Category Archives: અહેવાલ

ખિલાફત ચળવળ

ખિલાફત ચળવળ

ખિલાફત ચળવળ વિષે ગાંધીજી ઉપર સદૈવ બહુ માછલાં ધોવાય છે; કે ગાંધીજીએ ખિલાફત ચળવળને ટેકો આપેલો, મુસલમાનોને ટેકો આપેલો, વગેરે વગેરે. મહમંદ અલી જિન્નાહ ખિલાફત મૂવમેન્ટને ટેકો આપવાના મૂડમાં નહોતા. ગાંધીજી પર આ બાબતે માછલાં ધોતાં પહેલાં ખિલાફત વિષે, ખિલાફત ચળવળ વિષે અને ખાસ તો ખલિફા વિષે જાણવાની બહુ જરૂર છે એ સિવાય કોઈના પર આક્ષેપો કરવા નકામું છે. નવી પેઢીને શું જૂની પેઢીના લોકોને પણ ખાસ આ બાબતે ખબર નહિ હોય. ખલિફા કોને કહેવાય તે ખબર છે? એના માટે તુર્કસ્તાન જવું પડે. મહાન ઓટોમન સામ્રાજ્યનો ઇતિહાસ ફંફોળવો પડે.

તમને હાલના ગુજરાતના ગ્રેટ સિંગર ઓસમાન મીરનું નામ યાદ હશે જ. તો સાંભળો દક્ષીણ પૂર્વ યુરોપ, પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકા એમ ત્રણ ત્રણ ખંડવિભાગ ઉપર એક સમયે જેનું આપખુદ રાજ ચાલતું હતું તે ગ્રેટ ઓટોમન સામ્રાજ્યનો પહેલો સ્થાપક ઓઘુઝ ટર્કીશ ટ્રાઇબલ લીડર ઓસમાન પહેલો હતો. ઓટોમન એટલે ઓસમાનઅલીનાં ફોલોઅર. ૧૨૯૯મા એણે એની શરૂઆત કરી નાખી હતી. ૧૩૫૪મા યુરોપમાં ઘૂસી ગયેલા. ૧૬મી અને ૧૭મી સદીમાં સુલેમાન ધ મેગ્નિફીસન્ટનાં જમાનામાં તો ઓટોમન સામ્રાજ્ય મલ્ટીનેશનલ, બહુભાષીય, દક્ષીણ પૂર્વ યુરોપ, પશ્ચિમ એશિયા, સેન્ટ્રલ યુરોપ, પૂર્વ યુરોપ, ઉત્તર આફ્રિકા બધે ફેલાઈ ચૂક્યું હતું. તમારી આંખો ફાટી જશે વાંચીને કે ૧૪૫૧માં ઓટોમન સામ્રાજ્યનો વિસ્તાર ૫,૫૬,૭૦૦ ચોરસ કીલોમીટરમાં ફેલાયેલો હતો, ૧૫૨૦માં પુરા ૩૨ લાખ ચોરસ કિલોમીટર હતો જ્યારે ૧૬૮૩મા પુરા બાવન લાખ ચોરસ કિલોમીટર હતો.

ભારતમાં ખીલજી વંશની સ્થાપના કરનાર જલાલુદ્દીન ખીલજી મૂળ તુર્ક હતો. એના પછી આવેલા તુઘલક પણ મૂળ તુર્ક જ હતા. આખી દુનિયાને ઇસ્લામમાં ફેરવી નાખવાની જેહાદ લઈને નીકળેલા આ ઓટોમન સામ્રાજ્યના સર્વોપરી સુલતાનો પોતાને ખલિફા કહેતા હતા અને આખી દુનિયાના મુસલમાનોનું પવિત્ર પ્રતિનિધિત્વ જાતે જ લઈને બેઠેલા હતા. પુરા છસો વર્ષ ઓછા કહેવાય? હા ! તો પુરા છસો વર્ષ પોતાનો ડંકો વગાડે રાખતા આ સામ્રાજ્યનો ખુદનો ડંકો ૧૯મી સદીમાં વાગી ચૂક્યો હતો. ૧૮૧૧મા વહાબી આરબોએ ઓટોમન સુલતાન સામે બળવો કરેલો. ૧૮૨૧માં ગ્રીક લોકોએ સુલતાન સામે યુદ્ધ જાહેર કરેલું. ૧૮૩૦માં ફ્રેંચ લોકોએ અલ્જેરિયા પર હુમલો કર્યો. સુલતાન મેહમુદ બીજા ઉપર મહંમદ અલીએ પોતે બળવો પોકારેલો, એને રોકવા રશિયાના સમ્રાટ નિકોલસની મદદ લેવી પડી એમાં મહંમદ અલીને વલી જાહેર કરી આજના સિરિયા અને લેબેનોન આપી દેવા પડ્યા. સતત યુદ્ધોમાં રત ઓટોમન સામ્રાજ્ય અંદરથી ખોખલું થઈ રહ્યું હતું. ૧૯૦૮માં યંગ ટર્ક રેવલૂશન ચાલુ થયું, એમને રાજાશાહી ખપતી નહોતી. ૧૯૧૧માં ઇટાલો-ટર્કીશ વોર, ૧૯૧૨માં બાલ્કંસ વોર, એમને પહેલા વિશ્વયુદ્ધ સુધી ખેંચી ગયું. ઓકટોબર ૧૯૧૪માં રશિયાન બ્લેક સમુદ્ર કાંઠે આશ્ચર્યજનક હુમલો કરી ઓટોમન સામ્રાજ્યે એની પડતી નિશ્ચિત કરી નાખી કારણ રશિયા સાથે ફ્રાંસ, બ્રિટનનું ગઠબંધન હતું. ૧૯૧૫માં ૧૫ લાખ અર્મેનિયનનાં સામૂહિક નરસંહાર કરવામાં આવેલો. મુસ્તુફા કમાલ પાશાની આગેવાનીમાં ટર્કીશ નેશનલ મુવમેન્ટ ચાલેલી અને એ લોકો ટર્કીશ વોર ઓવ ઈન્ડીપેન્ડન્સ(૧૯૧૯-૧૯૨૩) જીતી કોન્સ્ટન્ટીનોપોલ કબજે કરવામાં સફળ થયા.

૧ નવેમ્બર ૧૯૨૨ મહાન ઓટોમન સામ્રાજ્યને નાબુદ કરવામાં આવ્યું, છેલ્લા સુલતાન ખલિફા મેહમુદ છઠ્ઠા ૧૭ નવેમ્બર ૧૯૨૨માં દેશ છોડી માલ્ટા ચાલ્યા જાય છે. રિપબ્લિક ઓવ ટર્કીની સ્થાપના ૨૯ ઓક્ટોબર ૧૯૨૩મા નવી રાજધાની અંકારામાં થાય છે. ૩ માર્ચ ૧૯૨૪માં ખિલાફત નાબૂદ કરવામાં આવે છે.

હવે ભારતમાં ચાલેલી ખિલાફત ચળવળ તરફ નજર માંડીએ. ૧૯૧૯ થી ૧૯૨૪ સુધી ચાલેલી ખિલાફત ચળવળને ભારતીય મુસ્લિમોની ચળવળ કહેવામાં આવે છે. ખિલાફત ચળવળ બ્રિટીશ ઇન્ડીયાના મુસલમાનોએ શૌકતઅલી, મોહંમદઅલી જૌહર અને અબુલ કલામ આઝાદની આગેવાનીમાં શરુ કરલી ચળવળ હતી, એનો મુખ્ય ઉદ્દેશ ભાંગી પડેલા ઓટોમન સામ્રાજ્યના ખલિફાની ખિલાફતને બચાવવાનો પુનઃસ્થાપિત કરવાનો હતો. ખલિફા સુન્ની મુસલમાનોના એકમાત્ર ધાર્મિક વડા કહેવાતાં હતા. ધર્મ ક્યારેક દેશ કરતા મોટા સમૂહનું પ્રતિનિધત્વ કરતો હોય છે એનું આ ઉદાહરણ છે. ક્યાં ભારત અને ક્યાં તુર્કસ્તાન?

ખિલાફત ચળવળનાં મૂળિયાં તો ઓટોમન સુલતાન અબ્દુલ હમીદ બીજાએ ૧૯મી સદીના અંતમાં જમાલુદ્દીન અફઘાનીને ભારત મોકલીને નાખી દીધેલાં. પશ્ચિમી લોકતાન્ત્રિક આધુનિક સભ્યતાના આક્રમણ સામે એમને એમની રૂઢીચુસ્ત ખિલાફત બચાવવી હતી. ખાસ તો બ્રિટનનો ખોફ વધતો જતો હતો. હવે ભારતમાં બ્રિટીશરાજ હતું અને ભારતીયોને એમાંથી મૂક્ત થવું હતું. તો ભારતના મુસ્લિમોની બ્રિટીશરાજ વિરુદ્ધની લાગણીનો ઉપયોગ પણ કરી શકાય. વળી ખલિફા પોતાને દુનિયાના તમામ સુન્ની મુસ્લિમોનાં ધાર્મિક વડા માનતા હતા. લોકશાહી ઈચ્છતા યુવાન તુર્કોની આગેવાની મુસ્તફા કમાલ પાશાએ લીધેલી હતી તેમને પણ દબાવવા હતા. આમ ઓટોમન સુલતાનના જાસામાં ભારતના મુસ્લિમો આવી ગયા અને બ્રિટીશ ભારતમાં તુર્કસ્તાનના ખલિફાની ખિલાફત બચાવવા ચળવળ શરુ થઈ. ઓક્સફોર્ડમાં ભણેલા મુસ્લિમ જર્નાલીસ્ટ મૌલાના મહમદઅલી એમાં તો ચાર વર્ષ જેલમાં રહેલાં.

મહંમદઅલી, એમના ભાઈ મૌલાના શૌકતઅલી, મુખતાર એહમંદ અન્સારી, હકીમ અજમલખાન, મૌલાના અબુલ કલામ આઝાદ અને બીજા આગેવાનોને ઓલ ઇન્ડિયા ખિલાફત કમિટીની રચના લખનૌમાં કરેલી. ૧૯૨૦માં આ લોકોએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે ગઠબંધન કરેલું. ગાંધીજીને આ લોકોએ શાંતિપૂર્વક સવિનય કાનૂનભંગ અને અસહકારની ચળવળમાં ભાગ લેવાનું વચન આપેલું અને એ બહાને સ્વરાજ અને ખિલાફત માટે બ્રિટીશરાજ સામે લડવામાં કોંગ્રેસને સાથ આપવાનું ઠરાવેલું. ગાંધીજી અને કોંગ્રેસનો હેતુ ખિલાફત ચળવળને ટેકો આપવાનો મતલબ એટલો જ હતો કે એ બહાને મુસ્લિમો સ્વરાજની લડાઈમાં પૂરી રીતે જોડાઈ જાય. શરૂમાં આ રીતે હિંદુ મુસ્લિમ એક થઈને અસહકાર, સવિનય કાનૂનભંગ, સ્કૂલો કૉલેજોનો બહિષ્કાર, વિદેશી માલની હોળી સરકારે આપેલા ખિતાબો પાછા આપવા, વગેરે વગેરે પ્રકારે બ્રિટીશરાજ સામે એક થઈને લડ્યા. એમાં ગાંધીજી, અલીબ્રધર્સ અને બીજા લોકો જેલમાં પણ ગયા.

આમાં મુસ્લિમ નેતાઓમાં ખિલાફત માટે લડતાં, મુસ્લિમ લીગ માટે લડતાં અને કોંગ્રેસ માટે લડતાં એવા ત્રણ ભાગ થઈ જતાં ખિલાફત મૂવમેન્ટ નબળી પડવા માંડી અને છેવટે મુસ્તુફા કમાલે ટર્કીમા બિનસાંપ્રદાયિક લોકશાહી સ્થાપી દીધી, હવે ખલીફા જ ના રહ્યાં તો ખિલાફત ચળવળનું ધબાય નમઃ થઈ ગયું. હવે ખિલાફતમાંથી નવરા પડેલા મુસ્લિમ નેતાઓએ પોતપોતાના રસ્તા શોધી લીધા. સૈઇદ અતાઉલ્લાશાહ બુખારીએ મજલિસ-એ-અહરાર-એ-ઇસ્લામની સ્થાપના કરી, ડૉ. અન્સારી, હકીમ અજમલખાન અને મૌલાના આઝાદ ગાંધીજી અને કોંગ્રેસના સબળ ટેકેદાર બની રહ્યા, અલી બ્રધર્સ મુસ્લિમ લીગમાં ઘૂસી ગયા અને અલગ પાકિસ્તાનની માંગણીના પ્રખર ટેકેદાર બન્યા.

એક રીતે જોઈએ તો ખિલાફતની ચળવળ ઓટોમન સામ્રાજ્યના આપખુદ ખલિફાની સુલતાની બચાવવા માટેની ચળવળ હતી એટલે તો મહંમદઅલી જિન્નાહ એના વિરોધી હતા. કોંગ્રેસ અને ગાંધીજીનો સ્વાર્થ એ બહાને ભારતના મુસ્લિમો સ્વતંત્રતા માટેની લડાઈની મુખ્યધારામાં જોડાઈ જાય એટલો હતો. ખિલાફતની આફત પાકિસ્તાનના સર્જન માટે એક કારણ બની હોઈ શકે એવું ઘણા માનતા હશે એટલે આજે હજુય ગાંધીજીનાં માથે માછલાં ધોવાય છે. પણ મારું ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન એવું કહે છે કે માનવી સ્ટેટ્સ સિકીંગ એનિમલ છે અને તે કોઈપણ ભોગે પ્રથમ આવવા ઈચ્છતો હોય છે એટલે ખિલાફતની ચળવળ ના થઈ હોત તો પણ જિન્નાહ જેવા નેતાઓ એમની નંબર વન બનવાની અપેક્ષા પૂરી કરવા અલગ પાકિસ્તાન રચવાના પક્ષમાં રહેવાના જ હતા.

:- Bhupendrasinh Raol, South Abington, PA, USA. October 24, 2019

કાશ્મીર કાંટે કી કલી

kashmirકાશ્મીર કાંટે કી કલી

કાશ્મીર એક સમયનું પૃથ્વી પરનું સ્વર્ગ, પાછલા ત્રણ દાયકામાં આશરે ૪૨૦૦૦ માનવોનાં રક્ત વડે સિંચાયેલું ધર્માંન્ધાતાની લોહીયાળ લોન ઉપર ખીલેલું રક્તપુષ્પ બની ચૂકેલું છે.

એવું કહેવાય છે કે કશ્યપ ઋષિએ અહિ લોકોને વસાવેલા. કશ્યપ-મીર એટલે કશ્યપ સરોવર અથવા કશ્યપ-મેરુ એટલે કશ્યપ પર્વત પરથી કાશ્મીર નામ પડ્યું હોવું જોઈએ. આર્યો બહારથી આવેલા એ થીયરી ઘણા બધા માનતા નથી પણ મને લાગે છે કશ્યપ નામના આર્યોના એક સમૂહના વડાનાં પૂર્વજો રશિયાની દક્ષિણે કે યુરોપથી આવીને હાલના અફઘાનિસ્તાન પછી ભારતમાં પ્રવેશ્યા હોય અને પછી કાળક્રમે નવી ભૂમિની શોધમાં એમના વારસદાર કશ્યપે કાશ્મીરમાં એમની ટોળીને વસાવી હોય. સ્વાભાવિકપણે ઠંડાગાર પ્રદેશોમાંથી આવેલા આર્યોને કાશ્મીર ભાવી જાય રહેવા માટે એમાં કોઈ નવાઈ નથી.

કાશ્મીર હિન્દુઓના શૈવ સંપ્રદાય અને બુદ્ધ ધર્મનું મહત્વનું કેન્દ્ર રહેલું. ચીનમાં બુદ્ધ ધર્મ વાયા કાશ્મીર ગયો હોય એમાં શંકાનું કારણ ખાસ લાગતું નથી. કાર્કોટ અને ઉત્પલ જેવા પાવરફુલ હિંદુ સામ્રાજ્યોના સમયમાં કાશ્મીર સાહિત્ય, સંગીત, નાટ્ય, કવિતા, કળા, કારીગરી, હિંદુ ફિલોસોફી, મીમાંસા વેદાંત, વગેરેનું મહત્વનું કેન્દ્ર રહેલું. અભિનવ ગુપ્તા જેવો ગ્રેટ મલ્ટી ટેલેન્ટેડ તત્વજ્ઞાની કાશ્મીર ઘાટીમાં જન્મેલો.

ભારતમાં ઇસ્લામનું આગમન થઈ ચૂક્યું હતું એવામાં ઈ.સ. ૧૩૧૩મા શાહ મીર કાશ્મીરના હિંદુ રાજા સહદેવના દરબારમાં કામે લાગ્યો. સહદેવ પછી એના ભાઈ ઉદયનદેવના મૃત્યુ પછી શાહ મીરે પોતે જ ગાદી સંભાળી લીધી. કાશ્મીરનો આ પહેલો મુસ્લિમ શાસક. એના પછી મુઘલોનું શાસન આવ્યું. જહાંગીર અને શાહજહાંનાં સમયમાં કાશ્મીર વધુ ને વધુ વિકસ્યું. થોડો સમય અફઘાન દુરાનીનું રાજ રહ્યું પછી આવ્યા શીખ મહારાજા રણજીતસિંહ મેદાનમાં. શીખ સામ્રાજ્ય છેક તિબેટ સુધી ડંકો વગાડતું હતું. ગુલાબસિંહ અને જોરાવરસિંહ કહલુરીઆએ રાજોરી, કિષ્ટવર, સુરુ અને કારગીલ, લડાખ, બાલ્ટીસ્તાન, બધું કાશ્મીર ઘાટી સાથે જોડી દીધું. શીખોના શાસનમાં કાશ્મીર ખૂબ સમૃદ્ધ બન્યું અને એના ઉત્પાદનોને આખી દુનિયામાં ઓળખ મળી.

શીખ સામ્રાજ્યના પતન પછી કાશ્મીર અંગ્રેજોનું પ્રિન્સલી સ્ટેટ બન્યું. લડાખ તિબેટીયન સંસ્કૃતિ ધરાવતું બૌદ્ધિસ્ટ હતું, જમ્મુમાં હિંદુ, શીખ અને મુસ્લિમો હતા, કાશ્મીર ઘાટીમાં સુન્ની મુસ્લિમો સાથે થોડા હિન્દી બ્રાહ્મણો હતા જેને આપણે કાશ્મીરી પંડિત કહીએ છીએ. બાલ્ટીસ્તાનમાં વંશીય રીતે લડાખી પણ ધાર્મિક રીતે શિયા ઇસ્લામી લોકો રહે છે. ગિલગીટ એજન્સીમાં બધા ભેગાં પણ ઇસ્લામના શિયા પંથી, પુંચમાં મુસ્લિમો ખરા પણ વંશીય રીતે એથનીકલી કાશ્મીર ઘાટી કરતા જુદા છે.

આઝાદી સમયે કાશ્મીરના મહારાજાને નેપાળની જેમ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઓળખ મેળવવી હતી પણ ભારતના એકેય રજવાડા પાસે પોતાનું મજબૂત લશ્કર ક્યા હતું? રાજાઓના પોતાના અંગરક્ષક દળ હોય કે નાનીમોટી પોલીસ હોય બાકી સૈન્યના નામે કશું મળે નહિ. અંગ્રેજોએ રાખવા જ દીધું નહોતું. એટલે કાંતો પાકિસ્તાન સાથે જોડાઓ કે ભારત સાથે કોઈ બીજો વિકલ્પ હતો જ ક્યા? કાશ્મીરના મહારાજા હરિસિંહ નાછૂટકે ભારત સાથે જોડાયા. પછીનો ઇતિહાસ આપણે એટલો બધો જાણીએ છીએ કે એટલું તો ઇતિહાસ ખૂદ નહિ જાણતો હોય. એટલે એ બધી પળોજણમાં પડવું નથી. એ સમયે મહારાજા હરિસિંહને, નહેરુજીને, સરદારને જે યોગ્ય લાગ્યું હશે તે કર્યું હશે એમાં કોઈને દોષ દેવો હવે નકામો છે. રાજા-મહારાજાઓને પણ વિશિષ્ટ અધિકારો આપેલા જેતે સમયે. સાલિયાણા પણ બાંધી આપેલા જ હતા. એમ કાશ્મીરને પણ ૩૭૦ ઘડી વિશિષ્ટ દરજ્જો આપેલો, આપવો પડેલો કહીએ તો વધુ સારું. રાજા-મહારાજાઓને આપેલા વિશિષ્ટ દરજ્જાઓ છીનવી લીધા એ વખતે બધાને સારું લાગતું હતું તો હવે કેમ બુરું લાગે છે? માનસિકતા તો એની એજ છે. પેલા વ્યક્તિગત હતા તો આ આખું રાજ્ય છે, તો રાજ્યની ઓળખ અને સ્વતંત્રતા હોય તેમ વ્યક્તિની ઓળખ અને સ્વતંત્રતા કેમ ના હોય?

માણસ સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલો છે અને સમૂહનો એક વડો હોય. આ વૈજ્ઞાનિક હકીકત છે. વ્યક્તિની સ્વતંત્રતા એક પગ ઉંચો કરવા જેટલી છે એનો બીજો પગ પોતાના સમૂહ અને એના કાયદા કાનૂન સાથે જોડાયેલો હોય છે. આપણે સરીસર્પ નથી નથી અને નથી. માનવીની સામાજિક વ્યવસ્થા બીજા પ્રાણીઓની સામાજિક વ્યવસ્થા કરતા જટિલ છે. કારણ એની પાસે બહુ મોટું કોર્ટેક્સ છે પુષ્કળ ન્યુરોન્સ છે. માનવી એક સાથે અનેક સમૂહોમાં જીવતો હોય છે. કુટુંબ, ફળિયું, ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય, દેશ, ધર્મ, વ્યવસાય, વિચારધારા આ બધા જુદા જુદા સમૂહોનું પ્રતિનિધત્વ કરતા હોય છે. આ બધા અનેક સમૂહોમાં માનવી એક સાથે જીવતો હોય છે. ક્યારે કોને પ્રાધાન્ય આપવું એનું સંતુલન રાખવું એ બહુ મહત્વની કળા છે.

“જેમ જેમ તમે મોટા અને મોટા સમૂહ સાથે જોડાતા જાઓ તેમ તેમ તમારી વ્યક્તિગત ઓળખ અને સ્વતંત્રતાનું વજૂદ ઓછું થતું જવાનું.”

મારે કુટુંબના ભલા માટે વ્યક્તિગત ઓળખો સ્વતંત્રતા બાજુ પર મુકવી પડતી હોય છે. અથવા એમાં બેલેન્સ જાળવવું પડતું હોય છે. તમારે સમાજના ભલા માટે કૌટુંબિક ઓળખ અને એનું ભલું બાજુ પર મૂકવું પડતું હોય છે. એવું કરે એને તમે બીરદાવો પણ છો. એવું લોકો ધરમ માટે કરતા હોય છે, દેશ માટે કરતા હોય છે, એક ચોક્કસ વિચારધારા માટે, એક ચોક્કસ સમાજ માટે કરતા હોય છે. આમાં પણ અમુક વિશિષ્ટ હોશિયાર લોકો આ બધા માટે બેલેન્સ જાળવીને બધાના ભલા માટે કામ કરતા હોય છે છતાં એમને ક્યાંક તો તડજોડ કરવી પડતી હોય છે એકાદને પ્રાધાન્ય આપવા કોઈ બીજાને ઓછું મહત્વ આપવું પડતું હોય છે. બાબાસાહેબ આંબેડકર હોય, ગાંધીજી હોય એવા અનેક આગેવાનો હતા જે એક સાથે અનેક સમૂહોના ભલા માટે પછી દેશ હોય કે કોઈ ચોક્કસ સમાજ હોય કે કોઈ ચોક્કસ વિચારધારા હોય એના માટે કામ કરતા જ હતા. દેશ એક મોટો સમૂહ જ છે. ક્યારેક દેશ માટે વિચારધારાને ઓછું મહત્વ આપવું પડતું હોય છે, ક્યારેક કોઈ ચોક્કસ સમાજ માટે દેશને ઓછું મહત્વ આપવું પડતું હોય છે. ક્યારેક કોઈ વિચારધારા માટે દેશ સમાજ બધાને ઓછું મહત્વ આપવું પડતું હોય છે. અને ધરમ માટે તો લોકો બધું ત્યજી દેતા હોય છે. હહાહાહાહા

કાશ્મીર એક સાથે અનેક દેશો જોડાયેલો રાજકીય વ્યુહાત્મક અને સરંક્ષણની દ્રષ્ટીએ મહત્વનો પ્રદેશ છે એટલે તે ભારતમાં રહે તેવું તે સમયના નેતાઓએ વિચાર્યું હશે. બાળક ભણવા બેસે એટલે એના ભણતરના ભલા માટે ક્યારેક ચોકલેટ આપવી પડતી હોય છે કે આટલુ લેશન કરી નાખ પછી ફરવા લઇ જઈશ તો ક્યારેક એના દાંતના ભલા માટે ચોકલેટ છીનવી પણ લેવી પડતી હોય છે.

કાશ્મીરમાં રહેતા લોકોને કઈ ઓળખ જોઈએ છે? કઈ ઓળખની સ્વતંત્રતા જોઈએ છે? કાશ્મીરી તરીકેની કે બીજી કોઈ? ૧૯૦૧મા કાશ્મીર વેલીમાં ૯૩% મુસ્લિમ હતા, હિંદુઓ લગભગ ૬૦,૦૦૦ હતા, તે સમયે જમ્મુમાં ૯૦% હિંદુઓ હતા, એમાં પણ બ્રાહ્મણો ૧૮૬૦૦૦, રાજપૂતો ૧૬૭૦૦૦, ખાતરી ૪૮૦૦૦ અને ઠક્કર ૯૩૦૦૦ હતા. કાશ્મીરમાં હિન્દી, પંજાબી, ડોગરી, કાશ્મીરી, તિબેટીયન, અને બાલ્ટી આટલી તો ભાષાઓ બોલાય છે.

મારે કાશ્મીર વેલીના બહુમતિ મુસ્લિમોને પૂછવું છે કે તમારે કાશ્મીરી તરીકે ઓળખ જોઈએ છે? તો તમે મૂળ કાશ્મીરી પંડિતોની છાતીમાં છરા ના ભોંક્યા હોત, તમે એમની બહેન દીકરીઓની છાતીઓ ચીરી બળાત્કાર ના કર્યા હોત. એમને અડધી રાત્રે ભગાડી ના મુક્યા હોત. તમારે કાશ્મીરી તરીકે ઓળખ જોઈતી નથી. તમારે ૩૭૦નાં બહાને મુસ્લિમ આતંકવાદ ફેલાવવો છે. આખાય ભારતમાં એનો ચેપ લગાવવો છે. કાશ્મીર જેવા ધરતી પરના સ્વર્ગને એક લોહીયાળ લોનમાં ફેરવી નાખ્યું છે. તો કયા મોઢે આગવી ઓળખ અને સ્વતંત્રતાની વાતો કરવી છે?

કાશ્મીરમાં આંદોલનો અને ચળવળો ચલાવતા તમામે તમામ નેતાઓના છોકરાં ઇંગ્લેન્ડ અમેરિકા ભણે છે અને બાકીના કુટુંબ સાથે રહે છે. એકેય નેતાનો છોકરો આંદોલનમાં માર્યો ગયો હોય તો કહો.

કાશ્મીરના ભલા માટે, ભારતના ભલા માટે ક્યારેક ૩૭૦ નામની ચોકલેટ આપી હશે એટલે કેમ આપેલી અને મહાન ભૂલ હતી વગેરે બકવાસ વાતો છે. ૩૭૦ ખાતા ના આવડ્યું, તો એનો દૂરુપયોગ થયો, તો એને વહેલી પાછી લઇ લેવાની હતી. પણ પાછી લઈશું તો નુકશાન થશે એવું ઘણાને લાગતું હશે એટલે એમણે પાછી ના લીધી અને ઘણાને એવું લાગ્યું હશે કે પાછી નહિ લઈએ તો નુકશાન થશે એટલે એમણે પાછી લઇ લીધી. ત્રીસ વરસમાં ૪૨૦૦૦ હત્યાઓ, આતંકવાદ, ત્રાસવાદ પછી માનવતાને નામે, કાશ્મીરીઓની સ્વતંત્ર ઓળખ, તે પણ ફક્ત કાશ્મીર વેલીના મુસ્લિમો માટે વકીલાત કરવી મૂર્ખામી છે. આપણી ગુજરાતી તરીકેની ઓળખ કોણે છીનવી લીધી? પંજાબી તરીકેની ઓળખ કોણે છીનવી લીધી? અરે અમેરિકામાં પણ દેન નથી કે આપણી ગુજરાતી તરીકેની ઓળખ છીનવી લે. અમે પ્લેનમાં થેપલાં કાઢીને અથાણા સાથે ખાઈએ જ છીએ ને? હહાહાહાહા

જેમ જેમ તમે મોટા સમૂહનાં ભલાનું વિચારો તેમ તેમ તમારે નાના સમૂહની વિચિત્ર ઓળખોને મહત્વ આપવાનું ઓછું કરવું પડે. જે સારું છે, બાકીના સમાજને નડતરરૂપ નથી એને તો કોઈ ટચ કરવાનું નથી. ઉલટાનું તમને બાકીના સમાજનો ટેકો મળશે. ન્યુઝીલેન્ડમાં જોયું હતું ને પેલા ગાંડાએ મસ્જીદમાં હત્યાકાંડ કરેલો આખી દુનિયા કોને પડખે હતી? તમારે પોતાની ગંદી, ગાંડી, ઘેલી ઓળખ જાળવી રાખવા બાકીના મોટા કે નાના સમૂહને ત્રાસ આપવો હોય તો પછી શાસનકર્તાઓને કડક થવું જ પડે.

આશા રાખીએ કાશ્મીર કાંટે કી કલી, હવે ફરી પાછો ખુબસુરત ગુલાબનો બગીચો બની જાય એના માટે આપણી જવાબદારી પણ ઓછી નથી.

:- ભૂપેન્દ્રસિંહ રાઓલ, સાઉથ એબિંગન્ટન, પેન્સિલવેનિયા, યુએસએ..

