ખાલીસ્તાન ચળવળ, આઝાદીનો અપચો-૧

untitledthNT6D1Z14ખાલીસ્તાન ચળવળ, આઝાદીનો અપચો-૧

હમણાં કેનેડાના વડાપ્રધાન ભારતની મુલાકાતે આવ્યા ત્યારે એમનું પ્રોટોકોલ મુજબ સ્વાગત થયું પણ જે બીજા દેશોના વડાઓ માટે દોટો મુકાય છે સ્વાગત વખતે તેવી મુકાઈ નહિ એટલે આ સ્વાગત સ્વાભાવિક હતું છતાં પેલા અસ્વાભાવિક સ્વાગતોની અતિને લીધે આ સ્વાભાવિક સ્વાગત અસ્વાભાવિક લાગે તેમાં કોઈ નવાઈ નહિ. એક રીતે બીજા દેશના વડાઓને બહુ લટુડા પટુડા કરવા જઈએ અને બહુ વધુ પડતી નાટકીય ઉષ્મા દેખાડીએ એમાં આપણે નબળા દેખાઈએ, નબળા છીએ એટલે પૂછડી પટપટાવીએ છીએ એવું છતું થાય છે એટલી સાદી વાત આ બુદ્ધિસાગર નેતાઓને સમજાતી નથી. એટલે આ નોર્મલ જે થતું હોય તે સ્વાભાવિક સ્વાગત કેનેડાના વડાપ્રધાનનું થયું તે એક રીતે સારું કહેવાય. બધા વડાઓનું એવું જ કરવું જોઈએ. તો એમને પણ ભાન થાય કે આપણે સાવ નબળા નથી. તો આપણા આદરણીય વડાપ્રધાને આ વખતે એમની દોટો પડતી મૂકી નોર્મલ સ્વાગત કેમ કર્યું? અને એનો ફેર પણ રાજકીય રીતે ચોક્કસ પડ્યો છે એટલે આવું પગલું આવકારદાયક કહેવાય.

એનું મૂળ કારણ એ છે કે મિત્રો જાણતા જ હશે કે ભારતમાં એક સમયે ખાસ તો ૧૯૭૧ના યુદ્ધ પછી કેટલાક અલગાવવાદી શીખોની અલગ ખાલીસ્તાન માંગ માટેની ચળવળ ખૂબ જોરમાં ચાલેલી. આ અલગ ખાલિસ્તાનની ચળ દેશમાં રહેતા શીખો કરતા કેનેડા, યુ કે, યુએસએ જેવા વિદેશોમાં વસતા શીખોની પૂંઠમાં વધુ આવતી હતી. હવે અત્યારે દેશમાં રહેતા અલગાવવાદી શીખોની પૂંઠ તો સાફ થઈ ગઈ છે લગભગ પણ હજુ ય કેનેડામાં વસતા શીખોની એ ચળ હજુ ભાંગી નથી. મારી ભત્રીજી કેનેડા રહે છે. એટલે ઘણી બધી વાતો જાણવા મળી જાય છે. કેનેડાના અમુક ગુરુદ્વારાઓમાં શીખ ત્રાસવાદી સંત જરનૈલસિંહ ભીન્દરન્વાલેનાં ફોટા મૂકેલા છે, કે જેના લીધે દુખદ એવું ઓપરેશન બ્લ્યુ સ્ટાર નાછૂટકે કરવું પડેલું. કેનેડામાં વસતા મોટાભાગના શીખોને અલગ ખાલીસ્તાનની ખંજવાળ ચાલું જ છે અને એ ખંજવાળને હાલના કેનેડાના વડાપ્રધાન બળતણ પૂરું પાડે છે તેના પુરાવા પાકે પાયે છે માટે આપણા વડાપ્રધાને એમને પાઠ ભણાવવા એમનું સ્વાગત નોર્મલ પ્રોટોકોલ પ્રમાણે કર્યું જે અસ્વાભાવિક લાગ્યું. આવો પાઠ બીજાઓને ભણાવવાનું વચન પ્રજાને આપ્યા પછી એ વચન નિભાવ્યું નથી તે પણ હકીકત છે.

