માન્યતાઓ, જેમણે ભારતને પછાડ્યું

માન્યતાઓ, જેમણે ભારતને પછાડ્યું

ઉત્તરમાં હિમાલય, પૂર્વમાં પણ હિમાલયની દુર્ગમ પર્વતમાળાઓ, પશ્ચિમમાં થર અને કચ્છનું રણ પછી છેક પશ્ચિમથી માંડી દક્ષિણમાં થઈને પાછા ઉત્તર પૂર્વમાં જાઓ ત્યાં સુધી હિન્દ મહાસાગર વડે કુદરતી રીતે જ રક્ષાયેલો ભારત વર્ષ સદીઓ સુધી બાકીની દુનિયા માટે અજેય રહ્યો. હજારો વર્ષ અજેય રહેલો ભારત વર્ષ ત્યાર પછી લગભગ આઠસો વર્ષ ગુલામ રહ્યો. આક્રમણકારીઓ નિયમિત આવતા રહ્યા અને ભારત હમેશાં હારતું જ રહ્યું. શક, હુણ, કુશાન બધા પરદેશીઓ જ હતા. પણ ભારતમાં ભળી ગયા એટલે ધ્યાનમાં આવતું નથી. એલેકઝાન્ડર સિકંદર આવ્યો પછી બધું ધ્યાનમાં આવવા લાગ્યું. મહાન ગુપ્ત રાજાઓએ ૭૦૦ વર્ષ સિમાડા-સરહદો એવી સજ્જડ સાચવી કે બાકીના ભારતવર્ષને બખ્ખા થઇ ગયા. જાણે ભારત સિવાય બાકીની દુનિયા છે જ નહિ. હજુ આજે પણ એજ માનસિકતા છે. મેરા ભારત મહાનનું અફીણ પીને ઘોરતી પ્રજા હજુ આજે પણ અંગ્રેજોની ગુલામ જ છે. આપણી બોગસ માન્યતાઓએ આપણને પછાડ્યા છે. આપણી અવૈજ્ઞાનિક અવાસ્તવિક માન્યતાઓએ આપણી ૮૦૦ વર્ષ લાંબી ગુલામી માટે ભૂમિ તૈયાર રાખી હતી. બસ કોઈ આક્રમણ કરે અને એક ભવ્ય સાંસ્કૃતિક ઈમારત ભાંગીને ધ્વસ્ત થઇ જવાની જ હતી ફક્ત સમયનો સવાલ હતો. અને એ ચાન્સ ચૌહાણ પૃથ્વીરાજે આપી દીધો. પૃથ્વીરાજનો એમાં કોઈ વાંક નથી, તે નાં હારત તો એનો કોઈ વંશજ હારત. ભારત ગુલામ બનવાનું જ હતું સમયનો તકાજો હતો. ચાલો જે માન્યાતાઓ ને આપણે મહાન ગણીએ છીએ તેમણે આપણને કઈ રીતે પછાડ્યા તે એક પછી એક જોઈએ.

 

 

૧) પૈસો પાપ છે
પૈસો પાપ છે. અતિશય ધન સારું નહિ. ધનિકને ઘણા દુખ હોય. પૈસા પાછળ ખરાબી આવે. ગરીબી મહાન. તુલસી હાય ગરીબ કી લોહ ભસ્મ હો જાય. ગરીબની હાય લાગી જાય. ગરીબ માણસ ચારિત્રવાન. ધનિક પાપી, ચરિત્રહીન. આવી તો ઘણી ઘણી વાતો ભારતના મનમાં સમાયેલી છે. ગરીબીની મહાનતાની વાતો કરી કરીને એને ભારતના અચેતન મનમાં ઘુસાડી દીધી છે. ધન સારું છે. ધન વગર કોને ચાલે છે? ગરીબી પાપ છે. ગરીબી પાછળ ઘણા દુખ હોય છે, પણ અહીં તો દુઃખમાં પ્રભુ સાંભરે. દુઃખમાં બીજું યાદ પણ શું આવે? બચાવો બચાવોના નારા લગાવવાની આદત પડી ગઈ છે. તમામ પ્રાર્થના અને ભજનોમાં ભગવાન બચાવે તેવું જ હોય છે. ભગવાન દુઃખ દૂર કરે. માટે જ મને ભજનો  ગમતા નથી. એમાં ભીખ માંગવા સિવાય હોય છે શું? કાં તો કાલ્પનિક ભગવાનના રંગ અને રૂપના વર્ણન હોય છે, બીજું હોય છે શું??

ભજગોવિંદમમાં શંકરાચાર્ય એવું જ કહે છે કે ધનને હંમેશા ખરાબ ગણો, પાપ ગણો, એનાથી તસુભાર પણ સુખ ના મળે, આ વાત બધે અને કાયમની છે. હવે શંકરાચાર્યની વાત કોણ નહિ માને? આપણાં પોતાના અને પોતાના કુટુંબ માટે ધન  જરૂરી જ છે. ધન વગર ચાલતું નથી, છતાં ગરીબીથી છૂટવાનું મન થાય નહિ, કારણ ગરીબીની મહાનતા અચેતન મનમાં સદીઓથી ઘુસાડી દીધી છે. એના લીધે કમાવાનું મન જ થાય નહિ. કોઈ મોટિવેશન જ મળે નહિ. હંમેશા ધાર્મિક મહાપુરુષો મહત્વાકાંક્ષાને વખોડતા હોય છે. એનાથી દુઃખ વધે. ધ્યાન લાગે નહિ. મેડીટેશનમાં તકલીફ થાય. હવે એજ ગુરુઓ ધનમાં આળોટતા હોય છે. એક પરિવારના કહેવાતા મહાપુરુષ સાવ નાનકડા બગીચામાંથી કથા કરતા કરતા ૪૦૦ કરોડ કરતા પણ વધુ મિલકતના સ્વામી બની ગયા હતા. અને એમણે એમના ધાર્મિક પરિવારને સરસ સૂત્ર આપેલું, “ચાલશે, ફાવશે, દોડશે.”  મૂરખ લોકો ઘરના શિંગચણા ખાઈને એમના પરિવારને ઉંચો લાવવા મથીને પાપ દૂર કરતા હતા.  મારા એક મિત્ર વડોદરાના પ્રદીપ પટેલ વર્ષો પહેલા આ પરિવારના કોઈ ધાર્મિક ફંકશનમાં ચાણોદ ગયેલા. ત્યાં એક હવનકુંડ હતો. વ્યર્થ લાકડા અંદર સળગતા હતા. આજે જ્યારે ભારતમાં જંગલો રહ્યા નથી, એના ખરાબ પરિણામ ભોગવી રહ્યા છીએ ત્યાં આ યજ્ઞોની શું જરૂર છે? વાત એવી હતીકે પેલાં યજ્ઞ કુંડમાં બધા કાગળ  હોમતા હતા. વળી પાછો એક વૃક્ષનો નાશ કાગળ રૂપે. મારા મિત્રે તપાસ કરી કે આમાં કોઈ હવન સામગ્રી હોમતા નથી ને લખેલા કાગળિયા કેમ હોમતા હશે?? જાણવા મળ્યું કે પોતે કરેલા પાપ લખીને આ યજ્ઞકુંડમાં હોમી દેવાથી પાપનો નાશ થઈ જાય છે. કર્મનો નિયમ ગયો ભાડમાં, મારા મિત્રને થયું ચાલ આજે સારો ચાન્સ મળ્યો છે ભૂલમાં કરેલા પાપ બળી જશે. મૂળ તો ખેતી કરતા, કોઈ કહેવાતું પાપ કરે તેવા નથી, પણ ભૂલમાં થયું હોય તો આજે બાળી નાખીએ, સમજી કાગળમાં લખીને નાખવા ગયા તો રોકવામાં આવ્યા કે તમે આ પરિવારના રજિસ્ટર્ડ સભ્ય નથી માટે અહીં પાપ બાળી નહિ શકો. બોલો હવે શું કહીશું? હંમેશા ગીતા, ઉપનિષદ ઉપર પ્રવચનો આપતા મહાપંડિત ગણાતા આ ક્ષુદ્ર ગુરુને પણ ધન વગરતો ચાલ્યું જ નથી. સાદગીનો મહાન સંદેશ “ચાલશે, ફાવશે, દોડશે” આપનારા ગુરુઓના રાજમાં ધનના ઢગલા થતા હોય છે.

ગાંધીજીએ પણ એક મહાન ભૂલભરેલો શબ્દ ઠોકી બેસાડ્યો  ‘દરિદ્ર નારાયણ’.. દરિદ્રતા દૂર કરવાનું મન જ ના થાય. સાથે નારાયણ પણ દૂર થઈ જાય ને? મૂળ હિંદુ ધર્મમાં  જુઓ નારાયણ તો કેટલા બધા પૈસાવાળા દેખાય છે? ધનની દેવી લક્ષ્મી એમના પગ દબાવે છે કે નહિ? ઈશ્વર એટલે ઐશ્વર્ય, ઐશ્વર્યવાન..દરિદ્ર  કદી નારાયણ ના બની શકે. પછી કુંવરબાઈનું મામેરું કેમનું ભરાશે? હૂંડી કોણ સ્વીકારશે જો નારાયણ દરિદ્ર હશે તો? માટે નારાયણ તો ધનિક જ સારો. તમતમારે દરિદ્ર રહો નારાયણને શું કામ દરિદ્ર બનાવો છો? દરિદ્રતા પાપ છે. પાપનું મૂળ છે. દુઃખનું કારણ છે.

આ ધને વખોડવાની નીતિને લીધે આપણે  દેશને  poorest દેશોની હરોળમાં બેસાડી દીધો છે. આ નીતિને લીધે ધન કમાવાની ઇચ્છા જ મારી નાખી છે. અને જે માણસ પુષ્કળ ધન કમાઈ લે તે પણ અંદરથી પોતાની જાતને ગિલ્ટી ગણતો થઈ જતો હોય છે. પછી ગુરુઓની પાછળ દોટો મૂકતો થઈ જાય છે. એકવાર ધન કમાઈ લીધું પછી એમાંથી મળેલા પાપને ભૂસવા ગુરુઓ  પાછળ ફરતો કરી દે છે. એ કોઈ રિસર્ચ કરવા પૈસા નહિ વાપરે પણ ગુરુને મંદિર બનાવવા બ્લેન્ક ચેક આપશે. વડોદરાની ગલીઓમાં કથા કરી ખાતા એક હાલના નવા ઊંચે ચડી રહેલા કથાકારને મેં ઓચિંતાં ધીરુભાઈ અંબાણીના મ્રત્યુ પ્રસંગે ટીવીમાં એમના ઘરમાં જોયા ત્યારે નવાઈ લાગેલી. આજે તો પત્નીને પૈસા આપી તગેડી(ડિવોર્સ) મૂકી, સૌરાષ્ટ્રમાં  કોઈ મોટું ગુરુકુળ બનાવી બેઠાં છે. નીતા અંબાણી પણ ધંધામાં કરેલા પાપોમાંથી મુક્તિ મેળવવા શ્રીનાથજી મંદિરના ટ્રસ્ટી બન્યા છે.

હા! પૈસા થી સગવડ ખરીદી શકાય છે, સુખ નહિ. પણ ગરીબીમાં શું ખરીદી શકશો? ના સુખ, ના સગવડ.. સુખતો મનમાં હોય છે, પણ જ્યારે પૈસો નથી હોતો ત્યારે મનમાંથી સુખ પણ જતું રહે છે. ધર્મોએ હંમેશા ગરીબી વખાણી છે. શ્રદ્ધાના પાયા પર રચાયેલી ભારતની ગરીબી દૂર કરવી ભગીરથ કાર્ય છે. પણ ભૂખે ભજન ના થાય ગોપાલા.

૨) ગુરુ ભગવાન છે?

મિત્રો આમ તો બધાને ખબર હશે ધોબી પછાડનો  અર્થ. કુસ્તીના અખાડામાં આ દાવ ખેલાતો હોય છે. ધોબી કપડાને ધોતી વખતે બે હાથમાં પકડીને જે પછાડતો હોય છે તે રીતે અખાડામાં હરીફનો હાથ પકડમાં આવી જાય તો એને પછાડી નાખવાનો હોય છે. મેં પણ ધોબી પછાડનો  સ્વાદ ચાખેલો છે.  અખાડામાં તો ચાલી જાય બહુ વાગે નહિ. બાકી કરોડનાં મણકા છુટા પડી જાય. હવે અગાઉના લેખમાં લખ્યું કે શંકરાચાર્ય કહેતા કે ધન પાપ છે. એક મહાન ગુરુએ કહી દીધું. હવે મારા જેવો એનો વિરોધ કરશે તો પ્રજા શું કરશે? ગુરુએ કહેલાની જાતજાતની વ્યાખ્યાઓ કરશે, મોડીફાઈ કરશે, બહાના ખોળી કાઢશે પણ મહાન ગુરુએ કહ્યું એટલે બ્રહ્મ વાક્ય થઈ ગયું. એને શંકરની વાત જ યોગ્ય લાગશે. ખરાબ રસ્તે નહિ કમાવાનું, અતિશય નહિ કમાવાનું, આવા જાતજાતના અર્થ એમાંથી શોધાઈ જવાના. પણ કોઈ એવું નહિ કહે કે આ ખોટું છે, કે ધનની જરૂર તો એને ખરાબ કહેવાવાળાને પણ પડે છે. તો આ થયું માઈન્ડ કંડીશનિંગ. સદીઓથી ગુરુઓએ જ પ્રજાના મનમાં ભરાવી દીધું છે કે ગુરુ ભગવાન છે. કોઈ પ્રશ્ન પૂછવાનો નહિ. જે કહે તે બરોબર, એને અનુસરો. પણ કોઈ આના પર વિચાર નહિ કરે, કોઈ ચર્ચા નહિ કરે. કોઈ વિવાદ જ નહિ કરે. અર્થ કરો જેટલા કરવા હોય તેટલા ડાઉટ નહિ કરવાનો.

