ઠગ અને પીંઢારા

thugeeઠગ અને પીંઢારા

૧૯૪૭ની વાત છે. ઈંગ્લેન્ડના વડાપ્રધાન ઍટલીએ ભારતને સ્વતંત્રતા આપવાનું ઠરાવી દીધું ત્યારે, બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનને જિતાડનાર પણ પછીની ચૂંટણીમાં હારી જનાર માજી વડાપ્રધાન ચર્ચીલે ઍટલીને કહેલું કે તમે ભારતને પાછો ઠગ અને પીંઢારાઓને સોંપી રહ્યા છો. આ વાક્ય મશહૂર થઈ ગયું હતું. ચાલો એમાંથી પીંઢારા તો ઇતિહાસ નહિ જાણનારી પ્રજા માટે વીર ફિલમ બની અને હીરો બની ગયા; હવે ઠગ ઉપર કોઈ ફિલમ બનાવે તો તે પણ હીરો બની જાય. ઠગ અને પીંઢારા ખતરનાક લુટારા હતાં; કોલ્ડ બ્લડેડ મર્ડરર હતાં. એ કોઈ સ્વતંત્રતાનાં લડવૈયા નહોતાં. ‘વીર’ ફિલ્મની વાર્તા કાલ્પનિક છે એમાં ઇતિહાસનો છાંટો પણ નથી.

ચાલો આ ઠગ અને પછી પીંઢાંરાનો પરિચય મેળવી લઈએ. પેંઢાર, પિંડારા તરીકે ઓળખાતા લુટારાની જેમ આ ઠગ લોકો પણ એક જાતના લુટારા જ હતા. ૧૩મી સદીમાં પણ આ લોકોનો ઉલ્લેખ મળે છે. પીંઢારા કરતા આ ઠગ લોકોનો ઉદ્ભવ વહેલા થયેલો, અને લગભગ ૧૯મી સદી સુધી એમનો ઉપદ્રવ રહેલો. પીંઢારાની જેમ આ લોકોનો સફાયો કરવાનું બહુમાન અંગ્રેજો લઈ જાય છે. પીંઢારાની સાથે સાથે આ લોકોનો પણ એ સમયે સુવર્ણ કાલ ચાલતો હતો. પીંઢારા એક તોફાન, એક બવંડર ની જેમ આવતા, જ્યારે આ ઠગ લોકો એકદમ ગુપચુપ શાંત ધરતીકંપની જેમ વિનાશ વેરી ચાલ્યા જતા.

તમે પ્રખ્યાત ગુજરાતી થ્રિલર લેખક હરિકિશન મહેતાની પ્રખ્યાત નવલકથા ‘અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’ વાંચી હશે? ઠગ એક ગુનેગાર જાત હતી એને એક ધાર્મિક કલ્ટનું સ્વરૂપ આપી દીધેલું. આ લોકો મહાકાલીના ભક્ત હતા. ઠગ લોકોમાં હિંદુ તથા મુસ્લિમ લોકો પણ હતા તો સાથે સાથે એમાં થોડા શીખ ઠગ પણ નોંધાયેલા છે. ઠગ લોકો ખુબજ હોશિયાર, મક્કમ મનોબળ વાળા, વેશ પરિવર્તનમાં કાબેલ, નૃત્ય અને સંગીત કાળમાં નિષ્ણાત, રાંધણ કળામાં પણ નિષ્ણાત હતા. આ બધું એમને ધંધાના ભાગ રૂપે કોઈ સારા ઠગ ગુરુ પાસેથી શીખવું પડતું.

