ખાલીસ્તાન ચળવળ, આઝાદીનો અપચો-3

200px-IndiraGandhi-SareeAtTimeOfDeathuntitledખાલીસ્તાન ચળવળ, આઝાદીનો અપચો-3 :- ભૂપેન્દ્રસિંહ રાઓલ, સ્ક્રેન્ટન, પેન્સીલવેનિયા…

ખાલીસ્તાન એટલે એક અલગ શીખોનું રાજ કે દેશ હોવો જોઈએ તેના બીજ આઝાદી પહેલા અકાલીદળ રોપી ચૂક્યું હતું. સંજોગોના જાતજાતના ખાતર-પાણી મળતા તે હવે પાંગરીને છોડ બની ચૂક્યો હતો. આ છોડને નાથવા વધુ મોટો થતો અટકાવવા ઈન્દિરાજી અને તેમના સાથી મિત્રોએ ભીન્દારાનવાલે ને સાથ સહકાર આપી બહુ મોટી ભૂલ કરી હતી. ૧૯૭૭માં જનતા પાર્ટીના સહયોગમાં ગાદીનશીન થયા પછી અકાલીદળ આ છોડને વધુને વધુ ખાતર પાણી આપે તે સ્વાભાવિક હતું. એને કંટ્રોલમાં રાખવા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીની ૧૯૭૯મા થનારી ચુંટણીમાં અકાલીદળનું પ્રભુત્વ ઓછું થાય તેવા માણસો જીતીને આવે તે જરૂરી હતું માટે ઈન્દિરાજી આણી મંડળીએ ભીન્દારણવાલે ને આર્થિક સહયોગ પણ આપ્યો. અહિ પાસા ઊંધા પડ્યા. ભીન્દારાનવાલે પોતે મહાન શીખ લીડર બનવા માંગતો જબરો મહત્વાકાંક્ષા ધરાવતો જુનવાણી તદ્દન ઓર્થોડોક્સ ધાર્મિક લીડર હતો. એને ૧૯૭૮માં એણે ગોલ્ડન ટેમ્પલમાંથી ભડકાઉ ભાષણ કરી ફતવો બહાર પાડી ટોળાને ઉશ્કેરી નિરંકારીઓ પર હિંસક હુમલા કરેલા, નિરંકારી બાબા ગુરુબચનસિંઘનું મર્ડર કરવામાં આવેલું, ત્યાંથી શીખ હિંસક ત્રાસવાદની શરૂઆત થઈ.

ભીન્દારાન્વાલેએ ઓલ ઇન્ડિયા શીખ સ્ટુડન્ટ ફેડરેશન(AISSF) જોડે સાંઠગાંઠ કરી લીધી. આ AISSFની રચના અકાલીદળે આઝાદી પહેલા ૧૯૪૩મા કરેલી અને તે ભાગલા વખતે અલગ શીખ રાજ, પંજાબી સુબા વગેરે લડતમાં અકાલીઓ માટે પાવર સપ્લાય હતું. હવે કહેતા નહિ AISSF ની રચનામાં ઈન્દિરાજી અને કોંગ્રેસનો હાથ છે. અકાલીઓને ધમાલ કરવી હોય ત્યારે AISSF કામ લાગતું. ભાગલા પડ્યા ત્યારે પંજાબનો મોટાભાગનો ઔદ્યોગિક ઝોન પાકિસ્તાનમાં જતો રહેલો. ભારતમાં ખેતીવાડી વાળું પંજાબ બચેલું. અમૃતસર, ગુરુદાસ્પુર અને માજ્હા વિસ્તારના મોટાભાગના મિલીટન્ટ યુવાનો ખેતી કરતા ફેમિલીના હતા. ભીન્દારાન્વાલેએ આવા યુવાનોની લીડરશીપ હાથમાં લઇ લીધી. આ AISSF ને પરદેશમાંથી પણ ખૂબ પૈસા મળતા. ૧૯૮૧મા આ ગ્રુપના ૩ લાખ મેમ્બર હતા એ ઉપરથી તેની સક્રિયતા ખયાલ આવશે.

