ફેસબુક કે વોટ્સપ ગૃપથી કંટાળો આવે છે?
એક મિત્રે રૂબરૂ મુલાકાત દરમ્યાન કહેલું કે આ બધા ગૃપ્સથી કંટાળો આવે છે. તો જવાબમાં.
મેમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છે અને સમૂહ એટલે ગૃપનો એક લીડર હોય, આ આદ્ય સત્ય છે. કુટુંબ, ગામ, જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાયની જેમ બીજા રીયલ સમૂહો હોય છે એમ વોટ્સપ કે ફેસબુક ગૃપ વર્ચ્યુઅલ સમૂહ છે. રીયલ સમૂહમાં એટલે કુટુંબ કબીલામાં જે રીતે ચાલતું હોય એવું જ આ વર્ચ્યુઅલ સમૂહમાં ચાલતું હોય. મેમલ બ્રેન રીયલ અને વર્ચ્યુઅલ સમૂહ બંનેમાં સરખી રીતે જ બિહેવ કરતું હોય છે. રીયલ સમૂહમાં એક નેતા હોય એલ્ફા હોય એમ વર્ચ્યુઅલ સમૂહના નેતા જેને એડમિન કહીએ છીએ, એને મદદ કરનારા બેચાર બીટા મેમલ્સ એટલે કો-એડમિન્સ હોય. એલ્ફા એકલો બધે પહોંચી ના વળે એટલે એણે બેચારપાંચપંદર બીટા રાખવા પડે જે આખાય ગૃપને કંટ્રોલ કરે દબડાવે. એલ્ફાની નજીક રહેવા આ પાછા અંદરોઅંદર દમદાટી કરે.
સમૂહ, સ્ટેટસ, સર્વાઈવલ અને સેક્સુઅલ રીપ્રોડક્શન આ ચાર અલ્ટિમેટ ટ્રુથ્સ છે. આ કોઈ મારી મનઘડંત થિયરી નથી. દુનિયાભરના બાયોલોજિસ્ટોએ આખી દુનિયાના માનવસમૂહો સાથે તમામ પ્રાણી જગતના સમૂહોના બ્રેનના અને બિહેવ્યરના અભ્યાસ પછી બહાર પાડેલી થિયરી છે. જેમ કુટુંબ, ગામ, પક્ષ, રાજ્ય, દેશ, ધર્મ આ બધા સમૂહો છે એમ ફેસબુક ગૃપ કે વોટ્સપગૃપ બધા સમૂહો જ છે. જેમ રિયલ સમૂહમાં પક્ષાપક્ષી, જોહુકમી, દાદાગીરી, નબળાનું શોષણ, ઢીલાંનું મૌન જેવા દુષણો હોય છે એવાં જ દુષણો વર્ચ્યુઅલ ગૃપોમાં પણ હોય જ છે. આ તમામ ગૃપો એના સ્થાપકનું એક રજવાડું જ હોય છે. રીયલ સમાજમાં વડા ના બન્યા, એલ્ફા ના બન્યા તો વર્ચ્યુઅલ સમાજમાં બનો. માનવી સ્ટેટ્સ સિકીંગ એનિમલ છે, એટલે એડમિન એક જાતનું સ્ટેટ્સ છે. ઘરમાં બા કે બાપુજી અમથા અમથા છોકરાંને ધમકાવે એમ ગૃપના એડમિન્સ પણ એવું જ કરતા હોય છે. લેશન કર્યું નથી? ખાવા નહિ મળે. લેશન કર્યું હોય તો કહેશે અક્ષર સારા નથી કાઢ્યા. તોફાન કર્યું? બે કલાક ઘરના બહાર ઊભો રહે. એવું વર્ચ્યુઅલ ગૃપમાં પણ ચાલતું હોય છે, આઠ દિવસ માટે સ્નૂઝ કરવામાં આવશે, ૩૦ દિવસ માટે મ્યૂટ કરવામાં આવશે. ઘરમાં કે સમાજમાં પાંચીયુ ય આવતું ના હોય પણ ગૃપમાં એમની દાદાગીરી જબરી હોય છે. રીયલ સમાજમાં પહેલાં ના ગમતા માણસોને નાતબહાર મુકવામાં આવતા એમ વર્ચ્યુઅલ ગૃપમાં બ્લોક કરવામાં આવે છે.