એમની મોડસ ઓપરેન્ડી જોઈએ. કોઈ વેપારી કે કોઈ શ્રીમંત ફેમિલી બીજે ગામ જતું હોય એની ભાળ મેળવી લેવામાં આવતી. એ જમાનામાં વેપાર વણજારો દ્વારા મતલબ કૅરેવાન દ્વારા ચાલતો. કોઈને લગ્ન પ્રસંગે જવું હોય ત્યારે પણ આવી રીતે જ પ્રવાસ કરવો પડતો. ઠગ લોકો ૨૫ કે ૫૦ના જૂથમાં આ વણજાર કે વેપારીની સાથે વેશ બદલી સામેલ થઈ જતા. શરૂઆતમાં કોઈ વિશ્વાસ ના રાખે, પણ જાતજાતની વાર્તા બનાવી એકવાર સાથે થઈ જાય પછી, વિશ્વાસ જીતવાની કળામાં નિષ્ણાત આ લોકોને અંદર ભળી જતા વાર ના લાગતી. વિશ્વાસ જીતવા અને અનુકૂળ મોકાની રાહ જોવાની જબરદસ્ત ધીરજ ધરાવતા, માઇલો સુધી સાથે પ્રવાસ કરતા કોઈને ખ્યાલ ના આવે કે એક દિવસ સત્યાનાશ થવાનો છે. રાતે નાચ ગાન કરતા અને સરસ ખાવાનું બનાવી શિકારને જમાડતા ને ખુશ કરી દેતાં. લગભગ મોટા ભાગે રાતે બધા જમીને આરામ કરતા હોય કે ખરા બપોરે ઝોકું ખાતા હોય ત્યારે મોકો લઈ લેતા. સરદાર કોડવર્ડ બોલતો તમાકુ લાવો(Time To Kill) ને બધા તૈયાર થઈ જતા. વણજારના મજબૂત માણસોની નજદીક એક એક માણસ ગોઠવાઈ જતો. અને બીજા કોડવર્ડની સાથે એકાએક દરેક ઠગના હાથમાં છુપાવેલો પીળા રંગનો રેશમી રૂમાલ આવી જતો ને દરેક શિકારના ગળે સજ્જડ ફાંસો આપી દેવાતો. મજબૂત ઠગના મજબૂત હાથમાંથી છૂટવું મુશ્કેલ. શિકાર મજબૂત હોય એની ખાતરી તો અગાઉથી જોડે રહેતાં જ ખબર પડી જાય. એટલે એવા મજબૂત શિકારનાં પગ પકડી રાખવા એક વધુ માણસ અગાઉથી જ ગોઠવાઈ જતો. બસ પછી કોઈ પ્રતિકાર કરનારું ના રહે એટલે સ્ત્રીઓ અને બાળકો સુધ્ધાને મારી નાંખવામાં આવતા અને મૃતદેહોને કૂવામાં કે જમીનમાં દાટી દેવાતાં. લૂંટનો માલ લઈને પછી ગુમ થઈ જવાનું. આ લોકોની ઠંડી ક્રૂરતા એવી કે રસાલામાંથી કોઈને જીવતો રહેવા દેતાં નહિ. નાના બાળકની દયા પણ આ લોકોને આવતી નહિ.

ઠગ લોકોને ઠગ વિદ્યા મહાકાલી માતાએ શીખવી છે એવું ઠગ લોકો માનતા હતા, અને એમાં માતાના આદેશ મુજબ લોહી વહાવ્યા વગર હત્યાઓ થવી જોઈએ. અને બધી હત્યાઓ માતાજીની બલી રૂપે માનવામાં આવતી. એટલે ઠગ લોકો ગાંઠ મારેલા રૂમાલને ગળે વીંટીને હત્યા કરતા. એમાં બીજો ઠગ શિકારના પગ પકડી રાખતો. રૂમાલ પણ ખાસ ખાખી કલરનો પીળાશ પડતો હોય. પાપ ને ધાર્મિકતાનો રંગ ચડાવી દેવાથી જોયું કેવું પુણ્ય બની ગયું? ધાર્મિક લોકોએ જેટલા પાપ કર્મો કર્યા હશે એટલાં નાસ્તિક લોકોએ નહિ કર્યા હોય. ધાર્મિક લોકોએ જેટલી માનવ હત્યાઓ કરી હશે એટલી નાસ્તિકોએ કદાપિ નહિ કરી હોય.