યાદે વતન-૧

 

યાદે વતન-૧

પરદેશમાં રહેતા હોય એને વતનની યાદ વધુ સતાવતી હોય તે દેશમાં વતનમાં રહેનારને સમજાય નહિ. વતનમાં કશું ખોટું થતું હોય, કોઈ સિસ્ટમમાં ખામી હોય તે વતનમાં રહેનારને જલદી જણાય નહિ કારણ તેઓ એનાથી ટેવાઈ ગયા હોય છે. ઘણીવાર તો આ બાબત ખોટી છે તેવી માહિતી જ હોતી નથી એમના બ્રેનમાં. કારણ બચપણથી એવું જોએલું હોય એટલે બ્રેનમાં એવી જ સર્કીટ બનેલી હોય કે આ તો નોર્મલ કહેવાય. જ્યાં ત્યાં થૂકી નાખવું આપણે ત્યાં બ્રેનમાં બનેલી સર્કીટ પ્રમાણે નોર્મલ કહેવાય. જોરશોર થી વાતો કરવી કે આખું ગામ સાંભળે તેમ ફોન પર વાત કરવી નોર્મલ કહેવાય. સ્વચ્છતા નહિ જાળવવી તે પણ નોર્મલ કહેવાય. તમાકુ સાથે ચૂનો  જાણે પ્રેમિકાને આક્રમકતા સહ પંપાળતા હોય તેમ હથેળીમાં તર્જની વડે મસળી, એક હથેળીમાંથી બીજી હથેળીમાં આલ્હાદક રીતે પ્રેમિકાને સહેલાવતા હોય તેમ ખંખેરી, ફરી પાછું બીજી હથેળીમાં એનું પુનરાવર્તન કરી, સારી સારી મસળાયેલી તમાકુ પાછી એક હથેળીમાં ભેગી કરી તેને સડેલા દાંત, સુજેલા પેઢા અને ગંદા હોઠ વચાળે આસનસ્થ કરાવી, એક હથેળીમાં તમાકુનો વધેલો ઝીણો ભૂકો આજુબાજુ જોઈ જ્યાં બેઠા હોય ત્યાં ભલે નીચે મોંઘા ભાવની ચમકતી ટાઈલ્સ વીજળી સરીખા ઝબકારા મારતી હોય તેના પર પધરાવી દેવાનું નોર્મલ ગણાય. ૫૦ વર્ષની જિંદગીમાં આવી આવી તો હજારો બાબતો મને પણ નોર્મલ જ લાગતી હતી. આવી તો હજારો બીમારીઓ મને પણ નોર્મલ નહિ ભવ્યાતિભવ્ય સંસ્કૃતિનો એક ભાગ જ લાગતી હતી અને એનું મને ગૌરવ પણ હતું.

મારા એક મિત્ર ભારતથી આવેલા દસ વર્ષના વિસા ઉપર. આવા વિસા પર છ મહિનાથી વધુ રહેવા ના દે. પછી ભારત જઈ અમુક સમય પછી ફરી આવવાનું. એમનો ઈરાદો આવી રીતે વારંવાર આવી અહીં ગેરકાયદે નોકરી કરી પૈસા કમાવાનો હતો. જુના મિત્ર દાવે હું થોડા દિવસ મારે ઘેર લઈ આવ્યો. અહીં અમે બધાં આખો દિવસ જોબ કરી અમે કંટાળ્યા હોઈએ રાત્રે સરખી ઊંઘ તો જોઈએ ને? આમને રાત પડે ભારત પત્નીને ફોન કરવાનું મન થાય કારણ ત્યાં દિવસ હોય. વાતચીત કરે ફોન કરે એનો પણ કોઈ વાંધો નહિ, પણ આમને તો આજુબાજુના ચાર ઘર સાંભળે તેમ મોટેથી વાતો કરવા જોઈએ અને હસે તો આખી સ્ટ્રીટ જાગી જાય. ઘરમાં છોકરા બિચારા જાગી જાય પણ મારી શરમના માર્યા બોલે નહિ. પછી મારે તેમને કહેવું પડ્યું કે વાતો કરો પણ ધીમેથી કરો અહીં બધા આખો દિવસ કામ કરે છે રાત્રે ઊંઘવા તો જોઈએ કે નહીં? એમને ખોટું લાગ્યું. ફોન પર ધીમેથી વાતો કરવાનું આપણે જૂની પેઢીના માણસોએ નવી પેઢી પાસેથી શીખવું જોઈએ. આવી આવી તો અનેક વાતો છે જે આપણને નોર્મલ લાગતી હોય છે.

ખેર, માણસા કોલેજમાં અકસ્માતે પ્રવચન ઠોકવું પડ્યું તેના ફોટા ફેસબુક પર શેઅર કર્યા. પછી શંખેશ્વરથી ફેસબુક મિત્ર કે.ડી. રાઠોડ એમના બીજા બે મિત્રો સાથે અગાઉથી ફોન પર વાત કરી મુલાકાત ગોઠવી છેક માણસા આવી પહોચ્યા. સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોનો કોઈ પ્રોગ્રામ હતો એમાં મારે પોણો કલાક બોલવું તેવો એમનો આગ્રહ હતો. અને તે માટે ઇન્વાઇટ કરવા તેઓ ખાસ રૂબરૂ આવેલા. કે.ડી. રાઠોડ મારા જુના વાચક અને ચાહક છે. ખુબ વાતો કર્યા પછી પણ એમને જવાનું મન નહોતું થતું પણ સમય રોકાતો નથી. મારું પુસ્તક મેં એમને ભેટ આપ્યું. એમની સાથે આવેલા બાપુ નવઘણસિંહ વાઘેલા શિક્ષક વત્તા લોકગાયક છે. એમણે એક સરસ દુહો હિંદની રાજપુતાણીઓ વિષે આમ રૂવાંડા ઉભા થઈ જાય તેવો લલકાર્યો.

શંખેશ્વર જતાં પહેલા મારા મોટા બહેનનાં ઘેર ઈડર બાજુ જઈ આવ્યાં. બહેનના ઘેર નાનું સરખું રજવાડું જ છે. મૂળે રોયલ ફેમિલી એમાંય રાજસ્થાનના રાઠોર વંશજો. ખાણીપીણીનાં દોર ચાલુ જ હોય. નાના બાળકને પણ માન દઈને બોલાવવાના રિવાજો. ખુબ મેનર જાળવવી પડે. ચાર ભાઈઓ વચ્ચે એક જ બહેન. પિતાશ્રીએ બહેનને ક્યારેય ટપલી પણ મારી નહિ હોય. અમારા રાજપૂતોમાં દીકરીઓને ટપલી મારવાનો ય રીવાજ છે જ નહિ. બહેનનાં ઘેર મોજમસ્તીમાં મશગૂલ હતાને એક દિવસ લેપટોપ ચાલુ કર્યું ને એક ગ્રુપ તરફથી મેસેજ મળ્યા કે તમારી પાછળ ષડયંત્ર તમને બદનામ કરવાનું ચાલુ થયું છે, સોશિયલ મિડિયા ઉપર. મારી ભૂલ કે મેં સુંદર ના હોય પણ નાજુક હોય એવી કમઅક્કલ લેખિકા વિષે કોઈ જગ્યાએ કમનીય શબ્દ વાપરેલો. કમનીયનો પ્રચલિત અર્થ નાજુક થાય અને બીજો અર્થ સુંદર થાય. આ મહિષી એને સેક્સી સમજી બેઠી. આવી મહિષી સાદા ગુજરાતી શબ્દોના અર્થ ના સમજતી લેખિકાઓ બની જતી હોય એમાં કોઈ વાંધો નહિ પણ ચિત્રલેખા જેવા માતબર સાપ્તાહિકમાં લખતી હોય તે બાબતે ગુજરાત સમાચારના એક જાણીતા લેખક, પત્રકાર, સ્તંભ લેખક, અને નવલકથાકારે એમની સાથેની અંગત મુલાકાતમાં આશ્ચર્ય વ્યક્ત કરેલું. મારા ચાહક મિત્રો એને મુહતોડ જવાબ આપવા મારી રાહ જોતા હતા કે બાપુ કેમ હજુ મેદાનમાં આવ્યા નથી? અને હું અણજાણ ઈડર બાજુ મોજમસ્તીમાં રમમાણ હતો. ખેર મારી ભૂલ હોય તો હું નાના બાળકની પણ માફી માંગી લઉં, બાકી ભગવાનની પણ માફી નો માંગુ. ખેર એ પ્રકરણ તો પૂરું થઈ ગયું પણ એની ચર્ચા તો મુંબઈની પાર્ટીઓમાં પણ થઇ ગઈ. શંખેશ્વર પહોચતાં થોડા મોડા પડ્યા પણ ૪૦૦ શિક્ષકો સામે પ્રવચન આપવામાં બહુ મજા પડી ગઈ. કે.ડી. રાઠોડ બહુ સારા આયોજનકાર તેમાં કોઈ શક નહિ. પાટણની જગવિખ્યાત રાણકી વાવનું ચિત્ર મને યાદગીરી તરીકે ભેંટ આપ્યું. શાલ પણ આપી. મારા ભાઈએ પણ ગ્લોબલ વોર્મિંગ વિષે સરસ માહિતી આપી. ભાઈ વિક્રમસિંહ પણ પડછાયાની જેમ એમની કાર સાથે હાજર જ હતા. આ વિક્રમસિંહ વિષે વાત નહિ કરું તો મને ચેન નહિ પડે. એમના દાદા જગતસિંહ અને મારા પિતાશ્રી મિત્ર હતા. અમે એમના ઘરની બાજુમાં બનાવેલ ગાર્ડનમાં બેડમિન્ટન ખૂબ રમતા. એમની છાપ બહુ માથાભારેની. પણ મારા માટે નાનાભાઈ જેવા. મને કહે બે મહિના હક રજાઓ નોકરી ઉપર મૂકી દઉં અને તમારા માટે કાર સાથે હાજર રહું. મેં માંડ માંડ સમજાવ્યા કે જરૂર પડશે બોલાવી લઈશ. આ વિક્રમસિંહ મારા માટે જીવ આપી દે તેવા ભાઈબંધને ભાઈ કહેવો વધુ સારો.

શંખેશ્વરમાં પ્રવચન આપતાં સામે શિક્ષકો જ હતા તો મેં એક સામાન્ય દાખલો ગણવા આપ્યો કે રોજ આ મોંઘવારીમાં એક માણસનો ખાવાપીવાનો અને બીજી જરૂરિયાતનો કેટલો ખરચ થાય? કોઈ કહે ૧૦૦ રૂપિયા થાય તો કોઈ કહે ૨૦૦ થાય. કારણ બહાર ખાવા જઈએ તો એક ટાઈમના ૧૦૦ રૂપિયા તો ઓછામાં ઓછા થાય છે. મેં કહ્યું થોડું વાજબી રાખો ૫૦ રૂપિયા રાખો. અમારા માણસામાં ગાયત્રી મંદિર વાળા રોજના એક ટાઈમના ૫૦ રૂપિયા ખાવાના લે છે. તો પણ બે ટાઈમના ૧૦૦ રૂપિયા તો થાય જ. બીજા કપડાલત્તાનાં ખર્ચા જવાદો. રોજના ૧૦૦ એક માણસ પાછળ ગણો તો ૫૦ લાખ માણસો પાછળ કેટલા થાય? ૫૦૦૦ લાખ થયા કે નહિ? શિક્ષકો બધા અચંબામાં હતા કે આ મહાનુભવ શું કહેવા માંગે છે? પછી મેં ધડાકો કર્યો કે ભારતમાં ૫૦ લાખ સાધુઓ છે જે કશું પણ કરતા નથી અને એમનો રોજના ૧૦૦ રૂપિયા લેખે રોજના ૫૦૦૦ લાખ રૂપિયા ખર્ચો થાય છે તે ભારતની બાકીની જનતાને માથે છે. તમે બધા તે ખર્ચો ભોગવો છો મારે એમાં ભાગ આપવો ના પડે માટે હું અમેરિકા ભાગી ગયો. બધા તરત હસી પડ્યા પણ એમના દિમાગમાં વાત ઉતરી ગઈ કે બિનઉત્પાદક સાધુઓ પાછળ આપણે નાહકનો ખર્ચો વેઠીએ છીએ. કારણ આ સાધુઓ કશું કમાતા નથી. મેં કહ્યું એમને મોક્ષ મેળવવો હોય તો મેળવે આપણને કશો વાંધો નથી પણ એમના મોક્ષના બિલ આપણે શું કામ ચૂકવીએ? બધા શિક્ષકો તાળીઓ પાડી ઉઠ્યા. શિક્ષણ અધિકારી તો વારંવાર કહેતા કે બાપુ બહુ મજા આવી ગઈ તમે સરસ કહ્યું. સરસ હોટેલમાં જમાડ્યા પછી કે.ડી. અમને શંખેશ્વરના પ્રખ્યાત જૈન મંદિર જોવા લઇ ગયા પછી એમના ઘેર પણ લઇ ગયા, ત્યાં ચા પી પછી અમે માણસા જવા રવાના થયા.

અમદાવાદ મારા ભાઈના દીકરી રહે છે. એટલે એક આંટો ત્યાં પણ માર્યો. તે દરમ્યાન ધૈવત ત્રિવેદીને એમની ઓફિસમાં જ મળી આવ્યા. લિટરેચર ફેસ્ટીવલમાં મળ્યા ત્યારે એમનો ખાસ આગ્રહ હતો કે મારે એમની ઓફિસમાં એમની સાથે એક બે કલાક ગાળવા. ધૈવતભાઈની ઓળખાણ આપવાની નો હોય. છતાં એક વાત કહું કે આ મેક્નીકલ એન્જીનીયર ફક્ત લખવાના પેશનને લીધે છ આંકડાનો પગાર છોડી સામાન્ય પગારે ગુજરાત સમાચારમાં જોડાય છે તે જાણી મને તો થયેલું જ તમને બધાને પણ આશ્ચર્ય થશે. એમણે કબૂલ કર્યું કે એમને પણ શરૂમાં મારા લેખો કે લખાણો નેગેટીવ લાગતા હતા. પણ પછી લાગ્યું કે મારો ઈરાદો સંસ્કૃતિ  સમજીને પાળી રાખેલી બીમારીઓ ઈંગિત કરવાનો જ હોય છે. એમની સાથે ચર્ચામાં લલિત ખંભાયતા પણ જોડાયેલા. વાંચવા ગમે એવા બહુ ઓછા પત્રકાર લેખકોમાં ધૈવતભાઈ આવી જાય છે. ધૈવતભાઈ સાથે અવિસ્મરણીય મૂલાકાત લઇ અમે કાપડિયા સાહેબને ઘેર જવાનું હોવાથી સત્યાગ્રહ છાવણીમાં એમના નિવાસ્થાને ગયા. નામ કેવું છે? ખરેખર અમદાવાદના સૌથી વધુ વૈભવી બંગલા અહી સત્યાગ્રહ છાવણીમાં છે. ખાદીધારી સત્યાગ્રહીઓને બહુ સસ્તામાં સરકારે મકાનના પ્લોટ ફાળવેલા. હવે થોડા પૈસા ચોરસવારે વધ્યા હશે તો સત્યાગ્રહીઓ અધધ કહીને પ્લોટ વેચી ભાગી ગયા.  સત્યાગ્રહ છાવણીમાં અડધા મકાનો બંધ હશે કારણ તેના માલિકો વિદેશોમાં વસતા હશે. કાપડિયા સાહેબ ખુદ પાંચ મહિના અમદાવાદમાં અને બાકીના મહિના ન્યુ જર્સીમાં રહે છે. જો કે એમનું અમદાવાદનું વૈભવશાળી ભવ્ય મકાન સાચવનારા કર્મચારીઓ બારેમાસ જોબ કરે છે. કાપડિયા સાહેબ જેટલો નમ્ર માનવી મેં કદી જોયો નથી. તે મારા લખાણોનાં બહુ મોટા આશિક છે. મારું લખેલું એક વાક્ય હોય તો પણ એમના ૫૦૦ મિત્રોને ઈમેલ દ્વારા મોકલી દેતા હોય છે.

અમદાવાદનાં રોકાણ દરમ્યાન જાયન્ટ દેહયષ્ટિ ધરાવતો મિત્ર કૃણાલ મળવા આવ્યો. ખુબ વાતો કરી. કૃણાલ બહુ સારો હાસ્યલેખક બની શકે તેમ છે. મેં એનો એક લેખ એને પ્રોત્સાહિત કરવા મારા બ્લોગમાં પણ મૂકેલો. મેં તો એને બહુ વાર કહ્યું હશે લખવા માંડો. ખેર હવે તે માતૃભારતીમાં લખતો થઈ ગયો છે તેનો મને ખુબ આનંદ છે. કાજલ શાહ, કાજલને હું ટોમબોય કહું છું. તે પણ મળવા આવી. કાઠીની કટાર જેવી અણીયાળી કાજલ શાહ મને ફેસબુક મહાકુભમાંથી મળેલી ખોવાયેલી દીકરી જેવી લાગી. તો વળી એજ દિવસે એવી જ બીજી દીકરી ઝીલીમિલ ઝીલ્લી પણ મળવા આવી. મળવા શું એના લગ્નમાં હાજરી આપવા આમંત્રણ આપવા જ આવેલી. ઝીલ્લી એટલે મારી માથાભારે દીકરી. સેન્ટ ઝેવીયરમાં ભણેલી ઝીલ્લીને કોઈ પહોચે નહિ. મને કાજલ અને ઝીલ્લી જેવી જાબાંઝ દીકરીઓ હમેશા વહાલી લાગે. એમની સામે બુરી નજરથી દેખનારની આંખો ખેંચી નાખે એવી આ દીકરીઓ બંને સાથે જ ભેગી થઈ ગયેલી. બોલવામાં અને બુદ્ધિમાં બંને શાર્પ. ફેસબુકે મને ખુબજ સારા મિત્રો સાથે આવી હોશિયાર દીકરીઓ પણ આપી છે. ઝીલ્લીના લગ્નમાં મેં હાજરી આપી હતી અને કાયમ સુખી રહે તેવા આશીર્વાદ પણ આપ્યા હતા. એક વાત તો નક્કી જ છે કે મને મળવાનું પેશન ધરાવતા મિત્રો તો ગમે તેવી પરિસ્થિતિ હોય મળી જ ગયા છે. ઝીલ્લીનું પોતાનું લગન હતું, પોતે બહુ બીઝી હતી પણ ગમે તેમ કરીને મળી જ ગઈ. હું તો આશરે ૧૩૫૦૦ કિ.મી. દૂરથી આવ્યો જ હતો. મારે પણ બહુ બધાને મળવું હતું પણ મારી પાસે ફક્ત બે મહિના હતા, એમાંય મારે મારા ૯૪ વર્ષના માતુશ્રીને મળવા બેંગલોર જવાનું હતું અને દસેક દિવસ ત્યાં ગાળવાના હતા. એટલે મારી મજબૂરી હતી કે દરેક મિત્રોને મળવા એમના બારણે જઈ ના શકું. તો કોઈ કોઈ મિત્રોએ તો મારા પર દયા કરી મારે બારણે આવવું જોઈએ કે નહિ? ૧૩૫૦૦ કી.મી. સામે ૨૫,૫૦ કે ૧૦૦ કી.મી. આવી ના શકો? ખેર સાચા આશિક હતા તે તો ગમે તે કરીને મળી જ ગયા હતા. મને ઘણીવાર દુખ થાય કે અમુક મિત્રને કે સગાને મળી શકાયું નહિ, ટાઈમનો અભાવ નડ્યો. મેં નક્કી કર્યું હોય કે એમને મળવા જઈશ પણ જવાયું ના હોય તો હું અફસોસ કરતો હોઉં ત્યારે મારા ભાઈ સમજાવે કે “ભાઈ નાહક દુખી ના થશો એમની ફરજ નથી કે તમે આટલે દુરથી આવ્યા છો વ્યસ્ત હશો તો તમને ફોન કરી સામે મળવા આવે? તમે અમેરિકા જઈને આપણા દંભી લોકોને ઓળખવાનું ભૂલી ગયા છો.” ખેર એમની વાત પણ સાચી હતી.

૨૬મી જાન્યુઆરીએ માણસાની એક સ્કૂલમાં મને ધ્વજવંદન કરવા માટે ખાસ આમંત્રણ આવ્યું. મારા માટે મારા જીવનનો એ મહત્વનો દિવસ હતો. મારે મારા દેશ મારી માતૃભૂમિનો ધ્વજ ફરકાવવાનો હતો. એ તક આપવા બદલ તે શાળા અને તેના સંચાલકોનો ખૂબ ખૂબ આભાર. નાના બાળકોએ સરસ નૃત્ય કર્યું. મેં અને મારા ભાઈએ થોડું ભાષણ પણ આપ્યું. નાની બાળકીઓ જોડે ફોટા પડાવ્યા અને તેઓને અમેરિકાથી લાવેલ ચોકલેટો પણ આપી. બપોર પછી પ્રસ્થાન કર્યું વડોદરા જવા માટે. ભારત આવી મેં કોઈ મોજશોખ કર્યા નથી કે નથી મોંઘી ગાડીઓમાં ફર્યો. એજ બસમે હમારી શાનસે સવારી. હું લગભગ બધે બસમાં જ ફર્યો છું. વોલ્વો પણ મેં જોઈ નથી. ક્યાંક શટલિયા તરીકે ઓળખાતી જીપોમાં કે પાંચની જગ્યાએ દસ ભરેલી ખખડધજ કારોમાં ફર્યો છું. મારા ભાઈ જીપ વાળાને પૂછે અહી આ સીટમાં કેટલાને બેસાડીશ? પેલો કહે ચાર જણને. તો ભાઈ કહે એક કામ કર ત્રણ જણને જ બેસાડ એક જણનું ભાડું એક્સ્ટ્રા અમે આપી દઈશું. આમ અમે બેની જગ્યાએ ત્રણ જણનું ભાડું આપી મુસાફરી કરી છે જેથી બેસવામાં થોડી રાહત રહે. જે ડોબાઓ એમ કહે કે આ એનઆરઆઈ અહી મોજશોખ કરીને ગયોને પછી ભારતની બદબોઈ કરે છે, તો એવા દેશીઓ પણ તકલીફ વેઠવા તૈયાર ના હોય એવી તકલીફો વેઠીને માભોમમાં રહેવાનું મને હમેશા પ્રિય જ લાગ્યું છે. અમે તો બસમાં ક્યારે બેઠા હોઈશું યાદ નથી કહેનારા કેટલાય મિત્રો મને મળ્યા છે. ચાર શહેરોના ચાર બસ સ્ટેન્ડ અપટુડેટ બનાવી ગામડાઓના હજારો બસ સ્ટેન્ડ બિસમાર હાલતમા રાખવાને વિકાસ નો કહેવાય. ચાર ઉદ્યોગપતિઓને જીવાડી હજારો ખેડૂતોને આત્મહત્યા કરવાને મજબૂર કરવા વિકાસ નો કહેવાય. મેં તો જાતે ખેતી કરી છે. ખભે ૧૫ લીટરના પંપ ભરાવી કપાસ અને કોબીજમાં દવાઓ છાંટી છે. અને એ કોબીજ ૪ રૂપિયે મણનાં ભાવે નડિયાદના બજારમાં વેચીને આવેલો છું ત્યારે તે કોબીજ ભરવાના કોથળાની કિંમત પણ નહોતી નીકળી. મુંબઈ રહેતો મેન્ગેઝીન ચાલુ કરીશ કહી વાચકોના લાખોના લવાજમ ખાઈને ભાગી ગયેલો કોઈ ગદર્ભ લેખક જ્યારે કહે કે ખેડૂતો આળસુ છે, તો મને એની પૂંઠ પર અખાના મીઠું પાએલા ચામડાના ચાબખા મારવાનું મન થાય છે. ખેડૂતો આત્મહત્યા શોખથી કરતા હશે? ગધેડાઓ જીંદગીમાં ખેતર જોયું નાં હોય અને શું કામ ખેડૂતો વિષે લખતા હશે?

ખેર ૨૬મી જાન્યુઆરીએ સાંજે અમે વડોદરા પહોચી ગયા. વડોદરા મારી માણસા પછીની કર્મભૂમિ. હું અગિયારમાં ધોરણથી વડોદરા જતો રહેલો ભણવા. વડોદરા મારું પ્રિય અને પોતીકું શહેર. કોમર્સ ફેકલ્ટીમાં ભણીને પાછો માણસા આવી ગયેલો. માણસા ખેતીવાડી પશુપાલન કરી ફરી પાછો બરોડા ધંધાપાણી અર્થે આવી ગયેલો. મેં ખેતી કરી છે તો ગાયો પણ રાખી છે. મને ગાય દોહતા પણ આવડે છે. ક્રોસબ્રીડ ગાયોમાં મને સારી એવી સમજ હતી. હું એવી ગાય જોઇને કહી દેતો કે એનામાં કેટલા ટકા પરદેશી લોહી છે, અને કેટલું દૂધ આપતી હશે. મેં અડધી રાતે ખેતરોમાં પાણી પાયા છે. તો અડધી રાતે ગાયોની સુવાવડ પણ કરી છે. હું તો આકાશમાં તાકી રહેલો માટીનો માણસ છું. મારી નજર આકાશમાં પણ મારા પગ માટીમાં છે. ભલે હાલ હું અમેરિકામાં રહેતો હોઉં, પણ મારી નજર ભવ્ય મોલો અને મહેલાતોને બદલે વૃક્ષો અને જંગલો પ્રત્યે વધુ હોય છે. આદરણીય રઘુવીર ચૌધરી જેવા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ખેડૂત કમ સાહિત્યકાર ખેડૂતોને ઠપકો આપતો લેખ લખે તો આપણે હજાર વાર માથે ચડાવીએ. પણ મુંબઈમાં રહેતો ને વાચકોનો દ્રોહ કરીને વાચકોના પૈસા ખાઈ ભાગેલો કે જેણે જિંદગીમાં ખેતર જોયું નાં હોય અને ખેડૂતો વિષે લખે તો ગમે તેટલો હુશિયાર હોય એને કદાપિ માફ નો કરાય. વડોદરામાં હું અતિશય સંવેદનશીલ વાડી વિસ્તારમાં જ રહેતો હતો. એટલે કોમી રમખાણોના સ્વાદ મેં બહુ ચાખ્યા છે.

સુરતમાં સત્ય શોધક સભાએ મારું પ્રવચન રાખેલું. એની વાત હવે આગળના અંકમાં..

DSCN1929

જગતનો તાત આત્મહત્યાને રસ્તે (વૈષમપાયણ મુનિ એણી પેર બોલ્યા)

 

 

 

જગતનો તાત આત્મહત્યાને રસ્તે (વૈષમપાયણ મુનિ એણી પેર બોલ્યા)untitled

 

વર્ષો જૂની આદત એટલે સ્વર્ગવાસી મહારાજા જનમેજય, સ્વર્ગવાસી મુનિ વૈષમપાયણનાં આશ્રમમાં રાબેતામુજબ પ્રાતઃકાળે પહોચી ગયા અને વંદન કરી આજે મુનિ કઈ કથા સંભળાવશે તેની રાહ જોવા લાગ્યા.

વૈષમપાયણ મુનિને પણ ખબર કે આ રાજા જનમેજયને મારી કથા સાંભળ્યા વગર સવારની ચા ગળે નહિ ઉતરે. એટલે મહામન વ્યાસજીની જેમ કશી ઔપચારિકતા, અરે મિત્રો ફોર્માલીટી દાખવ્યા વગર મુનિએ ત્વરિત કથા શરુ કરી જ દીધી.

હે રાજન ! જંબુદ્વિપમાં આજકાલ પ્રણોબ મુખોર્ય નામના રાજા ફક્ત નામનું રાજ કરી રહ્યા છે. ખરું રાજ તો એમના મહાઅમાત્ય મહામહિષી મહેન્દ્ર મુખી કરી રહ્યા છે. આમ તો આ મહેન્દ્ર મુખી જંબુદ્વિપનાં એક ગુજરાત નામના પ્રાંતનો સૂબો એટલે કે વહીવટદાર માત્ર હતો પણ બોલવામાં બહુ હોશિયાર અને કાવાદાવામાં માહેર એટલે એના ગુરુજીના પગ કાપી આખા જંબુદ્વિપનો મહાઅમાત્ય બની બેઠો. આમેય જંબુદ્વિપમાં ક્ષત્રિય રાજાઓનો સૂર્ય સદંતર આથમી ચૂક્યો છે. હવે ત્યાં જનપદ નામની વ્યવસ્થા ચાલી રહી છે. એટલે જેની જિહ્વા કાબેલ હોય તેવાં લોકો મત મેળવી રાજગાદી પર આવી શકતા હોય છે ભલે એમના બાપદાદાઓએ સાત શું હજાર પેઢીએ પણ દેશ માટે માભોમ માટે એક ટીપું પણ લોહી વહાવ્યું ના હોય. લોહી જોઈ ચક્કર આવે અને ગબડી પડે તેવી પ્રજાતિઓ હવે ત્યાં રાજ કરતી થઈ ગઈ છે.

ખેર આ મહેન્દ્ર મુખીની વાત પછી કરીશું, આજે મારે તને હે રાજન મોહમયી નગરીમાં રહેતા પોતાની જાતને મહાન માનતા પત્રકાર વૈશ્યની  કથા કહેવી છે, જેનું નામ રૌરભ છે. એટલું બોલી મુનિ જરા શ્વાસ લેવા રોકાયા.

રાજા જનમેજય પણ ગભરાઈ ગયો કે રૌરભ તો રૌરવ નરકને ભળતું નામ છે અને મુનિ કેમ આજે કોઈ વ્યક્તિને આવા ભળતા નામ આપે છે?

મુનિ તો મનોવિજ્ઞાની હતા રાજાની વ્યથા સમજી ગયા.

મુનિ  બોલ્યા હે રાજન ! ‘ગભરાઈશ નહિ આમ તો તે વણિકનું નામ સુગંધને લગતું છે પણ એની વાતોમાં, એના લખાણમાં મને કાગડાની વિષ્ટાની દુર્ગંધ જણાય છે માટે એનું નામ મેં રૌરભ કહ્યું તને.’

જનમેજય રાજા બોલ્યા ‘હે મહામુની આજે આ છાપામાં લખતા આ ક્ષુદ્ર જંતુની વાત શું કામ માંડી?’

હે રાજન ! ‘એનું કારણ એ છે કે આ પત્રકાર-લેખન જગતના ક્ષુદ્ર જન્તુએ જગતના તાતની અવહેલના કરી છે. એની મહાઅમાત્ય મહેન્દ્ર મુખી પ્રત્યેની અંધ ભક્તિએ આજે તમામ સીમાઓ વટાવી દીધી છે. આજે તેણે જમ્બુદ્વિપના મુખ્ય ન્યાયાધીશની પણ અવહેલના કરી છે. મુખ્ય ન્યાયાધીશ કોઈ વાત કરતા લાગણીશીલ બની રડ્યા તો એ બુદ્ધિજીવી જજના વહેલા આંસુઓની એ ગદર્ભે મજાક કરી. એ પોતાને ન્યાયાધીશો કરતા પણ એક ડગલું ઉપર સમજે છે. આ ગદર્ભ શાહે બાપ જીંદગીમાં ખેતર જોયું નહિ હોય. અડધી રાતે પાણી વાળવા ખેતરમાં ગયો નહિ હોય. ઘઉંના ખેતરમાં રાતે અંધારામાં એક પાળિયામાંથી મોટીમસ નીકમાંથી બીજા પાળિયામાં પાણી કેમ વાળવું તે એને ખબર નહિ હોય. કમરના મણકા તૂટી જાય એટલી ઝડપે પાવડામાં ભીની માટી ઉલેચવી પડે તે આ ગદર્ભને ખબર નહિ હોય. ખભે ફાંટયુ વાળી બરડા પાછળ સાહિત્યના સર્વોચ્ચ ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતના ગૌરવ શ્રી રઘુવીર ચૌધરીની જેમ એરંડાની માળો ભેગી નહિ કરી હોય. કચરા શંકરજી ની જેમ એક હાથે ગાજરનું પળુલ પકડી એક હાથમાં ટૂંકા હાથાવાળી કોદાળીથી વાંકી કેડે ગાજર નહિ ગોડ્યા હોય. ૧૫ લીટર પાણી સાથે દવા મેળવી ખભે પંપ ભરાવી બેચાર વીઘાં કપાસમાં દવા છાંટી નહિ હોય. ખેર આવું તો ઘણું બધું છે જે એણે કર્યું તો નહિ હોય પણ જોયું નહિ હોય અને વિચાર્યું પણ નહિ હોય. એ ખરોત્તમને ખબર નથી કે ભારત એ અમેરિકા કે ઇઝરાયેલ નથી, હજુ તેવા વિકસિત દેશોની જેમ ખેતી કરવી અશક્ય છે, અને આજ સુધીની તમામ સરકારો ખેતી કે ખેડૂતો તરફી નહિ પણ લુચ્ચા ઉદ્યોગપતિઓ તરફી જ આવી છે.

