જૌહર, પદ્માવત અને વાદવિવાદ

jauhar-kundજૌહર, પદ્માવત અને વાદવિવાદ

જોહર અને કેસરિયા કરવા એટલે શું? ગઢને આક્રમણકારીઓએ ઘેરો ઘાલ્યો હોય અંદર લડનારા રાજપૂતોની સંખ્યા ઓછી હોય કે બીજી કોઈ કોમ લડવાની હોય નહિ. અનાજ અને પાણી પુરવઠો પણ ખતમ થઈ જવા આવ્યો હોય એટલે સ્વમાની રાજપૂતો હાર માની શરણે થઈ ગુલામ બનવાને બદલે મરવાનું પસંદ કરતા, એટલે રજપૂતો કેસરિયા કરતા અને સ્ત્રીઓ જોહર. કેસરિયા એટલે ગઢના દરવાજા ખોલી મરવાના જ છીએ એવી ખબર સાથે તૂટી પડતા. અને બધા મરાય એટલા દુશ્મનોને મારીને પછી મરી જતા કોઈ બચતું નહિ.

“બહુ હિંમત જોઈએ એને માટે, અથવા ગાંડી હિંમત જોઈએ.”

હવે પછી શું થાય? લડનારા, રક્ષણ કરનારા તો બધા ગયા. ગઢની અંદરની સ્ત્રીઓનું શું થાય? આક્રમણ કરનારા પકડી જાય. ગુલામ બનાવે, દાસી બનાવે, સેકસુઅલ શોષણ કરે, ભયાનક માનસિક અને શારીરિક ત્રાસ આપે. તો કરો જોહર.

પીંક મુવીનો છેલ્લે અમિતાભ બચ્ચને બોલેલો ડાયલોગ યાદ આવે છે?

નો એટલે નો, નો એટલે નહિ, મારી મરજી વિરુદ્ધ મારા શરીરને તમે અડી શકો નહિ. જોહર એટલે ભલે એને માટે મારે મરવું જ કેમ ના પડે? કારણ સ્ત્રી અસહાય હોય એટલે તેની મરજી ના હોય છતાં તમે અડવાના જ છો. અને તે ના થવા દેવું હોય તો પછી જાતે જ મરી જવું. એમાંથી જોહરની ભયાનક પણ ખુદ્દાર ભાવનાનો જનમ થયો. એક મોટી ચિતા સળગાવી રજપૂતાણીઓ એમાં કુદી પડતી ને આ બાજુ ગઢના દરવાજા ખોલી રજપૂતો દુશ્મનો પર મરવા માટે તૂટી પડતા.

જે સ્ત્રીઓ જોહર ના કરી શકતી હોય તે પછી દુશ્મનોના પલ્લે પડી જતી અને ભયાનક ત્રાસ વેઠતી.

સોમનાથ પર ગઝનીએ હુમલો કર્યો ત્યારે હજારો સ્ત્રીઓ ગઝની ઉપાડી ગયેલો એમાં મુખ્યત્વે બ્રાહ્મણ સ્ત્રીઓ વધુ હતી અને બજારમાં કારેલા-કંકોડાને ભાવે વેચી મારેલી. તે વખતે કવિ કલાપીના પૂર્વજ હમીરજી ગોહિલે ૪૦૦ રાજપૂતો સાથે કેસરિયા કરેલા અને બધા કપાઈને વીરગતિ પામેલા, એકેય બચેલો નહિ. સોમનાથ જાઓ તો એમનું સ્ટેચ્યુ જોવા મળશે.