ગુરુ એટલે કે ટીચર કે શિક્ષક, એનું માન જાળવવું જોઈએ, પણ આદર એ કોઈ કરાર નથી કે આંધળું અનુસરણ કરવું. આદર કમાવો પડે છે. જેમ સારા ડૉક્ટર હોય છે તેમ ખરાબ ડોક્ટર્સ પણ હોય છે. એમ સારા વકીલ હોય તેમ બુરા વકીલ પણ હોય. એમાંય વારસાગત ગુરુપ્રથામાં જરૂરી નથી કે બાપ ગુરુ વિદ્વાન કે સદાચારી હોય તેમ દીકરા ગુરુ પણ હોય. ઘણા સારા રાજવીઓના દીકરાઓ ખરાબ પાક્યા જ છે. સારા ગુરુ હોય પણ એમના બધા વિચારોનું આંધળું અનુકરણ કે એમનામાં અંધ વિશ્વાસ રાખવો? પાવલોવ રશિયન વૈજ્ઞાનિક એણે એક પ્રયોગ કરેલો. એક કૂતરાને ખાવાનું આપે ત્યારે ઘંટડી વગાડે. રોજ આવું કરે. પછી એક દિવસ ખાવાનું આપ્યું નહિ અને ખાલી ઘંટડી વગાડી. કૂતરાના મોમાંથી લાળ ટપકવા લાગી, કૂતરો ભોજન શોધવા ફાંફાં મારવા લાગ્યો. આ થયું માઈન્ડ કંડીશનિંગ. શરૂમાં સિગારેટ કે બીડી પીવાવાળા સંડાસ  જાય ત્યારે નવરા હોય કે  તે સમયે આરામમાં હોય કોઈ પ્રવૃત્તિ જોઈએ, એમ સંડાસમાં  બીડી સળગાવતા હોય છે. પછી કંડીશનિંગ થઈ જાય. બીડી કે સિગારેટ વગર પેટ સાફ ના આવે. પ્રેશર ના આવે. હું ભરૂચ બાજુના સગા સંબંધીઓને ત્યાં જાઉં ત્યારે ખૂબ આગ્રહ કરીને ખવડાવે. પોતે પણ સાથે બેઠાં હોય એટલે ધરાઈને જમ્યા હોય. પેટ ફાટી જાય તેટલું ખાધું હોય. છતાં જમ્યા પછી મૂઠી ભરીને  શિંગચણા ફાક્યા વગર ના ચાલે. મારું તો પેટ ના પાડે કે હવે તસુભાર પણ જગ્યા નથી. પણ પેલાં બધા આરામથી શીંગચણા ફાકતા હોય. માઈન્ડ કંડીશનિંગ!!! સ્વાભાવિક છે કે શિક્ષક પ્રત્યે શીખવા માટે વિશ્વાસ રાખવો પડે, પણ એક બાળકને આખી જીંદગી એવો વિશ્વાસ રખાવવો  જરૂરી નથી. પ્રશ્ન તો પૂછી શકાય. આપણે શિક્ષકને પ્રશ્ન પૂછી શકીએ છીએ, પણ ગુરુને કદી પૂછી શકતા નથી. રીતિ રિવાજ કે ખાલી ગુરુ  એટલે  આદર આપવો, પણ એનામાં અંધ વિશ્વાસ રાખવો યોગ્ય નથી. એનામાં કોઈ બુદ્ધિ, જ્ઞાન અને એના સંદેશમાં કોઈ ઉપયોગી મૅસેજ તો હોવો જોઈએ કે નહિ? જો તમે અંધ વિશ્વાસ અને આંધળું અનુકરણ કરશો તો તમારું મન એક જ ટ્રૅક પર ચાલવાનું જે સદીઓથી થતું આવ્યું છે. કોઈ નવો  આયામ વિચારમાં આવશે જ નહિ.

ગુરુ કે માતાપિતા કે શિક્ષક પ્રત્યે  આદરથી અસહમતી દર્શાવી શકાય છે. આદરના નામે જ્યાં ગુરુ અને માતાપિતા પ્રત્યે સંપૂર્ણ સમર્પણ શીખવાય છે, ત્યાં સ્વતંત્રતાનો અહેસાસ અનુભવાતો નથી કે ત્યાં અસ્મિતા દેખાતી નથી. માટે વર્ષા પાઠકનો લેખ સહુએ વાંચવા જેવો છે  ‘મારે મારા દીકરાને શ્રવણ બનાવવો નથી’.  “સંશયાત્મા વિનશ્યતિ” એવું કહીને ભારત સિવાય દુનિયાના કોઈ સમાજમાં વિચારવા ઉપર પ્રતિબંધ મૂકાયો નથી. હવે મિત્રો આ વાક્ય ઉપર જાત જાતના અર્થ કરશે. પહેલા પણ થઈ ચૂક્યા છે. સારી વાત છે. કરવા જોઈએ. પણ લોકો શું માને છે? સામાન્ય જન શું માને છે? કોઈ કહેશે જાત ઉપર વિશ્વાસ રાખવાનું કહ્યું છે. હું કહેતો હતો દુવિધામાં ના રહેવું, કોઈ ઠોસ નિર્ણય લેવો. પણ સામાન્ય જન શું માનશે? કે ગુરુ, ટીચરમાં શંકા કરવી  નહિ. વાર્તા પૂરી. બાળકોએ તો ખાસ શંકા કરવી જોઈએ તો જ જ્ઞાન વધે, નહિ તો ખાક શીખવાના?

એક ઋષીએ કહ્યું કે દરિયો ઓળંગાય નહિ. યુરોપીયંસ આખી દુનિયામાં ફરી વળ્યા પણ આપણે કશે ગયા નહિ. અંગ્રેજો અહીં આવી ગયા, આપણે ઇંગ્લેન્ડ કેમ પહોચ્યા નહિ? થોડામાં ઘણું! થોડામાં સંતોષ, ધન બહુ સારું નહિ જે પહેલા બહાર ગયા હશે ઇન્ડોનેશિયા કે બીજે તે આવા કોઈ ગુરુના કહેતા પહેલા ગયા હોવા જોઈએ. થોડા કચ્છના ગુજરાતી ભાટિયા આફ્રિકા વેપાર કરવા જતા. એમાંના કોઈએ વાસ્કોડી ગામાને રસ્તો ભારતનો બતાવેલો. યુરોપના કેટલા બધા નામચીન મહાન નાવિકો પાક્યા, આપણો કોઈ છે? બસ ગુરુજીએ કહી દીધું દરિયો ઓળંગાય નહિ. એક સંબંધીના છોકરાના  લગ્ન લેવાના  હતા. અમેરિકાથી ટૂંકી રજાઓ લઈને આવેલા. છોકરી શોધાય, સગાઈ વગેરે થાય ત્યાં સુધીમાં તો લગ્નોના મુરત જતા રહ્યા. દેવપોઢી ગયા. વરસાદ શરુ થઈ ગયેલો. હવે બધા પાછાં જાય અને દેવ ઊઠી  અગિયારસ પછી લગ્ન કરવા પાછાં આવે તો ખર્ચો અને સમયનો વ્યય થાય. દુવિધામાં પડી ગયા. ગુરુઓએ કહ્યું છે દેવ પોઢી જાય પછી લગ્નો થાય નહિ. શાસ્ત્રોમાં કહ્યું છે. હું ગુસ્સે થયો કે પહેલા રસ્તા સારા હતા નહિ. વાહન આજના જેવા હતા નહિ. બળદગાડા જોડી જાન જતી. ચોમાસામાં નદીનાળાં ઊભરાતાં હોય, ઘણી બધી તકલીફ પડે માટે આવું કહ્યું હશે. ખાસ તો દેવ કદી પોઢી જાય નહિ. દેવ સતત જાગૃત છે બાકી દુનિયા ચાલે જ નહિ. કમને લગ્ન પતાવી ને ગયા. અમેરિકા જવાનું હતું, રજાઓ ફરી મળે નહિ, સમય હતો નહિ બાકી ભારતમાં હોત તો લગ્ન પાછું ઠેલાત.

નવા વર્ષે પણ એક બહુ વગોવાયેલા બાપુના આશ્રમમાં પુષ્કળ ભીડ હતી. બાળકોના બલિદાન, તાંત્રિક વિદ્યા, ગેરકાયદે જમીન દબાવવી, ગ્રામ્ય લોકો પર દહેશત ફેલાવવી, ભક્ત સ્ત્રીઓ સાથે સેક્સ વગેરે વગેરેમાં બહુ ગવાયેલા આ બાપુના આશ્રમમાં ખૂબ ભીડ હતી. આ બાપુના ભક્તોએ  પોલીસ ઉપર પણ મારઝૂડ કરી અત્યાચાર કરેલો છે. પ્રજાના મનમાં આની કોઈ અસર નથી. પ્રજા હજુ પણ તેમને ભગવાન માને છે. માઈન્ડ કંડીશનિંગ. ગુરુ ગોવિંદ દોનો ખડે વાળું લખ્યું અને ગોવિંદ કરતા ગુરુનો મહિમા વધારી દીધો. સામાન્ય જન સીધા સપાટ અર્થ કરે છે તે ભૂલતા નહિ.

ગુરુ ભગવાન છે. કોણે કહ્યું? સ્વયમ ગુરુજીએ.

૩) જ્યાં ધર્મ અને સદાચાર ત્યાં વિજય!!

હિંદુ ધર્મમાં એક માન્યતા છે કે જ્યાં ધર્મ હોય ત્યાં વિજય હોય. હવે આ ધર્મના વિવિધ અર્થ તમે કરી શકો છો. ડ્યુટી અર્થ પણ કરી શકો,  આ માન્યતા નીતિમત્તા માટે ખૂબજ સારી છે. સદાચરણ શીખવવા માટે સારી. કે ભાઈ સદાચરણ જીવનમાં લાવશો તો તમારો વિજય થશે અને નવો જન્મ સારો હશે. નીતિમત્તા મૂલ્યો આધારિત હોય છે, પણ પ્રેક્ટીકલ લાઇફમાં જ્યાં હરીફાઈ અને સફળ થવાનું હોય ત્યાં નીતિમતા કામ લગતી નથી. રોજબરોજના જીવનમાં સદાચાર જરૂરી છે. નહિ તો પછી સમાજ વ્યવસ્થામાં બાધારૂપ બની જાય. જોકે સદાચારની વ્યાખ્યા જુદા જુદા સમાજો પ્રમાણે બદલાતી જતી હોય છે. વેસ્ટર્ન કન્ટ્રીસમાં જે વાણી વર્તન ચાલતું હોય તે અહીં ભારતમાં દુરાચાર બની જાય. કોઈ એકબીજા ને તકલીફ ના આપે એકબીજાના દુખ દર્દ નું કારણ ના બને તે સામાન્ય સદાચાર કહેવાય. સમાજે ઘડેલા કાયદા કાનૂન બધા પાળે તે તો જરૂરી જ છે. નહી તો આખી વ્યવસ્થાજ ખોરવાઈ જાય. બધા એકબીજાની કાપાકાપી કરે તો પછી સમાજ જેવું કશું રહે જ નહિ. કોઈ વાર એવું પણ બનતું જ હોય છે. ભારતના ભાગલા પડ્યા ત્યારે બધો સદાચાર અને સદભાવના હવાઈ ગયેલી. આશરે બંને કોમના થઈને ૧૦ લાખ માણસોની સામૂહિક હત્યા થઈ ગયેલી. આજે પણ કોમી તોફાનો થાય છે ત્યારે સદાચાર ચૂલામાં જતો રહે છે.

નીતિમત્તા સારી છે, પણ નીતિમત્તા  અને ઉચ્ચ આદર્શ જ બધું નથી. સફળતા પણ સર્વાઈવલનાં યુદ્ધમાં એટલી જ મહત્વની છે. તમે એક સારા સ્વચ્છ, નીતિવાન, સદાચારી માનવ છો એટલે જરૂરી નથી કે તમે મજબૂત અને સફળ છો. બસ અહીં જ ચૂક થઈ ગઈ. આપણે સતત મૂલ્યો અને સદાચારની ચિંતા કરે રાખી. બળ અને અસ્તિત્વની કદી ફિકર ના કરી. સર્વાઇવલનું યુદ્ધ હમેશા બળવાન જીતે છે, નહિ કે નીતિવાન અને સદાચારી. હા નીતિમાન અને સદાચારી જો બળવાન હોય તો અવશ્ય જીતી શકે. જ્યાં પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે સખત હરીફાઈ હોય અને જ્યાં બળવાન હોય તે જ જીતતો હોય ત્યાં કાયમ સારા સદાચારી માનવો જીતે કે ટકી જાય તે શક્ય નથી. આપણે માનીએ  છીએ કે સદાચારી અને ધાર્મિક સદા જીતવો જોઈએ આજે નહિ તો કાલે આ જન્મે નહિ તો બીજા જન્મે, પણ આજનું શું?