રાજા જનમેજય બોલ્યા, ‘ જવા દો મહામુની આવા જંતુઓ જમ્બુદ્વિપમાં અતિશય છે. બની બેઠેલાં લેખકો વગર અનુભવે દીધે રાખતા હોય છે.’

‘અરે ! રઘુવીર ચૌધરી જેવા જ્ઞાનપીઠ વિજેતા ખેડૂતના દીકરા લેખક ખેડૂતોને ઠપકો આપે તો વાજબી કહેવાય પણ જેણે જિંદગીમાં ખેતર સુદ્ધાં જોયું ના હોય તેવા મહિષી ખેડૂતોને ઉપદેશ આપે તો ગુસ્સો ના આવે તો શું આવે? ૧૯૯૫ થી આજ સુધીમાં આશરે ૩ લાખ ખેડૂતોએ ભારતમાં આપઘાત કર્યા છે. આપઘાત કોણ કરે ? કોઈને શોખ થતો હશે આપઘાત કરવાનો? આ ડફોળ લેખકે ગમે તેટલા પુસ્તકો લખ્યાં હોય, લેખો લખ્યાં હોય એનાથી એ કોઈ સર્વજ્ઞ તો થઈ જતો નથી.’ મુનિ બોલ્યા.

હવે રાજા જનમેજય બોલ્યા, ‘મુનિશ્રી આપે કહ્યું તેમ ૧૯૯૫ થી આજ સુધીમાં આશરે ૩ લાખ ખેડૂતોએ આપઘાત કર્યા તેવો સરકારી ક્રાઈમ બ્રાન્ચનો રીપોર્ટ છે. એનો મતલબ એ થાય કે મહેન્દ્ર મુખીની જ સરકારમાં આપઘાત થયા છે તેવું તો છે નહિ. કારણ મહેન્દ્ર મુખી તો હમણાં વરસ દાડે થી જ સરકારમાં આવ્યા છે. મતલબ અગાઉની સરકારોએ પણ ખેડૂતોને રાહત થાય ફાયદો થાય તેવી નીતિઓ અપનાવી નથી.’

મુનિશ્રી જવાબમાં બોલ્યા મારું એજ કહેવું છે. બીજી સરકારોના સમયમાં આપઘાત થતા જ હતા ત્યારે આ મૂરખ કશું લખતો નહોતો પણ આ વરસના આપઘાતના આંકડા આવ્યા એટલે એણે તરત મહેન્દ્ર મુખીની સરકાર સામે જોખમ લાગવા માંડ્યું અને આ પાકા ભગતે તરત જે પાંચ સાત હજાર ખેડૂતોએ આપઘાત કર્યા હશે તેની મજાક ઉડાડતા લેખ લખી નાખ્યો.

રાજન જનમેજયને લાગ્યું આજે વૈષમપાયણ મુનિ ગુસ્સામાં છે બહુ બેસી રહેવામાં સાર નથી. એના કરતા કોઈ બહાનું કાઢી છટકી જવું સારું. એટલે રાજા જનમેજયે ખીસામાંથી આઈફોન કાઢી થોડીવાર ફંફોસ્યો અને મુનિને કહ્યું મહારાજ એક જરૂરી ટેક્ષ્ટ મેસેજ આવ્યો છે મારે ત્વરિત પહોચવું પડશે કહી મુનિની રજા લઇ રાજન તરત રવાના થઈ ગયા.

પણ જતા જતા રસ્તામાં વિચારતા હતા કે મહામુનિ વૈષમપાયણની વાત તો સાલી સાચી ને તર્કબદ્ધ છે.     images

 

 

 

 

 

Miss you મા ભારતી – ૩

Miss you મા ભારતી – ૩

 

ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલમાં ખૂબ મિત્રો મળ્યા. પેન્ટ શર્ટ પહેરેલા ઋષિ પ્રણવ અધ્યારુ મળ્યા તો મેહુલ મંગુબહેન 12969344_10207095233231915_1731867726_nપણ મળ્યા. હસતાં હસતાં દેસાઈ શિલ્પા પણ મળ્યા. પહેલાં એવું હતું કે સાહિત્યમાં બહુ રસ હોય તે મોટાભાગે આર્ટ્સમાં જતાં. હવે એવું રહ્યું નથી. ડોક્ટર્સ હવે કવિતાઓ લખે છે અને એન્જિનીયર્સ વાર્તાઓ લખે છે. એવો જ એન્જિનિયર વાર્તા અને લેખો લખતો કંદર્પ મળ્યો. બધા મિત્રોના નામ પણ યાદ રહ્યા નથી. જય વસાવડાની પધરામણી થઇ ને ટોળા એમની આજુબાજુ ફરી વળ્યાં. ટોળા વચ્ચેથી માર્ગ કરી એમને મળવા ગયો તો ભાવે કરીને ભેટ્યા અને મારા ઘેર જમવાનું ગોઠવવાનું છે ભૂલતા નહિ કહેવાનું ભૂલ્યા નહિ. એમનું પ્રશ્નોત્તરીનું સેશન હાઉસફૂલ રહ્યું. મારા સ્કૂલના પ્રિન્સીપાલ ભત્રીજા વિરભદ્રસિંહ અને એમના દીકરા ધ્રુવ સાથે જયભાઈનું સત્ર એટેન્ડ કરવાની ખૂબ મજા આવી. અમને જગ્યા મળી નહિ તો બહુ પાછળ બેસવું પડેલું. એમના ચાહકો એટલા બધા હતા કે સમય ઓછો પડ્યો તો બીજી જગ્યાએ ફરી ગોઠવવું પડેલું. પણ અમારે છેક માણસા જવાનું હોવાથી અને મિત્ર વિક્રમસિંહ એમની કાર લઈ આવી ગયા હોવાથી અમે ભાગ્યા.

ખેર બીજા દિવસે તો બહુ દુખદ બનાવ બન્યો. મારા સદાય હસતાં રહેતા એવા ભાભીસા કુંદનબા, મારા કઝન વિજયસિંહને વ્યથાની ગર્તામાં મુકીને ગુજરી ગયાં. ઘણાં લાંબા સમયથી બીમાર હશે. ઉત્તમ સારવાર મળી હતી પણ આયુષ્ય ખૂટી પડ્યું હશે. ૯૦ની સાલ પછી હું બરોડા રહેવા જતો રહેલો, પણ જ્યારે બરોડાથી માણસા આવું ત્યારે મારું જમવાનું એમના ઘેર જ હોય. એમની દીકરી બીના ત્યારે બહુ નાની, એના ‘કાકા જમવા ચાલો પાપા તમારી રાહ જુએ છે’ એ શબ્દો હજુ મને ઊંઘમાં સંભળાય છે. મારે થોડી વાર થાય તો બીના ફરી આવીને બૂમ પાડે કાકા ચાલો પાપા રાહ જુએ છે. છેવટે મારે દોટ મૂકવી જ પડે. સાચું કહું તો મને અમેરિકાના સપના કદી આવતા નથી. મને સપના આવે તો માણસા, બરોડા અને હજુય વિજાપુરના જ આવે છે, જ્યાં મેં મારી જિંદગીના ૫૦ વર્ષ ગુજાર્યા છે. કાકા જમવા ચાલો કહી સપનામાં બીના હજુ ય રડાવી જાય છે. પણ એ બધા સંસ્કાર કુંદનબાના હતા. હું વાસ્તવવાદી હોવાથી ભાગ્યેજ કવિતા જેવું લખું. તેમાં પણ કોઈ વ્યક્તિવિશેષ માટે કદાપિ નહોતું લખ્યું. પણ કુંદનબા માટે મારા હ્રદયમાંથી વ્યથા પંક્તિઓ રૂપે ઉમટી પડી.

“અક્ષરનિવાસી કહી ભલે મન માનવીએ, આ ઉંમર જવાની નહોતી કુંદનબા,

છે કોઈ ખામી આપણી વ્યવસ્થામાં, ના જવાની ઉંમરમાં જતાં રહ્યાં કુંદનબા.

વિજયને જય હમેશાં તો મળતો નથી, કુંદન જેવું જીવન જીવી ગયાં કુંદનબા,

એમ કરીને તમે જીવન જીતી ગયા, તમને ગુમાવી અમે હારી ગયા કુંદનબા.”

આ વખતે વિજય(વિજયસિંહ)ને જય ના મળ્યો, કુદરત આગળ હારી ગયા.

મોટાભાગે પત્નીની કિંમત પત્ની ગુમાવ્યા પછી થતી હોય છે. એક સમયે સ્ત્રી તો પતિને ગુમાવી મજબૂત મનોબળની હોવાથી એના સંતાનો, સંતાનોના સંતાનો, દેવદર્શન વગેરેમાં સમય વિતાવી પતિનો વિયોગ ભૂલાવી શકવા સમર્થ હોય છે. પણ એક પુરુષ એની પત્ની ગુમાવી આમ સમય પસાર કરી શકતો નથી. આમેય ભારતીય પુરુષો તો લગભગ પત્ની ઉપર સંપૂર્ણ આધારિત હોય છે. પાણીનું પવાલું જાતે લીધું ના હોય. એવા પુરુષો પત્ની ગુમાવે ત્યારે વેરાન રણમાં ભૂલા પડેલ માનવી જેવી એમની દશા હોય છે. એટલે કહું છું અખંડ સૌભાગ્યવતી એવા આશીર્વાદ કોઈ આપશો નહિ.

હું તો કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી. કોંગ્રેસ હોય કે ભાજપ કે બીજા કોઈ પણ પક્ષ આપણે જ્યાં ખોટું દેખાય ત્યાં ઝાટકણી કાઢવાની, એમાં આપણે શરમ રાખતા જ નથી. પણ મારી કલમના ચાહક હોવાથી કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર અને વકીલ મિત્ર અશ્વિનસિંહે એક ગેટ ટુ ગેધરમાં ગાંધીનગર આમંત્રણ આપતાં બીજા દિવસે સાંજે ત્યાં પહોંચ્યા. બહુ બધા મિત્રો મને ઓળખતાં હતા ભલે હું એમને ના ઓળખતો હોઉં. ડૉ સી. જે. ચાવડા સાહેબ જે માજી ધારાસભ્ય અને આઈ.એ.એસ હતા તેઓએ અને જયરાજસિંહ બંનેએ મને શાલ ઓઢાડી સન્માન કર્યું. જયરાજસિંહ ખરેખર સ્માર્ટ પ્રવક્તા છે. દેખાવે હેન્ડસમ છે તો એમની સ્પિચ પણ એમના જેવી જ સુંદર હોય છે.12540790_10206413953920358_6168613593183153354_n

ખેર જયરાજસિંહભાઈએ મને બોલવાનું કહ્યું તો મેં પણ ટૂંકું કોઈપણ તૈયારી વગરનું વક્તવ્ય આપ્યું. પછી થોડું જમીને છૂટા પડ્યા. સાંજે વહેલું જમવું પડે તો આરતીનો સમય થયો હોય નહિ અને આરતી કર્યા વગર જમવાનું ફાવે નહિ એટલે જરા કાઠું પડે, માટે એવું બને ત્યારે ઓછું જમવાનું. ભલે લોકો મને નાસ્તિક કહે પણ મારા અમુક ધર્મ હું બરોબર પાળું છું.

આ પ્રવચનની બાબતમાં એકવાર શું બોલવું એવી મૂંઝવણ ઉભી થયેલી. થયું એવું કે મારા એક કાકાસાહેબ પ્રવિણસિંહ રાઓલ સાહેબ માણસા કૉલેજમાં પ્રોફેસર હતા, પછી ડીન બનેલા અને રીટાયર થયા પછી કેમ્પસ ડાયરેક્ટર છે. માણસા કૉલેજમાં હમણાની બહુ ગવાતી JNU જવાહરલાલ નહેરુ યુનિવર્સીટીનાં એક પ્રોફેસરનું પ્રવચન ગોઠવાયું હતું. એમાં મને પણ આમંત્રણ આપવામાં આવ્યું. ડૉ દેસાઈ સાહેબ મૂળ માણસા કૉલેજના જ વિદ્યાર્થી હતા. પણ એવું છે ને કે હીરો ગમે ત્યાં પડ્યો હોય એ ઝળક્યા વગર રહે નહિ તે ન્યાયે દેસાઈ સાહેબ પીએચડી કરી JNU પહોચી ગયા. એમના પુસ્તકો ઇન્ટરનેશનલ લેવલે ફેમસ થઈ ચૂક્યાં છે. ખુબજ તેજસ્વી એવા દેસાઈ સાહેબનું પ્રવચન સાંભળવા મળશે એટલો જ ખ્યાલ લઈને અમે બે ભાઈ પહોચી ગયા કૉલેજમાં. અમને એમ કે કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થી સાથે બેસી પ્રવચન સાંભળીશું. પણ અમને તો મંચ પર બેસાડી દીધા. દેસાઈ સાહેબે ખુબ મનનીય પ્રવચન આપેલું. ચારેબાજુ ચોક્કા છગ્ગાની રમઝટ બોલાવી હતી. મને કોઈ અંદાઝ હતો જ નહિ કે મારે પણ બોલવું પડશે. એટલે ના કોઈ તૈયારી હતી. પણ મંચ ઉપર બેસાડ્યા સન્માન કર્યું એટલે અંદેશો આવી ગયેલો કે આજે પણ કોઈ તૈયારી વગર બોલવું તો પડશે.

ડૉ દેસાઈ JNU પ્રવચન આપતા
ડૉ દેસાઈ JNU પ્રવચન આપતા

છેવટે વારો આવી જ ગયો. દેસાઈ સાહેબે જે જે મુદાઓ પર વાત કરી હતી તે જ મુદ્દાઓ લઈ વાત શરુ કરી. અમે માર્ક કરેલું કે શ્રોતાઓમાં છોકરીઓ વધુ હતી, છોકરાઓ સાવ ઓછા. મેં દેસાઈ સાહેબ સામું જોઈ કહ્યું, “ સાહેબ મેં પણ તમારા જેવું માર્ક કર્યું કે અહિ છોકરીઓ વધુ છે. એનું કારણ છોકરીઓ ગુટખા-મસાલા ખાતી નથી છોકરાઓ બધા ગુટખા ખાવા ગયા છે.”

છોકરીઓ સાથે બધા હસી પડ્યા વાતાવરણ ભારેખમની જગ્યાએ તદ્દન હળવું થઈ ગયું. દેસાઈ સાહેબે સ્ત્રીઓના શોષણની વાત કરેલી.

મેં કહ્યું, ‘ સાહેબે સ્ત્રીઓના શોષણ વિષે ઘણુંબધું કહ્યું. હું આગળ કહું તો આ સમાજે સીતાના મુક ચિત્કાર સાંભળ્યા નથી, આ સમાજે દ્રૌપદીના આક્રંદ કરતાં પૂછેલા તીખા સવાલોના જવાબ આપ્યા નથી. આ પુરુષ પ્રધાન સમાજ તમે આગળ આવો એમાં રાજી નથી. પણ એક ગાયને બજારમાં નીકળી હોય ને રસ્તો જોઈએ ત્યારે સહેજ માથું હલાવે એટલે એના શીંગડા વાગી ના જાય માટે તરત લોકો આઘા ખસી રસ્તો આપે. છતાંય રસ્તો ના મળે તો શીંગડું ઠોકી દે. બસ તમારે શીંગડા ઠોકી આગળ વધવું પડશે.”

છોકરીઓ બધી તાળીઓ પાડી ઉઠી. વાતાવરણ મારા પ્રવચનની શરૂઆતમાં જ જીવંત બની ગયું. બે પુસ્તકો અને ૪૦૦ આર્ટીકલ લખ્યા છે, મારા મનમાં તો ઘણું ભરેલું હોય જ. બોલવા બેસું તો આખો દિવસ ખૂટે. થોડી અમેરિકન રહેણીકરણી અને એડ્યુકેશનની વાતો કરી. થોડી સ્વચ્છતાને સ્વભાવ બનાવવાની અને સ્વયં શિસ્ત વિશેની વાતો કરી પ્રવચન પૂરું કર્યું. ટૂંકમાં અકસ્માતે લેખક બનેલો તેમ અકસ્માતે પ્રવચન આપવાનું પણ શરુ થઈ ગયું.   12509433_10206417157320441_7706401842766260283_n

 

 

સપ્પન્ની સાતી (૫૬ની છાતી)

સપ્પન્ની સાતી (૫૬ની છાતી) Isaac-Nesser-interview1

‘હમણાં ૫૬ ઈંચની છાતી વિષે બહુ ચગ્યું છે.’ વિષ્ણુભાઈ અમારી સમિત પોઈન્ટની ગપાટા મંડળીમાં આવતાવેંત બોલ્યા. આમ તો હાલ લગભગ માઈનસમાં તાપમાનનો પારો ગગડી ગયો છે એટલે ગપાટા મંડળી બહુ ઓછી ભરાય છે. પણ થોડું ચાલવું અને વિટામીન ડી માટે તડકી ખાવી પણ જરૂરી હોય છે.

વિષ્ણુભાઈ બોલ્યા એના જવાબમાં વિદ્વાન વિનુકાકા કહે, ‘માઈક ટાયસન જેવા બહાદુરની છાતી ૪૩ હતી. હોલીવુડના મશહૂર તારલા અને કેલિફોર્નીયાના માજી ગવર્નર અર્નોલ્ડ સાહેબની છાતી ૫૭ ઇંચ હતી. તો ડૉ ઇસ્સાક નાસિરની છાતી ૭૩ ઇંચ છે. પણ આ બધાં કસરતબાજો છે. જ્યારે એવરેજ પુરુષની છાતી ૩૨-૩૬ હોય તો બહુ થઇ ગયું.’

વિષ્ણુભાઈ એમની મૅહાંણી તળપદીમાં કહે, ‘સરેરાશ બૈરૉની સાતી ય સપ્પન્ની ઑતી નહિ, તાણઅ આ મોદી ચમ દિયોર સપ્પન્ની સાતી સપ્પન્ની સાતી બોલ્યા કરસઅ, અમારા પટેલીયૉના ઢેકા પોલીસવાળો જોડે ભગાઈ નૉસ્યા ન અવ દિયોર ઑન્તકવાદી રોજ ઉમલો કરીસી તાણ ચમ કૉય પગલાં લેતો નહીં, ન પાકીસ્તૉન જઈ શરીફની માનઅ પગે લાગવા ઉન્ધો પડી જાયસઅ. ચૉ જઈ સપ્પન્ની સાતી?

હહાહાહાહાહા વિનુભાઈ અને હું જોરથી હસી પડ્યા. પણ વિષ્ણુભાઈને આજે શૂર ચઢ્યું હતું. વિષ્ણુભાઈ મહેસાણી પટેલ હતા તો વિનુકાકા ચરોતરના પટેલ હતા. અહિ અમારે પટેલોની બહુમતી છે. આખાબોલો પટેલ દિલનો ભોળો ને ભલો હોય છે તેવું મારું અંગત માનવું છે. ગુજરાતમાં હાર્દિક પટેલનું આંદોલન થયું ત્યારના વિષ્ણુભાઈ નરેનબાબુ ઉપર બહુ ગરમ હોય છે, પણ એમના મનમાં જે હોય તે ચોખ્ખે ચોખ્ખું કહી દેતા હોય છે.

chest-main_Fullવિષ્ણુભાઈ આગળ વદ્યા, ‘અલ્યા રાઓલભાઈ હાચું કે જો, તમે મારી તમાકુ ખાતા હોય ક મું તમારી બીડી પીતો હઉ ક આપણા બે ઘર વચે વાટકીવેવાર હોય અનઅ આપણા સોકરાં લડી એકબીજાન મારી તો કોય આપણઅ બે જણા લડવાના સિયે? નહિ લડવાના. આપણા બે વચાળે લાગણીના સંબંધ હોય તો આપણે નહિ લડવાના. ભૈબંધી આડઅ આઈ જ જાય. રોજ ભેગા બેહી ન ભજિયૉ ખાતા હૈયે તો નહિ લડવાના. પણ રોજ તમારા સોકરાં મારા સોકરૉન મારી જતા હોય ન મારઅ તમારી જોડ બાજવુ હોય તો પેલ્લું તો મારઅ તમારી બીડી પીવાનું બંદ કરવું પડઅ, ભેગા બેહીન ભજીયૉ ઝાપટવાનું બંદ કરવું પડઅ. પસી લડી હકાય. આટલી સીધીસટ વાત સઅ.’

મેં કહ્યું સાચી વાત છે પણ હું ક્યા બીડી પીવું છું કે તમાકુ ખાઉં છું? મેં હસતા હસતા પૂછ્યું.

‘અલ્યા ભઈ મું તો એક દાખલો આલું સુ.’ વિષ્ણુભાઈ પણ હસી પડ્યા. હસતા હસતા આગળ કહે, ‘રોજ હાડીઓ આલી હોય ન લીધી હોય તો હેનું બાઝવાનું મન થાય? મું તો ઈને શાલ આલી અનઅ હાડી લીધી તાણનો હમજી જ્યો તો આ ભઈ પાકિસ્તાન હૉમું કોય પગલૉ લેવાનો નહિ. ગમે એટલા ઑન્તકવાદી ઉમલા કરસી આ સૈનિકો ન નાગરીકો મરસી આ ભઈલો હહડવાનો નહિ. સપ્પન્ની સાતી હાતની(૭) કરીનઅ બેહી જવાનો સ..

વિનુકાકા કહે, ‘સાચી વાત છે, લાગણીના સંબંધ બંધાય ત્યાં લડી ના શકો. પણ આ વેપારી છે. એને એના ભૈબંધોનો વેપાર વધે એમાં રસ છે. બીજું દુનિયામાં સારા કહેવડાવવા આપણા નેતાઓ જીતેલા યુદ્ધ ટેબલ પર આજ સુધી હાર્યા છે. પાકિસ્તાનમાં નેતાઓનું કશું ચાલતું નથી ત્યાં ખરું રાજ મિલિટરી જનરલો કરે છે. મહાસત્તાઓના દબાણને લીધે એમને થોડો સમય શરીફ જેવા પ્યાદાંને વડાપ્રધાન બનાવવા પડે છે પણ ખરું રાજ એમનું ચાલતું હોય છે. તમે શરીફ આગળ ગમે તેટલા શરીફ થાઓ એનું કશું ચાલતું જ ના હોય તો શું કામનું? આ લોકો કુરતા-પાયજામાં પહેરાવી પાક લશ્કરના માણસોને ભારતમાં ધકેલી નિર્દોષ નાગરિકોને મરાવે પણ ભારતીય સૈન્ય સામે ખરું વોર થાય તરત હથિયાર હેઠા. એ વખતે એમની ફાટી જાય છે. પછી મહાસત્તાઓને વચમાં રાખી તરત સમાધાન ઉપર આવી જતા હોય છે ત્યાં આપણા નેતાઓ માર ખાય છે. આપણા સૈનિકો યુદ્ધના મેદાનમાં લોહી વહાવે છે, નેતાઓ તે લોહીનું કરારના ટેબલ પર પાણી કરી મુકે છે.’

વિષ્ણુભાઈ કહે, ‘શાબાશ વિનુભઈ હાચી વાત કરી. પણ રાઓલભઈ આ સપ્પ્નની સાતીનું કાંક રહસ્ય મનઅ લાગસઅ, તમે જૉણતા હોય તો ક્યો.

મેં કહ્યું, ‘આપણે મર્દાનગી બતાવવી હોય તો છત્રીસની છાતી એમ કહીએ છીએ. છપ્પનની છાતી પાછળ બહુ મોટું દુઃખ, હાડમારી અને સ્ટ્રગલ રહેલી છે. ભારતમાં ૧૮૯૬માં ખુબ ઓછો વરસાદ પડેલો. તે વર્ષ અલ નીનો વર્ષ હતું. ૯૭-૯૮મા એની પૂર્તિ થાય ત્યાં પાછું અલ નીનો વર્ષ ૧૮૯૯ આવ્યું. અલ નીનો એટલે મહાસાગરોમાં એવી ઈફેક્ટ પેદા થાય એના લીધે ભારતીય ઉપમહાખંડમાં વરસાદ બહુ જ ઓછો પડે. ૧૮૯૭માં આગ્રા, અવધ બંગાળ અને મધ્ય ભારતમાં ત્રણલાખ ચોરસ માઈલમાં રહેતી પ્રજાને દુષ્કાળની ભયંકર અસર થઈ. તો ૧૯૦૦માં મુંબઈ પ્રેસિડેન્સી, મધ્યભારત, રાજસ્થાન ગુજરાત ઝપટમાં આવી ગયા. લગભગ એક કરોડ લોકોને એની અસર થયેલી. લાખો લોકો ભૂખે મરી ગયેલા. સોનું આપો તો સામે મૂઠી જાર કે બાજરી નો મળે તેવું થઈ ગયેલું. લાખો લોકો મરણશરણ થઈ ગયેલા. માણસ માણસને ખાય તેવી કારમી પરિસ્થિતિ ઊભી થયેલી. આ બધું બનેલું ત્યારે વિક્રમ સંવત ૧૯૫૬નું વરસ ચાલતું હતું માટે છપ્પનીયો દુષ્કાળ કે કાળ પડેલો એમ કહેવાય છે. ત્યાર પછીના વર્ષે વરસાદ વધારે પડ્યો તો કૉલેરા, મલેરિયા, પ્લેગ જેવી મહામારીઓ ફેલાણી એમાં બીજા હજારો મરી ગયા. હવે આવા કપરા, દારુણ કાળમાં હદ બહારની પીડા, મહાદુઃખ વેઠી જે જીવી ગયો તે છપ્પનીયો કહેવાતો કે ભાઈ મજબૂત કહેવાય. છપ્પનની છાતી મતલબ ઈંચમાં નહિ પણ છપ્પનનો દુષ્કાળ ખમી ચૂકેલો મર્દ માણસ. ખરેખર છાતીની દ્રષ્ટીએ મર્દ માણસ માટે છત્રીસની છાતી જેવો મહાવરો છે. છપ્પનની છાતી તો સ્પેશલ કસરત-મહેનત કરીને બનાવેલ પહેલવાનો અને કસરતબાજોની જ હોય સરેરાશ માનવીની હોય નહિ.’

‘લ્યૉ તાણ મોદી વરી ચ્યાં સપ્પ્નીયા કાળમાં જન્મેલા સ..અ.. એતો આઝાદી પસી પેદા થ્યા સી. મારી દાદી સપ્પનીયા કાળની વાતો કરતાં, તાણ ઈમની ઉંમરેય બૌ નૉની અતી.’ વિષ્ણુભાઈ બોલ્યા.

વિનુકાકા કહે મોદીએ કોઈનાં સ્ટેટમેન્ટનાં જવાબમાં છપ્પનની છાતી જેવું કશું કહેલું, મતલબ એવો થાય કે છપ્પનના દુષ્કાળ જેવા લોકોના દુઃખ જોયા હોય જાતે વેઠ્યા હોય તે બીજાના અનુભવી શકે ને દૂર પણ કરી શકે. હવે મોદીએ કયા અર્થમાં કહેલું તે મોદી જાણે.

વિષ્ણુભાઈ પાછા ઉકળ્યા, ‘ દિયોર એ હું જૉણઅ, ડંફાસો મારવામૉથી ઊંચો નહિ આવતો. આ દિયોર પઠૉણકોટમાં મૉય ઘરમાં પેહી જઈ ન મારી જ્યાં, આપણા લશ્કરના મૉણહો બિચારા અમથા અમથા કુટઈ જૉયસી. દીયોડો ન પૂરી ખબરેય ઑ   ય  નઇ, કી સી ઓપરેશન ઓવર. તંબુરો ઓવર અમણૉ મારા મૂઢાની કૉક હૉભળસે. દિયોર ગૃહ પ્રધૉન સ ક પટાવાળો? બદલો લેવો જોઈ અ ક નૈ?

મેં કહ્યું, ‘બદલો લઈએ એ વાત જુદી છે. પઠાણકોટ ટ્રેજેડી સરકાર અને દેશની તમામ સુરક્ષા એજન્સીઓની નિષ્ફળતાનું પરિણામ. સુરક્ષા એજન્સીઓનો એકબીજા સાથે કોઈ તાલમેલ જણાતો નથી કે નથી સરકારનો એમના ઉપર કોઈ કાબૂ. ૪૮ કલાક પહેલા ખબર હતી કે આતંકવાદીઓ આવી ચુક્યા છે ને ખુલેઆમ ફરી રહ્યા છે. દેશની આંતરિક સુરક્ષા પોલીસ અને ગૃહપ્રધાનની ફરજ છે. ગૃહપ્રધાન રાજનાથસિંહ ભાઈએ એમની નિષ્ફળતા કબૂલી જો એક છાંટો શરમ બચી હોય તો રાજીનામું આપી દેવું જોઈએ. શું કહો છો?

વિનુભાઈ કહે, ‘સાચી વાત છે. મારો પોઈન્ટ એ છે કે પહેલા તો ઘુસ્યા એજ આપણી નિષ્ફળતા. પોલીસ અધિકારીનું અપહરણ બીજી નિષ્ફળતા. એણે સમાચાર આપ્યા પછી તમામ તંત્રો ઊંઘતા રહ્યા. ૪૮ કલાક પછી હુમલો. ટૂંકમાં પોતાની જૉબ કોઈ સરખું કરતુ જ નથી. તમામ જવાબદાર પોલીસ અને સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ ઉપર કડક પગલા લેવા જોઈએ. એમને જૉબ પરથી કાઢી મુકવા જોઈએ. એ તમામને સો કોલ્ડ મર્ડરર ઓફ આર્મી ઓફિસર્સ ગણી કેસ ચલાવવો જોઈએ તે પહેલા ગૃહ પ્રધાને રાજીનામું આપી દેવું જોઈએ.’

મેં કહ્યું, ‘દેશની સુરક્ષા એજન્સીઓ અને ગૃહ પ્રધાનની નિષ્ફળતાને હાથે હણાયેલા દેશના વીર જવાનોને એમની કમોત શહીદી બદલ આદરાંજલિ આપી છુટા પડીએ.’

વિષ્ણુભાઈ પાછા બગડ્યા, ‘દિયોર આ બધાં પરધૉનૉ ન અંજલી હૉમટી આલી દેવા જેવી સ.

તાપમાન ધીમે ધીમે ગગડતું જતું હતું શૂન્ય થી નીચે એક-બે-ત્રણ. રાત્રે તો શૂન્યથી નીચે ૧૫ થવાનું હતું. મેં કહ્યું હવે ભાગીએ ઘેર કાલે વેધર સારું હશે તો મળીશું કહી બધા છુટા પડ્યા.            pathankot

દાદરો બનીને ઊભા દુનિયામાં

દાદરો બનીને ઊભા દુનિયામાં

‘અમે દાદરો બનીને ઊભા દુનિયામાં ચડનારા કોઈ નો રે મળ્યા.’IMG_6290

દુલા ભાયા કાગ બાપુની આ પંક્તિ છે. આખું ગીત તમે કોઈ પહાડી અવાજ ધરાવતા અને ગાળામાં ચારણી હલક ધરાવતા ગાયકના મુખે સાંભળો તો બહુ મજા આવે. થોડા દિવસ પહેલા ન્યુ જર્સી ગયેલો ત્યારે મને આ સાંભળવાનો લહાવો મળ્યો હતો, અને તે પણ ગુજરાતી લિટરરી અકાદમી નોર્થ અમેરિકાના પ્રમુખ શ્રી. રામભાઈ ગઢવીનાં મુખે થી..