રીઅલ ગૃપનો એલ્ફા નબળો હોય તો બીટા એટલે બીજા નંબરની દાદાગીરી વધી જતી હોય છે ને એલ્ફા બીટા આગળ બોલી શકતો નથી. દા.ત. શિવાજીના એલ્ફા વારસદારો નબળા હતા તો બીટા પેશ્વાનું જ રાજ ચાલતું હતું. પેશ્વા એલ્ફા બન્યા પછી નબળા પડ્યા તો એમના બીટા જે સેનાપતિઓ હતા, ગાયકવાડ, સિંધિયા, હોલકર પોતે જ રાજાઓ બની બેઠા. કેશુભાઈ એલ્ફા નબળા પડ્યા તો એમના સહિત બીજા તમામ બીટાને હટાવી મોદી ગુજરાતના એલ્ફા બની ગયા. એલ્ફા ધ્યાન રાખતો હોય છે કે કોઈ બીટા વધારે સક્ષમ બની જાય નહિ, બાકી એની ગાદી જોખમમાં. એટલે સમયે સમયે બીટાની પાંખો કાપતો રહેતો હોય છે. નવો કોઈ બીટા પાવરફૂલ બનવા લાગે તો એને સમાપ્ત કરી નાખવામાં આવે છે. ઍલ્ફા તમારો ઉપયોગ કરવા માંગતો હોય છે, એના સમર્થક ના રહો તો તે તમારું સર્વસ્વ છીનવી લેતો હોય છે. જેના માટે અને જેના વિકાસ માટે તથા તેના ટોચ પર બની રહે તે માટે સખત મહેનત કરી હોય તે તમારું સામાજિક જીવન બરબાદ કરી શકે છે. ઍલ્ફાને હંમેશા ડર લાગતો હોય છે કે નંબર ટુ એનું સ્થાન પડાવી લેશે.
બીટા હંમેશા નંબર વન ઉપર દ્રષ્ટિ રાખતો હોય છે, ઍલ્ફા નબળો પડે તેની રાહ જોવાતી હોય છે. સતત ઍલ્ફાની નજીક રહેવામાં ભવિષ્યમાં લાભ હોય છે. જેથી ઍલ્ફા કોઈ કારણવસ ખસી જાય તો ઍલ્ફા બનવાનો મોકો બીટા પ્રાપ્ત કરી શકે. આમ ઍલ્ફાની સતત નજીક રહેવા માટે ત્રીજા ચોથા નંબર ઉપર ક્રૂરતા રાખવી પડતી હોય છે, એમને સતત દબાવવા પડતા હોય છે. આમ નંબર બે એની નીચેની વ્યક્તિઓ તરફ રુક્ષ હોય છે, એમની સતત અવહેલના કરતો હોય છે. નંબર બે એના પછીની હરોળમાંથી કોઈ પ્રતિભાશાળી હોય તો એને વહેલો નાશ કરી દેવા જાતજાતના નુસખા અપનાવે છે. આ સ્ટ્રેટેજી કાયમ રહેતી હોય છે. બીજેપીમાં બાજપેઈ પછી બીટા અડવાણીએ બે નંબરની તમામ હરોળ યેનકેનપ્રકારેણ પતાવી દીધેલી જેથી અટલજી પછી એલ્ફા બનવામાં કોઈ નડે નહિ. મોદી એમની નજરમાં આજ્ઞાકારી કોઈ નંબર વગરના હતા બાકી એમની કારકીર્દી ક્યારની ખતમ કરી નાખી હોત. વર્ચ્યુલ ગૃપ્સમાં પણ બીટા એડમિન એના માની લીધેલા નીચા નંબરના એડમિન્સ પ્રત્યે રૂક્ષ કઠોર વલણ અપનાવતા હોય છે.
રીયલ અને વર્ચ્યુઅલ ગૃપ્સમાં પણ મેમલ બ્રેન સરખી રીતે જ બિહેવ કરતું હોય છે. એ રીયલ અને વર્ચ્યુઅલનો તફાવત પારખતું નથી. જેમ રીયલ સમૂહમાં કાવાદાવા જૂઠનો ગોબેલ્સ પ્રચારનો ઉપયોગ થતો હોય છે એમ વર્ચ્યુઅલ ગૃપ્સમાં પણ જૂઠ અને કાવાદાવાનો ઉપયોગ થતો હોય છે. દા.ત. કોઈ છોકરા કે છોકરીના સંબંધની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય અને એના કોઈ સગાને એ વાત પસંદ ના આવતી હોય તો સંબંધ ના થાય એ માટે છોકરા કે છોકરીના નજીકના સંબંધીને ખાનગીમાં કહી આવશે કે આને તો ફલાણા જોડે લફરું છે. પેલા લોકો ચોખવટ કે વાતની સચ્ચાઈની ખાતરી કર્યા વગર સંબંધ નહિ કરે ને પેલા વિઘ્નસંતોષીનું કામ થઈ જશે.
