોય તો ગુરુ ક્યાંથી બચાવશે? તો પછી ગુરુને તાબે થવાની ક્યાં જરૂર છે? ગુરુ પોતે જ હવે જેલમાં ગયા છે તેમને કોણ બચાવશે? તમે કોઈ વ્યક્તિને ભગવાન માની લો અને જ્યારે તે આપણા માટે કશું કરી નાં શકે ત્યારે બહુ મોટો આઘાત લાગતો હોય છે. તે વ્યક્તિ પોતે જ મજબૂર હોય છે. એના પોતાના પ્રૉબ્લેમ્સ અનેક હોય છે, તે પોતે વળી બીજા ભગવાનને કગરતો હોય છે કે મને બચાવ. એને પણ ચૂંટણી લડવાની હોય છે. એને પણ દિલ્હી જવું હોય છે, એમાય પાછાં એના ગુરુ નડતા હોય છે. કારણ ગુરુને પણ દિલ્હીની ગાદી કબજે કરવાનો મોહ હોય છે.

ફક્ત સર્વાઇવલની અને શબ્દો વગરની કેમિકલ્સની ભાષા જાણતું નાનું મગજ કાયમ હાવી થઈ જતું હોય છે. મોટું મગજ જે વિચારશીલ છે તે બધું જાણતું હોય છે પણ છેવટે કરોડો વર્ષથી તમારા અસ્તિત્વ માટે કારણભૂત છે, જે ગમે તેવી વિષમ સ્થિતિઓ હોય તમને કરોડો વર્ષોથી બચાવતું આવ્યું છે તે મૅમલ બ્રેન હાવી થઈ જતું હોય છે. એટલે દુર્યોધન કહેતો હતો કે ધર્મ શું તે હું જાણું જ છું પણ તેમાં પ્રવૃત્ત થઈ શકતો નથી, અને અધર્મ શું તે હું જાણું છું પણ એમાંથી નિવૃત્ત થઈ શકતો નથી. जानामि धर्मम न च मे प्रवृत्ति:, जानामि अधर्मम न च मे निवृत्ति: ખરેખર તો મૅમલ બ્રેન કોઈ અધર્મ આચરતું નથી તેનો તો એક જ ધર્મ છે યેનકેન પ્રકારે તમને બચાવવાનો તે પણ સદીઓ સુધી..

દોઢડાહ્યાઓએ કહેલો ધર્મ જો મૅમલ બ્રેને માન્યો હોત તો આજે આપણું અસ્તિત્વ જ ના હોત..

                                                                                                                           ભૂપેન્દ્રસિંહ રાઓલ

                                                                                                                            ૧૦ સપ્ટેમ્બર, ૨૦૧૩

                                                                                                                             એડિસન, ન્યુ જર્સી.

ગપોડી લેખકો-૨

ગપોડી લેખકો-૨

એચ. ચતુર્ભુજ નામના એક લેખકનો લેખ હમણાં વાંચવામાં આવ્યો લેખ હતો ગાયત્રી પરિવારના સ્થાપક પંડિત શ્રી. રામશર્મા આચાર્ય વિષે. શ્રી. રામ શર્મા બહુ મોટા વિદ્વાન હતા. વેદોના સરળ ભાષ્ય એમણે હિન્દીમાં કર્યા છે. ખાસ તો સ્ત્રીઓ પણ ગાયત્રીમંત્ર રટણ કરી શકે તે એમણે શરુ કરેલું. અહીં વાત લેખકે મારેલા ગપ વિષે કરવી છે. એટલે શ્રી. રામ શર્માના ચાહકો એમને વચમાં લાવતા નહિ તેવી વિનંતી છે. લેખકે લખેલું શબ્દશઃ નીચે ઉતારુ છું.

“લગભગ સવાસો વર્ષ પહેલા, મૃત્યુલોકની મુલાકાત અને ભારત ભ્રમણ વેળા, નારદજીને જ્ઞાન થયું કે બ્રાહ્મણોએ વેદમાતા ગાયત્રીને કેદ કે બાનમાં રાખેલ છે. ફક્ત બ્રાહ્મણો જ અને તેમાં પણ ફક્ત પુરુષ વર્ગ જ અમોઘ ગાયત્રી મંત્રોચ્ચાર કરી શકે, બ્રાહ્મણ સ્ત્રીઓ કે ઈતર જ્ઞાતિના લોકો તે કરી શકે નહિ. આ પહેલાં એક સમય એવો હતો કે જ્યારે બધીજ જ્ઞાતિ કે વર્ણનાં, નર કે નાર, સર્વે ગાયત્રી મંત્રના અધિકારી હતા. પછી બ્રાહ્મણોએ, નિજ સ્વાર્થ માટે કઈ બંધનો મૂક્યા અને ગાયત્રીગાન પર ધાર્મિક પ્રતિબંધ મૂક્યો. શ્રી નારદજીએ શ્રી વિષ્ણુ ભગવાનને માહિતી આપી. તુરત દેવોની સભા બોલાવાઈ, તાત્કાલિક એક દેવને વેદમાતા ગાયત્રીના બંધનો તોડવા મૃત્યુલોકમાં મોકલ્યા, ઉપરોક્ત દેવદૂતને, વેદમાતા ગાયત્રીના બંધનોમાંથી મુક્ત કરી, સર્વજન માટે ઉપલબ્ધ કરે તેવી સૂચના અપાઈ. ફલસ્વરૂપ દેવદૂતનો જન્મ તા. ૨૦ સપ્ટેમ્બર ૧૯૧૧માં પિતા વિદ્વાન સદગૃહસ્થ પંડિત રૂપકુમાર શર્મા અને માતા તપસ્થિતિ દાનકુંવરનાં કુટુંબમાં પુત્રરૂપે, ગ્રામ-સ્થળ-આવંલ ખેડા(ઉત્તરપ્રદેશ)ભારતમાં થયો. તેમનું શુભનામ શ્રીરામ શર્માજી.”

એક અન્ય ફકરામાં લેખક ઉમેરે છે, “ વળી ભારતભરમાં ફેલાયેલ આ ધાર્મિક, સમૃદ્ધિ, સાત્વિક સંસ્થાનો કાર્યભાર કે સોંપણી તેઓના સુપુત્રને આપવાને બદલે એક ગાયત્રી ઉપાસક એવા ગોલ્ડમેડાલીસ્ટ મેડીકલ ડૉક્ટર શ્રી પ્રણવ પંડ્યાને સોંપ્યો.”

ઉપરની વાર્તા વાંચી? સવાસો વર્ષ પહેલાં નારદજી ભારતમાં ફરવા આવેલા..હહાહાહાહાહાહાહા વિષ્ણુ ભગવાનને માહિતી આપી, દેવોની સભા બોલાવાઈ વગેરે વગેરે કેવી મજાની કલ્પના છે? આ આખો લેખ શ્રી. રામ શર્માજીનો પરિચય આપવા લખાયેલો છે. એક મોટું ગપ એ માર્યું છે કે રામશર્માએ એમના પુત્રને એમની સંસ્થાનો કારોબાર નાં સોંપ્યો પણ ડૉક્ટર પ્રણવ પંડ્યાને સોંપ્યો. હવે સત્ય એ છે કે રામશર્માજીને પુત્ર છે જ નહિ..હહાહાહાહાહા એક દીકરી જ છે અને ડૉ. પ્રણવ પંડ્યા એમના જમાઈ જ છે.

ધાર્મિક મહિલાઓ જે ગાયત્રીગાનથી વંચિત હતી તેઓ માટે રામ શર્માજીએ બહુ મોટું કામ કર્યું છે. સ્ત્રીઓ પણ યજ્ઞાદી કર્મકાંડ કરાવી શકે તેવું સુધારાવાદી પગલું તેમણે ભરેલું. એમની હયાતીમાં તેઓ મોટાભાગે એકાંતવાસ ગાળતા ત્યારથી એમની સંસ્થાનો વહીવટ એમના ધર્મપત્ની ભગવતીદેવી શર્મા સંભાળતા. હવે એમના નિધન પછી એમના પુત્રી અને જમાઈ સંભાળે છે.

મૂળ વાત લેખકની અદ્ભુત કલ્પના શક્તિની છે. છેલ્લે લેખક ઉમેરે છે કે ‘ લેખક ૧૦૦ ટકા બ્રાહ્મણ છે. વિનંતી કે કોઈ બંધ બેસતી પાઘડી પહેરે નહિ.’ શું બીજા બ્રાહ્મણો ૧૦૦ ટકા બ્રાહ્મણ નહિ હોય?…

ડાર્વિન સામે બોલાય નહી ? બોલાય. કેમ ના બોલાય ?

th=-ડાર્વિન સામે બોલાય નહી ? બોલાય. કેમ ના બોલાય ?

ઘણાં મિત્રોની માનસિકતા ઉત્ક્રાંતિમાં માનવા જ તૈયાર હોતી નથી. ઉત્ક્રાંતિ તો હરપળે ચાલું જ હોય છે પણ આપણને દેખાતી નથી. આપણે મહામાનવો અને ક્ષુદ્ર વાનર આપણો પૂર્વજ કઈ રીતે હોઈ શકે ? જે મનુષ્યોએ ભવ્ય ગ્રંથો તૈયાર કર્યા હોય, વેદોની રચના કરી હોય, ખગોળનું અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, શૂન્યનું સર્જન કર્યું હોય, ગણિત અને ભાષાની રચના કરી હોય સૂર્ય અને ચન્દ્રગ્રહણની સચોટ આગાહી કરી હોય એ મનુષ્ય શું વાનરનો વંશજ હોઈ શકે ? આપણાં મનમાં આવા અનેક સવાલો ઊઠતા હોય છે. એવું લાગતું હોય છે કે માનવી કોઈ સ્વર્ગ જેવા ઉપગ્રહમાંથી અહીં ભૂલો પડી ગયો હશે. એનું વિમાન બગડ્યું હશે અને કમનસીબે અહીં પૃથ્વી ઉપર રોકાઈ જવું પડ્યું હશે.

ઉત્ક્રાંતિનો પ્રોસિજર ખૂબ ધીમો હોય છે. ઘણાં મિત્રોના મનમાં અનેક સવાલો ઊઠતાં હોય છે. સવાલો ઊઠવા જ જોઈએ એનાં વગર જ્ઞાન આગળ કઈ રીતે વધે ? વાનરમાંથી ઉક્રાંતિ થઈ માનવ બન્યો એટલે દર વખતે જરૂરી ના હોય કે દરેક માનવ વાનરમાંથી પેદા થાય. આપણે એવું વિચારીએ કે હવે વાનર રહેવા જ ના જોઈએ બધા માનવ બની જાય તેવું પણ ના બને. કરોડો અબજો વર્ષે ધીમે ધીમે જીવો વિકસતા હોય છે. પુંછડીવાળા વાનરોમાંથી કશું બન્યું હશે કોઈ જિનેટિક ફેરફાર મ્યુટેશન થયું હશે કે એક વાનર પ્રજાતિમાંથી જરા જુદી જાતનો પૂંછડી વગરનો વાનર પેદા થયો હશે, એટલે જરૂરી નથી કે દરેક વખતે અને દરેક વાનર પેટાજાતિમાંથી પૂંછડી વગરના વાનરો પેદા થવા જ જોઈએ.

