સંજુ

“સંજુ”

ફિલ્મ સ્ટાર સંજય દત્તનાં જીવન કવન ઉપર બહુ સારી ફિલ્મ બની છે. એના પિતા સુનીલ દત્તના અમે બહુ મોટા ફેન હતા. એની માતા નરગીસ દત્તના પણ એટલા જ ફેન હતા. આપણા તદ્દન જાતિવાદી રૂઢીચુસ્ત સમાજમાં ભલે હિંદુ હોય છતાં પોતાના કરતા જુદી જ્ઞાતિમાં પરણવું એ એક બહુ મોટી ભૂલ ગણાતી હોય ત્યાં એમના સંતાનોને માથે તો બાકીનો સમાજ કાયમ માટે વર્ણશંકરની ટીલી ચોટાડી દેતો હોય છે અને એમનું જીવવું ભારે કરી દેતો હોય છે. બિચારા એવા બાળકો ઘરમાં કશું કહી શકે નહિ અને મનોમન ભારે વ્યથા અનુભવતા હોય છે. એમાંય સંજય દત્ત તો વળી હિંદુ બાપ અને મુસ્લિમ માતાનું સંતાન એણે જે વ્યથા ઘર બહાર નીકળતાં વેઠી હશે તે તો તેજ જાણે.

ફિલ્મ ઉદ્યોગના લોકો એ બાબતમાં ખરા સેક્યુલર કહેવાય કે નાતજાતમાં માને નહિ. જોકે અતિશય ધનાઢ્ય હોવાથી એમને બહુ પડી પણ ના હોય અને લોકો જખ મારીને રીસ્પેક્ટ આપે પણ ખરા.

સંજય દત્તનું જીવન ખુદ એક પ્રેરણાદાયી છે. અમીર બાપની બગડેલી ઓલાદનું ઉત્તમ ઉદાહરણ તો હતો જ. પણ છતાંય એક યોદ્ધાની જેમ તમામ બુરી આદતો સામે લડીને એમાંથી બહાર પણ નીકળ્યો. એક બીડી, સિગરેટ કે ચા છોડવું લોકોને ભારે થઈ જતું હોય છે ત્યાં દુનિયાના તમામ ડ્રગ લઇ ચુકેલો એમાંથી મુક્ત થયો એના જેવી બીજી મોટી કઈ પ્રેરણા આજના યુવાનો એના જીવનમાંથી લઇ શકે?

ગઈ કાલે સંજુ જોઈ યે શેર કી આંખે બાર બાર બરસ પડી. રણબીર કપૂર લાજવાબ. કદાચ સંજય દત્ત ખુદ સંજુના પાત્રમાં રણબીર જેવો અભિનય કરી શક્યો ના હોત. અરે ભાઈ આખિર ડીએનએ કિસકે હૈ? પૃથ્વીરાજ કપૂર, રાજકપૂર, ઋષિકપૂરના કે નહિ? આપણે કોઈ ફિલ્મ વિવેચક નથી, બસ ગમી એટલે ગમી અને એમાંથી કશું નકારાત્મક શીખવા જેવું મળે એવું પણ ના લાગ્યું.

કોઈ અભિનેતા માટે અહોભાવ હોય એટલે એનું કામ સારું જ લાગે એવું બનતું હોય છે. પરેશ રાવલ બહુ સારા અભિનેતા છે. પણ અહિ મને પરેશ રાવલ, પરેશ રાવલ વધુ લાગ્યા સુનીલ દત્ત જેવા ભાગ્યેજ લાગ્યા. સુનીલ દત્તની બહુ ફિલ્મો જોઈ છે. એમની ચાલમાં એક અદ્ભુત ખુમારી હતી, એક છટા હતી. એમની આંખોમાં જબરો કડપ દેખાતો. ઘરમાં જોકે દત્ત સાહેબ એવો અભિનય કરતા ના હોય તે સ્વાભાવિક છે પણ દરેક અભિનેતાની કુદરતી જીવનની આગવી છટા એના અભિનયમાં આવી જઈને એની આગવી ઓળખ ઉભી કરતી હોય છે.