ચિતોડ પર ખીલજી એ હુમલો કર્યો ત્યારે મહારાણી પદ્માવતીએ ૧૬૦૦૦ રજપૂતાણીઓ સાથે જોહર કરેલું. એવા અનેક કિસ્સા ઈતિહાસમાં છે, પણ આ જોહર બહુ મોટું હતું એટલે વધારે પ્રખ્યાત છે. દરેક વખતે જોહર થતા એવું પણ નહોતું. મહારાણી પદ્મિનીના વારસ એવા મહારાણા પ્રતાપ હલાદીઘાટીનાં યુદ્ધ પછી ચિતોડ છોડી જંગલમાં જતા રહેલા અને ફરી ઉભા થઈને પાછું એમનું નવું રાજ્ય વસાવેલું. કારણ એમના પિતા ઉદયસિંહ દ્વારા વસાવેલું ઉદયપુર શહેર એમની પાસે હતું.

જોહર અને કેસરિયા ને આપણે અત્યારે ક્રીટીસાઈઝ કરીએ છીએ પણ હવે એનો અર્થ નથી. એ વખતે જરૂરી લાગ્યું હશે. હમણાં કોઈ ફિલ્મ ક્ષેત્રની સ્વરા ભાસ્કરે અધૂરા જ્ઞાને લેખ લખ્યો છે એટલે વળી પાછું જોહર પર વિવેચન ચાલુ થયું છે. બારમામાં બે વાર અને કોલેજમાં ચાર વાર બ્રેકપ કરી ચુકેલી, રોટલી કરતા ગરમ તવી અડી જતાં બુમાબુમ કરી મેલતી કોન્વેન્ટ ભણેલી બહેનો પતિના શર્ટના મેલા કોલર પર સાબુ ઘસતી હોય એમ ધડાધડ અભિપ્રાયનો મારો ચલાવવા લાગી છે. અમે હોત તો આમ કરત ને તેમ કરત. અમે હોત તો ઝાંસીની રાણી બની લડાઈ લડી લેત પણ આમ સુસાઈડ નો કરત. અરે મારી બહેનો બંધ કિલ્લામાં ખાવાનું ખતમ થઈ ગયું હોય અને કોઈ આરો ના હોય ને સામે અંગ્રેજો નહિ પણ ખીલજી હોત તો રાણી લક્ષ્મીબાઈ પણ જોહર કરત.

હવે એવા યુદ્ધ થતાં નથી તો જોહર પણ થવાના નથી. જોહરની સાથે સાથે જ કેસરિયા થતાં, એકલું જોહર નહિ. એક બાજુ પતિદેવો કેસરી સાફા બાંધી મરવા માટે ધસી જતાં તો બીજી બાજુ સ્ત્રીઓ અગ્નિને હવાલે થતી. બહુ તકલીફ દાયક હોય આ બધું. અત્યારે આ બધું ક્રિટીસાઈઝ કરવું સહેલું છે. મારી વહાલસોઈ કેન્સરને હવાલે મૃત્યુ તરફ ધસી રહી હતી ત્યારે મેં એ તકલીફ વેઠી છે. તો મારી આંખોમાં નજર પરોવી મને રોજ રોજ મરતો જોઈ એને પણ તકલીફ થતી હતી. સ્ત્રીઓ પોતાના વહાલસોયા પતિને કેસરી સાફા બંધી મૃત્યુ તરફ જતાં કઈ રીતે જોઈ શકતી હશે તો પતિઓ પણ એમની પત્નીઓને આગને હવાલે થતી કઈ રીતે જોઈ શકતા હશે? હવે અત્યારે આપણે બધા ડંફાશ મારવા બેસી ગયા છીએ કે આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ. અરે હજુ કાઈ વીતી ગયું નથી. ખીલજીના વારસદારો ISISને હવાલે થોડા દિવસ રહી આવો તો ભાઈઓને પણ જોહર કરવાનું મન થશે.

જોહર પાછળ એક જ ઉદ્દાત ભાવના હતી કે મારી મરજી વિરુદ્ધ મારા શરીરને તમે અડી શકો નહિ ભલે એને માટે મારે જાતે મરવું પડે.

