માટીની મહેંક

માટીની મહેંક

“અહીં આવ્યા પછી આપણા દેશના લોકોને મળીને અનુભવ્યું કે પેટ્રીઓટીઝમ-દેશભક્તિ અહીંના લોકોમાં આપણા દેશમાં રહેનારા લોકો કરતા વધુ જણાય છે,” આવા મતલબનું ૪૦ વર્ષથી ગુજરાત સમાચારમાં ‘બુધવારની બપોર’ લખતા અશોકભાઈ દવે એકવાર અહિ અમેરિકા આવ્યા ત્યારે કહેતા હતા. મને પોતાને પણ એ હમેશાં સાચું લાગ્યું છે.

સર્વાઈવલ માટે જે દેશની ધરતીમાં થી જીવન રસના ધાવણ ધાવ્યા હોઇએ  તે દેશના મુળિયા એકદમ કઈ રીતે ભૂલવા ? મેમલ પ્રાણીનો એક ગુણ હોય છે એનો વિસ્તાર બદલાય તો ભાગ્યે જ એડજસ્ટ થાય, ખલાસ થઈ જાય. પણ માનવી એવું મેમલ છે જે વિસ્તાર બદલાય તો પણ ગમે તે રીતે એડજસ્ટ થઈ જતું હોય છે. ઊલટાનું સર્વાઈવલ માટે વિસ્તાર પ્રદેશ બધું બદલી નાખે છે. એવું ના હોત તો હજુ આપણે આફ્રિકામાં વૃક્ષો ઉપર હૂપાહૂપ કરતા હોત. આવું એટલા માટે કહું છું કે માનવીની ઉત્ક્રાંતિ આફ્રિકાથી થઈ છે પછી ધીમે ધીમે દર વર્ષે એક માઈલ આગળ વધતો વધતો આખી દુનિયામાં ફેલાઈ ગયો છે એવું વૈજ્ઞાનિકો કહે છે.

પણ આ મુળિયાની જમીન બદલવી બહુ પીડા દાયક હોય છે. છોડને એક કુંડામાંથી ઉખેડી બીજા કુંડામાં નાખો ત્યારે અમુક મૂળ તૂટીને જુના કુંડામાં રહી જતા હોય છે તેની યાદ બહુ વસમી હોય છે. એટલે આજે પણ માંડવીની પોલ અમદાવાદના એક બહેન ન્યુ જર્સીમાં ગ્રોસરી ભેગું ગુજરાત સમાચાર ખરીદી લઈ જતા હોય છે અને પોતે વાતોડિયણ હોવાના લીધે ઘેર જતા મોડું થયું હોય છે માટે પતિદેવ પૂછે કે કેમ મોડું થયું તે પહેલા બુધવારની બપોર ખોલી કોફી ટેબલ પર મુકીને ચુપચાપ ફ્રીજમાં શાકભાજી ગોઠવવા લાગે છે જેથી પતિદેવ સીધા પેલી બપોર વાંચવા બેસી જાય ને કોઈ સવાલ કરે જ નહિ. આ છે પેલી મૂળ ઉખડ્યાની પીડા. એમની પીડા મારી પીડા છે, બલકે દરેક વિદેશમાં રહેતા ભારતીય ની પણ એજ પીડા છે.

મને છ મહિના લેઓફ મળેલો અમેરિકાની મંદીમાં ત્યારે હું પણ ઓનલાઈન બેઠો બેઠો ગુજરાતી છાપાઓ વાંચતો. ટીવી પર હજુય ભારતના ન્યુઝ કે ચેનલ્સ વધુ જોવા ગમે આજે ૧૩ વર્ષ પછી પણ..એમાં દિવ્યભાસ્કર ઉપર પ્રતિભાવો લખતાં લખતાં ક્યારે લેખક તરીકે મિત્રો મને ઓળખવા માંડ્યા ખબર ના પડી. આ મૂળ ઉખડ્યાની પીડાએ મને લખતો કરી દીધો તે હકીકત છે. એમાં ગુજરાતના સારા સારા ખ્યાતનામ લેખકો મિત્રો તરીકે મળ્યા. મારા બે પુસ્તકો થયા, હજુ બીજા થશે. આમ મૂળ ઉખડ્યાની પીડા ફળદાયી પણ બની છે. બાકી હું દેશમાં રહેતો હોત તો આ બધું ના બનત તે પણ નક્કી જ છે.

