કાશ્મીર કાંટે કી કલી
કાશ્મીર એક સમયનું પૃથ્વી પરનું સ્વર્ગ, પાછલા ત્રણ દાયકામાં આશરે ૪૨૦૦૦ માનવોનાં રક્ત વડે સિંચાયેલું ધર્માંન્ધાતાની લોહીયાળ લોન ઉપર ખીલેલું રક્તપુષ્પ બની ચૂકેલું છે.
એવું કહેવાય છે કે કશ્યપ ઋષિએ અહિ લોકોને વસાવેલા. કશ્યપ-મીર એટલે કશ્યપ સરોવર અથવા કશ્યપ-મેરુ એટલે કશ્યપ પર્વત પરથી કાશ્મીર નામ પડ્યું હોવું જોઈએ. આર્યો બહારથી આવેલા એ થીયરી ઘણા બધા માનતા નથી પણ મને લાગે છે કશ્યપ નામના આર્યોના એક સમૂહના વડાનાં પૂર્વજો રશિયાની દક્ષિણે કે યુરોપથી આવીને હાલના અફઘાનિસ્તાન પછી ભારતમાં પ્રવેશ્યા હોય અને પછી કાળક્રમે નવી ભૂમિની શોધમાં એમના વારસદાર કશ્યપે કાશ્મીરમાં એમની ટોળીને વસાવી હોય. સ્વાભાવિકપણે ઠંડાગાર પ્રદેશોમાંથી આવેલા આર્યોને કાશ્મીર ભાવી જાય રહેવા માટે એમાં કોઈ નવાઈ નથી.
કાશ્મીર હિન્દુઓના શૈવ સંપ્રદાય અને બુદ્ધ ધર્મનું મહત્વનું કેન્દ્ર રહેલું. ચીનમાં બુદ્ધ ધર્મ વાયા કાશ્મીર ગયો હોય એમાં શંકાનું કારણ ખાસ લાગતું નથી. કાર્કોટ અને ઉત્પલ જેવા પાવરફુલ હિંદુ સામ્રાજ્યોના સમયમાં કાશ્મીર સાહિત્ય, સંગીત, નાટ્ય, કવિતા, કળા, કારીગરી, હિંદુ ફિલોસોફી, મીમાંસા વેદાંત, વગેરેનું મહત્વનું કેન્દ્ર રહેલું. અભિનવ ગુપ્તા જેવો ગ્રેટ મલ્ટી ટેલેન્ટેડ તત્વજ્ઞાની કાશ્મીર ઘાટીમાં જન્મેલો.
ભારતમાં ઇસ્લામનું આગમન થઈ ચૂક્યું હતું એવામાં ઈ.સ. ૧૩૧૩મા શાહ મીર કાશ્મીરના હિંદુ રાજા સહદેવના દરબારમાં કામે લાગ્યો. સહદેવ પછી એના ભાઈ ઉદયનદેવના મૃત્યુ પછી શાહ મીરે પોતે જ ગાદી સંભાળી લીધી. કાશ્મીરનો આ પહેલો મુસ્લિમ શાસક. એના પછી મુઘલોનું શાસન આવ્યું. જહાંગીર અને શાહજહાંનાં સમયમાં કાશ્મીર વધુ ને વધુ વિકસ્યું. થોડો સમય અફઘાન દુરાનીનું રાજ રહ્યું પછી આવ્યા શીખ મહારાજા રણજીતસિંહ મેદાનમાં. શીખ સામ્રાજ્ય છેક તિબેટ સુધી ડંકો વગાડતું હતું. ગુલાબસિંહ અને જોરાવરસિંહ કહલુરીઆએ રાજોરી, કિષ્ટવર, સુરુ અને કારગીલ, લડાખ, બાલ્ટીસ્તાન, બધું કાશ્મીર ઘાટી સાથે જોડી દીધું. શીખોના શાસનમાં કાશ્મીર ખૂબ સમૃદ્ધ બન્યું અને એના ઉત્પાદનોને આખી દુનિયામાં ઓળખ મળી.
