વાનરોથી ગયેલા માનવો
હમણાં થોડા દિવસ ઉપર નારદજી વિષ્ણુલોકમાં તંબુરો વગાડતા વગાડતા નારાયણ નારાયણ બોલતા બોલતા ગયા.
નારદજીને જોઈ ભગવાન વિષ્ણુએ પૂછ્યું, કહો નારદજી શું સમાચાર છે?
નારદજી બોલ્યા, ‘પ્રભુ હમણાં ભૂલોક પર આંટો મારીને અહિ આવી રહ્યો છું. આમ તો બધું બરોબર છે પણ આફ્રિકા ગયેલો ત્યાં જરા કૌતુકભરી વાત જાણવા મળી, થોડી દુખદ છે પણ આપ રજા આપો તો કહું.’
વિષ્ણુજી બોલ્યા કહો કહો, નહિ કહો તો તમને પેટમાં દુખશે.
નારદજી બોલ્યા, ‘પ્રભુ વાત એમ છે કે હું આફ્રિકા ગયેલો, ત્યાં જંગલોમાં ભ્રમણ કરવા નીકળેલો, એમાં જાણ્યું કે એક ચિમ્પેન્ઝી જેને આપણે કપિમાનવ કહીએ છીએ એણે આત્મહત્યા કરેલી.’
ભગવાન વિષ્ણુ બોલ્યા જરા માંડીને વાત કરો તો સારું.
નારદજી બોલ્યા, ‘પ્રભુ વાત એમ છે કે આ ચિમ્પેન્ઝી એટલે કે કપિમાનવના ટોળામાં એક પુખ્ત વયના માનવ કપિએ માદા બાળ ચિમ્પેન્ઝીની છેડતી કરેલી. એમાં ગુસ્સે ભરાઈને બધા ચિમ્પેન્ઝીએ એને સાલા માનવ સાલા માનવ કહી ખૂબ ગાળો દીધી અને ખૂબ મારીને કાઢી મુક્યો. એમાં પેલાને એવું થયું કે મેં તો ખાલી છેડતી કરી છે માનવોની જેમ આગળ તો વધ્યો નથી અને મને માનવ કહીને ભયંકર ગાળ કેમ દીધી? મને માર્યો એમાં જરાય વાંધો નથી પણ માનવ કેમ કીધો? એમાં એને એટલું ખરાબ લાગ્યું કે તેણે આત્મહત્યા કરી લીધી. તો હે પ્રભુ આ ચિમ્પેન્ઝીને કોઈ માનવ કહે તો ભયાનક ગાળ કેમ સમજતા હશે?’
ભગવાન વિષ્ણુ બોલ્યા, ‘હે નારદ ! હું તને જે રહસ્ય કહેવા જઈ રહ્યો છું તે મેં આજસુધી કોઈને કહ્યું નથી એવું જાણ, આ જ્ઞાન હું તને પહેલીવાર આપું છું તેવું તું જાણ. હે નારદ ! આ માનવો જ્યારે કોઈને પશુ કહીને ગાળ દેતા હોય છે ત્યારે મને તેમના પ્રત્યે દયા આવે છે અને ઘૃણા પણ થાય છે. કારણ પશુઓ એટલા ખરાબ નીચ બુદ્ધિના હોતા નથી જેટલા માનવો હોય છે. હવે તને હું રહસ્યમય વાત કહું. આ ચિમ્પેન્ઝીના ટોળામાં જેટલા પુખ્ત વયના નર અને માદા હોય છે તે નજીકના લોહીના સંબંધી જેવા કે માતા-પુત્ર, કાકા ભત્રીજી, ભાઈ-બહેન, પિતા-પુત્રી હોતા નથી. બાળ નર-માદા ચિમ્પેન્ઝી જ પુખ્ત વયના ચિમ્પેન્ઝીના લોહીના સંબધી હોય છે. એનું મુખ્ય રહસ્ય એ હોય છે કે બાળ માદા ચિમ્પેન્ઝી પુખ્ત થાય એટલે એને ટોળામાંથી તગેડી મુકવામાં આવે છે. ખાલી બાળ નર પુખ્ત થાય એને જ ટોળામાં રાખવામાં આવે છે. એટલે પુખ્ત નર નર લોહીના સંબંધી હોઈ શકે, પણ પુખ્ત નર અને માદા નહિ. એનું બીજું કારણ એ છે કે ચિમ્પેન્ઝી પુરુષ પ્રધાન સમાજ છે, એટલે બાળ માદાઓને પુખ્ત થતાં તગેડી મૂકે છે. માનવો પણ લગ્ન અને કન્યાદાન, કન્યાવિદાય જેવા સુસંસ્કૃત શબ્દો વાપરી એમની બાળ માદાઓ એટલે કે દીકરીઓને તગેડી મૂકે છે. એવી રીતે ચિમ્પેન્ઝીનાં પિતરાઈ બોનોબો માતૃપ્રધાન સમાજ હોવાથી એમના ટોળામાંથી બાળ નર પુખ્ત થતા એને ટોળામાંથી તગેડી મુકવામાં આવે છે. એટલે ચિમ્પેન્ઝી અને બોનોબો જેવા કપિમાનવોમાં નજીકના લોહીમાં સંભોગ કરવાનો રીવાજ છે જ નહિ, માનવો આવું કરતા હોવાથી આ કપિમાનવોને માનવ કહો તો ગાળ સમાન લાગે તે સ્વાભાવિક છે.’
