ખિલાફત ચળવળ

ખિલાફત ચળવળ

ખિલાફત ચળવળ વિષે ગાંધીજી ઉપર સદૈવ બહુ માછલાં ધોવાય છે; કે ગાંધીજીએ ખિલાફત ચળવળને ટેકો આપેલો, મુસલમાનોને ટેકો આપેલો, વગેરે વગેરે. મહમંદ અલી જિન્નાહ ખિલાફત મૂવમેન્ટને ટેકો આપવાના મૂડમાં નહોતા. ગાંધીજી પર આ બાબતે માછલાં ધોતાં પહેલાં ખિલાફત વિષે, ખિલાફત ચળવળ વિષે અને ખાસ તો ખલિફા વિષે જાણવાની બહુ જરૂર છે એ સિવાય કોઈના પર આક્ષેપો કરવા નકામું છે. નવી પેઢીને શું જૂની પેઢીના લોકોને પણ ખાસ આ બાબતે ખબર નહિ હોય. ખલિફા કોને કહેવાય તે ખબર છે? એના માટે તુર્કસ્તાન જવું પડે. મહાન ઓટોમન સામ્રાજ્યનો ઇતિહાસ ફંફોળવો પડે.

તમને હાલના ગુજરાતના ગ્રેટ સિંગર ઓસમાન મીરનું નામ યાદ હશે જ. તો સાંભળો દક્ષીણ પૂર્વ યુરોપ, પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકા એમ ત્રણ ત્રણ ખંડવિભાગ ઉપર એક સમયે જેનું આપખુદ રાજ ચાલતું હતું તે ગ્રેટ ઓટોમન સામ્રાજ્યનો પહેલો સ્થાપક ઓઘુઝ ટર્કીશ ટ્રાઇબલ લીડર ઓસમાન પહેલો હતો. ઓટોમન એટલે ઓસમાનઅલીનાં ફોલોઅર. ૧૨૯૯મા એણે એની શરૂઆત કરી નાખી હતી. ૧૩૫૪મા યુરોપમાં ઘૂસી ગયેલા. ૧૬મી અને ૧૭મી સદીમાં સુલેમાન ધ મેગ્નિફીસન્ટનાં જમાનામાં તો ઓટોમન સામ્રાજ્ય મલ્ટીનેશનલ, બહુભાષીય, દક્ષીણ પૂર્વ યુરોપ, પશ્ચિમ એશિયા, સેન્ટ્રલ યુરોપ, પૂર્વ યુરોપ, ઉત્તર આફ્રિકા બધે ફેલાઈ ચૂક્યું હતું. તમારી આંખો ફાટી જશે વાંચીને કે ૧૪૫૧માં ઓટોમન સામ્રાજ્યનો વિસ્તાર ૫,૫૬,૭૦૦ ચોરસ કીલોમીટરમાં ફેલાયેલો હતો, ૧૫૨૦માં પુરા ૩૨ લાખ ચોરસ કિલોમીટર હતો જ્યારે ૧૬૮૩મા પુરા બાવન લાખ ચોરસ કિલોમીટર હતો.