અકાદમીના ઉપક્રમે પ્રોગ્રામ હતો દુહાઓ વિષે રસપ્રદ માહિતી પીરસવાનો. વક્તા હતા ડૉ. બળવંત જાની. અને દુહા ગાઈને સંભળાવવાનું કામ અકાદમીના પ્રમુખ રામભાઈ કરવાના હતા તો થોડા દુહા પાર્થ નામના યુવાને પણ બહુ સરસ રીતે સંભળાવ્યા. દુહા, દુહો, દોહરો કહીએ તેનો ઇતિહાસ ૮૦૦-૯૦૦ વર્ષ જુનો છે. બલવંત ભાઈએ ચારણી સાહિત્ય, લોકસાહિત્ય ઉપર ખુબ કામ કર્યું છે. એમણે સંત સાહિત્ય સાથે ખોજા સાહિત્ય ઉપર પણ ખુબ કામ કર્યું છે. સંતોએ રચેલા ભજનોને તો આપણે સાહિત્યમાં ગણતા નથી. એમના કહેવા મુજબ એમણે દસ હજાર ભજનોનું સંકલન કર્યું છે. અને દુહાઓ તો ૫૦,૦૦૦ હશે. લગભગ ૧૫૦ વિદ્વાનોએ લોકસાહિત્ય, ચારણી સાહિત્ય અને દુહાઓ વિષે સંશોધનાત્મક કામ કરેલું છે. દુહા પહેલા પ્રાકૃત ભાષામાં લખાતા હતા. દુહા એટલા જુના છે. દુહા એટલે બે લીટીની કવિતા કહીએ તો પણ ચાલે. કોઈ ગદ્યકારને એની વાત કહેવા ૨-૩હજાર શબ્દોની જરૂર પડે ત્યાં કવિ એજ વાત થોડીક પંક્તિઓમાં કવિતા રૂપે કહી દેતો હોય છે, ત્યાં દુહો રચનાર ફક્ત બે લીટીમાં તે વાત કહી દેતો હોય છે. આ બે લીટીની કવિતા જનોઈવઢ ઘા જેવી હોય છે, સમજ પડે ત્યાં તો દિમાગ અને દિલના ફુરચા નીકળી ગયા હોય.

હજારો દુહાઓના રચયિતાનાં નામ જ જડતા નથી. લોકમુખે પેઢી દર પેઢી આવા અનામી રચનાકારનાં દુહાઓ હજુ જીવંત છે. તો બારમી સદીના ઇસરદાન નામના કવિએ હજારો દુહાઓ રચ્યા છે જે કદી ભેટ સોગાદ લેતા નહોતા. ગુજરાતીમાં મેઘાણી સાહેબે ચારણી સાહિત્ય, લોકવાર્તાઓ, લોકગીતો અને દુહાઓ વિષે અદ્ભુત કામ કરેલું છે. એમને કોઈ લેખ સંદર્ભે દુહાઓની જરૂર પડતાં કાગબાપુને કહ્યું હશે. દુલા ભાયા કાગે થોડા દુહા મોકલી આપ્યા શોધીને.. પણ મેઘાણી સાહેબને વધુ દુહા તે લેખ બાબતે જોઈતા હશે. તેમણે ફરમાયશ કરી હજુ વધુ દુહા મોકલી આપો. કાગબાપુએ જે યોગ્ય હતા તે મોકલી આપેલા બીજા લાવવા ક્યાંથી. એટલે એમણે જાતે રચીને મોકલી આપ્યા. પણ આ તો મેઘાણી હતા. એમણે વળતો જવાબ લખ્યો દુહા સારા રચાયા છે હજુ બીજા વધારે રચાય તો મોકલી આપશો.. દુહાની શૈલી પરથી મેઘાણી સાહેબને ખબર પડી ગઈ કે આ એમણે જાતે રચેલા છે. આવા કવિઓ હતા અને આવા એમના પારખુઓ પણ હતા.

IMG_6291દુહાઓમાં લાઘવ છે, તો મુલ્ય બોધ અને શૃંગાર સાથે સૌન્દર્યબોધ પણ છે. દુહાઓમાં કરુણ રસ પણ ભારોભાર ભરેલો હોય છે. એવા કરુણરસથી ભરેલા દુહા કોઈ પહાડી ગળું ધરાવતા ચારણ-ગઢવીના મુખેથી એક પછી એક સાંભળીએ તો લાગે જાણે હિમાલય રડી રહ્યો છે, અને એના આંસુની ધારા જાણે ગંગા જમુના બનીને વહી રહી છે. ચારણના ગાળાની હલક કોઈ સ્પેશલ જિનેટિક મ્યુટેશન હોય એવું લાગે છે. અને એવી હલક કોઈ વેલજીભાઈ ગજ્જર અને પ્રફુલ્લ દવે જેવાના ગાળામાં કુદરતી આવી જાય ત્યારે ઓર રંગ જમાવતી હોય છે.

દુહામાં રામાયણ રચાણી છે તો દુહામાં મહાભારત પણ રચાયેલું છે. અરે દુહામાં વ્યાકરણ પણ રચેલું છે. દુહા કઈ રીતે રચવા, એનું બંધારણ કેવું હોવું જોઈએ તે પણ દુહામાં જ રચીને સમજાવેલું છે. દુહા સામસામે સવાલ જવાબ રૂપે પણ રચાતા. રાજદરબારમાં ડાયરો જામ્યો હોય ત્યારે સામસામે દુહાની રમઝટ બોલાતી અને એમાં ત્રણ ત્રણ દિવસ વીતી ગયા હોય તેવું પણ બનેલું છે. દુહાઓ વિષે અદ્ભુત માહિતી બળવંતભાઈ આપે જતા હતા અને વચમાં વચમાં રામભાઈ દુહા ગાઈ સંભળાવતા હતા. તો થોડા દુહા પાર્થ નામના યુવાને પણ ગાઈ સંભળાવ્યા. રામભાઈએ એક ગીત બહુ સરસ સંભળાવ્યું. ભાવાર્થ એવો હતો કે દાદા એમની ભરયુવાન પૌત્રીને વર કેવો જોઈએ તે વિષે પૂછે છે. એમાં થોડી રમૂજ પણ હતી. દીકરી કહે છે દાદા ઉંચો વર નો જોતા નિત નેવાં ભાંગશે. જુના જમાનામાં નળિયાવાળા ઘર એટલે એવું કહેવાયું અને નીચો વર પણ નો જોતા નિત ઠેબે ચડશે. વર જોવો હોય તો કેડે પાતળિયો ને મારી સખીઓ વખાણે તેવો જોજો. મતલબ તે વખતે પણ સિક્સ પેક નું મહત્વ હતું. મેં પણ વર્ષો સુધી કસરત કરીને સિક્સ પેક સાચવી કમર ૨૮-૨૯ થી કદી વધવા નહોતી દીધી. પણ હવે હર્નિયાનું ઓપરેશન થયા પછી કસરત થતી નથી એમાં સીધી ૩૪ થઇ ગઈ છે.

કાગબાપુનું અમે દાદરો બની ઉભા ગીત પણ રામભાઈએ સરસ ગાયું. દાદરો બની દુનિયામાં ઉભા પણ ચડનારા કોઈ નો મળ્યા. પછી એમાં રોટલાની વાત છે કે ખેતરમાં ડુન્ડું હોય તે કપાય, ખળામાં પહેલાં બળદના પગ નીચે કચરાતું, હવે થ્રેસરમાં કચરાય છે. પછી ઘંટીમાં વળી પાછું પીસાય, પછી રોટલા ઘડાનારીના હાથે મસળાય, પછી કલેડીમાં નીચે અગ્નિ હોય ને શેકાય પછી થાળીમાં પીરસાય પણ જમનારા કોઈ નો મળે તો? દાદરો બનવું પણ સહેલું નથી. કપાય, સુકાય અને ખુબ ખુબ છોલાય ખીલા ઠોકાય પછી દાદરો બને છે. ગુજરાતી સાહિત્યમાં ડૉ બળવંત જાની અને રામભાઈ જેવા દાદરો બનીને ઉભા છે, એક ગુજરાતમાં અને એક અમેરિકામાં..

શ્રી. રામભાઈને ૭૫ વર્ષ થયા, એની ખુશીમાં સ્ટેજ ઉપર કેક કાપીને નાનકડો ઉત્સવ ઉજવવામાં આવ્યો. મારે પણ એવી જ એક બર્થડે પાર્ટીમાં જવાનું હતું એટલે બાકીનો ગાયનવાદન પ્રોગ્રામ પડતો મુકીને પરમ મિત્ર દિલીપ ભટ્ટની સરસ આદુવાળી ચા પી હું પણ ભાગ્યો..  IMG_6296

દાળ શું દાળના ભાવ સાંભળી દા’ ડો બગડે

દાળ શું દાળના ભાવ સાંભળી દા’ ડો બગડેP123%20Special%20Laxmi%20Toor%20Dal%20Oily

અમારે સ્ક્રેન્ટનમાં તો બિનસત્તાવાર રીતે ઠંડી ચાલુ થઈ ગઈ છે. એકવાર થોડો બરફ પણ પડી ચૂક્યો છે. અમારા સમિત પોઇન્ટનાં ચર્ચા ચોરે(પાર્ક) જતાં પહેલાં વેધર જોઈ લેવું પડે. બહુ ઠંડી હોય કે વાદળિયું વાતાવરણ હોય તો કોઈ દેખાય નહિ. તડકો નીકળ્યો હોય તો બધાં દેખાય. મારે તો બારીમાંથી જ ચોરો દેખાય છે. એટલે અમારી મંડળીના સભ્યો દેખાય અને હું નવરો હોઉં તો ગામગપાટા મારવા પહોચી જાઉં.

મને જોઇને વિષ્ણુભાઈ તરત બોલ્યા, ‘અલ્યા રાઓલભઈ મારું દિયોર આ બહો રૂપિયે દાળ ચૉય હૉભળી તી?’

મેં કહ્યું, ‘ઑના કરતૉ તો બળ્યું મરઘું સસ્તું થઈ જ્યુ સઅ.’

‘દાળ બગડે એનો દહાડો બગડે એવી કહેવત છે, પણ હવે તો દાળના ભાવ સાંભળી દહાડો બગડી જાય છે,’ રમાબેન બોલ્યા..

વિનુકાકા કહે, ‘સરકારે દરોડા પાડી ૫૦,૦૦૦ ટન જેટલી દાળ સંગ્રહખોરો પાસેથી પકડી છે.’

મેં કહ્યું, ‘ભાઈઓ હું તો કાયમ કહું છું કે આપણે ધાર્મિક છીએ નૈતિક નહિ. એક ઐતિહાસિક દાખલો આપું. મહમદ બેગડાના સમયમાં ગુજરાતમાં દુકાળ પડ્યો. એનો લાભ લેવા વેપારીઓએ ગોદામોમાં અનાજ સંગ્રહી લીધું. લોકો ભૂખે મરવા લાગ્યા. બેગડાએ આદેશ આપ્યો કે કોઈએ અનાજ સંગ્રહ કરવો નહિ. પણ વેપારીઓ એકદમ માને ખરા? મહમદ બેગડાનો પિત્તો હટ્યો એને થયું મારી પ્રજા ભૂખે મરે છે અને આ વેપારીઓ કોઈને ગાંઠતા નથી, રાજના હુકમનો અનાદર? અમદાવાદના બેચાર સંગ્રહખોર વેપારીઓને પકડી મંગાવ્યા અને ભદ્ર આગળ ભર બજારમાં સૂળીએ લટકાવી દીધા. બીજા વેપારીઓ ગભરાઈ ગયા તરત અનાજના ગોદામો ખુલ્લા મૂકી દીધા.’

વિનુકાકા કહે, ‘સાચું છે, રાજકર્તા કડક ના હોય તો નકામું છે. દાળ ઓછી પાકી છે જાણી અમુક વેપારીઓએ લાભ લેવા સંગ્રહ કરી લીધો એટલે દાળના ભાવ આસમાને પહોચી ગયા.’

રમાબેન કહે, ‘પહેલા એક એડ આવતી હતી કે ગુણીયલ નારી ઘરમાં લાવે અંગુર તુવેર દાળ. હવે એના બદલે ગુણીયલ અને કરકસરિયણ નારી ઘરમાં ના લાવે તુવેર દાળ.’

બધા હસી પડ્યા, વિનુકાકા કહે ખરું જોડી કાઢો છો તમે.

વિષ્ણુભાઈ કહે, ‘અમી તો દિયોર ખેતી કરેલી સઅ. અનાજ ક કઠોળ ક શાકભાજી વધાર પા..કઅ ક ઓસુ પા..કઅ, સેડૂના (ખેડૂતના) હાથમાં તો જે આવતું હોય એજ આવઅઅ.

મેં કહ્યું, ‘ સાચી વાત છે. મેં પણ ખેતી કરેલી છે. વધુ પાકે તો મફતના ભાવે વેચવું પડે છે. મેં એકવાર કોબીજની ખેતી કરેલી. ટ્રક ભરીને અમદાવાદ ગયો. ભાવ સાવ ઓછા તો નડિયાદ ગયો. ૪ રૂપિયે મણ એટલે ૪ રૂપિયે ૨૦ કિલોના ભાવે વેચીને આવેલો. કોબી ભરવા જે કોથળા લાવેલો તેના પૈસા ય નહોતા નીકળ્યા. પછી ખેતરમાં જે કોબીજ હતી તેમાં રબારી ભાઈઓને છૂટ આપી દીધી ગાયો મૂકી દીધી. કોબીજનું ખેતર સફાચટ.’

વિષ્ણુભાઈ બોલ્યા, ‘આ કુબી ન વરિયાળી ની શેતી તો મિ યે કરેલી સઅ. કુબી ભેગી જ વરિયાળી વાઇ દેવાની. બૌ પાક તો ભાવ ઓસા થૈ જૉય અને ઓસુ પાક તો ભાવ થોડા વધુ મલી પણ બધું હરખુ જ.

રમાબેન બહુ સમયે ઓચિંતાં બોલ્યા, ‘એક ચપટી દાળ કી કિંમત તુમ ક્યા જાનો નરેનબાબુ?’

વિનુકાકા કહે, ‘નરેનબાબુને ગુજરાતી દાળ બહુ પ્રિય છે અને હવે એમણે સૂત્ર બદલ્યું છે, દાળ હું એકલો જ ખાઇશ કોઇને ખાવા નહિ દઉ.’

રમાબેન કહે, ‘ઇન્ડિયાથી મારી બેનપણીનો ફોન આવેલો તે કહેતી હતી કે આ વખતે અમે દિવાળી પર સગાવહાલાને ગિફ્ટમાં મીઠાઈના પૅકેટને બદલે અંગુર તુવર દાળના પેકેટ આપવાનાં છીએ.’

અમે બધા ખુબ હસ્યા આ સાંભળી.

હવે વાતનો દોર જરા બદલાયો. અમેરિકામાં ગુજરાતીઓમાં પટેલોની બહુમતી છે. અમેરિકનો માટે ઇન્ડિયન એટલે પંજાબી અને પટેલ બે જ હોય. મારી અટક રાઓલ, પણ ઘણી જગ્યાએ પૂછ્યા વગર પટેલ લખી નાખે. આપણે રાઓલ કહીએ તો પણ સામેવાળા ધોળીયાને પટેલ જ સંભળાય. અમારા ચર્ચા ચોરે પટેલોની બહુમતી છે.

મેં વિષ્ણુભાઈને કહ્યું, ‘આપણે કોઈને અટક વિષે પૂછીએ અને પટેલ કહે તો જાણકાર હોય તો બીજો સવાલ આવે. કડવા કે લેઉઆ?’

વિષ્ણુભાઈ કહે, ‘સાચી વાત છે. અમારા પટેલોમાં બે મુખ્ય શાખા છે.’

મેં કહ્યું, ‘હવે કોઈ પટેલ કહે તો પહેલું પૂછવું પડશે બૌદ્ધ પટેલ કે હિંદુ પટેલ? પછી કડવા કે લેઉઆ?’

વિનુકાકા લેઉઆ પટેલ છે; કહે, ‘પછી પૂછવાનું બૌદ્ધ કડવા પટેલ કે બૌદ્ધ લેઉઆ? હિંદુ કડવા પટેલ કે હિંદુ લેઉઆ?’

વિષ્ણુભાઈ કહે, ‘અલ્યા હું કો સો કોય હમજ ના પડી, આ બુદ્ધ પટેલ ચો થી આયા?’

અમે બધા હસી પડ્યા. વિનુકાકાએ ફોડ પાડ્યો કે અનામત આંદોલન કરનારા પટેલોએ ધમકી આપી છે સરકારને કે અમે સાગમટે બૌદ્ધ ધર્મ અપનાવીશું. હજુ અપનાવ્યો નથી માટે વિષ્ણુભાઈ ચિંતા કરશો નહિ.

વિષ્ણુભાઈ જરા ઉગ્ર થઈ ગયા કહે, ‘તેલ લેવા જ્યું અનામત, દિયોર અનામત માટ ધરમ બદલવાનો? આય અમેરિકામાં હાથેપગે આઈ ન ઈની બુન ન વગર અનામતે દહ દહ સ્ટોરો, ન બસે બસે રૂમની મોટેલોનાં માલિક નહિ બન્યા?’

મેં કહ્યું, ‘સાચી વાત છે. આમાં ભણતરનું પણ બહુ મહત્વ નથી, ભણેલા હોય તો ફેર પડે પણ ધંધો કરવામાં ભણતર કરતા ગણતર વધુ મહત્વનું હોય છે. ન્યુ જર્સીમાં એક પંજાબી કાકાના ભારતીય ગ્રોસરીના સ્ટોરોની લાંબી ચેઇન છે. હવે એ કાકા બહુ ભણેલા નથી, અંગ્રેજી બોલતા પણ આવડતું નથી માટે એક અંગ્રેજી જાણકાર માણસ જોડે રાખે છે. એમના બહુ બધાં મોટા મોટા જાયન્ટ કહી શકાય એવા સ્ટોર્સ છે.’

વિનુકાકા કહે, ‘ધર્મ દરેકની પર્સનલ મૅટર હોવી જોઈએ. આપણે ભારતમાં ધર્મ બજારમાં લઈને ફરીએ છીએ. પછી એની હાટડીઓ માંડીએ છીએ. પછી એના નામે રાજકારણ રમીએ છીએ. બૌદ્ધ ધર્મ કે જૈન ધર્મ ખોટો નથી, પણ તમે એની ફિલોસોફી સમજીને પાળો તો બરોબર છે. બાકી બધા તૂતેતૂત.’

મેં કહ્યું, ‘સાચી વાત છે તમારી. કોણે શું ખાવું તે જેમ અંગત બાબત છે તેમ ધરમ કયો પાળવો તે પણ અંગત બાબત હોવી જોઈએ.’

વધુમાં મેં કહ્યું, ‘ચાલો આ ધરમની વાત નીકળી છે તો એક જરા રમૂજી બનાવ કહું. હું સિટીઝન માટેની પરીક્ષા આપવા ગયેલો. તો એક ધોળી બહેન મારો નંબર આવતા બોલાવવા આવી. હું ગયો એની કેબીનમાં. આ લોકો દસ સવાલો પૂછે અમેરિકાના નાગરિકશાસ્ત્ર અને ઇતિહાસ વિષે. એમાંથી છ સાચા પડવા જોઈએ. પહેલા છ સાચા પડી જાય તો સાતમો સવાલ પૂછે જ નહિ. એમાં એવું થયું કે બે જુદા જુદા સવાલનો મેં એક જ જવાબ આપેલો તો પેલી બાઈ પોતે જ કન્ફ્યુઝ થઈ ગયેલી. એક સવાલ એણે પૂછ્યો કે અમેરિકામાં વસાહતીઓ કેમ આવ્યા? કેમ જવાબ આપ્યો કે ગમે તે ધર્મ પાળવાની છૂટ મળે માટે. કહે સાચું છે. પછી બીજો સવાલ કે અમેરિકામાં ફન્ડામેન્ટલ રાઈટ્સ બંધારણ દ્વારા મળે છે તેમાંનો એક કહો. મેં કહ્યું ગમે તે ધર્મ પાળવાની છૂટ અને કોઈ ધર્મ નાં પાળવો હોય તો તેની પણ છૂટ. પેલી બાઈ કહે બે સવાલના એક જ જવાબ? પણ એણે સ્વીકાર્યું કે તે પોતે કન્ફ્યુઝ થઈ ગઈ છે માટે કમ્પ્યુટરમાં જવાબ જોવો પડશે. મેં હસતાં હસતાં કહ્યું નો પ્રૉબ્લેમ ચેક ઈંટ.. પછી કમ્પ્યુટરમાં ફેંદીને કહે તું સાચો છે. પછી સારું એવું હસી. મને સાતમો સવાલ પૂછ્યો જ નહિ.’

ઠંડો પવન વધ્યો હતો એટલે અમે બધા ઉભા થયા અને ઘર તરફ ગચ્છન્તી કર્યું.

 

દૂધપાકની બૉન

દૂધપાકની બૉન

અમારા સમિતપોઈન્ટનાં ચર્ચા ચોરે આખા ગામની પંચાત થાય. રિટાયર્ડ માણસો બીજું કરે પણ શું? હું સવારે કામ પર જાઉં તો સાંજે ચોરે જઈ બેસું અને સાંજે કામ પર જાઉં તો સવારે કુમળો તડકો ખાતા મિત્રો જોડે જઈ ગપાટા મારું. મિત્રો લખ્યું એટલે યાદ આવ્યું. અમારા એક મિત્ર ડૉ ભાનુભાઈ કહે આ વખતનું ફિજીક્સનું નોબેલ પ્રાઈઝ નરેનબાબુને મળશે, કારણ એમણે ગૉડ પાર્ટીકલ BOSON જેવો, એનો ભાઈ કહો તો ચાલે તેવો પાર્ટીકલ શોધી કાઢ્યો છે, મિત્રોન…. આ વાત ચર્ચા ચોરે કરતાં બધા ખુબ હસ્યા. નરેનબાબુને વાતે વાતે મિત્રો, ભાઈઓ ઔર બહેનો કહેવાની આદત છે. એમની સામે ફક્ત બેચાર જણા બેઠા હોય તો પણ ભાઈઓ ઔર બહેનો શબ્દ ટેવ મુજબ બોલાઈ જાય છે. પણ એક વાતની કદર કરવી પડે કે નરેનબાબુની બોલવામાં માસ્ટરી છે.

વિનુકાકા કહે, ‘આ વખતની બિહારની ચુંટણીમાં નેતાઓ એકબીજાને ભાંડવામાં સાવ નીચલા સ્તરે ઉતરી ગયા છે. અમિત શાહે લાલુને ચારા ચોર કહ્યા, તો લાલુએ અમિત શાહને હત્યારા કહ્યા.’

રમાબેન કહે, ‘પેલી દૂધપાકની બૉન ગાડીમાં બેઠી બેઠી કહે અમિત શાહે ગુજરાતમાં લાખો કરોડોની હત્યા કરાવી નાખી, અલી બૉન જરા માપમાં બોલતી હોય તો સારું લાગે. પછી એને જાતે જ લાગ્યું કે લાખો કરોડો વધારે કહેવાય પછી કહે હજારોની હત્યા.’

વિષ્ણુભાઈ કહે આ દૂધપાકની બૉન કોણ?

રમાબેન ઉવાચ, ‘અરે દૂધપાક અને રબડી ભાઈ બહેન કહેવાય કે નહિ?’

રબડી અને દૂધપાક બંને દૂધમાંથી જ પેદા થાય છે. રબડીદેવી એવું બોલેલા પણ ખરા કે લાખો કરોડોની હત્યા કરી નાખી. પછી સુધારેલું બીજા વાક્યમાં કે હજારોની હત્યા કરાવેલી. રબડી દેવી માટે દૂધપાકની બોન સંબોધન સાંભળી બધા એટલું હસ્યા કે વિનુકાકાને ઉધરસ ચડી ગઈ. આ તમાકુ-મસાલા મોઢામાં ભરી રાખતા હોય તેમણે હસવામાં કંટ્રોલ રાખવો પડે. તરત ઉધરસ ચડી જાય.

મેં કહ્યું, ‘મોદીએ લાલુને શેતાન કહ્યા તો એમણે મોદીને બ્રહ્મ-પિશાચ કહ્યા. આમ આ વખતે શબ્દયુદ્ધ બરાબર જામ્યું છે.’

વિષ્ણુભાઈ જરા સેન્સિટિવ માણસ છે. એમને આવું બધું દેશમાં ચાલે છે તે જોઈ બહુ દુઃખ થાય. તેઓ રિટાયર્ડ થઈને જ અમેરિકા આવ્યા છે. એમના દીકરા દીકરીઓ બધા અહિ છે. બહુ મોટી ઉંમરે આવેલાને દેશ બહુ યાદ આવે. આખો દિવસ ભારતીય ચેનલ્સ જ જોયા કરવી, ગુજરાતી ન્યુઝ પેપર્સ ઓનલાઈન જે મળે તે વાંચે રાખવા એવી આદત પડી જતી હોય છે. મોટી ઉંમરે અમેરિકા આવીને મનથી સેટ થવું અઘરું લાગે.

વિષ્ણુભાઈ કહે, ‘આ બીફ પ્રકરણ મારું દિયોર બહુ ચાલ્યું સઅઅ. બીફ ખાધું સ ક ઘરમાં રાખ્યું સઅ એવી અફવા ફેલઇ એક મૉણસની હત્યા કરી નૉખવામાં આયી; આ તો કૉય રીત સ? આ દેશ ચૉ જઈ રયૉ સ ખબર નઇ પડતી. અનઅ આ જોગટા મારા દિયોર સંસાર સોડી નાઠેલાનું સંસદમાં હું કૉમ સઅ? દીયોરો જીભડી કાબુમૉ રાખતા નહિ. હિંદુ અન મિયૉન લડઈ મારવાના ધંધા હોધી કાઢ્યા સ.’ વિષ્ણુભાઈ એમની મેહોણી તળપદીમાં બરોબર બગડ્યા.

વિનુકાકા કહે, ‘આ બાવાઓને ના તો વેદોનું જ્ઞાન છે, ના હિંદુ ધર્મનું. વગર વેદ વાંચે ઠોકે રાખે છે. વગર વેદ વાંચે વેદોના સંદર્ભ આપતા હોય છે. અજ્ઞાની પ્રજા એમનું કહ્યું સાચું માની લેતી હોય છે. સ્વામી વિવેકાનંદે એમના એક પુસ્તકમાં કબૂલ કરેલું છે કે પ્રાચીન હિંદુઓમાં બીફ નાં ખાય તે સાચો હિંદુ ના કહેવાય તેવું મનાતું હતું અને આ વાતનું આશ્ચર્ય ખુદ સ્વામી વિવેકાનંદને પણ હતું. ભલે તમે માંસ ખાઓ કે ના ખાઓ, બીફ ખાઓ કે ના ખાઓ આ બધી વાતો મહત્વની નથી. શું ખાવું તે દરેકની અંગત ચોઈસ છે. આપણે કોઈના ઉપર કઈ રીતે બળજબરી કરી શકીએ કે આ જ ખાઓ અને આ ના ખાઓ? આખી દુનિયા બીફ ખાય છે ત્યાં તો તમે રોકવા જવાના નથી ને? આખી દુનિયા પોર્ક ખાય છે ત્યાં તો તમે રોકવા જવાના નથી ને? હિંદુ-મુસલમાન બંને આ રીતે ખોટા છે. ધર્મ પણ અંગત બાબત હોવી જોઈએ, ધર્મ કોઈ જાહેર પ્રદર્શનની બાબત ના હોવી જોઈએ.’

આ વિનુકાકાએ ક્યારેય જીંદગીમાં ય ઈંડું પણ ખાધું નથી. પ્યોર શાકાહારી અને તમાકુ નામના પર્ણ આહારી. પણ એમના ઉમદા વિચારો જુઓ.

વિષ્ણુભાઈ કહે, ‘સાચી વાત છે. જેને જે ખાવું હોય તે ખાય. અને જેને જે માનવું હોય તે માને. આ રાઓલબાપુ ભગવાનમાં નથી માનતા આપણે કદી બળજબરી કરી કે ના ભગવાનમાં માનો જ?’

એમણે હસતાં હસતાં કહેલું તો મેં પણ હસતાં હસતાં જવાબ આપ્યો કે હું એમ કોઈનું કહ્યું માનું એવો છું ખરો? અને હું પણ ક્યાં તમારા પર બળજબરી કરું છું કે ભગવાનમાં માનશો નહિ. અરે મારા ઘરમાં જ નાનકડું મંદિર મારા વાઈફ લાવ્યા છે અને તે પણ મંદિર વેચવાનો બિઝનેસ કરતા બાપ્સની સંસ્થામાંથી. હવે મારા વાઈફ પોતે કોઈ સ્વામીનારાયણ સંપ્રદાયનાં ભક્ત નથી પણ એમના મંદિરમાં સ્વામીનારાયણનાં ફોટા વગેરે છે જે તેમણે ગાર્બેજ નથી કર્યા. મેં તો એના ફોટા જગજાહેર હું નાસ્તિક હોવા છતાં અને સ્વામીનારાયણ સંપ્રદાયનો સખત ટીકાકાર હોવા છતાં ફેસબુકમાં મુક્યા છે. મારો તો એક જ જગજાહેર સંદેશ છે કે મારી વાત સાંભળો પછી એના ઉપર વિચાર કરો પછી સમજો, સાચી લાગે તો માનો અથવા ફેંકી દો, જસ્ટ સ્ટાર્ટ થીંકીંગ. અરે વિચારવાની બારીઓ ખોલો તો પણ મારા માટે બહુ છે.’

વિષ્ણુભાઈ મૂળ રીટાયર માણસ આખો દિવસ કોમ્પ્યુટર અને ટીવી પર બેસી રહે. તો કહે, ‘આજે NDTV પર બરખા દત્તનો પ્રોગ્રામ જોયો. એમાં એ ચાપલીએ ભાજપનાં, સમાજવાદી પક્ષના, કોંગ્રેસનાં નેતાઓ અને થોડા પત્રકારો ભેગા કરેલા. મુર્ખીએ એમાં જસ્ટીસ કાત્જુને પણ બોલાવેલ. હવે મજા એ આવી કે બધા નેતાઓ એકબીજાને ટપલીદાવ મારતા હતાં પણ જેવા જસ્ટિસ કાત્જુએ કહ્યું કે આ બધા નેતાઓ રાસ્કલ છે અને આ બધાને બહુ પહેલા લટકાવી દેવા જોઈએ અને આ લોકોમાં દેશ માટે કોઈ પ્રેમ નથી તો બધા હરામખોરો જે એકબીજાના દુશ્મન હતા તે એક થઇ ગયા ને જસ્ટિસ કાત્જુ પર તૂટી પડ્યા.’

મેં કહ્યું, ‘જસ્ટિસ કાત્જુની અમુક બાબતોમાં ભલે આપણે સહમત હોઈએ કે ના હોઈએ, લોકો એમને ગાંડા ગણે કે ના ગણે પણ એમની વાતોમાં દમ હોય છે. અરે એક તો માણસ છે કે જે બેફામ બોલી શકે છે. સુપ્રીમ કોર્ટનો જસ્ટિસ અમસ્તો તો નહિ જ રહ્યો હોય ને?

રમાબેન બહુ સમય પછી બોલ્યા, ‘પેલા સમાચાર જોયા? એક દંપતી લગભગ નગ્ન હાલતમાં પોલીસ સાથે જપાજપી કરતુ હતું, એ શું હતું?’