નવી પેઢીને ખાલીસ્તાન ચળવળ શું હતી તે બહુ ખબર હોય નહિ. અને હવે તો વિકિપીડિયામાં પણ ખોટી માહિતી છપાવા માંડી છે. અને પત્રકારો એમનો પત્રકારિત્વનો ધર્મ ભૂલવા માંડ્યા છે ત્યારે અમારે મફતમાં કલમ ઉપાડવી પડે છે.

આ અલગ ખાલિસ્તાન માટેની ચળવળ શું હતી કે છે?

૩૦ સપ્ટેમ્બર ૧૯૮૧ની વહેલી સવારે જમ્મુથી દિલ્હી જવા ઉપડેલું ૧૧૧ મુસાફરો સાથેનું એક વિમાન લાહોર તરફ ધસી રહ્યું હતું વગર પરમિશને… થોડીવારમાં લાહોર એરપોર્ટ પર લેન્ડ પણ થયું, કહેવામાં આવ્યું કે પાંચ શીખોએ તેને હાઈજેક કર્યું છે. આ પાંચે ઉગ્રવાદી શીખો, અલગ ખાલીસ્તાન નામનો પ્રદેશ ભારત દેશમાં જોઈતો હતો તેની જે ચળવળ ચાલતી હતી તેના સક્રિય સભ્યો હતા. ભારત સરકારે જે એમના સાથીઓને જેલમાં નાખેલા તેમને આ બહાને છોડાવવા હતા. ખેર પાકિસ્તાન સરકાર તરત રેપીડ એકશનમાં આવી ગઈ. પાકિસ્તાન આર્મીના સ્પેશલ સર્વિસ ગ્રુપના કમાન્ડો સફાઈ કામદારો રૂપે વિમાનમાં ધસી ગયા અને કિરપાણ ધારી પાંચે શીખોને ઝબ્બે કરી મુસાફરોને છોડાવી લીધા. આ પાંચ ઉગ્રવાદીઓ હતા, તેજીન્દરસિંઘ, સતનામ, ગજેન્દરસિંઘ, કરણસિંઘ કીની, જસ્મીરસિંઘ જિમા… ભારત સરકારે પાકિસ્તાન સરકારનો આભાર માન્યો.

ખાલીસ્તાન માટેની ચળવળ શરુ થઈ ત્યારથી ભારત સરકાર એમાં પાકિસ્તાનનો હાથ છે તેવું કહેતું આવ્યું છે. શીખ અલગાવવાદીઓને પાકિસ્તાનનું પીઠબળ છે તેવો આક્ષેપ કાયમ ભારત કરતું. પાકિસ્તાનમાં શીખોના ઘણા બધા ધાર્મિક સ્થળો, ગુરુદ્વારા અને સમાધિઓ છે. દર વર્ષે ભારતમાંથી સેંકડો શીખો તેની મુલાકાત લેતા જ હોય છે તે સ્વાભાવિક છે પણ ખાલીસ્તાન મુવમેન્ટ શરુ કરનારા ધિલ્લોન, ગજેન્દરસિંઘ અને જગજીતસિંઘ એવા ધાર્મિક સ્થળોની મુલાકાતના બહાને પાકિસ્તાનના નેતાઓને પણ મળતા હતા. ૧૯૭૭ના માર્શલ લો પછી જનરલ ઝીલા ઉલ હક, શીખ યાત્રાળુઓની બહુ સારી પરોણાગત કરતા હતા. આ શીખ યાત્રાળુઓ સાથે પ્રમુખના નિવાસ સ્થાને મીટીંગો કરતા અને વળાવતી વખતે એમના હાથમાં થોડી પત્રિકાઓ પકડાવતા. એમનો આ વહેવાર ભારત સરકારને ગમતો નહોતો. ઓપરેશન બ્લ્યુ સ્ટાર પછી ધિલ્લોનને ભારતમાં પ્રવેશબંધી હતી. તે અમેરિકન નાગરિક બની ગયો હતો અને અવારનવાર પાકિસ્તાનની મુલાકાત લેતો અને તેના પાકિસ્તાન નિવાસ દરમ્યાન ત્યાના નેતાઓની પરોણાગત માણ્યા કરતો તેને ભારત વિરોધી કૃત્ય ગણવામાં આવતું હતું. ખાલીસ્તાન ચળવળ પુરજોશમાં ચાલતી હતી ત્યારે ભારત સરકારનો દાવો હતો કે શીખ ઉગ્રવાદીઓને પાકિસ્તાન ટ્રેનીગ સાથે હથિયારો પણ પુરા પાડે છે, આર્થીક સહાય પણ કરે છે.