મીડિયાની ભડવાગીરી ત્યારે પણ ચાલુ હતી. હિંદુ-શીખો વચ્ચે કોમી તણાવ વધતો જતો હતો. આર્યસમાજિ નેતા લાલ જગતનારાયણનું મર્ડર કરવામાં આવ્યું સપ્ટેમ્બર ૧૯૮૧મા અને હિંદુ શીખ વચ્ચે તોફાન થયું અને કેન્દ્ર સરકાર ભડકી. ભીન્દારાનવાલે પર તેનો આરોપ લાગ્યો. અકાલીદળનાં હરચંદસિંઘ લોન્ગોવાલે ભીન્દરાનવાલે સાથે ગઠબંધન કરી કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો તેમાં ૩૦,૦૦૦ લોકોએ ધરપકડ વહોરી, જોકે તરત છોડી મુકવામાં આવેલા. ૧૯૮૨મા એશિયન ગેઈમ દિલ્હીમાં યોજાએલી. પહેલીવાર આવો રમતોત્સવ ઈન્દિરાજી ખેંચી લાવેલા તે સમયે અકાલીદળે શાંતિપૂર્ણ ડેમોન્સ્ટ્રેશન કરશે તેવું જણાવ્યું. પણ સરકાર એવું કરવા દે ખરી? એવું જોખમ લે ખરી? શીખોના મિજાજ જોતા એશિયન ગેઈમ્સની પત્તર ઝીંકાઈ જાય કે નહિ? મ્યુનિક ઓલોમ્પિક જેવો હત્યાકાંડ કરી બીજા દેશો આગળ મોઢું બતાવવા લાયક રહેવા દે ખરા? સરકારે આ વખતે કડક થવું પડ્યું. બસ પછી તો દોર ચાલ્યો પંજાબમાં અવિરત હિંસાનો. હિન્દુઓને જયા જુઓ ત્યાં ઠાર મારો. બસમાંથી ઉતારી સળગાવી દો. રેલ્વે સ્ટેશનો, બસ સ્ટેશનો, માર્કેટમાં જ્યાં સગવડ મળે બોમ્બ ફેંકો, મોટરસાયકલ પર બે જણા આવે અચાનક હત્યાકાંડ કરી જતાં રહે. હિંદુ નેતાઓને મારો, શીખ નેતાઓ અકાલીદળ કે ભીન્દરન્વાલેનાં વિરોધી હોય તો ઠાર મારો. અકાલીદળનાં નેતાઓ સંત જરનૈલસિંઘ આગળ બકરી, શિરોમણી ગૃરુદ્વારા પ્રબંધક કમિટીના સભ્યો પણ તેની આગળ બકરી. એ પોતે હવે ગોલ્ડન ટેમ્પલમાં જ રહેવા લાગ્યો અને ત્યાંથી પંજાબમાં મોતનું તાંડવ ચલાવવા લાગેલો. ૧૯૮૩મા પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું.

અમેરિકા-પાકિસ્તાનનાં આશીર્વાદ, વિદેશી શીખોના ડોલર્સ, પાઉન્ડ, ISIની તાલીમ, વધારામાં ભારતીય આર્મીના રીટાયર ઉસ્તાદો પણ તાલીમ આપતા આ બધું ભેગું મળી શીખ ત્રાસવાદીઓ સફળતાથી હત્યાકાંડ પર હત્યાકાંડ કરે રાખતા હતા. સંત મંદિરમાં બેઠા બેઠા શેતાનને શરમાવતા હતા. એક તો મંદિરમાં પોલીસથી ઘૂસાય નહિ. ચામડાની વસ્તુ ના લઇ જવાય તેવા બહાના. અર્મીથી ઘૂસાય નહિ. ધાર્મિક લાગણી દુભાઈ જાય અને તેવી બદમાશ લાગણીઓ લઇ મંદિરમાં બેઠા બેઠા ત્રાસવાદ ચલાવી શકાય. મંદિર દ્વારે DGP ની લાશ આઠ આઠ કલાક પડી રહી ત્યારે ઇન્દિરાજીને લાગ્યું કે હવે આ નસ્તર પર મોટો ચીરો મુકવો પડશે છરી મુકવી પડશે. એના માટે ભીન્દારાનવાલેને પકડવો પડશે અને તેણે પકડવા મંદિર પર રીતસર એટેક કરવો પડશે.

૧૯૮૨ થી ભીન્દારાનવાલે ગોલ્ડન ટેમ્પલના અંદર આવેલા ગેસ્ટ હાઉસ ગુરુ નાનક નિવાસમાં ૨૦૦ હથિયારબંધ ત્રાસવાદીઓ સાથે રહેવા આવી ગયેલો. તેની સાથે મદદમાં રીટાયર મેજર જનરલ શાબેગસિંઘ પણ હતા. પહેલા તો ઇન્દિરાજીએ લેફ્ટનન્ટ જનરલ એસ. કે. સિન્હા જે હવે પછી આર્મી ચીફ બનવાના હતા તેમને પૂછ્યું પણ એમણે ભારે પગલા લેવા હિમાયત કરી નહિ. બીજા ઉપાય કરવા સૂચવ્યું. ઇન્દિરાજીએ કેટલાક નિર્ણાયક પગલા લીધા, સિન્હા સાહેબનું પત્તું કાપવું પડ્યું, અરુણ શ્રીધર વૈદ્યને આર્મી ચીફ બનાવ્યા, જનરલ સુંદરજીને વાઈસ ચીફ બનાવ્યા, અને ઓપરેશન બ્લ્યુ સ્ટારનો તખ્તો ઘડી કાઢ્યો.