વિનુકાકા કહે,, ‘દલિત દંપતી ફરિયાદ કરવા ગયેલું પણ પોલીસ ફરિયાદ લેતી નહોતી એટલે પછી તે લોકોએ જાતે જ નગ્ન થઈને પ્રોટેસ્ટ કરવાનો નવો રસ્તો અપનાવેલો. એમાં પછી એમનો બીજો પરિવાર પણ જોડાઈ ગયેલો. જો કે પેલી ફૂલનદેવીને ફેરવેલી એવું હજુ ય ઘણી જગ્યાએ બનતું જ હશે. હજુ આપણે મહાભારતના સમયથી આગળ ક્યા વધ્યા છીએ?

આમ અમારી ચર્ચાસભા કાયમ હસતી હસતી છૂટી પડતી પણ આજે બધાના મનમાં થોડો વિષાદ પણ હતો.

પાંદડું હોય કે માનવી ખરે પછી જ સડે

11267706_10205074809042573_1309709803_n

મિત્રો આપણે સ્કૂલમાં ભણતા ત્યારે ગુજરાતી વિષયમાં કોઈ પ્રખ્યાત લેખકની નવલકથાનું એકાદ પ્રકરણ હોય, કોઈ ટૂંકી વાર્તા કે કવિતા પાઠ રૂપે હોય. તે આપણે બધા ભણતા. લેખક તો જે કહેવા માગતાં હોય તે વાત જુદી છે પણ શિક્ષકશ્રી પોતાની માનસિકતા મુજબ એના અર્થ સમજાવતા. એનો એકાદ ફકરો કે અમુક પંક્તિઓ મુકીને પૂર્વાપર સંબંધ આપી સમજાવો તેવા પ્રશ્નો પરિક્ષામાં પુછાતાં.. સ્કૂલમાં હતો ત્યાં સુધી ગુજરાતીના વિષયમાં મારા સૌથી વધુ માર્ક્સ વર્ગમાં આવતા. પરીક્ષાના પરિણામો લઈ ક્લાસ ટીચર આવે અને કયા વિષયમાં કયા વિધાર્થીના હાઈએસ્ટ માર્ક્સ આવ્યા તે સૌથી પહેલા જણાવતા. ગુજરાતી અને ઈતિહાસ વિષય આવે એટલે શિક્ષક બોલે તે પહેલા બીજા મિત્રો રાઓલ રાઓલ એમ બોલી ઉઠતા.

 

 

આજે ફરી તે દિવસો યાદ આવ્યા છે. ચાલો આપણે સહુ સ્કૂલનાં દિવસો ફરી પાછા માણીએ.

ઉપર આપણા ગુજરાતના બહુ સારા ચિંતક ગણાતા પદ્મશ્રી એવોર્ડ મેળવનાર લેખક શ્રી ગુણવંત શાહની રચના છે. એના ઉપર વિથ રીસ્પેક્ટ ટિપ્પણી કરવી છે. ટિપ્પણી એટલે નકારાત્મક ટીકાનાં અર્થમાં લેવું નહિ. કારણ ટીકા એટલે આપણે નકારાત્મક જે તે વિષયનો વિરોધ જ સમજી બેઠાં છીએ. ટીકા કે ટીપ્પણી નો અર્થ એવો થાય કે લેખક જે સમજતા હોય, મારી સમજ પ્રમાણે અર્થ આવો છે. એમાં લેખકનાં અર્થ સાથે સહમતી પણ હોય અને અસહમતી પણ હોઈ શકે. લેખકના અમુક અર્થ સાથે સહમતી સાથે અમુક અર્થ સાથે અસહમતી પણ હોઈ શકે. ચાલો હવે ઉપરની રચના માટે મારી ટીપ્પણી.

“પાંદડું ખરી પડે પછી સડે છે,

પુષ્પ ખરી પડે પછી સડે છે.”

બરોબર છે. ખરી પડવું મતલબ મૃત્યુ. પાંદડું અને પુષ્પ ખરી પડે મતલબ એના મૂળિયાથી જુદા પડ્યા અને ખરી પડ્યા મતલબ હવે એમનો જીવનકાળ પૂરો થયો પછી કુદરતના રીવાજ મુજબ સડી જઈને રિસાયકલ થઈ જવાનું મતલબ પંચમહાભૂતમાં મળી જવાનું. દરેક વસ્તુ રિસાયકલ થઈ જાય તે કુદરતની મહત્વની પ્રક્રિયા છે. કોઈ વહેલી થાય કોઈ મોડી પણ રિસાયકલ તો થઈ જ જાય. ફન્ગાઈ જેને આપણે ફૂગ કહીએ છીએ તે ઝાડપાન, લાકડાનું રિસાયકલ કરી નાખે છે. જીવજંતુ, પ્રાણીઓ એમાં મનુષ્યો પણ આવી જાય તેમના મૃતદેહમાં કીડા પડી સડી જાય છે અને તેનું રિસાયકલ થઇ જાય છે. મતલબ મૃત્યુ પછીની પ્રક્રિયા છે સડવાનું. આપણે મનુષ્યોએ આપણા મૃતદેહોની નિકાલ વ્યવસ્થા શોધી કાઢી છે. માટે સડવાની પ્રક્રિયા દેખાતી નથી. છતાં કોઈ કારણસર લાશ પડી રહે તો એમાં કીડા પડી જાય છે તે હકીકત છે.

“માણસ સડી જાય પછી ખરે છે આવું શા માટે?”

આમ તો ખોટી વાત છે. માણસ પણ ખરી જાય, મૃત્યુ પામે પછી જ સડે છે, જો તમે બાળો કે દાટો નહિ તો. જો કે દાટો ત્યારે સડે જ છે પણ જમીનની અંદર હોવાથી દેખાય નહિ તે વાત જુદી છે. કદાચ શાહ સાહેબે ભાવનાત્મક રીતે લખ્યું હશે કે માણસ મનથી સડી જાય પછી ખરે છે. બાકી પુષ્પ, પાંદડું અને માનવી બધા પહેલા કમજોર પડે છે, કરમાઈ જાય છે. માનવી વૃદ્ધ બને છે તે પણ કરમાઈ જાય છે. પછી બધા ખરી પડે છે અને પછી સડી જઈને રિસાયકલ થઇ જાય છે. માનવી વૃદ્ધ બનતા મનથી કમજોર પડી જાય, શરીરથી કમજોર પડી જાય તેમ પુષ્પ અને પાંદડું પણ કમજોર પડે જ છે. રમણ પાઠક જેવા માનવીઓ મનથી પણ કદી કમજોર પડતા નથી. ઘણીવાર સારા વિદ્વાન લેખકો સારા Quote કોટ લખવાની લ્હાયમાં અવાસ્તવિક વાતો લખી નાખતા હોઈ શકે છે. માનસિક રીતે સડેલો માનવી તો જુવાનીથી જ સડેલો હોય છે. ઘરડો થાય પછી સડે તે વાતમાં માલ નથી. અને શારીરિક રીતે માનવી ઘરડો થાય એટલે કમજોર પડે પણ સડવાની પ્રક્રિયા તો મૃત્યુ પછી જ જૈવિક રીતે થાય. એટલે માણસ સડી જાય પછી ખરે છે તેવું નથી હોતું માણસ પણ પાંદડાંની જેમ ખરી પડે પછી જ સડતો હોય છે.

“હે પ્રભુ !

સ્વજનો મારી દયા ખાય તે પહેલાં તું મારી એક દયા કરજે. જીવનને સમજવામાં હું ભલે મોડો પડ્યો પરંતુ મૃત્યુને પામવામાં મોડો ન પડું એટલી કૃપા કરજે.”

સ્વજનોનું એક કામ તો મુખ્ય જ હોય છે કે આપણી દયા ખાવી. એટલે એ બધી ચિંતા કરી શું કામ દુબળા થવું? જીવન બહુ જટિલ વસ્તુ છે. આપણા બ્રેન બહારની અમુક બાબતો હોય છે. એટલે જીવનને સમજવામાં મોડા પડવું તે સ્વાભાવિક છે. ભલા ભલા કહેવાતા જ્ઞાનીઓ જીવનના ચક્કરને સમજી શકતા નથી. ભલે મોડા પડ્યા, સમજ્યા છો એવું લાગતું હોય તો પણ બહુ કહેવાય. અને મૃત્યુ તો એના સમયે જ આવશે. એક બહુ મહત્વની વાત છે હું તો નાસ્તિક છું પ્રભુ વગેરેમાં માનતો નથી પણ તમે માનતા હો તો પ્રભુ જો ખરેખર એના ગુણોમાં અસ્તિત્વ ધરાવતો હોય તો તે કદી કોઈના ઉપર કૃપા કરે નહિ, ક્રુરતા પણ કરે નહિ. પ્રભુ નાં તો દયાળુ છે નાં ક્રૂર છે. પ્રભુ મારી ફેવર કરે અને મારી ફેવર કરવા જતા તમારી ફેવર નાં કરે તો તે પ્રભુની વ્યાખ્યામાં આવે જ નહિ. આવો પ્રભુ મને તો માન્ય નથી. એટલે શાહ સાહેબ તમારો પ્રભુ તમારી મદદમાં આવવાનો નથી કે કૃપા કરવાનો નથી.

જેમ ઉંમર થવા લાગે તેમ મોત પ્રત્યે જાગૃતિ વધતી જતી હોય છે. બક્ષીબાબુ પણ પાછલી અવસ્થામાં મોત વિષે ખૂબ લખ્યા કરતા હતા. કારણ હવે આગળ કોઈ ભવિષ્ય બચ્યું નથી, સિવાય મોત. તો લખો પછી મોત વિષે. ઘણા આખી જીંદગી નાસ્તિક રહેલા મિત્રો પણ વૃદ્ધાવસ્થામાં આગળ મોત દેખાય એટલે આસ્તિક બની જતા હોય છે. ગરુડે ચડેલો ભગવાન દેખાતો હોય છે. ભક્તિભાવ, ધ્યાન, યોગ સાધનામાં પડી જતા હોય છે.

સૌથી મોટો જો કોઈ ભય હોય તો તે મોતનો છે. એ ભય દૂર કરવા અથવા મોતને જસ્ટીફાઈ કરવા ગીતા વાંચવાનું શરુ થાય છે. नैनं छिन्दन्ति शस्त्राणि રટવાનું શરુ થાય છે. એક આશ્વાસન કે મારો આત્મા તો મરવાનો નથી, ખાલી વસ્ત્રોની જેમ શરીર બદલવાનું છે. મર્યા પછી શું થાય છે કોઈને ખબર નથી.

“સાંજ પડે સૂરજ આથમી જાય તેમ આથમી જવા ઈચ્છું છું. હું સડી જાઉં તે પહેલાં ખરી પડવા ઈચ્છું છું.”

આમાં કાઈ નવું નથી. સૂરજ આથમે છે તેમ બધાં આથમે જ છે. કહીએ કે ના કહીએ. સડવાને જો કમજોર પડવું કહેતા હોવ તો તે તમે પડી ચૂક્યા છો કારણ મોતની વાતો કરવા માંડ્યા છો.

મિત્રો પદ્મશ્રી ગુણવંત શાહને મેં ખૂબ વાંચ્યા છે. એમની ‘વિચારોના વૃન્દાવનમાં’ મારી પ્રિય કોલમ હતી. હવે તો એમનો ઉલ્લેખ નાં હોય છતાં એમનું લખાણ વાંચું એટલે ખબર પડી જાય કે આ શાહ સાહેબે જ લખેલું છે. ઘણા એમને સાહિત્યકાર માનવા તૈયાર નથી. કોલમિસ્ટ કે સ્તંભ લેખક તરીકે જ માને છે. ગુજરાતી સાહિત્ય સભા દ્વારા સ્થાપિત અને ગુજરાતી સાહિત્યમાં સૌથી ઉચ્ચ ગણાતો રણજીતરામ સુવર્ણ ચંદ્રક તેઓને ૧૯૯૭માં મળ્યો હતો. મને એમની આત્મકથા ‘બિલ્લો ટિલ્લો ટચ’ બહુ ગમી હતી. જોકે બહું વહેલી લખી નાખી હોય તેવું લાગ્યું હતું.  A1U1E7WLk8L

 

 

કાબે અર્જુન લુટીયો વોહી ધનુષ વોહી બાણ

કાબે અર્જુન લુટીયો વોહી ધનુષ વોહી બાણuntitled

 

સમય સમય બલવાન, નહિ મનુષ્ય બલવાન કાબે અર્જુન લુટીયો, વહી ધનુષ વહી બાણ.

યાદવોનો અંદરોઅંદર લડીને સર્વનાશ થઈ ચૂક્યો હતો. અર્જુનને સમાચાર મળી ચૂક્યા હતા. અર્જુન પુરપાટ એના પ્રિય સખા કૃષ્ણને મળવા દ્વારકા તરફ ધસી રહ્યો હતો. રસ્તામાં અંદરોઅંદર લડાવી મારવાની માનસિકતા કહેવાય તેવા નારદજી મળ્યા. એમણે અર્જુનને ચેતવ્યો હતો કે કાલે કૃષ્ણ મળે તો સ્પર્શ કરતો નહિ પછી કહેતો નહિ કે તને ચેતવ્યો નહિ, જો કૃષ્ણને સ્પર્શ કરીશ તો એવું બનશે કે મહાન ભારતવર્ષની મહાન જાતિ હમેશાં તને યાદ કરશે, ૫૦૦૦ વર્ષ પછી કેજરીવાલ નામનો આમ આદમી મહાન ભારતીયોનું અસ્પૃશ્ય(સફાઈમાં શરમ)રહેલું ઝાડુ હાથમાં લઈને કોઈ મહારથીને હરાવશે ત્યારે તારું નામ શરમજનક સ્થિતિમાં લેવામાં આવશે.

નારદ તો સુચના આપી જતા રહ્યા. અર્જુન ભાગ્યો, એના પ્રિય સખા, ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ મુશ્કેલીમાં હતા. એક વૃક્ષ નીચે પગમાં કોઈ અજાણ્યા શિકારીએ ભવિષ્યના ભગવાનને પશુ સમજી પગમાં મારેલા બાણને લીધે અત્યંત લોહી વહી જવાથી મરણતોલ હાલતમાં હતા. ભવિષ્યમાં અજરાઅમર તરીકે લાખો વર્ષ પૂજાતા રહેવાના હતા, પણ હાલ મરણાસન્ન હતા તેવા કૃષ્ણને મળવા અર્જુન આતુર હતો. આ અર્જુન મહાભારતનો અદ્વિતીય અજેય યોદ્ધો, એના સારથિ સલાહકાર કૃષ્ણ જેના લીધે, જેમની વાતો લખીને ભારતને ભવિષ્યમાં ૫૦૦૦ વર્ષ પછી પણ મહાન પદ્મશ્રી એવોર્ડ વિજેતા તત્ત્વચિંતકો મળવાના હતા, એ કૃષ્ણને છેલ્લી વાર મળવા દોટ મૂકી રહ્યો હતો.

કૃષ્ણ ઘાયલ પગને બીજા પગ પર ચડાવીને વૃક્ષ નીચે બેઠા હતા. સર્જરી કરીને ટાંકા લઈને બચાવી લે તેવા શુશ્રુતને જન્મ લેવાને હજુ ઘણી વાર હતી. કૃષ્ણ અર્જુનને જોઈ હરખાઈ ગયા કહે મને છેલીવાર સરસ મજાનું હગ(આલિંગન) આપી દે. અર્જુનને નારદની સૂચના યાદ હતી તેણે સ્પર્શ કરવાની એજ યુજુઅલ ભારતીયની જેમ ના પાડી દીધી ભવિષ્યમાં તો ભવિષ્યમાં પણ બદનામ થવાનું ના પાલવે. કૃષ્ણ પણ ચાલાક હતા કહે કોઈ વાંધો નહિ ખાલી તારા બાણ વડે મારા આ ‘ઘા’ ને જરા ખોતરી આપ બહુ ખંજવાળ આવે છે. અર્જુનને થયું ક્યા જાતે સ્પર્શ કરવાનો છે? એના બાણ વડે પારધી વડે કરાયેલા ઘા ને ખોતરી આપ્યો. બસ એટલામાં કૃષ્ણ એમની રમત રમી ગયા.

યાદવોનો એડલ્ટ પુરુષવર્ગ તો નાશ પામી ચૂક્યો હતો. બાળકો અને યાદવોની વિધવાઓને લઈને અર્જુન હસ્તિનાપુર તરફ જઈ રહ્યો હતો. એનું અજેય ગાંડીવ એની પાસે હતું. પણ રસ્તામાં કાબા જાતિના લુટારુ મળી ગયા અને અર્જુનને લુટી ગયા. કહેવાય છે બાણ વડે કૃષ્ણના ઘાવને ખોતરતા માયાવી કૃષ્ણે અર્જુનના બાણમાંથી રહસ્યમય શક્તિઓ શોષી લીધી હતી હવે બાણ કોઈ કામનું રહ્યું નહોતું. સમય બળવાન છે માણસ નહિ. કૃષ્ણની આ શીખ આપણે હજુ યાદ રાખતા નથી.

કાબાનો તળપદી ભાષામાં એક અર્થ ચતુર પણ થાય છે. નરેન્દ્ર મોદી રાજકારણમાં કાબો ગણાય છે તો અર્જુને કાબાને પછાડ્યો કે તુચ્છ ગણાતા એવા કાબા કેજરીવાલે મોદી જેવા મહારથી અર્જુનને લુટી લીધો દિલ્હીની ચૂંટણીમાં કહેવું મુશ્કેલ છે. પણ એક વાત ચોક્કસ છે કે હવે જનતા બહુ હોશિયાર થઇ ગઈ છે, તમારી રેલીઓમાં આવશે, તમારો દારુ પી જશે, તમારી વહેચેલી ભેટ સોગાદો ખાઈ જશે પણ વોટ તો એના ગમતાને જ આપશે. હું તો કાયમ લખતો હોઉં છું કે તમારા ન્યુરોન્સ ઉપયોગમાં લો, એને જાગૃત કરો આ નેતાઓ વચનો આપે તેના પર ભરોસો કરશો નહિ, એ પછી કેજરીવાલ હોય કે મોદી.

કાળા નાણા અને ભ્રષ્ટાચારને મુદ્દે તમામ નેતાઓ વચનો આપતા હોય છે. પણ પ્રજાએ સમજી લેવું જોઈએ કે આ ઠાલાં વચનો જ છે. કરપ્શન આપણી સંસ્કૃતિ છે. કરપ્શન ઈઝ સર્ક્યુલેટેડ ઇન અવર બ્લડ. મને મારું કરપ્શન જરાય દેખાય નહિ સામેવાળાનું જ દેખાય તે હકીકત છે. સવારે પહેલા ઉઠીને ભગવાન સામે પ્રસાદ ચડાવી પ્રાર્થના કરીને આપણા ભ્રષ્ટાચારની શુભ સવાર શરુ થાય છે ત્યાં દેશમાંથી કરપ્શન દૂર કરવાની કે થવાની આશા રાખશો જ નહિ અને એવી આશા કોઈ બંધાવે તો માનશો જ નહિ. આમ આદમીથી માંડીને અંબાની સુધીના આપણે સહુ કરપ્શનમાં રચ્યા પચ્યા જ રહીએ છીએ. કરપ્શનનો એક જ ઉપાય છે તેને કાયદેસર બનાવી દો.

મોદી બહુ સારા રાજકારણી છે, હવે સારા રાજકારણીની વ્યાખ્યા દરેકની અલગ હોય તે વાત જુદી છે. પ્રેમ અને યુદ્ધમાં બધું વાજબી છે એ મુજબ ચૂંટણી જીતવી એક જાતનું યુદ્ધ જ છે. અને એ યુદ્ધ જીતવા બધા રાજકારણીઓ બધું ગેરવાજબી કરતા હોય છે, જે વાજબી ગણાતું હોય છે. પણ દરેકની એક લીમીટ હોય તેમ ગેરવાજબી કરવાની પણ એક લીમીટ હોય. ભાજપને અઢળક વોટ મળ્યા તેમાં ભાજપની સફળતા કરતા કોંગ્રેસની નિષ્ફળતા વધુ કામ કરી ગઈ હતી. પ્રજાને કોઈ વિકલ્પ જોઈતો હતો અને અને ભાજપા સિવાય બીજો કોઈ વિકલ્પ જડતો નહોતો. એમાં મોદીના કરિશ્મા કરતા કરિશ્મા ગુમાવી ચૂકેલી કોંગ્રેસની નેતાગીરી વધુ જવાબદાર હતી.

પક્ષ મહાન એના કાર્યકરોથી હોય છે. આખી જીંદગી જાત ઘસી નાખી હોય પક્ષ માટે એવા પક્ષના નિષ્ઠાવાન પાયાના કાર્યકરો અને પાયાના નેતાઓની અવગણના કરવી અને કદી વફાદાર રહેવાના નાં હોય એવા પાટલી બદલુઓને ફક્ત ચૂંટણી જીતવાનો એજન્ડા લક્ષમાં રાખી માથે ચડાવીએ તો લાંબા ગાળે બહુ મોટું નુકશાન કરે જ. જેમ સારો અર્થશાસ્ત્રી સારો વડાપ્રધાન સાબિત થતો નથી તેમ સારી પોલીસ ઓફિસર ચૂંટણીજીતું સાબિત થાય તે જરૂરી નહોતું. કિરણ બેદી જરૂર સારું કામ કરી શક્યા હોત પણ સારું કામ કરવા માટે સત્તા પર આવવું પણ જરૂરી હતું. અને તે માટે ચૂંટણી જીતવું જરૂરી હતું. આખી જીંદગી ઉચ્ચ પોલીસ ઓફિસર તરીકે કામ કર્યું હોય એટલે સ્વાભાવિક તોછડાઈ અને આપખુદ હોય. મોદી ભલે ભાષણો કરતા અતિશય નમ્ર લાગતા હોય એમની તોછડાઈ અને આપખુદ વલણ તો એમની સાથે રોજ કામ કરતા લોકોને જ ખબર હશે. પણ તે ગ્રેટ અભિનેતા છે. અને એ પણ હકીકત છે કે આપખુદ બન્યા વગર નીચેના માણસો પાસે તમે જરૂરી કામ લઈ પણ નાં શકો.

ખેર! અમે નાના હતા ત્યારે ઉતરાણ ઉપર હું જોતો કે અમુક પતંગ આકાશમાં એટલા બધા ઉંચે હોય કે કપાયા પછી વધુ ને વધુ ઉપર જતા હોય. અમારો મિત્ર રાજુ બ્રહ્મભટ્ટ કહેતો કે આ પતંગ બીનહવામાં જાય છે. મતલબ હવા નાં હોય તેવા આકાશના ઉપરના ભાગે જતો જાય છે. હવે ભાગ્યેજ ધરતી પર પાછો આવે. એટલે પતંગ એટલો બધો દોર છોડીને ઉંચો ચગાવવો નહિ કે કપાયા પછી બીનહવામાં જતો રહે. પ્રજાએ વોટ આપ્યા છે છાપરે ચડી પતંગ બીનહવામાં ચગાવવા માટે નહિ. પ્રજાએ વોટ આપ્યા છે ધરતી સાથે જોડાયેલા રહીને આમ આદમીના કામ કરવા માટે, આમ આદમીની વ્યથા સમજી એમને જીવવા સહારો આપવા માટે.

આમ આદમીનું કામ કરવા થોડા વિશિષ્ટ આદમી બનવું જરૂરી છે. આશા રાખીએ મોદી જરા છાપરેથી નીચા ઊતરે અને કેજરીવાલ થોડા વિશિષ્ટ બને. બંને માટે ભારતની જનતાને બહુ મોટી આશાઓ છે. એમાં બંને ખરા ઊતરે તેવી શુભેચ્છાઓ..

કાળા મરી: ભક્તિસંપ્રદાયે ભારતની ઘોર ખોદી છે. કોઈના પ્રશંસક બનવું જરાય ખોટું નથી પણ ભક્ત અને તે પણ અંધ ભક્ત બનવું તે ભક્ત અને એના ભગવાન બંને માટે નુકશાનકારક છે.

 

નવમું સાહિત્ય સંમેલન ન્યુ જર્સી યુ.એસ.એ.

photo3

નવમું સાહિત્ય સંમેલન ન્યુ જર્સી યુ.એસ.એ.

ગુજરાતી લિટરરી ઍકેડેમી ઑફ નોર્થ અમેરિકા તરફથી ઈ-મેલ તો આવી જ ગઈ હતી કે શુક્ર-શનિ-રવિ, ૧૨-૧૩-૧૪ સપ્ટેમ્બર, ૨૦૧૪ સાહિત્ય સંમેલન રાખવામાં આવ્યું છે. હાજર રહેવું હોય તો રજીસ્ટ્રેશન કરાવવાનું હતું પણ થાય છે હજુ વાર છે વિચારી આગળ વધેલો નહિ. વડીલ મિત્ર સુબોધ શાહ એકવાર મળ્યા તો મને પૂછ્યું. તમે સાહિત્ય સંમેલનમાં આવવાના છો ? મેં કહ્યું હા, પણ હજુ રજીસ્ટ્રેશન કરાવ્યું નથી.

untitled=-0બીજા દિવસે એની જૂની ઈમેલ ખોલી જરૂરી ફોર્મ કાઢી તે વિધિ પતાવી દીધી. આ વખતના સાહિત્ય સંમેલનમાં મુખ્ય હીરો હતા સમર્થ સાહિત્યકાર સ્વ. શ્રી મનુભાઈ પંચોળી જેમને આપણે સાહિત્યપ્રેમીઓ “દર્શક” નામથી ઓળખીએ છીએ. આ વર્ષ શ્રી મનુભાઈ પંચોળી જન્મશતાબ્દી તરીકે ઉજવાય છે. દર્શક નામ પડતા માનસપટલ ઉપર પહેલા શબ્દો ઉભરી આવે ‘ઝેર તો પીધા છે જાણી જાણી ‘. દર્શક વિષે બોલવાનું હોય એટલે એમના શિષ્ય કે અંતેવાસી સિવાય વધુ સારું કોણ બોલી શકે ? લેખક, શિક્ષણવિદ, ગાંધીમાંર્ગી વિચારક, દર્શકની સ્થાપેલી પ્રખ્યાત સંસ્થા લોકભારતીમાંથી સ્નાતક, અધ્યાપક અને લોકભારતીના આચાર્ય રહી ચુકેલા શ્રી. મનસુખ સલ્લા મુખ્ય મહેમાન હતા.photo6

નવી પેઢીના યુવાનો માટે ખાસ ટૂંકમાં લખું તો દર્શક ૧૫ ઓક્ટોબર ૧૯૧૪માં જન્મેલા મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના હતા. સ્વાતંત્ર્યસેનાની હતા. ભારત છોડો આંદોલન વખતે જેલમાં જઈ આવેલા હતા. જુના ભાવનગર રાજમાં શિક્ષણ મંત્રી હતા. ૧૯૬૭ થી ૧૯૭૧ સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે પણ રહેલા. ૧૯૭૫માં ઈમરજન્સી વખતે વળી પાછા સ્વતંત્ર ભારતમાં ફરી જેલમાં ગયેલા. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહેલા. ૧૯૫૩માં સણોસરામાં સ્થાપેલી લોકભારતી ગ્રામવિદ્યાપીઠ એમનું વહાલું સંતાન કહેવાય. ૨૯ ઓગસ્ટ ૨૦૦૧માં ત્યાં જ એમણે દેહ પણ મૂક્યો. દર્શક એક સમર્થ સાહિત્યકાર સાથે રાજકારણી પણ હતા. રણજીતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમી એવોર્ડ, ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર, જમનાલાલ બજાજ એવોર્ડ, સરસ્વતી સન્માન અને છેવટે પદ્મભૂષણ આ બધું એમને પ્રાપ્ત થઈ ચૂક્યું હતું. બીજું બધું છોડો પણ દર્શક નામ પડે એટલે લોકભારતી, સૉક્રેટિસ અને ઝેર તો પીધા છે જાણી જાણી આટલું તો યાદ આવી જ જાય.

DSCF0092સુનીલ નાયકની ભવ્ય હોટેલ ‘ક્રાઉન પ્લાઝા પ્રિન્સ્ટન’ ગામ પ્લેઈન્સ બોરોમાં આવેલી છે ત્યાં આ સંમેલન રાખવામાં આવેલું હતું. શુક્રવારે સાંજે શરુ થઈ, શનિવારે આખો દિવસ અને રવિવારે બપોરે ત્રણેક વાગે સમાપન હતું. નેવિગેશન પ્રમાણે છેક હોટેલ આગળ પહોંચી ગયો ને ભૂલો પડ્યો. ગંતવ્ય સ્થાને પહોચીને ભૂલા પડવું કેવું કહેવાય ? મેઈન રોડ થી એક મિનીટ પણ નાં થાય એટલે દૂર હતી હોટેલ પણ દેખાઈ જ નહિ.. એનુ મૂળ કારણ અહીં કારણ વગર વૃક્ષો કાપતા નથી. જો કે થોડું આગળ પાછળ ડ્રાઈવ કર્યું ને હોટેલ દેખાણી. પાર્કિંગમાં જ મોટાભાઈ જેવા લાગણીશીલ નવનીત શાહ અને એન્જીનિયર એવા કવિ વિરાફ કાપડિયા મળી ગયા. વિરાફ કાપડિયાને હું ભૂલમાં વિરાટ કાપડિયા કહેતો હતો, આ મૃદુભાષી પારસી જેન્ટલમૅન  બહુ સરસ કવિતાઓ લખે છે. ચાપાણી નાસ્તા પછી સમારોહ શરુ થયો. દીપ પ્રગટાવી આવા સમારંભોનું ઉદ્ઘાટન કરવાની આપણી પરમ્પરા છે. એમાં કોઈ પ્રયોગાત્મક કામ થાય એવું લાગતું નથી. વડીલ મિત્ર સુબોધ શાહ સાથે અમે પણ બેઠક જમાવી હતી. સુબોધ શાહ મુંબઈ યુનિના એન્જીનિયર, સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજીમાં કવિતાઓ લખે છે. ‘કલ્ચર કેન કિલ’ નામનું જબરદસ્ત પુસ્તક અંગ્રેજીમાં એમણે લખેલું છે.

ઍકેડેમીનાં પ્રમુખ શ્રી રામ ગઢવીએ એમની હળવી રમૂજી શૈલીમાં બધાનું સ્વાગત કર્યું. ત્યાર પછી ગુજરાતી લિટરરી ઍકેડેમી ઑફ નોર્થ અમેરિકા તરફથી અમેરિકામાં રહીને ઉત્કૃષ્ઠ સર્જન કરતા સાહિત્યકારોનું બહુમાન કરતા કેટલાક પારિતોષિકો અપાય છે તે પ્રસંગ ઉજવાયો. ઍકેડેમી તરફથી ડૉ નવીન મહેતાના સૌજન્યથી એમના પિતાશ્રીની યાદમાં શ્રી ચુનીલાલ વેલજી મહેતા પારિતોષિક અપાય છે. ૧૦૦૦ ડોલરનું આ પારિતોષિક આજ સુધીમાં શ્રી. મધુ રાય, શ્રી પન્ના નાયક, શ્રી. આદીલ મન્સૂરી, શ્રી પ્રીતિ સેનગુપ્તા, ડૉ. અશરફ ડબાવાલા, શ્રી. આનંદ રાવ અને શ્રી. બાબુ સુથારને મળી ચૂક્યું છે. આ વર્ષનું આ પારિતોષિક હાસ્યલેખક શ્રી. હરનીશ જાનીને મળ્યું.DSCF0243

શ્રી. રમેશ પારેખ પારિતોષિક શ્રી. કેની દેસાઈના સૌજન્યથી અપાય છે. શ્રી. ચંદ્રકાંત શાહ, શ્રી. વિરાફ કાપડિયા અને શ્રી. શકૂર સરવૈયા ને આજ સુધીમાં આ પારિતોષિક મળી ચુક્યું છે. જ્યારે આ વર્ષનું આ પારિતોષિક ડૉ. નટવર ગાંધીને મળે છે. આ વર્ષે જ શરુ થયેલું ટી.વી. એશિયા પારિતોષિક ટીવી એશિયાના CEO શ્રી. એચ. આર. શાહના સૌજન્યથી અપાયું. ગુજરાતી કુટુંબમાં જન્મેલા હોવા છતાં બીજી કોઇપણ ભાષામાં લખતા હોનહાર ગુજરાતીઓ માટે આ પારિતોષિક શરુ કરાયું છે. આ પારીતોષિકના સર્વપ્રથમ વિજેતા “Maximum City : Bombay Lost and Found” નાં લેખક શ્રી. સુકેતુ મહેતા છે. સુકેતુ અંગ્રેજીમાં લખે છે.