Kwantlen University Canada ના ડૉ શીન્દર પુરેવાલે ખાલીસ્તાન મુવમેન્ટ વિષે એક રીસર્ચ પેપર લખેલું, એમાં તેઓ લખે છે શીખ મુવમેન્ટ ૧૯૬૦મા શરુ થઈ ત્યારે એની વિભાવના હોમરુલ મુવમેન્ટ પુરતી હતી પછી ૧૯૭૮થી એમાં ત્રાસવાદ ઉમેરાણો અલગ ખાલીસ્તાન માંગણી સાથે, ૧૯૯૪ થી અત્યાર સુધી દુઃખ અને ફરિયાદનું રાજકારણ.

ખાલીસ્તાન પ્રશ્નમાં ભારત પાકિસ્તાનને ઢસડતું રહ્યું અને પાકિસ્તાન તેને નકારતું રહ્યું. મુખ્ય શીખ સંગઠનો જેવા કે ઓલ ઇન્ડિયા શીખ સ્ટુડન્ટ ફેડરેશન, બબ્બર ખાલસા, વર્લ્ડ શીખ ઓર્ગેનાઈઝેશન, ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન, આ બધા યુકે, યુએસએ, કેનેડા અને બીજા દેશોમાં વસેલાં ધનાઢ્ય શીખો પાસેથી આર્થીક મદદ મેળવતા હતા. ૨૦૦૭મા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાએ(PTI) એક રીપોર્ટ બહાર પાડેલો. એમાં જણાવ્યા મુજબ ખાલીસ્તાન મુવમેન્ટમાં યુએસ સરકારનો પણ હાથ હતો. એમાં કહ્યા મુજબ ૧૯૭૧માં રીચાર્ડ નીક્શને જનરલ યાહ્યાખાનને ભારતીય પંજાબમાં અલગાવવાદી મુવમેન્ટને બળ આપવા કોવર્ટ એક્શન પ્લાન અમલમાં મુકવા જણાવેલું. પીટીઆઈના આ રીપોર્ટમાં ભારતની RAW ના ઓફિસર બી. રમણનાં પુસ્તક ‘The Kaoboys of R&W માં રહેલી માહિતીનો ઉપયોગ કરાયો છે. રીચાર્ડ નીક્શનનાં હસ્તક્ષેપ પછી જગજીતસિંઘ ચૌહાણ યુકે જઈ હોમરુલ ચળવળને ખાલીસ્તાન નામ આપી પાકિસ્તાનના જનરલ યાહ્યાખાનને મળવા જાય છે, યાહ્યાખાન તેમને કોઈ પવિત્ર વસ્તુ માદળિયાં જેવું હશે, આપે છે જેથી આ મુવમેન્ટ સફળ થાય. રમણ એમના પુસ્તકમાં જણાવે છે કે ચૌહાણ યાહ્યાખાનને મળ્યા પછી યુએસ જઈ અમેરિકન પત્રકારોને મળી ભારત સરકાર માનવાધિકારનો ભંગ કરી રહી છે તેવું જણાવી યુએસ સરકારના અધિકારીઓને પણ મળે છે આ મીટીંગનું પ્રમુખ સ્થાન હેન્રી કિસિંજર સંભાળતા હોય છે.

જનરલ ઝિયાને તકલીફ એ થઈ કે ખાલીસ્તાન મુવમેન્ટ ચલાવાનારોએ ખાલીસ્તાનનો નકશો બહાર પાડ્યો એમાં પાકિસ્તાન પંજાબને પણ આવરી લીધેલું. ઝીયાએ શીખ ઉગ્રવાદીઓ પર કડક નજર રાખવાની સુચના આપી દીધી. ૧૯૮૮માં ISI નાં વડા જનરલ હમીદ ગુલે બેનઝીર ભુટ્ટોને ખાલીસ્તાન મુવમેન્ટને સપોર્ટ કરવા પત્તા ઉતારવાનું કહ્યું પણ બેનઝીરે પત્તા ફેંકાવી દીધા હતા ઉતરવા નહોતા દીધા.