એક સાદો દાખલો આપુ તો સમજવામાં સરળ રહેશે. જૂનાગઢના નવાબના અંગત બગીચામાં ‘જમાદાર’ નામની કેરીનો એક આંબો હતો. એકવાર એની એક ડાળી ઉપર જરા જુદી જાતની કેરી બેઠી હતી. નવાબે એ ડાળ ઉપરની તમામ કેરીઓ જુદી તારવવાનો હુકમ આપ્યો. કેરી બહુ સરસ મીઠી હતી, એની સોડમ પણ અલગ જ હતી. કોઈ કુદરતી મ્યુટેશન થયું હોવું જોઈએ. એ કેરીના ગોટલા ભેગાં કરી ફરી વાવીને એની જાત ફેલાવવામાં આવી તે આજની જગમશહૂર ‘કેસર’ કેરી. હવે દર વખતે ‘જમાદાર’ કેરીમાંથી જ કેસર પેદા કરવી થોડી પડે ? અને જમાદાર કેરી તો રહી જ અને કેસર નવી બની. વાનર તો રહ્યો જ અને એમાંથી માનવ મળ્યો. હવે જરૂરી નથી કે જમાદાર કેરીના તમામ ગુણ કેસરમાં જોઈએ જ. વાનર ચાર માળ પલકમાં ચડી જાય, ઝાડ ઉપર કુદકા મારે તો માનવે જરૂરી નથી વાનરવેડા કરવા જ પડે, કરતા હોય છે તે વાત જુદી છે.

thCAEH5X03માનવ એવરેસ્ટ ચડે છે વાનરો નથી ચડતા. કૂતરાં કરતાં ચિમ્પૅન્ઝી પાસે ત્રણ ગણું મોટું બ્રેન છે અને ચિમ્પૅન્ઝી કરતાં માનવ પાસે ત્રણ ગણું મોટું બ્રેન છે. માનવ પ્લેન શોધે છે વાનરો નહી ભલે એક અગાસી ઉપરથી બીજી અગાસી પર હવાઈપ્રવાસ કરતાં કૂદી જતાં હોય. હવે આપણે અગાસીઓ કૂદવા જઈએ તો પ્લેન ક્યારે શોધીશું ?

એક બુદ્ધિશાળી મિત્રના મનમાં સવાલ ઊઠ્યો કે સર્પમાંથી કે હાથીમાંથી કેમ મનુષ્યો પેદા ના થયા ? એમને અહીં દેખાયું નહી કે ઉત્ક્રાંતિને કારણે સર્પ જેવાં જીવોમાંથી સસ્તન પ્રાણીઓ પેદા થયાં અને એમાંથી જ ઉત્ક્રાંતિ થઈને વાનર જેવાં બુદ્ધિશાળી પ્રાણી પેદા થયાં. સર્પ અને માનવ વચ્ચે અગણિત કડીઓ પેદા થઈ એને જ તો ઉક્રાંતિ કહેવાય. સર્પમાંથી જ માનવ પેદા થયો છે પણ સર્પ અને માનવ વચ્ચેની અસંખ્ય કડીઓ જોવાની દરકાર આપણે કરતાં નથી. સર્પમાંથી સીધો માનવી પેદા થાય તો ઉત્ક્રાંતિ ના કહેવાય. બ્રેન પણ જુઓ હજુ આપણી પાસે સર્પનું બ્રેન પણ છે અને આદિમ પ્રાણીઓનું આદિમ મૅમલ બ્રેન પણ છે. આપણે રેપ્ટાઇલ બ્રેન ઉપર મૅમલ બ્રેન એની ઉપર કૉર્ટેક્સ ધરાવીએ છીએ.

મધર નેચરની કરામત જુઓ નવી જાત પેદા કરે છે પણ જુની જાત સાથે સાથે જાળવી રાખે છે. ઉત્ક્રાંતિ વાનરમાંથી માનવ પેદા કરે પણ વાનરનો નાશ નથી કરતી. એક બાપના બે દીકરા હોય એક જરા જુદી જાતનો ખોડીલો પેદા થાય અને એક એના બાપ જેવો અદ્દલ હોય. હવે બાપ જેવા અદ્દલ દીકરાની જાત પણ કુદરત જાળવી રાખે અને પેલાં ખોડીલાંની જાત પણ આગળ વધે. હવે આ ખોડીલો આગળ જતાં વિશિષ્ટ પ્રકારનો ગણાય એવું માનવમાં સમજવું. બાપ જેવો અદ્દલ એટલે ચિમ્પૅન્ઝી ગણો.. અને ખોડીલો દીકરો માનવ સમજો. ૬-૮ મિલ્યન વર્ષ પહેલાં આ પૃથ્વી ઉપર પૂંછડી વગરના એપ્સ નો દબદબો હતો. મોટાભાગની નાશ પામી ગઈ. ફક્ત ચાર-પાંચ જ બચી છે. ગરિલા(Gorilla), ગિબન(Gibbon), ઉરાંગઉટાંગ અને ચિમ્પૅન્ઝી-બોનોબો, ચિમ્પૅન્ઝી અને બોનોબો કાકા-બાપાના ભાઈઓ જેવાં છે. પાંચમી કે છઠ્ઠી ગણો તો આપણે મહામાનવો. આપણે નસીબદાર છિયે કે આમાંની એક ગિબન આપણાં આસામના જંગલોમાં છે.

૬૦ લાખ વર્ષ જુનું એક ફોસિલ મળ્યું છે, એનો અભ્યાસ કરતાં જણાયું કે કોઈ જિનેટિક ખોડ આવતાં એ પ્રાણી બીજાં પ્રાણીઓની જેમ ચાર પગે ચાલવા અસમર્થ બન્યું તે આજના માનવીનો પૂર્વજ હતું. ઉત્ક્રાંતિએ કોઈ પ્રાણી બે પગે ચાલે તેની ભવિષ્યની યોજના રૂપે સંપૂર્ણ ચાર પગે ચાલતા વાનરો કરતાં ચિમ્પૅન્ઝી જેવાં પ્રાણીઓને નકલ વૉકિન્ગ કરતાં કરી દીધાં જ હતાં. ચિમ્પૅન્ઝી જેવાં પ્રાણીઓ આગળના બે પગ બીજાં પ્રાણીઓ જેવા નથી મૂકતા અને થોડો સમય બે પગે ઊભા થઈને પણ ચાલે છે.

૩૦ લાખ વર્ષ જુનું લુસી નામનું ફોસિલ મળ્યું છે જે અર્ધ માનવી અર્ધ વાનર છે. આ ઉત્ક્રાંતિ જ છે. પણ જે જાતો ફિટ અને ફ્લેક્સિબલ રહેતી નથી તેનો નાશ પણ થઈ જાય. એવી તો કેટલીય જાતો સંપૂર્ણ નાશ પામી જ છે. લુસી જેવી જાત આજે જોવા ના પણ મળે. મળેલા ફોસિલ આધારે વૈજ્ઞાનિકોનું માનવું છે કે જુદી જુદી જાતની ચાર જાત માનવોની આ પૃથ્વી ઉપર હતી. જે કદાચ જુદી જુદી જાતના વાનરોમાંથી ઉત્ક્રાંતિ પામી હશે. એમાંથી નિએન્ડરથલ તો ઉત્તર ગોળાર્ધના કાતિલ ઠંડા હવામાનમાં જીવવા ટેવાએલા હતાં. જર્મનીની એક ખીણમાંથી ૩૦૦ હાડપિંજર મળ્યાં છે એને નિએન્ડરથલ વેલી કહે છે. પણ હવે નિએન્ડરથલ માનવી રહ્યા નથી.

મહકાય મેમથ હાથીઓ આજે રહ્યા નથી પણ એના પૂરાવા છે જ, તેમ બકરી જેવડા હાથીઓના ફોસિલ પણ મળ્યા છે. વેંતિયા માનવીની વાર્તાઓ ખોટી નથી. ઇન્ડોનેશિયામાંથી એક બાળકનું મનાતું ફોસિલ મળ્યું જે પુખ્ત ઉંમરની સ્ત્રીનું નીકળ્યું હતું. મોટામસ ડાયનોસોર તો નાશ પામી ગયા પણ નાના ડાયનોસોર અને હાલના પક્ષીઓની વચ્ચેની કડીરૂપ પાંખો વિકસી હોય તેવાં ડાયનોસોરના ફોસિલ પણ મળ્યાં જ છે. અમુક મૂરખો ઉત્ક્રાંતિના આ જ પુરાવાઓનો ઉત્ક્રાંતિ ખોટી છે તેવું સાબિત કરવા કરતા હોય છે ત્યારે ખૂબ હસવું આવે છે.

આ વિજ્ઞાન જગતમાં તમે કોઈ થીઅરી મૂકો તો લાખ સાબિતીઓ આપવી પડતી હોય છે. આઈનસ્ટાઈન એક સમીકરણ વિજ્ઞાન જગત આગળ મૂકે તો હજારો વૈજ્ઞાનિકો એને ખોટું પાડવા ખાઈખપુચીને એની પાછળ પડી જતાં હોય છે. એકલાં હિટલરે હજાર-પંદરસો વૈજ્ઞાનિકો આઈનસ્ટાઈનને ખોટો પાડવા રોકેલા જ હતા. પણ વિજ્ઞાન જગત એ બાબતે પ્રમાણિક હોય છે. એ લોકોનું કશું વળ્યું નહી, ત્યારે આઈનસ્ટાઈન બોલ્યા હતા કે મારો સિદ્ધાંત ખોટો હોત તો એને ખોટો પાડવા એક જ વૈજ્ઞાનિક કાફી હોત.