કવિતાને જીવતી રાખવી હોય તો એને સંગીત વડે મઢી દો. વ્યવસાયે વકીલ એવા અમર ભટ્ટ ગુજરાતી કવિતાઓને સંગીતે મઢવાનું ઉમદા કામ કરી રહ્યા છે. રાત્રે સાડા નવે અમર ભટ્ટનો સંગીત સમારંભ શરુ થયો. વાંચવામાં નીરસ લાગતી કવિતાઓ પણ સંગીતના સુરે રસિક બની જતી હોય છે. એમાય કંઠ ભળ્યો ડૉ. દર્શના ઝાલા, કૃશાનું મજમુંદાર, ફોરમ શાહ, જયેશ શાહ અને અમર ભટ્ટ વગેરેનો પછી એમાં કાઈ પૂછવા જેવું હોય નહિ. રાત્રે મોડો આ કાર્યક્રમ પૂરો થયો. જય વસાવડા ન્યુયોર્ક અને લીબર્ટી સ્ટેચ્યુની મુલાકાત લઈને આવી પહોંચ્યા હતા. ભારતથી આવેલા મહેમાનોને આજ હોટેલમાં રૂમો અપાઈ હતી. ન્યુ જર્સી સિવાય અન્ય સ્થળે અમેરિકામાં વસવાટ કરતા સાહિત્યપ્રેમી મિત્રોને આ હોટેલમાં રહેવું હોય તો ઓછા ભાવે રૂમો આપવામાં આવી હતી. વૈચારિક આદાનપ્રદાન કરવાનો આ ઉત્તમ મોકો હતો. જયભાઈ જોડે થોડી વાતચીત કરી હું પણ ઘેર જવા રવાના થયો, કારણ સવારે વહેલું આવવાનું હતું.

દર્શક
દર્શક

શનિવારે સ્વાગત ઉદબોધન પછી તરત ‘દર્શક’: મહામના સર્જક, પ્રાજ્ઞ ચિંતક અન્વયે મુખ્ય મહેમાન શ્રી. મનસુખ સલ્લા સાહેબનું સુંદર વ્યાખ્યાન હતું. એમણે દર્શક વિષે ખુબ વાતો કરી. દર્શકના ચિંતન વિષે ઘણું જાણવા મળ્યું. દર્શક એક નેતા હતા છતાં એક સાહિત્યકાર પણ હતા. આવું કૉમ્બિનેશન બહુ ઓછું જોવા મળતું હોય છે. શિક્ષણ ક્ષેત્રે પણ એમનું બહુ મોટું પ્રદાન હતું. દર્શકનો વાંચન પ્રેમ પણ અદ્વિતીય હતો. દર્શક એકવાર કલકત્તા ગયેલા. ત્યાં લાયબ્રેરીમાં એમને એક પુસ્તક વાંચવું હતું. પુસ્તક બહાર લઈ જવાની મનાઈ ફરમાવી તો બીજા મિત્રો કલકત્તા જોવા ગયા પણ દર્શકે તે પુસ્તક લાયબ્રેરીમાં બેઠા બેઠા જ વાંચી નાખ્યું. દર્શક કહે છે વાંચન પણ એક તપ છે. વાંચન વિષે આ વાક્યમાં બધું આવી ગયું તેવું મને લાગે છે.

મુખ્ય મહેમાનના ઉદબોધન અને એમની સાથેની પ્રશ્નોત્તરી પછી સાહિત્યની દુનિયા નામની પ્રથમ બેઠક શરુ થઈ એનું સંચાલન શ્રી. અશોક મેઘાણી કરી રહ્યા હતા. ‘વાર્તાઓનું અમરત્વ : શૃંગાર અને શૌર્ય’ વિષય લઈને બોલવા ઉભા થયા જય વસાવડા. બબ્બે વાક્યે તાળીઓ નાં પડાવે તો જય વસાવડા નાં કહેવાય. શૃંગાર અને શૌર્ય સાથે સાથે ચાલતા હોય છે. આમેય શુરવીરોને સ્ત્રીઓ પ્રથમ વરતી હોય છે તે હકીકત છે. શૌર્ય ઉપર સુંદરતા ઓળઘોળ થતી હોય છે. જય વસાવડાના પ્રવચનમાં એમનું વિશાળ અને વૈવિધ્યસભર વાંચન છલકાઈ ઉઠતું હોય છે. ત્યાર પછી શ્રી. સૌમ્ય જોશી એમની કવિતા લઈને આવ્યા. સૌમ્ય પણ એવો જ જબરદસ્ત સર્જક છે. એ કવિ, નાટ્યલેખક, દિગ્દર્શક, અભિનેતા, સંગીતકાર અને લટકામાં અંગ્રેજીનો પ્રોફેસર પણ છે. સૌમ્ય ખૂનમાં કલમ ઝબોળીને લખતો હોય તેવું લાગે છે. એની કવિતા મારફાડ હોય છે. ત્યાર પછી ફરી સૂર શબ્દનું સહિયારું કરતા અમર ભટ્ટે રંગ જમાવ્યો.

ભોજન પછી ફરી થી મુખ્ય મહેમાન શ્રી. મનસુખ સલ્લાનું પ્રવચન હતું વિષય હતો ‘સોક્રેટિસ’માં દર્શકનું જીવન દર્શન. ત્યાર પછી ગુજરાતથી untitled876આવેલા મહેમાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી. ધીરુ પરીખનું પ્રવચન હતું. ધીરુભાઈ કવિ, વાર્તાકાર, વિવેચક અત્યંત સફળ અધ્યાપક પણ ખરા. ‘કવિલોક’ અને ‘કુમાર’ બંનેનું તંત્રીપણું સાથે સંભાળતા. એમણે ગુજરાતી સાહિત્ય પરિષદની કામગીરી વર્ણવી. ત્યાર પછી શ્રી. બળવંત જાની  આવ્યા. બળવંત જાની જબરદસ્ત સંશોધક છે. લોકસાહિત્ય, ચારણીસાહિત્ય, સંતસાહિત્ય, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ડાયાસ્પોરા સાહિત્યના સંશોધક, વિવેચક તેમજ સંપાદક બળવંત જાનીના આ વિષયોના ૧૦૦ થી વધુ પુસ્તકો પ્રગટ થયા છે. ગુજરાત બહાર વિદેશોમાં ઘણા બધા ગુજરાતી સામયિકો પ્રગટ થતા હોય છે અને આ વિદેશી ગુજરાતી સામયિકોનું ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રદાન છે પણ તેની નોંધ ગુજરાતમાં લેવાતી નથી તે બહુ મોટી દુખદ વાત છે. બળવંત જાનીએ જણાવ્યું કે અમેરિકામાં ૨૦ જેટલા ગુજરાતી સામયિકો પ્રગટ થાય છે. ગુજરાત દર્પણ, સંધિ, ગુર્જરી, તિરંગા જેવા અનેક સામયિકો અહી પ્રગટ થાય છે. ત્યાર પછી વિદેશમાં ગુજરાતી સામયિક સંપાદન અને પ્રકાશન વખતે પડતી મુશ્કેલીઓ અને સમસ્યાઓની વાત લઈને શ્રી. બાબુ સુથાર અને શ્રી. કિશોર દેસાઈ આવ્યા. ડૉ. બાબુ સુથાર સંધિ સામાયિકના સંપાદક છે. યુની ઓફ પેન્સીલ્વેનીયામાં ભાષાશાસ્ત્રના અધ્યાપક એવા બાબુ સુથાર કવિ, વિવેચક, વાર્તાકાર, નવલકથાકાર અને ભાષાવિજ્ઞાની છે. આ બાબુભાઈ કોઈની સાડીબારી રાખે નહિ. ગમે તેવા મહારથી હોય બાબુભાઈ એની ભૂલ હોય તો બતાવ્યા વગર રહે નહિ. શ્રી. કિશોર દેસાઈ ઇલેક્ટ્રિક એન્જિનિયર હતા. ગુર્જરી ડાયજેસ્ટ’ ગુજરાતી ત્રૈમાસિક એમણે ૨૬ વર્ષ પહેલા શરુ કરેલું. એમણે બહુ ઉત્તમ વાત કહી કે ઊંચું સાહિત્ય વાચ્યા વગર ઉત્તમ લેખક બની શકાય નહિ. ત્યાર પછી આવ્યા ‘સંગીત શા માટે?’ વિષય લઈને શ્રી. વિરાફ કાપડિયા. ઈજનેરી કારકિર્દીમાંથી નિવૃત્ત થયેલા વિરાફ બહુ સરસ કવિ છે. વિરાફ નિબંધ લખે પણ એમાં કવિતા છલકાયા વગર રહે નહિ. નિબંધ વાંચે તો એમાં પણ કવિતાનો લય રેલાય.

રાત્રી ભોજન બાદ સૌમ્ય જોશી અને જિજ્ઞા વ્યાસે તો તોડી નાંખ્યાં તબલા ને ફોડી નાખી પેટી જેવું કર્યું. એટલો બધો જલસો કરાવી દીધો કે નાં પૂછો વાત. આ અભિનયમાં સમર્થ બેલડીએ અભિનય સાથે કેટલાક સંવાદો વાંચીને શ્રોતાઓને રસમાં તરબોળ કરી નાંખ્યાં. જિજ્ઞા વ્યાસે સરસ એકોક્તિ રજુ કરી. પછી એમના એક નાટકનો એક અંશ પ્રસ્તુત કરી એટલા બધા હસાવ્યા કે ના પૂછો વાત. એમની પ્રસ્તુતિ પૂરી થતા તો આખું ઓડીયન્સ ઊભું થઇ ને તાળીઓના ગડગડાટ કરવા લાગેલું.

photo16
જીજ્ઞા, સૌમ્ય, અમર ભટ્ટ , જય

સૌમ્ય મનસુખ સલ્લા, લોહીથી લથપથ કવિતા કરતો સૌમ્ય, હસતા હસતા લાફા ઝીંકતી જિજ્ઞા, જય હો જય વસાવડા, વિરાટ કવિ વિરાફ કાપડિયા, અગસ્ત્ય અમર ભટ્ટ, મિલાપનાં મહારથી મહેન્દ્ર મેઘાણી, અહર્નિશ હસાવતા હરનીશ, રમૂજી રામભાઈ, અમેરિકન મીરાંબાઈ પન્ના નાયક, સોનેટ કિંગ નટવર ગાંધી આવા તો કાઈ કેટલાય મહાનુભવોને મળવાનું બન્યું એમના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું તે એક ચિરસ્મરણીય ઘટના બની રહેવાની છે.

રવિવારે ઍકેડેમીના સભ્યોની સભા હતી. પછી સ્થાનિક સર્જકોને એમની કૃતિઓ વાંચવા મળવાની હતી. એનું સંચાલન શ્રી. અશોક વિદ્વાંસનાં હાથમાં હતું. બધા પોતપોતાની કવિતાઓ, ટૂંકી વાર્તાઓ, હાયકુ વગેરે રજુ કરતા હતા. મારો પણ વારો હતો. મેં સંઘર્ષ ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ વિષય પર મારો નિબંધ રજુ કરેલો. ઘણાના માથા ઉપરથી નીકળી ગયો તો ઘણાને ખુબ ગમ્યો. ભોજન દરમ્યાન એક જ ટેબલ પર વિરાફ કાપડિયા, નવનીતભાઈ, સુબોધભાઈ અને બાબુ સુથાર સાહેબ જેવાના સાંનિધ્યમાં બેસવાનું મળ્યું. આવા સમયે આપણે રામ ગુડ લિસનર બની ને બેસી રહેવામાં માનીએ છીએ. એનાથી ખુબ ફાયદો થાય છે. એક તો આપણું ડહાપણ ડહોળવાનું બંધ હોય એટલે વિદ્વાનોની વાતો સાંભળી એમાંથી મલાઈ તારવી લેવાની આવડત કેળવાય છે. ભોજન બાદ ગચ્છન્તિ કરવાનું હતું પણ જવાનું મન થતું નહોતું. ત્રણે દિવસ નવનીતભાઈ અને સુબોધભાઈની પ્રેમાળ કંપની મળી હતી. એટલે હજુ થોડું વધુ સાથે બેસીએ તેવું થયા કરતુ હતું. જયભાઈ પ્રિન્સ્ટન યુનિવર્સિટી જોવા ગયા હતા, જ્યાં આઇન્સ્ટાઇન પ્રોફેસર હતા. હોટેલથી આ યુની બહુ દૂર નહોતી. એમનો સમાન પણ સમેટવાનો હતો. અમે એમનાં આવવાની રાહ જોતા નીચે લોબીમાં બેઠા ગપાટા મારતા હતા. એવામાં જયભાઈ હાથમાં પુસ્તકોના થેલા લઈને આવ્યા. લેખકનો મુખ્ય ખોરાક પુસ્તકો હોય છે. લગભગ પચીસેક હજારના પુસ્તકો પ્રિન્સ્ટન યુનિવર્સીટીનાં બુક સ્ટોરમાંથી ખરીદી લાવ્યા હશે. ઉત્તમ અને વૈવિધ્યપૂર્ણ પુસ્તકો વાંચવા તે એક ઉત્તમ લેખક માટે વસાણું છે. જય વસાવડાની અદ્વિતીય અને પ્રચંડ લોકપ્રિયતાનું રહસ્ય આ પુસ્તકોમાં રહેલું છે. તમે ગમે તેટલા સંવેદનશીલ હો, પણ એ સંવેદનાને યોગ્ય શબ્દોમાં ઢાળી નાં શકો તો સારા કવિ કે લેખક ક્યાંથી બનવાના હતા ?photo14

અશોક મેઘાણી
અશોક મેઘાણી

જયભાઈનો સામાન સમેટીને મારી કારમાં મુકતા મુકતા શ્રી અશોક મેઘાણી મળી ગયા. મને ખુબ અભિનંદન આપ્યા કે મારો લેખ એમને ખુબ ગમેલો. એમની નમ્રતા જુઓ કે તે પણ સમાન ઉચકીને ગોઠવવા લાગેલા. નવમું સાહિત્ય સંમેલન યાદગાર બની રહેવાનું હતું. છેલ્લે સુબોધભાઈ અને નવનીતભાઈ જેવા પ્રેમાળ મિત્રોને આવજો કહી જયભાઈને લઈ મેં કાર ઘર તરફ મારી મૂકી….

સમાપ્ત….

નોંધ : મિત્રો આ સાહિત્ય સંમેલનમાં મે મારો લેખ વાંચેલો તે તમારે વાંચવો હોય તો અહી ક્લિક કરો. “સંઘર્ષ ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ.”

તકલીફદેહી તહેવારો

તકલીફદેહી તહેવારોimagesF9MJY4ZL

 

તમે સવારે ઉઠો, નિત્યક્રમ પતાવો, કામ પર જાઓ, સાંજે પાછા આવો, ખાઈ પીને સુઈ જાઓ. બીજા દિવસે ફરી પાછું એજ રૂટીન. આ ઘરેડ કંટાળાજનક હોય છે. એકધારાપણું જીવનમાં બોરડમ લાવે છે. માણસનું મન હમેશા કઈક નવું શોધતું હોય છે. રોજ નવું કરવું તે પણ ઘરેડ બની જતા વાર લાગે નહિ. એટલે વરસમાં વચ્ચે વચ્ચે આવતા તહેવારો આ કંટાળાજનક ઘરેડને તોડી ને જીવનમાં ઉલ્લાસ લાવતા હોય છે. તહેવારો જરૂરી છે. મોટાભાગે તહેવારો સમુહે મેળવેલા કોઈ વિજયની યાદગાર ઉજવણી હોય છે. જુના વર્ષની વિદાય અને નવા વર્ષના આગમનની ઉજવણી હોય છે. હોળી જેવા તહેવાર શિયાળાની કાતિલ ઠંડીને વિદાય દેવાની રીતરસમ હોય છે. હોળી જેવા તહેવાર જુદા સ્વરૂપે બીજા દેશોમાં પણ ઉજવાય છે. એમાં સ્વાભાવિક પ્રહલાદ કે હોલીકાની ગેરહાજરી હોય છે. આમ વખતો વખત આવતા તહેવારો જીવનમાં ઉમંગ ઉત્સાહ અને આનંદ ભરી દેતા હોય છે.

પણ આપણે તહેવારોને તમાશા બનાવી દીધા છે. તહેવારોને ધર્મના બહાને તકલીફદેહી બનાવી દીધા છે. આપણું મનોરંજન બીજા માટે ત્રાસદાયક બની જાય તે સર્વથા અયોગ્ય જ કહેવાય. બે તહેવારો વચ્ચે એક પુરતો ગાળો હોવો જોઈએ એના બદલે તહેવારોની શ્રુંખલા એક પછી એક ચાલુ જ હોય છે. તહેવારોની શ્રુંખલા વધતી જાય એટલે ઘરેડ બનતા વાર લાગે નહિ. કંટાળાજનક ઘરેડમાંથી મુક્ત થવા રોજ નવું નવું શોધવાનું. હમણા ગણેશોત્સવ ચાલી રહ્યો છે તે હવેગણપતિ વિસર્જન સાથે પૂર્ણ થશે. અમે નાના હતા ત્યારે ગણપતિ ચતુર્થી આવીને જતી રહેતી ખબર પણ નહોતી પડતી. જન્માષ્ટમી નો મેળો માણી સીધી નવરાત્રી માનવતા. ગણેશોત્સવ મહારાષ્ટ્રમાં પણ એટલો પ્રાચીન નથી. હા લોકો એમના ઘેર ગણપતિ સ્થાપન જરૂર કરતા, પણ આવો જાહેર દેખાડો નહોતો. ગુજરાતમાં તો ઘેર ગણપતિ સ્થાપન પણ કોઈ નહોતું કરતુ. મહારાષ્ટ્રમાં લોકમાન્ય તિલકે આ જાહેર ઉત્સવ શરુ કરેલો ત્યારે એક જાતનું શક્તિ પ્રદર્શન જ હતું. ગુજરાતમાં ખાલી વડોદરા શહેરમાં જ ગણેશોત્સવ થતો હતો, કારણ મહારાષ્ટ્રમાં શરુ થયેલો આ ઉત્સવ મહારાષ્ટ્રિયન પ્રજા માટે ખાસ હતો અને વડોદરામાં મહારાષ્ટ્રિયન વસ્તી વધુ છે. જેમ કે ગુજરાતી ગમે ત્યાં જાય એમનો ગરબો જોડે લઈ જ જવાના. એ ન્યાયે ખાસ મહારાષ્ટ્રમાં ઉજવાતો આ તહેવાર વડોદરામાં વધુ પ્રચલિત હતો પુરા ગુજરાતમાં નહિ. હું વડોદરા ભણવા આવ્યો ત્યારે પહેલીવાર મેં ગણેશોત્સવની મજા માણી. ખેર તહેવારો મનાવવામાં કશું ખોટું નથી પણ તે ઉજવાતા બીજી સામાન્ય પ્રજાને તકલીફમાં મુકવી તેવું કોણે કહ્યું?

images20ODUUKRબીજાની ફિકર કરવી આપણી ફિતરતમાં જ નથી. અહી એમ્બુલન્સ આગળ કોઈ બેફિકરાઈથી પોતાની કાર પાર્ક કરીને ચાલ્યો જતો હોય છે. એને એટલી ચિંતા નથી હોતી કે એમ્બ્યુલન્સને ગમે તે સમયે દોટ મુકવી પડે. અરે રસ્તે જતી એમ્બ્યુલન્સને રસ્તો સાફ કરી આપવાની પણ કોઈ દરકાર કરતુ નથી. ગણેશોત્સવ વખતે દુકાનદારોનું લગભગ આવી જ બને. પોતાને પૈસે તો આવા ઉત્સવ ઉજવાય નહિ. એટલે ચાલો દુકાનદારો પાસે ફંડફાળો ઉઘરાવવા. મેં પોતે જોયું છે કે એક દુકાનદાર પાસે દસ ગણેશમંડળ વાળા ફાળો ઉઘરાવવા આવી જાય. ના પાડવાનો સવાલ જ નહિ, દાદાગીરીથી ફાળો ઉઘરાવાય છે તે મેં જાતે જોએલું છે. વડોદરામાં ગણેશ વિસર્જન વખતે આખા ગુજરાતની પોલીસ ઠલવાઈ જતી. હવે આ ઉત્સવ બીજા શહેરોમાં પણ ફેલાયો છે. તમામ જાતના પ્રદૂષણો આવા ઉત્સવો વખતે ફેલાતા હોય છે આમાં ધરમ અને ભક્તિ ક્યા આવી?

ધરમની વ્યાખ્યા આપણે ત્યાં સાવ છીછરી થઈ છે. લોકો તમાશાને ધરમ સમજી બેઠા છે. જો આપણે દલીલ કરીએ તો સુજ્ઞ જનો તરત ઉકળી ઉઠશે કે ધરમ કાઈ આવું બધું શીખવતો નથી. પણ સામાન્યજન માટે તો આજ ધરમ છે. આવા તમાશા જ્ ધર્મ છે એનું શું? હવે નવરાત્રી આવશે અને પછી તરત દિવાળી. ઘણીવાર એવું થાય કે આ પ્રજા પાસે કોઈ કામ ધંધો છે કે નહિ? તહેવાર વગરનો એક મહિનો કોરો જાય નહિ. નવા વર્ષના આગમન નિમિત્તે ઉજવવા જેવો દિવાળીનો તહેવાર આવતા આવતા તો હાંફી જવાય. આપણે અંગતરીતે ઉજવવા જેવા તહેવારોને પણ જાહેર ઉત્સવ બનાવી દેતા હોઈએ છીએ. અહી અમેરિકામાં મેં જોયું છે ક્રિસમસ, ૩૧ ડીસેમ્બર અને ન્યુ યર જેવા તહેવારોમાં રસ્તા સુમસામ કોઈ ટ્રાફિક નહિ. લોકો પોતાના ફેમીલી અને મિત્રો સાથે ઘરોમાં પુરાઈને પાર્ટી કરતા હોય છે જ્યારે આપણે ત્યાં લોકો ઘરમાં ફેમીલી સાથે ઉજવવાને બદલે રોડ રસ્તા પર ઉતરી આવતા હોય છે. વર્ષમાં એક બે તહેવારો જાહેરમાં ઉજવાય તેમાં ય કશું ખોટું નથી પણ તમામ તહેવારોને જાહેર તમાશા બનાવી દેવા તેવું કોણે કહ્યું?

દિવાળીમાં મને યાદ છે પોળના અમુક બદમાશ પરપીડન વૃતિ ધરાવતા લોકો રોકેટ જેવા જોખમી ફટાકડા હવામાં આકાશ તરફ જાય તે રીતે નહિ પણ આડા ગોઠવીને કોઈના ઘરમાં ઘુસી જાય તેમ મુકીને ફોડતા. એમાંથી જગડા શરુ થતા. તહેવારો આનંદપ્રમોદ માટે મનાવવાના હોય કે કોઈને તકલીફ આપી એમાંથી આનંદ મેળવવાનો? ઘરોમાં ગમે તેટલા બારી બારણાં બંધ રાખો ધુમાડાથી ઘર ભરાઈ જાય શ્વાસ લેવાની તકલીફ થઈ જતી. કાન ફાડી નાખે તેવા માઈક વાગતા હોય. ધાર્મિક લાગણી દુભાઈ જાય એટલે પોલીસ કોઈ પગલા લે નહિ. બીમાર માણસની તો વાટ જ લાગી જાય. દિવાળી પહેલા એર પોલ્યુશન ઓછું હોય છે જે ફટાકડા ફૂટવાનું શરુ થાય તેની સાથે વધવા લાગે છે પણ આતશબાજી બંધ થયા પછી ૨૪ કલાક પછી આકાશમાં ગયેલું પોલ્યુશન પાછું ધરતી પર ફરે છે ત્યારે એર પોલ્યુશન પીક પોઈન્ટ ઉપર PM2.5 પહોચી ગયું હોય છે. જે દિવાળી શરુ થાય તેના પહેલા કરતા ચાર ગણું વધુ હોય છે. ગ્રાઉન્ડ લેવલ ઓઝોન પોલ્યુશન પણ ખુબ વધી ગયું હોય છે. દિવાળી જેવો મહત્વનો આનંદ માણવાનો તહેવાર આમ મહત્તમ પોલ્યુશનનો દિવસ આપણે બનાવી દીધો છે.

વ્યક્તિગત શ્રદ્ધા અને ભક્તિનો ગણપતિનો તહેવાર સામૂહિક બનાવી તકલીફ આપતો તમાશો બનાવી દીધો છે. નવરાત્રી જેવા સમુહમાં જ ઉજવાય તેવા તહેવારને કોર્પોરેટ બિજનેસ બનાવી દીધો છે. તહેવારો ઉજવવામાં કશું ખોટું નથી, પણ તમાશા બનાવ્યા વગર એનો અસલી આનંદ માણવો જોઈએ. આપણું મનોરંજન કોઈની તકલીફ ના બનવી જોઈએ. પણ કોઈની તકલીફમાંથી મનોરંજન માણવાની વિકૃતિ પાળી રાખી હોય તો પછી એનો કોઈ ઉપાય નથી.            

 

 

અહેવાલે વિમોચન

અહેવાલે વિમોચનKA July 14 1314

ગુજરાતી હોય અને ન્યુ જર્સીમાં રહેતો હોય અને તેના ઘરમાં ‘ગુજરાત દર્પણ’ નાં હોય તે પાકો ગુજરાતી ના કહેવાય. ગુજરાતી ગમે ત્યાં જાય રહેવા એનું પાકું ગુજરાતીપણું દેખાયા વગર રહે નહિ. આ તો ઉત્તર ધ્રુવની ઠંડી એનાથી સહન થાય નહિ બાકી આર્કટિક સર્કલમાં રહેતા ચુ ચી નામની બહુ જૂની માનવજાત માટે ચા અને ભજીયાની દુકાન ખોલીને બેસી જાય. અને અમારા સૌના વહાલા શ્રી સુભાષભાઈનું ‘ગુજરાત દર્પણ’ એની દુકાને નિ:શુલ્ક ત્યાં પણ મળવા માંડે. લગભગ ૨૧ વર્ષ જૂનું આ માસિક ન્યુયોર્ક, ન્યુ જર્સી, પેન્સીલવેનિયા સાથે શિકાગો, જ્યોર્જીયા, કેલિફોર્નયા, અને ટેક્સાસ જેવા રાજ્યોમાંથી પણ પ્રસિધ્ધ થાય જ છે.

સાહિત્યકાર હોય એ તો નાનું મોટું સાહિત્ય સર્જન કરીને સાહિત્યની સેવા કરવાનો જ છે પણ ઘણીવાર સાહિત્યકાર કરતા સાહિત્યપ્રેમી સાહિત્યની વધુ સેવા કરતો હોય છે. ગુજરાત

શ્રી કૌશિકભાઈ અમીન, શ્રી જય વસાવડાએ લખેલી પ્રસ્તાવના વાંચતા.
શ્રી કૌશિકભાઈ અમીન, શ્રી જય વસાવડાએ લખેલી પ્રસ્તાવના વાંચતા.

દર્પણના તંત્રી-માલિક શ્રી સુભાષભાઈ એવા સાહિત્યપ્રેમી છે. એમના ગુજરાત દર્પણમાં મોતી વેરાણા ચોકમાં જેવું છે. એમાં વાર્તાઓ, કવિતાઓ, લેખો, ધારાવાહિક નવલકથાઓ, સામાજિક-ધાર્મિક સંસ્થાઓના સમાચારો, દેશ દુનિયાના સમાચારો, અનંતની ખોજ જેવી વૈજ્ઞાનિક માહિતીનો ખજાનો, પુસ્તકોના રીવ્યુ, વિસા બુલેટીન, સરકારી લાભાલાભની માહિતી અને અહી કરતા તમામ ભારતીયોના ધંધા-પાણીની અસંખ્ય જાહેરાતો અને આ બધું પાછું નિ:શુલ્ક વાંચવા મળે. દંત-ચિકિત્સકની મુલાકાતનો સમય જોઈતો હોય કે પૂજા કરાવવા મહારાજ જોઈતા હોય કે સાંધા-શુલ નિવારણ કેન્દ્રની મુલાકાત લેવી હોય, વરરાજા માટે ઘોડો જોઈતો હોય કે ઢોલી, ભોજન સમારંભ માટે પાકવિદ્યા વિશારદ જોઈતા હોય, આવું તો અનેક જોઈતું હોય તો ટેબલ પર પડેલું ગુજરાત દર્પણ ઉઠાવો અને એમાંથી ફોન નંબર શોધી ફોન કરો તકલીફ નિવારણ થઈ જ જાય.

સુભાષભાઈ એમની આ સ્ક્વેર ફૂટમાં ગણીએ તો નાનકડી પણ લાગણીની આંખે જોઈએ તો વિશાળ ઓફિસમાં ગુજરાતી પુસ્તકોની લાઈબ્રેરી પણ ચલાવે છે. દર મહીને રીવ્યુ માટે મોકલતાં પુસ્તકોને લીધે એમાં પણ વધારો થયે જ જતો હોય છે. લાઈબ્રેરી માટે સભ્ય ફી છે ફક્ત એક ડોલર પછી કોઈ ચાર્જ નહિ. વળી મહિનામાં એક રવિવારે અહીંના સ્થાનિક સર્જકોને ભેગા કરવાના તે નક્કી. ભારતથી આવીને અહી વસેલા સર્જકો, અહી આવીને પછી બનેલા સર્જકો, નાનામોટા કોઈ ભેદભાવ વગર બધા અહી ભેગા થાય, સાહિત્ય સમારંભનું સંચાલન માતા સરસ્વતીની પ્રાર્થના સાથે સુપેરે શ્રી કૌશિક અમીન કરે. સર્જકો પોતપોતાની કૃતિઓ વાંચે, એના પર સમય હોય તે પ્રમાણે ચર્ચા થાય, કોઈ સર્જકના પુસ્તકનું વિમોચન થાય, છેવટે મસ્ત મજાના ગુજરાતી ભોજન સાથે સમારંભનું સમાપન થાય.

