મગર મુજ કો લૌટા દો બચપન કા સાવન
વો કાગજ કી કસ્તી, વો બારીસ કા પાની.. પહેલી માર્ચે રાત્રે માણસાથી રાજુને ગાંધીનગર ફોન લગાવ્યો. રાજુ એટલે રાજેન્દ્ર ડાહ્યાલાલ બ્રહ્મભટ્ટ, દેવાણીવાસ ભાટવાડા વિજાપુરમાં રહેતો અમારો બચપણનો બાળગોઠીયો.
મેં કહ્યું, રાજુ ગમે તે કર કાલે તો વિજાપુર જવું છે. આ શરીરનો શું ભરોસો? જ્યાં બચપણ ગાળ્યું છે તે વિજાપુર, એ ભાટવાડામાં આવેલો દેવાણીવાસ, એ ટાવર ચોક, મારી જૂની આશ સેકન્ડરી હાઇસ્કુલ, બધું મનભરીને જોઈ લેવું છે. રાજુ પણ એને કોઈ લગ્નમાં જવાનું હતું તે રદ કરીને બીજા દિવસે સવારે બાઈક લઈને આવી ગયો. અમારી સવારી ઉપડી વિજાપુર જ્યાં મારું બચપણ પસાર થયેલું.
ટીબી હોસ્પિટલવાળા રસ્તે થઈને ભાટવાડા તરફ જતાં પહેલી તો અમે ભણેલા તે પ્રથીક શાળા કુમારશાળા આવી. અરે વાહ મેં કહ્યું, આ તો નવી બની ગઈ છે. વિજાપુરનો આ ભાટવાડો નાનીમોટી અનેક શેરીઓનો બનેલો છે. ચોકમાં છબીલા હનુમાનજીનું મંદિર જે સાવ જુનું હતું તે હવે રહ્યું નહોતું એની જગ્યાએ સુંદર નવું મંદિર બની ગયેલું. આ મંદિરમાં અમે રમવા જતાં. કોઈ નાળીયેર વધેરીને જાય એટલે પાંચ કટકા પ્રસાદ ધરાવવાનો રિવાજ, એ જાય એટલે અમે દોડીને પેલા પાંચ કટકા લઇ લઈએ ને વહેચીને ખાઈએ. મંદિરની પાછળની દીવાલે કોલસાથી સ્ટમ્પલા ચીતરીને ક્રિકેટ પણ ખૂબ રમતા. એ હનુમાનજીના ચોકમાં સાતોડીયું રોજ રમતા. સાત પથરા ઉપર ઉપરી ગોઠવી દડા વડે મારીને પછી ભાગમભાગ. એને પાછા ગોઠવવાના. હવે તો ત્યાં સિમેન્ટ કોન્ક્રીટનો રોડ બની ગયો છે. સાતોડીયું રમવા જઈએ ને પડીએ તો ઢીંચણ છોલાઈ જાય. આ હનુમાનજીના મંદિર સામે રણછોડજીનું મંદિર પણ હતું. ત્યાં વળી પૂજારી બાવો હિન્દીભાષી રહેતો. આખું માથું બોડું પણ એની ભારેખમ ચોટલી ગાંઠ વાળેલી હજુ ય યાદ છે. ત્યાં ચણાના લોટની બનેલી મગજની લાડુડીનો પ્રસાદ મળતો. વળી રણછોડજીના મંદિર થી થોડે દૂર લક્ષ્મીનારાયણનું કોતરણીવાળું સરસ મંદિર હતું. ત્યાં સાંજે આરતીના સમયે જઈએ એટલે પૂજારી બેત્રણ શંખ મૂકે, મોટું નગારું વગાડવા બે દંડા મૂકે. આ બધું લેવા અમારે પડાપડી થાય. ચાલું આરતીમાં શંખ ફૂંકવાની મજા આવે.