ઉત્ક્રાંતિ તમે આગળ છો તેની ચિંતા કરશે, તમે બળવાન છો તેની ચિંતા કરશે. તમે સદાચારી છો તેની ચિંતા નહિ કરે. આપણે ખૂબ ધાર્મિક હતા પણ હંમેશા વિજયી ના બની શક્યા. આપણે ખૂબ સદાચારના અને નીતિમાન હોવાના બણગાં ફૂંક્યા પણ હારતા રહ્યા, માર ખાતા જ રહ્યા. હમણાં બક્ષીબાબુને એક વિડીયો ક્લીપીંગ્સમાં સાંભળેલા કે અમુક હદ સુધી ક્રૂરતા જરૂરી છે. ક્રૂર શાસકોએ  જ રાજ્ય લાંબા સમય સુધી કર્યા છે. ચંગીઝખાન એક મોંગોલિયન ક્રૂર શાસક હતો. આપણી હિન્દુસ્તાની ભાષામાં કહીએ તો એક રાક્ષસ જ હતો. જેનેસીસ્ટ વૈજ્ઞાનિકો કહે છે કે ૧૬ મિલિયન પુરુષોમાં આ દૈત્યના જિન્સ હાલ છે. નેપોલિયનને હરાવનાર ડ્યુક ઑફ વેલિંગ્ટન બ્રિટીશ ઇતિહાસનો એક હીરો દારૂડીયો, જુગારીઓ અને સ્ત્રીઓ પાછળ પાગલ રહેતો. બીજો એવો એમનો હીરો ચર્ચિલ હેવી સ્મોકર અને દારૂડીયો જ હતો. નીતિવાન અને સદાચારી વેદોના અભ્યાસી એવા દારા શિકોહને એના ધર્મ ઝનૂની ભાઈ ઔરંગઝેબે મારી નાખેલો. બીફ ખાવાવાળા પશ્ચિમના લોકો દારૂડિયા, કોઈ પણ ફેમિલી વેલ્યૂ વગરના આજે લાગે છે પણ એ લોકો એમની રીતે  સુખી છે. આ લોકો નરકમાં જવાના એવું માનીએ છીએ, પણ કયું નરક ? કોઈએ જોયું છે? અને આપણે નરકથી ક્યાં દૂર છીએ? વસ્તીનો બેહદ વધારો, ભૂખ, ગરીબી, રોગ અને અસ્વચ્છતા આ બધું નરક નથી તો શું છે?  હું કોઈ વકીલાત નથી કરતો કે બધા દુરાચારી બની જાઓ. ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે ધર્મ, ધાર્મિક, સદાચારી, નીતિવાન જ જીતે તેવું હમેશા ના બને. નમ્રતા અને પવિત્રતા માટે મરવું જરૂરી નથી. શ્રી કૃષ્ણે અને રામે પણ ઘણીવાર કોમ્પ્રોમાઈઝ કરેલું જ છે. મહાભારતમાં કૃષ્ણ મોટાભાગે કપટ રમ્યા છે. રામે પણ વાલીનો વધ કપટથી જ કરેલો.

અસંસ્કૃત,બર્બર અને જંગલી સમાજો આગળ તમે અહિંસા નો ઝંડો લઈ આગળ વધો તો નક્કી હારવાના, મારી નાખશે આ લોકો તમને. આજે તાલીબાનો અને ત્રાસવાદીઓ આ કરી જ રહ્યા છે. સદાચરણ આવકાર્ય છે, પણ વાસ્તવિકતા કઇક  જુદી હોય છે. સર્વાઈવલના યુદ્ધમાં અહિંસા જરાય ના ચાલે નીતિમત્તા  માટે તમારે બલિદાન આપવું હોય તો આપી શકાય છે, પણ પછી એ તમારી જીવવાની પોતાની પસંદગી છે. એના પરિણામો ભોગવવા જોઈએ ફરિયાદ કરવાનું કોઈ કારણ નથી. આપણે ગુલામ રહ્યા આપણી ભૂલોને કારણે પણ આજે દોષ દઈએ છીએ મુસલમાનોને અને અંગ્રેજોને. આ લોકો ખરાબ હતા. જંગલી હતા. હતા !! શું કરશો? રાજ તો કરી ગયાને? એમને દુરાચારી, ખરાબ, રાક્ષસો, લૂંટારા એવા તમારા સર્ટીફિકેટોની  જરૂર છે ખરી? આવા સર્ટીફિકેટ એમણે માંગ્યા ખરા?  કે એમને કોઈ ફેર પડવાનો ખરો? બીજો દોષ દઈએ છીએ રાજાઓને. આ રાજાઓ કોણ હતા? બહારના કોઈ હતા? કે તમારામાંથી જ હતા? હિન્દુ જ હતા ને? તમારી સમાજ વ્યવસ્થાના એક ભાગ જ હતા ને? મૂલ્યો તો બધાના એકજ હતાને? ક્ષમા વીરસ્ય ભૂષણમ કહી આજે ફૂલાઈયે છીએ. કોઈ કહેશે ક્ષમા વીરોનું ભૂષણ છે કાયરોનું નહિ. ચાલો બરોબર છે. શું મળ્યું? પૃથ્વીરાજે ઘોરીને ક્ષમા આપી,પછી હાર્યો, એ મૂરખને આવા મૂલ્યો કોણે શીખવ્યા?

ચાલો જ્યાં કૃષ્ણ હોય અને સાથે અર્જુન હોય ત્યાં વિજય હોય. સાચી વાત છે. કૃષ્ણ એકલા પોતે સક્ષમ હતા. પણ બીજી રીતે જોઈએ. ધર્મરાજા યુધિષ્ઠિર અને અર્જુન બંને સાથે હોય ત્યાં વિજય હોય. પણ એકલા હોય તો? યુધિષ્ઠિર એકલાં અર્જુન વગર જીતી શકે? અર્જુનને તો ચાલી જશે યુધિષ્ઠિર નહિ હોય તો. એ તો જીતી જવાનો કારણ એ તો ખુદ બળવાન છે. અને ઘણી વાર યુધિષ્ઠિર વગર જીત્યો પણ છે.

મોહમદ ગઝની આવ્યો એનો મીલીટરી પાવર જીત્યો. અને મારો મહાદેવ, મારો ગ્રેટ ભગવાન એના મહેલના ત્રણ પગથીયે ચણાઈ ગયો. મારા નબળા અને કાયર સદાચારી, નીતિવાન, ધાર્મિક ભાઈઓ ગીઝનીના બઝારમાં ગુલામ તરીકે વેચાઈ ગયા. મારી માતાઓ, બહેનો ગુલામ અને રખાત બની. વિજયી લોકો ઇતિહાસ રચે છે. દાંત અને જડબા વચ્ચે કુદરતનો રંગ લાલ છે મારા ભાઈઓ. સમજો, વિચારો વાસ્તવિકતા સ્વીકારો….પાવર છે, શક્તિ છે તે વિજયી છે. ત્રાસવાદ ખરાબ છે પણ એને સજા કોણ કરી શકે? અમેરિકા જોડે શક્તિ છે તે સજા કરી રહ્યું છે, નબળું ભારત ટૅરર સામે જુકી જાય છે કે નહિ? પડોશીનો વિશ્વાસ જરૂર રાખો પણ મજબૂત તારની વાડ બનાવ્યા પછી રોનાલ્ડ રીગને આવું કહ્યું છે. નમ્રતાથી બોલો પણ હાથમાં દંડો મોટો રાખો આવું રુઝવેલ્ટ કહેતા. આદર્શવાદી નીતિમત્તા ક્યારે કામ લાગે જ્યારે શાંતિ અને કાયદા કાનૂન પૂરા સક્ષમ હોય ત્યારે.

સદાચારના અને નીતિમત્તાના  ધોરણો બધે જુદા જુદા હોય છે. આપણે ત્યાં ઓછું કામ કરવું કે લગભગ નહિ કરવું તે સદાચાર કહેવાય છે. એને કોઈ પાપ ગણાતું નથી ઊલટાનું હોશિયારી ગણાય છે. ૫૦ લાખ સાધુઓ જુઓ કેવું સદાચારી જીવન વિતાવી રહ્યા છે??? “અકર્મણ્યે વાધીકા રસ્તે, અને ફળની ચિંતા હંમેશા પહેલી!!!!” જરા પશ્ચિમના જગતના કોઈ મિત્રને કહી જુઓતો આ વાત કે ભારતમાં ૫૦ લાખ સાધુઓ કશું કર્યા વગર બેસી રહ્યા છે તો કહેશે ડેમ્મ !! નો વર્ક?? સીક પીપલ!!! પણ અહી સદાચારી જીવન,પવિત્ર જીવન કહેવાય.

જાપાની પ્રજાને માંસ કે કોઈ પણ જીવજંતુ ખાવામાં દુરાચાર દેખાતો નથી, પણ અપ્રમાણિકતામાં દુરાચાર દેખાય છે. જ્યારે આપણે છેતરીને પૈસા કમાઈ લઈએ તો એમાં દુરાચાર દેખાતો નથી, કે પાપ લાગતું નથી. મારો જોયેલો દાખલો એક ભારતીય ભાઈ અહીં એમના સ્ટોરમાં ચેક કેશીંગનો બિઝનેસ પણ કરતા હતા. ભોળી સ્પેનીશ પ્રજા આવે પગારનાં ચેક લઈને તરત કેશ જોઈતી હોય. તો આ ભાઈ એને દોઢ ટકો વટાવ કાપીશ એવું કહે, ગણતરી યંત્રમાં બે ટકા કાપીને બતાવે, અને પૈસા હાથમાં આપે ત્યારે ત્રણ ટકા કાપીને આપે. પેલો તો વિશ્વાસ રાખી ગણ્યા વગર જતો રહે. કોઈ વાર પાંચ કે દસ ડોલરની નોટ  જ ઓછી આપી દે. જો પેલો ગણે અને કહે કે ઓછા છે તો સોરી કહીને પાછાં આપી દે, અને ગણ્યા વગર જતો રહે તો વાર્તા પૂરી. પછી મને કહે કે જોયું આમ ધંધો થાય. મને થાય કે આ તો ચોરી કહેવાય. વર્ષમાં બે હજાર ડોલર કોઈ બ્રાહ્મણને આપી દેવાના પુણ્ય થાય, પાપ બધા ધોવાઈ જાય એવું મને કહેતા. બોલો સદાચારનું જીવંત ઉદાહરણ મેં જાતે બે વર્ષ માણ્યું છે.

બે જુગારિયા રમતા હતા. એક કહે હવે હું જીતી ગયો મારી પાસે ત્રણ એક્કા છે. બીજો કહે ના તું જીત્યો નથી મારી પાસે બે ગુલામ અને એક ગન(પિસ્તોલ)છે. હા ! હા ! હા !!

૪) પરલોક અને પુનર્જન્મ

આત્મા, પરમાત્મા, પરલોક અને પુનર્જન્મ આ બધી માન્યતાઓ ખૂબ ચર્ચાસ્પદ છે. આજે વિજ્ઞાન આ બધી બાબતો માનતું નથી. કોઈને ખબર નથી કે આ બધી માન્યતાઓ સાચી છે કે ખોટી. વિજ્ઞાનને પણ ખાસ ખબર નથી. પુનર્જન્મની માન્યતા ખાલી એક હિંદુ ધર્મમાં જ છે. તે બાબતે આપણે બીજા ધર્મો થી જુદા પડીએ છીએ. જૈન અને બૌદ્ધ ધર્મ પણ હિંદુ ધર્મની માન્યતાઓ સાથે જીવતા હોય છે. એટલે મૂળ ભારતીય ઉપ મહાખંડના ધર્મ પુનર્જન્મમાં માનતા હોય છે. સેંકડો વર્ષ પૂર્વે ઋષિ ચાર્વાકે આ બધી માન્યતાઓ ખોટી છે તેવું કહેલું. એમની સ્કૂલ પણ હતી, આઈ મીન એમનો પંથ પણ હતો. આપણે એક મહાન ઋષિ વૈજ્ઞાનિકને અવગણ્યો. ભારતની ધાર્મિક પરમ્પરાએ એને ભુલાવી દીધો. આજે વિજ્ઞાન કહે છે આત્મા જેવું કશું હોતું નથી, બ્રેન જ આત્મા છે. ખેર એ બધી વાતો પછી કરીશું. મૂળ વાત એ કરવાની છે કે આપણી આ માન્યતાઓએ આપણને કેવી પછાડ આપી, સાચી હોય તો પણ અને ખોટી હોય તો પણ.