ઈ.સ.૧૭૯૦ થી ૧૮૦૩ સુધીમાં એક જ બેહરામ નામના ઠગે ૯૩૧ કતલ કરેલી છે. રામસિંઘ નામનો એક શીખ ઠગ પીંઢારા સાથે મળીને કામ કરતો હતો. એણે શેખ દુલ્લો નામના પીંઢારાની હત્યા પણ કરેલી. એક સામટી હત્યાઓ કરવા માટે ગજબનું પ્લાનિંગ, પરફેક્ટ ટીમ વર્ક જોઈએ. એ ઠગ લોકો પાસે જન્મજાત હતું. આ લોકો ભયાનક સિરિયલ કીલર્સ હતાં. આ લોકોને હત્યા ના કરે તો ઘણી વાર ચેન ના પડે. એમ આ લોકો માનસિક બીમાર પણ કહેવાય ને આ બીમારી પેઢી દર પેઢી વારસામાં મળતી હતી. ઠગ અને પીંઢારા ભારતના ઇતિહાસનું એક કાળું પાનું, કલંક હતા. સમાજના આ લોકો દુશ્મનો હતા. પીંઢારાનો નાશ કર્યા પછી અંગ્રેજોએ એક માસ્ટર પ્લાન બનાવ્યો. ૧૮૩૫માં વિલિયમ હેનરી સ્લીમેન નામના સિવિલ સર્વિસ મેનને “ઠગ અને ડકૈત” વિભાગ રચીને એના સુપ્રિન્ટેન્ડેન્ટ બનાવ્યો. સ્પેશલ ડેડીકેટેડ પોલીસવાળાઓનો એક ફોર્સ રચ્યો. જાસૂસો રોક્યા. બહુ મોટા પાયે ઝુંબેશ ચલાવી. હજારો ઠગોને જેલમાં નાખ્યા. પકડેલા ઠગોને છોડવાના વચનો આપી જાસૂસ બનાવી વધારે માહિતી કઢાવી અને હજારો ઠગોને ફાંસી લટકાવી દીધા જરાપણ દયા રાખ્યા વગર. ૧૮૩૯મા એજ વિલિયમ હેનરી આ વિભાગના કમિશ્નર બન્યા. ૧૮૭૧માં ક્રિમિનલ ટ્રાઈબ એક્ટ ઑફ ૧૮૭૧ આવ્યો. ઠગ અને ડકૈત વિભાગ, ભારત સ્વતંત્ર થતા વિખ્યાત સિ.આઈ.ડી. ખાતા તરીકે પરિવર્તીત પામ્યો. લગભગ મોટા ભાગે આ ઠગ કલ્ટ ૧૮૭૦ સુધીમાં લુપ્ત થયો. આ હતા મહાકાલીના ભક્તો, માસ્ટર માઈન્ડેડ, કોલ્ડ બ્લડેડ મર્ડરર. બધા મહાકાલીના ભક્તો ઠગ ના હતા.

ચાલો હવે પીંઢારા વિષે જાણીએ. ‘વીર’ ફિલ્મને ભૂલી જાઓ.

 

આપણે સ્કૂલમાં સામાન્ય ઇતિહાસ તો ભણીએ જ છીએ. હું પણ સ્કુલમા ભણ્યો ત્યારે ઇતિહાસમાં આવતું હતું કે આ પીંઢારા લુટારા હતા. છતાં જાણે કોઈ જાણતું જ નહોય તેમ લાગે છે.

ઇતિહાસકાર ગોવિંદ સરદેસાઈ એક જાણીતા મરાઠી યુગના ઇતિહાસકાર છે. પીંઢારાનો સામાન્ય ઇતિહાસ એમણે નોંધેલો છે. પીંડારી એટલે પીંઢારા, ભયાનક લુટારાઓની અવેજમાં પણ આ શબ્દ વપરાય છે. આ શબ્દ આપણે અવારનવાર સાંભળી ચૂક્યાં છીએ. મુસલમાન ઇતિહાસકાર ફીરીસ્થા એ ઈ.સ.૧૬૮૯માં નોંધ્યા મુજબ ઔરંગઝેબના લશ્કરમાં મુસલમાન પઠાણોની અમુક ટુકડીઓ સામાન્ય નાના નાના કામો માટે રાખવામાં આવતી હતી. ખાસ તો ભારતનો દક્ષિણ વિભાગ જીતવા માટે ઔરંગઝેબ નીકળેલો ત્યારે. મુસલમાનો નબળા પડ્યા ને મરાઠાઓ મજબૂત થયા ત્યારે આ ટુકડીઓ મરાઠાઓના લશ્કરમાં કામ કરવા લાગી. છત્રપતિ શિવાજી સુધી તો એમની સેવાઓ લેવામાં આવી નહોતી. પણ પેશ્વા બાલાજી રાવે ગર્દીખાનની રાહબરી નીચે આ લોકોને સેવામાં રાખ્યા. આ લોકોનું કામ યુદ્ધ પત્યા પછી સામી છાવણીઓમાં આતંક ફેલાવવાનું અને લૂંટ ફાટ મચાવી બધું સળગાવી દેવાનું રહેતું. એ હિસાબે પીંડારી એટલે પીંઢારાનો જન્મદાતા ઔરંગઝેબ અને એમનો વિકાસ કરનારા પાલનહાર એટલે મરાઠા.