ઉનાળો આવે એટલે અહીં બોલીવુડના ગાયકો પણ ઉમટી પડતા હોય છે. ધર્મગુરુઓ અને સંપ્રદાયોના વડાઓ પણ તૂટી પડતા હોય છે. કવિઓ, લેખકો સાહિત્યકારો પણ ઉમટી પડતા હોય છે. ફરક એટલો છે કે પેલા ઊખડેલ મૂળિયાની પીડા જે ભારતીયો અનુભવતાં હોય છે એની ધર્મગુરુઓ અને ફિલ્મી ગાયકો રોકડી કરી લેતા હોય છે જ્યારે સાહિત્યકારો અને કલાકારો એના પર મલમ લગાવી  જતા હોય છે. એમાં જવા આવવાનો ખર્ચ કાઢે એમાં કશું ખોટું પણ નથી..

અહિ દર બે વર્ષે નોર્થ અમેરિકાની સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી સાહિત્ય સંમેલન ભરાય છે. એમાં નામી સાહિત્યકારો અને વક્તાઓ બોલાવવામાં આવે છે. હું પણ આ ત્રણ દિવસના સંમેલનમાં ભાગ લેતો હોઉં છું. આમાં પણ જો તમે પાછળ બેસી સંમેલનનો આનંદ માણતાં હોવ તો આગળ તમને મોટાભાગે પૂર્ણચંદ્રની છબી વધુમાં વધુ જોવા મળશે. ના સમજ્યા? ટૂંકમાં આગળ બેઠેલાઓમાં વડીલો જ વડીલો હોય છે જથ્થાબંધ વાળ ધરાવતા યુવાન મિત્રો ભાગ્યેજ દેખાશે. આ છે પોતાની મૂળ ઉખડ્યાની પીડા પર મલમ લગાવી એને હળવી કરવા મથતા વડીલો. પોતાનો ગુજરાતી ભાષા અને સાહિત્ય સાથેનો જે નાતો છૂટ્યો છે તેને ફરી જોડવા મથતા વડીલો. નવી પેઢી અહિ જન્મી હોય મોટી થઈ હોય એને આ પીડા વર્તાય નહિ એટલે આવા મૂળ વતનને જોડી રાખતા સમારંભોમાં હાજરી ખાસ આપે નહિ સિવાય કે કોઈ સ્પેશલ રસ હોય.

૨૦૧૬માં ભરાયેલા ત્રણ દિવસનું ગુજરાતી સાહિત્ય સંમેલન પૂરું થયું પછી હું અને મિત્ર જય વસાવડા સાથે બહાર નીકળ્યા. મારે એમને ટીવી એશિયાના સ્ટુડીઓ ઉપર છોડવાના હતા, ત્યારે જયભાઇએ મને કહ્યું, ‘ અહિ નકરા વડીલો જ દેખાતા હતા; કોઈ યંગસ્ટર્સ ખાસ જોયા નહિ, અમુક વર્ષો પછી આવા સંમેલન ભરાશે કે કેમ એ એક પ્રશ્ન છે.’

મેં એમને કહ્યું, ‘દર મહીને બહાર પડતા માસિક ‘ગુજરાત દર્પણ’ ની ઓફિસે ઉનાળામાં મહીને એક વાર આવા અહિ વસેલા લેખક મિત્રોની એક સામાન્ય સભા ભરાય છે એમાં પણ હું સાઈઠ વર્ષનો યંગ ગણાતો. જ્યાં સુધી મોટી ઉંમરે અમેરિકા લોકો આવતા રહેશે ત્યાં સુધી આવા સમારંભો થયા કરશે.’