પહેલું જૌહર સિંધમાં ઈ.સ. ૭૧૨મા નોધાયેલું. મહંમદ બિન કાસીમે રાજા દાહિરને હરાવ્યા પછી એમની રાણીએ મહિનાઓ સુધી ઝીંક ઝીલી પણ ફૂડ સપ્લાય પૂરો થતા જૌહર કરેલું.
અલ્લાઉદ્દીન ખીલજી સમયે જેસલમેરમાં પણ જૌહર થયેલું.
૧૩૦૩મા ચિતોડમાં મહારાણી પદ્માવતીએ કરેલું.
૧૩૨૭મા ઉત્તર કર્ણાટકનાં કામ્પીલી રાજમાં મહંમદ બિન તુઘલકના આક્રમણ સમયે નોધાયેલું.
૧૫૩૫માં ચિતોડમાં ફરી ગુજરાતના બહાદુરશાહનાં આક્રમણ સામે રાણી કર્ણાવતીએ જૌહર કરેલું.
મધ્યપ્રદેશ રાઈસેનમાં ત્રણ જૌહર નોંધાયેલા છે. એમાં રાણી દુર્ગાવતીએ ૭૦૦ સ્ત્રીઓ સાથે કરેલું મુખ્ય છે.

આમ જોહરનો બહુ લાંબો પણ સાવ ઓછો ઈતિહાસ છે. દર યુદ્ધે જોહર નહોતા થતાં. હિંદુ રાજાઓ અંદર અંદર લડતાં ત્યારે જોહર નહોતા થતાં. કારણ હિંદુ રાજાઓ એવા જુલમી નહોતા. હિંદુ રાજાઓના જુદા એથિક્સ હતા. તેઓ બ્રાહ્મણ, ગાય, ઘાયલ, બીમાર, મહેમાન, હથિયાર વગરના, વૃદ્ધ, સ્ત્રીઓ, બાળકો પર હુમલા કરતા નહિ. વિદેશી આક્રન્તાઓ પાસે જુદા એથિક્સ હતા કે કોઈ પણ ભોગે શત્રુને મારી જ નાખવો મતલબ કોઈ એથિક્સ જ નહોતા. એથિક્સ વગરના સામે એથિક્સ લઈને લડવા નીકળેલા રાજપૂત રાજાઓ એટલે જ હારતા હતા. બાકી બહાદુરીમાં કોઈ કમી નહોતી. હવે આજે આપણે શિખામણો આપીએ એનો કોઈ અર્થ નથી.
****************************
મારા પિતા મને નાનો હતો ત્યારે મારા દાદાની એટલે કે એમના પિતાની વાતો કરતા. દાદા આમ હતા, દાદા તેમ હતા, દાદા દીવાન હતા એટલે સાંજે ચેરમાં બેઠા હોય ને નોકરો પગ દાબતા હોય. એમના દબદબા વિષે બહુ વાતો કરતા. એમાં બે થોડી વાતો વધારે પણ હોઈ શકે. અમે ચારે ભાઈઓએ દાદાને જોએલા જ નહિ. પણ પિતા જે કહે તે પરથી એમની એક છબી બનાવતા. એવી જ રીતે મારા પિતાશ્રી ગુજરી ગયા ત્યારે બે દીકરાઓ બહુ નાના હોવાથી એમને કશું યાદ નથી. મારા પિતા વિષે હું મારા દીકરાઓને વાતો કરતો હોઉં છું. રાજાઓ સાથે જેના રોજના બેસણા હતા, રોજ નવો સાફો બાંધતા તે મારા પિતા ગાંધી વિચારે કે વાદે પછી આખી જીંદગી સાવ સાદગીમાં ખાદીના ઝભ્ભા અને ખાદીની ટોપી પહેરી જીવેલા. હવે મારા દીકરાઓએ મારા પિતા જોયા નથી કે યાદ નથી એનો મતલબ એ ના થાય કે એમના દાદા હતા જ નહિ. મેં મારા દાદા જોયા નથી એનો મતલબ એ નો થાય કે મારા દાદા હતા જ નહિ. તમને છૂટ છે જે વિષય પર લખવું હોય તે વિષય પર લખો, લેખ લખો કવિતા લખો, ફિલમ બનાવો સ્વતંત્ર ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. પણ મારા પિતા કે દાદા વિષે લખો તો મને પૂછ્યા વગર નો લખતા, સારું લખ્યું હશે તો ઠીક છે બાકી કશું ખોટું લખ્યું હશે તો બહુ મારીશ. હહાહાહાહાહા અભિવ્યક્તિની સ્વતંત્રતા એકલી જ જોઈએ છે? એની સાથે સાથે કોઈ બીજાને હર્ટ નહિ કરવાની જવાબદારી નથી જોઈતી?