૧૮મીસદી સુધી આ બર્બર, અતિશય ક્રૂર, ભયાનક લુટારાઓ બરુન અને હીરો નામના બે સરદારોની આગેવાની હેઠળ બેરારના રાજા અને ભોપાલના નવાબની સેવા કરતા હતા. આ રાજાઓ અને નવાબોની નિયત પણ ખોરી જ હતી. બરુન બેરારના રાજાની જેલમાં જ મૃત્યુ પામ્યો. ત્યાર પછી કરીમ ખાન, ચિટો, વસિલખાન અને દોસ્ત મહમદ નામના સરદારો ઉભા થયા. મોટા ભાગે આ લોકો પઠાણો હતા પણ સ્થાનિક પછાત જાતિઓ પણ આમાં ઉમેરાતી હતી, ખાસ તો આદિવાસીઓ, રોહિલ્લા પણ ખરા. લુટારાઓની કોઈ જાત હોતી નથી. નર્મદાનો ખીણ પ્રદેશ આ લોકોનો ગઢ હતો. સિંધિયા, હોલકર, ભોપાલના નવાબ, નાગપુરના ભોંસલે આ બધા આ લુટારાઓની સેવા લેતા. એમને કોઈ ખાસ વેતન નાં મળે. એક બીજાના વિસ્તારમાં જઈ લૂંટ ફાટ કરવાની. ૧૮૦૬માં કરીમખાનને સિંધિયાએ કેદ કરેલો ત્યારે એના ભત્રીજા નામદાર ખાને લૂંટફાટ ચાલુ રાખેલી, અને ૬ લાખ રૂપિયા આપી ને કરીમખાનને છોડાવેલ.

મરાઠાઓ નબળા પડ્યા હતા. એટલે એમનો આ લોકો ઉપરનો કાબુ જતો રહેલો. લશ્કરમાં કોઈ કામ હોય નહિ. પાસે ઘોડો હોય એટલે જેતે સરદારના હાથ નીચે ઘૂસી જવાનું. આ લોકોના ગ્રૂપને દુરાહ અથવા બેન્ડ કહેવામાં આવતું, એનો એક નેતા હોય. હોલકરના પક્ષમાં કામ કરતો હોય તે પીંઢારા હોલકર શાહી ને સિંધિયાના પક્ષમાં હોય તે પીંઢારા સિંધિયા શાહી તરીકે ઓળખાતા. ચિટોના હાથ નીચે ૧૦,૦૦૦, કરીમ ખાનના હાથ નીચે ૬૦૦૦, દોસ્ત મહમદના હાથ નીચે ૪૦૦૦ ઘોડા મતલબ માણસો કામ કરતા. હોલકર શાહી હોય તે સિંધિયાના તાબાના ગામોમાં લૂંટ ચલાવતા. એમ બધા એક બીજાના ગામોમાં લૂંટ ચલાવતા. પણ બધા એકના એક.

