આસ્તિકોના ‘અ’ કારમાં નાસ્તિકોના ‘ન’ કારમાં

આસ્તિકોના ‘અ’ કારમાં નાસ્તિકોના ‘ન’ કારમાં  – ભૂપેન્દ્રસિંહ રાઓલ, સ્ક્રેન્ટન, પેન્સિલવેનિયા.

ઉત્તરાખંડ કેદારનાથમાં કાળો કેર વર્તાઈ ગયો. હજારો યાત્રીઓ ફસાઈ ગયા અને હજારો મૃત્યુ પણ પામ્યા. કુદરત કુદરતનું કામ કરતી હોય છે. એની વચમાં આસ્તિક આવે કે નાસ્તિક બધાને અસર થઈ જતી હોય છે. સુનામી આવે ત્યારે આસ્તિક નાસ્તિક બધા સાથે જ તણાઈ જતા હોય છે. તમે આસ્તિક છો કે નાસ્તિક કુદરતને કશો ફરક પડતો નથી. કહેવાતા નાસ્તિકો ખુશ થવા લાગ્યા કે લે ભગવાનને મળવા ગયો હતો, લે લેતો જા.. એક ભાઈએ ફેસબુકમા રહેલા ગુજરાતી લેખક મંડળમાં ભગવાન તો ઠીક એની માને ગાળો દેતી કવિતા લખીને મૂકી દીધી.

આસ્તિક તો ઈરેશનલ થિંકિંગ કરતા હોય છે તે તો સમજાય તેવું છે, પણ કહેવાતા નાસ્તિકો પણ ઈરેશનલ થિંકિંગ કરતા હોય છે. જો ભગવાન છે જ નહીં તો તમે ગાળો કોને દો છો ? ભગવાનને માનનારા અને ભગવાનને ભાંડનારા બંને મનમાં ભગવાન છે તે સીધું સાદું લોજિક છે. જે નથી એને ગાળ દેવાનો કોઈ અર્થ ખરો ? વળી પાછી એની માને ગાળ દેવાનો મતલબ ભગવાન કોઈ વ્યક્તિ પણ બની ગયો. વળી કોઈએ વિરોધ ઉઠાવ્યો કે માતાને શું કામ? માને બદલે પિતા શબ્દ વાપરવાનો હતો. મતલબ ભગવાનના પિતાને ગાળ દેવી જોઇતી હતી. સ્ત્રીઓનું શોષણ સમાજ સદીઓથી કરતો આવ્યો છે તો હવે પિતાને ગાળ દો.. ભગવાનના પિતાને ગાળ દો કે માતાને ગાળ દો કે ભગવાનને ભજો દરેક વખતે ઈશ્વરનો સ્વીકાર તો છે જ.

કેદારનાથ ટ્રેજેડી બચાવ કાર્યના ફૂટેજ હું ટીવી ઉપર જોતો હતો. એક પત્રકાર આર્મીના હેલિકૉપ્ટરમાં બેઠો હતો સામે કોઈ નાનો છોકરો અને કોઈ વૃદ્ધ વડીલ બેઠાં હતા. પત્રકાર પેલાં છોકરા સામે માઇક ધરીને રાબેતા મુજબ પૂછતો હોય છે કે ‘કૈસા લગ રહા હૈ?’ આપણા મૂરખ પત્રકારો ગમે તેવી પરિસ્થિતિ હોય ‘કૈસા લગ રહા હૈ?’ પહેલું જ પૂછી લેતા હોય છે. પેલો છોકરો બે હાથ જોડી લગભગ રડવા જેવો ‘હે ભગવાનજી આપકો થેંકયૂ બોલના ચાહતા હું આપને મુજે બચા લીયા’, પછી લાગે છે કે કંઈક અધુરુ છે તો કહે છે આર્મીવાલો કો થેંકયૂ બોલના ચાહતા હું. મને થયું બાળક છે જીંદગીમાં જે જોયું હોય તે જ બોલવાનો છે. પણ સવાલ એ છે કે તને એકલાંને બચાવી લીધો તું થેંકયૂ કહે છે અને બીજા હજારો મરી ગયા શું કહેતા હશે ? ભાઈ તું કોઈ સ્પેશલ વ્યક્તિ છે કે ભગવાનનો સંબંધી છે કે તને બચાવ્યો અને જે મરી ગયા તે ભગવાનના દુશ્મન હતાં ? કે અળખામણા હતાં ? બચી ગયેલા ભગવાનનો પાડ માનતા હોય છે તો મરી ગયા એમાં ભગવાન જવાબદાર ? આવી યાત્રાઓમાં લોકો બીજા કુટુંબીઓ સાથે જતા હોય છે, એમાંથી એક બચી જાય અને બીજો મરી જાય તો શું માનવાનું ? ‘ભગવાનનો પાડ માનો કે હું બચી ગયો અને મારી સાથે આવેલા મારા વાઈફ (ભાઇ-કાકા-મામા-ફોઈ-પિતા-માતા) મરી ગયા.’ હસવા જેવું લાગે છે ને?

