ચિરવિદાય

IMG_6548ચિરવિદાય

લગભગ એકાદ વરસથી નિયમિત બ્લોગ લખાતો નહોતો. એમાં મારા ઉપર ખુબ પ્રેમ રાખનારા ઘણા મિત્રો થોડા નારાજ પણ હતા. એમાં ઘણી બધી બાબતો ભાગ ભજવતી હતી. ન્યુ જર્સીથી પેન્સિલ્વેનિયા સ્થળાંતર કરવું. મારા શ્રીમતીનું કિડની ટ્રાન્સપ્લાન્ટ અને તેના પછી લેવાની કાળજી, ઘરમાં નાના પૌત્ર પૌત્રીનું આગમન, અને ફેસબુક પર મંત્ર્યા કરવાની આદત પણ સામેલ હતી. જોકે ફેસબુકે પ્રસિદ્ધિ પણ ખુબ આપી છે તેનો આભાર પણ માનવો પડે. એની સાબિતી હતી ગઈ સાલ દેશમાં ગયો ત્યારે ફેસબુક દ્વારા બનેલા મિત્રોએ ખુબ માનપાન આપ્યું હતું.

સોસિઅલ વેબસાઈટો ભલે આભાસી લાગતી હોય પણ એમાંથી એટલા બધા સહ્રદયી મિત્રો મળ્યા છે કે એને આભાસી કહેવાનું મન થતું નથી. અને એ મિત્રોએ અંગત સગાઓ કરતા પણ વધારે મારા શ્રીમતીની અણધારી ચિરવિદાય જેવા કપરા કાળમાં મને ફોન કરીને, મેસેજ કરીને, રૂબરૂ મળવા આવીને મને સાચવ્યો છે. લગભગ જાન્યુઆરીના બીજા અઠવાડીયાથી મારા વાઈફને ઉલટીઓ શરુ થઈ, ખાવાનું ટકે નહિ. એમને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું એટલે જ્યાં કરાવેલું તે હોસ્પિટલમાં જ દાખલ કરેલા. કિડની તો સરસ કામ કરતી હતી પણ એમને Carcinomatosis sarcoma નામનું કેન્સર થયેલું જેની કોઈને જલદી ખબર જ ના પડી. આ કેન્સર ધીમે ધીમે બધે ફેલાતું જાય છે. પેટના બધા અવયવો લીવર અને પછી ફેફસામાં આવે એટલે વાર્તા પૂરી.

ફાયનલ ખબર પડ્યા પછી ફક્ત ત્રણ અઠવાડિયામાં તો એમણે દમ તોડી દીધો. મૂળ સૌરાષ્ટ્રના જામનગરના પણ ન્યુયોર્કમાં જન્મેલા અને મોટા થયેલા ડૉ મિરલ ગ્રાધી પેટના કેન્સરના મુખ્ય સર્જન હતા તેમણે કહી દીધેલું કે ત્રણચાર અઠવાડિયા તો બહુ છે. આ રૂપાળી ડોક્ટર દીકરીને ગુજરાતી બોલતા બહુ ફાવે નહિ પણ એના મીઠા કાઠીયાવાડી લહેકામાં પૂછે ઈ તમે હમજ્યા? ત્યારે મનને શાંતિ પમાડતું. એમનો પ્રોફાઈલ જોતા એવા ડોક્ટર ભારતમાં હોય તો દર્શન દુર્લભ એવું ભારતના ડોકટર  મિત્રોનું કહેવું છે. ડૉ મિરલે ખાસ અંગત મીટીંગ કરી પછી ખાસ તો મારા વાઈફની અને હું તથા મારા ત્રણે દીકરાની સંમતિથી લાઈફ સપોર્ટ મેડિકેશન, ન્યુટ્રીશન વગેરે પહોચાડતા તમામ સોર્સ હટાવી લીધેલા. એના માટે જરૂરી પેપર્સ પર મારે સહી કરવાની હતી તે સમયે ભારતમાં ૧૨ માર્ચ, ૨૦૧૭નો સૂર્ય ઉગી નીકળ્યો હતો, બરાબર એજ ૧૨ માર્ચે ૧૯૮૨મા જેની સાથે વાજતે ગાજતે હસ્તમેળાપ કરીને જે હાથે પકડીને મારા જીવનમાં મારા ઘરમાં પ્રવેશ કરાવેલો એજ હાથે એજ તારીખે મેં એની અંતિમ વિદાય સહેલી બની શકે તે માટેના દસ્તાવેજ પર સહી કરી.