૩૫મી પેઢીએ પદ્માવતીના વારસદારો હજુ જીવે છે. આ કોઈ પૌરાણિક પાત્ર નથી, કે સર્જનાત્મકતાને બહાને તમે ગમે તેમ ઘસડી મારો. સામાન્ય લોકોના પૂર્વજોના નામ નોંધાતા નહિ હોય પણ રજવાડાઓમાં બારોટો, વહીવન્ચાઓ આવી નોંધણી રાખે છે. જોધપુર-જયપુર જેવા રજવાડાઓમાં તો સેંકડો વર્ષ પહેલા રસોડામાં શું બનાવેલું, શું મસાલા નાખેલા અને કોણ જમવા પધારેલું તેની પણ પાકી નોંધો છે. એટલે કહેતા નહિ કે પદ્માવતી કાલ્પનિક છે. હશે એમની વાર્તામાં કલ્પના તત્વ ઉમેરાયેલું ચોક્કસ હશે અને એના આધારે કોઈ ડફોળ બની બેઠેલો ઇતિહાસકાર આખી વાતને કલ્પના કહેતો હોઈ શકે છે.

હવે જાયસી નામના સુફી સંતે પદ્માવત નામની સરસ કવિતા લખી. હવે કવિતામાં એણે ઈતિહાસ સાથે એની ભવ્ય કલ્પનાઓ પણ ઉમેરી છે. પૃથ્વીરાજ રાસોમાં કવિ ચંદ બારોટ અને એમના મૃત્યુ પછી એમના દીકરાએ પૃથ્વીરાજના ઈતિહાસ સાથે એમની કલ્પનાઓ પણ ઉમેરી છે. એટલે એમાંથી ઈતિહાસ જુદો તારવવો પડે ભલે કઠીન હોય. બંનેમાં વધારી વધારીને વાતો લખેલી જ છે. જેવી રીતે મારા દાદાની વાતો જાણે અજાણે વધારીને મારા દીકરાઓને કહેતો હોઉં છું. જાયસીએ સિંહલ નામના નાના રજવાડાને સિંહલ દ્વીપની ભવ્ય કલ્પના પણ આપી હોઈ શકે.

સંજયલીલા ભણશાળી બહુમુખી પ્રતિભા ધરાવતો ફિલ્મ સર્જક છે સાથે સાથે વેપારી પણ છે તે નો ભૂલતા. એ પહેલા તો સારો ફિલ્મ એડિટર છે, દીર્ગદર્શક છે, સંગીતકાર છે, સ્ક્રીન પ્લે રાઈટર પણ છે. સર્જક હોય એટલે સજ્જન હોય તે જરૂરી નથી. પ્લાન્ડ વિવાદો જગાવી મફતમાં પબ્લીસીટી કરવાની એમને આદત છે. એના કેમ્પસમાંથી જ વાત ઉડેલી ખીલજી અને પદ્માવતીનો રોમાન્સ એક યા બીજા બહાને જેવો કે ડ્રીમ સિક્વન્સમા હશે. સોનું નિગમ પ્રખ્યાત ગાયક ઉપરાંત ભણશાળીનો મિત્ર પણ છે. સંગીતના પ્રોગ્રામમાં બંને જજ તરીકે સાથે બેઠેલાં પણ છે. સોનું નિગમનો ઈન્ટરવ્યું હતો એમાં આ રોમાન્સ હશે તે વાત એણે ખુલેઆમ કહેલી છે. ભડકો ત્યાં થયો. સોનુએ એ પણ કહ્યું કે ફરાહખાને કહ્યું કે પદ્માવત કાલ્પનિક છે. તો સોનુએ પૂછ્યું કે તને કોણે કહ્યું. તો જવાબ મળ્યો જાવેદ સાહેબે. સોનું કહે જાવેદ સાહેબ સારા ગીતકાર છે કોઈ ઇતિહાસકાર નહિ.