ડાર્વિન સામે બોલાય નહી ? બોલાય. કેમ ના બોલાય ? કોઈ બોલ્યું નહી હોય તેવું માનો છો ? આ કોઈ બાવાઓનું જગત છે કે બાવાજી એ કહ્યું એટલે માની લીધું ? જા બચ્ચા સૂરજદાદા કો એક લોટા જળ ચડા દેના મેરા વચન હૈ તેરા કલ્યાણ હો જાવેગા, તાળીઓ પાડી બાવાજીના ગંદા ચરણે પડી મનમાં ખુશ થતાં ભાઈ ચાલી નીકળ્યા કે હવે તો એક લોટા ટાંકીના પાણીને બદલે આખું રાજપાટ મળી જવાનું. અરે ! મૂરખ તારા લાખો પેસિફિક અને કરોડો હિંદ મહાસાગર એક પલમાં સૂરજદાદા આગળ બાષ્પ બની જાય તેની નજીક જાય તો. ગરમ વસ્તુ ઠંડી પાડવા આપણે એના ઉપર પાણી રેડીએ છીએ, દાઝી જવાય તો એના પર પાણી રેડીએ એમ બાવાજીના મનમાં સૂર્યને એક લોટા જળમાં ઠંડા પાડી દેવાય તેવું હશે.

પ્રૉબ્લેમ એ છે કે આપણે કહેવાતા ધર્મના જગતમાં એના ઠેકેદારોના મૂર્ખામી ભર્યા ફતવાઓ સામે બોલી શકતા નથી એટલે લાગે કે વિજ્ઞાન જગતમાં ડાર્વિન કે આઈનસ્ટાઈન જેવા લોકો સામે કોઈ બોલતું નહી હોય કે બોલ્યું નહી હોય. ડાર્વિન એની થીઅરી બહાર મૂકતાં ગભરાતો હતો. ચર્ચ તો સામે ઊભું જ હતું પણ બીજા વૈજ્ઞાનિકો પણ એને ખોટી પાડવા તૈયાર ઉભા હતાં. વૈજ્ઞાનિકોના ગળા રહેંસી નાખવા ચર્ચ જાણીતું હતું એ તમને ક્યાં ખબર છે ? બાવાજી બૂટી સુંઘાડે અને લોકો માની જાય તેવું વિજ્ઞાનવિશ્વમાં હોતું નથી. આપણા જેવા બાલિશ નહી પણ નક્કર સવાલો લઈને બીજા વૈજ્ઞાનિકો ઊભા હોય છે. ડાર્વિને તૂત ચલાવ્યું હોત તો વૈજ્ઞાનિકોએ ક્યારનું ફેંકી દીધું હોત.

અરબો દ્વારા આપણું ગણિત પશ્ચિમ પહોચ્યું ત્યારે ૧૩મી સદીમાં ચર્ચે શેતાનનું કામ છે કહી બૅન કરી દીધેલું. અરબસ્તાનમાં પહેલીવાર ટેલિફોનના તારનું જોડાણ કરવામાં આવ્યું ત્યારે મુલ્લાઓએ ધર્મ વિરુદ્ધ છે કહી જોરદાર વિરોધ કરેલો. હવે પયગંબરના સમયમાં ટેલિફોન હતા પણ નહી કે એની વિરુદ્ધ કશું લખ્યું હોય. સુલતાન ઇબ્ન સઉદને સરસ મજાની યુક્તિ સૂઝી. તેમણે ટેલિફોન પર કુરાનના પાઠનું વાંચન ચાલુ કરાવ્યું અને એક જાહેરસભા બોલાવીને પ્રચાર કર્યો કે જે વ્યવસ્થા કુરાનનો પાક સંદેશો લોકો સુધી પહોંચાડતી હોય તે ધર્મ વિરુદ્ધ ગણી શકાય નહી.

પ્રાચીન હિંદુ મનીષીઓ પાસે ઉત્ક્રાંતિની સમજ હતી. એમણે પ્રતીક રૂપે જે અવતારોની કલ્પના કરી છે તેમાં ઇવલૂશનની સમજ ભારોભાર દેખાય છે. સમુદ્રમાં જીવન શરૂ થયું છે માટે પાલનહાર પ્રતીક વિષ્ણું સમુદ્રમાં વિરાજમાન છે. પ્રથમ ભગવાન માછલી હતા તેવું ઉત્ક્રાંતિની સમજ વગર ના કહી શકો. પહેલો વ્યવસ્થિત સજીવ માછલી છે માટે મત્સ્યાવતાર છે. બીજો વ્યવસ્થિત સજીવ કાચબો લાગ્યો તો કૂર્માવતાર ગણ્યો. ડાયનોસોર જોયા નહી કારણ કરોડો વર્ષો પહેલાં નાશ પામી ગયાં હતાં બાકી એનો પણ કોઈ અવતાર જરૂર હોત. પછી સસ્તન પ્રાણી વરાહ આવ્યું, અર્ધપશું અર્ધ માનવી નૃસિંહ અવતાર થયો. એ ભારતીય બુદ્ધિશાળી મહાપુરુષોના બ્રેનમાં સિમૅન્ટિક(Semantic memory) અને પ્રોસિજરલ(Procedural memory) મેમરી કાયમ હતી માટે આવી અવતારોની કલ્પના કરનાર ભારતીય ડાર્વિનદાદા ને નમસ્કાર.

આપણને જે ઉંમરે ચડ્ડી પહેરતાં નહોતી આવડતી તે ઉંમરે આપણા પૌત્ર-પૌત્રી આઇફોન રમે છે અને કમ્પ્યૂટર ફેરવે છે તેમાં ઉત્ક્રાંતિ કેમ દેખાતી નથી ? સેન્ટિમીટર કે મિલીમિટરના હજારમાં ભાગ જેટલા ગણો, આ કમ્પ્યૂટર સાથે રમતાં બાળકોનાં બ્રેન આપણાં કરતાં જરૂર મોટા હશે.

ઉત્ક્રાંતિનો લાખો વર્ષનો અત્યંત ધીમો પ્રોસિજર આપણી ૬૦-૭૦ વર્ષની જીંદગીમાં જોવાની આશા રાખવી મૂર્ખામી છે અને તે જોવા ના મળે તો એને ખોટી કહેશો તો ઉત્ક્રાંતિ ક્યાં બંધ થઈ જવાની છે ?

સંસદ ભવનમાં આપણા આદરણીય પ્રતિનિધિઓ જે વ્યવહાર કરે છે તે જોઈને નથી લાગતું કે ખરેખર આપણે વાનરના વંશજ છિયે ? હાહાહાહાહાહા ! !

રાત્રિનું અંતિમ કાર્ય (ધ્યાન)

100445824_288ebe0950[1] રાત્રિનું અંતિમ કાર્ય (ધ્યાન)

 એકવાર પાર્વતીએ શંકરને જગતના રહસ્ય વિશે સામટાં ચારપાંચ સવાલો પૂછી નાખ્યાં. શિવજીએ કોઈ પણ જાતની ફિલૉસફી ઝાડ્યા વગર શરૂ કર્યું કે અંદર જતા શ્વાસ પછી અને બહાર આવતાં શ્વાસ પહેલાં જે પૉઇન્ટ આવે ત્યાં સ્થિત થઈ જાવ, અથવા બે શ્વાસ વચ્ચે સ્થિત થઈ જાવ, આ તો મારી ભાષામાં કહું છું, બાકી શંકરે તો સંસ્કૃત કે પ્રાચીન સંસ્કૃતમાં કહ્યું હશે. આમ એક પછી એક રસ્તા બતાવતા જ ગયા, નો ફિલૉસફી. આવી કહેવાય છે ૧૦૮ વિધિઓ બતાવી.

અમદાવાદથી વડોદરા જવું છે તો પહેલાં અમદાવાદની બહાર તો નીકળો ? પછી નારોલ ચોકડીથી સાઉથમાં જવા માંડો. પાલડી ચારરસ્તા થી વી.એસ. હૉસ્પિટલ જવું છે ? તો તમારી સુંદર મુખમુદ્રા કંઈ દિશામાં રાખી ઊભા છો તે કહો પહેલાં. સરદાર બ્રિજ બાજુ મુખ રાખી ઊભા હોય તો ડાબી બાજુ ચાલવા માંડો અને જોધપુર ટેકરા બાજુ તમારું પવિત્ર મુખ રાખી ઊભા હોય તો જમણી બાજુ ચાલવા માંડો. આમાં ક્યાં કોઈ ગ્રીક કે ઉપનિષદની ફિલૉસફીની જરૂર છે ? ભાઈ મેં તો રસ્તો બતાવ્યો ચાલવાનું તમારે છે. ચાલવા માંડશો તો આજે નહી તો કાલે જરૂર વી.એસ. પહોંચી જવાશે પણ ઊભા ઊભા તત્ત્વજ્ઞાન ડહોળવા બેસી જઈશું તો કદી નહી પહોચાય.

પહેલી નવ વિધિઓ શ્વાસ ઉપર હતી. ભગવાન બુદ્ધે આ શ્વાસ ઉપરની વિધિઓનો ખૂબ ઉપયોગ કરેલો. અનાપાનસતિ અને વિપશ્યનાનો મુખ્ય આધાર આ વિધિઓ છે. શિવે કહેલી ધ્યાન કરવાની, મેડિટેશન કરવાની આ પદ્ધતિને કોઈ ધર્મના લેબલ મારવાની જરૂર છે નહી. આ તો શુદ્ધ બ્રેન કસરત છે. બૃફેન, કોમ્બિફ્લેમ કે વિક્સ વૅપરબ ઉપર લખેલું નથી હોતું કે આ કોઈ ક્રિસ્ચને શોધેલી દવા છે માટે કોઈ હિંદુ કે મુસલમાને ઉપયોગ કરવી નહી. હા ! એને શોધવાની મથામણ કે બનાવવાની કિંમત જરૂર વસૂલ કરવામાં આવે છે. કે સુદર્શન ચૂર્ણ ઉપર સિક્કો નથી મારેલો હોતો કે આ ચરકે શોધેલી ફૉર્મ્યુલા છે જેને કોઈ બીજા ધર્મ પાળનારે ફાકવું નહી. જ્ઞાનને ધર્મના લેબલની શું જરૂર ?

સૂફી ફકીરોનું દરવેશ નૃત્ય પણ ધ્યાન કરવાની એક પદ્ધતિ છે. તારવાળા વાદ્ય વગાડવામાં પણ મેડિટેશન છુપાયેલું છે. બૌદ્ધ સાધુઓએ માઈન્ડ્ફૂલનેસ મેડિટેશન આખી દુનિયામાં ફેલાવી દીધું છે. મૂળ આ પદ્ધતિ બતાવનારા શંકર તો ખોવાઈ ગયા બુદ્ધ ફેમસ થઈ ગયા, અરે બુદ્ધ મૂળ ભારતના હતા તેવી પણ દુનિયાના ઘણાં લોકોને ખબર નથી. જો કે શંકરને એની કશી પડી નથી કારણ શંકર માટે બુદ્ધ અને શંકરમાં કોઈ ફરક નથી. લે ! હું યે ફિલૉસફી ઠોકવા માંડ્યો ?