હવે આ દર્દી હોસ્પિસ સર્વિસ હેઠળ ગણાય એટલે ડાઈંગ પેશન્ટ. હવે ફક્ત પેઈન કીલર મોર્ફીન અને એક સિમ્પલ ગ્લુકોઝનો બાટલો ચડાવી રાખેલો. છેલ્લી લગ્નતિથિ કેક કાપીને હોસ્પિટલમાં ઉજવી. અમારી જીવન ઝરમર દર્શાવતો વિડીઓ મારા ભત્રીજી નિશાએ બનાવેલો મેં ફેસબુક પર મૂક્યો. અમારા લગ્નતિથિની એ પહેલી પોસ્ટ હતી એટલે મિત્રો અભિનંદનનો વરસાદ વરસાવે જતા હતા પણ એમને ખબર નહોતી કે આ છેલ્લી લગ્નતિથિ છે અને પોસ્ટ પણ તે બાબતની છેલ્લી છે. હું કદી એનિવર્સરીની પોસ્ટ મુકતો જ નહોતો. અંતિમ વિદાયની તૈયારી રૂપે મારા શ્રીમતી ભારતમાં રહેલા સગાવહાલા જોડે શક્ય વાતો કરી લેવા આતુર રહેતા. એમને ખબર હતી કે હવે બહુ દિવસ નથી છતાં જે મક્કમતા એમણે બતાવી તેના માટે મારી પાસે કોઈ શબ્દો નથી.

ડૉ મિરલ એમના ચાર્જમાં નહોતું છતાં રોજ એકવાર ખબર કાઢવા આવતા મારે ખભે હાથ ફેરવીને આશ્વાસન આપતા તમારા માટે શું કરી શકું તેમ રોજ પૂછતા. એમની કોઈ ફરજ નહોતી કે જરૂરી નહોતું છતાં કિડની ટ્રાન્સપ્લાન્ટ ટીમના બધા ડોક્ટર્સ અવારનવાર આવી ખબર કાઢી જતા. તમામ નર્સોની સેવા અદ્ભુત હતી. ૨૦૧૨થી વાઈફની કિડની કામ કરતી બંધ થઈ. પછી સેંકડો વાર હોસ્પીટલમાં દાખલ થયા હશે. નાનામોટા ઓપરેશન સાથે મોટું ઓપરેશન કિડની ટ્રાન્સપ્લાન્ટનું થયું પણ મેં કદી ICU જોયું નહિ. કોમન રૂમ જ ICU ની ગરજ સારે અને મળવા જવામાં કોઈ બંધન નહિ. કિડની ટ્રાન્સપ્લાન્ટ વખતે બીમાર માણસોને જવાની મનાઈ હતી અને સારા માણસોને માસ્ક લગાવીને જવાનું.

મરણપથારીએ પડેલા દર્દી માટે ગમે તેટલા સગા વહાલા ગમે તે સમયે ગમે તેટલી વખત આવી શકે છે કોઈ બંધન નહિ. હા ખાલી ગેસ્ટ પાસ લેવો પડે. છેલ્લા શ્વાસ લેતા દર્દીને હોસ્પિસ સર્વિસમાં મૂકી દે અને તે પેપર્સ ઉપર સહી થઈ જાય પછી કોઈ બિલ પણ નહિ. ઈમોશનલ અને સ્પિરિચ્યુઅલ સપોર્ટ માટે પાદરી મહારાજ જોઈતા હોય તો પણ મળે. સોસિઅલ વર્કર પણ રોજ આવે કોઈ તકલીફ તો નથી ને? આવી તમામ સગવડ હોસ્પિસ દર્દીને ઘેર પણ મળે. હોસ્પિટલ જેવો જ પલંગ અને નર્સ પણ ઘેર મળે. ઘરેલું વાતાવરણમાં દર્દી સગાવહાલા વચ્ચે છેલ્લા શ્વાસ લે તેવો આ પાપી પશ્ચિમના લોકોનો માનવતાવાદી અભિગમ છે. પણ અમે હોસ્પીટલથી ૧૧૦ માઈલ દૂર Scranton PA રહેતા હોવાથી અને મોટાભાગના સગાં ન્યુ જર્સીમાં જ હોવાથી હોસ્પીટલમાં જ રહેવાનું રાખેલું.