૧૭૦૯ થી ૧૮૪૯ સુધી શીખ એમ્પાયરનો દબદબો હતો. એની રાજધાની લાહોરમાં હતી. ઐતિહાસિક શીખ સામ્રાજ્યના મોટાભાગના હિસ્સા આજે પાકિસ્તાનમાં છે. લાહોર, મુલ્તાન, પેશાવર, પાક હસ્તક કાશ્મીર, પાક પંજાબ, ખાય્બર પખ્તુન્ખવા વગેરે મહત્વના ભાગો હાલ પાકિસ્તાનમાં છે. મહારાજા રણજીતસિંહ જે શીખ સામ્રાજ્ય સંભાળતા હતા અને તેમની ગાદી લાહોરમાં હતી તે તથા ભારતનું પંજાબ આ તમામ ખાલીસ્તાન મુવમેન્ટ ચલાવનારાઓને જોઈતું હતું. એમનો આ ઈરાદો ઝીયા ઉલ હક ભાપી ગયા પછી કદાચ શીખ અલગાવવાદીઓને પાકિસ્તાને મદદ કરવાનું બંધ કરી દીધું હોવું જોઈએ. કહેવાય છે બેનઝીર ભુટ્ટોએ શીખ ઉગ્રવાદીઓની બધી માહિતી મૈત્રી વધારવા રાજીવ ગાંધીને આપી દીધેલી. ઓપરેશન બ્લ્યુ સ્ટાર પછી રાજીવ ગાંધીએ ૧૯૮૮મા ઓપરેશન બ્લેક થંડર કરેલું. તે વખતે ૨૦૦ ઉગ્રવાદીઓ શરણે થયેલા અને ૪૨ માર્યા ગયેલા. તે ઓપરેશન પંજાબ પોલીસ વડા કુંવરપાલસિંઘ ગીલની રાહબરી હેઠળ થયેલું. ઓપરેશન બ્લ્યુસ્ટાર વખતે કરાયેલી ભૂલો તે વખતે નિવારવામાં આવેલી. આ ઓપરેશનનાં હીરો કોણ હતા? પહેલી વાર કોઈ આઈપીએસ ઓફિસરને આર્મીનો મેડલ કીર્તિ ચક્ર મળેલો તે અજીત દોવલ હતા. શીખ જેવા ફિગર અને જેસ્ચર નહિ ધરાવતા અજીત દોવલ મહિનાઓ સુધી દાઢી વધારી શીખ બની ઉગ્રવાદીઓના હમદર્દ બની એમની સાથે ગોલ્ડન ટેમ્પલમાં રહેલાં. અજીત દોવલની રજકણ જેવડી ભૂલ થઈ હોત તો મિલીટન્ટ એમના દેહને લોટ ચાળવાની ચારણી જેવો બનાવી દેત એમાં કોઈ નવાઈ નહિ.

આ ખાલિસ્તાની ચળવળ શું કોઈ એક પરિબળને લીધે ચાલુ થઈ હશે?

વધુ જોઈશું બીજા અંકમાં….

Bhupendrasinh Raol, Scranton PA, USA.  25 Feb. 2018

2 thoughts on “ખાલીસ્તાન ચળવળ, આઝાદીનો અપચો-૧”

 1. મેં અમેરિકાના એક ગુરુદ્વારામાં ઇન્દિરા ગાંધીને મારનારા બે ‘રક્ષકો’ ના ફોટા
  યાદગીરી અને સન્માન માટે મુકાયેલા જોયા છે.

  2018-02-25 11:21 GMT-05:00 કુરુક્ષેત્ર :

  > Bhupendrasinh Raol posted: “ખાલીસ્તાન ચળવળ, આઝાદીનો અપચો-૧ હમણાં કેનેડાના
  > વડાપ્રધાન ભારતની મુલાકાતે આવ્યા ત્યારે એમનું પ્રોટોકોલ મુજબ સ્વાગત થયું પણ
  > જે બીજા દેશોના વડાઓ માટે દોટો મુકાય છે સ્વાગત વખતે તેવી મુકાઈ નહિ એટલે આ
  > સ્વાગત સ્વાભાવિક હતું છતાં પેલા અસ્વાભાવિક સ્વાગતોની અતિને લ”
  >

  Like

 2. મફતમાં કલમ ઉપાડવા માટે આભાર, મારા જેવા ઘણાનો આભાર સ્વીકારો.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s