તમે હરવા ફરવા જાઓ કે પર્વતારોહણ કરવા જાઓ એમાં ફરક હોય છે. ચોમાસામાં વિષમ વાતાવરણ થવાનું હોય તો આપણે ફરવા જતા નથી. અહીં અમે વેધર ખરાબ હોય સહેજ વરસાદ હોય તો પણ બહાર ફરવા જતા નથી ઘરમાં ભરાઈ રહેતા હોઈએ છીએ. પર્વતારોહકો પૂરતી તૈયારી કરીને જતા હોય છે અને હવામાન સમાચારો સાથે સંપર્કમાં રહેતા હોય છે. ધાર્મિક ઘેલછા કોઈ તૈયારી કરવા રહેતી નથી. એમના માટે ચોક્કસ દિવસનું મહત્વ હોય છે. વળી પાછાં લાખોની સંખ્યામાં ઊમટી પડતા હોય છે. આવી ગરબડ થાય તો લાખોને રેસ્ક્યૂ કરવા સરકાર માટે પણ મુશ્કેલી છે. ચાલવા અસમર્થ હોય એવા વૃદ્ધો પણ પુણ્ય કમાવા કે પરલોક સુધારવા આવી દુર્ગમ જગ્યાઓએ પહોચી જતા હોય છે. પછી આર્મીના માથે પડતા હોય છે.

ભગવાન સર્વવ્યાપી હોય, તો ઘરમાં ક્યાં નથી હોતો? મૂળ આપણું લોજિક જ ખોટું છે. આપણે ભગવાન વિષે દિશાવિહિન છિયે. એક બાજુ કહીએ છીએ કે ભગવાન બધે જ છે અને મંદિરમાં દોટો મૂકીયે છીએ. એક બાજુ કહીએ છીએ ભગવાન સર્વમાં છે અને કોઈ સ્પેશલ ગુરુ ઘંટાલના ચરણોમાં લોટી પડીએ છીએ. એક બાજુ કહીએ છીએ તે જગતનો નાથ છે અને મંદિરોમાં ધનના ઢગલા કરી દઈએ છીએ. જગતના નાથને આપણા પૈસાની શું જરૂર ? એક બાજુ કહીએ છીએ ભગવાન તો એક જ છે પણ દરેકના ભગવાન જુદા જુદા છે. એમાંય મારો સાચો અને તારો ખોટો. હું વૈષ્ણવ એટલે કપડાં સિવાય તેવું પણ બોલાય નહી કેમ કે સિવાય શબ્દમાં શિવ-શંકર નમઃશિવાય નો ધ્વનિ વર્તાય છે.

એક બાજુ કર્મના નિયમને આધીન કહીંયે છીએ તો પછી ભગવાન આગળ કરગરો કે પ્રસાદ ધરાવો શું ફરક પડવાનો? તમે ગમે તેટલાં કાલાવાલા કરશો કરમ ને આધીન હશો તો તે કશું કરવાનો નથી. અને કાલાવાલા કરવાથી કશું કરે તો તે પક્ષપાતી ગણાય. હોય તો પક્ષપાત કરે ખરો? પક્ષપાત કરે તો ભગવાન કહેવાય ખરો? અને હોય તો એને ભક્તો સાથે ડીલિંગ કરવા વચમાં બ્રોકર જોઈએ ખરા?