મને લાગતું હતું કે તે ખુબ થાકી ગયા છે. અંદર કેન્સર ઝડપથી ફેલાયે જતું હતું. એની પારાવાર પીડામાંથી તે મુક્તિ ચાહતા હતા.

Miss me but let me go

ભલે યાદ કરજો ખોટ પડશે મારી,

પણ હવે મને જવાદો હવે મને જવાદો.

થયો મારગ પૂરો મારો સૂરજ ગયો આથમી,

ને હું પણ થાકી છું ચાલી ચાલી તમારી સાથે.

ભલે યાદ કરજો ખોટ પડશે મારી,

પણ હવે મને જવાદો હવે મને જવાદો.

આંસુ વહાવતા નહિ થાઉં છું મુક્ત હવે,

કરશો ના વિલાપ થાઉં છું વિમુક્ત હવે.

ભલે યાદ કરજો ખોટ પડશે મારી,

પણ હવે મને જવાદો હવે મને જવાદો.

બહુ થાય વેદના તો જજો દોસ્તોને મુકામે,

ખુબ હસજો ને કરજો વાતો ઝાઝી.

ભલે યાદ કરજો ખોટ પડશે મારી,

પણ હવે મને જવાદો હવે મને જવાદો.

 

છેવટે ૨૭ માર્ચની રાતે લગભગ સાડા અગિયાર વાગે દીકરાઓના હાથ હાથમાં હતા અને હું બહાવરો બની ઘડીકમાં માથે હાથ મૂકતો ઘડીકમાં હૃદય પર તો ઘડીકમાં કાંડાની નસ ચેક કરતો હતો ને છેલ્લા શ્વાસ લીધા.

ये कौन अंधेरा छा गया की मेरा चाँद मुझसे बिछड गया ।

૩૫ વર્ષના સહજીવનનો આમ અચાનક બેત્રણ મહિનામાં અંત આવી જશે તે પારાવાર દર્દ આપનારું હતું. તે પણ ફાયનલ ખબર તો ત્રણ અઠવાડિયા પહેલા જ પડી કે હવે અંત નક્કી જ છે. એ ત્રણ અઠવાડિયા જે માનસિક પીડા સહન કરી છે તેનું શબ્દોમાં કોઈ વર્ણન નથી. ભલે સહજીવન ૩૫ વર્ષનું હતું પણ ઓળખાણ તો બહુ જૂની હતી. મારી વહાલસોઈ મારા મોટા ભાભી સાહેબના ભત્રીજી થાય એટલે એમની આંગળી પકડી તે સાવ નાના હતા ત્યારથી મારે ઘેર આવતા.

મિત્રોના મેસેજ રોજ ખબર પુછવા આવતા. પહેલો મેસેજ ફક્ત એક શબ્દ “ચિરવિદાય” નો મુકેશ રાવલને મોકલ્યો. મારા રેશનલ, ધાર્મિક, સામાજિક પાખંડોને ચીરતા લખાણોને લીધે મારા વૈચારિક અને અંગત વિરોધીઓ બહુ હોય એવું હું સમજતો હતો પણ હું ખોટો હતો, મને ચાહનારા મિત્રો અતિશય હતા તેની સાબિતી અઢળક મિત્રોએ આપેલી અંજલિ હતી. ખુબ મિત્રોએ વ્યક્તિગત પોસ્ટો મૂકી મૂકીને એમની આદરાંજલિ વ્યક્ત કરી હતી. મુકેશ રાવલ, નીવાબેન, અજયકુમાર પંચાલ, મનીષ દેસાઈ, લવજીભાઈ, સ્પન્દનબેન, ઐશ્વરી, ડૉ પ્રવીણ ભાટિયા જેવા અનેક મિત્રો વ્યક્તિગત સંદેશા મૂકી એમનો આદર વ્યક્ત કરેલો. ડૉ પ્રવીણનો મુંબઈથી અડધી રાતે ફોન આવ્યો કે બાપુ એકવાર બોલો આ સમાચાર ખોટા છે. કઈ રીતે કહું ખોટા છે? અનિલકુમાર ચૌહાણ, મહેન્દ્રસિંહ વાઘેલા, જયરાજસિંહ પરમાર, અશ્વિનસિંહ તાપરિયા જેવા મિત્રોએ પણ આગવી પોસ્ટ મૂકી ને શોક સંદેશા પાઠવ્યા. જયેન્દ્ર આશારાજી ફોન પર વાત કરી ચુકેલા હતા, એમણે એમની આગવી સ્ટાઈલમાં લખીને મારા ઘાવ પર મલમ લગાવવાનો પ્રયત્ન કર્યો તો ડૉ ઈરફાન સાથીયાએ મારા ફોટોગ્રાફ્સ ભેગા કરી સ્પેશલ વિડીઓ તો બનાવ્યો પણ અમારી સહજીવનની યાત્રાની કથની લખવામાં એમનું લાગણીશીલ હૃદય સાવ નીચોવી દીધેલું. હું તે પૂરું વાંચી શક્યો નહિ. એ વાંચીને ધ્રુસકે ધ્રુસકે રડનારા અનેક મિત્રો હતા.

