વાહનયોગ
૭૫૦ રૂપિયાની એટલાસ સાયકલ મારો પહેલો વાહન યોગ હતો. મારી કુંડળીમાં વાહનયોગ છે જ નહિ એવું જ્યોતિષીઓ કહેતા. પિતાશ્રી એમના મિત્રોમાં કોઈ જ્યોતિષ જાણતું હોય એમને કુંડળીઓ બતાવે રાખતા. હું નાનપણમાં બિનજરૂરી આવું માનતો પણ સમજ આવ્યા પછી હસવામાં કાઢી નાખતો.
પિતાશ્રી કદી સાયકલ શીખવા જવા દેતા નહિ. એમને ડર હતો કે સાયકલ શીખી આ છોકરાઓ અકસ્માત કરી હાથપગ તોડશે. એટલે હું નાનપણમાં સાયકલ પણ શીખેલો નહિ. એકવાર પ્રયત્ન કરેલો. ભાડાની સાયકલ છાનામાના લઈ આમારા બચપણના મિત્ર ભલારામ સાથે ઠીકરીયા મેદાનમાં સાયકલ શીખવા ગયેલો. ભલીયો પરપીડન વૃત્તિ ધરાવતો. કોઈને તકલીફ થાય તો એમાંથી આનંદ મેળવે. મને એક ઢાળ ઉપર લઇ જઈ સાયકલ પર બેસાડી કહે હવે રગડાવી માર સાયકલ આવડી જશે. મને સમજ ના પડી કે આનો ઈરાદો ખરાબ છે. મેં કદી સાયકલ ચલાવેલી જ નહિ તો પણ ઢાળ ઉપર સાયકલ પર બેસાડી એણે ધક્કો મારી દીધો. રમરમાટ થોડે દૂર જઈ બંદા પડ્યા અને ઢીંચણ છોલાઈ ગયા. પણ એમાંથી ભલીયાએ બહુ હસીને પુષ્કળ આનંદ મેળવ્યો. ત્યાર પછી મેં કદી સાયકલ શીખવાનો પ્રયત્ન કર્યો નહિ. મનમાં ડર ઘૂસી ગયેલો.
બહુ મોટી ઉંમરે સાયકલ શીખ્યો તે પણ પહેલેથી એના પર બેસીને ચલાવતો.. મને બીજા મિત્રોની જેમ એક પેડલ પર પગ મૂકી સાયકલ થોડી દોડાવી પછી એના પર છલાંગ મારી બેસતા કદી આવડ્યું નથી. વડોદરે ભણવા ગયો ત્યારે ભાડાની સાયકલો લઇ હું અને મિત્ર કલ્યાણસિંહ યાદવ આચાર્ય રજનીશના પ્રવચનો સ્વરૂપમ રજનીશ ધ્યાન કેન્દ્રમાં ચાલતા ત્યાં સાંભળવા જતાં. રજનીશ તો પુનામાં રહેતા પણ એમની નેવું મિનિટની કેસેટ આ લોકો મુકતા તે સાંભળવા મળતું.
માણસા રહેવા આવ્યો ત્યારે જ્યોતિષીઓની ના છતાં પહેલો વાહનયોગ ૭૫૦ રૂપિયાની સાયકલ ખરીદવાથી બન્યો. મોટાભાગના જ્યોતિષીઓ મારી કુંડળી જોઈ માથું ધુણાવતા. એમને એમાં કોઈ શક્કરવાર લાગતો નહિ. પહેલે ધનનો સૂર્ય-ચન્દ્ર, બીજે બુધ, ચોથે મંગળ, છઠ્ઠે કેતુ, દસમે ગુરુ, બારમે શુક્ર-રાહુ-શની, માંગલિક કુંડળી જોઈ જ્યોતિષીઓ ચકરાઈ જતાં. સાવ બોગસ કોઈ દરિદ્રની કુંડળી લાગતી. કોઈ સારા યોગ એમને દેખાતા નહિ. ભણવામાં લોચાલાપસી હશે, નોકરી ધંધો પણ એવો જ હશે. ધનયોગ દેખાતો નહિ. કોઈ રાજયોગ કે સારો યોગ જણાતો નહિ. વાહનયોગ પણ જણાતો નહિ, ટાંટિયાતોડ યોગ જ જણાતો. જોકે રોજ દસ કિલોમીટર દોડીને, હજાર વખત દોરડા કુદીને, ૧૦૦ બેઠકો કરી ટાંટિયાતોડ કરતો.