KA July 14 1333૨૦૦૫માં અહી વસવાટ કરવા આવ્યો ત્યારનો ગુજરાત દર્પણ વાંચતો પણ એની સાહિત્ય સભામાં ભાગ લેવા મળશે તેની કોઈ કલ્પના નહોતી. અને એ ‘ગુજરાત દર્પણ’ ની સાહિત્ય સભામાં ગત રવિવારે મારા પુસ્તકનું વિમોચન શ્રી સુભાષભાઈ, શ્રી કૌશિકભાઈ અને ડૉ શ્રી અમૃત હઝારી સાહેબના હસ્તે થયું તે મારા માટે અમુલ્ય દિવસ હતો. આ સાહિત્ય સભાના જુના જોગી એવા સ્વ. ભાનુભાઈ ત્રિવેદીનાં પુસ્તક ‘લગ્ન અનિવાર્ય કે નિવાર્ય’ નું વિમોચન એમની દીકરી અને પૌત્રીઓનાં સંગાથે કરવાનો લાભ પણ અમને મળ્યો. વિમોચન વિધિ પૂરી થયા પછી મારા પુસ્તક વિષે કહેવાનું શ્રી કૌશિકભાઈને માથે નાખેલું જ હતું. કૌશિકભાઈએ પોતે કાઈ કહેવાને બદલે પુસ્તકની પ્રસ્તાવના વાંચી જવાનું વધુ મુનાસીબ માન્યું. કારણ આ પ્રસ્તાવના બહુ દિલથી જાણીતા અખબાર ગુજરાત સમાચારના ફેમસ કટાર લેખક જય વસાવડાએ લખેલી છે. હવે જય વસાવડાની ઓળખ આપવાની હોય નહીં. કૌશિકભાઈએ બહુ પ્રેમથી આખી પ્રસ્તાવના વાંચી નાખી. પછી મને કહે હવે તમારા લેબર પેએન ની વાત કરો. મારી સાથે સહુ હસી પડ્યા. એક સર્જકની કૃતિ જ્યારે જન્મ લેતી હોય છે ત્યારે એને પણ પ્રસુતિની પીડા અનુભવવી પડતી હોય છે.

મૂળ આપણે ભાષણના માણસ નહિ, મતલબ શ્રોતા બહુ સારા પણ વક્તા તરીકેનો અનુભવ નહિ. એટલે જે કહેવું હતું તે લખીને લાવેલો. એમાંથી ક્યાંક બોલવાનું રહી પણ ગયું હશે, પણ મારે જે કહેવું હતું અને જે લખીને લાવેલો તે નીચે મુજબ છે.

વિમોચન ભાષણ

પ્રથમ તો સુભાષભાઈ નો આભાર માનવો પડે કે તેઓ અહી એક સરસ પ્લેટફોર્મ પૂરું પાડે છે. અને એમની સહન શક્તિ ને દાદ આપવી પડે કે આપણે બધા જે લખી લાવીએ છીએ તે વગર સંકોચે સાંભળે છે. બીજો આભાર ખાસ અમૃત હઝારી સાહેબનો માનવો છે કે મને અહી ખેંચી લાવેલા. બાકી આજે જે મોકો મને મળ્યો છે તે મળત નહિ.

મૂળ હું ભાષણનો માણસ છું નહિ. એટલે ફટાફટ મારા ફેમીલી વિષે ટૂંકમાં જણાવી દઉં કે ફાધર મારા વકીલ હતા અને દાદા કડાણા સ્ટેટના દીવાનસાહેબ. કડાણા તો ડૂબમાં જતું રહ્યું છે પણ કડાણા ડેમ તરીકે હજુ એનું નામ જળવાઈ રહ્યું છે. આમ અમે પાટણનાં સ્થાપક રાજવી વનરાજ ચાવડાનાં સીધા જ વંશજો. મારા પિતાના દાદા કહો કે દાદાના પિતા કહો જેઠીસિંહજી મારા જન્મના બરાબર ૧૦૦ વર્ષ પહેલા એટલે કે ૧૮૫૭નાં બળવા વખતે અથવા ગાયકવાડનું લશ્કર માણસા પર ચડી આવેલું ત્યારે જે લડાઈ થયેલી એમાં લડેલા. એમના બખ્તરની જાળીઓ ફાધર નાના હતા ત્યારે રમેલા. તીરનું આખું ભાથું મારા ઘરમાં હતું મારા ત્રણ મહા તોફાની છોકરાઓએ બધા તીર રમી રમી ને નાશ કરી નાખેલા. આમ વનરાજ ચાવડા અથવા તેના કરતા પણ પહેલાથી માંડીને એટલીસ્ટ પરદાદા જેઠીસિંહ સુધી અમારા ફેમિલીનો મુખ્ય બિજનેસ તલવારો ચલાવવાનો અને જનોઈવઢ ઘા મારવાનો હતો. દાદા દીવાન હતા અને અંગ્રેજોની શાસન પુરજોશમાં હતું એટલે એમનાથી પછી આ બિજનેસ બંધ થઇ ગયો. પણ આ પેઢીઓ જૂની આદત હવે મારી કલમમાં વર્તાય છે એમાં મારો કોઈ વાંક નથી.

સ્વ. ભાનુભાઈનાં પુસ્તક 'લગ્ન અનિવાર્ય કે નિવાર્ય' નું વિમોચન.
સ્વ. ભાનુભાઈનાં પુસ્તક ‘લગ્ન અનિવાર્ય કે નિવાર્ય’ નું વિમોચન.

દરબારો માટે એક મીથ કે દરબારો કા તો પોલીસ અને આર્મીમાં હોય અથવા ડ્રાઈવર.. મારા મોટાભાગના સગાવહાલા પોલીસખાતામાં છે. ફાધરને એ ગમતું નહોતું કે કરપ્ટ થઇ જવાય. માટે પોતે અમરેલીમાં પોલીસમાં હતા તે જોબ છોડી અને અમને ચારે ભાઈઓને પોલીસમાં જવા માટે ઉત્સાહિત કર્યા જ નહિ. એમને મન એડ્યુકેશનનું મહત્વ બહુ હતું. ફાધર પોતે વકીલ હતા વિજાપુર લાયબ્રેરીના અને બાર લાયબ્રેરીના પ્રમુખ હતા, થીયોસોફીસ્ટ હતા. જે. કૃષ્ણમૂર્તિને રૂબરૂ સાંભળવા ગુજરાત થી છેક મદ્રાસ જતા. બસ એમના સંસ્કારોને લીધે અમે ચાર ભાઈઓ અને એમના વસ્તારમાં ત્રણ પીએચડી છે, બે એન્જીનીયર, બે એમબીએ, બે વૈજ્ઞાનિકો, બે પ્રોફેસર, એક પ્રિન્સીપાલ છે બધું મારા સિવાય હું ખાલી બીકોમ જ છું. એટલે પેલું મીથ ફાધરે તોડી નાખેલું.

મને ખબર નહોતી કે હું લખીશ. બચપણમાં ખુબ વાંચેલું. ૧૧મા ધોરણમાં હતો અને ઓશોને સાંભળવા સાયકલ લઈને બહુચરાજી રોડ પર આવેલા રજનીશ સ્વરૂપમ ધ્યાન કેન્દ્ર ઉપર જતો. મારા એક માર્ક્સવાદી સામ્યવાદી મિત્ર પણ આવતા. કોણ કોની પાસેથી શું શીખે કશું કહેવાય નહિ. પેલા પરમ નાસ્તિક મિત્ર ઓશોને સાંભળી સાંભળી પરમાસ્તિક થઇ ગયાને હું આસ્તિક નાસ્તિક. હહાહાહાહા

ફાધર વિજાપુર લાયબ્રેરીના પ્રમુખ હતા એટલે સંચાલક મને કબાટની ચાવીઓ જ આપી દેતા, માથુ નાં ખાઈશ એવું કહીને. મુનશી, પન્નાલાલ, ધૂમકેતુ, ર.વ.દેસાઈ મેઘાણી જેવા અનેક સાહિત્યકારોને ખુબ વાંચી નાખેલા. પણ કવિતા આપણું કામ નહિ.

૨૦૧૦મા મને લેઓફ મળ્યો નોકરી ગઈ. આખી રાતની જોબ કરેલી એટલે રજા હોય છતાં રાતે ઊંઘ આવે નહિ. મંતરી મંતરીને કામચલાઉ કોમ્પ્યુટર શીખ્યો. મને લેખક બનાવવા KA July 14 1329પાછળ કાન્તીભટ્ટનો બહુ મોટો હાથ છે. રાતે ઓનલાઈન દિવ્યભાસ્કર વાંચું. એમાં એમના લેખ આવે. ઘણીવાર એવું લોજીક વગરનું લખે કે ખોપરી હટી જાય. એમાં કોમેન્ટ્સ આપતો. મારી બેચાર લાંબી લાંબી કોમેન્ટ્સ ને દિવ્યભાસ્કરે ઓનલાઈન એડીસનમાં લેખ તરીકે મૂકી એમાં બંદાને લખવાની ચાનક ચડી. પછી તો “કુરુક્ષેત્ર”(સ્ટાર્ટ થીંકીંગ) raolji.com નામનો  બ્લોગ બનાવીને લખવાનું શરુ કર્યું. એમાં ૪૧૬ આર્ટીકલ્સ આજ સુધી લખીને મુક્યા છે અને બ્લોગ ૩૪૭૦૦૦ વખત ક્લિક થઇ ચુક્યો છે.

મારી રેશનલ વિચાધારા છે એવું મિત્રો કહેતા હોય છે મને ખબર નથી. એટલે સાયન્સ પ્રત્યે વધુ મોહ. એમાય ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન હાથમાં આવી ગયું. પહેલા ખુબ વાંચું છું પછી ખુબ મનન કરું એમાંથી લેખ લખાય છે. સાહિત્યમાં લલિત અને માહિતીસભર બે જાતના નિબંધ લખાય છે. મારા આ નિબંધોમાં વૈજ્ઞાનિક માહિતી રીસર્ચ નો ભરપુર ઉપયોગ કરીને મારું ચિંતનમનન પણ ઉમેરું જ છું.

તમે ગીતા વાંચી છે? સુખદુઃખ માં સમભાવ રાખવો તેવું એમાં લખ્યું છે પણ આપણે રાખી શકતા નથી. નરસૈયો કહે છે સુખદુઃખ મનમાં ના આણીએ રે ઘટ સાથે રે ઘડિયા. આના વિષે જાત જાતની ફીલોસફી આપણા તત્વજ્ઞાનીઓ સમજાવે છે પણ કોઈ ફરક પડતો નથી. સુખદુઃખ પાછળ કોઈ ફીલોસફીને બદલે એની પાછળ બાયોલોજી હોય તેવું તમે માની શકો છો? એની પાછળ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ છે તેવું તમે માની શકો છો? અરે એની પાછળ ન્યુઅરોસાયંસ છે તેવું તમે માની શકો છો? નથી માની શકતા ને? તો આ પુસ્તક તમારે જરૂર વાંચવું જોઈએ. સર્વાઈવલ માટે થ્રેટ અનુભવીએ એટલે દુઃખની લાગણી પેદા થાય અને સર્વાઈવલને સપોર્ટ કરતુ કશું પણ બને તરત હર્ષની લાગણી ઉદભવે અને તેના માટે મગજમાંથી સ્ત્રવતા રસાયણો જવાબદાર હોય છે તેની સરળ વિગત અને સમજુતી વાંચવી હોય તો આ પુસ્તકના પાનાં ઉકેલવા પડે.

બિલ ક્લિન્ટન આટલો બધો પ્રતિષ્ઠિત માણસ એક મહાન દેશનો સર્વોચ્ચ વડો એની એક કારકુન સાથે મળીને એની તમામ પ્રતિષ્ઠા ધૂળમાં મેળવવા શા માટે મજબૂર બન્યો? અર્નોલ્ડ કેલીફોર્નીયા જેવા માતબર સ્ટેટના ગવર્નર હોલીવુડના આકાશમાં સદૈવ ઝગમગતા તેજ સિતારા લાંબુ લગ્નજીવન ભાગી પડે તેટલી હદે ઘરમાં કામ કરતી મહિલામાં કેમ ફસાયા? કોઈ પ્રતિષ્ઠિત કરોડપતિની દીકરી કહેવાતા મવાલી જોડે ભાગી જાય છે ત્યારે આખા સમાજને આંચકો લાગે છે. કોઈ મહારાજાની દીકરી એના ડ્રાઈવર જોડે લગ્ન કરી લે છે ત્યારે લોકોને બહુ મોટો આઘાત લાગતો હોય છે. આવું તો ઘણું બધું આપણને સમજાતું નથી. તે સમજવા અને ઉત્ક્રાન્તિના ફોર્સ તમને કેવી રીતે ખેંચી જાય છે તે સમજવું હોય તો આ પુસ્તક ખોલવું પડે.

માનવસમાજ પૉલીગમસ હતો, બહુપતિત્વ અને બહુપત્નીત્વ સામાન્ય હતું. હવે જ્યારે માનવસમાજ લગભગ મોટાભાગે મનૉગમસ બની ચૂક્યો છે,  ત્યારે સ્ત્રી અવિશ્વસનીય છે તેવું માનવાનું ટાળી શકાય. લગ્નવ્યવસ્થાને લીધે સ્ત્રી પાસે કોઈ ચૉઈસ ના રહી હોય અને લગ્ન પછી કોઈ હાઈ-ટૅસ્ટાસ્ટરોન લેવલ ધરાવતા કોઈ પુરુષના સંપર્કમાં આવી જવાય અને જો ઇવલૂશનરી ફૉર્સના દબાણમાં આવી લગ્નેતર સંબંધ બંધાઈ જવાની તૈયારી થઈ ગઈ હોય તેવામાં સમજ આવી જાય કે આ તો ઇવલૂશનરી ફૉર્સ દબાણ કરી રહ્યો છે. ચેતો ભાઈ, બચો !! તો બચી શકાય અને લગ્નજીવન તૂટતું બચી જાય. સમજી લેવાય કે આવું આકર્ષણ એ ફક્ત કૉપિ પાછળ મૂકી જવાનું એક ઉત્ક્રાંતિનું જેનિસમાં રહેલું દબાણ માત્ર છે અને બાળકો તો છે જ અને આરામથી મોટા થઈ રહ્યા છે, હવે કોઈ પ્રયોજન નથી, ઉત્ક્રાંતિનો ક્રમતો સચવાઈ ગયો છે. તો એવા  આકર્ષણમાં ખેંચાઈ જવાનું કોઈ કારણ નથી તો બચી શકાય. મોટા ભાગે સ્ત્રીઓ પર અવિશ્વાસ એમના ઉપર જુલમનું કારણ બનતો હોય છે. ઇવલૂશનની હિસ્ટરીમાં સ્ત્રી માઇલ્ડ પ્રામિસ્ક્યૂઅસ રહી છે. આ અવિશ્વાસ રાખવાનું હવે મનૉગમસ સમાજમાં કોઈ કારણ નથી. પુરુષ તો ૧૦૦ ટકા પ્રામિસ્ક્યૂઅસ છે, સ્ત્રી માઇલ્ડ પ્રામિસ્ક્યૂઅસ રહી છે. આ બધા ઇવલૂશનરી ફૉર્સ સમજી લેવાય તો કજિયાકંકાસ,  મારઝૂડ અને ઝગડાથી બચી શકાય. જે પુરુષોમાં ટૅસ્ટાસ્ટરોન લેવલ હાઈ હોય તે આક્રમક રહેવાના. અને સ્ત્રી હાઈ-ટૅસ્ટાસ્ટરોન લેવલ ધરાવતા પુરુષને પ્રથમ પસંદ કરતી હોય તે સ્વભાવિક છે, હવે બંને જણા આ વાત સમજતા હોય કે હાઈ-ટૅસ્ટાસ્ટરોન લેવલ અગ્રેસિવનેસ લાવે છે તો એનાથી બચી શકાય કે નહિ? રોગનું નિદાન જ દવા બની જાય.

 

કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મમતા, સુખ, દુખ અને ભય જેવી લાગણીઓ કુદરત સ્વાભાવિક મૂકે છે. એમાં એનો હેતુ ઉત્ક્રાંતિનો છે. પણ એના ફૉર્સ સમજીએ તો એના દુષ્પરિણામો નિવારી શકાય. માટે મેં સીધા દાખલા આપીને પુસ્તકનો મુખ્ય હેતુ બતાવી દીધો છે. સુખ અને દુઃખ ન્યુરોકેમિકલ્સ આધારિત હોય છે. એના ચડાવ ઉતાર સમજી શકીએ તો ડિપ્રેશન દુર ભાગે. પ્રાચીન મનીષીઓએ એમના અનુભવો દ્વારા એમના ચિંતન દ્વારા તત્વજ્ઞાન ઘણું દર્શાવ્યું છે ભલે તેઓ આધુનિક ન્યુઅરો સાયન્સ અને બાયોલોજિથી અજ્ઞાન હતા.. આ પુસ્તકને એક રીતે રાસાયણિક ગીતા સમજવી હોય તો સમજી શકો છો.. માનવ સ્વભાવના જટિલ સત્યો વિષે જે આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે તે કોઈ અરાજકતા ફેલાવવા માટે નહિ. જે સંસ્કાર ઉત્ક્રાંન્તિના ક્રમમાં જીનમાં મળ્યા છે તે હાલની સમાજ વ્યવસ્થા માટે કોઈ વાર જોખમી બની જતા હોય છે. તો એની સમજ હોય કે આ તો ઇવલૂશનરી ફૉર્સ ખેંચી રહ્યો છે તો એના દબાણથી મુક્ત થઈ શકાય.

હ્યુમન બિહેવ્યર પાછળની સાયકોલોજી વિષે તો આધુનિક મનોવૈજ્ઞાનિકો અને સાયકાયટ્રીસ્ટ લખતા જ હોય છે પણ આ બધાની પાછળની બાયોલોજી વિષે આ પુસ્તકમાં ઘણું લખાયું છે. ટૂંકમાં હવે હ્યુમન બિહેવ્યર સમજવા માટે એકલો ફ્રોઈડ નહિ ચાલે તમારે એની સાથે ડાર્વિન ને પણ ઉમેરવો પડશે, રીચાર્ડ ડોકિન્સને પણ ઉમેરવો પડશે.”

મિત્રોનો આભાર માની પછી મેં પૂરું કર્યું.

મારું આ સંભાષણ બધા મિત્રોએ રસપૂર્વક ધ્યાનથી સાંભળ્યું હતું એવું મને લાગતું હતું. ત્યાર પછી અમદાવાદથી પધારેલા ગેસ્ટ યોગથેરાપીસ્ટ હેતલ દેસાઈનો વારો આવ્યો. એમણે કહ્યું કે બધા આસનો અને બધા પ્રાણાયામ બધા માટે કામના નાં હોય. માણસની પ્રકૃતિ અને એની તકલીફ પ્રમાણે બે આસન અને બે પ્રાણાયામ કાફી છે. એમની વાત તર્કબદ્ધ લાગી. એમણે યોગ, આસન, પ્રાણાયામ વિષે બહુ સરસ માહિતી આપી. તેઓ અમદાવાદમાં ત્રણ સેન્ટર ચલાવે છે. એમના ટીવી પર શો આવી ચુક્યા છે યુ ટ્યુબ ઉપર પણ એમના વિડીઓ મુકેલા જ છે. નેટ ઉપર સર્ચ કરવા માટે એમનું નામ જ કાફી છે. ત્યાર પછી જે મિત્રો હાજર હતા તે બધાએ પોતપોતાની કૃતિઓ વાંચી. એક જબરો વિરોધાભાસ મારા ધ્યાનમાં તો હતો, સુભાષભાઈ પણ તે અનુભવતા હશે એટલે તેઓએ તેનો ઉલ્લેખ કરી જ નાખ્યો. વાત એમ છે કે આ સાહિત્યસભામાં જેટલા સર્જકો આવે છે તેમના મોટાભાગના એન્જીનીયર્સ અને સાયન્સ પ્રવાહમાં ભણેલા ગણેલા છે તે બધા કવિતાઓ અને વાર્તાઓ લખે છે. અને મારા જેવો કોમર્સનો વિદ્યાર્થી સાયંસ આધારિત લેખો લખે છે. અપવાદમાં એક કૌશિકભાઈ નીકળ્યા તેઓ સાયન્સના વિદ્યાર્થી છે અને અનંતની ખોજ નામની જબરદસ્ત વૈજ્ઞાનિક માહિતીથી ભરપુર કોલમ લખે છે.

બધા મિત્રોએ મને ખુબ ખુબ અભિનંદન આપ્યા. પરમમિત્ર પ્રવિણકાંત શાસ્ત્રીજીએ એમની આગવી હુરતી સ્ટાઈલમાં મારા ઉપર પ્રેમનો ઊભરો ઠાલવ્યો. ત્યારબાદ મસ્ત મજાનું સ્વાદિષ્ટ ભોજન માણી બધા છુટા પડ્યા..

ગુજરાત દર્પણ અને ગુજરાત દર્પણની સાહિત્યસભાની જય હો…            KA July 14 1295

‘ચા’ ની ચૂસકી મહેન્દ્ર શાહ સાથે

સાથે‘ચા’ ની ચૂસકી મહેન્દ્ર

photo 4જો તમે મહેન્દ્ર શાહના કાર્ટૂન જોઈવાંચી દુંટીમાંથી હસી ના પડો તો સમજવું તમે હ્યુમરના ઔરંગઝેબ છો. એમનું બનાવેલું એક કાર્ટૂન કહું. એક આધેડ કપલ ઊભુ છે. પતિ એની પત્નીનેphoto 1 કહે છે, ‘ફરિયાદો, ફરિયાદો, ફરિયાદો ! ફરિયાદો સિવાય બીજું કાઈ કર્યું છે તે? તું સુગર અને પાણી ને પણ છોડતી નથી, સુગર સ્વિટ છે પાણી થીન છે, સ્વીટનેસ સુગરનો નેચર છે અને પાતળાંપણું પાણીનો સ્વભાવ છે.’ પત્ની જવાબ આપે છે, ‘સરસ ! ફરિયાદ કરવી મારો સ્વભાવ છે.’ .. હહાહાહાહાહાહા….

એમના અંગ્રેજીમાં લખાયેલા અને દોરાયેલાનો અનેક કાર્ટૂનનો સંગ્રહ છે i said it too ! ( CHAi WiTH MAHENDRA). કાયમ કોફી ટેબલ પર મૂકી રાખવા જેવું આ પુસ્તક છે. કોઈ પણ ગેસ્ટ આવે ચા કે કોફી પીતા પીતા હાથમાં લઈને જુએ તો એનું દિલ ખુશ થઈ જાય. મને તો આદત હતી કે કોઈના ઘેર જાઉં તો કોફી ટેબલ પર પડેલા પુસ્તક કે મેગેઝીન જરૂર ફેદવાના.

હું ભારતમાં હતો ત્યારે કાયમ ‘સંદેશ’ અખબાર મંગાવતો. એમાં ‘ચકોર’ નું આવેલું કાર્ટૂન પહેલું જ જોઈ લેવાનું પછી અખબાર વાંચવાનું.

એક વાર્તાકાર એક મેસેજ આપવા આખી બેચાર પાનની વાર્તા રચી નાખે. તો કવિ એજ મેસેજ આપે છે થોડી પંક્તિઓ રચીને. અને હાયકુ લખનાર તો બે વાક્યોમાં જ કહેવાનું કહી દેતો હોય છે. કાર્ટૂન ચિત્રાત્મક હાયકુ જેવું છે. માંડ બેચાર વાક્યો અને એક ચિત્ર જોઈ સમજનાર સમજી જાય. આમેય કલાકારોના બ્રેન આમઆદમી કરતા વધુ  મોટા ને સક્રિય હોય છે. એમાય સારી ઉત્તમ હ્યુમર સેન્સ બધામાં હોય નહિ. કાર્ટૂનીસ્ટ ઘણી બધી ક્ષમતાઓ એકસાથે ધરાવતો હોય છે. એક તો સારો ચિત્રકાર હોય, સારો હ્યુમરિસ્ટ હોય અને સારો લેખક કે કવિ પણ હોય.

mahendra-shah-263x300૧૯૪૫માં જન્મેલા મહેન્દ્ર શાહ ૧૯૭૪માં અમેરિકામાં આવી ને વસ્યા. આર્કિટેક એવા મહેન્દ્ર શાહ સફળ ઔદ્યોગિક સાહસ ખેડનાર(ઑન્ટ્રપ્રનર) અને બિઝનેસમેન છે. એક ચિત્રકાર કાર્ટૂનીસ્ટ અને વેપારી તે પણ ગુજરાતી અને એમાય પાછા શાહ બધું ભેગા હોવું તે રેઅર ક્વોલિટી કહેવાય. કારણ વેપારી અને ખાસ તો ગુજરાતી વેપારીને કલામાં રસ હોય અને સાથે કલાના કોઈ માધ્યમમાં માહેર પણ હોય તેવું ભાગ્યે જ જોવા મળે. પીટ્સબર્ગમાં રહેતા મહેન્દ્ર શાહ આપણી કોમ્યુનિટી માટે પણ ઘણી સેવા આપે છે. એમના કાર્ટૂન લોકલ ગુજરાતી મેગઝીનમાં આવે છે અને એના અનેક પ્રદર્શન ભરાઈ ચુક્યા છે.

એમના એક બીજા કાર્ટૂનનું વર્ણન કરું. કોર્ટરૂમનું દ્રશ્ય છે. જજ બેઠા છે સામે ગુનેગાર ઉભો છે બે પોલીસવાળા ઉભા છે અને પછી બે છોકરીઓ ઉભી છે. જજ પૂછે છે When did you find out you were raped ? બંને છોકરીઓ સાથે બોલી ઉઠે છે, When the check bounced ! હહાહાહાહાહાહા

યાત્રાધામો ઉપર હવે ગંદકી વધતી જાય છે. લોકો જ્યાં ત્યાં ગુટખાનાં પેપર, પાણીની બોટલ્સ અને એવો અનેક જાતનો કચરો એમ જ નાખી દેતા હોય છે. તેના ઉપર કટાક્ષ કરતું એક સરસ કાર્ટૂન એમણે બનાવ્યું છે. ટેકરીઓમાં ચાર મંદિર દેખાય છે, યાત્રાળુઓ પગથીયા ચડતા દેખાય છે. આજુબાજુ ઢગલો કચરો જોઈ કોઈ યાત્રાળુ ચિંતા કરતો હશે તેને બીજો યાત્રાળુ કહે છે, ‘ Don’t you worry about the trash outside…, just try to keep your inside clean !

એક બીજું મસ્ત કાર્ટૂન વર્ણવું. પતિપત્ની ઉભા છે પત્નીના હાથમાં ફોન છે. પત્ની કોઈની સાથે વાત કરતી હશે તે પતિને કહે છે, ‘કનુભાઈનો ફોન છે તેઓ જાણવા માંગે છે કે આ વિકેન્ડમાં આપણો શું પ્લાન છે?’ પતિ જવાબમાં કહે છે, ‘ એ તો એના ઉપર આધાર રાખે છે કે તેઓ આપણને ઇન્વાઇટ કરે છે કે આપણે ત્યાં વિઝીટ મારવા ઈચ્છે છે? હહાહાહાહ  બીચ ઉપર તમે દેશી મહિલાને કઈ રીતે પીછાણી શકો? જવાબ છે સ્વીમીંગ કોસ્ચ્યુમ ઉપર મંગળસૂત્ર પહેરેલું દેખાય તે. દ્રશ્ય છે બીચનું થોડા કપલ બેઠા છે એક મહિલા ઉભી છે સ્વિમિંગ કોસ્ચ્યુમphoto 3 પહેરીને, ગાળામાં મંગળસૂત્ર લટકે છે, કપાળમાં ચાંદલો કરેલો છે.

આવા તો અનેક વ્યંગચિત્રો આ પુસ્તકમાં છે. જે જોઈ તમે હસ્યા વગર રહી શકો નહિ. એમના આ ઠઠ્ઠાચિત્રો સંદેશ, ગુજરાત સમાચાર, અખંડઆનંદ, કુમાર, દિવ્યભાસ્કર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, અકિલા, પીટ્સબર્ગ પત્રિકા, આવા તો અનેક સમાચારપત્રો અને મેગઝીનમાં છપાયેલા છે. એના પ્રદર્શન પણ અમદાવાદ, વડોદરા, મુંબઈ, લંડન, હ્યુસ્ટન, ન્યુયોર્ક, પીટ્સબર્ગ, ફિલાડેલ્ફિયા જેવા અનેક શહેરોમાં ભરાયેલા છે.

આવું અદ્ભુત પુસ્તક મને મોકલવા બદલ શ્રી મહેન્દ્ર શાહનો હ્રદયપૂર્વક આભાર માનું છું.

આ પુસ્તક અમેરિકામાં મેળવવું હોય તો,

mahendra shahMAHENDRA SHAH

201 Spencer Court, Moon Township, PA 15108 USA

E Mail- mahendraaruna1@gmail.com

Blog: www.isaidittoo.com

અને ભારતમાં મેળવવું હોય તો,

PARIMAL DISTRIBUTOR

5/ Park Avenue Complex, Opp- Parimal Garden, Ellisbridge, Ahmedabad-380006 India

Contact person- Amar Shah 9825030422 ..

 

 

 

4th of July સ્વતંત્રતા દિવસ

1280px-George_Washington_statue4th of July સ્વતંત્રતા દિવસ

અહી ઈન્ડીપેન્ડન્સ ડે ફોર્થ ઓફ જુલાઈનાં નામે ઓળખાય છે. ફેડરલ હોલીડે તરીકે આખા અમેરિકામાં ઉજવાય છે. કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન જે હવે યુનાઈટેડ કિંગડમ તરીકે ઓળખાય છે તેની એડી નીચેથી ૪ જુલાઈ ૧૭૭૬નાં દિવસે સ્વતંત્ર થયાની જાહેરાતનો આ દિવસ છે. આજનો દિવસ અમેરિકનો માટે આતશબાજી, પરેડ, બાર્બેક્યુ, કાર્નિવલ, મેળા, પીકનીક, કોન્સર્ટ, બેઝબોલ, ફેમીલી મેળાવડા વગેરેનો દિવસ બની રહેવાનો. થોમસ જેફરસન મુખ્ય લેખક તરીકે પાંચ જણાની કમિટીએ ડેક્લરેશન ઓફ ઈન્ડીપેન્ડન્સ લખેલું.