મૌલિક જોશી અને મિલન સિંધવની ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ હતી તો ડૉ ભાનુભાઈ મિત્ર તો ફોન પર જ મારું દુખ હળવું કરી નાખનાર હતા. રીટાબેને એમની લાગણીશીલ શૈલીમાં વર્ણન સાથે લખ્યું

અજબ છે તારી સાદગીનો ફરેબ,

તને ‘બેવફા’ પણ નથી કહી શકતો,

ગજબ છે તારા પ્રેમનો ફરેબ,

તને ‘અલવિદા’ પણ નથી કહી શકતો.

દિલમાં સદાય રહેનારને પલભરમાં ભૂલી જવાનું,

યાર, જતા જતા આ ‘હુન્નર’ શીખવતી તો જા મને.

બસ આંખોમાં દરિયા ઉભરાતા હતા છેલ્લે આવ્યા જય વસાવડા. એ તો મારા શ્રીમતીને મળેલા વાતો પણ કરેલી. જયભાઈ એમના અતિશય વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે મને નવસારી જતા જતા ફોન પર લાંબી વાત કરે છે. એમણે પણ વ્યક્તિગત પોસ્ટ મૂકી એમની આદરાંજલિ રજુ કરી.

અજય પંચાલ, માલતીબેન, દિલીપ ભટ્ટ, ગીતાબેન, વિજય ઠક્કર, મેધાવીબેન એમના પતિદેવ, નિકેતા વ્યાસ, હિતેશ વ્યાસ આ બધા તો હોસ્પિટલમાં જ મળી ગયેલા. નિકેતા એ નાનીબેનની જેમ ખૂબ માનસિક સહારો આપ્યો તે આ હોસ્પીટલમાં જ કામ કરે છે. ધૃતિ સંજીવનો તો ઠપકો સાંભળવો પડ્યો કે સાવ નજીક રહું છું કીધું કેમ નહિ? આમાંના મોટાભાગના મિત્રો ફ્યુનરલમાં પણ હાજર રહ્યાં હતા. માંડ બેચાર શબ્દો બોલતા શીખેલો મારો નાનકો પૌત્ર અંશ એની લાડકી ‘બા’ ને કોફીનમાં સુતેલી જોઈ વારેઘડીએ બા બા બુમો પાડતો. એને થતું હશે બા આમ સૂઈ કેમ ગઈ હશે. હું બુમ પાડું છું ને ઉઠતી કેમ નથી? હોસ્પીટલમાં પણ બાના પલંગ પર ચડી જવાનું ને એની સાથે થોડીવાર સૂઈ જવાનું. બધા ફૂલો ચડાવે એટલે તે પણ ચડાવે રાખે. એનું ‘બા’ સાંભળી મારી આંખોમાં દરિયા ઉમટી આવતા પણ મારે એને જાહેરમાં વહાવી વહાલસોઈની આજ્ઞા ભંગ નહોતી કરવી એના માટે પારાવાર પ્રયત્નો કરવા પડતા હતા.