નવો જન્મ સારો મળે માટે ધર્મ આચરો, સદાચારી બનો. પણ આ પરલોક અને પુનર્જન્મની વાતો એ આપણને સદાય આધ્યાત્મિકતામાં રમમાણ કરી દીધા. આખો દિવસ કથા વાર્તા, સેવા, પૂજા, મંદિર અને પ્રાર્થનામય બનાવી દીધા. કે ભાઈ ભવિષ્યમાં સારો જન્મ મળશે અને પરલોકમાં સારી જગ્યા મળશે. કોઈને ગોલોકમાં જવું છે, કોઈને વૈકુંઠમાં, કોઈને અક્ષરધામમાં જવું છે. સતત આધ્યાત્મિકતાના ઓબ્સેસનથી આપણે તત્વજ્ઞાની બની ગયા. તત્વજ્ઞાનમાં માહેર થઈ ગયા. પણ ભૌતિક અને સૈનિક શક્તિમાં નપુંસક બની ગયા. આપણે મંદિરો અને પથ્થરોમાં આજ સુધી આપણા વિપુલ  ભંડાર  વાપર્યા. આજે પણ સ્કૂલ, હોસ્પિટલ, રોડ રસ્તા બિચારાં ભૂખ્યાં છે અને મંદિરો?? મંદિરોની સમૃદ્ધિ વિષે મારા કરતા શ્રી અરવિંદભાઈ અડાલજા વધારે જાણે છે. કોઈ આફ્રિકાનો નાનો દેશ પોષી શકાય તેટલો પૈસો મંદિરો પાસે છે. આ સમૃદ્ધિ બચાવવા ખૂની ખેલ ખેલતા આપણે જોયા છે. પંકજ ત્રિવેદી આવા એક શિકાર બનેલા. પહેલા પણ આપણાં મંદિરો ખૂબ સમૃદ્ધ હતા. એનાથી આકર્ષાઈને ગઝની આવેલો. સૈનિક શક્તિએ નપુંસક લોકો હારી ગયા. એમના ભગવાને ના બચાવ્યા. કારણ ભગવાન બળવાનનો  છે, નબળાનો નહિં તેવો ઈવોલ્યુશનનો સાદો નિયમ આપણી સમજ બહાર હતો. કુદરત આગળ બધા સરખા જ હોય. કોઈ ભેદભાવ ના હોય.

બસ આ પરલોકની અને પુનર્જન્મની  માન્યતાઓએ ભારતને જાણે કે આધ્યાત્મિકતાનો આફરો ચડાવી દીધો. આફરો ચડે ત્યારે ગાય મરી જતી હોય છે. જો સમયસર ડૉક્ટર આવીને એના પેટમાં કાણું પાડીને આફરો એટલે ગેસ કાઢી નાખે તો બચી જાય. જ્યારે અમેરિકા સ્પેસ વિષે પુષ્કળ પૈસા વાપરે છે તો ચંદ્ર પર પહોચી જાય છે. સોની કંપની રિસર્ચમાં ખૂબ પૈસા વાપરે તો આપણ ને સારા કૅમેરા, મ્યુઝિક સીસ્ટમ, કોમ્પ્યુટર અને બીજી ઘણી બધી સારી વસ્તુઓ મળે છે. પણ જે પરલોક કદી કોઈએ જોયો નથી. એનો દાવો કરવાવાળા પોતે જ અજ્ઞાની અને મૂરખ છે. અને આપણે એમાં જ પૈસા નાખીએ છીએ, તો કશું ઉપલબ્ધ થતું નથી, ઉલટાના ભિખારી થઈએ છીએ. હાલની દુનિયામાં ઍડવાન્સ થવું હોય તો હાલની દુનિયા પર ફોકસ કરો ભાઈ. મરણ પછીની દુનિયા કોઈએ જોઈ નથી. આ ધર્મ અને રહસ્યવાદના રવાડે આપણે જીનીયસ વ્યક્તિઓના શંકારહિત જ્ઞાન અને પ્રતિભાનો લાભ ખોયો છે. અરવિંદ અને વિવેકાનંદ એનું ઉદાહરણ છે. વિવેકાનંદનો મૅમરી પાવર અસીમ હતો. તમારી સાથે વાતો કરતા કરતા કોઈ પણ પુસ્તકના પાના પર નજર ફેરવીને મૂકી દીધું હોય તેમ લાગે. પણ આખું પુસ્તક એમના  મોઢે હોય. કયા પાનાં પર કયો શબ્દ છે તે પણ કહી દેતા. મને નામ યાદ નથી રહ્યું પણ જર્મન કવિ ગેટે જ હશે એને વિવેકાનંદનો આવો અનુભવ થયેલો. એમની મુલાકાત દરમ્યાન આવું બનેલું. પેલાં કવિને એમ કે આતો પાનાં ફેરવીને મૂકી દીધા. પણ વાતચીતમાં એમના પુસ્તકના સંદર્ભ આવવા લાગ્યા. એમને  શંકા પડી અને ચકાસણી કરી જોઈ. એનું કહેવું હતું કે  મેં ખ્યાતનામ યુનીવર્સીટીના મેથ્સના ખૂબ મૅમરી પાવરવાળા વિદ્યાર્થીઓ જોયા છે, પણ વિવેકાનંદની તુલનામાં કોઈ ના આવે. આપણે આધ્યાત્મિકતાના રવાડે એક આઈનસ્ટાઇન જેવો વૈજ્ઞાનિક ખોયો. વિવેકાનંદ ભારત નહિં ને યુરોપ કે અમેરિકામાં જન્મ્યા હોત તો અવશ્ય મહાન વૈજ્ઞાનિક બન્યા હોત. ખબર નહિ સુભાષ બોઝ કઈ રીતે બચી ગયા? આપણને વર્લ્ડ વોર વખતે એક સારો નેતા મળ્યો હતો, પણ એની કદર થાય?? ના થાય!!! અરવિંદ પણ વડોદરામાં ફ્રેંચ ભાષાના પ્રોફેસર હતા, સ્વતંત્રતાના લડવૈયા હતા. એમની સાવિત્રી કવિતા નોબલ જીતી લાવે તેવી હતી. આશ્રમમાં બેસી ગયા.

આપણાં વિપુલ ભંડારો કોઈ છીનવી લે તે માટે આપણે બીજા કોઈની રાહ જોવાની જરૂર નથી, ગુરુઓ તે કામ કરી જ રહ્યા છે. આપણું બુદ્ધિધન કેમ બિનઉત્પાદક  છે? એક તો ગરીબી અને આધ્યાત્મિકતા અકારણ માનસિક વૃદ્ધ બનાવી દે છે. આજે જ વાંચતો હતો કે ગરીબ બાળકોમાં શૉર્ટ ટર્મ મૅમરી ખૂબ ઓછી હોય છે. જે રોજબરોજના અભ્યાસમાં જરૂરી છે. આપણાં વડીલો જાત્રા, કથાઓ,આધ્યાત્મિક ભાષણોમાંથી ઊંચા જ આવતા નથી. બધા નવા જન્મની તૈયારીઓમાં લાગી ગયા છે, અને આ જન્મ ગુમાવી રહ્યા છે. મોજશોખ આનંદ!! ના કરાય. ભૌતિકવાદી કહેવાય. સાવ નવરા ધૂપ, ઓટલા તોડવાના. કોઈ પણ ઉંમર હોય એમની પાસે સમાજ  માટે કોઈ મોટીવેશન કે બુદ્ધિશાળી યોગદાન માટે સમય ખાસ હોતો જ નથી. પ્રવૃત્તિની સાથે આનંદમય રહેવું પણ જરૂરી છે. પણ નિવૃત્તિની કોઈ પ્રવૃત્તિ હોય??

સ્વર્ગ કાલ્પનિક છે, વૈકુંઠ, ગોલોક, બધું કાલ્પનિક છે. સત્ય તો આ પૃથ્વી છે જ્યાં તમે હાલ છો. આત્મસંમોહન છે આ બધું. જેના માટે આપણે હાલની જિંદગીનું બલિદાન આપી દઈએ  છીએ. ભવિષ્યમાં સુખ મળશે એના માટે હાલ જીવનમાં દુઃખ વેઠી રહ્યા છીએ. મૃત્યુ પછીના જીવનની શોધ કદી પૂરી થતી નથી, અને હાલના જીવનના પ્રશ્નોના ઉપાયની શોધ કદી શરૂ થતી નથી.

ભણેલા સ્કોલર સંતો સતત અવિરત ઉપદેશો આપ્યા જ કરે છે. મંદિરો, ટાઉન હોલ, ઓપન ગ્રાઉન્ડ કોઈ જગ્યા બાકી નથી. હવામાં એરોપ્લેનમાં આયોજન થાય છે, પાણીમાં લકઝરીયસ ક્રુઝમાં આયોજન થાય છે. માનસરોવર, કૈલાસ કશું બાકી નહિં રાખવાનું. આધ્યાત્મિકતા એક  બહુ મોટી ઇન્ડસ્ટ્રી  બની ચૂકી છે. બસ એમાં કશું ઉત્પાદન તો કરવાનું નથી. આત્મસંમોહનના પાઠ જ ભણાવવાના છે ને? હવે તો ગણવાનું પણ અઘરું છે કે કેટલા મહાત્મા, મહારાજ, મહંત, બાપુ, દાદા, ભાઈ, દીદી, માઈ, સ્વામી, સ્વામીની ભારતમાં અને અમેરિકામાં પણ એમના ઉપદેશો આપી રહ્યા છે. સંતો અને બાપુઓની એક મોટી સેના દર ઉનાળે અમેરિકા પર ચડાઈ કરે છે. જે વહેલો તે પહેલોના ધોરણે રૂપિયા કમાઈ પાછાં ફરે છે. લોકો પણ થાકી ગયા હોય મોડો પડે તેના ભાગમાં ખાસ કશું ના આવે તેનું દુઃખ પત્ર દ્વારા વ્યક્ત કરાય છે. આ બધા શાંતિ છે તેવા અમેરિકામાં કેમ આવતા હશે? શાંતિના સંદેશની વધારે જરૂર તો કાશ્મીર અને પેલેસ્ટાઇનમાં છે. સૌથી મોટું ગણેશનું મંદિર કેલીફોર્નીયામાં બની રહ્યું છે, ભારતમાં નહિં. હવે ભગવાન પણ ગરીબ ભારત છોડવા માંડ્યા.

આપણો આધ્યાત્મિકતાનો આફરો બધે જ પહોચી ગયો છે. કવિતા, નૃત્ય, નાટક, કળા, સ્થાપત્ય લગભગ બધે જ. અગણિત કથાકારો અને સંતો રોજ પરલોક અને નવા જન્મ વિષે કથાઓ કરે જ રાખે છે. પરલોક જ સર્વસ્વ બની ગયો છે, આ જગતનું કોઈ મહત્વ જ રહ્યું નહિં. માટે આ જગત ગુમાવ્યું. માટે જ કાર્લ માર્ક્સ કહેતો કે ધર્મ એક અફીણ  છે. અફીણનાં નશામાં પડી રહો તેમ ધર્મના નશામાં પડી રહો. અફીણીયાને કોઈ કામ સૂઝે નહિં. એટલે અકર્મણ્યતા એક રોગ બની ગઈ. ટોમ ફ્રીડમેન કહેતો કે ધર્મ સાથે બે પ્રોબ્લેમ છે, એક તો હાર્ટ અને માઈન્ડ. આપણે હૃદય આપી દીધું અને વિચારશીલ મન ગુમાવ્યું, વિચારશીલ બુદ્ધિ ગુમાવી. આપણને  હૃદયની વાતો હજુ પણ આજે પણ ગમતી હોય છે, મન એટલે બુદ્ધિની વાતો હજુ પણ ગમતી નથી. કોઈ બુદ્ધિની વાત કરશે તો આપણે એને વખોડી નાખીશું કે આ તો તર્ક કરે છે, નાસ્તિક છે, પ્રેમભાવ નથી, હૃદય જ નથી. પરલોક પર એક્સક્લુસિવ ફોકસ થવાથી આ લોકનું કોઈ મહત્વ રહ્યું નહિ. આ લોકને ધિક્કારવા લાગ્યા કે આ જગત નાશવંત છે. આત્મા અમર છે, શરીર નાશવંત છે. આત્મા સર્વોપરી બન્યો તો દેહની મહત્તા ભૂલ્યા. દેહની મહત્તા ના રહી તો શરીરની સ્વચ્છતાનું ભાન ખાસ  ના રહ્યું. હાઈજીન, સૅનિટેશન એ શું બલા છે વળી?? બિનજરૂરી ઉપવાસ વધ્યા, અવપોષણથી નિસ્તેજ બનેલા કમજોર બન્યા. કમજોરમાં કોઈ હિંમત હોય ખરી?? મધર ટેરેશા અને બાબા આમ્ટે રક્તપીતિયા લોકોના ગતભવનાં પાપ ધોવા લાગી ગયા. અલ્યા ભાઈ આ પાપ ધોવા એના કરતા સાબુ વડે બે હાથ બરોબર ધોવાનું શીખવો.