મૂલતઃ માનવ સમૂહમાં રહેવા ઈવોલ્વ થયેલો છે અને સમૂહનો એક નેતા હોય છે, નેતાને ખુશ રાખવો પડતો હોય છે, નેતા સાથે ડાઇરેક્ટ ડીલિંગ કરવું અઘરૂ તો વચમાં એક વચેટિયો જોઈએ જે સમૂહના વડા સામે આપણી વાત રજું કરે, ઘરમાં પિતા કડક હોય તો કોઈ માગણી માતા દ્વારા કરાતી હોય છે. નેતાને ખુશામત કરી રીઝવી શકાય છે, નેતાને ભેટસોગાદ આપીયે તો ખુશ રહે તો કામ થઈ જાય કે પહેલા આપણું સાંભળે. નેતા સમૂહનું રક્ષણ કરતો હોય છે તો એ કામ કરીને કમાવાની ઝંઝટમાંથી મુક્ત રહેતો હોય છે આપણા પૈસે લીલાલહેર કરતો હોય છે. નેતા સમયે સમયે બદલાઈ જતા હોય છે.

સેઇમ થિંગ આપણો ભગવાન વિષે કૉન્સેપ્ટ આવો જ છે. ભલે પુસ્તકોમાં બહુ આદર્શ કૉન્સેપ્ટ ઊભા કરીએ આચરણમાં આપણે જે કરતાં હોઈએ તેવું જ ભગવાન વિષે કરતાં હોઈએ છીએ. આપણા રાજાઓ, નેતાઓ અને ભગવાનમાં કોઈ ફરક નથી. એટલે તો કૃષ્ણ અને રામ જેવા રાજાઓ ને ભગવાન બનાવી બેઠાં છીએ. આમ આપણી કરણી અને કથની જુદી પડી જાય છે. કહીંયે જુદું કરીયે જુદું. માટે આપણે કહીંયે ભગવાન સર્વવ્યાપી છે પણ એ તો કોઈ ઊંચી જગ્યાએ બેઠો છે માટે એને મળવા દોટો મૂકવી પડે છે. આપણે કહીએ સર્વમાં છે પણ એની આગળ આપણી વાત રજૂ કરવા બ્રોકર શોધીએ છીએ, કહીએ જગતનો નાથ છે પણ માનીએ છીએ કે જગન્નાથના હાથ ખાલી છે. ભગવાન માટે બધા સરખાં એવું કહીએ ખરા પણ માનતા નથી. માટે આપણે એને પ્રસાદ ધરાવીએ છીએ, કાલાવાલા કરીએ છીએ કે મારુ ટેન્ડર પાસ કરજે બીજાનું ના કરતો. બીજો વળી એનું ટેન્ડર પાસ કરાવવા વળી એના ભગવાનને કરગરતો હોય. નેતા બદલાઈ જતા હોય છે તેમ ભગવાન પણ બદલાઈ જતા હોય છે. હવે બ્રહ્મા, વિષ્ણું ઓછા પૂજાય છે, રામ-કૃષ્ણ જોઈએ તેવું કામ આપતા નથી સાંઈબાબા શરૂ કરો.

ઘણીવાર રાજાને હટાવી મંત્રી કે સેનાપતિ પોતે રાજા બની જતો હોય છે. ભોંસલે રાજાઓને બાજુ પર રાખી પેશ્વા-મંત્રી રાજા બની ગયેલા. રાજાના એક સમયના પ્યૂન રાજા બની જતા હોય છે. બાપને હટાવી દીકરો પરાણે રાજા બની જતો હોય છે. રાજાનો ભાઈ બળવાન હોય તો બીજે વસીને નવું રાજ્ય વસાવતો હોય છે. ભગવાન હોય, ધર્મ હોય કે સંપ્રદાય હોય આજ સિનારિઓ ચાલતો હોય છે. ક્યાંક રામને બદલે હનુમાન વધુ પૂજાતા હોય છે. ખંડીયા રાજાઓનો એક ચક્રવર્તી રાજા હોય છે તેમ દેવાધિદેવ દેવ હોય છે.