મૂળ વાત મારે એ કહેવી છે કે હાલ મેડિટેશન ઉપર ખૂબ સંશોધન ચાલી રહ્યું છે. ન્યુઅરૉલજિસ્ટ આની ઉપર ખૂબ સંશોધન કરી રહ્યાં છે. રોજનું ફક્ત ૧૫-૩૦ મિનિટનું ધ્યાન બહુ મોટો ફરક પાડવા સક્ષમ બની શકે છે કે તમારો જિંદગી વિશેનો આખો અપ્રોચ બદલાઈ જાય, તમારું કરુણાનું ખાબોચિયું મહાસમુદ્ર્માં પલટાઈ શકે. વસ્તુઓ કે બનાવોને અંગત રીતે મૂલવવાનો તમારો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય. પણ આ બધું કઈ રીતે બને?

ચાલો આપણાં સાઇકાયટ્રિસ્ટ અને ન્યુઅરૉલોજિસ્ટ મહાનુભવોને સાઈબાબાના ફોટા ઉપર હાર ચડાવવાનાં મહત્વનાં કામમાં મગન રહેવા દઈએ. હું મારી અલ્પમતિ સમજાવવા ટ્રાય કરૂ.

ધ્યાન કઈ રીતે બ્રેન ચેઇન્જ કરે છે તે જોવા થોડી ટેકનિકલ વાતો સમજવી પડશે. બ્રેનના થોડા વિભાગોની ઉપરછલ્લી માહિતી ચાલી જશે. આપણે ક્યાં બ્રેન સર્જરી કરવી છે?

* Lateral prefrontal cortex: બ્રેનનો આ વિભાગ વસ્તુઓ કે બનાવોને તર્કયુક્ત, રેશનલ અને બેલેન્સેડ (સંતુલિત) લેવા માટે પ્રેરતો હોય છે. આને Assessment Center પણ કહે છે. બ્રેનના ફિઅર સેન્ટર તરફથી આવતી લાગણીઓ નિયંત્રિત કરી સૌમ્ય બનાવે છે. ઑટ્મૅટિક બિહેવ્યર અને ટેવો ઉપર કાબૂ રાખવાનું કામ કરે છે. બ્રેનના Me Center નું નિયમન કરી વસ્તુ કે બનાવોને પર્સનલ લેવાનું વલણ ઓછું કરે છે.

* Medial prefrontal cortex:- આ વિભાગ તમારા અનુભવો અને યથાર્થદર્શનના સંદર્ભ સતત તમને પાછાં સૂચવવાનું કામ કરતો હોય છે. ઘણા લોકો આને બ્રેનનું “Me Center” કહેતા હોય છે કારણ તે આપણી પોતાને સંબંધિત માહિતીનું પ્રોસેસિંગ કર્યા કરતું હોય છે. ખાસ તો જ્યારે આપણે ખૂલી આંખે સપનાં જોતા હોઈએ, ભવિષ્ય માટે કોઈ યોજના બનાવીએ, સામાજિક સંબંધો વિષે વિચારીએ, કોઈ બીજાના મનમાં કોઈ બીજા વિષે શું ચાલી રહ્યું હશે તેની ધારણા બાંધીએ, ત્યારે આપણાં જુના અનુભવોની માહિતીનું મૂલ્યાંકન કરીને આપણને સંદર્ભસૂચી પુરી પાડતું હોય છે. એટલાં માટે આને Self-Referencing Center પણ કહેતાં હોય છે.

રસપ્રદ બાબત એ છે કે Medial PreFrontal Cortex (mPFC) વિભાગના પણ બે ભાગ હોય છે.

* Ventromedial medial prefrontal cortex (vmPFC) – આપણાં અને આપણી માન્યતા અનુસાર આપણાં જેવી સમકક્ષ વ્યક્તિઓ વિષેની માહિતીનું પ્રોસેસિંગ આ ભાગ કરતો હોય છે. કોઈપણ બાબતને વધુ પડતું અંગત લઈ લેવાનું વલણ અહીં રચાતું હોય છે. એટલે વૈજ્ઞાનિકો આને  unhelpful aspect of the Self-Referencing Center કહેતા હોય છે. આમ તો આ વિભાગના કામ મહત્વનાં હોય છે. પણ વધુ પડતી ઊંડી વિચારણા કરાવી આ વિભાગ અસ્વસ્થ બનાવી ખિન્નતા અને માનસિક ઉદાસીનતા વધારતો હોવાથી એને અનહેલ્પફુલ કહેવામાં આવે છે.

* Dorsomedial Prefrontal Cortex (dmPFC) – આ વિભાગ આપણી માન્યતા મુજબ આપણાં સરીખાં ના હોય તેવી વ્યક્તિઓ વિષે માહિતીનું પ્રોસેસિંગ કરતો હોય છે. આ વિભાગ ખૂબ મહત્વનો છે. આપણે માનતા હોઈએ કે આ વ્યક્તિઓ આપણાં જેવી સિમિલર નથી તેમના પ્રત્યે સહભાવ, સહાનુભૂતિ અને તાદાત્મ્યની લાગણી સાથે આ વિભાગ સામેલ થતો હોય છે, અને એવા લોકો સાથે સમાજિક જોડાણ વધારવામાં ચાવીરૂપ બનતો હોય છે.

* Insula: બ્રેનનો આ ભાગ bodily sensations મૉનિટર કરવાનું કામ કરતો હોય છે. શારીરિક સંવેદનાઓ પ્રત્યે તમે કેવો પ્રતિભાવ આપો છો તે વિશે દિશા સૂચન કરે છે. કે સંવેદના સંકટ સૂચક છે કે હિતકારક ? હિંમત ટકી રહેવાની શક્તિ અને સહજ પ્રેરણા માટે પણ આ વિભાગ સંલગ્ન હોય છે.

* Amygdala: ‘ખતરે કી ઘંટી’, સંકટ સમયે અલાર્મ વગાડવાનું કામ આ વિભાગ કરતો હોય છે. માટે આને “Fear Center” પણ કહેતા હોય છે. જોખમ સમયે “fight-or-flight” response આપવાનું મહત્વનું કામ આ વિભાગનું છે.

ધ્યાન કરતાં ના હોય ત્યારે બની શકે કે Me Center સાથે Insula અને ફિઅર સેન્ટરનું ન્યુઅરલ જોડાણ વધુ મજબૂત હોય. મતલબ તમે ચિંતાતુર બનો કે ભયની લાગણી અનુભવો કે શારીરિક સંવેદના જેવી કે ઝણઝણાટ, ખંજવાળ કે પેએન અનુભવો ત્યારે તમે ધારી લેવાના કે પ્રૉબ્લેમ તમારા સાથે કે તમારી સલામતી સાથે છે. આવું સચોટપણે લાગે કારણ મી-સેન્ટર ઢગલાબંધ માહિતીનું પ્રોસેસિંગ કરતું હોય છે. આપણે એકના એક વિચારોમાં સ્ટક થઈ જતાં હોઈએ છીએ. આપણે કોઈ ભૂલ કરી. લોકો શું વિચારશે? માથું દુખ્યું, કેમ દુખ્યું, પહેલાં પણ દુખેલું, કશું સીરિઅસ તો નહી હોય ને? એકમાંથી બીજા અને ત્રીજા એમ વિચારોનું ચક્કર ચાલતું જવાનું. બ્રેનનાં Assessment Center’s અને Me Center વચ્ચેનું નબળું કનેક્શન વ્યર્થ અતિશય ચિંતાતુર બનાવી રાખવા કારણભૂત બનતું હોય છે. જો અસેસ્મન્ટ સેન્ટર એની ઊંચી ક્ષમતા મુજબ કામ કરતું હોય તો બ્રેનના vmPFC (the part that takes things personally) વિભાગની વધારે પડતી કામગીરી સારી રીતે નિયંત્રિત કરે છે અને બ્રેનના dmPFC (the part involved in understanding other’s thoughts and feelings) વિભાગની કામગીરીમાં વધારો કરે છે. પરિણામ સ્વરૂપ મી-સેન્ટર જે ભૂલભરેલી માહિતી તરફ વધુ ધ્યાન આપતું હોય છે તે કોરે મૂકી સમતોલ રીતે વિચારવાનું વધુ બનવા લાગે છે. મતલબ ઓવર-થિંકિંગ અને એકની એક વાત વાગોળવાની ક્રિયા ઓછી થવા લાગે છે જે કરવા માટે મી-સેન્ટર વધુ પ્રખ્યાત હોય છે.

ધ્યાન કરવાનું નિયમિત શરૂ થાય એટલે ઘણી બધી હકારાત્મક બાબતો બનવા લાગતી હોય છે. પહેલું તો મી-સેન્ટરના unhelpful vmPFC વિભાગ અને bodily sensation/fear centers વચ્ચેના મજબૂત જોડાણ તૂટવા લાગે છે. એટલે શારીરિક સંવેદનાઓ અને ક્ષણિક ભય વખતે આપણી સાથે બહુ મોટો પ્રૉબ્લેમ ઊભો થઈ ગયો છે તેવું માનવાનું ઓછું થતું જતું હોય છે. જેમ જેમ મેડિટેશન કરતાં જાવ તેમ તેમ અસ્વસ્થતા(ઍંગ્ઝાયટિ) ઓછી થવા લાગે તેનું કારણ તમને અસ્વસ્થ કરી મૂકતી મી-સેન્ટરની સંવેદનાઓ સાથે જોડાયેલા ન્યુઅરલ રસ્તા ઓછા થતા જતા હોય છે. આપણે કારણ વગરની સંવેદનાઓની ઉપેક્ષા કરવાનું શીખી જતા હોઈએ છીએ. અથવા એવું પણ કહી શકાય કે ખરેખર જેના માટે સંવેદના જાગે છે તે ઓળખી શકાય છે અને એનો વધુ પડતો પ્રતિસાદ આપવાનું ઓછું થતું જાય છે. મતલબ સંવેદનાની સાચી ઓળખ છતી થાય છે.

બીજું  Assessment Center અને bodily sensation/fear centers વચ્ચે તંદુરસ્ત જોડાણ વધતું જાય છે. એટલે જ્યારે તમને કોઈ શારીરિક પીડા કે સંવેદના થાય કે કોઈ સંકટ  ઉભુ થાય ત્યારે તમે ઑટ્મૅટિકલી રિએક્ટ કરવાને બદલે તમે એને વધુ રેશનલ લેવા ટેવાતા જાવ છો. ટૂંકમાં તમે બધી રીતે સમતોલ વિચારતા થતા બનતા જાવ છો. મેડિટેશન કરતા બોનસમાં મી-સેન્ટરના હેલ્પફુલ વિભાગ (dorsomedial prefrontal cortex – the part involved in processing information related to people we perceive as being not like us ) અને bodily sensation center – involved in empathy વચ્ચે મજબૂત જોડાણ વધતું જાય છે. તમે બીજા લોકોની ઇચ્છાઓ, સપનાં અને વિચારો વધુ સમજતા થઈ જતા હોય છો. આમ ધ્યાન તમને વધુ ને વધુ કરુણાવાન બનાવતું જાય છે. ટૂંકમાં તમે તમામ લોકો પ્રત્યે દયાળુ અને કરુણાવાન બની શકતા હોય છો. હવે બુદ્ધ અને મહાવીરની માનસિકતા સમજવી વધુ સરળ લાગશે કે કેમ આ લોકો દુનિયાના તમામ લોકો પ્રત્યે કરુણા ધરવતા હતાં.

