ભૂખ્યા ઊઠાડે પણ ભૂખ્યા સૂવાડે નહિ, ખોટી વાત છે.

નવી પેઢીને કદાચ ખબર હોય કે ના હોય. અમે નાના હતાં ત્યારે કોઈ જમણવારમાં જઈએ તો પતરાળાં અને પડીયા પહેલાં આવે પછી એમાં પીરસણીયા વારાફરતી બધું પીરસે આપણે જમવાનું. બધાને ખાવું હોય એટલું સરખું જ પીરસાય. ઘણા વધુ લઈ લે અથવા વધારે પીરસાઈ પણ જાય. બગાડ પણ થાય, પણ કોઈ ભૂખ્યું ના રહી જાય. ઘણી જગ્યાએ પોતાની થાળીઓ લઈને જવાનો પણ રીવાજ હતો. સુખી ઘરના ત્યાં જમણવાર હોય કે જાનમાં મોંઘેરા મહેમાન તરીકે જઈએ તો પાટલા મંડાય ને ચકચકીત થાળીઓમાં જમવાનું પીરસાય. પતરાળાં પછી સ્ટીલની થાળી વાટકા આવ્યાં, ત્યાર પછી મેલામાઈનની ડીસો આવી, જમીન પર બેસવાનું બંધ થયું ટેબલ ખુરશી આવી ગયા પણ પીરસવાનું ચાલું હતું.

હવે બુફે સિસ્ટમ આવી ગઈ છે. ટેબલ પર બધું મૂકેલું હોય એમાંથી જાતે લઈ લેવાનું. જો કે આપણને મદદ કરવા ટેબલ પર મૂકેલું હોવા છતાં, જાતે લેવાનું હોવા છતાં જૂની આદતો જલ્દી જાય નહિ એટલે પાછા ત્યાં પણ પીરસણીયા ઊભા રાખતા હોઈએ છીએ તે અલગ વાત છે.

આ ૧૫૩ શબ્દોની પ્રસ્તાવના ઉપર મુજબ એટલે ઠોકી કે આપણે એવું માની બેઠાં છીએ કે કુદરતના જમણવારમાં બધાને જોઈએ તેટલું મળી રહે છે. કુદરત જાણે જૂના જમાનાના જમણવાર જેવી હોય, આપણે આરામથી બેસવાનું અને કુદરત નવરી હોવાથી દરેકને એના પેટ પ્રમાણે આપણ બાદશાહોને પીરસવા આવે. એટલે આપણા તત્વજ્ઞાનીઓ પણ તત્વજ્ઞાન ઠોકતાં હોય છે કીડીને કણ હાથીને મણ, તને પણ, મને પણ. બધાને જરૂર પૂરતું મળી જ રહે છે. દાંત આપ્યા હોય તો ચાવણું આપે જ છે. ભૂખ્યાં ઊઠાડે પણ ભૂખ્યાં સુવાડે નહિ. વગેરે વગેરે અવાસ્તવિક વારતાઓ માંડતા હોય છે. વાસ્તવમાં એવું હોતું નથી કારણ ભૂખ્યાં સૂનારા કદી તત્વજ્ઞાન પીરસવા આવતા નથી. ભર્યાપેટ વાળા બધાં જ્ઞાન પીરસતાં હોય છે.

ખરેખર કુદરતનું રાજ બુફે ડીનર જેવું છે. એ તમને પીરસવા નવરી નથી, એ ના તમારી થાળીમાં પીરસવા આવે ના થાળીમાંથી છીનવી લેવાં. એના ટેબલ પર બધાને બધુ જ મળી રહે તેટલું બીછાવેલું જ છે. હવે તમારે તમારી રીતે જાતે લેવાનું છે. જરૂર કરતાં વધારે ના લઈને બીજાના ભાગમાં આવવા દેવાની સમજ તમારે જ કેળવવાની છે. પણ આપણે એવું કરતા નથી. કુદરતના ટેબલ પર લૂંટાલૂંટ ચાલી રહી છે. એટલે જે જબરા છે એ જરૂર કરતાં વધારે મેળવી જાય છે ને નબળા ભૂખે મરે છે, ટાઢે મરે છે, તડકે તપે છે. એમાંથી પછી નક્સલ જેવા હિંસક વાદ પેદા થાય છે.

વાસ્તવિકતા એ છે કે ભારતમાં ૧૪૦ કરોડમાંથી ૮૩ કરોડ લોકો રોજના ૨૦ થી ૩૫ રૂપિયામાં જીવન ચલાવે છે ને લગભગ ૨૦ કરોડ લોકો રાતે ભૂખ્યાં સૂઈ જાય છે. ભૂખમરા સૂચકાંકની યાદીના ૧૧૯ દેશોમાં ૧૦૩ નંબર ઉપર આવી ગયાં છીએ, જ્યાં ભૂખ્યા ઊઠાડે પણ ભૂખ્યા સૂવાડે નહિ તેવી ફિલોસફી સૌથી વધુ ચાલે છે. આવી બકવાસ ફિલોસોફી માથે મારનારા કદાચ પેલા જબરા આડેધડ લૂંટણીયાઓના પ્રતિનિધી પણ હોઈ શકે અથવા એમાંના જ એક હોવાની સંભાવનાઓ વધુ હોઈ શકે, 😂😂😂: ભૂપેન્દ્રસિંહ રાઓલ. સાઉથ એબિન્ગટન, પેન્સિલવેનિયા..

One thought on “ભૂખ્યા ઊઠાડે પણ ભૂખ્યા સૂવાડે નહિ, ખોટી વાત છે.”

  1. આવી બકવાસ ફિલોસોફી માથે મારનારા કદાચ પેલા જબરા આડેધડ લૂંટણીયાઓના પ્રતિનિધી જ હતા અને છે.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s