આધ્યાત્મિકતા સંતો અને કથાકારો દ્વારા ફેલાતો એક ચેપી રોગ બની ગયો. ઇચ્છાઓ ખરાબ છે. ઇચ્છાઓ કદી તૃપ્ત થતી નથી. કોઈ ઇચ્છા જ ના રહી. વિલ Will પાવર જ રહ્યો નહિ. વિલ પાવર વગરની પ્રજા શું કરવાની?? આધ્યાત્મિકતા મોક્ષની, બીજા જન્મમાંથી મુક્તિની દવા  બની ગઈ. આત્માના પ્રકાશમાં દ્રશ્યમાન જગતમાં રહેલા વાસ્તવિકતાના અટલ અસીમ અંધકાર ને પારખવામાં નિષ્ફળ બન્યા. આત્માની અમરતાની વાતોમાં ભૂખ્યા બાળકોના મોત દેખાતા નથી. આત્મકલ્યાણ, આત્મસાક્ષાત્કાર, મુક્તિ, મોક્ષ અને નિર્વાણની વાતોએ  સ્વકેન્દ્રી બન્યા. એક આધ્યાત્મિક સ્વાર્થ પરાયણ સમાજની રચના થઈ ગઈ. એ આપણે રાજકારણ, સત્તા, સમાજમાં હાલ જોઈ શકીએ છીએ. દેશની કોઈને પડી છે? પ્રજાની કોઈને પડી છે? પોતાનું કલ્યાણ બીજાની કોઈ ફિકર નહિં. દરેક નેતા, વડાપ્રધાન કે ધર્મગુરુ આ જ કરી રહ્યો છે. ધર્મ એક ધંધો બની ગયો.

હવે જો તમે વિચારો તો આ ધંધો ચાલે નહિં .માટે સતત શંકા કરવી નહિં તેવા ઉપદેશો આપી શંકા કરવા પર પ્રતિબંધ મુકાઈ ગયો. જમાનો બદલાયો તો ધંધાનું આધુનીકરણ કરવામાં આવ્યું. હવે વિડીયો, સીડી કેસેટસ એજ જુના વિચારો નવા પરિવેશમાં. વૃદ્ધાવસ્થામાં કઈ કથા જીવવા માટે પૂરતા રૂપિયા આપશે?? મરતાં બાળકોને કયા મંદિરનો ઘંટ જગાડશે??

આપણે ૧૯૭૧નું યુદ્ધ જીત્યા, ૯૩૦૦૦ પાકિસ્તાની સૈનિકો પાછાં સોંપી દીધા, પણ આપણાં ૫૫ આર્મી અફસરોને પાછાં લાવી ના શક્યા. એમના કુટુંબોએ ૪૦ વર્ષ લાંબી લડાઈ લડી પણ નિર્માલ્ય ભારત સરકાર કશું કરી ના શકી. અરે નિર્માલ્ય પ્રજાએ પણ કોઈ ટેકો આપ્યો નહિં. ના કોઈ સરઘસ કે ના કોઈ વિરોધ. સ્વ કલ્યાણમાં મસ્ત પ્રજા!! એમના કરમ આપણે શું?? અરે આજ પ્રજા રસ્તા પરથી કોઈ દેરી હટાવી જુઓ, મરવા મારવા પર ઊતરી જશે. સીમલા કરાર, તાશ્કંદ કરાર ટેબલ જીતેલા યુદ્ધો હારવાની નિર્માલ્ય નેતાઓને ટેવ પડી ગઈ છે. એક કસાબ હજારો હિંદુઓને ઊભી પુછ્ડીયે  ભગાવે છે. આત્મા તો અમર છે ને ભાઈ??? સામાજિક અર્થવ્યવસ્થા અને રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય બાબતોમાં ભયજનક અસફળતા એ  આધ્યાત્મિકતાના આફરાનું પરિણામ છે.

 

૫) નસીબમાં હશે તે થશે?

પ્રારબ્ધવાદ અને પુનર્જન્મ બંને સાથે સાથે ચાલે છે. નસીબમાં હશે તે થશે, ગયા ભવમાં જેવા કર્મો કર્યા હશે તે રીતે આ જન્મમાં સુખ, વૈભવ, દુખ, ધન બધું મળશે. ઈશ્વરની મરજી વગર પાંદડું પણ હલતું નથી. બસ આ નસીબમાં હશે તે થશે વાક્ય તો ભારતની રગરગમાં સમાઈ ગયું છે. જેવું નસીબ આપણે શું કરી શકીએ?? જુઓ આ બધા વાક્યો કેવાં નિરાશા જનક છે. બસ રહ્યું સહ્યું આ પ્રારબ્ધવાદે પૂરું કરી નાખ્યું. આમેય ધોબી પછાડ વારંવાર મળે તેવી માનસિકતા ઘડાયા જતી હતી, એમાં આ પ્રારબ્ધવાદની ધોબી પછાડે તો ભારતની કમરનાં મણકા સાવ છુટા પાડી દીધા. બહુ મોટો ફટકો માર્યો, ભારત કદી બેઠું જ ના થાય. કમર જ ભાગી નાખી. આજે પણ ભારત બેઠું થાય તેવું શક્યતા લાગતી નથી. જ્યાં જુઓ ત્યાં નસીબ નસીબ અને નસીબ. આનો મોટો ગેરફાયદો એ થયો કે લોકોમાં કામ કરવાનો ઉત્સાહ જેવો જોઈએ તે પેદા થતો જ નથી. નસીબમાં હશે તેજ થવાનું છે તો મહેનત કરીને શું ફાયદો? આનાથી જે આક્રમકતા કામ કરવામાં આવવી જોઈએ તે આવતી નથી. લોકો મરે મરે ના છુટકે કામ કરતા હોય તેમ લાગે. કોઈ ઉત્સાહ જોવા ના મળે. એટલે કામ પણ સારું થાય નહિ. એમાંથી કામચોરી પણ આવી ગઈ. ગમે તેટલું કરીશું નસીબમાં નહિ હોય તો નહિ મળે એવી માન્યતાએ કામ ચોરી વધી અને સાથે પછી એનું પરિણામ આવ્યું અકર્મણ્યતા, જે ભારતનું મોટામાં મોટું દૂષણ, એક મહારોગ..

લાખો લોકો ફક્ત પરભવને સુધારવામાં પડી ગયા. કે ભાઈ ભજન કરો ભક્તિ કરો પરભવને સુધારો જેથી નવા જન્મે સારો અવતાર માળે, સારા ઘેર જન્મ થાય નસીબ સારું મળે, ભાગ્ય ખૂલે. ભાગ્યના ગ્રહો કુંડળીમાં બળવાન જોઈએ નહિ તો ગમે તેટલું કામ કરશો, મહેનત કરીને મરી જશો પણ કશું હાથ નહિ લાગે. નવા જન્મે ભાગ્યનું નવમું સ્થાન કુંડળીમાં બળવાન બનાવવા માટે આ જન્મે બેઠાં બેઠાં ભજન કર્યા કરો. જ્યોતિષનું મહત્વ વધ્યું. લોકો જ્યોતિષ પર વિશ્વાસ રાખતા થઈ ગયા. બસ નવરાં લોકોને કામ મળી ગયું. લાવો તમારી કુંડળી જોઈએ અંદર શું છે? ભાગ્યનો કારક ગ્રહ ગુરુ નબળો છે ગુરુની વીંટી પહેરવી પડશે. પીળા કલરનો કાચ સોનામાં મઢીને લોકો પહેરતા થઈ ગયા. એક કાચની નાનકડી લખોટી પહેરીને લોકોને રૂપિયા રળી લેવા છે, કામ કરવું નથી. શનિ મહારાજની સાડા સાતી ચાલી રહી છે ગમે તેટલી મહેનત કરો કોઈ ફળ મળવાનું નથી. તો પછી શું કરવાનું?? બેસી રહો પલાંઠી વાળીને ખાલી ઉદ્યમ કરવો?? સાડાસાતી ઊતરવા દો ઓટોમેટીક બધું સારું થઈ જશે. કોઈ પણ સ્ત્રીની કુંડળી જોઇને કે હાથ જોઇને કહો કે બેન તારા નસીબમાં જશ નથી, તું તારા કુટુંબ માટે ઘણું બધું કરીશ પણ તને કોઈ જશ નહિ આપે. ખલાસ સાચી વાત છે બહેન પ્રભાવમાં આવી જવાના. થોડી સાયકોલોજી વાપરો, થોડું અનુમાન શાસ્ત્ર અપનાવો સારા જ્યોતિષ બની શકાય છે. આઠમે મંગળ બેઠો છે, અકસ્માત થવાનો છે, કદાચ મોત પણ થઈ જાય. હવે શું કરીશું?? મંગળની વીંટી અને દાન પુણ્ય કરો. એક ભાઈએ એક જાણીતા જ્યોતિષીને એક કુંડલી  બતાવી, અને કશું કહેવા કહ્યું. પેલાં જ્યોતિષી કહે આ કોઈ દરિદ્ર, ભાગ્યવિહીન ભિખારી જેવા માણસની કુંડળી લાગે છે, જેનું કોઈ ભવિષ્ય જ નથી. એ કુંડળી હતી સ્વામી વિવેકાનંદની. આ પ્રારબ્ધવાદને લઈને ભારતમાં એક ખૂબ મોટો લોકોને છેતરવાનો ધંધો ચાલી ગયો અને ચાલી રહ્યો છે તે જ્યોતિષ શાસ્ત્ર છે.

સાચી વાત છે કે કુદરતના બધા નિયમો આપણને સમજાતા નથી. કુદરતની ઘણી બધી યોજનાઓ ઉપર આપણો કાબુ નથી. વાવાઝોડા, પુર, વરસાદ, નેચરલ ડીઝાસ્ટર પર આપણો કાબુ ના હોય તે સ્વાભાવિક છે. એના લીધે આપણે કુદરત પર આધારિત હોઈએ છીએ. બધું આપણું ધાર્યું થતું પણ નથી. મોટા ભાગે કુદરતનું ધાર્યું થતું હોય છે. એમાંથી કલ્પના આવી કે આપણું ધાર્યું તો થતું નથી. તો પછી નસીબ જેવું કંઈક હશે. એમાંથી નબળા મનના લોકોને થયું કે હવે ધાર્યું તો ધણીનું થાય છે તો આપણે શું કામ મહેનત કરવી?? કુદરતની જટિલ વિશ્વ વ્યવસ્થા સમજી શકવા માટે આપણે પૂરતા સક્ષમ નથી. એટલાં માટે ઘણી વાર ખૂબ મહેનત કર્યા પછી પણ ધાર્યું ફળ મળતું નથી. એનો મતલબ એ નથી કે મહેનત જ ના કરવી. માટે શ્રીકૃષ્ણ જેવા મહાપુરુષે કહ્યું કે  कर्मण्ये वाधिकारस्ते माफ़लेशु कदाचन: કે ભાઈ કુદરતના નિયમો તમને નહિ સમજાય, જેથી ફળની ચિંતા ના કરો પણ કર્મ કરવાનું ચાલુ રાખો બેસી ના રહેશો.

એમણે આખી જીંદગી દોડધામ કરી છે. ગોકુલ, મથુરા, દ્વારિકા બધે દોડતા જ રહ્યા છે. ઘણીવાર સતવાદી પુરુષો જિંદગીમાં દુખ વેઠતાં નજરે ચડે છે અને કહેવાતા પાપીઓ જલસા કરતા નજરે ચડે છે. કુદરતના નિયમો જટિલ છે. આજે ન્યુટન કહે છે તે આઈનસ્ટૈન ખોટું પાડે છે. જગત જે દેખાય છે તેવું નથી. આપણાં કરતા પક્ષીઓને જગત વધારે કલરફૂલ દેખાય છે. જ્યારે સાપ માટે જગત ખાલી બ્લેક એન્ડ વ્હાઈટ જ છે. આપણી પણ કલર જોવાની ક્ષમતા ઉંમર થતી જાય તેમ ઓછી થતી જાય છે. એક ફ્રેંચ ચિત્રકાર દર વર્ષે એકના એક લેન્ડ સ્કેપના ચિત્રો બનાવતો હતો. છેક વૃદ્ધ થયો ત્યાં સુધી એણે એક જ જગ્યાના ચિત્રો બનાવેલા અને સંગ્રહ કરી રાખેલા. જેમ એની ઉંમર થતી જતી હતી તેમ ચિત્રના કલર ડલ થતા જતા હતા. એના પરથી વૈજ્ઞાનિકો ને ખયાલ આવ્યો કે ઉંમર થતા કલર જોવાની ક્ષમતા ઓછી થતી જાય છે. કુદરત ઉપર આપણો કાબુ સાવ સામાન્ય નજીવો હોય. અહીં તક અને અકસ્માત મોટાભાગે  કામ લાગી જતા હોય છે. ઉદ્યમ અને હકારાત્મકતા વડે એનો ઉપાય કરી શકીએ. નસીબ ઉપર આધાર રાખવાની જરૂર જ ક્યાં છે? સમગ્ર ઉપર કાબુ ના હોય માટે એવું થોડું છે કે કશા ઉપર કાબુ જ નથી?? આપણે ઇચ્છા શક્તિ થી ઘણું બધું કરી શકીએ છીએ.