વર્ચ્યુઅલ ગૃપમાં પણ જૂઠનો સહારો લેતા હોય છે. આવી એક જગ્યાએ કેટલાક લોકો મારી પાછળ પડેલાં ને ટ્રોલ કરતાં હતાં. મે એમની ટ્રોલ કરતી કોમેન્ટ્સ નીચે ચર્ચા જ નહોતી કરી. મારી કોમેન્ટ કે પોસ્ટ જ ડિલીટ કરેલી જેથી વાત આગળ વધે નહિ, છતાં એવો આક્ષેપ કરવામાં આવ્યો કે સભ્યતાથી વર્તતા નથી. હાહાહા એલા ભાઈ ચર્ચા જ કરી નથી તો ચર્ચામાં અસભ્યતા આવી ક્યાંથી? રાહૂલનો તાજો દાખલો જુઓ. એના વિડીયો મે જોયા એ કહે છે આ અંદરનો મામલો છે સોલ્યુશન પણ અંદરથી આવશે. હા! ભારતમાં બોલવા દેતા નથી, લોકશાહી જોખમમાં છે પણ વિદેશોએ ઇન્ટરફિયર થવું જોઈએ એવું તો એણે કહ્યું જ નથી, છતાં માફી મંગાવવા કેટલો હોબાળો કર્યો?
રીઅલ સમાજમાં અધૂરી વાતો અને અર્થના અનર્થ કરવામાં આવે છે એમ ફેસબુક વોટ્સપ ગૃપ્સમાં પણ કરવામાં આવે છે. દા.ત. તમે મારા મિત્ર કે મિત્રાણી છો. ઇનબોક્સમાં જ્હોનીવોકરની કોઈ બોટલનો ફોટો મુકો અને લખો કે મારો આજનો બંદોબસ્ત. હું જવાબમાં મારા બારનો ફોટો મુકીશ કે મારે તો ઘરમાં જ બાર બનાવ્યો છે. મને વર્કઆઉટ કરવાનો શોખ છે તો થોડા એના ફોટા પણ મુકુ. આ એક નિર્દોષ વાતચીત કે ફોટાની આપલે છે. હવે કાલે સંબંધ બગડે તો તમે બીજા લોકો આગળ શું કહેશો? અધુરી વાત કરશો કે આમણે મને બારના અને જિમના ફોટા મોકલ્યા પણ તમે મને જ્હોનીવોકરનો ફોટો પહેલા મોકલેલો એ નહિ કહો. આતો જસ્ટ દાખલો આપ્યો છે.
રીયલ સમાજમાં સીધા ફટાફટ દિલફેંકનારા સ્ત્રીપુરુષો હોય છે એમ વર્ચ્યુઅલ ગૃપમાં પણ હોય છે. રીયલ સમાજમાં ધીમે ધીમે દિલ ઉઘાડું કરનારા સ્ત્રીપુરુષો હોય છે એમ વર્ચ્યુઅલ ગૃપ્સમાં પણ ધીમે ધીમે હળવે હળવે દાણા નાખનારા સ્ત્રીપુરુષો પણ હોય છે. આ બધી બાબતોમાં મેમલ બ્રેન ડિસ્ક્રીમિનેશન કરતું નથી, સ્ત્રીઓ પણ પુરુષોની જેમ જ બરોબર ભાગ લેતી હોય છે. કાવાદાવા, જોહુકમી, પ્રપંચ, ટ્રોલિંગ, આઘીપાછી, ચાડીચૂગલી, જૂઠનો સહારો લેવો બધી વાત સ્ત્રીપુરુષો સમાન ભાગ ભજવતા હોય છે સરખો રસ લેતાં હોય છે।
રીયલ સમૂહમાં એલ્ફા થોડો સીધો કે નબળો હોય તો બીટા સમૂહ ઉપર બહુ ધોંસ જમાવતા હોય છે, ઘરમાં બાપુજી ઢીલા હોય તો બા બહુ જોર કરતાં હોય. એ બંને નરમ હોય તો મોટાભઈ કે મોટીબેનનું રાજ ચાલતું હોય છે, જેને આપણે ચા કરતાં કીટલી ગરમ કહીએ છીએ. ઘરમાં મા કે ભાઈ કે બહેનની ચડવણીથી ગુસ્સે થઈ બાપુજી નાનકા ને કે મોટાને ધીબેડી નાખે બરોબર એવું વર્ચ્યુઅલ ગૃપમાં પણ હોય છે, સામાન્ય સભ્યો ધીબેડાઈ જાય છે. મુખ્ય એડમિન ક્યાંય પડ્યા હોય ને કો-એડમિન ચા કરતાં કીટલી ગરમ. એમાંય પોતે કશું હાંસિલ કર્યું ના હોય એવાં બાપના પૈસે રખડી ખાતાં લોકો એડમિન બને તો પછી એમનો પારો સાતમા આસમાને ચડી જતો હોય છે. એ પોતાને વોડાફોનના સીઈઓ કે દીવ-દમણના ગવર્નર સમજતા હોય છે.
ટૂંકામાં રીઅલ સમૂહમાં સમાજમાં જે ચાલતું હોય છે એજ વર્ચ્યુઅલ ગૃપ્સમાં પણ ચાલતું હોય છે. એટલે ક્યારેક સમાજના કાવાદાવાથી તમને કંટાળો આવે છે ને દૂર હિમાલય જતાં રહેવાનું તમને મન થાય છે એમ વર્ચ્યુઅલ ગૃપ્સથી પણ તમને ભાગવાનું મન થાય છે.😄
Bhupendrasinh R Raol