જ્યારે જ્યારે કોઈ પણ વિવાદ જાગે ટીવીના ટુચ્ચા ટુણીયાદ એન્કરો, છાપાના નવોદિત પત્રકારો કહેવાતી સેલિબ્રિટી પાસે પુછવા ધસી જતાં હોય છે. નેતાઓ જોડે ધસી જતાં હોય છે. એમનો એ બાબતમાં કોઈ વિષય ના હોય જ્ઞાન ના હોય બસ સેલિબ્રિટી હોવો જોઈએ. આપણા નેતાઓ કેટલા ભણેલા હોય છે તે આપણે સહુ જાણીએ જ છીએ. હહાહાહાહા

આજ સુધી કેટલીય ઐતિહાસિક કથાનકો પરથી ફિલ્મો આવી ગઈ પણ કોઈ ખાસ વિવાદ થયા નથી. સોહરાબ મોદી તો ઐતિહાસિક ફિલ્મો બનાવવા માટે બહુ જાણીતા હતા. સિકંદર પોરસ ઉપર એમણે સરસ ફિલ્મ બનાવેલી. મુનશીની ગુજરાતી નવલકથા પૃથ્વીવલ્લભ પરથી સૌથી પહેલી હિન્દી ફિલ્મ એમણે બનાવેલી. એના પરથી માલવપતિ મુંજ નામની ગુજરાતી ફિલ્મ પણ આવેલી. સંજયભાઈ કોઈ પણ મૂવી બનાવે કોઈ ને કોઈ વિવાદ તો થાય જ. પહેલા વિવાદ જાગે એવું કરો, વિવાદ જગાવો, પછી સુલઝાવો, એમાંથી પૈસા કમાઓ.

કોઈ સરસ ચિત્રકાર હોય અમારાં મિત્ર નલીન સૂચક જેવા હવે તેઓ એક સુંદર પરીનું ચિત્ર બનાવે પછી એમની ગેરહાજરીમાં સર્જનાત્મકતાને બહાને એ પરીને હું સરસ મજાની મૂછો બનાવી નાખું, દાઢી બનાવી નાખું તો સૂચક સાહેબ શું કરે? મને ધોકો લઈને મારવા દોડે કે નહિ? કે કોર્ટમાં જાય? હવે હું બાહુબલી હોઉં તો બિચારા કોર્ટમાં જાય ને હું કહું મને અભિવ્યક્તિની આઝાદી છે. તો? ભણેલા ગણેલા લોકો મારથી બહુ બીવે. હું જજને ખાનગીમાં લાલ આંખ બતાવી કહું કે પૈસા આપી કહું કે ચુકાદો મારી તરફેણમાં આવવો જોઈએ તો? મને પણ કલ્પનાના ઘોડા દોડાવવાની અભિવ્યક્તિની આઝાદી છે. હહાહાહા! હવે સૂચક સાહેબના પરીના મૂળ ચિત્રમાં, હું પણ સારો ચિત્રકાર હોવાથી એક સરસ મજાનો લીટો મારા ચિત્રકળાના જ્ઞાનને વાપરીને મારું અને ચિત્ર ઓર નીખરી ઉઠે તો સૂચક સાહેબ મને થાબડે કે નહિ? મૂળ કથાનકને નુકશાન થાય એવી રીતે તમારી સર્જનાત્મકતા વાપરતા શું ચૂંક આવે? સંજયલીલાએ સરસ્વતીચંદ્રના મૂળ કથાનકનો સાવ છેદ ઉડાડી દીધેલો. અરે ભાઈ તારે એવું જ કરવું હોય તો સંજયચંદ્ર બનાવને સરસ્વતીચંદ્રની પત્તર શું કામ ઝીંકે છે?