બસ આપણે તો કામ કરવાનું છોડી દીધું કે આપણાં હાથમાં છે જ નહિ તો શું કરવાનું?? છતા થોડું કામ તો કરવું જ પડે છે. ભિક્ષા માંગવા તો જવું જ પડે છે. અને મળેલી ભિક્ષા મુખમાં પધરાવવા હાથનો ઉદ્યમ તો જોઈએ જ છે. એટલે આવ્યું કે પ્રારબ્ધ અને પુરુષાર્થ જોડે ચાલે છે. પણ મૂળ પ્રારબ્ધનું મહત્વ કાયમ ઉપર જ રહ્યું. પુરુષાર્થ તો નામનો જ રહ્યો. ખાલી મફતમાં મહેનત કર્યા વગરની ભિક્ષા મુખમાં ઓરવા પૂરતો. ગમે તેટલી પુરુષાર્થની બુમો પાડો ભારતમાં તેનો હાથ નીચે છે, ફક્ત મફતમાં મળેલું ઉપયોગ કરવા પૂરતો. મુસલમાનોની આક્રમકતા અને ખ્રિસ્તીઓની મહેચ્છાઓ અને મહત્વાકાન્ક્ષાથી આપણે ચૂકી ગયા આ પ્રારબ્ધવાદને લીધે. આ બે વસ્તુઓથી આપણે દૂર રહ્યા. જે વિકાસના ક્રમમાં જરૂરી હતું, એનાથી જ દૂર રહી ગયા. પ્રારબ્ધવાદ તો આળસ કરતા પણ વધારે ખતરનાક છે. એટલે પ્રારબ્ધમાં માનવાવાળા આપણે આલસ્ય શિરોમણિ બની બેઠાં. એક મહાન કહેવાતી સંસ્કૃતિની ગતિ, પ્રગતિ અને વિજય પ્રયાસ વગર અટકી ગયું.

પ્રારબ્ધવાદને લીધે ઊંડું વિચારો તો નીતિમત્તા અને મહત્વાકાન્ક્ષાનું કોઈ મહત્વ રહ્યું નહિ, ખાલી ઈશ્વરેચ્છા બલીયસી થઈ ગયું. માટે આપણે હંમેશા નીતિ અને સદાચારની વાતો કરીએ છીએ, પ્રમાણિકતાની બડાશો મારીએ છીએ, પણ હોતા નથી. આપણી માનસિકતામાં કોઈ મોરાલીટી જેવું છે નહિ. ફક્ત વાતો કરીએ છીએ પણ સૌથી અપ્રમાણિક આપણે ભારતીયો છીએ. માટે જુઓ રોજ કેટલા બધા કૌભાંડો પ્રકાશમાં આવે છે? જાતજાતના સ્કેન્ડલ રોજ બહાર આવે છે. જેટલા આર્થિક તેનાથી બમણા સેક્સ સ્કેન્ડલ બહાર આવે. આપણ ને કોઈ ગિલ્ટી ફીલ થતું જ નથી. આપણે હાર્ડ વર્કિંગ થી દૂર અને સહેલાઈથી પૈસા રળી લેવાની વૃત્તિ ધરાવતા સ્કેન્ડલ પ્રધાન દેશમાં રહીએ છીએ. શું કહીશું?? મહાન સંસ્કૃતિ કે કૌભાંડ પ્રિય ??? સાધુ સંતો, દાદા, બાપુઓ, દીદી અને માઈ પણ કૌભાંડ કરતા ખચકાતા નથી. કોઈ શરમ નહિ. એક પક્ષની સરકાર હશે તો બીજો પક્ષ બુમો પાડશે જુઓ આ પક્ષ ભ્રષ્ટાચારી છે કેટલા બધા કૌભાંડ બહાર આવ્યા!! હવે અમને જિતાડો. અંદર થી જીવ બળતો હશે કે અમે સત્તા પર નથી અને આ મહા કૌભાંડો કરવાનો ચાન્સ ગુમાવી બેઠાં. હવે જલ્દી અમારી સરકાર લાવો જેથી આવો મહામુલો ચાન્સ ગુમાવીએ નહિ, કૌભાંડો કરવાનો યાર!!!

દેશનું ભવિષ્ય?? જેવી પ્રભુની મરજી !! હા ! હા ! હા !. ઈશ્વર ઇચ્છા બળવાન ! ! હા ! હા ! હા ! હા ! હા ! હાઆઆઅ !

 

૬) સંસાર દુઃખ છે.

દુઃખ મુક્તિનો ઉપાય છે. શું? નિર્વાણ.. રાજ કુંવર હતા. જન્મ પછી કોઈ જ્યોતિષ આવ્યા. કહે આ બાળક ચક્રવર્તી રાજા બનશે અથવા ચક્રવર્તી સન્યાસી. બે શક્યતાઓ કહી દીધી એટલે ખોટા પડાય નહિં તેવી ચાલાકી કરી નાખી. ખેર રાજા ગભરાઈ ગયા. નાના સિદ્ધાર્થને જગતની તમામ વાસ્તવિકતાથી દૂર કરી દીધો. કોઈ દુઃખ, બીમારી કે એવા માણસો નજરે ચડવા ના જોઈએ. તમામ સુખ મળે તેવી વ્યવસ્થા કરી દીધી અને અહીં જ ચૂક થઈ ગઈ. યુવાન થાય તે પહેલા સુંદર નારી જોડે વિવાહ પણ થઈ ગયો. કદી દુઃખ જોયું જ નહિં. મનોવૈજ્ઞાનિક ભૂલ પિતા કરી બેઠાં. જો પહેલાથી જગતની વાસ્તવિકતાઓથી દૂર રાખ્યા ના હોત તો ટેવાઈ જાત. દુઃખી, બીમાર, ગરીબ, વૃદ્ધ અને મરેલા માણસો જોઈ જોઇને ટેવાઈ જાત કે આવું તો ચાલ્યા કરે. તો ચક્રવર્તી રાજા બન્યા હોત. પણ એવું થયું નહિં. અચાનક એક દિવસ પહેલીવાર વૃદ્ધ, બીમાર અને મૃત્યુ પામેલો માણસ જોઈ સદમો લાગી ગયો. એક આઘાત લાગી ગયો. અડધી રાતે ઘર છોડી દુઃખ મુક્તિનો ઉપાય શોધવા ચાલી નીકળ્યા.

સંસાર દુઃખ છે, દુઃખમાં પ્રભુ સાંભરે. સુખી થવાના ઉપાયો કોણ કરે? સુખમાં તો છકી જવાય. પ્રભુ ભુલાઈ જાય. આવાગમનથી મુક્ત થઈ જવાના ઉપાયો શોધવા. જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થવું મતલબ પુનર્જન્મ, પરલોક બધું સાચું. આ જન્મે નહિં આવતે જન્મે સુખી થાશું. માતા કુંતીએ દુઃખ માંગ્યું કે ઈશ્વર સ્મરણ રહે. બે વસ્તુ છે સુખ વહેંચો તો સુખ વધે, તેમ દુઃખ વહેંચો તો દુઃખ વધે. અથવા સુખ વહેંચવાથી સુખ ઘટી જાય તો દુઃખ વહેંચવાથી દુઃખ પણ ઘટે. આપણે ઊલટું કરીએ છીએ. સુખ ઘટી જાય માટે સુખ વહેંચતા નથી. અને દુઃખ ઘટાડવા માટે દુઃખ વહેચીયે છીએ. સંસાર તરફ જોવાનો દ્રષ્ટિબિંદુ નકારાત્મક થઈ ગયો છે ભારતમાં.

વારંવાર આપણે હાર્યા છીએ. આપણી માન્યતાઓએ વારંવાર ધોબી પછાડ આપી. ભવિષ્ય હંમેશા અજ્ઞાત હોય છે. અજ્ઞાત ભવિષ્યનો ડર, હારનો ભય અને પછી પેદા થાય તણાવ.ભય અને આપત્તિ સમયે નર્વસ સીસ્ટમ લડો અથવા ભાગી જાઓ નીતિ અપનાવે છે. કોઈ પણ તણાવ સહન કરવાનો સરળ ઉપાય છે એને સ્વીકારી લો. બસ હવે આપણી નિયતિ આ જ છે સ્વીકારી લો. તનાવ સ્વીકારી લો, હાર સ્વીકારી લો, દુખ અને આપત્તિ સ્વીકારી લો એવી માનસિકતા ઘડાઈ ગઈ. લોકોએ સ્વીકારી લીધું અને એનો સામનો કરવાનું બળ ગુમાવી બેઠા. Fight ને બદલે flight કરી તો લીધું પણ એને જ નિયતિ સમજી બેઠા. બસ અહી માર ખાવાનું શીખી ગયા. એટલે બહાદુરી ગુમાવી બેઠા. લડીને જીતીને સર્વાઈવ થવાના બદલે ભાગીને સર્વાઈવ થઇ ગયા. આપણે દુખવાદી થઇ ગયા, અને સુખવાદી ને ભૌતિકવાદી છે કહીને વખોડવા લાગ્યા. કોઈ મોજ મજા કરે તો પાપી થઇ જાય છે. એક પગે ઉભો રહી જાય તો મહાન ભક્ત થઇ જાય છે. એક ખડેશ્વરી બાબા ને જોયેલા છે. પગ સુજીને થાંભલો થઇ ગયેલા. મૂરખ દુખ વેઠતો હતો અને લોકો પગે લાગતાં હતા. પશ્ચિમનાં લોકો સુખવાદી છે તેમને આપણે ગાળો દિયે છીએ. એક વિધવા બાઈ મળેલી. સ્ટોરમાં આવતી હતી. લોકોના ઘર ક્લીનીગનું કામ કરીને સારા એવા ડોલર્સ કમાતી હતી. મને કહે મારા પતિને મરી ગયે છ મહિના વીતી ગયા. I can’t cry whole life after him. એને મોટો એક યુવાન દીકરો અને દીકરી પણ હતા. મસ્તી થી જીવતી હતી. આને આપણે તો પાપ કરી નાખ્યું હોય તેમ જોઈશું. અથવા ભૌતિકવાદી કહીશું. સંસાર માત્ર દુખ છે ભારત માટે. બીજા દેશો માટે નહિ. આશરે ૯૦૦ વર્ષ એક પ્રજા ગુલામ રહે?? સ્વીકારી લીધું કે આપણી નિયતિ આજ છે. દુઃખ સ્વીકારી લો, ગુરુજીએ કહ્યું છે એમાં તો પ્રભુનું સ્મરણ રહે. ઊલટાનું દુઃખ ના હોય તો શોધી લાવો. એના વગર પ્રભુ ભુલાઈ જાય તે ના ચાલે. દુઃખ ના હોય તો ડોબું વહોરવું એવી ઉત્તર ગુજરાતમાં કહેવત છે. ડોબું એટલે ભેંસ. બીજે પણ આ કહેવત વપરાતી હશે.

વાસ્તવિક જગત તરફ જોવાની દ્રષ્ટી જ બદલાઈ ગઈ કે અહિં તો દુઃખ જ છે. તો પછી ચાલો પરલોકની શોધ કરીએ. પ્રારબ્ધવાદ, નિરાશાવાદ, પલાયનવાદ જુઓ કેટલા બધા વાદ અહીં ભેગાં થયા છે. પછી આવી ક્ષમા. ખેતરમાં હળ ફરતું હોય અને કીડો કપાઈ જાય અને હળને ક્ષમા આપી દે તેવું થયું. પછી આવ્યો સંતોષ, સંતોષી નર સદા સુખી. સંતોષથી કદી પ્રગતિ ના થાય, વિકાસ ના થાય.

આગલાં જન્મો જોવાનો કોઈ ઉપાય છે ખરો? ભવિષ્યમાં કયો જન્મ મળશે તે જાણી શકવાનો ઉપાય છે ખરો? આ બધું સત્ય છે તે માનવા માટે વિપુલ શ્રદ્ધા જોઈએ. જ્યારે કોઈ ઉપાય નથી તો અંધ બનીને માની લો. અમારા એક વૃદ્ધ સંબંધી ને કહેલું કે અમેરિકનો ચંદ્ર પર પહોચી ગયા તો માને જ નહિં. અમેરિકામાં ૧૦૦ માળનું મકાન છે તો માને જ નહિં. પણ સાત સ્વર્ગ અને સાત નરક નામ સાથે કહી બતાવે. આ અંધશ્રદ્ધા ભારતની નસનસમાં સમાઈ ગયેલી છે. સંતાનોને વારસામાં આપતા જઈએ છીએ. લાખો લોકો સુંદર ગૃહસ્થ જીવન છોડી નીકળી પડ્યા છે. દુઃખ મુક્તિનો ઉપાય શોધવા. હજારો માન્યતાઓએ સામૂહિક પ્રયત્નો કર્યા છે ભારતને પછાડી નાખવા. જેમ જેમ ભારત પછડાતું જાય છે તેમ તેમ આ માન્યતાઓ દ્રઢ બનતી જાય છે. હજારો કવિઓ કવિતાઓ કરી રહ્યા છે. હજારો લેખકો નવલકથાઓ લખી રહ્યા છે. હજારો ભજનિકો ગાઈ રહ્યા છે. સેંકડો ફિલ્મો બની રહી છે, ટીવી સીરીયલો બની રહી છે. બસ આજ ગીતો ગવાઈ રહ્યા છે. અગલે જનમમે બિટિયા બનાઈઓ, દુઃખ અને દર્દ સિવાયની વાર્તાઓ સફળ થતી નથી, ફિલ્મો સફળ થતી નથી. કરુણ અંત જોઈએ. સૌથી વધુ દર્દીલા, ઉદાસ ગીતો હિન્દી ફિલ્મમાં હશે. જેટલા ઊંચા ગજાના લેખકો, કવિઓ એટલી જ ઊંચા ગજાની દર્દ અને દુઃખની વાતો. રામાયણ સીરીયલ ખૂબ સફળ રહી. સીતાજી આખી સીરીયલમાં આંસુ સારતાં રહ્યા. ‘સાસ કભી બહુ થી’ તુલસી કાયમ રોતી જ રહી. દુઃખ દર્દમાં મજા છે. મુકેશ કે રફી સાહેબનું કોઈ દર્દીલું ગીત વાગતું હતું તો મારો દીકરો હરપાલસિંહ કહે પપ્પા નાનપણથી આવું સંભાળીને રોવાનું જ શીખ્યા હોય તો બીજું શું સૂઝે?