ભારતમાં ખીલજી વંશની સ્થાપના કરનાર જલાલુદ્દીન ખીલજી મૂળ તુર્ક હતો. એના પછી આવેલા તુઘલક પણ મૂળ તુર્ક જ હતા. આખી દુનિયાને ઇસ્લામમાં ફેરવી નાખવાની જેહાદ લઈને નીકળેલા આ ઓટોમન સામ્રાજ્યના સર્વોપરી સુલતાનો પોતાને ખલિફા કહેતા હતા અને આખી દુનિયાના મુસલમાનોનું પવિત્ર પ્રતિનિધિત્વ જાતે જ લઈને બેઠેલા હતા. પુરા છસો વર્ષ ઓછા કહેવાય? હા ! તો પુરા છસો વર્ષ પોતાનો ડંકો વગાડે રાખતા આ સામ્રાજ્યનો ખુદનો ડંકો ૧૯મી સદીમાં વાગી ચૂક્યો હતો. ૧૮૧૧મા વહાબી આરબોએ ઓટોમન સુલતાન સામે બળવો કરેલો. ૧૮૨૧માં ગ્રીક લોકોએ સુલતાન સામે યુદ્ધ જાહેર કરેલું. ૧૮૩૦માં ફ્રેંચ લોકોએ અલ્જેરિયા પર હુમલો કર્યો. સુલતાન મેહમુદ બીજા ઉપર મહંમદ અલીએ પોતે બળવો પોકારેલો, એને રોકવા રશિયાના સમ્રાટ નિકોલસની મદદ લેવી પડી એમાં મહંમદ અલીને વલી જાહેર કરી આજના સિરિયા અને લેબેનોન આપી દેવા પડ્યા. સતત યુદ્ધોમાં રત ઓટોમન સામ્રાજ્ય અંદરથી ખોખલું થઈ રહ્યું હતું. ૧૯૦૮માં યંગ ટર્ક રેવલૂશન ચાલુ થયું, એમને રાજાશાહી ખપતી નહોતી. ૧૯૧૧માં ઇટાલો-ટર્કીશ વોર, ૧૯૧૨માં બાલ્કંસ વોર, એમને પહેલા વિશ્વયુદ્ધ સુધી ખેંચી ગયું. ઓકટોબર ૧૯૧૪માં રશિયાન બ્લેક સમુદ્ર કાંઠે આશ્ચર્યજનક હુમલો કરી ઓટોમન સામ્રાજ્યે એની પડતી નિશ્ચિત કરી નાખી કારણ રશિયા સાથે ફ્રાંસ, બ્રિટનનું ગઠબંધન હતું. ૧૯૧૫માં ૧૫ લાખ અર્મેનિયનનાં સામૂહિક નરસંહાર કરવામાં આવેલો. મુસ્તુફા કમાલ પાશાની આગેવાનીમાં ટર્કીશ નેશનલ મુવમેન્ટ ચાલેલી અને એ લોકો ટર્કીશ વોર ઓવ ઈન્ડીપેન્ડન્સ(૧૯૧૯-૧૯૨૩) જીતી કોન્સ્ટન્ટીનોપોલ કબજે કરવામાં સફળ થયા.

૧ નવેમ્બર ૧૯૨૨ મહાન ઓટોમન સામ્રાજ્યને નાબુદ કરવામાં આવ્યું, છેલ્લા સુલતાન ખલિફા મેહમુદ છઠ્ઠા ૧૭ નવેમ્બર ૧૯૨૨માં દેશ છોડી માલ્ટા ચાલ્યા જાય છે. રિપબ્લિક ઓવ ટર્કીની સ્થાપના ૨૯ ઓક્ટોબર ૧૯૨૩મા નવી રાજધાની અંકારામાં થાય છે. ૩ માર્ચ ૧૯૨૪માં ખિલાફત નાબૂદ કરવામાં આવે છે.

હવે ભારતમાં ચાલેલી ખિલાફત ચળવળ તરફ નજર માંડીએ. ૧૯૧૯ થી ૧૯૨૪ સુધી ચાલેલી ખિલાફત ચળવળને ભારતીય મુસ્લિમોની ચળવળ કહેવામાં આવે છે. ખિલાફત ચળવળ બ્રિટીશ ઇન્ડીયાના મુસલમાનોએ શૌકતઅલી, મોહંમદઅલી જૌહર અને અબુલ કલામ આઝાદની આગેવાનીમાં શરુ કરલી ચળવળ હતી, એનો મુખ્ય ઉદ્દેશ ભાંગી પડેલા ઓટોમન સામ્રાજ્યના ખલિફાની ખિલાફતને બચાવવાનો પુનઃસ્થાપિત કરવાનો હતો. ખલિફા સુન્ની મુસલમાનોના એકમાત્ર ધાર્મિક વડા કહેવાતાં હતા. ધર્મ ક્યારેક દેશ કરતા મોટા સમૂહનું પ્રતિનિધત્વ કરતો હોય છે એનું આ ઉદાહરણ છે. ક્યાં ભારત અને ક્યાં તુર્કસ્તાન?

