
દયાનંદ સરસ્વતી મૂળ મોરબીના ટંકારા ગામના પણ એમનો પ્રભાવ પંજાબ હરિયાણામાં બહુ મોટો. આઝાદી પહેલાના સમયના મોટાભાગના હરિયાણા પંજાબના સ્વાતંત્ર્ય સેનાનીઓ આર્યસમાજી અને દયાનંદ સરસ્વતીની વિચારધારાને માનવાવાળા હતા એમાં લાલા લજપતરાય પણ હતા.
શહીદ ભગતસિંહના દાદા અર્જુનસિંહ દયાનંદ સરસ્વતીના ફોલોઅર હતા, અને એની અસર ભગતસિંહ ઉપર ચોક્કસ હતી, જોકે ભગતસિંહ પોતે નાસ્તિક હતા, અનિશ્વરવાદી હતાં. દયાનંદ સરસ્વતીએ સત્યાર્થ પ્રકાશમાં સ્વામિનારાયણ અને વૈષ્ણવ સંપ્રદાયો સાથે બીજા ધર્મો સંપ્રદાયોની બરોબર ઝાટકણી કાઢેલી.
ગુજરાતમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયનું બહુ મોટું જોર એટલે ગુજરાત લગભગ પોતાના પનોતા પુત્ર દયાનંદ સસ્વતીને ઇરાદાપૂર્વક ઇગ્નોર કરે તે સ્વાભાવિક છે પણ પંજાબ હરિયાણાએ એમની સારી કદર કરી છે. આમેય ઘેલા ગુજરાતીઓને યુપી બિહારના બાવાઓ હાથે લૂંટાવામાં બહુ આનંદ આવતો હોય છે. કોઈ કોઈ મરાઠી પણ લૂંટી જાય સ્વાધ્યાયના બહાને.
હરિયાણાના રોહતકમાં હરિયાણા સરકારની મહર્ષિ દયાનંદ યુનિવર્સીટી આવેલી છે. ગુજરાતમાં દયાનંદનું કશું ના મળે છો ગુજરાતમાં જન્મેલા.
રાજા મહારાજાઓ સ્વામીજીના ભક્ત હતા. જોધપુર મહારાજાને ત્યાં સ્વામીજી મહેમાન હતાને એમના રસોયાને ફોડી દૂધમાં ઝેર આપવામાં આવેલું. એમાં સ્વામીજી ભયકંર બીમાર પડ્યા. રસોયા જગન્નાથથી રહેવાયું નહિ એણે સ્વામીજી આગળ કબૂલાત કરી લીધી. સ્વામીજીએ એને પૈસાની કોથળી આપી કહ્યું બને એટલો દૂર જતો રહેજે નહિ તો મારો ભક્ત રાજા તને સુળીએ ચડાવી દેશે. જોધપુર મહારાજાએ એમની ખુબ સારવાર કરાવી છેવટે અજમેર આરામ કરવા મોકલ્યા ત્યાં એમનો દેહાંત થયો. : ભૂપેન્દ્રસિંહ રાઓલ, યુએસએ.