હવે નારદજીનો વારો આવ્યો.
નારદ બોલ્યા, ‘પ્રભુ હવે લીંક બેઠી, મારા સ્માર્ટફોનમાં બેત્રણ દિવસ પહેલા વાઈફાઈ દ્વારા ભુલોકની એક ચેનલ પકડાઈ ગઈ તો એમાં પેલા લંબુશ બચ્ચન સાહેબનો કોઈ પ્રોગ્રામ કૌન બનેગા કરોડપતિ જોવા મળી ગયેલો, એમાં કોઈ ગેસ્ટ તરીકે કૈલાશ સત્યાર્થી આવેલા. એ બહુ દુઃખી હ્રદયે બોલતા હતા કે ભારતવર્ષમાં દર છ મીનીટે એક બાળકની ચોરી થાય છે, એમના અંગો વેચાય છે, એમની ચામડી પણ વેચાય છે, એમને ભીખ માંગવા અને બીજા બાળ મજુરીના કામે ધકેલી દેવાય છે અને દર બેમાંથી એક બાળકનું જાતીય શોષણ થાય છે અને એમાં ૭૦/૮૦ ટકા નજીકના લોહીના સંબંધી જ છેડતી બળાત્કાર વગેરે કરતા હોય છે. એમાં એક દાખલો એમણે એવો કહ્યો કે પિતા પોતે જ પુત્રી પર રોજ બળાત્કાર કરતો હતો. પેલી બાળકી બીમાર હતી તો એણે કહ્યું પાપા આજે રહેવા દો પણ પિતાએ એને છોડી નહિ અને પુત્રી મજબુરીમાં પોલીસ પાસે ગઈ.’
ભગવાન વિષ્ણુની આંખોમાં પાણી ઉભરાઈ આવ્યા આ વાત સાંભળી. ભગવાન બોલ્યા જોયું નારદ? એટલે જ પેલા ચિમ્પેન્ઝીને એના ભાઈઓએ માનવ કીધો તો એણે આપઘાત કરી લીધો. એટલે જ હે નારદ જ્યારે કોઈ મનુષ્ય એના જાતિભાઈને પશુ તરીકે સંબોધે તો મને ગાળ દેવાનું મન થાય કે સાલો પશુઓનું અપમાન કરશો નહિ પશુઓ તો તમારા માનવો કરતા લાખ દરજ્જે સારા છે.
નારદજી બોલ્યા પ્રભુ હવે તો ભૂલોક પર આંટો મારવાનું જ મન થતું નથી. પછી બંને જણા બીજી વાતોએ વળગી ગયા.
Kadvi ne chachare evi vat.
LikeLike
ખુબ સરસ અને અસરકારક.
પરંતુ, કુરુક્ષેત્રના મુખપૃષ્ઠ પર કૉમેન્ટ્સ વાંચવાની કોઈ વ્યવસ્થા નથી એક
કેવું?
2017-11-08 22:30 GMT-05:00 કુરુક્ષેત્ર :
> Bhupendrasinh Raol posted: “હમણાં થોડા દિવસ ઉપર નારદજી વિષ્ણુલોકમાં તંબુરો
> વગાડતા વગાડતા નારાયણ નારાયણ બોલતા બોલતા ગયા. નારદજીને જોઈ ભગવાન વિષ્ણુએ
> પૂછ્યું, કહો નારદજી શું સમાચાર છે? નારદજી બોલ્યા, ‘પ્રભુ હમણાં ભૂલોક પર
> આંટો મારીને અહિ આવી રહ્યો છું. આમ તો બધું બરોબર છે પણ આફ્રિકા ”
>
LikeLike