ખિલાફત ચળવળનાં મૂળિયાં તો ઓટોમન સુલતાન અબ્દુલ હમીદ બીજાએ ૧૯મી સદીના અંતમાં જમાલુદ્દીન અફઘાનીને ભારત મોકલીને નાખી દીધેલાં. પશ્ચિમી લોકતાન્ત્રિક આધુનિક સભ્યતાના આક્રમણ સામે એમને એમની રૂઢીચુસ્ત ખિલાફત બચાવવી હતી. ખાસ તો બ્રિટનનો ખોફ વધતો જતો હતો. હવે ભારતમાં બ્રિટીશરાજ હતું અને ભારતીયોને એમાંથી મૂક્ત થવું હતું. તો ભારતના મુસ્લિમોની બ્રિટીશરાજ વિરુદ્ધની લાગણીનો ઉપયોગ પણ કરી શકાય. વળી ખલિફા પોતાને દુનિયાના તમામ સુન્ની મુસ્લિમોનાં ધાર્મિક વડા માનતા હતા. લોકશાહી ઈચ્છતા યુવાન તુર્કોની આગેવાની મુસ્તફા કમાલ પાશાએ લીધેલી હતી તેમને પણ દબાવવા હતા. આમ ઓટોમન સુલતાનના જાસામાં ભારતના મુસ્લિમો આવી ગયા અને બ્રિટીશ ભારતમાં તુર્કસ્તાનના ખલિફાની ખિલાફત બચાવવા ચળવળ શરુ થઈ. ઓક્સફોર્ડમાં ભણેલા મુસ્લિમ જર્નાલીસ્ટ મૌલાના મહમદઅલી એમાં તો ચાર વર્ષ જેલમાં રહેલાં.

મહંમદઅલી, એમના ભાઈ મૌલાના શૌકતઅલી, મુખતાર એહમંદ અન્સારી, હકીમ અજમલખાન, મૌલાના અબુલ કલામ આઝાદ અને બીજા આગેવાનોને ઓલ ઇન્ડિયા ખિલાફત કમિટીની રચના લખનૌમાં કરેલી. ૧૯૨૦માં આ લોકોએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે ગઠબંધન કરેલું. ગાંધીજીને આ લોકોએ શાંતિપૂર્વક સવિનય કાનૂનભંગ અને અસહકારની ચળવળમાં ભાગ લેવાનું વચન આપેલું અને એ બહાને સ્વરાજ અને ખિલાફત માટે બ્રિટીશરાજ સામે લડવામાં કોંગ્રેસને સાથ આપવાનું ઠરાવેલું. ગાંધીજી અને કોંગ્રેસનો હેતુ ખિલાફત ચળવળને ટેકો આપવાનો મતલબ એટલો જ હતો કે એ બહાને મુસ્લિમો સ્વરાજની લડાઈમાં પૂરી રીતે જોડાઈ જાય. શરૂમાં આ રીતે હિંદુ મુસ્લિમ એક થઈને અસહકાર, સવિનય કાનૂનભંગ, સ્કૂલો કૉલેજોનો બહિષ્કાર, વિદેશી માલની હોળી સરકારે આપેલા ખિતાબો પાછા આપવા, વગેરે વગેરે પ્રકારે બ્રિટીશરાજ સામે એક થઈને લડ્યા. એમાં ગાંધીજી, અલીબ્રધર્સ અને બીજા લોકો જેલમાં પણ ગયા.

આમાં મુસ્લિમ નેતાઓમાં ખિલાફત માટે લડતાં, મુસ્લિમ લીગ માટે લડતાં અને કોંગ્રેસ માટે લડતાં એવા ત્રણ ભાગ થઈ જતાં ખિલાફત મૂવમેન્ટ નબળી પડવા માંડી અને છેવટે મુસ્તુફા કમાલે ટર્કીમા બિનસાંપ્રદાયિક લોકશાહી સ્થાપી દીધી, હવે ખલીફા જ ના રહ્યાં તો ખિલાફત ચળવળનું ધબાય નમઃ થઈ ગયું. હવે ખિલાફતમાંથી નવરા પડેલા મુસ્લિમ નેતાઓએ પોતપોતાના રસ્તા શોધી લીધા. સૈઇદ અતાઉલ્લાશાહ બુખારીએ મજલિસ-એ-અહરાર-એ-ઇસ્લામની સ્થાપના કરી, ડૉ. અન્સારી, હકીમ અજમલખાન અને મૌલાના આઝાદ ગાંધીજી અને કોંગ્રેસના સબળ ટેકેદાર બની રહ્યા, અલી બ્રધર્સ મુસ્લિમ લીગમાં ઘૂસી ગયા અને અલગ પાકિસ્તાનની માંગણીના પ્રખર ટેકેદાર બન્યા.