રાજકુમાર તો મલાડમાં પોલીસ ઇન્સ્પેક્ટર હતા. એમની કોર્ટમાં એન્ટ્રી જોઇને કોઈ દીર્ગદર્શકે એમને પહેલો રોલ આપેલો. પ્રાણ સાહેબની લાહોરમાં પાન ખાઈને પિચકારી મારવાની અદા જોઈને કોઈ એમને ફિલ્મોમાં ખેંચી લાવેલું. તમારી ચાલમાં ખુમારી, બોલવાની છટા બધું નેચરલ હોય છે. એક આડ વાત અમારા મિત્રોનો એક બહુ મોટો સમૂહ માનતો કે ભારતીય ફીલ્મોમાં ટીપીકલ ચંબલ ટાઈપ ડાકૂના પાત્રમાં બહુ બધા અભિનેતા આવી ગયા જેવા કે અમિતાભ બચ્ચન, દિલીપકુમાર, ફીરોજખાન, વિનોદ ખન્ના, કબિર બેદી, પ્રાણ પણ સુનિલદત્તની તોલે કોઈ ના આવે.

એ બાબતમાં રણબીરનું કહેવું પડે ઘણીવાર તો એવું લાગતું કે અસલી સંજય દત્ત જ છે. સંજયની તમામ ચાલઢાલ અને હલનચલનનો એણે બાખૂબી અભ્યાસ કર્યો હોવો જોઈએ.

નરગીસજીની બહુ ફિલ્મો જોઈ છે. એમના અભિનયમાં એક રમતિયાળપણું હતું. મનીષા કોઈરાલાએ એ લાવવા સારો પ્રયત્ન કર્યો છે. એ ખુદ કેન્સરની શિકાર છે. ગુજરાતી ભાષામાં કહીએ તો અનુષ્કા હવે ગિલીન્ડર થઈ ગઈ છે. હહાહાહા! મતલબ એના કામમાં કશું કહેવા જેવું છે નહિ. અને કમલી તો કમલી અદ્ભુત અભિનય વડે છવાઈ ગયો.

સંજયનું જીવન જાણે એક કરુણાંતિકા જોવા બેઠા હોઈએ, ખબર હોય અંત ભારે દુખદ હશે અને અચાનક કરુણાંતિકા સુખાન્તિકામાં ફેરવાઈ જાય એવું. ફિલ્મ પણ એવી જ બનાવી છે ક્યારે આંખો વરસી પડે અને ક્યારે હસી પડે ખબર ના પડે. રાજકુમાર હિરાણી દીર્ગદર્શકોમાં રાજકુમાર.

મેં તો ગુજરાતીમાં કોઈ સાયકાયટ્રીસ્ટ ના લખે તેટલું બ્રેન કેમિસ્ટ્રી વિષે લખ્યું છે. મને ખબર છે બ્રેનમાં એકવાર બચપણમાં જે હાર્ડ વાયરીંગ થઈ જાય છે, જે પાથવે બની જાય છે, જે સર્કિટો બની જાય છે તે આજીવન સેવા આપતી હોય છે. એના પર જ ચાલવા મજબૂર કરતી હોય છે. એ સર્કિટો ભૂસી નવી બનાવવી સહેલી નથી. નવા પાથવે, નવી પગદંડીઓ બનાવવી સહેલી નથી. એટલે તો એક ચા નથી છૂટતી, એક તમાકુનો માવો મસાલો છૂટતો નથી, એક સિગરેટ છૂટતી નથી ભલે કેન્સરમાં જીવ જાય. બ્રેનમાં નવી પગદંડીઓ બનાવી એના પર ચાલી નીકળવા અદ્ભુત સામર્થ્ય જોઈએ તે કોઈ ગ્રેટ ગાંધીમાં હોય છે કે પછી કોઈ સામાન્ય સંજુમાં હોય છે.

“કુછ તો લોગ કહેંગે, લોગોકા કામ હૈ કહેના”..

:- ભૂપેન્દ્રસિંહ રાઓલ, સ્ક્રેન્ટન, પેન્સિલવેનિયા.

6 thoughts on “સંજુ”

  1. બાપુ, સરસ સમીક્ષા. ત્યા સુધી બે વખત ‘સંજુ’ જોઈ. એક વખત પરિવાર સાથે ટોકીઝમાં અને બીજી વખત ઘરમાં.
    ફેસબૂક પર ‘આપણા અડ્ડા’ નામક એક ગુજરાતી પેજ છે ત્યાં રાખો. ઘણા વાંચશે અને ઘણાને ગમશે. જો તમે પરવાનગી અલોપ તો હું ત્યાં રાખું તમારા નામ સાથે.
    ફિરોજભાઈ.

    ________________________________

    Like

  2. Khub saras lekh bapu darek vishayo par aapnu aagvu sanshodhan hoi chhe saras jankari mali aabhar.

    Like

  3. ખુબ જ સરસ રીવ્યુ…. રીવ્યુ વાંચીને મુવી જોવા જવાનું મન થઇ ગયું……

    Like

Leave a comment