તમે જે માટીમાં જન્મ્યા હોવ તે માટીની મહેંક તમારા અચેતન મનમાં જેને વૈજ્ઞાનિકો સબકોન્શ્યસ માઈન્ડ કહે છે તેમાં કાયમી ઘૂસી જતી હોય છે. એ કદી ભૂલાય નહિ. સપનાં આવવા તે સબ કોન્શ્યસ માઈન્ડની રમત છે. ૧૩ વર્ષ થયા મને અમેરિકામાં આવ્યે પણ હજુ મને સપનાં મારા ગામ માણસા, હું ઉછરેલો તે ગામ વિજાપુર અને પછી મોટાભાગે જ્યાં રહેલો તે વડોદરાના જ આવે છે. ટૂંકમાં આ બધી જગ્યાએ મેં જે વર્ષો ગાળેલા તે માટીની માહેંક મારા સબ કોન્શ્યસમાં સમાઈ ગયેલી હોય તે સ્વાભાવિક છે માટે મને આ બધી જગ્યાએ ગાળેલા વર્ષોની સ્મૃતિઓ સહિતના સપનાં જ આવે છે. આ છે મૂળ માટીની મહેંકનો ચમત્કાર. વતન ગમે તેટલું ગંદુ ગોબરું હોય તો પણ તે અતિશય વહાલું દરેકને હોય જ છે.

મહેસાણા જિલ્લાના વિજાપુરમાં મારો જન્મ. બેત્રણ વર્ષ નડીયાદ ગાળ્યા હશે. પછી પાછા વિજાપુરમાં સ્થાયી થયેલા. એ દેવાણીવાસ, હનુમાનજીના મંદિરનો ચોક, લક્ષ્મીનારાયણનું મંદિર જ્યાં સાંજે આરતી સમયે ઢોલ વગાડવા જવાનું, રણછોડજીના મંદિરમાં પ્રસાદ ખાવા જવાનું આ બધું હજુ સ્મૃતિમાં અકબંધ છે. તે સમયનો બાળ ગોઠીયો રાજેન્દ્ર બારોટ તો હજુ પણ મારો મિત્ર છે, એના મધર શારદાબેનનાં હાથની બનેલી રીંગણની કઢી અને બાજરીના રોટલાનો સ્વાદ તો ફરી કદી જાણ્યો નથી. દેવાણીવાસમાં જ રહેતા કંચનલાલ શાહ ગણિતના શિક્ષક મને ગણિત સાથે બહાર ઓટલા પર બેસી ચેસ પણ શીખવતા. મને ચેસમાં હરાવવો મૂશ્કેલ એમના કારણે જ.

પિતાશ્રી વકીલ હતા. વિજાપુરની સાર્વજનિક લાયબ્રેરીના ટ્રસ્ટનાં પ્રમુખ પણ હતા. હું જાઉં એટલે ગ્રંથપાલ જનુભાઈ કહેતા, ‘ આ માથાની દવા આવી, લે ભાઈ લે બધી ચાવીઓ લઇ જા, જે પુસ્તક જોઈતું હોય તે કાઢી લે, મારું માથું ના ખાઈશ.’

આશ સેકન્ડરી હાઈસ્કૂલમાં ભણેલો. ગાંધીવાદી ગોપાલભાઈ પટેલ પિતાશ્રીના મિત્ર. એટલે આજની જેમ કોઈ રોફ ના થાય. ઉલટાનું મિત્રના પુત્રને વધુ શિસ્તમાં રાખવાનો એટલે બે ધોકા વધુ પડે. અંગ્રેજીના શિક્ષક જયંતીભાઈ પટેલ કાયમ એક જ ટાઈપની મોજડી પહેરી લાવતાં, નવી લેતા હશે પણ એની ટાઈપ કદી ના બદલાય એટલે અમને મિત્રોને થતું એકની એક જૂની વર્ષો સુધી ચલાવતા હશે. હું જરા અળવીતરો એટલે સ્કૂલમાં એક પ્રશ્ન પેટી હતી એમાં પ્રશ્ન લખીને પૂછનારનું નામ લખ્યા વગર નાખી દીધો કે જયંતીભાઈ સાહેબની મોજડીની જન્મ તારીખ કઈ? સાહેબે ધુવાફૂવા થઈને જવાબ આપેલો પણ તે સમયે કહેવાની હિંમત ચાલેલી નહિ કે પ્રશ્ન મેં લખ્યો છે.