રિમોર્કબલ કોઇન્સીડંસ એવો છે કે આ ડેક્લરેશનમાં સહી કરનારા જોહ્ન એડમ્સ અને થોમસ જેફરસન પાછળથી અમેરિકાના પ્રમુખ તરીકે સેવા આપી આ ડેક્લરેશન ની ૫૦મી ઍનિવર્સરિ જુલાઈ ૪ ૧૮૨૬નાં દિવસે મૃત્યુ પામેલા. આ ડેક્લરેશનમાં સહી નાં કરી હોય તેવા જેમ્સ મોનરો પ્રમુખ બનેલા તે  જુલાઈ ૪ ૧૮૩૧માં મૃત્યુ પામેલા. આમ ત્રણ પ્રમુખ તો આ યાદગાર સ્વતંત્રતા દિવસે જ મૃત્યુ પામેલા. અમેરિકાના ૩૦મા પ્રમુખ Calvin Coolidge એક માત્ર એવા પ્રમુખ હતા જે જુલાઈ ૪ ૧૮૭૨માં સ્વતંત્રતા દિવસે જન્મેલા. હિસ્ટોરિયન રીચાર્ડ મોરીસનાં હિસાબે મુખ્ય “Founding Fathers” તરીકે આ સાત જણાJohn Adams, Benjamin Franklin, Alexander Hamilton, John Jay, Thomas Jefferson, James Madison, and George Washington ગણાય છે. જો કે આ સિવાય પણ ઘણા બધાને Founding Fathers તરીકે ઓળખવામાં આવે છે, આપણી જેમ ફક્ત ગાંધીજીને નહિ.267px-Miamifireworks

૧૭મી સદીમાં આ લોકોએ બંદૂકો ખેંચી ને અંગ્રેજોને ભગાડી મુક્યા તે જ ૧૭મી સદીમાં આપણે અંગ્રેજોના ગુલામ બન્યા. આપણા નેતાઓ કા તો સ્વીસ બેંક ભણી દોટ મુકશે અથવા કોઈ બાબાના આશ્રમ ભણી. આપણે પરલોક, પરભવ અને આત્મસાક્ષાત્કાર જેવી અમૂર્ત ધારણાઓ પાછળ એટલી બધી દોટો મુકીએ છીએ કે દેશ તો પ્રાયોરીટી બાબતે બહુ પાછળ રહી જાય. કદાચ ભુલાઈ પણ જાય. એક સારા નેતા બની દેશને દોરવાને બદલે સારા સંત બનવાનો મોહ વધુ હોય છે. ગાંધીજીને પણ દેશના વડા બની દેશને સ્થિરતા આપવાના બદલે મહાન સંત તરીકે મહાત્મા તરીકે ઓળખાવામાં વધુ રસ હતો. એક બહુ સારા વિદ્વાન સ્વાતંત્ર્યસેનાની એવા અરવિંદ પણ અંગ્રેજો પકડી નાં શકે માટે ફ્રેંચ કોલોની એવા પોંડીચેરીમાં આશ્રમ સ્થાપી બેસી ગયા દેશ ગયો બાજુ પર.. પરલોકની ચિંતામાં આ લોકને કોણ પૂછે છે?

અમેરિકનો રાજા તરીકે સ્થાપી દેવા તૈયાર હતા કારણ ત્યારે રાજાશાહી બધે ચાલતી જ હતી તો પણ જ્યોર્જ વોશીન્ગ્ટને બધું નકારેલું. ૧૭૮૯મા તેઓ અમેરિકાના પહેલા પ્રમુખ તરીકે ચૂંટાયા. ૧૭૯૨મા ફરી પ્રમુખ બન્યા. ત્રીજી વાર એમણે પ્રમુખ બનવાનું નકાર્યું અને એમના ખેતરો તરફ પાછાં વળી ગયા. અબ્રાહમ લિંકન કહેતા કે તમારે કોઈ માણસના ચારિત્ર્યની પરીક્ષા કરવી હોય તો એને સત્તા આપી જુઓ, પાવર આપી જુવો. બે વાર જ્યોર્જ વોશિંગટન સત્તા અને વર્ચસ્વ છોડીને મહાન પુરુષોની હરોળમાં આજે પણ અડીખમ ઉભા છે. મહાત્મા ગાંધીજીએ પણ સત્તાનો મોહ નહોતો રાખ્યો ફરક એટલો છે કે વોશિંગટને જરૂર પડે સત્તા સંભાળી, દેશને સ્થિર કર્યો અને પાછાં વળી ગયા.

નરેન્દ્ર મોદી હિમાલયની ખેપ બહુ વહેલા યુવાનીમાં જ મારી આવ્યા છે તે દેશ માટે સારું થયું કે ખોટું તે ભવિષ્ય બતાવશે, હમણા કશું કહેવાય નહિ.. હહાહાહાહાહા ..240px-Fourth_of_July_fireworks_behind_the_Washington_Monument,_1986

અંધશ્રદ્ધામાં શ્રદ્ધા

અંધશ્રદ્ધામાં શ્રદ્ધાimagesLHLH9QCB

સાંયા જુલા કરીને એક મહાન ભક્ત હતા. એજ યૂઝુઅલ ભક્તો મહાન જ હોય છે. ઈડર મહારાજના દરબારમાં એમનાં બેસણાં હતા. કયા મહારાજા હતા એમનું નામ ખબર નથી.. સાંયા જુલા કવિ પણ હતા એટલે જ કદાચ રાજદરબારમાં બેસતા હશે. આ મહાન ભક્ત દ્વારકાધીશના પરમ ભક્ત હતા. દ્વારિકામાં આરતી થાય એટલે ત્યાં હાજરી આપવાનો એમનો અચૂક નિયમ હતો. સાંયા જુલા રહેતા હતા ઈડર પણ રોજ સાંજની આરતી સમયે ૪૪૯.૨૫ કી.મી. અથવા ૨૪૨.૫૮ Nautical માઈલ્સ અથવા ૨૭૯.૧૫ માઈલ્સ દૂર સ્થિત દ્વારિકામાં હાજર રહેવાનો વિશ્વવિક્રમ ધરાવતા હતા. જો કે આજે આ વાત શક્ય છે ઈડરથી અમદાવાદ કારમાં જઈ પ્લેનમાં દ્વારિકા જઈને આરતીમાં હાજરી આપી પાછા ઈડર આવી શકાય. એજ યૂઝુઅલ ભગવાન ભક્તને કશું આપવા ઈચ્છે પણ મહાન ભક્તો સવિનય નાં પાડતા હોય છે. આ ભગવાનની મેન્ટાલિટી ની મને ખબર નથી પડતી, એક બાજુ એના દર્શન કરવા જનારા લોકોના ડીઝાસ્ટરમાં પ્રાણ હરી લે અને સાંયા જુલા જેવા ભક્તોને નાં પાડવા છતાં સાંઢણી પર પુરસ્કાર મોકલતા હોય છે.

એકવાર દરબાર ભરાયેલો છે અને ભક્તરાજ અચાનક હાથ પછાડતા હોય તેમ કરવા લાગ્યા. થોડીવાર પછી બધું રાબેતામુજબ થઈ ગયું. મહારાજાએ પૂછ્યું આપ શું કરતા હતા? એજ યૂઝુઅલ ભક્તે વાત ટાળવાની કોશિશ કરી. પણ રાજા માને? થયેલું એવું કે તે સમયે દ્વારિકામાં ભગવાનના વાઘા બદલવા પુજારી કશું કરતા હશે તે સમયે ભગવાન પાસે મુકેલા દીવા ને લીધે સમથીંગ આગ જેવું લાગેલું ભગવાન દાઝે નહિ માટે ભક્તે અહી ઈડરમાં બેઠા બેઠા હાથ પછાડી આગ હોલવી નાખી. આ ભગવાન કેટલો અસહાય છે નહિ? નથી કપડા જાતે પહેરી શકતો નથી તેની નજીક આગ લાગે તો હોલવી પણ શકતો નથી. હવે ભક્ત જુઠું બોલે તેવો અવિશ્વાસ તો કરાય નહિ. છતાં મનમાં અવિશ્વાસ તો છે જ એટલે મહારાજા કોઈ માણસ દ્વારિકા મોકલી તપાસ કરાવે છે. સી.બી.આઈ નો રીપોર્ટ આવે છે કે વાત સાચી છે તે સમયે દ્વારિકામાં ભગવાન આગળ નાનકડી આગ લાગેલી અને પુજારીએ કહ્યું કે સાંયાજી અહી ઉભા હતા તેઓએ આગ હોલવી નાખેલી. સિક્રેટ સર્વિસ એજન્ટે કહ્યું પણ સાંયાજી તો ઈડરમાં રહે છે અહી કઈ રીતે આવે? પૂજારીએ કહ્યું આ ભક્ત તો રોજ સાંજે અહી આવે છે આરતી ટાણે. સિક્રેટ સર્વિસ એજન્ટ એમ કાઈ કાચું મુકે ખરો? થોડા દિવસ ત્યાં રહીને ખાતરી કરી લીધી ભક્તરાજ રોજ ત્યાં આરતી સમયે હાજરી આપતા હતા.

ચાલો બીજી આવી એક વાર્તા જોઈએ. વડોદરા પાસેના છાણી ગામના સ્વ.મનસુખ માસ્તર ડાકોરના રણછોડરાયના ખાસ ભગત. દર પૂનમે ડાકોર જવાનું. શાળામાં દર પૂનમે રવિવાર હોય નહિ તો પણ ડાકોર જવાનું એટલે જવાનું. માસ્તર સ્વભાવે બહુ સારા હતા, વિદ્યાર્થીઓમાં પ્રિય હતા. એમના વિરોધીઓએ એમને નીચા પાડવાના કાવતરા કર્યા કરતા.  શિક્ષણ અધિકારીઓને ચેકિંગ માટે બોલાવતા પણ માસ્તરની સારી વર્તણૂક અને લોકપ્રિયતા જોઈ અધિકારીઓ દર વખતે એમનો બેપાંચ રૂપિયા પગાર વધારીને જતા રહેતા. છેવટે એક પૂનમે માસ્તર શાળા ચાલુ હતી છતાં ડાકોર પહોચી ગયા, અને અગાઉ ઘડી કાઢેલી  યોજના એમના દુશ્મનોએ શિક્ષણ અધિકારીને ચેકિંગ કરવા બોલાવી લીધેલાં.

આ બાજુ માસ્તર તો ડાકોરમાં હતા. એમને આજે રણછોડરાયની મૂર્તિમાં તેજ દેખાયું નહિ. બીજી બાજુ રણછોડરાયને ચિંતા થઈ કે મારા ભગતની નોકરી આજે જવાની, તો માસ્તરનું રૂપ લઈને શાળામાં આવી ગયા. અહીં શિક્ષણ અધિકારીઓ સાથે વાતો કરી. વિરોધીઓ નવાઈ પામ્યા કે માસ્તર તો ડાકોર હતા અને અહીં કઈ રીતે હાજર? અધિકારીઓ પાંચ રૂપિયા પગાર વધારી સ્ટેશને જવા રવાના થયા. અહીં સ્ટેશને મૂળ મનસુખ માસ્તર ટ્રેનમાંથી નીચે ઊતર્યા, સામે ટ્રેનમાં બેસવા આવેલા શિક્ષણ અધિકારીને જોઇને પગે પડી ગયા કે માફ કરો. અહીં બધાને નવાઈ લાગી કે માસ્તર તો શાળામાં હતા, અહીં ટ્રેઇનમાંથી આ કોણ ઊતર્યું? માસ્તર બોલી ઊઠ્યા કે હવે સમજ્યો કે આજે મૂર્તિમાં તેજ કેમ નહોતું દેખાતું? એનું કારણ એ હતું કે રણછોડરાય માસ્તર બનીને અહીં શાળામાં આવી ગયેલા. છાણી ગામમાં સ્વ. મનસુખ માસ્તરનું સ્મારક આજે ઊભું છે.

આ ભગવાન મારા કે તમારા રૂપ લઇ શકે પણ મહમદ ગઝની સોમનાથ કે બાબર ને રામ મંદિર તોડતા રોકી શકતો નથી. એના અક્ષરધામ પર હુમલા થાય ત્યારે સુઝાનસિંઘ જેવાને શહીદ થઈ જવું પડે છે. આપણે સમજીએ છીએ કે ઈશ્વર, ભગવાન, ગુરુ અને ધાર્મિક ગ્રંથો જેવા કહેવાતા ઊંચા તત્વોમાં અફર વિશ્વાસ રાખવો તે શ્રદ્ધા, અને ભૂત-પ્રેત, ડાકણ, ચુડેલ, જાદુટોનામાં વિશ્વાસ રાખવો તે અંધશ્રદ્ધા. ભગવાનને શીરો ધરાવો કે ભૂતને બાકળા મનોદશા બંનેની સરખી જ છે. એક નાળીયેર વધેરે અને એક બકરું વધેરે, વધેરવાનું કામ બંને કરે છે, બંનેના બ્રેનની સર્કીટ સરખી જ છે. પણ એક કહેવાય શ્રદ્ધા અને બીજું કહેવાય અંધશ્રદ્ધા. આપણે આદિવાસીઓ અને પછાત વર્ગના, ગરીબ વર્ગના લોકોની શ્રદ્ધાને અંધશ્રદ્ધા ગણાતા હોઈએ છીએ. ઊંચા અને ઊજળા પૈસાદાર શિક્ષિત વર્ગના લોકોની અંધશ્રદ્ધાને શ્રદ્ધા ગણાતા હોઈએ છીએ. કોઈ ગરીબનું કામ એના માનેલા માતાજી કરે તો અંધશ્રદ્ધા અને મનસુખ માસ્તરનું કામ રણછોડ કરી જાય તો શ્રદ્ધા. શ્રદ્ધાની વિરુદ્ધનો શબ્દ છે અશ્રદ્ધા, અંધશ્રદ્ધા નહિ. અંધશ્રદ્ધામાં જ શ્રદ્ધા સમાઈ જાય છે.

શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શી જરૂર છે તેવી ચવાઈ ગયેલી કોમેન્ટ્સ અહી કોઈએ કરવી નહિ.

પ્રકૃતિમાતા દસ મહાદેવીઓ રૂપે

 પ્રકૃતિમાતા દસ મહાદેવીઓ રૂપે.

આજે માતૃદિન મધર્સ ડે છે. ભારતમાં મધર્સ ડે ઉજવવાનો ખાસ રીવાજ નથી. હવે પશ્ચિમની દેખાદેખી ઉજવવા લાગ્યા હોઈએ તો બરોબર છે. અમેરિકામાં ક્રિસમસ પછી સૌથી વધુuntitled-0=9 ઉજવાતો દિવસ મધર્સ ડે છે. મતલબ આપણે ભલે જે માનતા હોઈએ પણ પશ્ચિમના લોકોમાં પણ માતાનું મહત્વ છે. માતા, માતૃત્વ, માતા સાથેનું સામાજિક જોડાણ, અને માતાની સમાજ ઉપર પડતી અસરો વગેરેનું બહુમાન કરવા માટે મધર્સ ડે ઉજવાય છે. અમેરિકનો મધર્સ ડે નિમિત્તે ૨.૬ બિલ્યન ડોલર્સ ફૂલો પાછળ, ૧.૫૩ બિલ્યન ડોલર્સ ગિફ્ટ પાછળ અને ૬૮ મિલયન ડોલર્સ ગ્રેટીંગ કાર્ડ્સ પાછળ વાપરે છે. મધર્સ ડે દિવસે અહી સૌથી મોટો તડાકો રેસ્ટોરન્ટ અને ઝવેરાતની દુકાનોમાં પડતો હોય છે. આ દિવસે રેસ્ટોરન્ટમાં જગ્યા મળવી મુશ્કેલ. હવે આ ઉપર લખ્યા તે ડોલર્સ ને રૂપિયામાં કન્વર્ટ કરો પછી જુઓ અમેરિકનો માતૃદિન પાછળ કેટલા બધા રૂપિયા વાપરે છે?

કુદરતને પણ આપણે માતા જ કહીએ છીએ. મધર નેચર કહીએ છીએ, ફાધર નેચર નથી કહેતા. એક બાળકના સર્જન પાછળ માતાનો રોલ બહુ મોટો અને મહત્વનો છે. આમ જોઈએ તો કુદરત પણ એક મોટા પાયા ઉપર માતા જ છે, એને મહામાતા પણ કહી શકીએ. આફ્રિકાની બોશોન્ગો જાતિમાં યુનિવર્સની ઉત્પત્તિ વિષે એક વાર્તા છે. શરૂઆતમાં ખાલી ગહન અંધકાર, પાણી અને મહાન ભગવાન બમ્બા(BUMBA)જ હતાં. બમ્બાનાં પેટમાં દુખાવો થયો. એમણે ઊલટી કરી. ઊલટીમાં પ્રથમ નીકળ્યો સૂર્ય, એણે થોડું પાણી સૂકવીને રહેવાય તેવી જમીન ખાલી કરી આપી. હજુ દુખાવો ચાલુ હતો. ફરી વોમિટ કરતા ચંદ્ર પેટમાંથી બહાર નીકળ્યો, પછી થોડા પ્રાણીઓ જેવાકે દીપડા, મગર, કાચબા અને ફાઈનલી માણસ બહાર નીકળ્યા. મુલે માણસ આફ્રિકાથી આખી દુનિયામાં ફેલાયો છે તે હકીકત છે અને જ્યાં જાય ત્યાં પોતાની સ્મૃતિઓ જોડે લઈને જ જતો હોય તે સ્વાભાવિક છે. માટે મને થયું અ એમનો બમ્બા આપણો બ્રહ્મા કે અંબા તો નહિ હોય? બમ્બા જોડે અંબાનો અને બ્રહ્મા નો પ્રાસ પણ કેવો સરસ મળે છે? શરૂમાં બધા સમાજો માતૃપ્રધાન હતા. આમ અંબાનું સ્થાન બ્રહ્માએ પચાવી પાડ્યું હોય તેમ પણ બને.

ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ આપણે સ્ટોરી ટેલીંગ ચિમ્પ છીએ. વાર્તાઓ કહેવી અને એ રીતે ઘટનાઓ ને વિવિધતામાં ઢાળવી અને આગળની પેઢીને આમ શિક્ષણ આપવું તે માનવજાતનો એક મહત્વનો ગુણ છે. બચપણમાં અમને રોજ રાત્રે અમારા માતુશ્રી એક વાર્તા કહેતા. રાજા-રાણીની વાર્તાઓ, રાજાનો જીવ પોપટમાં હોય ને પોપટ મરી જાય તો રાજા પણ મરી જાય ને આવી જાતજાતની વાર્તાઓ કહેતા. વાર્તાઓ કહેવી હોય એટલે પાત્રો પણ ઉભા કરવા પડે. વાર્તાઓ કહીને કોઈ વિચાર કે વિચારધારા કે તત્વજ્ઞાનનું શિક્ષણ આપવું હોય ત્યારે એમાં જાતજાતના પાત્રો ઉમેરવા પડે પ્રતીકો ઉભા કરવા પડે, એનું નામ તો ક્રિયેટીવીટી કહેવાય ને? માતૃપ્રધાન બુદ્ધિશાળી સમાજે ભાષાનું બહુ વૈવિધ્ય નહિ હોય કે ભાષા વૈભવ હજુ ઉત્ક્રાંતિ પામ્યો નાં હોય માટે સરસ મજાના પ્રતીકો રચીને એમનું જ્ઞાન આગળ ધપાવવા ટ્રાય કર્યો હોય. આપણા પુરાણો એમાં જ સર્જાયા હોવા જોઈએ. ગ્રીક માયથોલોજી જુઓ એમાં પણ આપણા પુરાણો જેવા પાત્રો છે. મહાન મનોવૈજ્ઞાનિક ફ્રોઈડે એ પાત્રોનો બાખૂબી ઉપયોગ કરેલો છે. અને એ પાત્રો ઉપરથી તેણે આજની મનોવૈજ્ઞાનિક ગ્રંથીઓ, કોમ્પ્લેક્સ, બીમારીઓ કે સ્થિતિઓને નામ પણ આપેલા છે. નાર્સીસ્ટ એનું ઉત્તમ ઉદાહરણ છે.

આમ માતૃપ્રધાન પ્રાચીન ભારતીય સમાજોએ કુદરતને જ એક મહાન માતા સમજી એના વિવિધરૂપ વર્ણવતા પ્રતીકો રચેલા છે જેને ભારતીય વિચારધારામાં દસ મહાદેવીઓ કહી છે. મોટાભાગે લોકો અંબા, દુર્ગા, મહાકાલી, ભવાની જેવી અમુક માતાઓને જ જાણતા હોય છે. નવી નવી માતાઓ પેદા કરતા હોઈએ છીએ. આપણે પ્રતીકો પકડીને બેસી જઈએ છીએ. રોડ રસ્તા ખૂણે ખાંચરે બધે પ્રતીકો સ્થાપીને ભજનિયા ગાવા બેસી જઈએ છીએ. એ પ્રાચીન સમયમાં ગણિતના ભારેખમ સમીકરણો હતા નહિ. આર્યભટ્ટ અને વરાહમિહિર બહુ પાછળથી થયા. માતૃપ્રધાન સમાજોએ સુંદર અને ભયાનક વાસ્તવિકતા દર્શાવતા પ્રતીકો રચ્યા હતા. દસ મહાદેવીઓ કઈ છે તે આજે કહું અને ઘણાને એમના નામ પણ નવા લાગશે. દસે મહાદેવીઓ પાર્વતીના રૂપ છે તે યાદ્ક રાખજો. માતા એક છે મધર નેચર એક જ છે પણ એના રૂપ વિવિધ છે. આ દસ મહાદેવીઓ છે,

૧)કાલી–અનંત રાત્રી ૨)તારા-દયાની દેવી ૩)ષોડશી-૧૬ વર્ષની સુંદર માતા ૪)ભુવનેશ્વરી-જગત રચયિતા ૫)છિન્નમસ્તા(છિન્નમસ્તીકા)-પોતાનું મસ્તક ઉતારનાર ૬)ભૈરવી-રીસાયકલ ૭)ધુમાવતી-વિધવા ૮)બગલામુખી-મૌનનું મહત્વ ૯)માતંગી-નિમ્ન વર્ગ અને વસ્તુમાં પણ બ્રહ્મ છે. ૧૦)કમલા-પાલનહાર.

૧) કાલી એ અનંત રાત્રી છે. રાત્રી ના હોય તો??  પશુ, પક્ષી, જીવ જંતુ અને માનવ બધા રાત્રે પોતાના માળામાં પાછાં ફરી તરોતાજા  થઈ સવારે સર્વાઈવલનાં યુધ્ધે ચડવા તૈયાર. રાત્રી સુખદાયી છે, ફળદાયી છે.  રાત્રે શરીરના ઘસાયેલા કોષ નવું સ્વરૂપ ધારણ કરે છે. અંધકાર શાશ્વત છે, પ્રકાશ નહિ.

૨) તારા દયાળુ છે. શિવજીએ ઝેર પીધું તો પોતાનું દૂધ પિવડાવી બચાવી લીધા એવી વાર્તા છે. ભગવાનને પણ માતૃશક્તિ જોઈએ. બાળક જન્મે ત્યારે માતાનું પહેલું કામ એને દૂધ પીવડાવી ઊર્જા આપવાનું હોય છે. પ્રાચીન સમાજો થી માંડીને હમણા મારી પેઢી સુધી બાળકને ચારપાંચ વર્ષ સુધી ધવડાવતા. માનું દૂધ ખાલી દૂધ નથી હોતું એમાં કુદરતી એન્ટાયબાયોટીક્સ પણ હોય છે. બાળક હજુ હમણા જન્મ્યું છે એના શરીરમાં હજુ ઈમ્યુન સિસ્ટમ વિકસતા થોડી વાર લાગશે. રોગપ્રતિકારક શક્તિ વિકસતા થોડીવાર લાગશે. માટે ઝેરી જીવાણું સામે લડવા તારા માતૃશક્તિ દૂધ પીવડાવી વહારે ધાશે.

૩) ષોડશી ૧૬ વર્ષની સુંદર માતા છે.  સોળ વર્ષે સ્ત્રી સંપૂર્ણ સુંદર હોય. અમાસથી સોળ દીવસે ચન્દ્ર્મા પૂર્ણ રૂપ ધારણ કરે છે. The age of consent કેનેડામાં ૧૬ વર્ષ છે, અમેરિકામાં જુદા જુદા રાજ્યોમાં ૧૬ થી ૧૮ વર્ષ વચ્ચે નક્કી કરેલી છે, ભારતમાં ૨૦૧૨ સુધી ૧૬ વર્ષ હતી હવે ૧૮ વર્ષ છે. ષોડશી ત્રણે ભૂવનમા સૌથી સુંદર ત્રિપુરા સુંદરી છે. ષોડશીની ક્રુપા અને શક્તિ વડે સુર્યે ત્રણ ભુવન રચ્યા. દુનિયાની રચના કરી એ બની ભુવનેશ્વરી.

૪) ત્રણ ભુવન રચનારી ભુવનેશ્વરીનું સ્થાન પુરુષપ્રધાન સમાજ આવતા બ્રહ્માએ પડાવી લીધું ને ભુવન રચયિતા તરીકે જાણીતા થઈ ગયા. ભુવનેશ્વરી જગતની સુંદરતમ માતા છે.

૫) માતા પાર્વતી એકવાર સ્નાન કરવા જતા હોય છે. એમની બે દાસીઓ જયા અને વિજયા ભૂખી થાય છે. માતા પોતાનું જ મસ્તક ઉતારી ને હાથમાં લઈ લે છે. ધડમાંથી ત્રણ ધારા લોહીની થાય છે. એક જયાના, બીજી વિજયના અને ત્રીજી માતાના પોતાના હાથમાં પકડી રાખેલા મુખમાં પડે છે. આ થઈ માતા છિન્નમસ્તા(છિન્નમસ્તીકા). કમળ ઉપર એક યુવાન સ્ત્રી અને પુરુષની જોડી મૈથુનમાં રત છે, એની ઉપર માતા છિન્નમસ્તા બેઠી છે. કામ(સેક્સ) ઊર્જા છે. કામ શક્તિ છે. નવજીવન અને નવસર્જન, એકનું મ્રુત્યુ બીજાનું જીવન છે. એકની ખતમ થઈ રહેલી જીવન  ઊર્જા બીજાનું જીવન બની શકે છે. છિન્નમસ્તાનું પ્રતીક ભયાનક છે, પણ ખૂબ સમજ માગી લે તેવું છે. છિન્નમસ્તા વાસ્તવીકતાની મૂર્તિ છે.કામ(સેક્સ), મૃત્યુ, સર્જન, વિસર્જન, નવસર્જનનુ પ્રતીક છિન્નમસ્તા છે.imagesFDNYF7S6

૬) માતા કાલીનું વિધ્વંસાત્મક રૂપ ભૈરવી, નકરાત્મક લાગણીઓનું પ્રતીક છે. ક્રોધ, ઈર્ષ્યા, નપુંસકતા, સ્વાર્થ બધે ભૈરવી હાજર છે. સર્જન અને વિસર્જન બન્ને એકબીજા પર આધારિત છે. ભૈરવી સર્વવ્યાપી છે. પ્રલયની દેવી ભૈરવી મૃત્યુ તરફ ધસી રહેલા જીવનમાં સદા હાજર છે.

૭) ધુમાવતી કદ્રૂપી, ક્રોધન્વિત, અસ્વચ્છ, ગંદા વસ્રોમાં સજ્જ છે. શીવ પત્ની સતી એક્વાર ખૂબ ભુખ્યા થયા. શીવ પાસે ભોજન માગ્યું. શીવે ઇન્કાર કર્યો તો સતી પોતે પતીને જ ગળી ગયા ને જાતેજ વિધવા બન્યા. સદાય તરસ્યા અને ભુખ્યા ધુમાવતી કદી ત્રુપ્ત ના થતી ઇચ્છાઓનું પ્રતીક છે.

૮) વાક્સિદ્ધિ મેળવેલ દાનવની જીભને પકડી રાખનાર બગલામુખી જે સ્વાદ અને બોલવાની શકિત ધરાવનાર જીભ પર કાબૂ રાખવાનું પ્રતીક માત્ર છે.

૯) ચાંડાલની પુત્રી રુપે ભગવાન શિવ સાથે પ્રેમમાં ઊતરનાર પાર્વતીને નામ મળ્યું ઉચ્છિષ્ઠા માતંગી. દેવીએ વધેલો એંઠો ઉચ્છીષ્ઠ ખોરાક ગ્રહણ કરેલો. કોઈનું એઠું કોઈનો ખોરાક બને છે. પછાત કોમો રોજ સાંજે માંગી ને ખાતી હતી. ચાંડાલ એટલે સાવ છેવાડાની જાતી. દેવી એના પુત્રી બન્યા, એવું રૂપ ધારણ કર્યું. પરમેશ્વરી માટે કોઈ નીચું નથી, કોઈ ઉન્ચુ નથી. કોઈ શૂદ્ર નથી, કોઈ બ્રાહ્મણ નથી. કોઈ જાતી જ નથી. ખાલી બધા માનવો છે. પરમેશ્વરી માટે એક જંતુ અને માનવ પણ સરખાં મહત્વના છે.

૧૦) કમલા એ લક્ષ્મીનું રૂપ છે. વૈભવ, ફળદ્રુપતા અને ભાગ્યની આ દેવી સૌથી વધારે પ્રચલિત છે. પણ પાછળથી આ દેવીને વિષ્ણુની પત્ની બનાવી દીધી લાગે છે. સર્વાઈવલ થવા માટે આ દુનિયામાં ધન-વૈભવની બહુ મોટી જરૂર પડતી હોય છે. નવું વર્ષ એટલે દિવાળી લક્ષ્મીનો તહેવાર છે, કમલાનો તહેવાર. પણ આપણે શું કર્યું? પ્રદૂષણનો તહેવાર બનાવી બેઠાં છીએ. દરેક દેવી પાસેથી લગભગ સર્જન, પાલન અને વિસર્જનનો સંદેશ મળે છે. મોટાભાગની દેવી પુરુષ પર વિરાજમાન છે. અમુક દેવીઓ મૈથુન મગ્ન જોડી ઉપર વિરાજમાન છે.

આ બધા પ્રકૃતિમાતાના વિવિધ રૂપ છે, વિવિધ સ્વભાવ છે. પ્રકૃતિ ક્યારેક દયાળુ લાગે છે અને ક્યારેક ડીઝાસ્ટર આવે ત્યારે ક્રૂર લાગે છે પણ પ્રકૃતિ નાં તો દયાળુ છે નાં તો ક્રૂર, એ એનું કામ કરે જાય છે. આ સુંદર પ્રતીકોને સમજવાના છે. એમની પાછળ અંધ બની એમને પકડી રાખી એમાં રચ્યાપચ્યા રહેવાની જરૂર નથી. મહાકાલીનાં ભક્ત ઠગોએ ભારતમાં એક સમયે આતંક ફેલાવી દીધેલો. પીળા રૂમાલની રેશમી ગાંઠે અસંખ્ય લોકોના પ્રાણ  હરી લીધા. તમામ હત્યાઓ મહાકાલીને અર્પણ ગણાતી. અંગ્રેજોના ધ્યાનમાં આવતા આ હજારો સીરીયલ કીલર્સને સામટાં લટકાવી દીધા હતાં. એના માટે સ્થાપેલી સ્પેશિયલ બ્રાંચ હજુયે ભારતમાં સી,આઈ.ડી ક્રાઇમ બ્રાંચ તરીકે ઓળખાય છે.  આ બધી ચિત્ર ભાષા છે. યુગે યુગે ભગવાન બદલાઈ જતા હોય છે. પહેલા આ દેવીઓની પૂંજા થતી હતી. પછી વૈદિક ધર્મ આવ્યો. વાવાઝોડા અને નેચરલ ડીઝાસ્ટરનાં દેવો આવ્યા, જેવાકે ઇન્દ્ર, વરુણ. હવે બ્રહ્માને કોઈ પુછતુ નથી. પુષ્કરમાં એકજ મંદિર છે. સૂર્યના મંદિર પણ ખાસ હોતા નથી. મોઢેરામાં અને વડોદરામાં સુર્યનારાયણ બાગમાં સૂર્ય મંદિર છે.

જો તમે સમજતા હો કે મહાકાલી કોઈ જગ્યાએ ગાળામાં નરમુંડ ની માળા લટકાવીને ફરતી હશે તો ભૂલમાં છો. જો તમે સમજતા હો કે બગલામુખીના કોઈ ઠગ ભક્તે રચેલા મંત્રો બોલી બોલીને હું સિદ્ધિઓ મેળવી લઈશ તો તમે ભૂલમાં છો.

આજે માતૃદીને પ્રકૃતિના માતા તરીકેના વિવિધ રૂપને માણો, પોતાની માતામાં સમગ્ર પ્રકૃતિની અનુભૂતિ કરો. અને છેવટે પોતાની માતાને લઈને મસ્ત મજાનું ભોજન કરાવી આવો. એક દિવસ તો એને રસોડામાંથી મુક્તિ આપો.