ફિલ્મ પર પ્રતિબંધ ક્યારે મુકાય? ફિલ્મ સેન્સર બોર્ડમાં જાય તે જોઇને એમાં કશું અઘટિત હોય તો સેન્સર બોર્ડ જ પ્રતિબંધ મૂકી દે. ફિલ્મ સેન્સર બોર્ડમાં ગઈ પણ નહોતી ને ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને યુપી સરકારે પ્રતિબંધ મૂકી દીધો. છે ને હાસ્યાસ્પદ? સંજયભાઈની બદમાશી જુઓ કે ફિલ્મ સૌથી પહેલી સેન્સર બોર્ડને બતાવવાની હોય એના પહેલા એમના મળતિયા ચાટુકાર બેચાર ટીવી ચેનલના માલિકોને બતાવી એની જાહેરાત ટીવી પર કરવા માંડ્યા કે ફિલ્મમાં કશું વાંધાજનક નથી. ત્યારબાદ સેન્સર બોર્ડમાં ફિલ્મ ગઈ આશરે ત્રીસ ચાલીસ કટ મારીને ફિલ્મ પાસ થઈ ગઈ. હવે પેલો હાસ્યાસ્પદ પ્રતિબંધ સરકારોએ મુકેલો તે સુપ્રીમ કોર્ટ ઉઠાવી ના લે તો શું કરે? સુપ્રીમ કોર્ટ ઉપર વિશ્વાસ ચોક્કસ રાખવો જોઈએ પણ ના રહ્યો તેવી પરિસ્થિતિ ઉભી કરવામાં આ ચાર ડફોળ સરકારો, અને સંજલીલાની હરકતો હતી.

વાંધો હતો માટે જ વાંધાજનક હતું તે કાઢી નખાયું, વાંધો લીધો ના હોત તો કાઢી નખાયું ના હોત. હવે અંદર વાંધાજનક કશું રહ્યું નથી એટલે હવે કોઈ વાંધો હોવો ના જોઈએ પણ આ બધી બબાલ, તોફાન, તોડફોડ નિવારી શકાયું હોત જો સંજયલીલા ભણશાલીની નિયત હોત તો..

ફિલ્મ વિષે કહું તો હવે એમાં કહેવાતાં વાંધા જેવું કશું રાખ્યું નથી. વાર્તામાં તેઓ પદ્માવત કવિતાને વફાદાર રહ્યા નથી સિવાય કે એનું ટાયટલ. ફિલ્મ ટીપીકલ ભણશાળી ફિલ્મ છે. મરચું, મીઠું, હળદર, અબીલ, ગુલાલ, ચંદન, ફરી પાછી હળદર. કંકુ પુષ્કળ વપરાયું છે. દીપિકા સિંહલ દ્વિપમાં વધુ સુંદર લાગતી હતી એટલી ચિતોડમાં નથી લાગતી. અભિનયમાં રણવીરસિંહ બેમિસાલ, દીપિકા બરોબર, શહીદ કપૂરની એક તો છાપ રોમેન્ટિક હીરોની અને રાજપૂતોની કરડાકી ચહેરા પર લાવવામાં બહુ સફળ થયો નહિ પાછો.. ગોરા-બાદલ કાકા ભત્રીજાની રાણા રતનસિંહને ખીલજીની કેદમાંથી છોડાવી લાવવાની મુખ્ય ભૂમિકા રહેલી તેમાં દીપિકાની એન્ટ્રી મરાવી એ ભૂમિકાનું વજૂદ રહેવા દીધું નહિ. કપડાંલત્તા ભવ્ય, દરદાગીના પણ પુષ્કળ પહેરાવ્યા છે. નાકમાં ટીનેજર છોકરીની બંગડીઓ હોય એવા માપના ભારે કડલાં શું કામ પહેરાવતા હશે? કુમળું નાક બિચારું આ ભાર સહન કરી શકે નહિ અને એની સિમેટ્રી જ બગડી જાય. ચહેરાની સુંદરતા પાછળ ગણિતનું માપ હોય છે, ભૂમિતિ હોય છે એને સિમેટ્રી કહેવાય. સિમેટ્રીકલ ચહેરો અનાયાસે સુંદર લાગે. બાકી ટેકનીકલ મુદ્દાઓ વિષે ચર્ચવાનો મારો વિષય નહિ.