૧ જુને જનરલ સુંદરજી અને કુલદીપસિંઘ બ્રારની આગેવાની હેઠળ ઓપરેશન શરુ થયું. શરૂમાં બીએસએફ અને સીઆરપી એ હલ્લો બોલાવ્યો. બીજી જુને કાશ્મીર, રાજસ્થાન પાકિસ્તાન બોર્ડર સીલ કરી દેવામાં આવી. આર્મીની સાત ડીવીઝનો પંજાબના ગામડાઓમાં ઉતારી દેવાઈ. પ્રેસ મીડિયા પર ટોટલી પ્રતિબંધ, રેલ, રોડ, રસ્તા અને એર સર્વિસ પણ બંધ એન આર આઈ અને બીજા વિદેશીઓ પર પંજાબમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો. જનરલ ગૌરીશંકરને પંજાબ ગવર્નરનાં સલાહકાર નિયુક્ત કરાયા. ત્રીજી જુને આર્મી અને પેરામીલીટરીની દેખરેખમાં પુરૂ પંજાબ કરફ્યુમાં જકડાયું. ચોથી જુને આર્મીએ હુમલો શરુ કર્યો. મેજર જનરલ શાબેગસિંઘ મંદિરમાંથી ડીફેન્સ કરતા હતા જે હવે ખુદ ત્રાસવાદી બનું ચૂકયા હતા તેમને ખાળવામાં આવ્યા. સીઝફાયર કરી SGPC નાં માજી વડા ગુરુચરણસિંઘ તોહરાને ભીન્દરાનવાલે પાસે સમાધાન માટે મંત્રણા કરવા મોકલાયા. પણ તે લીલા તોરણે વિલા મોઢે પાછા આવ્યા. પાંચમી જુને ફરી હુમલો શરુ થયો. બીએસએફ, સીઆરપીએફ, ૧૦ ગાર્ડસ, એક પેરા કમાન્ડો, સ્પેસીઅલ ફ્રન્ટીયર ફોર્સ, ૨૬ મદ્રાસ અને ૯ કુમાઉ બટાલિયન, ૧૨ બિહાર રેજીમેન્ટ, ૯ ગરવાલ રાઈફલ, ૭ ગરવાલ રાઈફલ, ૧૫ કુમાઉ રેજીમેન્ટ આ બધી ટુકડીઓ જનરલ બ્રાર, બ્રિગેડીયર એ. કે. દીવાનની રાહબરી હેઠળ એમના પ્લાન મુજબ મચી પડી હતી. છઠ્ઠી જુને વિજયંત ટેંક બોલાવવી પડેલી ત્યારે દસ તારીખ સુધી પુરો કાબુ આવેલો.

બહુ દુઃખદાયક ઘટનાનું હ્રદયદ્રાવક વર્ણન કરવું નથી. પણ મિત્રો સમજાય છે કેટલી ભયાનક તૈયારીઓ હશે દેશને તોડવાની, દેશમાં કોહરામ મચાવવાની, દેશમાં તબાહી મચાવવાની ત્રાસવાદીઓની? એક મીની યુદ્ધ જ કેન્દ્ર સરકારને પોતાના જ બગડેલા ભાઈઓ વિરુદ્ધ ખેલવું પડ્યું હતું. એક બાપને પોતાના જ બગડેલા બેટાને ઠમઠોરવા કેટલી જહેમત કરવી પડેલી?

૫૦૦ શીખ ત્રાસવાદીઓ માર્યા ગયેલા અને મીલીટરીનાં ૮૩ બહાદુરોએ જાણ ગુમાવેલા અને ૨૩૬ ઘાયલ હતા. બિનસત્તાવાર આંકડો ઘણો મોટો છે. એ જમાનામાં બીબીસીનો માર્ક તુલી રેડીઓ પર બહુ ફેમસ હતો એના કહેવા મુજબ સિવિલિયન શીખોએ અમૃતસર તરફ કુચ કરેલી તેમને રોકવા ટેન્કો સામે ધરવી પડેલી. રાજીવ ગાંધી એકવાર ક્યાંક મીલીટરીનાં ૭૦૦ બહાદુરો માર્યા ગયેલા તેવું બોલી ગયા હતા.