દસમાં ધોરણ પછી વડોદરા ભણવા ગયેલો. ત્યાં પહેલીવાર ગણેશોત્સવ જોઈ ખૂબ આશ્ચર્ય થયેલું. વતન માણસા આઠેક વર્ષ ખેતી કરી પાછો પત્ની બાળકો સાથે વડોદરા સ્થાયી થયો અને ત્યાંથી અમેરિકા આવી ગયો. ન્યુ જર્સીના એડિશનમાં દસેક વર્ષ રહ્યો હવે પેન્સીલવેનિયાના સ્ક્રેન્ટનમાં રહું છું. દીકરાઓ સાહસ કરે છે બીજનેસમાં અને હું તેમને મદદ કરું છું. ફેસબુક જેવી સોશિઅલ વેબ્સાઈટ ફરી પાછો દેશ સાથે નાતો જોડે છે. જુના મિત્રો પાછા મળે છે, નવા મિત્રો બનાવીએ છીએ, લડીએ છીએ, ઝઘડીએ છીએ પાછાં ભેગાં મળીએ છીએ. આમ દેશ સાથે તંતુ જોડી રાખીએ છીએ.

ઐતરેય બ્રાહ્મણ ગ્રંથમાં બહુ સરસ મંત્ર-ગીત છે.

ॐ नाना श्रान्ताय श्रीरस्ति, इति रोहित शुश्रुम।

पापो नृषद्वरो जन, इन्द्र इच्चरतः सखा। चरैवेति चरैवेति॥

पुष्पिण्यौ चरतो जंघे, भूष्णुरात्मा फलग्रहिः।

शेरेऽस्य सवेर् पाप्मानः श्रमेण प्रपथे हताः। चरैवेति चरैवेति॥

आस्ते भग आसीनस्य, ऊध्वर्स्तिष्ठति तिष्ठतः।

शेते निपद्यमानस्य, चराति चरतो भगः। चरैवेति चरैवेति॥

कलिः शयानो भवति, संजिहानस्तु द्वापरः।

उत्तिष्ठँस्त्रेताभवति, कृतं संपद्यते चरन्। चरैवेति चरैवेति॥

चरन् वै मधु विन्दति, चरन् स्वादुमुदुम्बरम्।

सूयर्स्य पश्य श्रेमाणं, यो न तन्द्रयते चरन्। चरैवेति चरैवेति॥

(ऐतरेय ब्राह्मण ७.१५)

મૂળ તો આ પાંચ શ્લોકના ગીતનો આ ત્રીજો શ્લોક જ વધુ પ્રખ્યાત છે. બેસી રહેનારનું ભાગ્ય બેસી રહે છે. ઊભા રહેનારનું ભાગ્ય ઊભું રહે છે, સૂઈ રહેનારનું ભાગ્ય સૂઈ રહે છે અને ચાલનારનું ભાગ્ય ચાલે છે.

વૈજ્ઞાનિકો માને છે, અને એમને અમુક પુરાવા મળ્યા છે તે પ્રમાણે માનવી, કોઈ કૉમન પૂર્વજોમાં કોઈ જિનેટિક ફેરફાર થવાથી લાખો વર્ષ પહેલા ચિમ્પેન્ઝી જેવા કપિમાનવ કરતા થોડો જુદો ઉત્ક્રાંતિ પામ્યો. શરૂમાં લાખો વર્ષ વૃક્ષો ઉપર જ રહ્યો. આમ તો વૃક્ષ ઉપરથી નીચે ઊતરી પાછો ઉપર ચડી જતો હશે. આવું અર્ધ વાનર અર્ધ માનવ જેવું લગભગ ૩૦ લાખ વર્ષ જૂનું ફોસિલ આફ્રિકામાંથી મળેલું જ છે. પણ આવા આપણા પૂર્વજોનાં એકાદ જુથે પાછું વૃક્ષ પર રહેવા જવાના બદલે જમીન પર રહેવાનું નક્કી કર્યું હશે. પછી ખોરાક અને સલામત રહેઠાણની શોધમાં આગળ વધવાનું ચાલુ કર્યું હશે. ત્યારથી આ ચરૈવેતિ ચાલુ થયું છે. માનવી વૃક્ષ પરથી હેઠે ઊતર્યા પછી સતત ચાલતો જ રહેલો છે. ચાલતા રહેવું આપણા DNA માં જ છે. આજે પણ જ્યારે કોઈ મૂરખ એવું કહે કે તમે પરદેશ કેમ ગયા છો? ત્યારે મને તેના અજ્ઞાન ઉપર દયા આવે છે. અરે મૂરખ તારા બાપદાદાએ ચાલતા રહેવાનું રાખ્યું જ નાં હોત તો તું હજુ આફ્રિકામાં કોઈ ઝાડ પર હુપાહુપ કરતો હોત.