ક્રીમેશન ઉજવાઈ ગયું. શોકસભા પતી ગઈ. વતન માણસામાં પણ નાનાભાઈએ શોકસભા રાખી હતી. એમની કામ કરવાની ઝડપ, બોલવાની ઝડપ, આપણે એક વાક્ય બોલીએ તે ચાર બોલી નાખે, શ્વાસ લેવાની ઝડપ, હું એક શ્વાસ લઉં તે બે ખેંચી નાખે. સોળ વર્ષે લગ્ન, બાવીસ વર્ષ સુધીમાં ત્રણ દીકરા, છવ્વીસ વર્ષે એક કિડની ગુમાવી, છેતાલીસે બીજી કિડની પણ સત્યાગ્રહ ઉપર, અડતાલીસ વર્ષે પછી નવી મળી, આમ કાઈ તાવ શરદીમાં થોડું જવાય, એકાવનમાં તો નીકળ્યું કેન્સર ને મારી કહાની અધુરી મૂકી ઝડપથી ચાલી નીકળી કાયમ માટે. પણ કોઈ અજાણી આંખોમાં એની આંખોનો દીવડો હજુ ટમટમી રહ્યો છે. બસ મારે માટે હવે વેઠવાનો રહ્યો ભયાનક ખાલીપો..

 

મારા પ્રિય પત્નીની બીમારી અને અવસાન વખતે અઢળક મિત્રોએ આશ્વાસન આપ્યું છે, પ્રાર્થનાઓ કરી છે, દુઃખમાં સહભાગી બન્યા છે. તે દરેકને વ્યક્તિગત ઉત્તર આપવા આભાર માનવા સક્ષમ રહ્યો નથી.. તમામનો હ્રદયપૂર્વક ખુબ ખુબ આભાર માનું છું.

 

 

 

 

 

22 thoughts on “ચિરવિદાય”

  1. ઘણા સમય પછી કુરુક્ષેત્ર માં બ્લોગ વાંચી એક ઉત્સાહ જાગિયો ……. હા એ વાત નું હંમેશ માટે દુઃખ રહેશે કે જે આપણું સર્વ થી પ્રિય હતું એ હવે નથી…….

    અને માર્ચ ૧૨ …એ તારીખ માં જ કાઇંક ખોટ લાગે છે….. કેમ કે મારી પ્રિયતમા ના કર્ક રોગી ના સમાચાર મને પણ માર્ચ ૧૨ ના દિને જ મળેલા…

    જેટલું લખું કે કહું એ ઓછું છે….. હા એટલું જરૂર કહીશ કે જે કોઈ પણ આ સઁકતો માં હોઈ તો એમને તમારી પાસે થી પ્રેરણા લેવી …….. I know you are ‘crying’ inside you yet you have become inspirational icon to all of us.

    Like

  2. તમારા મેઈલ વાચ્યો ત્યારે અમોને સમગ્ર પરિસ્થિતિ ની જાણ થઈ નહીં તો આમોને આ પરીસ્થીતી / વિષય – વસ્તુ નો ખ્યાલ જ નહતો કારણ ઘણા સમયથી ફેસબુક પર કે મેઈલ દ્વારા તમારા તરફ કોઈ લેખ નહતા આવી રહ્યા અને અમે લોકો એ થકી જ તમારા સંપર્કમાં હતા
    જે થયું તે ઘણું દુખદ છે અને અમો આ દુખદ પળે આપની સાથે છીએ
    ઈશ્વર એમના આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના સાથે

    Like

  3. બાપુ મારી પાસે શબ્દો નથી. માનસિક વેદનાને ભંડારીને તમે ફેસબુક પર હસતા રહ્યા. લોકોને મળતા રહ્યા. ઘણાં નવા ઈમિગ્રાન્ટને હોસ્પિસ શું છે તે ખબર ન હોય પણ આ વેદના યુક્ત લેખમાં પણ એ માહિતી આપી એ યોગ્ય જ કર્યું. મારા પિતાશ્રીને પણ એ બધી સગવડ ઘરમાં જ મળી હતી. સ્વજનને દુખ રહિત વિદાય આપવાનું સહેલું નથી. પ્રભુ એમના આત્માને શાંતિ બક્ષે એ જ પ્રાર્થના.

    Like

  4. Ketlu radavso? Like me lots of ppl were not knowing.at we would prayed….any way it’s not easy to say good buy to loved ones ..but pray to god to give u strength…..