આમ ધ્યાન બ્રેનના અસેસ્મન્ટ સેન્ટરને મજબૂત બનાવે છે. મી-સેન્ટરના અનહેલ્પફુલ ભાગ જે વસ્તુઓને અંગત લેવા ટેવાએલ છે તેને નબળું બનાવે છે, મી-સેન્ટરના હેલ્પફુલ ભાગ જે સહાનુભૂતિ સાથે સંકળાએલ છે તેને મજબૂત બનાવે છે, શારીરિક સંવેદનાઓ અને ભય-ડર-દહેશત વગેરેને સાચી રીતે મૂલવવાનું શીખવે છે. “સંકટ સત્ય છે પણ એમાં ભયભીત થઈ જવું તમારી પસંદગી છે.”

ધ્યાન આપણને આપણી બાજુબાજુના તમામ લોકોને સ્વચ્છ અભિગમ વડે જોતાં શીખવે છે. ધીમે ધીમે આપણે શાંત અને શાંત થતા જતા હોઈએ છીએ..

પણ બ્રેનને જુના રસ્તે પાછાં જવાનું સરળ લાગતું હોય છે. સર્વાઇવલના જુના બનાવેલા ન્યુઅરલ રસ્તા વધુ અનુકૂળ લાગતા હોય છે. માટે ધ્યાન રોજ કરવું જોઈએ. ૧૫ મિનિટ તો ૧૫ મિનિટ પણ રોજ કરવું જોઈએ જેથી નવા ન્યુઅરલ રસ્તા એકદમ મજબૂત બની જાય, નવાં ન્યુઅરલ જોડાણ મજબૂત બની જાય. માટે બુદ્ધ રાતની સભા પૂરી કરીને આદેશ આપતા રાત્રિનું અંતિમ કાર્ય પૂરુ કરી સૂઈ જાવ. એ અંતિમ કાર્ય ધ્યાન કરવાનું રહેતું. સાધુઓ અને સમજદારો ધ્યાન કરવા જતા પણ સમાન્યજન સંભોગમાં રત થઈ જાય અને ચોર ચોરી કરવા જાય એમાં બુદ્ધનો શું વાંક ?

સોમનાથ મંદિર સૌથી વધુ વખત તોડાયેલું અને ફરી ફરી બંધાયેલું

Somnathtempledawnસોમનાથ મંદિર સૌથી વધુ વખત તોડાયેલું અને ફરી ફરી બંધાયેલું…
સૌરાષ્ટ્રના વેરાવળ નજીક પ્રભાસ ક્ષેત્રમાં વસેલું સોમનાથ મંદિર કદાચ દુનિયાનું પહેલું એવું મંદિર હશે જે સૌથી વધુ વખત તોડાયું છે અને ફરીફરી બંધાયેલું છે. આશરે સોળેક વખત તોડાયું હશે. છેલ્લે ૧૯૪૭મા સરદાર વલ્લભભાઈ પટેલે એને ફરી બાંધવાનો નિર્ણય લીધો, એમના મૃત્યુ પછી ક.મા. મુનશીની દેખરેખ નીચે બાંધકામ ચાલુ રહ્યું.
મિત્રો વધુ વાંચવા માટે નીચેની લીંક પર જઈ તમારા સ્માર્ટ  ફોન કે ટેબ્લેટ પર એપ્લીકેશન ડાઉનલોડ કરો. ફ્રીમાં ઘણુબધું ગુજરાતી સાહિત્ય સાથે આ લેખ પણ વાંચો.

Matrubharti Android Link: https://goo.gl/ht8d32

Matrubharti iPhone LInk https://goo.gl/m76nu3

Gujarati Pride Android Link : http://goo.gl/Cq1LgQ

Gujarati Pride iPhone Link : http://goo.gl/5ZGSjG

200px-Somnath_temple_ruins_(1869)

અવતાર

imagesCAJDO3OFઅવતાર

આપણે સૌ ભારતીયો કૃષ્ણને અવતારીપુરુષ ગણીએ છીએ….હું તો નથી સમજતો…કૃષ્ણને અવતારી સમજીને એની મહત્તાનું અવમૂલ્યન કરીએ છીએ. કૃષ્ણ એક માનવ હતા , મહામાનવ હતા, એક રાજા હતા, સર્વાઈવલનાં યુદ્ધના એક વીર યોદ્ધા હતા. એક ભગવાન અગણિત પરાક્રમો કરે એમાં શું નવાઈ? એ તો કરવાનો જ છે. એક માનવ અગણિત પરાક્રમો કરે તો એની મહત્તા સમજાય લોકોને પ્રેરણા મળે કે આપણે પણ આમ કરી શકીએ તેમ છીએ. અવતારવાદની ધારણાએ લોકો રાહ જોતા હોય છે કે ભગવાન અવતરશે અને બધું સારું થઈ જશે. ખાલી ભારતમાં જ કેમ અવતારો અવતરે? બીજા દેશોમાં કે બીજા ધર્મોમાં કેમ નહિ? અને જિસસ કે મોહમદ ને અવતાર માનો તો ફક્ત એક એક જ કેમ? બીજા ક્યાં છુપાઈ ગયા? શું તે લોકો ભગવાનના અળખામણા છે? ખાલી ભારત જ પુણ્યભુમી છે?

મૂળ તો અવતારો ઉપરથી અવતરે તે ધારણા જ ગલત છે. અવતારોની ધારણા રૂપક છે. રૂપકને સાચા માની લેવા મૂર્ખતા છે. પ્રાચીન મનીષીઓ પાસે વાર્તાઓ કહેવાની કળા હતી. આપણે સ્ટોરી ટેલીંગ ચિમ્પાન્ઝી છીએ. વાર્તાઓ કહીને બાળકોને સમજણ આપવાની આપણી કળા છે. મને એમાં ઈવોલ્યુશન દેખાય છે. કદાચ હું ખોટો પણ હોઈ શકું. પહેલો અવતાર મત્સ્ય અવતાર, તો પહેલો વ્યવસ્થિત સજીવ માછલી છે. પછી કૂર્મ અવતાર થયો તે માછલી કરતા વધુ વિકસેલો સજીવ છે. જમીન ઉપર પણ ફરી શકે છે અને પાણીમાં પણ ફરી શકે છે. માછલી જમીન ઉપર ફરી શકતી નથી તો કૂર્મ એટલે કાચબાને અવતારી મતલબ વિશિષ્ટ ગણવો જ રહ્યો. પછી વરાહ અવતાર આવ્યો. ધરતીને ખોદી નાખતું મેમલ પ્રાણી. કથા પણ એવી જ છે ધરતીને એના દંત ઉપર ધરીને રાક્ષસનાં પંજામાંથી છોડાવી લાવ્યું. પછી આવ્યો નૃસિંહ અડધો પશુ અડધો માનવી. ૩૦ લાખ વર્ષ જુનું લ્યુસી નામ આપેલું ફોસિલ મળ્યું છે જે અડધું પશુ અને અડધું માનવી બેપગે ચાલતું હશે તેવું છે..

પછી વામન અવતાર આવ્યો. ઇન્ડોનેશિયામાંથી એક બાળકનું ફોસિલ મળ્યું હતું. વૈજ્ઞાનિકોને એમ કે કોઈ બાળકનું હશે પણ પરીક્ષણ પછી જાણવા મળ્યું કે પુખ્ત ઉંમરની સ્ત્રીનું હતું. પૃથ્વી પર એક આવી માનવોની જાત વિકસેલી હતી જે કદમાં સાવ નાની હતી. કાળક્રમે એનો સંપૂર્ણ વિનાશ થઈ ગયો. એવું પણ બને કે પહેલા આખા ભારતમાં અનાર્યોનું રાજ હતું. આર્યો બહારથી આવ્યા અને એમના કોઈ બટકા મહાપુરુષે અનાર્યોને ખદેડી મૂક્યા હોય દક્ષિણ ભારત બાજુ એને વામન અવતાર ગણતાં હોય. આજે પણ બલિરાજાની પૂજા દક્ષિણ ભારતમાં થાય જ છે. વામન અવતાર સાથે મહામાનવોને અવતાર માનવાનું શરુ થયું. પછી આવ્યા પરશુરામ. પરશુરામે કયા દિવ્ય કાર્યો કર્યા હતા? ક્ષત્રિયાણીઓના ગર્ભ ચીરીને ગર્ભસ્થ બાળકોની હત્યા કરનાર કઈ રીતે દિવ્ય કહેવાય? સોચો જરા? એક ક્ષત્રિયનાં પાપે સમસ્ત ક્ષત્રિયોની હત્યા? તે પણ એકવીસ વખત? ક્ષત્રિયોના લોહી વડે પાંચ પાંચ તળાવ ભરેલા. અતિશયોક્તિ હશે પણ આમાં કોઈ અવતારી કાર્ય જણાતું નથી. હિંદુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, હિટલર, સ્ટાલિન, માઓ બધાએ વખતોવખત જેનોસાઈડ કરેલા જ છે. દિવ્યતાની વાતો છોડો પરશુરામ આજે પણ આપણી અંદર વસેલા ચિરંજીવ જ છે.