શીખ સામ્રાજ્યના પતન પછી કાશ્મીર અંગ્રેજોનું પ્રિન્સલી સ્ટેટ બન્યું. લડાખ તિબેટીયન સંસ્કૃતિ ધરાવતું બૌદ્ધિસ્ટ હતું, જમ્મુમાં હિંદુ, શીખ અને મુસ્લિમો હતા, કાશ્મીર ઘાટીમાં સુન્ની મુસ્લિમો સાથે થોડા હિન્દી બ્રાહ્મણો હતા જેને આપણે કાશ્મીરી પંડિત કહીએ છીએ. બાલ્ટીસ્તાનમાં વંશીય રીતે લડાખી પણ ધાર્મિક રીતે શિયા ઇસ્લામી લોકો રહે છે. ગિલગીટ એજન્સીમાં બધા ભેગાં પણ ઇસ્લામના શિયા પંથી, પુંચમાં મુસ્લિમો ખરા પણ વંશીય રીતે એથનીકલી કાશ્મીર ઘાટી કરતા જુદા છે.
આઝાદી સમયે કાશ્મીરના મહારાજાને નેપાળની જેમ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઓળખ મેળવવી હતી પણ ભારતના એકેય રજવાડા પાસે પોતાનું મજબૂત લશ્કર ક્યા હતું? રાજાઓના પોતાના અંગરક્ષક દળ હોય કે નાનીમોટી પોલીસ હોય બાકી સૈન્યના નામે કશું મળે નહિ. અંગ્રેજોએ રાખવા જ દીધું નહોતું. એટલે કાંતો પાકિસ્તાન સાથે જોડાઓ કે ભારત સાથે કોઈ બીજો વિકલ્પ હતો જ ક્યા? કાશ્મીરના મહારાજા હરિસિંહ નાછૂટકે ભારત સાથે જોડાયા. પછીનો ઇતિહાસ આપણે એટલો બધો જાણીએ છીએ કે એટલું તો ઇતિહાસ ખૂદ નહિ જાણતો હોય. એટલે એ બધી પળોજણમાં પડવું નથી. એ સમયે મહારાજા હરિસિંહને, નહેરુજીને, સરદારને જે યોગ્ય લાગ્યું હશે તે કર્યું હશે એમાં કોઈને દોષ દેવો હવે નકામો છે. રાજા-મહારાજાઓને પણ વિશિષ્ટ અધિકારો આપેલા જેતે સમયે. સાલિયાણા પણ બાંધી આપેલા જ હતા. એમ કાશ્મીરને પણ ૩૭૦ ઘડી વિશિષ્ટ દરજ્જો આપેલો, આપવો પડેલો કહીએ તો વધુ સારું. રાજા-મહારાજાઓને આપેલા વિશિષ્ટ દરજ્જાઓ છીનવી લીધા એ વખતે બધાને સારું લાગતું હતું તો હવે કેમ બુરું લાગે છે? માનસિકતા તો એની એજ છે. પેલા વ્યક્તિગત હતા તો આ આખું રાજ્ય છે, તો રાજ્યની ઓળખ અને સ્વતંત્રતા હોય તેમ વ્યક્તિની ઓળખ અને સ્વતંત્રતા કેમ ના હોય?
માણસ સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલો છે અને સમૂહનો એક વડો હોય. આ વૈજ્ઞાનિક હકીકત છે. વ્યક્તિની સ્વતંત્રતા એક પગ ઉંચો કરવા જેટલી છે એનો બીજો પગ પોતાના સમૂહ અને એના કાયદા કાનૂન સાથે જોડાયેલો હોય છે. આપણે સરીસર્પ નથી નથી અને નથી. માનવીની સામાજિક વ્યવસ્થા બીજા પ્રાણીઓની સામાજિક વ્યવસ્થા કરતા જટિલ છે. કારણ એની પાસે બહુ મોટું કોર્ટેક્સ છે પુષ્કળ ન્યુરોન્સ છે. માનવી એક સાથે અનેક સમૂહોમાં જીવતો હોય છે. કુટુંબ, ફળિયું, ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય, દેશ, ધર્મ, વ્યવસાય, વિચારધારા આ બધા જુદા જુદા સમૂહોનું પ્રતિનિધત્વ કરતા હોય છે. આ બધા અનેક સમૂહોમાં માનવી એક સાથે જીવતો હોય છે. ક્યારે કોને પ્રાધાન્ય આપવું એનું સંતુલન રાખવું એ બહુ મહત્વની કળા છે.