ઘૂમર વખતે કોઈ પુરુષ હાજર નથી સિવાય રાણા રતનસિંહ તે સિવાય દીપિકાની કમરનો એક સેન્ટીમીટર પણ ભાગ બતાવ્યો નથી. મારી કહેવાની ફરજ છે. જોહર બતાવતી વખતે જે દ્રશ્યો ઊભા કર્યા છે તે અદ્ભુત, એમાં ભણશાળીનો કમાલ દેખાય છે. એમાં એક ગર્ભવતી સ્ત્રી અને નાની બાળકી બતાવી છે તે લોકોને હચમચાવી જાય તેવું છે. નાની બાળકીઓ પર બળાત્કાર ક્યા નથી થતાં? એને એવી યાતના વેઠવી ના પડે તે માટે એની માતાએ જોહરમાં ધકેલી હશે. ગર્ભવતી સ્ત્રીને તો બળાત્કાર સહન કરવાનો વધુ તકલીફ દાયક. મુસ્લિમ આક્રાંતાઓનો કાળો કેર કેવો હશે કે ગર્ભવતી સ્ત્રીઓએ અને નાની બાળકીઓને પણ જોહરમાં ધકેલવી પડે તે દર્શાવવા કદાચ ભણશાલીએ એવું બતાવ્યું હશે. ઘણીબધી વિચારશીલ મહિલાઓને પ્રશ્ન થાય છે આવા બનાવોને ગ્લોરીફાઈ નહોતા કરવાના. ભણશાલીએ ખોટું કર્યું છે. સ્વરા ભાસ્કરના લેખનો મૂળ મુદ્દો આ છે. પણ ફિલ્મકારે એક સબ્જેક્ટ પસંદ કર્યો, એક વાર્તા પસંદ કરી એમાં જોહર જ મુખ્ય હોય તો એ તો એણે બતાવવું જ પડે કે નહિ? એમાં ભણશાલીએ કશું ખોટું કર્યું હોય એવું મને લાગતું નથી. એ જોઇને હાલ કોઈ જોહર કરવાનું નથી.

હાલ જોહરને બહુ ખોટી રીતે મૂલવવામાં આવી રહ્યું છે. જોહર સામૂહિક ઘટના હતી. સતી વ્યક્તિગત ઘટના છે. સતી પરાણે કરાવે એ મર્ડર જ કહેવાય. બંગાળમાં બ્રાહ્મણોમાં સતી કરવાનું બહુ જોરમાં હતું, સ્ત્રીઓને બળજબરીથી પતિની ચિતામાં ધકેલી દેવાતી. એમાં એણે પાલાવવાની જવાબદારીમાંથી મુક્ત થવાય અને મિલકતમાં ભાગ માંગે નહિ. રાજારામમોહન રાયના ભાભીને પરાણે સતી કરી નાખેલા તે જોઈ એ હચમચી ગયેલાં. અને એમાં એમણે સતી પ્રથા વિરુધ ઝંડો ઉઠાવ્યો અને અંગ્રેજોની મદદ લઇ એ પ્રથા બંધ કરાવી. થેન્ક્સ ટુ બ્રિટીશ.. જોહર કોઈ બળજબરીથી કરાવતું નહિ કે આવી કોઈ ફરજીયાત પ્રથા પણ નહોતી.