બસ આ ચરૈવેતિ ચરૈવેતિ ન્યાયે અમેરિકામાં આવીને વસ્યા છે બહેતર જીવન માટે પણ વતનની માટીની મહેંક અમારાં અણુએ અણુમાં શરીરના કણ કણમાં સમાયેલી છે તે તો હવે મરે જ જવાની.

લખનાર: ભૂપેન્દ્રસિંહ રતનસિંહ રાઓલ. મૂળ વતન: માણસા જિલ્લો ગાંધીનગર ગુજરાત.

: હાલ- સ્ક્રેન્ટન, પેન્સીલવેનિયા. યુએસએ. ફોન: +૧ ૭૩૨-૪૦૬-૬૯૩૭

 

10 thoughts on “માટીની મહેંક”

  1. આવો લાબો અને સુંદર લેખ ઘણા લાંબા સમય પછી વચવા મળ્યો
    ખુબ ખુબ આભાર

    Like

  2. સરસ આત્મકથા એક માનવી ની પ્રગતિ આધારિત …….
    હોય ૩ વાત મુદ્દાએ ની થઇ છે:
    ૧) ભુપેન્દ્રસિંહ ની બાળપણ ની આત્મકથા.
    ૨) માનવ જાત કેમ પ્રગતિશીલ છે
    ૩) માટી ની મહેક ….
    હવે આ તો જેમને એમના જીવન દેશાંતર કરી ને પ્રગતિ કરી હોઈ એને જ ખબર….. ૪૦ વર્ષ પછી આજે પણ મને એ જન્માષ્ટમી ના સમય માં સાત દિવસ ક્સ ૨૪ કલાક ભજન જેને હમે સપ્તાહ થી ઓરખતા અને રોજ સાંજે ચીભડાં નો પ્રસાદ , કે પછી દિવાળી ની સ્વર માં ૫ વાગ્યે મંદિર ના ઘન્ટનાદ કે ૧૫ મી ઑગસ્ટ નું ધ્વજવંદન ગામ ના પાદરે… આજે પણ ખૂટે છે.

    આ લેખ થી મને પણ એક પ્રેરણા મળી છે…. હું પણ આવી ટૂંકી આત્મકથા લખીશ હવે…. પ્રેરણા બદલ આભાર

    જીવન ચલને કે નામ …ચલતે રહો સુબહ હો ય શામ …

    Like

  3. બાપુ, એક એક વાક્ય મન માં ટપલી મારે છે.
    મારાં જે મિત્રો આ દેશ માં હતાં ત્યારે કહેતા કે અહિયા શું લેવાનું ?
    મેં અનુભવ્યું છે કે આ જ મિત્રો આજે અમેરિકા, ઈંગ્લેન્ડ , કેનેડા, ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ સ્થાઈ થઈ ગયાં પછી આ દેશ ને બરાબર મિસ કરે છે. કોઈ મિત્ર સંબંધ નથી રાખતો. કારણ કે હવે એ બધા લક્ષ્મી પતિ થયાં છે. પણ ફેસબુક થકી જોડાયા પછી જે વાતો થાય છે ત્યારે ખબર પડે છે કે હજું બધાં નાં રુદિયા માં નવસારી વસે છે. મારાં એક એક મિત્ર ની દ્વારિકાધીશ જેવી ક્ષમતાં છે. પણ મેં ક્યારેય સુદામા ની યાચક વૃત્તિ રાખી નથી. દેશ માં આવે ત્યારે કોઈક મિત્ર ને કદાચ હું યાદ આવી જાઉં તો મને એકાદું શર્ટ બટકાડી જાય તે મને ક્યારેય ગમતું નથી. બલ્કે એના શર્ટ કરતાં એને મેં આપેલાં દાણાં ચણા વધું મોંઘા હોય છે. ખેર, બાપુ તમે રુદિયે થી સતત ધબકતાં માણસ લાગો છો. તો જ આટલું સુંદર લખી શકો. ક્યારેક મળશું જરૂર.