આ બધું નજર સમક્ષ આવી ગયું. રાજુ અને હું બંને ભૂતકાળમાં સરી પડેલા હતાં ક્યારે દેવાણીવાસમાં પ્રવેશી ગયા ખબર ના પડી. રાજુના માતાશ્રી શારદાબા મને જોઈ ભાવવિભોર થઈ ગયેલાં, એમની જલમિશ્રિત આંખો ચાડી ખાતી હતી. બહુ વરસે મળ્યા એટલે એવું તો થવાનું જ હતું. દેવાણીવાસ બહુ મોટો નથી. અમે એક જ વાસમાં ઘણા ઘર બદલેલા. મૂળ માણસાથી અહિ વસવાટનું કારણ પિતાશ્રી વકીલ હતા અને કોર્ટ, વિજાપુર તાલુકો હોવાથી વિજાપુરમાં હતી અને અમે અહિ ભાડેથી ઘર રાખી રહેતા હતા. મારો જન્મ વિજાપુરના વહેરવાસમાં થયેલો. પણ એકવાર દેવાણીવાસમાં આવ્યા પછી અહીંથી બહાર જવાનું કોઈને મન થતું નહોતું. એટલે વાસ બહુ નાનો હોવાથી ગમે તેટલા ઘર બદલીએ રાજુના ઘરનો સાથ તો કાયમ રહેવાનો જ હતો.
શારદાબાનાં હાથની રીંગણની કઢીનો સ્વાદ હજુય મને યાદ છે. ગામડામાં વાટકી વહેવાર ચાલું જ હોય. એકબીજાના ઘેરથી ખાવાનું આપલે થતું જ હોય. ભાવતું ખાવાનું બન્યું હોય તો માંગીને ખાઈ લેવામાં કોઈ શરમ સંકોચ થાય નહિ; એવા શબ્દો જ ભેજામાં ઉદ્ભવે નહિ. હવે શારદાબાની ઉંમર થઈ છે. સરખું ચાલી શકતા નથી પણ આમારા માટે દાળભાત, શાક, શીરો અને પુરીઓ પણ તળી નાખેલી. બહુ વર્ષે સામસામે બેસીને અમે બે મિત્રો ધરાઈને જમ્યા. આગાસીમાં ઉભા રહી મહોલ્લાના ફોટા પાડ્યા.
આ ઘરમાં રહેતા હતા? અરે જો પેલા ઘરમાં પણ રહેલાં. અરે આતો પડી ગયું છે, ખંડેર થઈ ગયું છે, આ નવું બની ગયું છે. આ જગ્યાએ ખંડેર હતું એમાં કુતરી વિયાતી તો એના બચ્ચા રમાડતા, વગેરે વગેરે ઉદગારો નીકળે જતાં હતા. કાશીબા, જીજીબા, દિવાળીબા, નવીમા, લીલાકાકા, નાથાકાકા, મગનકાકા, ડાહ્યાકાકા, જસુકાકા, વનાકાકા કઈ કેટલાયને એક સામટા યાદ કરી લીધા. બધાને યાદ કરી લઉં કોઈ રહી ના જાય, બધા સાથે ગાળેલા સંસ્મરણો સામટા વાગોળી લઉં એવું થયા કરતુ હતું.
લંગડી રમતા, બંગડીઓના કાચ ભેગા કરી રમતા અને દીવાસળીની પેટીઓની ઉપરના કવરની છાપો બનાવી રમતા, કોલસાથી ગુપ્ત જગ્યાઓએ લીટા દોરી લોકોની દીવાલો બગાડવાની રમતો રમતા. ભમરડા, લખોટીઓ વગરે તો હોય જ. આરસની લખોટી જેની પાસે હોય તે માલદાર ગણાતો. આરસની મોટી સાઈઝની લખોટી અંટો કહેવાતી. એના વડે નિશાન તાકી કાચની લખોટીઓ તોડી પાડવામાં કોઈ દેશ જીતી લીધો હોય એવો આનંદ આવતો. ગમે તેટલા દૂરથી નિશાન તાકાનારા ને તાકોડી કહેતા. ગોવિંદભાઈ જબરા તાકોડી હતા. ઉંમરમાં થોડા મોટા એટલે ગોવિંદભાઈ કહેવાતાં. મને યાદ છે હું અને રાજુ આ બધી રમતોમાં નબળા.