    Like

  5. બાપુસાહેબ, આપને શબ્દોનું વરદાન છે, પણ આવે પ્રસંગે, આપની એ શક્તિ લોકોને રોવડાવી નાંખે છે, જીવનસાથી જયારે સાથ છોડે એ તો એ જ સમજી શકે કેની ઉપર વીતી હોય, સંતાનોને પણ એમની ખોટ લાંબા ગાલા સુધી લાગે અને આપના પૌત્ર, જે જેને દાદીનું વ્હાલ જ જોયું છે એને તો એનો અસાંગળો લાગવાનો જ છે, આપને આ દુઃખમાં કોઈ ખભો આપી ન શકાયો એની વ્યથા છે પણ આપણા લાખાને તો એ વ્યથા વધાઈ દીધી,
    પ્રભુ ગતાત્માને ચીરશાંતિ આપે, એ જ પ્રાર્થના,

    Like

  6. રાઓલજી,
    દક્ષાબાની માંદગીથી લઈને એમની ચિર વિદાય સુધીનો સમય આપના માટે તો વસમો હતો જ પણ અમારા માટે પણ એ સમય ખુબ જ વસમો રહ્યો. હોસ્પિટલમાં તમારી આંખોમાં વેદના વાંચી હતી. એ મનમાં ઘર કરી ગઈ હતી. માલતીથી હોસ્પિટલની માંદગી કે કોઈનું મૃત્યુ સહન થતું નથી. એણે દક્ષાબાને વેદનાથી કરાહતાં જોયા હતા એટલે એ મુલાકાતથી અંતિમ ઘડી સુધી દરરોજ એ મને પૂછતી કે બાપુએ કોઈ સમાચાર આપ્યા? મેં કહ્યું હતું કે રોગની વાસ્તવિકતા અને ભયાનકતા જાણ્યા પછી કોઈ પણ ચમત્કારની આશા નકામી છે. આવું સ્વીકાર્યા પછી પણ તમારી સાથેની કલાકો સુધીની વાતચીતમાં આ બાબતના ઉલ્લેખ કર્યા વિના આપને સાંત્વન પૂરું પાડવાનું હતું જે આત્મવંચના જેવું લાગતું હતું. પણ શું કરું? એટલે વાતચીતનો દોર હમેશા બીજા વિષયો પર રાખીને આપને અને મને છેતરતો હતો.
    દક્ષાબાની અંતિમવિદાય વખતે પણ આપની કોરી આંખોમાં સુનકાર જોયો જે મારી આંખોને નમ કરી હાય હતા. હું ઈચ્છતો હતો કે આપ પણ આંસુઓના એ બંધને તોડીને વહેવા દો કેમ કે એ ખુબ જ જરૂરી છે, માનસિક અને શારીરિક સ્વસ્થતા માટે.
    ભલે લોકો ફેસબુકને આભાસી દુનિયા કહે પણ મારા માટે ફેસબુક હંમેશા ગાઢ મિત્રો આપતું જ રહ્યું છે. મિત્રતા થવા માટે નિમિત્ત શું બને છે એ મહત્વનું નથી. મહત્વ છે સબન્ધો અને સંપર્કોને હકારાત્મકતાથી જાળવી રાખવાનું. મારું માનવું છે કે પરિપક્વ મગજ ધરાવતા લોકો માટે મિત્રતા જાળવાનું અઘરું નથી હોતું એ આપોઆપ જ જળવાઈ અને સચવાઈ જ રહે છે. આપનું દુઃખ અસહ્ય છે પણ સમય એ વસમી પીડાને પણ હળવી બનાવશે. દક્ષાબા તમારી સ્મૃતિઓમાં તો રહેશે જ પણ અમારા મનમાં ય એમની સ્મૃતિઓ હંમેશા અંકિત રહેશે.

    Liked by 1 person

  7. Raolji ghana samay thi nava lekh ni rah joto hato kyarek hasya kyarek vaignyanik abhigam to kyarek 100% rationalism na lekh ane aaje achanak aavo hridaydravak lekh vanchine dukhadlagni anubhavu chhu ant ma RIP thi vadhu shabdo nathi.

    Like

  8. Jena sahare ne jeni sahaye aapani jivan naiya sadsadat vahi jati hoy ,evi priya patni ni chir viday ….jivan zurapa,ane khalipa thi bharide.
    Aa vasami palo ma pan je atmabal jalvyu chhe..e j tamne have navsarjan ni prerana arpe..evi ishavar ne prarthana.

    Like

  9. Shabdoj hasve ane shabdoj radave pan antarni vedana vyakt karvay suabdonu shashtra hovu jaruri chhe. Aapato shabdona swami chho. Aapana aa lekhthi aapani vedana amari bani gai, Ram ban vagya hoy e jane. Sept2ona mara 9ati pan Daxabenni jem kidney failna karane dodhvarshna dialysis bad chir viday laI gaya. Mane aapano aa lekh bahu asar kari gayo pan amri paseto shabdo nathi. Daxabenna atmane shanti male apane ekalta sahan karvani kshamta prapt thay evi apeksha. RIP.