એક રીતે જોઈએ તો ખિલાફતની ચળવળ ઓટોમન સામ્રાજ્યના આપખુદ ખલિફાની સુલતાની બચાવવા માટેની ચળવળ હતી એટલે તો મહંમદઅલી જિન્નાહ એના વિરોધી હતા. કોંગ્રેસ અને ગાંધીજીનો સ્વાર્થ એ બહાને ભારતના મુસ્લિમો સ્વતંત્રતા માટેની લડાઈની મુખ્યધારામાં જોડાઈ જાય એટલો હતો. ખિલાફતની આફત પાકિસ્તાનના સર્જન માટે એક કારણ બની હોઈ શકે એવું ઘણા માનતા હશે એટલે આજે હજુય ગાંધીજીનાં માથે માછલાં ધોવાય છે. પણ મારું ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન એવું કહે છે કે માનવી સ્ટેટ્સ સિકીંગ એનિમલ છે અને તે કોઈપણ ભોગે પ્રથમ આવવા ઈચ્છતો હોય છે એટલે ખિલાફતની ચળવળ ના થઈ હોત તો પણ જિન્નાહ જેવા નેતાઓ એમની નંબર વન બનવાની અપેક્ષા પૂરી કરવા અલગ પાકિસ્તાન રચવાના પક્ષમાં રહેવાના જ હતા.

:- Bhupendrasinh Raol, South Abington, PA, USA. October 24, 2019

6 thoughts on “ખિલાફત ચળવળ”

 1. ખિલાફત આંદોલન ઓગસ્ટ 1921માં જ્યારે ઉત્તર મલબારમાં (આજના કેરળનો વાયનાડ જીલ્લાનો પ્રદેશ) હિંસક આંદોલનમાં ફેરવાઈ ગયું અને કેરળના મોપલાઓએ, સ્ત્રીઓ અને બાળકો સહિત સેંકડો હિન્દુઓની કતલ કરી, બળાત્કારો કર્યા અને બળજબરીપૂર્વક હજારો હિન્દુઓનાં ધર્મપરિવર્તન કરાવ્યા, ત્યાર બાદ પણ ગાંધીજીએ ખિલાફત આંદોલનને પોતાનું સમર્થન આપવાનું ચાલુ રાખ્યું, તે કારણથી ગાંધીજીની આલોચના કરવામાં આવે છે.

  આ નરસંહાર પછીનાં ગાંધીજીના પ્રતિભાવો ખૂબ જ નિરાશાજનક હતાં. “The Collected Works of Mahatma Gandhi”, જે ગાંધીજીનાં વક્તવ્યો, પત્રો અને અખબારો માટે ગાંધીજીએ લખેલાં લાખોનો સંગ્રહ છે, તેમાં આ માહિતી ઉપલબ્ધ છે.

  ફેબ્રુઆરી 1922માં અસહયોગ આંદોલન દરમ્યાન ચૌરાચોરીમાં જે હિંસા થઈ તેમાં 22 માનવીઓનાં મોત થયાં, જેના કારણે ગાંધીજીએ અસહયોગ આંદોલન સમેટી લીધું, પરંતુ ખિલાફત આંદોલનને સમર્થન આપવાનું ચાલુ રાખ્યું. માત્ર 6 માસ પહેલાં ઓગસ્ટ 1921ની હિંસામાં સેંકડો માણસોનાં મોત થયાં, ત્યારે આંદોલન સમેટી લેવાનું કે ખિલાફત આંદોલનને આપેલું સમર્થન પરત લેવાનું ગાંધીજીને જરૂરી લાગ્યું ન હતું!

  આવા કારણોસર ગાંધીજીની ટીકા કરવામાં આવે છે.

  Like

 2. ખૂબ જ સારી. સાચી વાત આપ સાહેબશ્રી કરી રહ્યા છો.. અત્યારે. લોકસાહિત્ય નાં. કહેવાતાં કલાકાર ફૂટી નીકળેલ છે…હરામ કંઈ ઈતિહાસ સાથે મેળ ખાતો નથી. ને બેફામપણે લવારો કરીને વાતો કરતા હોય છે… જેથી. તમોએ જે. સ્પષ્ટતા કરી તે. માટે. અભિનંદન ્્્્્્… યાકૂબ કોઠારિયા વ્યાખ્યાતા વિઝીટીગ ફેકલ્ટી નિવૃત્ત તલાટી કમ મંત્રી સાયલા…..09879252567======08200420178======www.yakubkothariya.com

  Like

 3. સાંઈ રામ દવે. ની. વાતો. નો. પર્દાફાશ કર્યો છે. તે વાત ગમી… ઈતિહાસ સાથે ચેડાં કરીને આ કહેવાતાં કલાકારો ફૂટી નીકળેલ છે

  Like

Leave a Reply to anil1082003 Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s