વરસાદ પડે એટલે વાસ વચ્ચેથી જાણે નાનકડી નદી વહેતી હોય એમાં કાગળની નાવડીઓ તરતી મૂકવાની, પતંગિયા પકડવા દોડાદોડી કરવાની. રાત પડે ડબલાં ભરી સાથે હળવા થવા જવાનું અને હળવા થતાં થતાં અલકમલકની વાતો કરવાની.
જમતા પહેલા રાજુ કહે ચાલ બહાર આંટો મારી આવીએ. હું એની પાછળ બાઈક પર બેઠો ને જ્યાં જ્યાં હરતા ફરતા રમતા બધું જોઈ લઈને બધું પાછું ફરી મનમાં ભરી લેવું હતું. રાજુના પ્રિય ચામુંડા માતાના મંદિરે ગયા, ત્યાં થોડીવાર બેસી મકરાણી દરવાજે થઈ ગામમાં પ્રવેશ્યા. મારી જૂની સાર્વજનિક લાઈબ્રેરી જોઈ જનુભાઈ યાદ આવી ગયા. જનુભાઈ તે સમયે ગ્રંથપાલ, અને મારા પિતા લાઈબ્રેરી ચલાવતા ટ્રસ્ટના પ્રમુખ. એ હિસાબે કોઈને કબાટની ચાવી ના આપે મને આપી દેતા કે માથું ના ખાઈશ જે જોઈએ તે પુસ્તક લઇ લે. બસ આજ લાઈબ્રેરીમાંથી અઢળક પુસ્તકો મેં વાંચેલા. મુનશી, ધૂમકેતુ, મેઘાણી, ર. વ. દેસાઈ, ગુણવંતરાય આચાર્ય, નવનીત સેવક, ચુનીલાલ મડિયા, ગુલાબદાસ બ્રોકર, પન્નાલાલ, પિતામ્બર, પેટલીકર, વિજાપુરના જ સારંગ બારોટ જેવા કેટકેટલા સાહિત્યકારોને વાંચી નાખેલા, આ બધું પાછું દસ ધોરણ સુધીમાં. આજે કોઈને વાંચું તો આ ધુરંધરો આગળ સાવ ફીકા લાગે છે. અજાણતા જ સરખામણી થઈ જાય છે.
ટાવરચોક તો વળી સાવ સૂમસામ થઈ ગયો છે. ટાવર સામે એક મકાનમાં બીજે માળે મારા પિતાશ્રીની ઓફીસ હતી. પિતાશ્રી જોડે બેસતા મોહનકાકાનો દીકરો હવે વકીલ છે તે એ ઓફીસ સંભાળે છે. રવિવાર હોવાથી ઓફિસ બંધ હોવાથી ઉપર જવાનું બન્યું નહિ. બઝારમાં થઈ ચક્કરે થઈને અમારી આશ સેકન્ડરી હાઈસ્કૂલ જોવા ગયા. હવે ત્યાં ગર્લ્સ સ્કૂલ ચાલે છે. નાનપણમાં જે બધું મોટું મોટું લાગતું તે હવે સાવ નાનું નાનું લાગે છે. આવડી અમથી બઝારમાં ફરતા? સાવ નાની સાંકડી ગલીઓ ભાસે છે જે એક સમયે વિશાળ લાગતી. સ્કૂલ પણ સાવ નાની લાગી. રવિવારની રજા એટલે એનો તોતિંગ દરવાજો બંધ હતો. અમે ભણતા ત્યારે ખુલ્લા મેદાનમાં સ્કૂલ હતી. દરવાજામાંથી હાથ નાખી મોબાઈલ વડે ફોટા પાડ્યા. પાછા ફરતા એક ચક્કર વહેરાવાસમાં પણ મારી લીધું. મારા સ્કૂલ સમયના મિત્રોને યાદ કર્યા. મુકુન્દરાયનો ઉપેન્દ્ર અને રીખવદાસનો પ્રકાશ યાદ આવી ગયો. દસમાં ધોરણ સુધી એક થી પાંચમા નંબરે પાસ થવામાં અમારી ટુકડી જ હોય. ગુજરાતી અને ઇતિહાસમાં હાઇએસ્ટ માર્ક્સ તો રાઓલનાં જ હોય મતલબ મારા જ હોય.