    Like

  10. Bapu… I am getting your post regularly through Yahoo ID and used to read..but then delete them as they are ALL in your Separate Blog from where we can Read whenever we want.. But this I shall carefully Preserve and shall read often..n often.. Thnx and keep patience as you have kept uptill now..God bless us all..Jay mataji..Sanatkumar Dave (Dadu)..

    Like

  11. આ સમયે મને એક ગદ્ય કવિતા યાદ આવે છે. “બે નવ-પરણિત યુગલ ઈશ્વરને પ્રાર્થન કરે છે. ‘હે ઈશ્વર અમારા બન્નેનું જીવન સખમય,આનંદાયી બનાવજે, સદેવ પ્રેમ કરતાં રહીએ..પણ જો સંજોગો વશાત અમારા બન્નેમાંથી એકને કાયમ માટે વિદાય લેવાની થાય…તો અમને એવી શક્તિ અને હિંમંત આપજે કે અમો એ ગુમાવેલ સ્વજનની ગેરહાજરીમાં ઝુરી ઝુરી, દુઃખી થઈને ના જીવીએ,,જીવનને રસહીન ના બનાવીએ..બસ એવી હિંમંત આપજે કે તેમની સાથે ગાળેલા સારા દિવસો,સારા પ્રસંગો યાદ કરી કરી આનંદથી જીવીએ.”
    જીવનની આજ સાચી ફિલોસૉફી છે…શૉ મસ્ટ ગો ઓન!!! સારી યાદોને વગોળતા વગોળતા..વિશ્વદીપ બારડ

    Like

  12. MANNIIYA SHRI RAHOLJI BAPU. AFTER LONG TIME GET E-MAIL FOR LEKH. I READ IT AND SHOCK LIKE ELECTRIC CURRENT. VERY SORRY FOR YOUR LOSS OF YOUR ARDHANGNI. I KNOW BAPU HOW HALF BODY IS DEAD AND REST OF BODY FILL? THAT’S WHY CALL “ARDHANGNI” PREY FOR HER SOUL’S SILENCE. EVERY BODY WILL PASS LIKE THIS , THIS IS GOD” GIFT. “JANAM SATHE MARAN NAKKI CHE” NO BODY HAVE EXCUED. BAPU KEEP YOUR HEART HARDER. RIGHT TIME START ACTIVITY DIVRESIFY YOUR MIND IN ACTIVITY ,LIKE TEACH SOMETHING TO YOUR GRAND CHILD. WRIGHTING LEKH. ‘PREY NAMO ARIHANTANAM”

    Like

  13. કેવળ યુદ્ધના મેદાન પર જ વીરતાની જરૂર પડે છે એવું નથી. પોતાના મૃત્યુને સમયે
    મરનાર માટે અને સ્વજનના મરણ બાદ તે પરિસ્થિતિને જીરવવા બચનાર માટે પણ વીરતા
    જરૂરી હોય છે. તે ઘણાં ઓછા લોકોમાં હોય છે જેમાં તમે બંને પતિપત્ની આવો છો.

    2017-04-17 20:27 GMT-04:00 કુરુક્ષેત્ર :

    > Bhupendrasinh Raol posted: “ચિરવિદાય લગભગ એકાદ વરસથી નિયમિત બ્લોગ લખાતો
    > નહોતો. એમાં મારા ઉપર ખુબ પ્રેમ રાખનારા ઘણા મિત્રો થોડા નારાજ પણ હતા. એમાં
    > ઘણી બધી બાબતો ભાગ ભજવતી હતી. ન્યુ જર્સીથી પેન્સિલ્વેનિયા સ્થળાંતર કરવું.
    > મારા શ્રીમતીનું કિડની ટ્રાન્સપ્લાન્ટ અને તેના પછી લેવાની કાળજી,”
    >

    Like

  14. તમારો બ્લોગ તો ઘણા સમયથી વાંચું છું, પણ આ ચિરવિદાયના સમાચાર તો આજે વાંચ્યા. બહુ દુઃખદ કહેવાય.

    પ્રભુ દક્ષાબેનના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

    મનસુખલાલ ગાંધી
    Los Angeles, CA
    U..S.A.

    Like

Leave a comment