સ્વૈચ્છિક સામાજીક એકલતા

સ્વૈચ્છિક સામાજીક એકલતા

Acute Social Withdrawal

Hikikomori

સ્વૈચ્છિક સામાજીક એકલતામાં સરી પડનારા બધા પાગલ નથી હોતા પણ વધતે ઓછે અંશે નાની મોટી માનસિક તકલીફો જરૂર હોય છે. રાજકોટમાં નવિન મહેતાના બે દિકરા અને એક દિકરી ૧૦ વરસ એક રૂમમાં કે એક ઘરમાં બંધ હાલતમાં રહ્યા એ કિસ્સો બહાર આવ્યો એટલે ઘણા બધા મિત્રોને એ વિષે જાણવાનું મન થાય કે કેમ આવું થતું હશે?

ઘણા બધા લોકો પેરાનોઈડ સ્કિઝોફ્રેનિયા, બાયપોલર, ડિપ્રેશન, એંગ્ઝાઇટી, ફોબિયા, જેવી જાતજાતની માનસિક બિમારીઓથી પીડાતા હોય એટલે એમને આવી રીતે એક ઘરમાં બંધ કરી દેવાતા હોય છે કે જાતે પુરાઈ જતા હોય છે. પેરાનોઈડ સ્કિઝોફ્રેનિયાના દર્દીઓ હિંસક તોફાન કરતા હોય તો એમના માબાપ સગવહાલા એમને ઘરમાં બંધ કરી પણ દે.

પરંતુ આવી રીતે સ્વૈચ્છિક સામાજીક એકલતમાં સરી પડનારાઓમાં મુખ્ય ભય એમને સમાજ નહિ સ્વીકારે એ હોય છે. અથવા સમાજ સ્વીકારતો નથી, ધુત્કારે છે, તો હવે આપણે સમાજમાં તદ્દન જવું જ નથી એવો આક્રોશ પણ હોય છે. સમાજ પ્રત્યે એક રીતે નારાજ છે આ લોકો એટલે પોતાની જાતને ઘરમાં બંધ કરી દે છે. જાપાનમાં આવા લોકોને હીકીકોમોરી કહે છે. જાપાનમાં આશરે એવરેજ ૩૧ વરસના ૭ લાખ હીકીકોમોરી છે જેઓએ પોતાની જાતને ઘરોમાં બંધ કરી દીધી છે. પણ આમાના બધા સાવ પાગલ હોતા નથી કે રાજકોટના કેસની જેમ ગંદા ગોબરા રહેતા નથી. આવા લોકો દિવસે લગભગ ઊંઘે છે આખી રાત જાગે છે, ટીવી જુએ છે, વિડીયો ગેમ રમે છે, નેટ ઉપર સર્ફિંગ કરે છે, લખે છે અને પુષ્કળ વાંચે છે. જાપાનમાં કે દુનિયામાં આવા હીકીકોમોરીમાં યુવાન લોકોનું પ્રમાણ વધારે હોય છે. એમાં સંતાનો પ્રત્યે માબાપની વધારે પડતી અપેક્ષાઓ અને એ પૂર્ણ ના થતાં યુવાનો પોતાને ગૂનેગાર સમજી પોતાને આવી રીતે ઘરમાં બંધ કરી દેતા હોય છે એવું વધારે જોવા મળ્યું. મોટાભાગના આવા યુવાનો બદલામાં માબાપ પ્રત્યે વધારે હિંસક જોવા મળ્યા છે.

હવે થોડુ રાસાયણિક તત્વજ્ઞાન જોઈએ આ બાબતે.

પહેલું તો સવારે આપણે જાગીએ એટલે સૂર્યપ્રકાશ અથવા ડે લાઈટ આંખ ઉપર પડે એટલે બ્રેનને ટ્રીગર કરે, મેસેજ મળે કે હવે મેલાટોનિન હાર્મોન ઉત્પન્ન કરવાનું બંધ કરો. આપણી શરીરની એક Circadian Rhythm હોય છે એ પ્રમાણે નિંદ્રાચક્ર ચાલતું હોય છે એને મેલાટોનિન રેગ્યુલેટ કરતું હોય છે. તમે સતત બંધ ઘરમાં રહો એટલે સૂર્યપ્રકાશ વગર મેલાટોનિન ઉત્પન્ન થયા કરે જે તમને ઊંઘવા પ્રેર્યા કરે એટલે તમે થાક અનુભવો.

બીજુ સૂર્યપ્રકાશ સિરોટોનિન જે હેપી કેમિકલ કહેવાય છે જે મૂડને રેગ્યુલેટ કરતું હોય છે એને પણ ટ્રીગર કરે છે. એટલે શું થાય? સતત સૂર્યપ્રકાશ વગર તમે રહો એટલે મેલાટોનિન વધે અને સિરોચોનિન ઘટે એટલે પરિણામમાં અજંપો પેદા થાય, માનસિક તકલીફો વધે.

ત્રીજુ ઘરમાં અજવાળુ તો હોય છે પણ આ ઇનડોર લાઈટનું પ્રમાણ 300-500 Lux હોય છે જ્યારે બાયોલોજિકલ રિધમ રેગ્યુલેટ કરવા લાઈટ જોઈએ 1000 Lux એ તમને મળે ઘરની બહાર સૂર્યપ્રકાશમાં.

ચોથું, આપણે રોજ ૪૦૦૦ ગેલન હવા શ્વાસમાં લઈએ છીએ. તમે સતત ઘરમાં રહો તો સમજો એ હવા રીસાયકલ હવા છે જે વારંવાર તમારા શ્વાસમાં જઈને બહાર આવે છે. એટલે ઘરબહારની ખુલ્લા મેદાનની હવા કરતાં ઘરની અંદરની હવા પાંચ ગણી પ્રદૂષિત હોય છે.

પાંચમું સૂર્યપ્રકાશ શરીરમાં વિટામિન ડી બનાવે છે. આ વિટામિન ડી હાડકાં મજબૂત બનાવે છે સાથે સાથે મસલ્સ રેગ્યુલેશન અને ઇમ્યુન સિસ્ટમ પણ વધારે. હવે એ ના મળે તો શું થાય ?

છઠ્ઠું સતત ઘરમાં રહો એટલે ગટ્સ(આંતરડા) માટે ફાયદાકારક બેક્ટેરિયા જે બહારથી મળતા હોય એનો પણ અભાવ સર્જાય.

હવે સમજાય છે ને કે મારા મિત્ર અજય પંચાલ કોવિડ યુગમાં સતત ઘરેથી કામ કરીને કેમ અજંપો અનુભવે છે? લોકડાઉનમાં ઘરમાં પુરાયેલા તમામ લોકોએ બેચેની અનુભવી હશે જ, સવાલ જ નથી.

:- ભૂપેન્દ્રસિંહ રાઓલ, પેન્સિલવેનિયા, યુએસએ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s