૭) ઓલ્ડ ઇજ ગોલ્ડ???

સજીવ જગતમાં વિવિધતા આવે છે એના જિન્સ માં ફેરફાર થવાથી. એને મ્યુટેશન કહેવાય છે. આ વિવિધતામાંથી પછી પ્રગતિ થાય છે. એવી રીતે માનવ જાત પ્રગતિશીલ બને છે વિવિધ જાતના પ્રયોગો થકી, નવું નવું  શોધવાથી. સૃજનાત્મકતા થકી. કંઈક નવું અમલમાં મૂકવાથી. કશું ઈન્નોવેટીવ વિચારવાથી. અંધારિયો યુગ પૂરો થયો અને બ્રિટન પાસે વિજ્ઞાન જગતમાં ન્યુટન આવ્યો, ડાર્વિન આવ્યો. રાજકારણમાં મેગ્ના કાર્ટા, તત્વજ્ઞાન ખાતે જે.એસ.મિલ, સાહિત્ય ખાતે શેક્સપિયર. છેક તેરમી સદીથી બ્રિટન વિકાસના માર્ગે આગળ વધતું ગયું અને ૧૮ મી અને ૧૯ મી સદીમાં આખી દુનિયા પર ચડી બેઠું. આપણે સુધારાવાદી બની નથી શકતા. આપણે જુનું એટલું સોનું એમાજ રાચીએ છીએ. ‘નવું નવ દહાડા’, આપણી માનસિકતા થઈ ગઈ છે. નવી વસ્તુ કોઈ વાર સફળ થતી નથી. પણ રિસ્ક તો લેવું જ પડે. ભારત ગનપાવડર ઉત્પન્ન  કેમ કરી ના શક્યું?? વરાળ એન્જિન કેમ આપણે ઉભા ના કર્યા? આપણી હાથસાળ ટેક્નોલૉજી અપનાવી અને અંગ્રેજોએ યંત્રોમાં જોડી દીધી અને કાપડની મિલો બનાવી. કોઈ ગેલેલિયો આપણે કેમ પેદા ના કરી શક્યા? અત્યારે પણ આધુનિક  જમાનામાં પણ આપણે વોલમાર્ટ કે પિકાસો પેદા કરી શકતા નથી. બધું ઉછીનું વાપરીએ છીએ. કોઈ ક્રિયેટીવીટી નહિ. હા! નકલ કરવામાં ઉસ્તાદ છીએ એની ના નહિ. ૨૦૦૦ વર્ષ થી ખેતી પણ એની એજ જૂની પદ્ધતિ, નવી ખેતી શીખવા કચ્છ જેવડા ઇઝરાયલ પાસે જઈએ છીએ. ગરીબી આવે છે અનેં એક કારણ  બિન ઉત્પાદકતા સુધારાવગર, માર્કેટિંગના અભાવ વગર. અંગોલા પાસે વિપુલ કુદરતી ભંડાર છે એટલાં જાપાન પાસે નથી. પણ જુઓ જાપાન ક્યાં છે અને અંગોલા ક્યાં છે? જાપાન રોજ નવું શોધે છે. મેટલ નથી એની પાસે તો, પ્લાસ્ટિક, ફાઇબર અને સિરામિક વાપરશે. ટેક્નોલૉજીમાં પછાત તો બુદ્ધિમાં પણ પછાત. હા!  ફિલોસોફી ઠોકવાની હોય તો બુદ્ધિ ગણી છે. પણ કશું નવું શોધવું હોય તો? સ્વતંત્ર વિચારસરણી વગર સુધારા શક્ય નથી અને બંને વગર નવું સૃજન શક્ય નથી, નવી ટેકનોલોજી શક્ય નથી. આપણે વિચારવાનું છોડી દીધું છે. એમાં પણ સ્વતંત્ર વિચારસરણી તો જરાય નહિ. આપણ બાળકોને પણ સ્વતંત્રતાથી વિચારવા  દેતા નથી. આપણાં બાળકો દુનિયાના સૌથી આધારિત બાળકો છે, માબાપના આધારિત, સમાજના આધારિત, ગુરુઓના આધારિત. બાળકોને નાનપણથી જ ગુરુઓના ચરણે પડતા કરી દેવાય છે. ભણવાથી માંડીને નોકરી કે દરેક બાબતે નિર્ણય લેવામાં એમની કોઈ સ્વતંત્રતા નથી. અરે એના લગ્ન બાબતે પણ આપણે છોકરી ગોતી દઈએ છીએ. અને પ્રેમમાં પડે તો આવી બને, સંસ્કૃતિનો નાશ થઈ જાય છે. માનવ કપડામાં હરતા ફરતા ઘેટા છીએ આપણે. કોઈ સ્વતંત્ર વિચારસરણી નહિ. અમેરિકન બાળકો જુદી રૂમમાં સુએ છે, યુવાન થયા પછી, ૧૮ના થયા પછી સ્વતંત્ર છે. એક કૉલેજનો(હાવર્ડ) ડ્રૉપ આઉટ છોકરો હજુ તો મુછો પણ નહિ ફૂટી હોય, હોસ્ટેલની રૂમમાં બેઠાં બેઠાં ૩૭ ડોલર્સની વેબ્સાઈટ બનાવી અને આજે સૌથી નાનો બિલીઓનર બની ચૂક્યો છે. એની ફેસબુક આજે સૌથી વધારે વપરાતી સોશિયલ વેબ્સાઈટ છે. અમેરિકન બાળકો ક્રિયેટીવ વધારે છે. આપણાં બાળકો હોશિયાર વધારે છે, ક્રિયેટીવ નહિ. આપણે બાળકોને મોટા કરીએ છીએ, ઉછેરતા નથી. આપણો સમાજ આપણી મોરાલીટી આપણી સામાજિક વ્યવસ્થા જુઓ કશું પણ નવું ઈન્નોવેટીવ કરતા રોકે છે. એક બીબા ઢાળ પ્રજા છીએ. સંસ્કૃતિ, નાતજાત, કપડા સુદ્ધાં જુઓ બીબા ઢાળ..ડ્રેસ કોડ જુઓ, આપણા ખેડૂતો જુઓ, એક સરખાં કપડા. આપણી ગ્રામ્ય જાતિઓ જુઓ,  કપડા પરથી જાતી ઓળખાઈ જાય. એક જ જાતનું કામ કોઈ ક્રિયેટીવીટી નહિ. કોઈ બુદ્ધિ નહિ. કોઈ સૃજનાત્મકતા નહિ.  ૫૦૦૦ વર્ષે પહેલી વાર શૂદ્ર ભણ્યો અને કલેકટર બન્યો, બાબા સાહેબ આંબેડકર. ભારતનું બંધારણ ઘડ્યું. વ્યક્તિ ને વિચારવાની સ્વતંત્રતા હોવી જોઈએ. હિંદુ સમાજ જુઓ, મુસ્લિમ સમાજ જુઓ અને સરખાવો ખ્રિસ્તી સમાજ સાથે. જ્યાં વિચારવા ઉપર પ્રતિબંધ છે ત્યાં જુઓ. સૃજનાત્મકતા અને સુધારા ત્યાં આવે જ્યાં વ્યક્તિ જોખમ  લેતા ગભરાય નહિ. એક જ સત્ય, એકજ રસ્તો, એકજ નેતા સમાજ આગળ ક્યાં જવાનો એતો પાછળ ધકેલાઈ જવાનો.

ઉપસંહાર : તો મિત્રો આપણી આવી માન્યતાઓએ એક ભવ્ય સંસ્કૃતિની ઈમારતને અંદર થી ખોખલી કરી નાખેલી હતી. ઉધઈ આવે ત્યારે લાકડું ઉપરથી સારું દેખાય પણ અંદરથી ઉધઇએ એને ખોતરી નાખેલું હોય. સહેજ ઠપકારો એટલે લાકડું વેરણ છેરણ થઈ જાય. તેમ આપણી માન્યતાઓની ઉધઇએ આપણી સંસ્કૃતિના સ્તંભ ને અંદરથી ખોતરી કાઢેલો હતો. ઉઅપરથી સરસ દેખાતો આ સ્તંભ કોઈ આવીને સહેજ ધક્કો મારે એટલે પડી જવાની રાહ જોતો હતો. મુસલમાન આક્રમણકારીઓ આવ્યા અને ધ્વસ્ત થઇ ગયો બાકીનું અંગ્રેજોએ પૂરું કર્યું. મેરા ભારત મહાન હતું આજે નથી. તે વાત પહેલા સ્વીકારવી પડશે. આ અવાસ્તવિક માન્યતાઓ થી દૂર જવું પડશે એમને ધરમૂળ થી ઉખેડીને ફેંકી દેવી પડશે, જે દીવાલોએ આપણી પ્રગતિ રોકી છે તેને ઉખેડીને ફેંકી દેવી પડશે. તો જ એક ભવ્ય અને મહાન ભારતનું નિર્માણ શક્ય બનશે.

 

 

 

10 thoughts on “માન્યતાઓ, જેમણે ભારતને પછાડ્યું”

  1. Saras!

    2017-10-26 4:29 GMT+05:30 કુરુક્ષેત્ર :

    > Bhupendrasinh Raol posted: “માન્યતાઓ, જેમણે ભારતને પછાડ્યું ઉત્તરમાં
    > હિમાલય, પૂર્વમાં પણ હિમાલયની દુર્ગમ પર્વતમાળાઓ, પશ્ચિમમાં થર અને કચ્છનું રણ
    > પછી છેક પશ્ચિમથી માંડી દક્ષિણમાં થઈને પાછા ઉત્તર પૂર્વમાં જાઓ ત્યાં સુધી
    > હિન્દ મહાસાગર વડે કુદરતી રીતે જ રક્ષાયેલો ભારત વર્ષ સદીઓ સુધી બા”
    >

    Like

  2. बापू आ बधी समस्या भ्रष्टाचार ना म ना चेपि रोग थी थाय छे।रोग दूर करवा शीक्षण मा फेरफार करवो पड़े। आजथि शरुआत करी तोय देश ने महान बनता 50वर्ष लागे ते पण 18 कलाक दरेक् नागरिक पोतानि आवडत मुजब काम करे त्यारे ।

    Like

  3. बापू आ बधी समस्या भ्रष्टाचार ना म ना चेपि रोग थी थाय छे।रोग दूर करवा शीक्षण मा फेरफार करवो पड़े। आजथि शरुआत करी तोय देश ने महान बनता 50वर्ष लागे ते पण 18 कलाक दरेक् नागरिक पोतानि आवडत मुजब काम करे त्यारे ।

    Like

  4. આપે ઉત્કૃષ્ટ તલસ્પર્શી છણાવટ રજુ કરી છે.

    મને તો લાગે છે કે ભારતીય સંસ્કૃતિ ક્યારે ય મહાન નહોતી. ગીતાના ચોથા
    અધ્યાયના પહેલા બે શ્લોક પ્રમાણે, બુદ્ધના જન્મ પહેલાથી જયારે અહીં બીજો કોઈ
    ધર્મ હતો જ નહિ ત્યારે પણ, આપણા પૂર્વજો યોગને સુધ્ધાં ભૂલી ગયા હતા.

    ધર્મગુરુઓનો ઉપદેશ એવો રહેતો કે માનવજન્મનું એક માત્ર ધ્યેય મોક્ષ મેળવવાનું
    છે. પરિણામે ભૌતિક સિદ્ધિઓની અવગણના કરવામાં આવતી હતી. જે થોડી ઘણી શોધ થતી
    તે ભુલાઈ જતી.

    2017-10-25 18:59 GMT-04:00 કુરુક્ષેત્ર :

    > Bhupendrasinh Raol posted: “માન્યતાઓ, જેમણે ભારતને પછાડ્યું ઉત્તરમાં
    > હિમાલય, પૂર્વમાં પણ હિમાલયની દુર્ગમ પર્વતમાળાઓ, પશ્ચિમમાં થર અને કચ્છનું રણ
    > પછી છેક પશ્ચિમથી માંડી દક્ષિણમાં થઈને પાછા ઉત્તર પૂર્વમાં જાઓ ત્યાં સુધી
    > હિન્દ મહાસાગર વડે કુદરતી રીતે જ રક્ષાયેલો ભારત વર્ષ સદીઓ સુધી બા”
    >

    Like

  5. ભાઈ શ્રી ..
    અહીં તમે સમાજ જીવન ની નબળાઈઓ નું વર્ણન કર્યું છે..ઘણી બધી બાબતો વિષે તમે ખુબ સરસ કટાક્ષ કર્યો છે પણ ચાલો થોડો વિચાર-વિનિમય મુક્ત મને કરીએ..