જ્યોતિષીઓની આગાહી ખોટી પડવાની શરુ થઈ હતી હવે ઘરમાં સાયકલ આવી ગઈ હતી. હહાહાહાહા એવામાં અમે ધંધા માટે ટાટા કંપનીની મીની ટ્રક ટાટા-૪૦૭ લીધી. મને સાયકલ સિવાય કોઈ વાહન ચલાવતા આવડતું નહિ. ડ્રાઈવરોની દાદાગીરીને લીધે મારા ભાગીદારે કહ્યું કે હવે તમે ટ્રક ચલાવતા શીખી જાવ. એટલે હું કલોલમાં એક ડ્રાઈવિંગ ક્લાસમાં ગયો. ત્યાં તુમાખીવાળા કોચ સાહેબે જુના જમાનાની ફિયાટ પર શીખવવાનું ચાલુ કર્યું. પહેલા દિવસે પ્રથમગ્રાસે મક્ષિકા જેવું કોઈ બાઈક જોડે ટકરાઈ ગયા. કોચ મારી પર ભડક્યો કહે તમને બાપજીન્દગીમાં કાર ચલાવતા નહિ આવડે. ખરેખર પહેલા દિવસે એણે ધ્યાન રાખવાનું હોય ઉલટાનો મને દોષ દેવા માંડ્યો. પછી કલોલ શીખવા જવાનું પણ બંધ કરેલું.
પણ અમારી ૪૦૭ના ડ્રાઈવરોમાં એક મહારાજ ડ્રાઈવર સારો હતો મને પરાણે એની બાજુમાં બેસાડી શીખવે. એકવાર અમે રાત્રે કેળા ભરવા ગાંધીનગર ગયેલા. મહારાજ તો કેળાં ભરાય ત્યાં સુધી ઘોરવા માટે કેબીન પર ચડી ગયો. હું નીચે બેસી રહેલો. કેળા ભરાઈ ગયા પણ મહારાજ જલદી જાગે તેમ નહોતો. કેળાંનાં વેપારી દેવીપુજક ભાઈ કહે ચાલો હવે જઈએ. મેં તો ટ્રક ચાલું કરી દીધી અને હંકારવાનું ચાલું કરી દીધું. થોડી વારે મહારાજને ટ્રક હાલવાથી જાગવાનું થયું તે એકદમ ગભરાઈને ચાલું ટ્રકે નીચે આવીને બેસી ગયો. શરૂમાં ગભરાઈ ગયેલો પણ પછી કહે ચાલવા દો હું બાજુમાં બેઠો છું. બસ પછી તો હું ય ડ્રાઈવર બની ગયો આખરે. મહારાજને બસ ચલાવવાની નોકરી મળી ગઈ. બંદા પોતે હવે ચલાવતા. એવામાં ગાંધીનગર ડેરીમાં ટેન્ડર પાસ થઈ ગયેલું. નાના ગામડાઓમાંથી નાની મંડળીઓ જે ખેડૂતો પાસેથી દૂધ ભેગું કરી મોટી ડેરીમાં પહોચાડે ત્યાંથી દૂધનાં કેન જે ૪૦ લીટરના હોય તે ગાંધીનગર ડેરીમાં પહોચાડવાનું શરુ થયું.
ડ્રાઈવરો છુટા થતાં હવે ટ્રક હું જ ચલાવતો હતો. ચારેક મહિના થઈ ગયેલાં પણ મારી પાસે લાયસન્સ નહોતું. ભાગીદાર આમારા ભઈલા ઘનુભા કહે યાર લાયસન્સ લઇ લો કશું થશે તો વીમો નહિ પાકે. ૪૦૭ લઈને જ ટેસ્ટ આપવા ગયેલો. ટેસ્ટ પત્યા પછી આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર કહે કેટલા મહિનાથી ચલાવો છો? સાચું કહેજો. મેં હસતા હસતા કહ્યું ત્રણેક થયા હશે. મને કહે તમારી બેધડક સ્ટાઈલથી ખબર પડી ગયેલી કે જુના ડ્રાઈવર લાગો છો, પણ આવું નો કરાય ગેરકાયદેસર કહેવાય.
ડેરીમાં એકવાર કશું કામ હશે તે સ્ટોર પર બેસતા ક્લાર્ક કહે મારું સ્કુટર લઇ જાઓ. મેં કહ્યું મને સ્કુટર નથી આવડતું. તો હસવા માંડ્યા. ટ્રક ચલાવો છો ને સ્કુટર નથી આવડતું? મેં કહ્યું ખરેખર નથી આવડતું. હું સાયકલ પરથી સીધું ચારચક્રી શીખેલો. કોઈ સાયકલ શીખે પછી લુના જેવા મોપેડ શીખે પછી સ્કુટર શીખે પછી બાઈક શીખે પછી કાર ચલાવે પછી ટ્રક ચલાવે. મારે ઊંધું ચાલતું હતું. સાયકલ પછી ટ્રક, પછી સન્ની જેવું મોપેડ પછી બાઈક ચલાવતો થયેલો અને પછી ક્યારેક સ્કુટર ચલાવેલું. બાઈકની કોઈ પ્રેક્ટીશ હતી નહિ અને બજાજ કાવાસાકી ખરીદી પોલો ગ્રાઉન્ડમાં ચાર ચક્કર મારી સીધો ઘેર. બાઈક પર બરોડાથી છેક માણસા સુધી ચક્કર મારેલા.