ખેર આપણી પ્રજામાં ફિલ્મો અને એની સાથે જોડાયેલી વ્યક્તિઓ પ્રત્યે એક ઘેલાપણું છે. ફિલ્મી લોકોને ભગવાન સમજતી હોય છે. એટલે જ્યારે આવો એમના વિરુદ્ધ વિવાદ થાય એટલે લોકોને એમના ભગવાન પર હુમલો થયો હોય એમ લાગે. પછી સિંહ ગર્જનાઓ કરતા શોભા ડેઓના, ખરણબ ગોસ્વામીઓના રજત શર્માઓના એવા કિન્નર સમાજના ટોળાઓ નીકળી પડે બચાવમાં. એમાં હવે સોસિઅલ મીડિયા આવ્યું એટલે પછી કોઈ વાત બાકી ના રહે. સાત પેઢીમાં લોહીનું એક ટીપું પાડ્યું ના હોય દેશ માટે કે સાત પેઢીમાં કોઈ આર્મીમાં જોઈન ના થયું હોય એવા લોટ માંગુઓ સલાહ આપવા નીકળી પડે કે રજપૂતો બોર્ડર પર જાઓ. એલા ખરપુત્ર અત્યારે બોર્ડર પર રજપૂતો જ છે અને શીખો જ વધુ છે. બધા કાઈ બોર્ડર પર જાય તો જ દેશસેવા ગણાય તેવું હું ય નથી કહેતો. કરણીસેના ઠીક કોઈ સેનાએ કાયદો હાથમાં લેવાનો ના હોય. એક હિન્દ કી સેના સિવાય કોઈ સેના હોવી ના જોઈએ. વિરોધ કરવાનો હક છે તો એના બહાને તોફાનો ના થવા જોઈએ તે જવાબદારી પણ છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા છે તો કોઈને હર્ટ નહિ કરવાની જવાબદારી પણ છે. વિરોધ કરવાના સાચા તરીકા નેતાઓએ કોઈને શીખવ્યા જ નથી. કારણ તોડ્ફોડીઓ વિરોધ કરીને બસો બાળીને જ વિરોધ કરીને આ નેતાઓ આગળ આવેલા છે. સુપ્રીમ કોર્ટનો અનાદર કરી ને આ નેતાઓ આગળ આવેલા છે. છતાં આપણે એમના જેવા થવું એવું કોણે કહ્યું? જય હિન્દ જય હિન્દ કી સેના !!!!

Bhupendrasinh Raol Scranton PA USA— January 28, 2018.

5 thoughts on “જૌહર, પદ્માવત અને વાદવિવાદ”

  1. અભિવ્યક્તિની સ્વતંત્રતા છે તો કોઈને હર્ટ નહિ કરવાની જવાબદારી પણ છે– સુપર્બ…… આ વાત દરેકે શીખવા જેવી છે.. હિન્દુ, મુસ્લિમ, દલિત, પાટીદાર……સર્વેને લાગુ પડે છે…

    Like

  2. Aa deshma koi pan dal ke sena ubhi thay etle extremism aavi j jay chhe,Ne ena extremists gundagirdi par utari aavavama koi pachhi pani nathi karata.Ke emana netao pan akhmichamana j karta hoy chhe.Desh jay bhadma.Aa j babat dukhad chne.

    Like

  3. ખીલજીના વારસદારો ISISને હવાલે થોડા દિવસ રહી આવો તો ભાઈઓને પણ જોહર કરવાનું મન થશે.
    Perfect answer

    Like

  4. “જૌહર,પદ્માવત અને વાદ વિવાદ” ના આ પહેલાના  જે અનેક પીષ્ટ પિંજણ  વાંચ્યા અધરોઅધર, (એમાના કેટલાય બુધ્દિના દેવાળા જેવા જ હતા)
     આપનું આ વિશ્લેષણ વાંચતા  બાપુ,બાપુ જ બોલાયું…..

    Like

Leave a comment