દરેક માનવ સમૂહના પોતપોતાના અલગ નિયમો કાયદા હોય છે. તેમ ભલે એક જ ધર્મના હોય પણ અલગ અલગ સંપ્રદાયના નિયમો માન્યતાઓ અલગ અલગ હોય છે. બધા એકબીજાના દુશ્મનો. શિયા સુન્ની એકબીજાના દુશ્મન. એક જ સ્વામિનારાયણ ધર્મ કહેવાય પણ કાલુપુરવાળા કે વડતાલવાળા બાપ્સવાળાને ગાળો દેતા હશે. કારણ આચાર્યોને બાજુ પર રાખી સેવકો હવે ભગવાન બની ગયા છે. કૅથલિક અને પ્રોટેસ્ટન્ટનો ઝગડો વર્ષો જુનો છે.

શાંતિથી વિચારો સમજો ભગવાન વિષે, ધરમ વિષે આપણે ભલે ઉચ્ચ ફિલૉસફી કે મહાન આદર્શ દર્શાવતી વાતો કરીએ કે શાસ્ત્રો રચીએ પણ આપણા સામાજિક ઢાંચા પ્રમાણે જ ભગવાનની ધારણાનું અને ધર્મનું નિયમન થતું હોય છે. અહીં આપણી કથની અને કરણી વચ્ચે આભ જમીનનો ફરક પડી જાય છે. એટલે ધર્મની સૌથી વધુ વાતો કરનારા નૈતિક રીતે સૌથી વધુ અધાર્મિક દેખાતા હોય છે. જય શ્રી કૃષ્ણ અને જય જિનેન્દ્ર કહ્યા વગર ઘરની બહાર પગ ના મૂકનારા સૌથી વધુ આર્થિક કૌભાંડ કરતા હોય છે.

એક પૌરાણિક વાર્તા- એકવાર ભગવાન વિષ્ણુ બપોરની નૅપ લેતા હતા. બે દ્વારપાલ ચોકી કરતા હતા. એવામાં એક બ્રહ્મચારી ઋષિ ભગવાનને મળવા આવ્યા. અપૉઈન્ટમેન્ટ વગર આવેલા એટલે દ્વારપાલે રોક્યા. બ્રહ્મચર્યનું ફ્રસ્ટ્રેશન ગુસ્સો બહુ આપે. સીધો શ્રાપ આપી દીધો મૃત્યુલોકમાં બદલી કરાવી નાખીશ. ભગવાન જાગ્યા. દ્વારપાલ કરગરી પડ્યા પણ હવે બદલી તો કરવી જ પડશે. મુખ્યમંત્રીને ધારાસભ્યના કહેવાથી સંનિષ્ઠ અધિકારીની બદલી કરવી પડતી હોય છે. દ્વારપાલોએ કહ્યું અમે તો ફરજ બજાવી છે. પણ આ દેશમાં ફરજ બજાવો તો ઇનામને બદલે સજા મળવાનું આજનું નથી. કિરણ બેદીના એક પી.એસ.આઈ એ નો-પાર્કિંગમાં મૂકેલી કાર ખેંચાવી લીધી હતી. કાર ઈંદીરા ગાંધીની નીકળી. વાત આવી કે પી.એસ.આઈ ને સસ્પેન્ડ કરો. કિરણ બેદીએ કહ્યું એણે ફરજ બજાવી છે. એને સસ્પેન્ડ ના કરાય તો ઉપરી અધિકારીઓએ કિરણ બેદીની જ બદલી કરી નાખી, દિલ્હી થી ગોવા..

દ્વારપાલ બહુ કરગર્યા તો તોડ કાઢ્યો કે પ્રેમ ભાવે ભજશો તો સાત જનમ (જનમટીપ) બદલી કાયમ રહેશે. અને વેરભાવે ભજશો તો ત્રણ જનમ બહુ થઈ ગયા. આ શ્રાપ અને આશીર્વાદ ભારતમાં ઇમોશનલ અત્યાચાર કરવાના બે મુખ્ય સાધન હતા. આશીર્વાદની લાલચ અને શ્રાપની બીક બહુ લોકોને પીડતી. બન્ને દ્વારપાલનો પહેલો જનમ હીરણાક્ષ અને હીરણ્યકશ્યપુ, બીજો જનમ રાવણ અને કુંભકર્ણ અને ત્રીજો હું માનું છું કંસ અને શિશુપાલ…પછી આ ભક્તો પાછાં વિષ્ણુધામ દ્વારપાલ તરીકે રિટર્ન..