    Like

  4. jyar thi tamaru KURUKSHETRA haathe chadyu…te varaso thi niyameet vanchavu ga me j game…kadach aekad be chuki gayo hou to ye e mail ma thi kya java nu chhe….!!!!Manasa saathe thakor saheb and raani baa sathe y sara sambandho hata- chee tem na kahevaay-karan ke Ghano vakhat thayo shree siddhraj sinh ne tya gaye…samay chhe-parantu te disha ma javanu na thaay-1981 thi sharu thayeli foreign ni dod consultant tarike-and aayaachak brahman tarike-ghanu joyu-ghanu java didhu-australia nz sivaay koi khuno baaki nathi…ket liye vaar..any ways…work load chhella 2014 thi ghano j ochho kari didho chhe-ghanu rakhadya-ghanu farya-pe li litee nee jem ghano preme y kari lidho…badha ne sachava va ma mari jaat ne y sachavi rakhi-health ha ji dod va ma bhaag levaay tevi chhe….tamaru je pratibimb in between lines-vanchava samajavaa ni lo moj moj moj…amadavad chhu-mul patan-te pachhi ssce baad amadavad…mar kaka shree bhanava maate lai aave la….ha ji patan ni sherio and mitro yaad chhe-patan valo bhulo pade parantu juna shaher viastar ma hu gote naa j chadu…tamaru lakhan vanchi badhu yaad aavyu…muliya ukhadava ni peeda hoy j…astu,…

    Like

  5. વાહ ખુબ જ સુંદર લેખ લખવા બદલ અભિનંદન .
    સરસ જાણકારી આપી વાંચી ઘણું નવું જાણવા મળ્યું …વાહ

    Like

  6. Tamari vat tyan aavyo tyare me pan anubhaveli ke tyan raheta deshvasione anhina loko karata vadhare deshnu aakarshan hoy chhe.

    Like

  7. aa jr to badha badha aeki saathe avaaz aape chhe..tamaro saade sau ne sambhalay chhe….je je mitro ke saga .lakshmi pati thaya te dwarikadhish thaay to tya to pattaranio nu ja samrajya chhe….!!!ahina
    je vo koi sudama ne koi usa ma javaa ni jarur j nathi…aek vakya bahu gamyu…te na aapela shirt karata mara chana daana …atyant effective…sentence-mara saathe tya mitro and own family chhe-ishwar ni maher chhe ke sau laher kare chhe…j o ke mahenat magaj and physically badha ae kareli j chhe…aetle j sudamao tya jaay j nahi–tya vala ahi aave tyare te saune sandhuye yaad aave-te sau ne -mara family ni vaat chhe-jo ke tya ye amone visari shakay ???
    naa j bhuli shake……..ha ve aevu thayu chhe ke ahi aava vu hoy to ye air ticket na lekha jokha jova pade…!!!!!
    roj aek samaye fon ni ringa vaage ke wife ka he ma ne ke upaad tara bhaila no fon hashe….bija samaye kahe uthav aalas na kar dikara ne bahu fon upar raah na jov ra vaay……
    aek pan week ke aek divas khali jaay te vu nathi thayu…
    BHAAV HRUDIYA NO AEVO NE AEVO J HOY
    PARANTU….A A AIR LINE WALA O NE HA VE KHABAR CHHE KE INDIA MA KYARE KAYO FESTIVAL CHHE…PAHELA MATR CHRISTMAS J …NOW NAVRATREE-DIWALI NEW YEAR ..air lines ae pramane j charges thoki le chhe…!!

    Like

Leave a comment