ખેર પાછા આગાહી પર આવીએ. મારા શ્વસુર અમેરીકા સેટ થયા એટલે મને ખબર હતી કે વહેલી મોડી ફાઈલ મુકાશે. એક મિત્ર જેવા જ્યોતિષને મારો હાથ અને જન્માક્ષર બતાવી પૂછ્યું કે અમેરિકા જવાશે કે નહિ? મને કહે કોઈ કાળે નહિ જવાય, નસીબમાં કોઈ રેખા જ નથી. હાથમાં કહેવાને બદલે નસીબમાં કહી બેઠેલા. મેં કહ્યું રેખા આપણને બહુ ગમતી નથી બચ્ચનને ગમતી હશે, આપણને મોટા ગાલવાળી માંજરી આંખોવાળી રાખી ગમે છે, પણ દાઢી વગરનો સરદારજી(ગુલઝાર સાહેબ) એને બથાવી ગયો છે. મેં કહ્યું યાર સસરા અમેરિકા છે ફાઈલ મુકવાના જ છે. તો કહે ગમે તે હોય લોચા પડશે નહિ જવાય, કોઈ વિદેશ યોગ જ નથી.
ત્રીજીવારની પ્રેગનન્સી વખતે માણસામાં ખેતી કરતો હતો. વાહનમાં ઘરમાં ખાલી સાયકલ જ હતી. માઢમાં બે મિત્રોના ઘેર મહેન્દ્ર-જિપ હતી. પણ જે મોડી રાત્રે વેણ ઉપડી તે સમયે એકેય જિપ હાજર નહિ. સ્કુટર ધરાવતા મિત્રો પણ ગેરહાજર. ગામમાં રીક્ષાઓ પણ બહુ ઓછી, તે પણ અર્ધીરાત્રે કોણ જાગે? શ્રીમતીને સાયકલ પર બેસાડી સાયકલ મારી મૂકી પરમાર સાહેબના દવાખાને. બે દીકરા તો હતા, ત્રીજી દીકરી આવે તો સારું એવી અદમ્ય આશા પર પાણી ફેરવતા ડૉ.નૌતમબા જાડેજા આવી ને કહે દીકરો છે.
ગાંધીનગરમાં ક્યારેક ટાટા-૪૦૭માં શ્રીમતીને બેસાડી શાકભાજી લેવા જતો તો ક્યારેક પેલી એટલાસ સાયકલ પર બેસાડીને જતો. કાયમ શાક લેવા જઈએ એટલે પરિચિત થઈ ગયેલા શાકવાળા ભાઈઓ બહેનોને નવાઈ લાગતી.
જે જે યોગ નહોતા નસીબમાં તે અનાયાસે કહો કે મહેનતને લીધે કહો પ્રાપ્ત થયા. વિદેશયોગ પણ બન્યો. પહેલી કાર જૂની વપરાયેલી નિશાન હતી. પછી વાહનયોગની કોઈ નવાઈ રહી નહિ. પણ પેલી એટલાસ પાછળ કે કાવાસાકી બજાજ પાછળ વહાલસોઈને બેસાડી શાક લેવા જતાં, તે પાછળ ચીપકીને બેઠી હોય, કમરમાં ગલીપચી કરતી હોય, એની ભીની માદક મહેંક જિંદગીને તરબતર કરતી હોય એની જે મજા હતી તે આજની મોંઘી કારમાં પણ આવે નહિ.
સુંદર લેખ., તમારી સોનેરી યાદોની સાથે સાથે મારી સોનેરી યાદો પણ તાજી થઇ ઉઠી., માણસાની ગલીઓમાં એકવર્ષના લગ્નજીવન બાદ અચાનક થયેલા મારા વાઇફનુ અવસાન… માણસાની ગલીઓમાં તેની સાથે ફરતા તે યાદ આવ્યુ….. મિત્રની ઉછીની બાઇક લઇને માણસા ગયેલો ત્યાંથી મારી વાઇફને બેસાડીને આખુ ગાંધીનગર ફરેલો…. અને બીજા દીવસે તેના અવસાનના સમાચાર મળેલા….. પણ બાઇક પાછળ તેને બેસાડીને ફરવાનુ આજે 18 વર્ષે પણ યાદ છે… સરીતા ઉદ્યાનની યાદો આજે પણ વાગોળુ છું….
LikeLike
મારું હાળું, તમે તો ભારે નસીબદાર…!! જ્યોતિષોને તો ખોટા પાડ્યા….. અને સાચી વાત છે, ભરરસ્તે ગલીપચી કરે એવી મજા લેવી હોય તો સાઈકલમાંજ(કે સ્કુટરમાં) પાછળ બેસનારી ઘરવાળી(કેપછી કોઈ પણ સ્ત્રી)થીજ લાભ લેવાય.. અને તમને તમારી ઘરવાળીનો લાભ મલ્યો.. ભારતની જુની કારોમાં તો અડીને બાજુમાં બેસવાની સગવડ હતી, હવે તો ડ્રાઈવર અને પેસેન્જર, બન્ને સીટો વચ્ચે એક ફુટ જેટલી જગા હોય છે, એમાં આવો લાભ ન મળે..!!!
LikeLike
Moj moj khub j vahalu lagyu …!! hruday sparshi
LikeLike