નર્મદા ખીણ પ્રદેશમાં દશેરા ઉપર બધા ભેગાં થાય. બધી ટુકડીઓના સરદારો ભેગાં થઈ નિર્ણય લે અને એક ખાસ નેતા ચૂંટે એને લાભુર કહેવાય. ખાસ તો નીમવારમાં ભેગાં થતા. રેડ પાડવાની, મતલબ ગામ ભાગવાની સ્ટ્રેટેજી તૈયાર થાય. શિયાળામાં યોજના મુજબ જુદી જુદી દિશાઓમાં નક્કી કરેલા ગામો પર હલ્લો બોલાવવાનો. સાત થી આઠ ફૂટ લાંબા ભાલાઓ સાથે ઘોડેસવારો તૂટી પડે. પાછળ સળગાવવાની સામગ્રી સાથે બીજી ટુકડી તૈયાર હોય. સીધા પૈસાદારોના ઘર શોધી કાઢવાના ભયાનક તાંડવ મોતનું શરુ. લૂંટાય તેટલું લૂંટી લેવાનું, સામા થાય એને મારી નાખવાના. સ્ત્રીઓ પર બળાત્કાર કરવાના, અને ટોર્ચરની કોઈ સીમા જ નહિ. ના લઈ જવાય તેવું હોય તેને બાળી નાખવાનું, પાછળથી આખા ગામને સળગાવી દેવાનું. થોડી વાર પછી જુવો તો બધું ઉજ્જડ દેખાય કોઈ માને નહિ કે અહીં કોઈ ગામ હશે. તરતજ બીજે ગામ હલ્લો શરુ. અઠવાડીયાંઓ ઘણી વાર તો મહિનાઓ સુધી અત્યાચાર ચાલે. પછી એમના નર્મદા ખીણ પ્રદેશમાં જતું રહેવાનું. સ્થાનિક વેપારીઓને લૂંટમાં મળેલું ઝવેરાત આપવાનું રોકડી કરવા. આરામથી ખાઈ પીને મોજ કરવાની, ફરી દશેરાએ ભેગાં થવાનું. એમના અત્યાચારોથી બચવા ઘણી સ્ત્રીઓ જાતે આપઘાત કરતી, અને ઘણા ગામ લોકો તો જાતે જ ગામ બાળી ને જંગલોમાં ભાગી જતા. નબળા મરાઠી રાજાઓ કશું કરી શકતા ના હતા. મરો તો પ્રજાનો હતો.

સંતાડેલા ગુપ્ત ધનની માહિતી ઓકાવવા પીંડારા માણસના નસકોરાંમાં અગ્નિ અને ગરમ રાખ ભરતા, એના પર લાકડાનું પાટિયું મૂકી કુદકા મારતા. ના માને તો એના બાળકના તલવાર વડે બે ભાગ કરી નાખતા, અને એની સ્ત્રી પર બળાત્કાર કરતા. વધારે ધન મેળવવા ગામના મુખિયાને પકડી રાખતાને આખી રાત ટૉર્ચર કરતા, એનું એક એક અંગ ધીરે ધીરે કાપતા. ગામ લોકોને વધારે પૈસા ભેગાં કરી લાવવાનું કહેવામાં આવતું ને છેલ્લું અંગ એનું હૃદય કાઢી લેવામાં આવશે એવી ચેતવણી આપવામાં આવતી. આટલી ક્રૂરતા તો કોઈ બીજા સમૂહે ભાગ્યેજ કરી હશે. પીંઢારા લોકોને કયું ગામ અને લોકો વધારે પૈસાદાર છે એની, તથા બીજા પીંઢારા ગ્રૂપ ક્યાં ક્યાં લૂંટ કરી રહ્યા છે તે, તથા લશ્કરી કુમક વગેરેની માહિતી રખડતા ભટકતા ફકીરો ને સાધુઓ આપતા. આ પીંઢારા લોકોમાં મુખ્ય પઠાણો હતા, છતાં જાટ લોકો અને સ્થાનિક આદિવાસી લોકો પણ ભળેલા હતા. પણ એમના નેતાઓ લગભગ પઠાણો જ હતા.

અત્યાર સુધી હોલકર, સિંધિયા, ભોપાલ, નિઝામ, નાગપુર આ બધા રાજાઓ સ્વતંત્ર હતા. અંગ્રેજો પુરા ભારતમાં ફેલાયા નહતા. પીંઢારાઓ એ પ્રથમ વાર ભૂલ કરી ઈ.સ.૧૮૧૨માં અંગ્રેજોની હદમાં મીરજાપુરમાં લૂંટ ચલાવવાની. દોસ્ત મહમદની આગેવાની હેઠળ મીરજાપુર જિલ્લાના રેવાના રાજાની હદમાં ૩૦૦૦ ઘોડેસવારો સાથે ૬ ગામડાઓમાં લૂંટ ચલાવી ને આતંક ફેલાવ્યો. ખાસ તો અંગ્રેજ ટેરીટરી એમને વધારે રીચ સમૃદ્ધ દેખાણી, લૂંટમાં વધારે ધન મળે. અને મળ્યું પણ ખરું. બીજા શિયાળામાં વધારે દાઢ સળકી છેક સુરતમાં ૫૦૦૦ ઘોડેસવારો સાથે મોટી લૂંટફાટ કરવામાં આવી. આમેય સુરતને શિવાજી પોતે બે વાર તો લુટી જ ગયા હતા. શિવાજીને નિંદર ના આવે સુરતને લૂટ્યા વગર.