ખેર પરિણામ સ્વરૂપ

૫૦૦૦ શીખ સૈનિકોએ લશ્કરમાં બળવો કરેલો પણ એમને દબાવી દેવા પડે તે સ્વાભાવિક છે. ૩૧ ઓકટોબર ૧૯૮૪ના રોજ પોતાના જ બે કાયર નામર્દ શીખ બોડીગાર્ડ દ્વારા ભારતના એકમાત્ર મર્દ વડાંપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી. પરિણામ સ્વરૂપ શીખો વિરુદ્ધ તોફાનો થયા અને એમાં બેથી ત્રણ હજાર નિર્દોષ શીખો વગર વાંકે માર્યા ગયા. ૧૮૮૫મા એર ઇન્ડિયા ફ્લાઈટ નં-૧૮૨ ત્રણસો યાત્રી સહીત શીખ ત્રાસવાદીઓ દ્વારા ઉડાવી દેવાયું. ઓપરેશન બ્લ્યુ સ્ટાર વખતે જે આર્મી ચીફ હતા તે જનરલ અરુણ શ્રીધર વૈદ્યની પુનામાં ૧૯૮૬મા હત્યા કરવામાં આવી હતી તેના આરોપીઓ હરજીન્દરસિંઘ જિન્દા અને સુખદેવસિંઘ સુખાને ૭ ઓકટોબર ૧૯૯૨મા ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા. સરકાર દ્વારા ગોલ્ડન ટેમ્પલનું સમારકામ કરવામાં આવ્યું.

શીખ ત્રાસવાદીઓ હજુ મંદિરનો ઉપયોગ છુપાઈ જવા કરતા હતા. ૩૦ એપ્રિલ ૧૯૮૬મા ઓપરેશન બ્લેક થંડર-૧ બીએસએફના ૭૦૦ જવાનોએ કરેલું એમાં ૩૦૦ શીખ મિલીટન્ટ પકડાયેલા. ઓપરેશન બ્લેક થંડર-૨, ૯ મે ૧૯૮૮મા કરવામાં આવેલું તે પંજાબ પોલીસ વડા કંવરપાલસિંઘની આગેવાની હેઠળ થયેલું. તે વખતે ૨૦૦ મિલીટન્ટ શરણે થયેલા તે વખતે અજીત દોવલ આઈપીએસ ઓફિસર હતા અને શીખ બની મંદિરમાં ત્રાસવાદીઓ સાથે એમના હમદર્દ બનીને રહેલાં. એમની જાસુસી રંગ લાવેલી. ઓપરેશન વુડરોઝ ૧૯૮૪ થી ૧૯૯૨ સુધી ચાલેલું. પંજાબ ચંદીગઢ ડીસ્ટર્બડ એરિયા એક્ટ ૧૯૮૩ લગાવી આર્મીને બેમર્યાદ સત્તાઓ આપવામાં આવેલી. શીખ મિલિટન્ટ હત્યાઓ કરી શેરડીના ખેતરોમાં સંતાઈ જતાં, ફોર્સ બહારથી હુમલા કરે ફાવે નહિ. ખેતરોમાં જીપ કે બીજા વાહન જાય નહિ. ગીલ સાહેબે આઈડિયા માર્યો. ટ્રેકટર પર બુલેટપ્રૂફ કેબીનો બનાવડાવી, હવે ટ્રેકટર તો આરામથી ખેતરમાં ફરી શકે. હજારો યુવાન શીખ મિલીટન્ટ માર્યા ગયા. બાકીના પાકિસ્તાન ભેગા થઈ ગયા. ગીલ સાહેબને ગુપ્ત ફંડ આપવામાં આવેલું. કોંગ્રેસના મુખ્ય મંત્રી બીયંતસિંઘ અને ગીલ સાહેબની જોડીએ સપાટો બોલાવી દીધો. એમાં જોકે પાછળથી બીયંતસિંઘની એમની કાર બોમ્બ વડે ઉડાવી હત્યા કરી દેવાઈ હતી.