પછી આવ્યા રામ. એમની કથા એટલી બધી કહેવાઈ ગઈ છે કે હવે રસકસ હીન થઈ ગઈ છે. લોકો અજાગ્રત પણે એમની કથા હજારો વર્ષથી સાંભળે જ જાય છે. એમની કથા કુશળ વક્તાઓને સામે મૂર્ખ શ્રોતાઓના ટોળા મળી રહેવાથી પેટ ભરવાનું મુખ્ય સાધન બની ચૂક્યું છે. શ્રી. વર્ષા અડાલજા સંદેશમાં ચંદરવો નામની થાંભલી લખે છે, એમાં ઘણીવાર પ્રશ્ન પૂછી ચૂક્યા છે કે ભારતમાં સ્ત્રીઓની અગ્નિપરીક્ષા ક્યારે બંધ થશે? હું મજાકમાં કહેતો હોઉં છું કે જ્યાં સુધી કથાકારો રામાયણ વાંચતા રહેશે ત્યાં સુધી બંધ નહિ થાય.. હહાહાહાહા

પછી આવ્યા શ્રી.કૃષ્ણ એક મહાન ઐતિહાસિક યોદ્ધા. હા! તો મિત્રો, આપણે સૌ ભારતીયો કૃષ્ણને અવતારીપુરુષ ગણીએ છીએ….હું તો નથી સમજતો…કૃષ્ણને અવતારી સમજીને એની મહત્તાનું અવમૂલ્યન કરીએ છીએ. કૃષ્ણ એક માનવ હતા , મહામાનવ હતા, એક રાજા હતા, સર્વાઈવલનાં યુદ્ધના એક વીર યોદ્ધા હતા. એક ભગવાન અગણિત પરાક્રમો કરે એમાં શું નવાઈ? એ તો કરવાનો જ છે. એક માનવ અગણિત પરાક્રમો કરે તો એની મહત્તા સમજાય લોકોને પ્રેરણા મળે કે આપણે પણ આમ કરી શકીએ તેમ છીએ. રાજાઓને ભગવાન માનવાની આ દેશમાં પ્રથા છે. ગીતા કૃષ્ણનો મહાન સંદેશ ગણો કે વ્યાસજીએ કૃષ્ણના મુખે સર્વે ઉપનિષદનો સાર મૂકી દીધો પણ આ “સંભવામિ યુગે યુગે” મૂકીને બધા ઉપર પાણી ફેરવી નાખ્યું.. “પરિત્રાણાય સાધૂનામ, વિનાશાયચદુષ્ક્રુતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે” નિત્ય ગાનારી પ્રજા કદી ક્રાંતિ કરી શકે નહિ…ભગવાન આવશે બધું કરશે આપણે શું???

ધીમે ધીમે ભગવાન કે અવતાર પણ સુસંસ્કૃત થતા જતા હોય તેવું લાગે છે. એમાં પણ ઈવોલ્યુશન થતું લાગે છે. પરશુરામ જેટલા રામ અને કૃષ્ણ ક્રૂર નહોતા. માનવીય સંવેદનાઓથી ભરેલાં હતા. કૃષ્ણ પછી બધું ઠપ્પ થઈ ગયું. કલ્કી ભવિષ્યની કલ્પના હતી. ભૂતકાળની કલ્પનાઓમાં ક્યાંક કૃષ્ણ ઐતિહાસિક હતા તેવા પુરાવા મળે છે. બુદ્ધને હિંદુ ધર્મની ધારામાં અવતાર માનવા તે બહુ મોટો દંભ છે. કૃષ્ણ સુધીના તમામ અવતારો યુદ્ધખોર હતા. બુદ્ધ તો અહિંસક હતા. બુદ્ધ પોતાને હિંદુ માનતા હતા ખરા? બુદ્ધે ઈશ્વરનો ઇનકાર કર્યો. અલગ ધર્મ સ્થાપ્યો. હિંદુ રાજા પુષ્યમિત્ર શૃંગે એક એક બૌદ્ધ સાધુના માથા સાટે સોનામહોરના ઇનામ જાહેર કરેલા. બૌદ્ધ ધર્મને હિન્દુઓએ બહાર ખદેડી મૂક્યો અને હિંદુઓ હવે બુદ્ધને અવતાર ગણે તો નર્યો દંભ જ કહેવાય.

ઘેટાઓ માટે એમના ભરવાડ હમેશાં અવતાર જ હોય છે.

વીજળીના ચમકારે મોતીડા પરોવીએ

imagesCAPCJ2IPવીજળીના ચમકારે મોતીડા પરોવીએ

એક ઘરમાં બે ભાઈઓ હતા. મોટોભાઈ તો બરોબર હતો પણ નાનો જન્મથી થોડી ખામીઓ લઈને જન્મ્યો હતો. નાનો બહેરો હતો માટે બોબડો પણ હતો. સાથે સાથે થોડો જંગલી જેવો પણ હતો. આમ તો બે ભાઈઓ ખુબ સંપીને રહેતા હતા પણ કોઈવાર મોટાભાઈની ભાષા પેલો મૂંગો સમજી શકતો નહિ. એટલે ઘણીવાર સંઘર્ષ સર્જાતો. અને ક્યારેક વળી બોબડાની ઇશારાની સાંકેતિક ભાષા મોટાભાઈ સમજી શકતા નહિ એટલે મૂંગો ગુસ્સે ભરાઈ જતો. પણ હતા ખુબ સંપેલા. મૂંગા નાનાભાઈનાં તોફાનો કે કહેવાતી ગલત હરકતો વિષે કોઈ ફરિયાદ કરે તો મોટો તરત એનો પક્ષ લઈ એના કારણ દર્શાવી દેતો, લોકો ચુપ થઈ જતા. એ બાબતમાં મોટો બહુ હોશિયાર હતો..એકવાર નાનાભાઈએ એક અસહાય છોકરી પર બળાત્કાર કરી નાખ્યો. લોકો ફિટકાર વર્ષાવવા લાગ્યા મોટાએ તરત બચાવમાં કહી દીધું કે પેલી છોકરી એકલી શું કામ નીકળી? એણે ટૂંકા કપડાં શું કામ પહેર્યા હતા? પુરુષો પ્રત્યે નફરત ફેલાવવાનું બંધ કરો કોઈ ભવિષ્યમાં છોકરી નહિ આપે, કુંવારા મરી જશો. અસહાય હતી તો બળાત્કાર એન્જોય કરી લેવા જેવો હતો, ભાઈ કહીને કરગરી પડવા જેવું હતું. વગેરે વગેરે….લોકો છક્કડ ખાઈ ગયા કે આ મોટો શું બોલે છે? કાયમ ઉચ્ચ આદર્શોની વાતો કરનારો કેમ આવો બકવાસ કરે છે? નાનાભાઈની કહેવાતી દરેક ગલત હરકતની સુંદર વ્યાખ્યા થઈ જતી..બંને કાયમ લડતા અને સંપીને રહેતાં આ બે ભાઈઓની કહાણી દરેકના ઘરમાં હોય છે, મારા તમારા સહુના. હા ! તો આ મોટાભાઈ છે તે બોલી શકતા વિચારી શકતા મોટું મગજ છે જેને કોર્ટેક્સ કહીએ છે અને નાનાભાઈ છે તે મેમલ બ્રેઈન કે નાનું મગજ કે લીમ્બીક સીસ્ટમ કહેવાય છે. લીમ્બીક સિસ્ટમમાં વળી રેપટાઈલ બ્રેઈન પણ સમાયેલું છે. જે આપણને સરીસર્પ પાસેથી મળેલું છે.

ઉત્ક્રાંતિની શરૂઆતમાં જે આદિમ પ્રાણીઓ વિકસ્યા તેમની પાસે શબ્દોની કોઈ ભાષા નહોતી. એમની પાસે ફક્ત રસાયણો હતા. સાપ જેવા ઘણાં પ્રાણીઓએ સર્વાઈવલનાં યુદ્ધ ઝેર વિકસાવીને જીત્યા છે. આ ઝેર પાચક રસો પણ હતા. માનવ સિવાય શબ્દોની ભાષા કોઈ પ્રાણી પાસે છે નહિ. માનવ જેટલું મોટું કોર્ટેક્સ પણ કોઈ પ્રાણી પાસે છે નહિ. ચિમ્પાન્ઝી જેવા પ્રાણીઓ પાસે થોડું ઘણું કોર્ટેક્સ છે માટે બુદ્ધિશાળી ગણાતું હોય છે. તો આ બોલી નહિ શકતા ઝાઝું વિચારી નહિ શકતા પ્રાણીઓ પાસે કેમિકલ્સની ભાષા છે. સર્વાઈવલ માટે જોખમ પેદા થાય તો કોર્ટીસોલ જેવા રસાયણ બ્રેઈનમાં સ્ત્રવે તરત દુઃખ, તકલીફ, બેચેની મહેસુસ થાય તરત એનો ઉપાય થાય હવે સુખ અર્પતાં રસાયણ છૂટે અને પાછાં હતા તેવા. એક મહત્વની વાત કે મેમલ પ્રાણીઓ એટલે કે સસ્તન પ્રાણીઓ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છે. કારણ સમૂહમાં રહેવાથી સર્વાઈવલનાં ચાન્સ ખુબ વધી જાય..એકલાં પડો તો કોઈ પ્રીડેટર આવીને ચાવી જાય. દાખલા તરીકે એક ઘેટાનું બચ્ચું ટોળા બહાર નીકળી જાય ભૂલમાં અને એને ખ્યાલ આવે કે એકલું પડ્યું છે તરત એના મેમલ બ્રેઈનમાં cortisol સ્ત્રાવ થવા માંડે તરત બેચેની અનુભવાય મેં..મેં…મેં..કરવા લાગે દુખી દુઃખી થઈ જાય. એની માં આવી જાય એને ટોળામાં પાછું લઈ જાય, એને ચાટવા લાગે એટલે તરત ઓક્સીટોસીન સ્ત્રાવ થવા લાગે બંનેના બ્રેઈનમાં, જે સુખ અર્પે એક બીજા પ્રત્યે વિશ્વાસ અને સહકારની ભાવના જાગે. બચ્ચું ખુશ થઈને માં સાથે ગેલ કરવા લાગે..મારી પોસ્ટને કોઈ લાઈક આપતું નથી કે કોમેન્ટ્સ આપતું નથી એવી ફરિયાદ પેલાં બચ્ચાના મેં..મેં..મેં.. જેવું નથી લાગતું? કરોડો વર્ષોના અનુભવ લઈને આ રાસાયણિક સીધી સાદી ભાષા વિકસેલી છે. આ ઓક્સીટોસીન મેમલને સમૂહમાં રહેવાની સહકારથી રહેવાની પ્રેરણા આપે છે. સરીસર્પમાં ઓક્સીટોસીન ફક્ત સેક્સ સમયે જ સ્ત્રવે છે બાકી નહિ. માટે સેક્સ પૂરતાં જ સરીસર્પ ભેગાં થાય છે. બાકી હમેશાં એકલાં રહેતાં હોય છે.