પણ આ વખતે સુરતમાં અંગ્રેજોનું થાણું હતું. છતાં ફાવી ગયા. હવે હિંમત ખુલી ગઈ હતી. ઈ.સ.૧૮૧૫માં નિઝામની હદ મુસલીપટનમમાં લૂંટ ચલાવી, પણ કૃષ્ણ નદીના હાઈ રીવર ઝોનના લીધે અંગ્રેજોની મદ્રાસ રેસીડેન્સી બચી ગઈ. ઈ.સ. ૧૮૧૬માં ફેબ્રુ અને માર્ચમાં મુસલીપટનમના પશ્ચિમમાં સતત બાર દિવસ છેક ગુંતુર સુધી ૧૪૬ ગામ લૂંટીને હાહાકાર મચાવ્યો. હજારોની કતલ થઈ, સ્ત્રીઓ કૂવામાં પડી ને આત્મ હત્યા કરી. મદ્રાસથી ટ્રૂપ આવે તે પહેલા કૃષ્ણ નદી ક્રોસ કરી નર્મદાની ખીણમાં ઉતરી ગયા.

વિચારો આ કયો સ્વતંત્રતાનો સંગ્રામ હતો? આતો પોતાના દેશવાસીઓને જ લૂટતા હતા. પણ હવે હદ વટાવી ચૂક્યા હતા, અને અંગ્રેજોની હદમાં લૂંટવાનું શરુ થયું હતું. આ નબળા મરાઠી રાજાઓ ના હતા, અંગ્રેજો હતા. મરાઠી રાજાઓની દાનત જ ખોરી હતી. પોતાની પ્રજાને લૂંટી હોય એમાંથી પણ આ રાજાઓ પીંઢારા પાસેથી ભાગ પણ મેળવતા હતા. લૉર્ડ હેસ્ટીગ્સે પ્લાન તૈયાર કર્યો, સિંધિયા ને ફોર્સ કર્યો. અને આમેય આ રાજાઓ આ પીંઢારાઓથી ત્રાસેલા તો હતાજ. સિંધિયા, હોલકર, પેશ્વા, ભોપાલના નવાબ, નાગપુર, નિઝામ બધાએ સંધી કરી. કર્નલ વોકર, કૅપ્ટન કોલફિલ્ડ , મેજર ક્લાર્ક, થોમસ હિસ્લોપ આ બધાની આગેવાની નીચે ચારે બાજુ થી હલ્લો શરુ થયો. ઉપર છેક આગ્રાથી બુન્દેલ ખંડ તરફથી, પૂર્વમાંથી બેનગલ ફોર્સ, અને સાઉથમાંથી ડેક્કન આર્મી. એમની પોતાની નમર્દા ખીણમાં સપડાવાનો પ્લાન સફળ થયો. વસિલ મહમદ સિંધિયા તરફ ભાગ્યોને પકડાઈ ગયો ને બ્રીટીશરોને સોંપ્યો. હોલકરે ચિટોને ભગાડ્યો. કરીમખાન સર જોન માલ્કોમના શરણે થયો. વસિલ મહમદે આપઘાત કર્યો. ચિટો નાગપુર તરફ ભાગ્યો ત્યાં અપ્પા સાહેબે માત દીધી. અને નાગપુરના જંગલોમાં સંતાવા જતા વાઘે ફાડી ખાધો. આ લોકોના બાળકો અને સ્ત્રીઓને અંગ્રેજોએ ગોરખપુરમાં વસવાની છૂટ આપી. જમીન પણ આપી. ઘર પણ આપ્યા.