અલગ ખાલિસ્તાનના બીજ અકાલીદળે આઝાદી પહેલા રોપેલા હતા. કોંગ્રેસે એના મુખ્ય મંત્રી અને પ્રાઈમ મિનિસ્ટર બેની જાન ગુમાવી હતી. જે થોડો સમય કોંગ્રેસે ભીન્દારાનવાલેને સાથ આપ્યો તેમાં હેતુ અકાલીદળની ખાલિસ્તાની પ્રવૃત્તિઓ નાથવા પુરતો હતો. એક ખાસ વાત કહું, “ ઓપરેશન બ્લ્યુ સ્ટાર પછી ગુપ્તચર એજન્સીઓ અને સુરક્ષા સલાહકારોએ ઇન્દિરાજીને એમના શીખ બોડીગાર્ડ હટાવી લેવાનું સૂચવ્યું હતું, સુરક્ષા સલાહકારોને શીખ સેન્ટિમેન્ટની ખબર હતી, દગો થવાનો સો ટકા સંભવ હતો. પણ ઇન્દિરાજીએ એનો ઇન્કાર કર્યો, આ મર્દ વડાંપ્રધાને કહ્યું હું શીખ બોડીગાર્ડ હટાવી લઉં તો એનો ખોટો મેસેજ મારા દેશ બાંધવોમા જાય કે મને શીખો પ્રત્યે નફરત છે. શીખ પ્રજામાં પણ ખોટો મેસેજ જાય. માટે એમણે ધરાર શીખ બોડીગાર્ડ બદલવાની ના પાડી દીધી.” અને ના થવાનું થયું. શીખ બોડીગાર્ડની ધાર્મિક લાગણીઓ છંછેડી ઉશ્કેરી દેવામાં આવેલા. બોડીગાર્ડ સબ ઇન્સ્પેકટર બિયંતસિંઘ ઇન્દીરાજીનો માનીતો હતો તે દસ વર્ષથી એમની સાથે હતો જ્યારે સતવંતસિંઘ પાંચ મહિના પહેલા આવેલો. બિયંતસિંઘ પહેલી ત્રણ ગોળીઓ રિવોલ્વર વડે મારે છે, ઈન્દિરાજી નીચે પડી ગયા પછી સતવંતસિંઘ સ્ટર્લીંગ સબમશીનગનમાંથી ૩૦ રાઉન્ડ છોડે છે. બિયંતસિંઘને તો ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસના બે જવાનો ત્યાં ઠાર મારે છે અને સતવંત પકડાઈ જાય છે તેને કેહરસિંઘ સાથે ૧૯૮૯માં લટકાવી દેવામાં આવે છે.

જે વડાંપ્રધાન પોતાના શીખ બોડીગાર્ડ હટાવી લેવાની ના પાડે છે અને એમાં શહીદ થાય છે તેમના પર ખાલીસ્તાન બાબતે અનાપશનાપ આક્ષેપો કરતા પહેલા આજના ટુચ્ચા ટુણીયાદ પત્રકારોએ એમની માનસિક સારવાર કરાવી લેવી જોઈએ.

હજુ કેનેડા અને યુકે, યુએસમાં રહેલાં શીખોની પૂંઠમાં ખાલીસ્તાનનો કીડો સળવળે છે. એમને ક્યા જાતે કશું કરવું છે? પૈસા આપી પારકા છોકરાં વધેરવાની વાત છે. હજુ કેનેડા અને યુએસનાં કેટલાક ગુરુદ્વારામાં મહાન ત્રાસવાદી સંત જરનૈલસિંઘનાં શહીદ તરીકેના ફોટા મુકેલા છે. કેનેડાના હાલના વડાપ્રધાન ખાલીસ્તાનનાં ટેકેદાર શીખોમાં ચહિતા બની પાઘડી પહેરી મહાલવામાં ગર્વ અનુભવે છે. હાલની ભારત સરકારે એમના ભારત ખાતેના પ્રવાસ વખતે બહુ ભાવ આપ્યો નહિ તેના પડઘા કેનેડામાં પડ્યા છે. એમનું વધારે પડતું લિબરલીઝમ કેનેડાના અમુક નાગરિકોને પણ ગમતું નથી. તેવા લોકો એમને સ્ત્રૈણ, ટ્રાની જેવા વિશેષણો વડે નવાઝે છે પણ આપણે એવું ના કહીએ, આપણા તે સંસ્કાર નથી.

અગાઉના બે ભાગ વાંચી મિત્રોએ ખૂબ સારા પ્રતિભાવ પાઠવ્યા છે તે બદલ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મારો પ્રયાસ ખાલી હકીકતો ઉજાગર કરવાનો હોય છે. ઓપરેશન બ્લ્યુ સ્ટાર વખતે અમે દિલધડક રેડીઓ ઉપર બેસી રહેતા હતા સમાચાર જાણવા.

untitled

3 thoughts on “ખાલીસ્તાન ચળવળ, આઝાદીનો અપચો-3”

  1. મીડિયા ની ભડવાગિરી એ શબ્દપ્રયોગ યોગ્ય જ છે આવા મીડિયા ઓ માટે

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s