પાછા ઘેર આવી જમીને મહેશભાઈને મળવા ગયા. મહેશભાઈ ઝવેરી હાઈસ્કૂલમાં શિક્ષક હતા અને મોટાભાઈના ભાઈબંધ હતા. એમના વાઈફ આટલા વરસે પણ મને ઓળખી ગયા તે નવાઈ લાગી અને એમની સ્મરણ શક્તિ પ્રત્યે ખૂબ માન પણ ઉપજ્યું. મહેશભાઈ હવે પથારીવશ છે. એક સમયના ગોરા ચીકણા મહેશભાઈને જોઈ મન ગ્લાની વડે ભરાઈ ગયું. એમને પણ જૂની વાતો બહુ સરસ રીતે યાદ હતી.
મારા બા તો હવે બેંગલોર મોટાભાઈ પાસે રહે છે. શારદાબા અને મારા બા એ બહુ સમય સાથે ગુજારેલો. સુખદુઃખના સાથી જેવા, એટલે મેં બેંગલોર વિડીઓ કોલ લગાવી બંને જૂની સખીઓનો મેળાપ ઓનલાઈન કરાવી દીધો. એમની રજા લેતા આંખોમાં ઉમટતા સમુન્દરને નાથવો અઘરો થઈ પડેલો. રાજુ સાથે બાઈક પર પાછો માણસા આવતા સુધીમાં પાના ને પાના ભરાય એટલી વાતો કરી.
બચપણમાં જ્યાં જ્યાં રહ્યા હોઈએ તે આપણા બ્રેનની તે સમયની કોરી ધાકોર હાર્ડ ડિસ્કમાં સખત રીતે કોતરાઈ જતું હોય છે પછી તે કદાપિ ભૂસાય નહિ. કદાચ ધૂંધળું થાય પણ ભૂસાય તો બિલકુલ નહિ. હજુ ય મને સપનાં વિજાપુર, માણસા અને બરોડાના જ આવે છે. ૧૪ વર્ષથી અમેરિકાની ભૂમિ પર છું પણ મને સપનામાં અમેરિકા કદી દેખાતું નથી. ખરેખર તો માણસા પણ બહુ પાછળથી રહેવા આવેલો. વિજાપુરથી હું અગિયારમાં ધોરણથી બરોડા ભણવા જતો રહેલો. ત્યાર પછી વિજાપુર સાથે પ્રત્યક્ષ બહુ નાતો રહેલો નહિ પણ બ્રેનમાં વસેલું, મજજાતંતુઓમાં ઘૂસેલું વિજાપુર, એ ભાટવાડો, એ દેવાણીવાસ, એ શારદાબા, એમની બનાવેલી રીંગણની કઢીનો સ્વાદ એ બધું એમ થોડું નાબૂદ થાય? ત્યાં ગાળેલું બચપણ થોડું ભૂલાય? આ લખતાંય મારી આંખોમાં પાણી તગતગે છે.
એટલે જ પેલા જગજીતસિંઘ કાયમ ગાતા,
એ દોલત ભી લે લો, એ શોહરત ભી લે લો,
ભલે છીન લો મુજસે મેરી જવાની.
મગર મુજકો લૌટા દો બચપનકા સાવન,
વો કાગઝકી કી કસ્તી વો બારીસકા પાની,
વો કાગઝકી કસ્તી વો બારીસક પાની…
:- ભૂપેન્દ્રસિંહ રાઓલ, સ્ક્રેન્ટન, પેન્સીલવેનિયા..
બહોત ખૂબ …બાપુ !!! 🙏🙏
LikeLike