મધ્ય ભારત એક બર્બર કોમની બેરહેમ લૂંટફાટ ને અત્યાચારની વેદનામાંથી છૂટ્યું. આ કેવાં પ્રકારનો સ્વતંત્રતા માટેનો સંગ્રામ હતો? આ લુટારા તો હિન્દુસ્તાનની પ્રજાને લૂટતા હતા. આ કોઈ અંગ્રેજો પાસેથી પ્રજાને સ્વતંત્રતા અપાવવા માટે થોડા લડેલા? આ તો મરાઠી રાજાઓના ભાડૂતી ખોલકા હતા જે પાછળથી જે તે રાજાના કાબુમાં ના રહ્યા. રાજાઓ પોતે ફસાઈ ગયા હતા. અને એમનો નાશ ઇચ્છતા હતા. ત્યાર પછી ઈ.સ.૧૮૧૯માં આ બધા રાજાઓ અંગ્રેજોના શરણે ગયા તે વાત જુદી છે. આમેય ભારતમાં લોકોને લૂંટારા અને ગુંડાઓને હીરો તરીકે ખપાવી દેવાની આદત તો છે જ. સાચો ઇતિહાસ કોણ ઉકેલવાનું છે? અને સમય પણ ક્યાં છે? મુવી જોઇને જે બતાવે એ સાચું સમજી લેવાનું ને? આમેય વિચારવાની બારીઓ તો બંધ જ છે. મૂળે પાછાં અંગ્રેજો રાજ કરી ગયેલા એટલે એમના પ્રત્યે નો રોષ આ લુટારાને હીરો બનાવી દેવા કામ લાગવાનો.

પીંઢારી કોમનો પ્રીથ્વીસિંહ નામનો કોઈ નેતા ના હતો. ના તો માધવગઢ નામનું કોઈ રાજ્ય હતું. તો ઈ.સ. ૧૮૧૯માં તો અંગ્રેજોએ આ લોકોનો નાશ પણ કરી નાખેલો. ઈ.સ. ૧૮૧૯માં જ આ બધી વાર્તા સમાપ્ત થઈ ગયેલી. ઇતિહાસકાર ગોવિંદ સરદેસાઈ એ ક્યાંય માધવગઢ નો ઉલ્લેખ જ નથી કર્યો.

કમનસીબી એ છે કે બ્રિટનનાં વિખ્યાત રાજકર્તા ચર્ચિલની ૧૯૪૭મા કહેલી વાત આજે આપણા નેતાઓએ સાચી પાડી છે. ખરેખર અંગ્રેજો ઠગ અને પીંઢારાઓને રાજ સોંપી ને ગયા છે. કોઈ શક?

Ref: (1) Pindari Society and Establishment of British Paramountcy in India. By-Philip F.McEldowney, A Thesis submitted in Uni of Wisconsin in 1966

(2)Historical studies and recreations vol-2 By-Shoshee Chunder Dutt Page-340.

 

12 thoughts on “ઠગ અને પીંઢારા”

 1. good real story like watch movie. and also very learning old history of india of around 1800 i also heared thug-pindhara. like daku-lutera. i like your knowlageble lekh raol bhai. go head never stop.

  Like

 2. Sundar mahitiprad lekh.Vakata ee chhe ke loko to movie ni vat j sachi manavana ne potana purva grahit abhiprayo j satya chhe em manavana.Padmavati no dakhalo taro taja chhe !

  Like

 3. અંગ્રેજોએ જે પગલાં લઈને ઠગ પીંઢારાઓને નિર્મૂળ કર્યા તે બધા 1857 પહેલા લીધા હતા કે જયારે ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની રાજ કરતી હતી. જે કંપની દેશને લૂંટવા આવેલી તેણે પ્રજાને લુંટારાઓથી બચાવી.
  દલપતરામે “હરખ હવે તું હીંદુસ્તાન” શા કારણે કહ્યું હશે તે હવે સમજાય છે.

  Liked by 1 person

 4. ગુજરાતી બ્લૉગની દુનિયામાં આ લેખ નવી ભાત પાડે છે. ઇતિહાસ વિશે ભાગ્યે જ કંઈ વાંચવા મળે છે.

  Like

 5. સરસ મજાની માહિતી સાથે નવું જાણવા મળ્યું મસ્ત લેખ👍👌

  Like

 6. ઇતિહાસ ની ક્યાંયથી પણ જાણવા નથી મળી એવી સાચી હકીકત જાણવા મળી… ખરેખર અંગ્રેજો ઠગ અને પીંઢારાઓને રાજ સોંપીને ગયા છે એ એટલી જ વાસ્તવિકતા છે

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s