મૂળ વાત એ છે કે આપણે વાતો ગમે તેટલી ડાહી ડાહી કરીએ ભગવાન વિષે ઉચ્ચ આદર્શો અને ફિલૉસફી ફાડંફાડ કરીએ આપણો ભગવાન આપણા જેવો જ હોય છે. ધર્મોની સારી સારી વાતો પુસ્તકોમાં જ શોભાયમાન હોય છે અમલમાં નહિ.

એક ધનસુખભાઈ ભગવાનમાં માનતા નહોતા. મંદિરમાં જતા તો મૂર્તિ આગળ અવળા ફરીને ઊભા રહેતા. જો તમે ભગવાનમાં માનતા જ ના હોવ તો પહેલું મંદિરમાં જવાની જરૂર શું? અને ભૂલમાં જઈ ચડ્યા તો અવળા ફરીને ઊભા રહેવાની જરૂર શું? કોઈ છે નહિ તો કોની સામે અવળા ફરીને ઊભા રહો છો? તમારૂ કામ ના થયુ તમે નારાજ છો માટે ભગવાનમાં માનતા નથી કામ થયુ હોત તો તમે માનતા જ હોત.

મૂળ ભગવાનને ગાળો દઈને ગદ્ય કે પદ્ય રચાતા હોય છે તેમાં ભગવાન તો અધ્યાહાર હોય છે, એક બહાનું હોય છે. એમાં એક વર્ગનો બીજા વર્ગ સામેનો આક્રોશ જ ભરેલો હોય છે.

રાતે કૃષ્ણ કાનમાં કહી ગયા કે  “હું સર્વવ્યાપી છું, આસ્તિકોના ‘અ’ કારમાં નાસ્તિકોના ‘ન’ કારમાં.” and one more thing my freind, religious emotionals are the most dangerous animlas on the earth એમનાથી દૂર રહેવું. મેં કહ્યું ઓહોહો ભગવાન તમે  અંગ્રેજી ક્યારનાં ફાડવા માંડ્યા? ભગવાન કહે અલ્યા મારા મંદિર હવે અમેરિકામાં ય ખૂબ બનવા માંડ્યા છે એટલે મારે ય જેવો દેશ એવી ભાષા શીખવી પડે કે નહિ?

5 thoughts on “આસ્તિકોના ‘અ’ કારમાં નાસ્તિકોના ‘ન’ કારમાં”

  1. આપના કાન ઘણા સારા છે, અભિનંદન.

    ‘કુરુક્ષેત્ર’ ખોલું છું તો તેમાં પ્રતિભાવ લખવાની કોઈ સગવડ જડતી નથી. આવી
    ઇમેઇલમાં જ લખાવી પડે છે. એમ કેમ?

    ઈશ્વરને પણ આપણે સગવડીયો બનાવી દીધો છે એટલે આ તો આમ જ ચાલવાનું.

    2018-06-15 11:18 GMT-04:00 કુરુક્ષેત્ર :

    > Bhupendrasinh Raol posted: “આસ્તિકોના ‘અ’ કારમાં નાસ્તિકોના ‘ન’ કારમાં –
    > ભૂપેન્દ્રસિંહ રાઓલ, સ્ક્રેન્ટન, પેન્સિલવેનિયા. ઉત્તરાખંડ કેદારનાથમાં કાળો
    > કેર વર્તાઈ ગયો. હજારો યાત્રીઓ ફસાઈ ગયા અને હજારો મૃત્યુ પણ પામ્યા. કુદરત
    > કુદરતનું કામ કરતી હોય છે. એની વચમાં આસ્તિક આવે કે નાસ્તિક બધા”
    >

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s