    તમે ‘માઈન્ડ કંડીશનિંગ’ એવા શબ્દો વાપરો છો..‘ગરીબીની મહાનતા’ બાબત લખ્યું તેમાં ‘અચેતન મન’ નો સંદર્ભ છે ત્યારે એવું લાગે કે અચેતન મન કેવીરીતે કામ કરે છે તે વિષેનું તમે જાણો છો. આવું જ્ઞાન જેઓ પોતાના વિચારો પ્રકાશિત કરતા હોય તેઓને હોય તે ખૂબ જરૂરી છે. જેનું જેટલું વધુ પુનરાવર્તન થતું રહે તે બાબત એટલી વધુ પાકી થતી જાય એ નિયમ યાદ રાખવા જેવો છે. આમ નહિ થાય તો ફાયદો કરવાનો ઈરાદો હોય પણ નુકસાન થઇ જાય તેવું બને. જે અવાંછનીય હોય તેના વર્ણન કરતાં જેની જરૂર હોય, ઇચ્છનીય હોય તે બાબત વધુ માત્રામાં પીરસાવી જોઈએ .. આશા રાખું કે આગળના લેખમાં આ બધી નબળાઈઓ ની સામે તે દૂર કરવાના ઉપાયો વધુ અસરકારક રીતે રજૂઆત કરશો ..

    ગાંધીજીની કે બીજા મહાપુરુષોની બધી બાબતો અપનાવી લેવાની વૃત્તિ જેમ યોગ્ય છે તેવી જ રીતે રોલ ક્લેરિટી નો અભાવ પણ ખોટા પરિણામ સર્જે છે. ગાંધીજી પોલીટીશીયન હતા તેમણે ધર્મ કે આરોગ્ય બાબત સલાહ સુચન કરવા જોઈએ નહિં તે તમની રોલ ક્લેરિટી નો અભાવ હતો અને તે જ રીતે તમે જ્યારે લેખ પ્રકાશિત કરતા હોવ ત્યારે તમારી એ નૈતિક ફરજ બની જાય છે કે તમે જે વિષય પર લખતા હોવ તેનો પુરતો અને ટીકાત્મક અભ્યાસ તમે કર્યો હોય. તમે કયા ઉદ્દેશ્યથી લખો છો? તમારો રોલ શું છે ?

    એક કલ્પના કરો કે તમારા લેખ વધુ ને વધુ માણસો વાંચતા થાય અને તેની સંખ્યા ખુબ વધે તો પછી એક ‘ભુપેન્દ્રસિંહ’ સંપ્રદાય બની જતા વાર લાગશે નહિ.. અને એક વાર આ ચેલકાઓની સંખ્યા વધશે પછી તમારી ‘સત્ય અને બુદ્ધિથી ચકાસ્યા સિવાય ગુરુઓની વાત માની લેવી નહિં’ વાળો સિદ્ધાંત સ્થીતીસ્થાપક બનતો જશે .. એટલે કઈ બાબત આવકાર્ય છે તે વધુ લખતા રહેશો તો followers વધી જાય ત્યારે જોખમ ઉભું નહિં થાય.

    જેમ માર્કેટિંગમાં દરેક પ્રોડક્ટ નું ટાર્ગેટ માર્કેટ હોય છે તેમ બ્લોગ લખનારે પણ પોતાના વાચકવર્ગ વિષે અનાલીસીસ કરવું જોઈએ .. હવે જો તમારો આ લેખ વાંચીને તમારા વાચકવર્ગ વિષે અનુમાન કરીએ તો એવું લાગે કે મોટે ભાગે રીટાયર્ડવર્ગ હશે..અને તેઓ સક્રિય ના હોવાને કારણે આ બધી ટીકાઓ સ્વીકારીલે તો પણ ખાસ ફરક પાડવાનો નથી..તમે જે વર્ગ ની વાત કરો છો તેઓ એક ડોરમંટ અવસ્થામાં જોવા મળે છે .. જેમના વિચારો સક્રિય પેઢીને કામમાં લગતા ના હોય અને ઘરમાં કોઈ તેમને પૂછતું ના હોય.. તેઓ તમે કહોછો તેવા ગુરુઓની કથામાં જઈને બેસતા હશે.. તમારું અવલોકન કયા વર્ગ ઉપર છે..? એક સામાન્ય યુવાનની માન્યતાઓ અને આદર્શો ઉપર ‘ગુરુઓ’ અને પુરાણો ની પ્રેરણા નથી.. તેઓ હવે સ્ટીવ જોબ્સ કે અબ્દુલ કલામની આત્મકથા વાંચવી વધુ પસંદ કરે છે..

    કોઈ કોઈ બાબતે સુધારા ને અવકાશ છે. .. જેમ કે :

    • ‘નીતિમત્તા અને સદાચાર થી માણસ દૂખી થાય’ તેવો સૂર નીકળે છે.. આ બાબતો સમય-કાળ અને સમાજ સાથે બદલાય તે વાત સાચી પણ એટલા માત્રથી તે નીદ્ય બનીજાય તેવું નથી ..આ નીતિમત્તા અને સદાચાર માં વધુ પડતી બાબતો તો એવી છે જે કોઈપણ સમયે કોઈ પણ સમાજમાં ઉપયોગી થાય તેવા સનાતન મુલ્ય ધરાવતી હોય.. તમે કઈ નીતિ કયા સમાજ-સંજોગો માટે યોગ્ય થશે તે સમજ્યા વગર વાપરો તો તેમાં પાલન કરનાર ની વિવેક શક્તિ નો વાંક વધુ કહી શકાય. રાજનીતિ, વ્યવહારનીતિ, ધર્મનીતિ વગેરે પોતપોતાના ક્ષેત્રમાં યોગ્ય હોઈ શકે.. જાગૃત વ્યક્તિ માન્યતાઓ અને સમજ ને પોતાની અવસ્થા ઈવોલ્યુશન સાથે ચકાસણી કરતો રહે છે.. એવા જાગ્રત ઋષીઓ પણ થઇ ગયા જેમણે સૌન્દર્ય, નીતિ અને વૈરાગ્ય .. ત્રણેય વિષય પર મનન કર્યું હોય. નીતિમત્તા વગરની સફળતાથી બીજાઓને લાભ થઇ શકે પણ વ્યક્તિને પોતાને અંગત રીતે માનસિક સંતોષ, સુખની આંતરિક અનુભૂતિમાં ઉણપ ઉભી થવાની ..નીતિમત્તા સિવાય સફળતા ના મળે તે બાબત જ પુન:વિચાર માગી લે તેવી છે.

    • “ઉત્ક્રાંતિ તમે આગળ છો તેની ચિંતા કરશે, તમે બળવાન છો તેની ચિંતા કરશે.”
    તમે કઈ ઉત્ક્રાંતિની વાત કરો છો? ભૌતિક, બૌધિક, સામાજિક કે આધ્યાત્મિક? તમે જે બધી ઉણપો શોધી તે બધી જ હોવા છતાં જો ભારતીય સમાજ-ધર્મ અને આધ્યાત્મ ટકી રહ્યો છે તો ઉત્ક્રાંતિ નો નિયમ શું પુરવાર કરે છે? “कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी” યથાર્થ તો એ હોય કે આ બધી ઉણપો કેવી રીતે દૂર થાય? આપણી કઈ બાબતો આપણને બળ પ્રદાન કરે છે? આજના યુગના આપણા માટે કયા પડકારો છે અને કઈ તકો છે (SWOT ANALYSIS) તે બાબત જાગૃતિ લાવવી જોઈએ.

    o આ બધી નીતિમત્તા અને સદાચાર જ્યાં નથી તેવા અને જેઓએ ભૌતિક વિકાસ ઘણો કર્યો છે તેવા સમાજની Law & Order ની ટકાવારી અહીં કરતા ભયંકર રીતે વિકૃત છે.

    • “ત્યાં એક હવનકુંડ હતો. વ્યર્થ લાકડા અંદર સળગતા હતા” – યજ્ઞની પર્યાવરણ ઉપર કેવી અસર થાય છે તે વિષે ભલે આપણે મૂક હોઈએ પણ જર્મની જેવા દેશોમાં આ વિષય ઉપર વૈજ્ઞાનિક ઢબે સંશોધન થઇ રહ્યું છે. હજી વિજ્ઞાન પાસે આટલી સુક્ષ્મ અસરને ચકાસવાના સાધનો શોધાયા નથી ત્યાં સુધી આપણે માત્ર ભૂતકાળ ની ભવ્યતા વિષે દંભી ના રહીએ છે તે જેટલું જરૂરી છે તેટલું જ જરૂરી એ પણ છે કે વિજ્ઞાનને માત્ર ભૌતિક વિજ્ઞાનથી ઉપર જવાની છૂટ આપીએ …સો વર્ષ અગાઉ કોઈ આજના મોબાઈલ ફોન ની વાત ને અવૈજ્ઞાનિક જ ગણી હોત ..

    • “પુનર્જન્મની માન્યતા ખાલી એક હિંદુ ધર્મમાં જ છે.”:- ખુબ નમ્રતાથી કહું તો આ બાબત તમારી જાણકારી ખુબ સિમિત છે. હકીકત તો એ છે કે લગભગ બધા ધર્મ અને સમાજમાં પુનર્જન્મની માન્યતા રહેલી જ છે. Abrahamic ધર્મ : Judaism, Christianity, અને Islam માં વ્યક્તિગત પુનર્જન્મ નથી પણ તેમના પેટા સંપ્રદાયો પુનર્જન્મમાં આસ્થા રાખે છે.
    આપણે તો પુનર્જન્મ અને મૃત્યુ પછીના જીવનને ધાર્મિક સિદ્ધાંત તરીકે માની ને બેસી રહ્યા; જીવિત વ્યક્તિ માટે ઉપયોગી થાય તેવા વ્યવહારિક સાધનો આ માન્યતા કે સિદ્ધાંતમાંથી વિકસાવ્યા નહિં. બીજી તરફ પશ્ચિમના વિદ્વાનોએ (મોટે ભાગે ખ્રિસ્તી) આ વિષયમાં અનેક સંશોધનો કરેલ છે અને વ્યક્તિની વિવિધ માનસિક, શારીરિક બીમારીઓ, વ્યસનો, ફોબિયા નો ઉપચાર જ નહિં – આત્મા-વિશ્વાસ અને રમત-ગમત માં બહેતર પરફોર્મન્સ કેવીરીતે થઇ શકે તે માટે ની થેરાપી સફળતા પૂર્વક કરે છે. “લાખો લોકો ફક્ત પરભવને સુધારવામાં પડી ગયા” જેવું કાંઈ નથી. પોતાની આજ બગડી ને પરભવને સુધારવાનું કોઈ ને પરવડે તેમ નથી. તમે કદાચ ‘સંસ્કાર’ કે ‘આધ્યાત્મ’ જેવી TV chennel જોઈને આવું અનુમાન કર્યું લાગે છે.. અરે ૧૦૦ કરોડની વસ્તી માં આ ૫-૧૦ લાખ લોકો આ બધામાં પડ્યા હોય તો એ કોઈ ગંભીર ટકાવારી નથી. આમ’ય આ વર્ગ કોઈ productive કામ માં વ્યસ્ત હોતો નથી..

    • “આ નસીબમાં હશે તે થશે વાક્ય તો ભારતની રગરગમાં સમાઈ ગયું છે”
    તમે કયા ભારત ની વાત કરો છો? તમે છેલ્લે ક્યારે ભારતીય સમાજમાં ફર્યા હતા? જ્યોતિષ ની મુલાકાત ભરપુર લેવાય છે અને જ્યોતિષીઓની દૂકાનો પણ ગુરુઓની દુકાનોની માફક ધમધોકાર ચાલે છે : સાવ સાચું. પણ કેટલા માણસો જ્યોતિષીઓ કહે તે પ્રમાણે જ નિર્ણયો લે છે ? બહુ ઓછા .. તમે માનો છો તેવા પ્રારબ્ધવાદી ખૂબ ખૂબ જૂજ હશે .. નબળા સંજોગો હોય ત્યારે આ જ્યોતિષીઓએ આપેલ સધ્યારા ની ઉપયોગીતાને નકારી શકાય નહિં. આજની તારીખે જ્યોતિષ ની ઘણી બાબતો અવૈજ્ઞાનિક છે.. પણ સાથે સાથે quantum physics જેવા શાસ્ત્રો હવે Energy, Cosmic Radiation જેવી બાબતો પુરવાર કરવા લાગ્યા છે એ જોતાં ગ્રહોની અસર થાય છે તેવું પુરવાર થાય તો નવાઈ પામવા જેવું નહિં હોય.

    • ભજનો અને પ્રાર્થનાઓ માં માંગણવૃત્તિ હોય છે.. સાચું .. પણ તમે “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરી..કેમ નથી સાંભળતા?

    મોટાભાઈ, દૂનિયામાં બધું છે.. તમારું ફોકસ શાની ઉપર છે તેવું જગત તમને દેખાશે..

    Like

  6. Dear Sri Raolji,
    As you must be aware yourself, we are in minority😤😡 Sir, your view are True to the core and excellently written and discussed. I doubt many Hindustanis blinded by faith, misguided views, indoctrination from early childhood, pure unadulterated ignorance, personal greed, and plain stupidity will prevent Indians worldwide from religious bondage 😫😡

    Like

  7. તમે તમારા વિચાર સાથે સહમત ના હોય તેવી કોમેન્ટ ને અહી પ્રકાશિત થાય તે માટે એપ્રુવ કરી શકો છો?

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s