સેરેટોનીન, ડોપામીન, ઓક્સીટોસીન, એન્ડોરફીન, કોર્ટીસોલ જેવા બીજા અનેક ન્યુરોકેમિકલ્સ મેમલ બ્રેઈનની ભાષા છે. જે આશરે ૨૦૦૦ કરોડ વર્ષ કરતા જૂની છે. ચિંતનમનન કરતું કોર્ટેક્સ તો આની આગળ બાળક કહેવાય. એટલે ૨૦૦ મીલીયંસ વર્ષથી ઇવોલ્વ થયેલું મેમલ બ્રેઈન જીતી જતું હોય છે. જે ફક્ત સર્વાઈવલ અને સેકસુઅલ રીપ્રોડક્શનની ભાષા બહુધા જાણતું હોય છે. કોર્ટેક્સની પ્રોડક્ટ એવી તમામ મોરાલીટી હમણાં આવી છે, બહુ જૂની નથી. ભારત પાસે સૌથી પહેલું બહુ સારું વિકસેલું કોર્ટેક્સ હતું માટે ભારતે દુનિયાને બહુ ઉચ્ચ આદર્શો આપ્યા છે. કેટલાક બુદ્ધિશાળી તર્ક અને હકારાત્મક લાગણીઓનો સુમેળ ધરાવતા મહાપુરુષોએ સત્ય, અહિંસા, વસુધૈવ કુટુમ્બકમ, સાંખ્ય, ઉપનિષદો, અદ્વૈતવાદ આવા અનેક કૉન્સેપ્ટ ભારતને આપ્યા જે આખી દુનિયામાં ફેલાયા. અહિંસા અને વસુધૈવ કુટુમ્બકમ પાછળ માનવતાવાદ આવ્યો. પણ મેમલ બ્રેઈન આ બધી અમૂર્ત વિચારધારાઓનું પ્રોસેસિંગ કરી શકતું નથી. તર્ક અને બુદ્ધિ કોર્ટેક્સની પેદાશ છે. મેમલ બ્રેઈનનું પ્રભુત્વ ધરાવતા આક્રમણકારીઓ ભારત પર ચડી આવ્યા અને જીત્યા પણ ખરા. સર્વાઈવલ માટેનો પહેલો રિસ્પૉન્સ હોય છે લડો અથવા ભાગો કે શરણે થઈ જાવ. ભારતે સર્વાઈવલ માટે શરણે થઈ જવાની નીતિ અપનાવી લીધી. એક મહાન સંસ્કૃતિ આજે સાવ કમજોર અને કાયર બની ચૂકી છે.

એક ગલત ધારણા છે કે બુદ્ધિજીવી જે તર્કને મહત્વ આપતો હોય તેવા લોકો હમેશાં ક્રૂર અને લાગણીવિહીન હોય છે. ઊલટાનું લાગણીશીલ માણસ જ વધુ ક્રૂર બની શકતો હોય છે. એની કાચના ટુકડા જેવી લાગણીને ક્યારે ઠેસ પહોચે કોઈને ખબર પડે નહિ. અને પછી તેને ક્રૂર બનતા જરાય વાર લાગે નહિ. વધારે પડતા ઈમોશન્સ તમને પશુ બનાવી દે તેમાં નવાઈ નહિ. કહેવાતા નાસ્તિક અને રેશનલમાં પણ ફરક હોય છે. રેશનલ વિચારશે કે આની પાછળ કોઈ તર્ક છે ખરો? સાચો રેશનલ કદી ક્રૂર બની નહિ શકે. જે સ્ટાલિન, માઓ જેવા નાસ્તિકોએ ઇતિહાસના પાનાઓ પર ક્રૂરતા આચરી છે. તે લોકો માટે નાસ્તિકતા એક ધર્મ જ હતો અને આ લોકો એ ધર્મ બાબતે ધર્માંધ હતા. ધર્મોના પાખંડ અને સમાજના ઉપલા વર્ગના નીચલાં વર્ગ પરના શોષણની પ્રતિક્રિયા સ્વરૂપે એમણે એક નવો ધર્મ વિકસાવ્યો નાસ્તિક એવો સામ્યવાદ અને એના અમલીકરણ માટે ક્રૂરતા આચરી. કાર્લ માર્ક્સ જેવા બુદ્ધિજીવીએ સામ્યવાદની અમૂર્ત વિચારધારા આપી પણ એનો અમલ કરાવવાવાળા મેમલ બ્રેઇનનુ પ્રભુત્વ ધરાવનારા હતા. અને એટલાં માટે તમામ નાસ્તિકો અને રેશનાલીસ્ટ માટે ગલત ધારણા બંધાઈ જાય છે કે આ લોકો ક્રૂર અને લાગણીવિહીન હોય તેમાં કોઈ નવાઈ નહિ. સામૂહિક હત્યા કરનારને તમે બુદ્ધીજીવી કે રેશનલ સમજો તો તમારી બહુ મોટી ભૂલ છે, અને એની સાથે કોઈ રેશનલને સરખાવી પોતાની જાતને બહુ માનવતાવાદી લાગણીશીલ સમજો તો તે મહાભુલ છે. ચાલો થોડા દાખલા આપી સમજાવું ગમશે તો નહિ પણ એટલી હિંમત તો કોઈએ કેળવવી પડશે ને?

પહેલો દાખલો ભારતના ભાગલા પડ્યા તેનો જુઓ. ભારત પાક સરહદે અને બંગાળમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યા એમાં તર્ક હતો ખરો? શાસનકર્તાઓએ ભાગલા પાડ્યા હતા. કોઈ પ્રજાએ તો પાડ્યા નહોતા. જે હિંદુ મુસ્લિમ આઝાદીની લડાઈ ખભે ખભા મિલાવીને લડ્યા હતા તે જ લોકો એકબીજાના લોહીના તરસ્યા થઈ ગયા. આશરે ૧૦ લાખ માનવી કપાઈ માર્યા. અતિશય લાગણીઓમાં તણાઈ ગયેલા લોકોએ એકબીજાની હત્યા કરી. સ્ત્રીઓના સ્તન કાપી નાખેલા એમાં કોઈ તર્ક હતો? એક જ તણખો અને અહિંસાના ઉચ્ચ આદર્શની હત્યા થઈ ગઈ, એક જ તણખો અને ભાઈચારાની હોળી થઈ ગઈ. કેમ કે પ્રજાનું મેમલ બ્રેઈન જાગૃત થઈ ગયું. સર્વાઈવલ માટે ખતરો પેદા થઈ ગયો. માનવતા હણાઈ ગઈ. જો બુદ્ધિ અને તર્કનો ઉપયોગ થયો હોય તો આટલી હત્યાઓ થાય જ નહિ. ગાંધીની હત્યા તો ત્યારે જ થઈ ચૂકી હતી. ગોડસેએ તો એક લાશની હત્યા કરી હતી. ગોડસે આણી મંડળી પ્રખર રાષ્ટ્રવાદી અને અતિ સંવેદનશીલ હતી.

એક મેમલ બ્રેઈનનું પ્રભુત્વ ધરાવનારા નેતાને પ્રથમ નંબરે રહેવાનો ચસકો કાયમ હોય છે. હવે તેણે અયોધ્યામાં થોડા એવા માણસોના ટોળા ભેગાં કર્યા એમાં ઇસ્લામ ખતરેમે કઈ રીતે આવી જાય? ઇસ્લામ તો આખી દુનિયામાં ફેલાયેલો છે. પણ પોતાના સમૂહ પર ખતરો મંડાઈ ગયો હોય તેવી લાગણીઓ ઊભરાઈ ગઈ. આખા ભારતમાં અને દુનિયામાં મુસ્લિમો છે પણ થોડા મુસ્લિમો ભાવનાઓના પૂરમાં બહેકી ગયા અને નિર્દોષ લોકોથી ભરેલો ડબો સળગાવી દીધો. છતાં માનીએ તો સજા એ લોકોને થવી જોઈએ જેમણે આવું જઘન્ય કૃત્ય કર્યું હોય. તર્ક એમાં હતો કે ગોધરાના સિગ્નલ ફળિયાના મુસ્લિમોને સજા થવી જોઈએ. પણ વડોદરાના રેલવે સ્ટેશને બેઠેલા વૃદ્ધ ચાચાને તો ખબર પણ નહોતી આ બનાવની એની હત્યા કોઈએ છરી મારી કરી નાખી એમાં કોઈ તર્ક કે બુદ્ધિ દેખાય છે ખરી? બે શીખ અંગરક્ષકોએ ઇન્દિરાજીની હત્યા કરી નાખી એમાં તો કોઈ તર્ક હતો જ નહિ પણ એના લીધે બીજા બેત્રણ હજાર શીખોની કત્લેઆમ મચાવવામાં પણ કોઈ તર્ક કે બુદ્ધિ દેખાય છે ખરી? ગોધરા કે શીખ હત્યાકાંડ કરનારાઓ અતિશય ભાવનાશીલ મેમલ બ્રેઈનનું પ્રભુત્વ ધરાવનારા હતા જેમને પોતાના સમૂહ પર ખતરો દેખાયો. રેશનાલીસ્ટને વખોડવા હમેશાં હિટલરનું ઉદાહરણ આપનારા ભૂલી જાય છે કે હિટલર આદિમ મેમલ બ્રેઈન ધરાવતો હતો કોઈ રેશનલ બુદ્ધિજીવી નહોતો. એને એના જર્મનીને મિત્ર દેશની ચંગૂલમાંથી છોડાવવું હતું. જર્મન પ્રજાના સર્વાઈવલનો સવાલ હતો.

હવે જરા inclusive fitness ( આનુષાન્ગિક સુયોગ્યતા) સમજી લઈએ. Gene pool માં મારા જિન્સ સૌથી વધુ ફરતા હોવા જોઈએ. નાં સમજાયું? માનવજાતના માનસરોવરમાં મારા હંસલા સૌથી વધુ તરતાં રહેવા જોઈએ. હવે સમજાઈ જવું જોઈએ. એના માટે એક તો સૌથી વધુ મારા વારસદારો પેદા કરવા પડે. મારો સમૂહ એટલે મારા જ હંસલા ગણાય. મારા ભાઈઓ, કુટુંબીઓ, સગાવહાલાં અને મારી જાત કે કોમનું પ્રભુત્વ કે બહુમતી Gene pool માં રહેવી જોઈએ. અને મારા આ વારસદારો અને મારા જ સમૂહનું પ્રભુત્વ રહે તે માટે સહકાર, સદભાવ, પરોપકાર, અને પરમાર્થ કરવો પડે. હવે એની ડાર્ક સાઇડ જોઈએ. માનવજાતના માનસરોવરમાં મારા હંસલા સૌથી વધુ તરતાં રહેવા જોઈએ તો બીજા તરતા હંસલાઓને ખતમ કરો મારા હંસલાઓની સંખ્યા અને પ્રભુત્વ ઓટોમેટીક વધારે રહેવાનું. ગ્રૂપનો કબજો લેનારો નવો સિંહ પહેલું કામ ગ્રૂપમાં રહેલા તમામ નાના બચ્ચાને મારી નાખે છે. ચાલો હવે હિટલર તરફ વળીએ. હિટલર સમજતો હતો કે જર્મન પ્રજા શુદ્ધ આર્યન છે. એટલાં માટે એણે વેદોમાંથી સ્વસ્તિક શોધી એના મુખ્ય ચિન્હ તરીકે મૂક્યો હશે તેવું મારું માનવું છે. યહૂદી અશુદ્ધ લોહી છે એનો નાશ થવો જોઈએ. ૬૦ લાખ યહૂદી હંસલાઓને ગેસ ચેમ્બરમાં પૂરીને મારી નાખ્યા. કોઈ રેશનલ આવું કૃત્ય કરી શકે જ નહિ. મોરાલીટી રેશનલ બ્રેઈનની શોધ છે, બુદ્ધિજીવી અને તર્કમાં માનવાવાળા લોકોની શોધ છે. પોજીટીવ લાગણીઓનું પ્રભુત્વ ધરાવનારા લોકોની શોધ છે. મેમલ બ્રેઈન કોઈ મોરાલીટીમાં માનતું નથી. એની ફક્ત એક જ મોરાલીટી છે સર્વાઈવલ..સર્વાઈવલ…અને સર્વાઈવલ…