“જેમ જેમ તમે મોટા અને મોટા સમૂહ સાથે જોડાતા જાઓ તેમ તેમ તમારી વ્યક્તિગત ઓળખ અને સ્વતંત્રતાનું વજૂદ ઓછું થતું જવાનું.”
મારે કુટુંબના ભલા માટે વ્યક્તિગત ઓળખો સ્વતંત્રતા બાજુ પર મુકવી પડતી હોય છે. અથવા એમાં બેલેન્સ જાળવવું પડતું હોય છે. તમારે સમાજના ભલા માટે કૌટુંબિક ઓળખ અને એનું ભલું બાજુ પર મૂકવું પડતું હોય છે. એવું કરે એને તમે બીરદાવો પણ છો. એવું લોકો ધરમ માટે કરતા હોય છે, દેશ માટે કરતા હોય છે, એક ચોક્કસ વિચારધારા માટે, એક ચોક્કસ સમાજ માટે કરતા હોય છે. આમાં પણ અમુક વિશિષ્ટ હોશિયાર લોકો આ બધા માટે બેલેન્સ જાળવીને બધાના ભલા માટે કામ કરતા હોય છે છતાં એમને ક્યાંક તો તડજોડ કરવી પડતી હોય છે એકાદને પ્રાધાન્ય આપવા કોઈ બીજાને ઓછું મહત્વ આપવું પડતું હોય છે. બાબાસાહેબ આંબેડકર હોય, ગાંધીજી હોય એવા અનેક આગેવાનો હતા જે એક સાથે અનેક સમૂહોના ભલા માટે પછી દેશ હોય કે કોઈ ચોક્કસ સમાજ હોય કે કોઈ ચોક્કસ વિચારધારા હોય એના માટે કામ કરતા જ હતા. દેશ એક મોટો સમૂહ જ છે. ક્યારેક દેશ માટે વિચારધારાને ઓછું મહત્વ આપવું પડતું હોય છે, ક્યારેક કોઈ ચોક્કસ સમાજ માટે દેશને ઓછું મહત્વ આપવું પડતું હોય છે. ક્યારેક કોઈ વિચારધારા માટે દેશ સમાજ બધાને ઓછું મહત્વ આપવું પડતું હોય છે. અને ધરમ માટે તો લોકો બધું ત્યજી દેતા હોય છે. હહાહાહાહા
કાશ્મીર એક સાથે અનેક દેશો જોડાયેલો રાજકીય વ્યુહાત્મક અને સરંક્ષણની દ્રષ્ટીએ મહત્વનો પ્રદેશ છે એટલે તે ભારતમાં રહે તેવું તે સમયના નેતાઓએ વિચાર્યું હશે. બાળક ભણવા બેસે એટલે એના ભણતરના ભલા માટે ક્યારેક ચોકલેટ આપવી પડતી હોય છે કે આટલુ લેશન કરી નાખ પછી ફરવા લઇ જઈશ તો ક્યારેક એના દાંતના ભલા માટે ચોકલેટ છીનવી પણ લેવી પડતી હોય છે.
કાશ્મીરમાં રહેતા લોકોને કઈ ઓળખ જોઈએ છે? કઈ ઓળખની સ્વતંત્રતા જોઈએ છે? કાશ્મીરી તરીકેની કે બીજી કોઈ? ૧૯૦૧મા કાશ્મીર વેલીમાં ૯૩% મુસ્લિમ હતા, હિંદુઓ લગભગ ૬૦,૦૦૦ હતા, તે સમયે જમ્મુમાં ૯૦% હિંદુઓ હતા, એમાં પણ બ્રાહ્મણો ૧૮૬૦૦૦, રાજપૂતો ૧૬૭૦૦૦, ખાતરી ૪૮૦૦૦ અને ઠક્કર ૯૩૦૦૦ હતા. કાશ્મીરમાં હિન્દી, પંજાબી, ડોગરી, કાશ્મીરી, તિબેટીયન, અને બાલ્ટી આટલી તો ભાષાઓ બોલાય છે.