ચીનમાં રાજાઓ બસો ત્રણસો રાણીઓ રાખતા. અઢળક છોકરાં પેદા કરતા. સૌથી ક્રૂર હત્યારો ગણાતા ચંગીઝખાનના જિન્સ ૧૬ મીલીયંસ લોકોમાં છે તેવી વૈજ્ઞાનિકોની ધારણા છે. આ આદિમ મેમલ બ્રેઈન ધરાવતા મુઘલો બહુ ક્રૂર હતા. નિર્દોષ પ્રજાના માથા ભાલા પર ચડાવી એમની ક્રૂરતાનું પ્રદર્શન કરતા. તો માનવતાવાદ ફેલાવવો હશે તો મેમલ બ્રેઇન અને તેના ઈવોલ્યુશનરી ફોર્સ સમજવા પડશે. મેમલ બ્રેઈનનો માનવતાવાદ, સહકાર અને પરોપકાર ફક્ત એના સમૂહ પૂરતો હોય છે. માનવતાવાદને વૈશ્વિક બનાવવો હશે તો મેમલ બ્રેઈનને સમજ્યા વગર નહિ બને. પહેલા રોગ સમજો ઘણીવાર રોગ સમજાઈ જાય તો દવાની જરૂર પડતી નથી. રોગની સમજ ખુદ દવા બની જતી હોય છે. પહેલા તાવ આવ્યો છે તેવી ખબર તો પડવી જોઈએ ને? કે પછી તાવને જ ઉત્સવ માનવો હોય તો કોઈ ઉપાય નથી.. ૫૦૦૦ વર્ષથી ગીતા વાંચીએ છીએ કોઈ ફરક પડ્યો લાગે છે? ૨૦૦૦ વર્ષથી કુરાન અને બાઈબલ વાંચીએ છીએ કોઈ ફરક લાગે છે? સૌથી વધુ હત્યાઓ આ પોતાના ધર્મ પ્રત્યે અત્યંત લાગણીશીલ લોકોએ કરી છે.

તાર્કિક અને બુદ્ધિજીવી મેમલ બ્રેઈન સાથે જ જન્મ્યો હોય છે. એકલું કોર્ટેક્સ લઈને તો કોઈ જન્મતો નથી. એકલી લાગણીઓ જંગલી ઘોડા જેવી હોય છે. એના પર તર્ક અને બુદ્ધિની લગામ લઈને બેસો તમને ક્યાંથી ક્યા પહોચાડી દેશે. તમને બુદ્ધ, મહાવીર જિસસ બનાવી દેશે. પણ તર્ક અને બુદ્ધિની લગામ વગર એના પર બેસો તો તમને હિટલર, સ્ટાલિન, માઓ કે ઓસામા બિન લાદેન બનાવી દેશે.

હાલના પ્રખર માનવતાવાદી અને ઈવોલ્યુશનરી બાયોલોજીસ્ટ Richard Dawkins કહે છે Let us try to teach generosity and altruism, because we are born selfish.

imagesCA05HRYU

નવા વર્ષે પ્રાચીન પાઠ

untitled=વૃદ્ધાવસ્થા બહુ વસમી બની જતી હોય છે જો એકલાં રહેવાનું આવે તો. પશ્ચિમના સમાજમાં આ સામાન્ય થઇ પડ્યું છે. ભારતમાં પણ હવે વૃદ્ધાશ્રમો નવાઈની વાત રહી નથી. દર બેમાંથી એક અમેરિકન વૃદ્ધ એકલતાની ભાવના વડે પીડાતો હોય છે. જાપાનમાં એકલાં મૃત્યુ પામેલા(kodokushi) વૃદ્ધોના દેહ દિવસો, અઠવાડિયા કે મહિના સુધી કોઈના ધ્યાનમાં આવતા નથી, અને નવાઈની વાત એ છે કે આવું જાપાનના ગામડાઓ કરતા શહેરોમાં વધુ બને છે જ્યાં હમેશાં પુષ્કળ ભીડ હોય છે. જેમ જેમ આપણે વૃદ્ધ થતા જઈએ તેમ આજુબાજુથી લોકો દુર થતાં જતા હોય તેમ લાગતું હોય છે. વૃદ્ધો માટે ડિપ્રેશન મોટો સીરીયસ પ્રશ્ન છે. સામાજિક વેગળાપણું અને એકલતા આપણા પૂર્વજો માટે અસંભવ હતું. હવે પૂર્વજો કહું એટલે ફક્ત રામાયણ-મહાભારતના પૌરાણિક કાળના પૂર્વજો માની લેવા નહિ. આ બધાં ૫-૧૦ હજાર વર્ષ કરતા જુના નથી. દસ-૧૫ હજાર વર્ષ પહેલા દુનિયાના બધા માનવ સમાજો હંટર-ગેધરર હતા. હવે હંટર-ગેધરર કહું એટલે ફિલ્મોમાં જોએલા અને કથાઓમાં વર્ણવેલા ભયાનક, બિહામણા માણસખાઉં જંગલી માનવસમાજ માની લેવા નહિ. હવે ચારપાંચ આંગળીને વેંઢે ગણાય તેટલાં જ હંટર-ગેધરર સમાજ બચ્યા છે અને તે પણ સાવ એકાંતમાં. આ લોકો ફક્ત પેટ ભરવા પૂરતાં શિકાર કરે છે. જે જંગલી સમાજો હિંસક છે તે પેલાં હંટર-ગેધરર કરતા થોડા સુસંસ્કૃત અને ખેતી કરતાં સમાજ છે, અને જમીન વગેરેની માલિકી અને ખેત ઉત્પાદન માટે લડતા સમાજ છે. હંટર-ગેધરર દુનિયાના સૌથી ઓછી સામાજિક, શારીરિક અને માનસિક હિંસા કરનારા સમાજો છે. જમીન માલિકીની ભાવના આવી અને માનવ સમાજો હિંસક બનતા ગયા.

જંગલમાં પ્રાણીઓ વચ્ચે સંપૂર્ણ કુદરતી વાતાવરણમાં રહેવાના કારણે સ્વાભાવિક આ લોકોનું આયુષ્ય ઓછું હોય છે પણ અભ્યાસ મુજબ ઘણાં ૭૦-૮૦ વર્ષ પણ જીવી જતા હોય છે. Hadza હંટર-ગેધરર સમાજમાં kodokushi શક્ય જ નથી. આ સમાજનો અભ્યાસ જણાવે છે તે પ્રમાણે, આ લોકોના સામાજિક તાણાવાણા એકબીજા સાથે જબરદસ્ત ગૂંથાયેલા હોય છે. પ્રાઇવસી જેવો શબ્દ આ લોકોની ડિક્શનેરીમાં ભાગ્યેજ જોવા મળતો હોય છે. શિકાર કરવા પણ સમૂહમાં જતા હોય છે. સ્ત્રીઓ ફળફળાદિ ભેગાં કરવા સમૂહમાં ફરતી હોય છે. ખાવાનું બનાવવાનું પણ સમૂહમાં જ થતું હોય છે. પુરુષો શિકારે ના જાય તે દિવસે આખો દિવસ ભેગાં બેસી રમતા બાળકોનું ધ્યાન રાખતા હોય છે. રાત્રે નાચવાનું ગાવાનું અને સુવાનું પણ લગભગ એકબીજાની નજીકમાં. કોઈ તકલીફ થાય તો બાયાલોજીકલ સંબંધ હોય તેવા ભાઈ કે પિતાને બૂમ પાડવાની જરૂર જ નહિ. બધા એકબીજાની એક કુટુંબ હોય તેમ કાળજી રાખે. ખાવાનું પણ સરખાં ભાગે વહેંચાય. વૃદ્ધ હોય તેને જરૂર કરતા વધુ કેલેરીવાળો ખોરાક અપાય. સ્ત્રીઓ પુરુષો બહાર ગયા હોય તો બાળકોનું ધ્યાન વૃદ્ધો કૅમ્પમાં રહીને રાખે. નિર્ણયો સામૂહિક લેવાય અને વૃદ્ધોનો અવાજ પહેલો સાંભળવામાં આવે.

We didn’t evolve to be islands.

આપણે સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છીએ. સર્વાઈવલ અને રીપ્રોડકશન માટે સમૂહમાં રહેવું જ બહેતર હતું. લગભગ બધા જ મેમલ સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલા છે. સમૂહમાં રહેવાથી ભૂખે મરવામાંથી પણ બચી જવાય અને પ્રીડેટરથી પણ બચી જવાય. એકલાં રહેવાનું નક્કી કરો એટલે લાંબું જીવાય નહિ અને વારસો પણ વધુ પેદા કરી શકો નહિ. ટૂંકમાં આપણે ટાપુ બનીને જીવવા ઉત્ક્રાંતિ પામેલા નથી. અને એટલે જ જ્યારે આપણે એકલાં પડીએ ત્યારે એકાંત ખાવા ભાસતું હોય તેમ લાગે છે, અને એક ઉદાસીનતા છવાઈ જાય છે. This is evolution’s safeguard against social isolation. આમ એકાંત અને ડિપ્રેશન એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે.

હજુ આપણા ગામડાઓમાં આ હંટર-ગેધરર જીવવાની પ્રથા સચવાયેલી છે. ચાર ભાઈઓના નવા ચાર ઘર બનાવ્યા હોય પણ તે લાઇનબંધ હોય અને ચારે ઘરની પરસાળ તો લાંબી એક જ હોય. પ્રાઇવસી અને સમૂહમાં રહેવાનું બધું સચવાઈ જાય. નવરાં પડે સાંજે બધા ભેગાં બેસી મજાના ગામગપાટા મારે.

So as we ring in this New Year, let us borrow from past practices and devote some of our time to be with those most vulnerable. imagesCAU75MM6