મારે કાશ્મીર વેલીના બહુમતિ મુસ્લિમોને પૂછવું છે કે તમારે કાશ્મીરી તરીકે ઓળખ જોઈએ છે? તો તમે મૂળ કાશ્મીરી પંડિતોની છાતીમાં છરા ના ભોંક્યા હોત, તમે એમની બહેન દીકરીઓની છાતીઓ ચીરી બળાત્કાર ના કર્યા હોત. એમને અડધી રાત્રે ભગાડી ના મુક્યા હોત. તમારે કાશ્મીરી તરીકે ઓળખ જોઈતી નથી. તમારે ૩૭૦નાં બહાને મુસ્લિમ આતંકવાદ ફેલાવવો છે. આખાય ભારતમાં એનો ચેપ લગાવવો છે. કાશ્મીર જેવા ધરતી પરના સ્વર્ગને એક લોહીયાળ લોનમાં ફેરવી નાખ્યું છે. તો કયા મોઢે આગવી ઓળખ અને સ્વતંત્રતાની વાતો કરવી છે?
કાશ્મીરમાં આંદોલનો અને ચળવળો ચલાવતા તમામે તમામ નેતાઓના છોકરાં ઇંગ્લેન્ડ અમેરિકા ભણે છે અને બાકીના કુટુંબ સાથે રહે છે. એકેય નેતાનો છોકરો આંદોલનમાં માર્યો ગયો હોય તો કહો.
કાશ્મીરના ભલા માટે, ભારતના ભલા માટે ક્યારેક ૩૭૦ નામની ચોકલેટ આપી હશે એટલે કેમ આપેલી અને મહાન ભૂલ હતી વગેરે બકવાસ વાતો છે. ૩૭૦ ખાતા ના આવડ્યું, તો એનો દૂરુપયોગ થયો, તો એને વહેલી પાછી લઇ લેવાની હતી. પણ પાછી લઈશું તો નુકશાન થશે એવું ઘણાને લાગતું હશે એટલે એમણે પાછી ના લીધી અને ઘણાને એવું લાગ્યું હશે કે પાછી નહિ લઈએ તો નુકશાન થશે એટલે એમણે પાછી લઇ લીધી. ત્રીસ વરસમાં ૪૨૦૦૦ હત્યાઓ, આતંકવાદ, ત્રાસવાદ પછી માનવતાને નામે, કાશ્મીરીઓની સ્વતંત્ર ઓળખ, તે પણ ફક્ત કાશ્મીર વેલીના મુસ્લિમો માટે વકીલાત કરવી મૂર્ખામી છે. આપણી ગુજરાતી તરીકેની ઓળખ કોણે છીનવી લીધી? પંજાબી તરીકેની ઓળખ કોણે છીનવી લીધી? અરે અમેરિકામાં પણ દેન નથી કે આપણી ગુજરાતી તરીકેની ઓળખ છીનવી લે. અમે પ્લેનમાં થેપલાં કાઢીને અથાણા સાથે ખાઈએ જ છીએ ને? હહાહાહાહા
જેમ જેમ તમે મોટા સમૂહનાં ભલાનું વિચારો તેમ તેમ તમારે નાના સમૂહની વિચિત્ર ઓળખોને મહત્વ આપવાનું ઓછું કરવું પડે. જે સારું છે, બાકીના સમાજને નડતરરૂપ નથી એને તો કોઈ ટચ કરવાનું નથી. ઉલટાનું તમને બાકીના સમાજનો ટેકો મળશે. ન્યુઝીલેન્ડમાં જોયું હતું ને પેલા ગાંડાએ મસ્જીદમાં હત્યાકાંડ કરેલો આખી દુનિયા કોને પડખે હતી? તમારે પોતાની ગંદી, ગાંડી, ઘેલી ઓળખ જાળવી રાખવા બાકીના મોટા કે નાના સમૂહને ત્રાસ આપવો હોય તો પછી શાસનકર્તાઓને કડક થવું જ પડે.
આશા રાખીએ કાશ્મીર કાંટે કી કલી, હવે ફરી પાછો ખુબસુરત ગુલાબનો બગીચો બની જાય એના માટે આપણી જવાબદારી પણ ઓછી નથી.
:- ભૂપેન્દ્રસિંહ રાઓલ, સાઉથ એબિંગન્ટન, પેન્સિલવેનિયા, યુએસએ..